Toni Ruuska અને Pasi Heikkurinen યુનિવર્સિટી ઑફ હેલ્સિન્કીમાં પ્રોફેસરો છે. એમણે ‘ડૉમિનેશન, પાવર, સુપ્રિમસી : કન્ફ્રન્ટિન્ગ ઍન્થ્રોપોલિટિક્સ વિથ ઇકોલૉજિકલ રીયાલિઝમ’ શીર્ષકથી એક દીર્ઘ લેખ કર્યો છે અને સાર્વજનિક ઉપયોગ માટે March 2020Sustanibility- માં પ્રકાશિત કર્યો છે.
લેખમાં છે એ એમની વાતો વિશે મને જ્યારે જ્યારે જરૂર જણાશે, કહીશ; અર્થ ઘટાવીશ કે વિવરણ-વર્ણન કરીશ.
હું એમ માનું છું કે અનુ-માનવવાદને સમજવા માટે એની તુલના માનવવાદ સાથે પણ કરવી જોઈએ.
એ સંદર્ભમાં, આ લેખકોએ બે કોઠા આપ્યા છે, ટેબલ્સ.
પહેલો કોઠો —
કોઠા તેમ જ તેમાં હોય એ પારિભાષિક સંજ્ઞાઓ પણ્ડિતોને વધારે ફાવે, આપણને તો તત્ત્વના સારની જરૂર વધારે હોય છે, કેમ કે વાત ગળે ઊતરી જવી જોઈએ.
પહેલા કોઠામાં મુકાયેલા ઇકોલૉજિકલ રીયાલિઝમની તેમ જ ઍક્સ્યોલૉજિની વાત હું નથી કરતો, કેમ કે એથી એટલું જ સૂચવાય છે કે આ બન્ને વાદોની વિચારસણી અનુસાર, પર્યાવરણીય વાસ્તવ પર શી અસર થાય છે, અને ઍક્સ્યોલૉજિ એટલે કે મૂલ્યોના ફિલસૂફીપરક અધ્યયન અનુસાર, મનુષ્યોની વિશેષતા, સર્વોપરીતા, વગરેનું શું મૂલ્ય અંકાય છે.
બાકીના વક્તવ્યને ગુજરાતીમાં મૂકું અને સમજવાનો તેમજ સમજાવવાનો પ્રયાસ કરું :
સત્ એટલે બીઇન્ગ, એટલે કે જે જેમ છે તે, બીઇન્ગ, તેને વિશેની વર્ણના તે સત્-વિદ્યા, ઑન્ટોલૉજિ.
સત્-વિદ્યા અનુસાર, માનવવાદમાં મનુષ્યો અને પ્રકૃતિ બન્ને વિશે વિચારાય છે, જ્યારે અનુ-માનવવાદમાં મનુષ્યો અને પ્રકૃતિને એકરૂપમાં, સમ્પૃક્ત સ્વરૂપે, અભિન્ન રૂપમાં જોવાય છે. પહેલામાં, મનુષ્ય અને પ્રકૃતિ જુદાં, બીજામાં, જુદાં નહીં. સમજાય એવું છે.
જ્ઞાનનાં સ્વરૂપ, મૂળ અને કાર્યનો વિચાર જેમાં થાય છે, તે જ્ઞાનમીમાંસા, ઍપિસ્ટિમોલૉજિ.
જ્ઞાનમીમાંસા અનુસાર, માનવવાદમાં સ્વ-પરનું દ્વૈત છે. હું તે સ્વ, અને બીજાં તે પર. બન્ને જુદાં પણ જોડાયેલાં. એક તરફ મનુષ્ય છે, બીજી તરફ બીજા જીવો અને પ્રકૃતિ સમેતની સૃષ્ટિ છે. અહીં સમજવાનું એ છે કે મનુષ્ય સૌથી ચડિયાતો છે અને સૃષ્ટિનો કર્તાધર્તા છે.
જ્યારે અનુ-માનવવાદમાં, કર્તાઓની જાળ (ઍક્ટર-નેટવર્ક્સ), વર્ણસંકરો (હાઇબ્રિડ્સ) અને સંયોજનો (કૉલાજીસ) હોય છે.
‘ઍક્ટર-નેટવર્ક્સ’ એટલે શું? એ એક સિદ્ધાન્ત છે. તદનુસાર, મનુષ્ય, વસ્તુઓ કે ટૅક્નોલૉજિ એકબીજા સાથે જોડયેલાં છે, સંયુક્ત છે, એમની એક જાળ છે. અને તે દરેક, કર્તા છે, જાળમાં રહીને ઍકટ કરે છે, તેથી ઍક્ટર્સ કહેવાય છે. જાળ છે તેથી દરેકની ક્રિયા અને કાર્યની એકમેક પર અસર પડે છે. પણ સમજવાનું એ છે કે એમાંનું કોઈ કોઈથી ચડિયાતું કે ઊતરતું નથી. અનુ-માનવવાદ હાયરાર્કિ – વ્યવસ્થાને, ઉચ્ચાવચતાને, ધરાર નકારે છે.
‘હાઇબ્રિડ્સ’ એટલે શું? અનુ-માનવાવદીઓનું મન્તવ્ય છે કે મનુષ્યો અને મશીનો વચ્ચેની તેમ જ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેની સીમાઓનો લોપ થઈ રહ્યો છે. હાઇબ્રિડિટી એટલે હું કહી ચૂક્યો છે, વર્ણસંકરતા. અનુ-માનવવાદ વર્ણોની, હસ્તીઓની, એક અકબંધ ઓળખના ખયાલને પડકારે છે, અને તેમની સંકરતા કે ભેળસેળ કે સંમિશ્રણો સૂચવે છે. દર્શાવે છે કે નિરન્તર આપણે બનવાની – બીકમિન્ગની – પ્રક્રિયામાં છીએ.
(અવિનાશ પારેખના “કૉફીમેટ્સ”-ના મારા ‘અન્તિમ’ વ્યાખ્યાનમાં, કદાચ ૨૦૧૧-માં, મેં ‘ટુ બી’ અને ‘ટુ બીકમ’-ના ધૉરણે, પોતાનું હોવાપણું ભૂલીને માણસની કશુંક બનવા તરફની લ્હાયનું અને પ્રગતિ પાછળની એની દોટનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે.)
‘કૉલાજિસ’ એટલે શું? નવતર ઓળખતત્ત્વો કે વિચારતત્ત્વોનાં સંયોજનો કૉલાજિસ છે. એ સૂચવે છે કે આપણી આજની દુનિયાનું રૂપ વર્ણસંકર છે, નાનારંગી છે. પૂછે છે કે મૂળ રંગ કયો હતો અને હવે કયો છે. મૂળભૂતતા અને અધિકૃતતા શું હતાં, આજે શું છે?
માણસ અને ટૅક્નોલૉજિ એકાકાર છે હવે એનાં જિવાયેલાં અને જિવાતાં દૃષ્ટાન્તો યાદ કરો. આપણે ત્યાં રેડિયો આવ્યો, કદાચ ફિફ્ટીઝમાં. આંગણિયે કે ઝરુખે નાચતી-ગાતી યુવતીઓનાં દૃશ્યો ક્રમે ક્રમે ઘટી ગયાં. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર આવ્યું, લોકો ખભે લઈને ફરવા લાગ્યા. સી.ડી. આવી, સંગીતના પરમ્પરાગત જલસા ઓછા થયા. આપણે ઉષા મંગેશકરના ગાયનને કૅસેટથી સાંભળતા થઈ ગયા. કમ્પ્યુટર આવ્યું, કાગળ-પેન અદૃશ્ય થયાં, સાહીના ખડિયા સૂકાઇ ગયા. પેલા નાના ઘડા જેવા કાળા ને નમ્બર માટે કચડ કચડ બોલતું ચકરડું ફેરવવું પડે, એ ફોન ગયા. મારા વતનમાં, ગામ આખામાં માત્ર ૩ કે ૪ ફોન હતા! આજે તો કોઈપણ પૃથ્વીબાળને ફોન વિના કલ્પી શકાતો નથી.
(મારા “વસ્તુસંસાર” નિબન્ધસંગ્રહમાં મેં વસ્તુઓને કારણે થતાં રહેતાં પરિવર્તનોની હળવી હળવી વાતો કરી છે).
સ્પેસ-બસ —
આપણાં હાથ-પગ આંગળાં અને મસ્તિષ્કને આ બધાં ‘રમકડાં’ વિનાનાં વિચારવાં અશક્ય છે. હું ભલે ટૅક્નોલૉજિ જાણતો નથી પણ આવીને એ મારા ખૉળામાં પડે છે. એની સરજતો વડે મારી જીવનશૈલી ઘડાતી ચાલે છે. જરૂર પડ્યે, માણસ પોતાના પગે દોડતો’તો, હવે ટ્રેનથી દોડે છે, ને પ્લેનથી ઊડે છે. એને ચન્દ્ર પર ને મંગળ પર જવું છે, ટૅક્નોલૉજિ લઈ પણ જશે. જો કે, ત્યારે, સર્વથા સજ્જ સ્નીપેસ-બસની સીટમાં એ બેઠો તો હશે, પણ હૃદય પર હાથ મૂકીને અવારનવાર ધબકાર તો તપાસી જ લેશે.
ટૅક્નોલૉજિએ જીવન બદલ્યું છે, માણસને બદલ્યો છે. અનુ-માનવવાદને એ જ કહેવું છે, પણ સૂચવવું એ છે કે માનવ્યનો ક્ષય થઈ રહ્યો છે, ચેતો.
બીજો કોઠો અને તે અનુષંગે, હવે પછી.
(ક્મશ:)
(25Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર