સંકેત નવપ્રભાતના
મૂગી નાગરિક છટપટાહટે પહેલ કરી અને વિપક્ષમાં વૈકલ્પિક પ્રતિકારની ઊર્જા પ્રગટી : નવું સંવત તો બેસતાં બેસશે ,પણ નવપ્રભાતના સંકેત આ જરૂર છે.જતાઆવતા પક્ષોએ પાંચ પાંચ વર્ષે પરવાનો લેવો રહે છે.પણ નાગરિક જેનું નામ એની નોકરી તો ચાલુ ને ચાલુ જ હોય છે.

પ્રકાશ ન. શાહ
ભા.જ.પ. (ભલે એન.ડી.એ. રૂપે) સરકાર રચવાનો દાવો કરવાની સ્થિતિમાં ચોક્કસ જ છે. બંને કે આડી રાત તેની શી વાત, એમ કહીને આપણે હવેના ઘટનાક્રમ વિશે તત્કાળ લખવાબોલવાનું ટાળીએ. પણ ભીંત પરના અક્ષર પેઠે જે એક-બે વાતો ચોખ્ખી વંચાય છે એ તો નાગરિક છેડેથી કહેવી જ જોઈએ.
એક તો, મોદી ભા.જ.પ. (જેમ ક્યારેક ઇંદિરા કાઁગ્રેસ) અજેય ને અભેદ્ય છે એવી જે ‘હવા’ હતી તે એના સહજ ગુણધર્મ પ્રમાણે પંચમહાભૂતમાં ભળી ગઈ છે. મંત્રીમંડળના સંખ્યાબંધ સાથીઓની હાર, વડા પ્રધાનની પોતાની જીતનું પ્રમાણમાં ઠીકઠીક ઓછું માર્જિન, એક પક્ષ તરીકે 272ના જાદુઈ આંકડા પર પહોંચી ન શકાયાની અકાટ્ય વાસ્તવિકતા, આ બધું બરાબર એક દસકાની બધ્ધ ને બંધિયાર પરિસ્થિતિમાં અંશતઃ પણ તાજી લેરખીનો સુખાનુભવ નિઃશંક છે.
એમણે ‘ઇન્ડિયા’ને ‘ઘમંડિયા’ કહી કોઈ માનસિક કિલ્લો ફતેહ કર્યાનો શબ્દાનંદ ખસૂસ લીધો હશે, પણ જે લગભગ શૂન્યવત્ સમજાતું હતું એમાંથી સર્જનનું કૌશલ દાખવી પ્રતિપક્ષે પોતાની હાજરી પુરાવી અને મતગણતરીના કલાકો દરમિયાન સત્તાપક્ષને કંઈક અધ્ધરજીવ ક્ષણો પણ આપી એ આ ચૂંટણીનું એક અસામાન્ય લક્ષણ લેખાશે.
જે મોટી વાત આ બેહદ લાંબા ચૂંટણીક્રમને વળોટીને ઊપસી રહી તે તો કદાચ એ છે કે છેલ્લા દસકા આખામાં જે એક કથાનક વૈખરીછૂટાં વ્યાખ્યાનો ને પ્રસારિત-પ્રાયોજિત માધ્યમો થકી સત્તાપક્ષે સ્થાપિતવત્ કર્યું હતું એની સામેના છૂટાછવાયા વિચારછણકા કે કથિત બૌદ્ધિક છમકલાં કેવળ નકરા બુદબુદ નથી પણ એક સળંગ સુવાંગ કથાનકનું કૌવત ધરાવે છે એ મુદ્દો સરસ ઊઘડી આવ્યો. સ્વદેશવત્સલતા સૌને ગમે, સૌને સહજ ફોરે પણ, પરંતુ તેને નામે ‘રાષ્ટ્ર’ એ આમ આદમીનાં વાસ્તવિક સુખનો અવેજ અલબત્ત નથી. મૂર્ત માનવ્યનાં સુખદુઃખની દૃષ્ટિકસોટીએ વિચારવાનો અભિગમ – તમે એને સર્વોદય કહો, લોકશાહી સમાજવાદ કહો, એનું આ આવડ્યું એવું કથાનક છે.
જે એક વાત તાજેતરના અનુભવોને અનુલક્ષીને નાગરિક છેડેથી દર્જ કરવી રહે છે તે આપણાં સ્થાપિત માધ્યમો અને સોશ્યલ મીડિયાશાઈ સ્વતંત્ર ઉપક્રમો વચ્ચેના અંતરની પણ છે. જે વસ્તુ બનતી આવતી હતી એની છબી સ્થાપિત માધ્યમોમાં ઝિલાઈ જ નહીં (કે એમણે જાણીને ન ઝીલી) તેની સામે વૈકલ્પિક માધ્યમોમાં પરિવર્તનનું વાસ્તવચિત્ર ઊઘડતું આવ્યું અને મતગણતરીના કલાકોમાં તે અંકે પણ થયું. એગ્ઝિટ પોલના અવાજો અને ખરી ડૂંટીના અવાજોનું અંતર પણ સાફ થઈ ગયું. બજારઉછાળ અને બજારધોવાણનું રાજકારણ ને અર્થકારણ (ખરું જોતાં અનર્થકારણ) પણ હવે ન સમજવું હોય તો જ ન સમજાય અને બજારખેલાડીઓ તેમ સત્તાકારણીઓની સાંઠગાંઠ પણ ન સમજવી હોય તો જ ન સમજાય, એ આ દિવસો પછી જુદેસર કહેવાનું રહેતું નથી.
નેતૃત્વની એક તરાહ, એક તાસીર કહો કે એક મોડેલ છેલ્લાં વરસોમાં ઘોર છવાયેલ હતું. હમણેના ગાળામાં રાહુલ ગાંધીએ જે ગજું કાઢી બતાવ્યું છે એણે એક વૈકલ્પિક મોડેલની સર્જનાત્મક સંભાવનાઓ જરૂર પ્રગટ કરી છે એ હવે જુદું કહેવાનું રહેતું નથી.
ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારના નિર્ણાયક ઉદયને કદાચ એ રીતે પણ જોઈ શકાય કે આવડા મોટા દેશમાં કોઈ એકચક્રી અભિગમને બદલે સમવાયી અભિગમ અનિવાર્ય છે. નેહરુના સમવાયી અભિગમ સામે ઇંદિરાજીએ ખાલસા નીતિ જેવું જે રાજકારણ ખેલ્યું એમાંથી તેલુગુ દેશમનો ઉદય થયો તે આજના દિવસોમાં તરત સાંભરતો દાખલો છે. કાઁગ્રેસની સિન્ડિકેટ ક્યારેક સમવાયી પ્રતિનિધિત્વ કરતી હતી તે ભલે પશ્ચાદદૃષ્ટિએ પણ એક સમજવા જેવી વિગત છે.
ગમે તેમ પણ નવપ્રભાતની ઊઘડતી શક્યતા વચ્ચે નાગરિકે વિવેક ને ધૈર્યથી પ્રતિબદ્ધ રહેવાનું છે. એણે જ તો, મૂગી જનતાએ સ્તો ચૂંટણીમાં ભિન્નમત વાસ્તે પહેલ કરી અને વિપક્ષને સંબલ સંપડાવ્યું. સતત સતર્કતા અને અતન્દ્ર જાગૃતિ … તમારો સાથે કદાપિ ન છૂટો.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 જૂન 2024