
સુમન શાહ
આપણો સર્જક કે વિવેચક જો આધુનિક ‘પછી’-નું તે ‘અનુ-આધુનિક’ એમ સમજીને ચાલતો હોય તો એ સમજ સમયવાચી છે. આપણને એમ લાગે ખરું કે આપણે ત્યાં આધુનિક સાહિત્ય અમુક દાયકામાં આછરી ગયું અને તે પછી અનુ-આધુનિક સાહિત્ય શરૂ થયું. તેમછતાં, એ સમયનિર્દેશોથી કશો વિશેષ પ્રકાશ પડતો નથી.
આપણે સમજવું જોઈશે કે આવી કોઈપણ સંજ્ઞા સમયવાચી હોવા ઉપરાન્ત મુખ્યત્વે ગુણવાચી હોય છે. અનેક સંકેતોમાં ‘આધુનિક’ કે ‘અનુ-આધુનિક’ સાહિત્ય તેના ગુણવિશેષોથી એમ કહેવાતું હોય છે. આપણે એ ગુણવિશેષો જાણતા હોઈએ, જે તે કૃતિઓનું સઘન અધ્યયન કરતા હોઇએ, તો આપણને તેના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થાય.
અનુ-આધુનિક સાહિત્યના એ ગુણવિશેષો કયા તે અહીં દર્શાવવાની જરૂરત નથી; એ વિશે આપણે ત્યાં ઘણું લખાયું છે; જિજ્ઞાસુએ ત્યાં પ્હૉંચી જવું.
મુદ્દો એ છે કે કૃતિઓના વાચન વિના તેમ જ તેને વિશેની સમીક્ષાત્મક જાણકારી વિના આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય માટે મતામતી કરવી કે પક્ષાપક્ષી કરવી, ઠીક નથી. કેમ કે એથી રાજકારણ સરજાશે. પક્ષકારના તેમ જ વિપક્ષકારના દુશ્મનો વધશે. એથી સરવાળે, રૂડા જીવનસમયનો નાશ થશે અને ભ્રાન્તિ સરજાશે કે આપણે કેવી તો મહાન ચર્ચાઓ કરી રહ્યા છીએ ! માટે, એથી બચવું કે જોડાયા હોઈએ તો છૂટા થઈ જવું અથવા તો પછી એમાં પડ્યા રહીને ખુવાર થવું, એટલા જ વિકલ્પો બચે છે.
સાહિત્યને બે વર્ગમાં જોઈ શકાય છે :
૧
વાચકને કલાસૌન્દર્ય અને રસાનુભવ આપનારું સાહિત્ય — લિટરેચર ઑફ ઍસ્થેટિક ઍક્સપીરિયન્સ. એટલે કે, રસાનુભવનું સાહિત્ય. આપણા મોટાભાગના આધુનિક સાહિત્યને આ વર્ગમાં મૂકી શકાય.
૨
વાચકને ધાર્મિક સાંસ્કૃતિક કે સામાજિક તન્ત્રોની સાફસફાઇ માટે અનુનય કરનારું સાહિત્ય — લિટરેચર ઑફ ઍસ્થેટિક અપીલ. એટલે કે, અનુનયનું સાહિત્ય. આપણા મોટાભાગના અનુ-આધુનિક સાહિત્યને આ વર્ગમાં મૂકી શકાય.
તેમછતાં, રસાનુભવનું સાહિત્ય અને અનુનયનું સાહિત્ય, છે તો સાહિત્ય, રાજ્યબંધારણનો ચૉપડો નથી, તેથી, બન્નેમાં બન્નેના ગુણ હશે. આધુનિક સાહિત્યમાં તન્ત્રોની ઓછીવત્તી ય સાફીસૂફીની શક્યતા નહીં હશે, એમ નથી. એ જ રીતે, અનુ-આધુનિક સાહિત્યમાં ઓછીવત્તી ય રસાનુભવની શક્યતા નહીં હશે, એમ નથી.
અને જુઓ, કોઈપણ સાહિત્યકૃતિના બંધની સંરચનામાં ફોરગ્રાઉન્ડિન્ગ અને બૅકગ્રાઉન્ડિન્ગની ડિઝાઇન હોય છે. બને છે એવું કે લેખકની સર્જક-કલ્પના અનુસાર, રચનાનો બંધ સરજાતો હોય છે.
તદનુસાર, એની કોઈ રચનામાં આધુનિકતાસૂચક ગુણવિશેષો આગળ થયા હોય, એટલે કે એ ગુણવિશેષોનું ફોરગ્રાઉન્ડિન્ગ થયું હોય; પરન્તુ ત્યારે બૅકગ્રાઉન્ડમાં અનુ-આધુનિકતાપરક ગુણો ન હોય એવું ન હોય, બલકે એ પાછળના ગુણોએ જ પેલા ગુણોને આગળ થવા દીધા હોય.
તદનુસાર, એની કોઈ રચનામાં આધુનિકતાસૂચક ગુણવિશેષો આગળ થયા હોય, એટલે કે એ ગુણવિશેષોનું ફોરગ્રાઉન્ડિન્ગ થયું હોય, પરન્તુ ત્યારે બૅકગ્રાઉન્ડમાં અનુ-આધુનિકતાપરક ગુણો ન હોય એવું ન હોય, બલકે એ પાછળના ગુણોએ જ પેલા ગુણોને આગળ થવા દીધા હોય.
પરિણામે, એ-નો-એ જ લેખક એક વાર અનુ-આધુનિક વરતાય, તો બીજી વાર આધુનિક વરતાય.
એટલું જ નહીં, એવા એકથી વધુ લેખકોને કારણે તે સમયનું સાહિત્ય આધુનિક લાગે કે અનુ-આધુનિક લાગે.
પરન્તુ, જે કંઇ લાગે તેના મૂળમાં ગુણવિશેષો હોય છે, ન કશું બીજું.
સમસામયિક ચર્ચાઓમાં આ મૂળની જાણકારીની ભારે અછત છે. એ અછતને સોશ્યલ મીડિયાની દેણ ગણીને બાજુએ નહીં મુકાય. એ મૂળની જાણકારી પ્રસરાવવી તે અધ્યાપકો અને સમીક્ષકોનો ધર્મ છે; એથી જ્ઞાત થવું તે લેખકો અને ચર્ચકોનો ધર્મ છે. બાકી, જો એમ નહીં થશે તો વર્તમાન તેમજ ભાવિ પેઢીઓ અજ્ઞાનને માર્ગે દોરવાશે.
અને એટલે હું એને સમસામયિક પેઢીએ કરેલો મહા પ્રજ્ઞાપરાધ ગણીશ.
= = =
(10 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર