અડવાણીની 2019ની બ્લૉગપોસ્ટ : મીડિયા સંસ્થાનો સહિતની લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા વિશે આપણે આશ્વસ્ત રહી શકીએ એવાં કોઈ ચિહ્નો આપણી રાજનીતિમાં હું જોતો નથી

પ્રકાશ ન. શાહ
લખી રહ્યો છું 2024ની 26મી જૂન વાસ્તે, અને સ્મરણ સ્વાભાવિક જ 1975ની 26મી જૂનનું – બરાબર 49 વરસને અંતરે, બલકે, 50માં વરસના પ્રવેશે થઈ રહ્યું છે. આ સ્મરણ પચાસીના રણકા ઉપરાંત વિલક્ષણ એ વાતે પણ છે કે કટોકટીની સાથે અને સામે હતાં એમના પૈકી ઘણાં બધાંમાં જાણે ફેરબદલ ન થઈ ગઈ હોય એવો ઘાટ છે. કોઈક પળે વાજપેયી એ કવિતા કરી હતી કે,
‘કૌરવ કૌન
કૌન પાંડવ
ટેઢા સવાલ હૈ
દોનોં ઔર શકુનિ કા ફૈલા
કૂટજાલ હૈ.’
ભારત તો કાઁગ્રેસમુક્ત ન થયું પણ ભા.જ.પ. કાઁગ્રેસયુક્ત જરૂર થઈ, એ સંજોગોમાં વાજપેયીના ઉદ્દગારો જાણે જુદી રીતે સામે આવવા કરે છે.
ઉદ્દગારો એમ તો આ ક્ષણે સવિશેષ અડવાણીના પણ સાંભરે છે. કટોકટી કાળના એ જોધ્ધા અને ભા.જ.પ.ના તો સ્થાપક નેતાઓ પૈકી મોખરાના. 2014માં એમણે જાણીતા અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં એમ કહ્યું હતું કે ‘આજની તારીખે, બંધારણીય ને કાનૂની રાહે લોકશાહી અધિકારોની સુરક્ષા જોગવાઈઓ છતાં લોકશાહીને ચૂરેચૂરો કરી નાખે એવાં બળો આપણી વચ્ચે ઓર મજબૂતીથી ઉભર્યાં છે.’
આ પ્રતીતિ આગળ ચાલી અને 2019ના એપ્રિલની છઠ્ઠીએ (પક્ષના સ્થાપના દિવસે) અડવાણીએ એમના બ્લોગમાં લખ્યું હતું કે ‘મીડિયા સંસ્થાનો સહિતની લોકશાહી સંસ્થાઓની તેજતર્રાર સ્વતંત્રતા વિશે આપણે આશ્વસ્ત રહી શકીએ એવાં કોઈ ચિહ્નો આપણી રાજનીતિમાં હું જોતો નથી.’ તે ઉપરાંત એમણે જે પક્ષને સીંચ્યો હતો એને સલાહ પણ આપી હતી કે આપણી ટીકા કરે, વિરોધ કરે તે ‘રાષ્ટ્રદ્રોહી’ છે એવું કૃપા કરીને માની ન લેશો.
અડવાણીએ આટલાં ટીકાવચનો છતાં એક આશાવાદ ત્યારે જરૂર દાખવ્યો હતો કે 1977માં જનતા બળોએ કાઁગ્રેસને પરાસ્ત કરી એ બીના સૌને યાદ રહેશે તો એકે રાજકીય પક્ષ ફરી એવો રસ્તો લેવા પ્રેરાશે નહીં. વસ્તુત: 2024માં અડવાણી જો કોઈ બ્લોગપોસ્ટ ભર્યાં નારિયેળ પેઠે રમતી મૂકવા વિચારે તો શું લખે એની કલ્પના કરવાજોગ છે. એક તો કાઁગ્રેસયુક્ત મોદી ભા.જ.પ. કંઈક કદ મુજબ વેતરાઈ અને કાઁગ્રેસે વળતાં કદ ને કાઠીની આશા બંધાવી, એમાં જેમ કાઁગ્રેસમેન નહીં એવા ઘણાએ નવસંકેત જોયો છે એવું કાંક એ પણ લખે તો નવાઈ ન લાગવી જોઈએ.
26મી જૂન આગમચ અને હવેના અઠવાડિયે જે બે બાબતો ઓથાર પેઠે ઝળુંબી રહી છે તેનો નિર્દેશ કરું તો પચાસમાં વરસના પૂર્વ સપ્તાહે તે યોગ્ય લેખાશે. બુકર પુરસ્કૃત અરુંધતી રોય સામે અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ – યુ.એ.પી.એ. હેઠળનો તેર વરસ જૂનો કેસ દિલ્હીના લેફ્ટનન્ટ જનરલ સક્સેનાએ ઉખેળ્યો છે. (તેઓ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને આધીન છે.) તમે એક વાર પકડી લો પછી વરસોનાં વરસો લાગી તમે એને વગર ચાર્જશીટે ગોંધી રાખી શકો છો. ભીમા-કોરેગાંવ કેસમાં પકડાયેલી 16 પ્રતિભાઓ પૈકી સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, જર્નોન ગોંસાલ્વીસ, અરુણ ફેરેરા, શોમા સેન, વારાવારા રાવ, ગૌતમ નવલખા ચાર-પાંચ વરસ ગોંધાઈ રહી હવે જામીન પર છૂટ્યાં છે. એમને ગોંધી રાખવા માટેનાં કોઈ કારણો પોલીસ આપી શકી નથી. આવા જ એક કેસમાં તાજેતરમાં જમ્મુ-કાશમીર હાઈકોર્ટે પ્રોસિક્યુશનની ટીકા કરતા કહ્યું છે કે તમે એકનું એક કોપી-પેસ્ટ મટીરિયલ દરેક કિસ્સામાં લઈને આવો છો અને એમાં કશું ન્યાયિક સંજ્ઞાન (જ્યુડિશિયલ કોગ્નાઈઝન્સ) હોતું નથી પણ એના સતત રટણથી તમે કોર્ટને મનોવૈજ્ઞાનિક રીતે પ્રભાવિત કરવા માગો છો.
બીજી પાસ, પહેલી જુલાઈથી ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવે છે. જૂના પીનલ કોડ વગેરેને સ્થાને આ સંહિતા આણવાનો આશય મોદી સરકારના કહેવા પ્રમાણે ‘સાંસ્થાનિક બોજ’ દૂર કરવાનો છે. ભાઈ, સાંસ્થાનિક સમયમાં જે બન્યું તે એ બન્યું કે આપણા જીવનમાં કદાપિત નહોતું એ હદે રાજ્ય ઉત્તરોત્તર વધુ ને વધુ પેંધતું ગયું ને ભીંસતું ગયું. ન્યાય સંહિતા સરકારને (પોલીસને) જે સત્તા આપે છે એનાં લક્ષણો જોતાં તે દોઢ સાંસ્થાનિક વરતાય છે. એણે બહુ ગવાયેલ ‘રાજદ્રોહ’ એ સંજ્ઞા પડતી મૂકી છે પણ દેશની સંપ્રભુતા, એકતા ને અખંડિતતાને જોખમ રૂપ પ્રવૃત્તિઓ (જેની વ્યાખ્યા સરકારને અનુકૂળપણે બેશક ધૂંધળી ને એકતરફી જ હોય) પર કારવાઈનો મુદ્દો આગળ કર્યો છે.
ઈન્દિરા કાઁગ્રેસના કટોકટીરાજ સામે લડવામાં પોતે હતાં એ અંગે ગર્જનતર્જનની રાજનીતિ બઢીચઢીને કરવાનું ભા.જ.પ.નું વલણ રહ્યું છે. પ્રજાએ 1977માં જેને નસિયત ને શિકસ્ત આપી જાણી એમને સ્થાને આવેલા એ પોતે જુદા છે એ બતાવવા શું કર્યું ન કર્યું એ મૂલવવાનો આ સમય છે. માટે આટલી નુક્તેચીની.
બંધારણની તોડમરોડ વાહે વ્યક્તિગત સત્તાલક્ષી રાજરમતનો દોર આપણે જોયો છે. એમાં સુધારા કરી લોકશાહી પુન:સ્થાપનનો દોર પણ આપણે જોયો છે. કટોકટી સામેની લડતના વડા લાભાર્થી પક્ષ પરિબળનો દસકો પણ આપણે જોયો છે. 2019ની અડવાણીની બ્લોગપોસ્ટમાં વર્ણવ્યા પ્રમાણે મીડિયા સંસ્થાનો સહિત સર્વ સ્વતંત્ર સંસ્થાઓ પરની તવાઈને છેડે મતદારે 2024ની ચોથી જૂને વગાડેલ એલાર્મ બેલ પણ આપણે સાંભળ્યો છે.
એક જુદો જ એલાર્મ બેલ આપણે 26મી જૂન, 1975ની વહેલી સવારે સાંભળ્યો હતો. 25મી જૂનની વિરાટ સભાને સંબોધતા જયપ્રકાશે ઇન્દિરાજીને રાજીનામાની નૈતિક તાકીદ સંભળાવી હતી અને પોલીસ ને લશ્કરને કહ્યું હતું કે રાજકીય આકાઓના બંધારણબાહ્ય હુકમો ન માનશો. (બંધારણ મુજબ વર્તવું એ પોલીસ મેન્યુઅલનો હિસ્સો છે.) મોડી રાતે પોલીસ એમના ઉતારે (ગાંધી પીસ ફાઉન્ડેશન, રાઉઝ એવન્યૂ, નવી દિલ્હી) આવી અને લઈ ગઈ. જતાં જતાં રાધાક્રિષ્ણે સંદેશો પૂછ્યો તો જેપીએ કહ્યું, વિનાશકાલે વિપરીત બુદ્ધિ.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 જૂન 2024