 ઈસવી સન ૨૦૧૫માં ગુજરાત રાજ્યમાં દશમા ધોરણમાં ગુજરાતી ભાષાનું ધોરણ વધારે કથળી ગયું. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતી વિષયમાં કુલ ૮,૫૧,૨૮૫ પરીક્ષાર્થીઓમાંથી ૬,૨૪,૬૨૨ સફળ થયા અને ૨,૨૬,૬૬૩ નિષ્ફળ ગયા. આમ, માતૃભાષા ગુજરાતીમાં ૨૭ ટકા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થાય એ શરમજનક છે. નરસિંહ-નર્મદ, ગોવર્ધનરામ-રણજીતરામ, ગાંધી-સરદાર, મેઘાણી-મુનશી, ગૌરીશંકર-ઉમાશંકર, પન્નાલાલ-મનુભાઈની દૂધભાષા તેમ જ કાકા (આચાર્ય કાલેલકર) અને બાપા(ફાધર વાલેસ)ની નવનીતભાષા એવી ગુજરાતી નીચી ભયજનક સપાટીએ વહી રહી છે. જે રાજ્યનાં મુખ્યમંત્રી આચાર્ય રહી ચૂક્યાં હોય, જે દેશના વડા પ્રધાનને ગુજરાતીમાં સપનાં આવતાં હોય, ત્યારે પણ માતૃભાષાના આવા હાલહવાલ થાય તો એની ફરિયાદ 'સંયુક્ત રાષ્ટ્ર'(યુ.એન.)માં ન કરાય !
ઈસવી સન ૨૦૧૫માં ગુજરાત રાજ્યમાં દશમા ધોરણમાં ગુજરાતી ભાષાનું ધોરણ વધારે કથળી ગયું. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતી વિષયમાં કુલ ૮,૫૧,૨૮૫ પરીક્ષાર્થીઓમાંથી ૬,૨૪,૬૨૨ સફળ થયા અને ૨,૨૬,૬૬૩ નિષ્ફળ ગયા. આમ, માતૃભાષા ગુજરાતીમાં ૨૭ ટકા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થાય એ શરમજનક છે. નરસિંહ-નર્મદ, ગોવર્ધનરામ-રણજીતરામ, ગાંધી-સરદાર, મેઘાણી-મુનશી, ગૌરીશંકર-ઉમાશંકર, પન્નાલાલ-મનુભાઈની દૂધભાષા તેમ જ કાકા (આચાર્ય કાલેલકર) અને બાપા(ફાધર વાલેસ)ની નવનીતભાષા એવી ગુજરાતી નીચી ભયજનક સપાટીએ વહી રહી છે. જે રાજ્યનાં મુખ્યમંત્રી આચાર્ય રહી ચૂક્યાં હોય, જે દેશના વડા પ્રધાનને ગુજરાતીમાં સપનાં આવતાં હોય, ત્યારે પણ માતૃભાષાના આવા હાલહવાલ થાય તો એની ફરિયાદ 'સંયુક્ત રાષ્ટ્ર'(યુ.એન.)માં ન કરાય !
ગુજરાતી વિષયમાં નિરાશાજનક પરિણામ માટે એ કારણ સૌથી આગળ ધરવામાં આવે છે કે, 'વિદ્યાર્થીઓનાં જોડણી અને વ્યાકરણ નબળાં છે.' વ્યાકરણની વાત થોડી દૂરની છે, પણ શિશુશાળામાં બાળક જે શબ્દ શીખે એની સાથે જ જોડણીનું 'ભૂત' ધૂણવા માંડે છે. અનુસ્નાતક કક્ષાએ ભણતાં વિદ્યાર્થીઓ પણ ‘િ’ ન ઓળખાય એટલે 'આગળથી લખો' એવું કહે, ‘ી’ ન ઓળખાય એટલે 'પાછળથી લખો' એવું કહે. ‘ુ’ ન સમજાય એટલે 'સાતડો' કરો એવું કહે, ‘ૂ’ ન સમજાય એટલે 'પૂંછડી' કરો એવું કહે! આ સમસ્યાના ઉકેલ માટે સરકારે દરેક જિલ્લામાં જોડણી ભવન બનાવવું જોઈએ. પણ એ ઇમારત ઉપર 'જીલ્લા જોડણિ ભુવન' એવું ન લખાય તે ખાસ જોવું પડે! આપણે પણ 'વિધ્યાર્થિઓની ગૂઝરાટિ ભાસા નબરી સે.' એવું કહેવાં કરતાં જોડણીની ગુણવત્તા સુધારવા નક્કરાત્મક પગલાં ભરવાની જરૂર છે.
'જય શ્રી કૃષ્ણ'ની જગ્યાએ 'જે સી ક્રસ્ણ'નો પ્રયોગ કરતાં નવયુવકોને મળ્યા પછી અમને મંદિર બનાવવાનાં સ્વપ્નાં આવે છે. મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-દેવળ-દેરાસર-અગિયારી સહિતનાં તમામ ધર્મસ્થળોને બજારનાં જોખમી પરિબળો નડતાં નથી. અમે ધાર્મિક છીએ, તાર્કિક છીએ, માણસ છીએ, ગુજરાતી છીએ. ઓછા રોકાણ અને ઓછી મોકાણના વ્યવસાયને શોધતાં રહીએ છીએ. અમે સલામતી અને સન્માન ઝંખીએ છીએ. હિંદુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવતા છે. સ્વર્ગમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ નહીં જ હોય, અને દેવતાલોકમાં બાળકીઓની ભ્રૂણહત્યા નહીં જ થતી હોય. એટલે, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી સાડા સોળ કરોડ દેવો અને સાડા સોળ કરોડ દેવીઓ હશે એવું માની લઈએ. રાષ્ટ્ર-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રમાં માતાજીનાં ઘણાં મંદિરો છે, ઘણાં માતાજીનાં મંદિરો છે. જેમાં વૈભવ લક્ષ્મીથી માંડીને અંબાજી માતા, મહાકાળી માતાથી માંડીને સિકોતેર માતા, દશા માતાથી માંડીને સુનામી વહાણવટી માતા, મેલડી માતાથી માંડીને જોગણી માતાનું મંદિર છે, પણ ક્યાંય જોડણી માતાનું મંદિર નથી. શરમાતાં-શરમાતાં પણ કહેવું છે કે, અમને જોડણી માતાનું મંદિર બનાવવાનો નૂતન વિચાર આવ્યો છે!
માતાજીને ઓછામાં ઓછા ચાર હાથ હોય તો જ આપણા ઉપર એમની કૃપા વરસે. એવી ઉદાત્ત કલ્પના કરો કે, જોડણી માતાને પણ ચાર હાથ છે. એમણે ચાર હાથમાં શસ્ત્રો તરીકે શું ધારણ કર્યું હશે, એવી જિજ્ઞાસા થવી જોઈએ. જોડણી માતાએ ડાબી બાજુના એક હાથમાં ‘ઇ’ અને બીજા હાથમાં ‘ઈ’, જમણી બાજુના એક હાથમાં ‘ઉ’ અને બીજા હાથમાં ‘ઊ’ ધારણ કરેલાં હશે. એમના લલાટ ઉપર અનુસ્વારરૂપી નાનકડો શ્યામ ચાંદલો શોભતો હશે. જોડણી માતાના ગાળામાં ઉદ્દગારચિહ્નની માળા શોભતી હશે. તેમણે પ્રશ્નચિહ્નનાં ઝાંઝર પહેર્યાં હશે.
જોડણી માતાનું વાહન પુસ્તક જ હોય. ‘સાર્થ જોડણીકોશ’ નામનું પુસ્તકપક્ષી પોતાની પાંખો ફફડાવતું હોય અને તે દિવ્ય વાહન ઉપર સવાર થઈને જોડણી દેવી વિહાર કરતાં હોય ત્યારે તેઓ કેવાં ભવ્ય લાગતાં હશે! જોકે, મૂર્તિ ઘડનારે એ ખાસ ધ્યાન રાખવાનું કે, જોડણી માતાનો ચહેરો પ્રસન્ન નહીં, પણ ખિન્ન રાખવાનો છે. કારણ કે, ગુજરાતી જોડણીનો મામલો કાયમ ગંભીર રહેવા માટે સર્જાયેલો છે! ખોટી ગુજરાતી લખનારને ખોટું પણ લાગતું નથી. એક દંતકથા નહીં તો ચોકઠાકથા મુજબ, અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી, સત્તરમી સદીના આખ્યાનકાર પ્રેમાનંદે પાઘડી નહીં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રશ્ન કેવળ પ્રેમાનંદને જ નહીં, આપણને પણ સતાવતો હોવો જોઈએ.
વગર વરસાદે પણ સૌનાં મનમાં એ સવાલ ઊગે કે, જોડણી માતાનું મંદિર ક્યાં બનાવવું? પ્રદેશમાં પ્રત્યેક શાળા-મહાશાળા, વિશ્વવિદ્યાલય-શિક્ષણસંકુલ, સાહિત્યસંસ્થા-ભાષાઅકાદમીના દાખલ-દરવાજા પાસેના જમણા ખૂણામાં જોડણી માતાનું મંદિર બનાવી શકાય. જે તે સંસ્થાના વડાના હસ્તે આ મંદિરનું ઉદ્દઘાટન કરાવવું જોઈએ. સામાન્ય સંજોગોમાં મુખ્ય દેવમંદિરની ડાબી અને જમણી બાજુએ હનુમાનદાદા અને ગણપતિદાદાના ગોખલાની રચના કરવામાં આવે છે. આ જ ધોરણે જોડણી માતાના મંદિરની ડાબી બાજુએ પવિત્ર સધી માતા જેવાં સંધિ માતાનું અને જમણી બાજુએ સમર્થ કાલિકા માતા જેવાં કહેવત માતાનો ગોખલો હોવો જોઈએ. મંદિરનાં પગથિયાં પાસે આ સૂચના ખાસ લખાવવી : 'તમે ભાષાના ખેરખાં હો તો પણ પગરખાં અને અભિમાન બહાર ઉતારીને આવો.'
જોડણી માતાના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગાંધીજીનું આ વાક્ય મુકાવવું : "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી." આમ કરવાથી, ગાંધીજીની સાથેસાથે આપણી પણ પ્રસ્તુતતા વધી જશે. મંદિરના ગર્ભગૃહમાં આરસની તકતી ઉપર 'જોડણીની જોડ સખી નહીં જડે રે લોલ' જેવી પંક્તિ ટંકાવવાથી સમગ્ર વાતાવરણ કાવ્યાત્મક અને ભાવનાત્મક બની જશે.
ગુજરાતી વિષયમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી ધરાવતા હોય અને નેટ-સ્લેટની પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય તેવા જ ઉમેદવારો જોડણી માતાના મંદિરમાં પૂજારી તરીકે લાયક ગણાશે. તેમને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુ.જી.સી.ના માન્ય ધારા-ધોરણ પ્રમાણે પગાર અને અન્ય લાભ મળવા જોઈએ. જો કે, રાજ્ય સરકાર આ માટે નિર્ધારિત અને નિમ્ન પગાર ધરાવતા જોડણી-સહાયકની નિમણૂક કરી શકશે નહીં.
આ મંદિરમાં પ્રસાદ તરીકે િ, ી, ુ, ૂ આકારનાં સાકરિયાં વહેંચવાં. આવાં 'રમકડાં'ના કારણે બાળ-શ્રદ્ધાળુઓને ગમ્મત સાથે જ્ઞાન પણ મળશે. વળી, કેટલાક વાલીઓ પોતાનાં 'નબળાં' બાળકો માટે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જોડણી માતાની બાધા-આખડી રાખી શકે. જો તેમના પાલ્ય દશમા ધોરણમાં ગુજરાતી વિષયમાં હેમખેમ પાર ઊતરી જાય તો તેમણે મંદિરના પરિસરમાં 'સાર્થ જોડણીકોશ'ની અમુક-તમુક નકલો વહેંચવી જોઈએ. જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેઓ ઓછી કિંમત ધરાવતો 'ખિસ્સાકોશ' પણ વહેંચી શકે છે.
જોડણી માતાના મંદિરમાં આખો દિવસ ગુજરાતી ભાષાની વ્યાકરણ-સામગ્રી અને સાહિત્યની સર્વોત્તમ કૃતિઓ સંભળાતી-જોવાતી રહે તેવી ઉત્તમ વીજાણુ-વ્યવસ્થા કરવી જ રહી. જેથી કરીને, નવી પેઢી 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' પૂરેપૂરું સાંભળ્યા પછી 'પરસ્ત્રી'ની જગ્યાએ 'બાવન સ્ત્રી' જેવો શબ્દપ્રયોગ નહીં કરે.
જો કે નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું સાંભળ્યા પછી, ગુજરાતીમાં વિચારતો અને અંગ્રેજીમાં બોલતો ભડનો દીકરો એમ પણ કહે કે, 'મિસ્ટર મહેતાએ બનિયા મેન વિશે કેવું ઓસમ મોર્નિંગિયું ગાયું છે!'
e.mail : ashwinkumar.phd@gmail.com
સૌજન્ય : જોડણી માતાનો જય હો! 'હળવે હૈયે', “દિવ્ય ભાસ્કર”, ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
Blog Address : http://ashwinningstroke.blogspot.in/
 

