Opinion Magazine
Number of visits: 9484368
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Alexander Forbes : British Adhikaari

લલિત ખંભાયતા|Opinion - Literature|8 September 2015

એલેક્ઝાન્ડર ફાર્બસઃ બ્રિટિશ અધિકારી

ગુજરાતી સાક્ષર કઈ રીતે બન્યા?

એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ પરદેશી હોવા છતાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃિતમાં તેમનું પ્રદાન મહત્ત્વપૂર્ણ છે. દોઢસો વર્ષ પહેલાં અવસાન પામેલા ફાર્બસે સતત સંઘર્ષ કરીને પણ ગુજરાતમાં અર્વાચીનતાના સૂર્યોદયની છડી પોકારી હતી. ૧૯મી સદીમાં જઈને જાણીએ એમનો સંઘર્ષ અને તેમની સફળતા ..

નવેમ્બર ૧૫, ૧૮૪૩. દિવસો પહેલાં લંડનથી નીકળેલું જહાજ આજે મુંબઈની ગોદીમાં આવી પહોંચ્યું. જહાજમાંથી મુસાફરો ઊતરવા શરૂ થયા. મુંબઈના બારામાં આવતાં જહાજો અને તેમાંથી ઊતરતાં બ્રિટિશરો .. એ રોજનો ક્રમ હતો. પણ એ દિવસે એક ૨૨ વર્ષનો યુવા બ્રિટિશર જહાજમાંથી ઊતર્યો. બ્રિટનની કંપની સરકારે આઈ.સી.એસ. થયેલા જુવાનને હિન્દમાં નોકરીએ મોકલ્યો હતો.

યુવાન ભારતની ધરતી પર તો પ્રથમવાર જ પગલાં માંડી રહ્યો હતો. પણ પોતાના અભ્યાસને કારણે તેને ભારત વિશે જાણકારી હતી. ખાસ તો કોલેજકાળમાં યુવાને સ્થાપત્યવિદ્યા અને ભારતીય કળા સંસ્કૃિત વિદ્યા (ઈન્ડોલોજી)નો અભ્યાસ કર્યો હતો. પુસ્તકમાં ભણેલા એ પાઠો હવે અહીં ભારતમાં તેને વાસ્તવમાં જોવા મળવાના હતા. એ યુવાનનું નામ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ.

*  *  *

લંડનમાં જન્મેલા ફાર્બસ વગર આજે ગુજરાતી સાહિત્ય-ભાષાના ઇતિહાસની વાત થઈ શકે એમ નથી, એટલું માતબર તેમનું પ્રદાન છે. દલપતરામના તેઓ મિત્ર હતા અને તેમના અવસાન પછી દલપતરામે લાંબી કવિતા પણ લખી હતી, જે ગુજરાતી સાહિત્યમાં 'ફાર્બસ વિરહ' તરીકે જાણીતી છે. એટલી માહિતી ઉપરાંત પણ ફાર્બસ વિશે જાણવા જેવુ ઘણું છે!

*  *  *

૧૮૬૫ની ૩૧મી ઓગસ્ટે ફાર્બસે દેહ છોડયો ત્યારે તેઓ પૂના હતા. ફાર્બસના મૃત્યુની દોઢ સદી પ્રસંગે તેમને યાદ કરીને સાહિત્યિક સંશોધક દીપક મહેતાએ ફાર્બસ અંગે રસપ્રદ પુસ્તક તૈયાર કર્યું છે, 'અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર – એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ઃ જીવન અને કાર્ય'. એ પુસ્તક માહિતી આપે છે કે શા માટે પરદેશી ફાર્બસને ગુજરાતી અર્વાચીનતાના છડીદાર ગણવા રહ્યા?

*  *  *

બ્રિટિશ સત્તાધીશોએ એવો નિયમ બનાવ્યો હતો કે જેમની હિન્દુસ્તાનમાં નોકરી લાગે તેમણે હિન્દુસ્તાની ભાષા શીખવી ફરજિયાત છે. એ નિયમ હેઠળ જ ફાર્બસ હિન્દુસ્તાની ભાષા શીખીને મુંબઈ ઊતર્યા હતા. એ વખતે ગુજરાત નામનો અલગ પ્રાંત ન હતો. જે વિસ્તાર હતો એ મુંબઈ ઈલાકો હતો. ૨૦૦થી વધારે રજવાડાંઓ અને બીજા કેટલાક ટુકડાઓ મળીને બનેલા મુંબઈ પ્રાંતમાં અનેક ભાષાઓ બોલાતી હતી. માટે મુંબઈના ગવર્નરે વળી નિયમ આકરો બનાવતાં એવુ નક્કી કર્યું કે મુંબઈ પ્રાંતમાં નોકરી કરવી હોય તો એક હિન્દુસ્તાની ઉપરાંત એક સ્થાનિક ભાષા પણ શીખવી જોઈશે. અને તો જ પ્રમોશન મળશે.

ભાષાને વળગેલું ભૂર

ફાર્બસ ભારત આવ્યા ત્યારે એટલે જ તેમણે ગુજરાતી શીખવાનું નક્કી કરી લીધું, કેમ કે એ તેમની મજબૂરી હતી. ભાષાના શિક્ષક તરીકે તેમને મળ્યા કવિ દલપતરામ. તેમની પાસેથી ભાષાનો અભ્યાસ કરતાં કરતાં ફાર્બસને ખબર પડી કે આ વિસ્તારનો (એટલે આજના ગુજરાતનો) સાંસ્કૃિતક ઇતિહાસ ભારે સમૃદ્ધ છે. પરંતુ અત્યારે તો (૧૯મી સદીના મધ્યાહ્ને) હાલત ખંડેર જેવી છે. એ વખતે અમદાવાદ માન્ચેસ્ટર હતું નહીં. એક સામાન્ય શહેર હતું અને એ પણ ખાડે ગયેલું.

ગુજરાતી શીખી રહેલા ફાર્બસે એટલે સૌથી પહેલાં તો જનજીવન સુધરે એ માટે પ્રયાસો શરૂ કર્યા. ૧૮૪૮માં નાતાલ વખતે રજાઓ ગાળવા ઊપડી જવાને બદલે બીજા અંગ્રેજોને ભેગા કરી એક સંસ્થા સ્થાપી. એ સંસ્થા એટલે આજની 'ગુજરાત વિદ્યાસભા', પણ ત્યારનું નામ હતું, 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'. એ સંસ્થાનું કામ સાંસ્કૃિતક વિકાસ કરવાનું હતું. સાથે સાથે ફાર્બસે શાળાઓ શરૂ થાય, લોકોનો વાંચન રસ-રુચી વધે, એવી સંસ્થાઓ સ્થાપવા પણ સામાજિક અગ્રણીઓને પ્રોત્સાહન આપ્યું. સોસાયટીની સ્થાપના થતાં પહેલું કામ અમદાવાદમાં ગ્રંથાલય શરૂ કરવાનું કર્યું. આજે 'હિમાભાઈ ઈન્સ્ટિટયૂટ' તરીકે અમદાવાદમાં ધૂળ ખાતી એ ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી હતી.

ઇતિહાસ સમૃદ્ધ છે, પણ નોંધ ક્યાં?

અભ્યાસ કરતાં ફાર્બસને જણાયું કે ગુજરાતનો જોઈએ એવો ઇતિહાસ ક્યાં ય નોંધાયો નથી. તો પછી એક પ્રાંત તરીકે ગુજરાતનો ઇતિહાસ શા માટે તૈયાર ન કરવો? ફાર્બસે એ માટે દલપતરામને કામે લગાડયા. પ્રાચીન હસ્તપ્રતો, ગ્રંથો, દસ્તાવેજો, શિલ્પો, સ્થાપત્યો .. જેમાંથી જાણકારી મળી શકે એમ હોય તેનો અભ્યાસ કર્યો. દલપતરામને સાથે લઈને ફાર્બસ જ્યાં-ત્યાં ફરી વળ્યા. ઇતિહાસ લખવા માટે જોઈએ એવી સામગ્રી એકઠી કરી.

ચાલુ નોકરીએ ઇતિહાસ લખવાનું કામ સરળતાથી નહીં કરી શકે એમ લાગતાં ફાર્બસ ૩ વર્ષની રજા લઈ ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા. ભારતમાં રહીને દલપતરામની મદદથી જે સંદર્ભ સામગ્રી એકઠી કરી હતી, તેનો ઉપયોગ કરી ફાર્બસે ઇતિહાસ લખ્યો. ૧૮૫૬માં એ ઇતિહાસ બે ભાગમાં પ્રકાશિત થયો, જે આજે 'રાસમાળા' તરીકે ઓળખાય છે. રાસમાળા નામને રાસ-ગરબા સાથે સંબંધ નથી. પરંતુ રાસ અથવા રાસો એ ગુજરાતી ભાષા જ્યારે ગુજરાતી પણ ન હતી એ જમાનાનો સાહિત્ય પ્રકાર છે. તો વળી ભગવદ્દગોમંડલ રાસોનો અર્થ 'જૈન કવિઓએ રચેલ કાવ્યપ્રબંધ' એવો કરે છે. એટલે પ્રાચીન ગ્રંથો 'મુંજરાસો', 'પૃથુરાજરાસો' વગેરે નામે ઓળખાય છે. ટૂંકમાં રાસો એ એક સાહિત્ય-લખાણ પ્રકાર છે. અને માળા એટલે સિરીઝ. ગુજરાતી ભાષાના ઇતિહાસની પહેલી સિરીઝ એટલે રાસમાળા.

બ્રિટનમાં ભણતા હતા ત્યારે ફાર્બસની ઈચ્છા ઈજનેર થવાની હતી. ઈજનેર તો ન થયા પણ સ્થાપત્યો-બાંધકામો અંગે તેમને જાણકારી હતી, જે ભારતમાં કામ લાગી. એક વખત પાટણમાં વનરાજ ચાવડાના શિલ્પનો ફોટો પાડવાની કોઈએ તેમને ના પાડી તો ફાર્બસે ઊભાઊભ તેનું રેખાચિત્ર બનાવ્યું અને પાછળથી તેમાં રંગો પણ પૂર્યા. એવાં ઘણાં ચિત્રો ફાર્બસે તૈયાર કર્યાં હતાં, કેમ કે ચિત્રકળામાં પણ તેઓ ઉસ્તાદ હતા. રાસમાળામાં આવા ચિત્રો પણ હતાં. ફાર્બસે પોણા બે સદી પહેલાં ગુજરાતનો સચિત્ર ઇતિહાસ તૈયાર કર્યો હતો!

ગુજરાતના પછી તો ઘણા ઇતિહાસ લખાયા. પણ ફાર્બસનો ઇતિહાસ પ્રથમ હોવા ઉપરાંત તેની લાક્ષણિકતાને કારણે મહત્ત્વનો છે. કેમ કે તેમણે ઇતિહાસ લખવા માટે પહેલી વખત હિન્દુ લેખકોનાં લખાણો, શિલાલેખો, વહી-વંચાઓના ચોપડા, શિલ્પ-સ્થાપત્યો વગેરેનો અભ્યાસ કરીને ઇતિહાસ લખ્યો હતો. તો વળી મેઘાણીએ નોંધ કરી છે કે પરદેશી હોવાને નાતે ફાર્બસ સાહેબ તટસ્થ રીતે તવારીખ નોંધી શક્યા છે.

આજે રાસમાળામાં ઘણી ભૂલો જણાય, કેમ કે આપણે માહિતી વિસ્ફોટના યુગમાં જીવીએ છીએ. સવાલ થાય ત્યાં ગૂગલનો સહારો લઈ શકીએ છીએ. પરંતુ તેનાથી ફાર્બસની મહેનત અને રાસમાળાનું ઐતિહાસિક મૂલ્ય ઓછાં નથી થઈ જતાં. રાસમાળાની રચના પછી સાડા ત્રણ દાયકા સુધી લખાયેલા ગુજરાતી સાહિત્ય પર રાસમાળાની પ્રચંડ અસર રહી છે. મહિપતરામ નીલકંઠે નોંધ કરી છે કે નંદશંકર મહેતા લિખિત પ્રથમ ગુજરાતી નવલકથા 'કરણઘેલો' રાસમાળાથી પ્રભાવિત હતી. 'પ્રબંધચિંતામણિ' ગુજરાતી ઇતિહાસનો આધારભૂત ગ્રંથ ગણાય છે. ફાર્બસે તેનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો હતો.

જ્યાં કામ, ત્યાં કમાલ

ફાર્બસે સુરત, અમદાવાદ, ધોળકા-વિરમગામ, મહિકાંઠાની એજન્સી, ઈડર .. વગેરે સ્થળે કામ કર્યું અને દરેક સ્થળે સાંસ્કૃિતક વિકાસની શરૂઆત કરી દીધી. અંગ્રેજ હતા, ચામડીનો કલર અલગ હતો .. છતાં પણ ફાર્બસને લોકો સ્વીકારતા હતા. કેમ? કેમ કે તેઓ દેશ તેવો વેશ કહેવતને જીવનમાં ઉતારી ચૂક્યા હતા. એ વખતે ભારતીયો સામાન્ય ગોરા અમલદારને પણ સાહેબ તરીકે માન-પાન આપતા હતા. ફાર્બસ તો માઈ-બાપ ગણવા પડે એવા હોદ્દા પર હતા. છતાં ય ફાર્બસ ધાર્મિક સ્થળોમાં જાય તો બૂટ બહાર ઉતારતા હતા. બેસવા માટે ખુરશી-ટેબલ ગોઠવાય તો પણ જમીન પર શેતરંજી પાથરીને બેસતા. એટલે સ્થાનિક લોકો તેને આસાનીથી સ્વીકારી લેતા અને તેમની સાથે મૈત્રીપૂર્ણ વર્તાવ કરતા હતા.

પોતાના કામ માટે ફાર્બસ જે શીખવું પડે એ શીખવા તૈયાર હતા. દલપતરામ સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા. તો ફાર્બસે એ સંપ્રદાયની પણ ખાસ્સી જાણકારી મેળવી હતી. એટલે એ વખતે તો એવી વાતો પણ થતી હતી કે ફાર્બસ ટૂંક સમયમાં ખિસ્ત્રી ધર્મ ત્યજીને સ્વામીનારાયણ ધર્મ અંગીકાર કરવાના છે! ઊંચેરા અંગ્રેજ અમલદાર હોવાને કારણે ફાર્બસ પાસે કેમેરા પણ હતો. ફોટોગ્રાફી એ જમાનામાં સાવ નવી કળા હતી. પરંતુ પોતાના કામ માટે ઉપયોગી હોવાથી ફાર્બસે એ નવી કળા પણ હસ્તગત કરી લીધી હતી.

સોરઠના ઓખામંડળમાં વાઘેરોના બળવા વખતે તેમણે સોમનાથ-પાટણની મુલાકાત લીધી અને સોમનાથ મંદિરના કેટલાક ફોટા પણ પાડયા. એ ફોટા આજે અત્યંત મહત્ત્વના દસ્તાવેજો ગણાય છે. કેમ કે ફાર્બસે ફોટા પાડયા હતા, એ સોમનાથ મંદિર આજે રહ્યું નથી. એ જૂના મંદિરનું બાંધકામ કેવું હતું એ સમજવા ફાર્બસ અને તેના જેવા બીજા અભ્યાસુએ પાડેલા ફોટોગ્રાફ્સ જ કામ આવી શકે એમ છે. એ વખતે ફાર્બસ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ હતા. વાઘેરોનો બળવો કાબૂમાં લેવા જ તેમને મોકલાયા હતા અને તેમણે એ કામ બખૂબી પાર પાડયું હતું.

૧૮૫૦ની સાલમાં સરકારે તેમની બદલી મુંબઈ કરી. દલપતરામને સાથે લઈ તેઓ મુંબઈ જવા નીકળ્યા. ખંભાત સુધી બળદગાડામાં અને ત્યાંથી આગબોટમાં પ્રવાસ કર્યો. છ દિવસનો એ પ્રવાસ પૂર્ણ કરી ફાર્બસ મુંબઈ તો પહોંચ્યા પણ અહીં તેમને લાંબો સમય કામ કરવાનું થયું નહીં. થોડા સમયમાં સુરત બદલી થઈ. ભારત આવ્યા ત્યારે તેમની નોકરી આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાની હતી. પણ સુરતમાં આગળ વધતાં વધતાં તેઓ જજના હોદ્દા સુધી પહોંચ્યા હતા. સુરતમાં પણ તેમણે સાહિત્ય-સંસ્કૃિતને મહત્ત્વ મળે એવી સંસ્થાઓ સ્થાપી. કોઈ વ્યક્તિ પાસેથી માહિતી-મદદ મળે, તેને તેઓ સારું એવુ વળતર આપતા હતા.

પોતે શરૂ કરાવેલી સંસ્થાઓ બરાબર કામ કરે છે કે કેમ એ જોવા ફાર્બસે એક વખત ખેપાની આઈડિયા અમલમાં મૂક્યો હતો. મુંબઈ બદલી થયા પછી ૧૮૬૪ના ડિસેમ્બરમાં ફાર્બસ વેશપલટો કરીને અમદાવાદ આવ્યા હતા. અહીં આવીને વર્નાક્યુલર સોસાયટી વગેરે બરાબર કામ કરે છે કે કેમ તેની તપાસ કરી હતી!

જાણકારી .. ભાષાની અને ભૂગોળની

ફાર્બસે સાહિત્યિક કામગીરીની શરૂઆત અનુવાદથી કરી હતી. દલપતરામ પાસેથી તેઓ કવિતા દ્વારા ગુજરાતી શીખી રહ્યા હતા. સાથે સાથે તેમણે દલપતરામે લખેલા 'ભૂતનિબંધ'નો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો એ પહેલો અંગ્રેજી અનુવાદ હતો. નામ પ્રમાણે જ નિબંધમાં ભૂત-પલીત અંગેની ગેરમાન્યતાઓની વાત કરવામાં આવી હતી.

મુંબઈ ઈલાકામાં કામ કરતા હોવા છતાં ફાર્બસ ગુજરાત પ્રાંતની ભૌગોલિક સીમાઓ અંગે સ્પષ્ટ હતા. એટલે જ તેમણે તાપીથી માંડીને ઉત્તરમાં બનાસ સુધીનો ઇતિહાસ સાંકળી લીધો છે. ફાર્બસે ગુજરાતની જે સીમાનો ઉલ્લેખ કર્યો છે, એ આજના ગુજરાત કરતાં ખાસ અલગ નથી. એટલે ગુજરાતી પ્રજાની સંસ્કૃિત ક્યાં પૂરી થાય છે અને મરાઠી સહિત સંસ્કૃિત ક્યાંથી આરંભાય છે, તે ફાર્બસે બરાબર પારખ્યું હતું.

મોભાદાર નોકરી કરતો મુફલિસ અંગ્રેજ

૧૮૪૬માં તેઓ મુંબઈ હાઈકોર્ટના જજ હતા. એ વખતે બીમાર પડયા. ડોક્ટરોએ તેમને સલાહ આપી કે તમે પૂના જઈને હવા-ફેર કરો. ફાર્બસ પૂના ગયા અને એ તેમની છેલ્લી સફર સાબિત થઈ. તેમને મગજની કશીક બીમારી હતી. તેમાંથી બેઠા થઈ શક્યા નહીં. ૧૮૬૫ની ૩૧મી ઓગસ્ટે ફાર્બસ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું ૪૩મું વર્ષ ચાલતુ હતું. જિંદગીના ૪૩ પૈકી ૧૩ વર્ષ તેમણે ગુજરાતને આપ્યા હતાં.

એ વખતના અંગ્રેજ અમલદારોની માફક ફાર્બસે ધન-સંપદા ભેગી કરી ન હતી. પોતાનો પગાર આવતો એમાંથી ઘણી રકમ સાહિત્ય-લેખન-સંશોધન પાછળ ખર્ચાતી હતી. એટલે થયું એવું કે મૃત્યુ વખતે ફાર્બસની સંપત્તિ પૂરા ૧૦૦ પાઉન્ડ પણ ન હતી. તેમની નોકરી મોભાદાર હતી, પણ છેવટે તેઓ મુફલિસ સાબિત થયા હતા. બ્રિટિશ સરકારી અમલદાર માટે એ રકમ બહુ નાની કહેવાય. રકમ નાની હોવાનો અહેસાસ ફાર્બસ પરિવારને ટૂંક સમયમાં થયો. ફાર્સબનાં પત્ની અને છ સંતાનોનું ગુજરાન ૧૦૦ પાઉન્ડમાં ક્યાં સુધી ચાલે? તેમની પાસે ઈંગ્લેન્ડ પરત ફરવાની જોગવાઈ પણ ન હતી. એટલે ગુજરાતી સભાએ ફાર્બસનાં પત્ની પાસેથી ફાર્બસની હસ્તપ્રતોની ખરીદી કરી તેમને આર્થિક મદદ કરી હતી.

એટલે છડીદાર હતા ..

તો ફાર્બસ પ્રથમ ગુજરાતી સાહિત્યિક સંસ્થાના સ્થાપક હતા, પ્રથમ લાયબ્રેરીના સ્થાપક હતા, ગુજરાતી નિબંધનો પ્રથમ અંગ્રેજી અનુવાદ કરનારા હતા, અમદાવાદનું પ્રથમ ગુજરાતી અખબાર 'વરતમાન' શરૂ કરાવનાર હતા, પ્રથમ વખત ગુજરાતનો ઇતિહાસ લખનારા હતા .. એવા ઘણાં કામો પ્રથમ વખત કરનારા હતા .. અને એટલે જ તેઓ ગુજરાતમાં અર્વાચીનતાના છડીદાર હતા!

સૌજન્ય : ‘સમયાંતર’, ‘રવિ પૂર્તિ’, “ગુજરાત સમાચાર”, 06 સપ્ટેમ્બર 2015

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/smyatar6347

Loading

8 September 2015 admin
← Anaamat ane Gnaatigat Ganit : Tyaare wne Atyaare
Dharma Saame Savaalo Kare Tene Dhamkaavavaanaa ? →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved