Opinion Magazine
Number of visits: 9449228
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચમી જૂનના સંપૂર્ણ ક્રાંતિ દિવસની સાખે નવ્ય કથાનક ઊભરી રહ્યું છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 June 2024

આજથી પાંચ દાયકા પર પાંચમી જૂને જયપ્રકાશના આવાહનથી પટણાના ઇતિહાસપ્રસિદ્ધ ગાંધી મેદાન પર સંપૂર્ણ ક્રાંતિ દિવસ મનાવાયો હતો

તમે જોયેલા છેલ્લામાં છેલ્લા દીનહીન જણનો ચહેરો યાદ કરી નિર્ણય લેશો એ ગાંધીદીધા તાવીજ સાથે સમાજવાદી આંદોલનનાં નેવું વરસ સ્વરાજસંધાન સાથે આગળ વધે છે : રાષ્ટ્રચિંતનની સાર્થકતા મૂર્ત માનવ્યમાં અને માનવ્યમાં જ હોઈ શકે 

પ્રકાશ ન. શાહ

ચોથી જૂનના ચુકાદા બાબતે અક્ષરશ: અનભિજ્ઞ છું, કેમ કે આ લખી રહ્યો છું ત્યારે હજુ તો મતદાનનો છેલ્લો (સાતમો) દોર સુધ્ધાં બાકી છે. છતાં આનંદ એ જોગાનુજોગનો છે કે પાંચમી જૂનના અંક માટે લખી રહ્યો છું : આજથી પાંચ દાયકા પર પાંચમી જૂને જયપ્રકાશના આવાહનથી પટણાના ઇતિહાસપ્રસિદ્ધ ગાંધી મેદાન પર સંપૂર્ણ ક્રાંતિ દિવસ મનાવાયો હતો. એક રીતે, એમાં નેવું વરસ પર જેનો સૂત્રપાત થયો હતો એ સમાજવાદી આંદોલનનું સ્વાતંત્ર્યોત્તર સંધાન હતું.

આ ક્ષણે, વાસ્તવિક પરિણામથી નિરપેક્ષપણે પાંચમી જૂનના જોગસંજોગનો અવસર ઝડપી હું એક મુદ્દો ખસૂસ કરવા ઈચ્છું છું – અને તે એ કે વાજપેયીનાં છ વરસ (1998-2004) દરમ્યાના જેના કંઈક દબાતા, કંઈક સંવારેલા ઉદ્દગારો સંભળાતા હતા અને જે કથાનક ઉભરતું આવતું હતું, યથાપ્રસંગ કથિત લિબરલ મેકઅપ સાથે, તે 2014-2024ના આ મોદી દશકમાં એકદમ બુલંદપણે અને પ્રસંગોપાત તો પ્રાકૃત લાગવાની હદે ખાસ ફિકર વગર ઉભર્યું છે. આ કથાનક અલબત્ત ‘રાષ્ટ્ર’નું છે, એની સાંકડી ને આક્રમક વ્યાખ્યાનું છે.

આ કથાનક લગભગ ‘ધ કથાનક’ તરીકે ઉભરેલ ને લાં-આં-આં-બું પથરાયેલ વરતાતું હતું અને વરતાય છે. પણ હમણેના ગાળામાં એક વૈકલ્પિક કથાનક, અને તે પણ સ્વરાજસંધાન સાથે, ઊઘડતું આવે છે. પરિણામથી નિરપેક્ષપણે હવે એ કંઈ નહીં તો પણ વ્યાપક સમાંતર સ્વીકૃતિ ધરાવતું માલૂમ પડે છે. 

આ કથાનકને ગાંધીયુગીન લેખે અંશતઃ પણ ખતવી તો શકાય, પણ એમાં જો લવણ સાટું લડ્યાનું લાવણ્ય છે તો પુના કરારનું ખરબચડું સત્ પણ છે. એની પાસે સદ્દભાગ્યે સાવરકર નથી, પણ મહદ્દભાગ્યે ભગતસિંહ જરૂર છે – એ ભગતસિંહ, જેનો બોંબપ્રયોગ હલકાફૂલકા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો હતો, અને જેની મુખ્ય વાત આર્થિક-સામાજિક ન્યાયની હતી.

લાહોર જેલમાં 1929ની આઠમી ઓગસ્ટે જવાહરલાલ ભગતસિંહ અને સાથીઓને મળવા ગયા ત્યારે એક મહિનાથી ભૂખ હડતાળ ચાલુ હોવા છતાં, એમણે આત્મકથામાં સંભાર્યું છે કે ભગતસિંહના ચહેરા પર ઝળકતી બૌદ્ધિક પ્રતિભા આકર્ષતી હતી, અને તે સાથે એના પરની શાંતિ ને સ્વસ્થતા પણ … કેટલી મૃદુતા ને સુજનતાથી એ વાત કરતા હતા!

વોટ્સએપ યુનિવર્સિટીના સૌ લબરમૂછ (કેટલાંક તો મોટી ઉંમરનાં) બાળુડાંને આઝાદીના લડવૈયાઓની વિવિધ ધારાઓ વચ્ચે મતભેત છતાં કેવું સૌહાર્દ હતું એ સમજાય એટલા માટે જવાહરલાલની આત્મકથામાંથી આ ઉલ્લેખ કર્યો છે. મુદ્દાની વાત એ છે કે રાષ્ટ્રવાદના ગર્જનતર્જનમાં ગંઠાઈ ન રહેતાં સમાજવાદે આમ આદમીના આર્થિક-સામાજિક ન્યાયની ચિંતા કરી. તમે જોયેલા છેલ્લામાં છેલ્લા દીનહીન જણનો ચહેરો યાદ કરી નિર્ણય લેશો એ તો ગાંધીદીધું તાવીજ હતું જ. કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું પ્રતિનિધિ મંડળ ગાંધીજી સાથે નિરાંતે વાતો કરવા ગયું ત્યારે એના નેતા આચાર્ય નરેન્દ્ર દેવે સરસ કહ્યું હતું કે તમે આવ્યા અને સ્વાતંત્ર્યલડતનો વ્યાપ સુખી મધ્યમવર્ગની વંડી ઠેકીને આગળ વધી રહ્યો છે એના જ અનુસંધાનમાં કિસાનો ને કામદારો સહિત સૌની સહભાગિતાની અમારી સમાજવાદીઓની કોશિશ છે.

પાંચમી જૂને આ પિછવાઈ સંભારણું એટલા વાસ્તે કે બેસતે સ્વરાજે ગાંધીસૂચવ્યા બે કાઁગ્રેસ પ્રમુખો સમાજવાદી જયપ્રકાશ ને સમાજવાદી નરેન્દ્ર દેવ હતા. ગાંધીએ આંબેડકરનું નામ રાષ્ટ્રપતિ પદે વિચાર્યું હતું એવું કવચિત્ સાંભળવામાં આવ્યું હશે, પણ આ લખનાર કને એની કોઈ સાહેદી નથી. અલબત્ત, બંધારણના ઘડતર સાથે આંબેડકરનું સંકળાવું ગાંધીપહેલને આભારી હતું. ગમે તેમ પણ, સ્વરાજના ઉષાકાળે જે નામો શાસનસ્થ નેહરુ-પટેલથી ઉફરાટે ગાંધીને સાંભર્યા તેમાંથી એકને આ દેશના પરંપરાગત વર્ણવાસ્તવની પાકી ખબર હતી તો બીજાને વર્ગવાસ્તવની. 1956 સંકેલાતે સૂચિત લોહિયા-આંબેડકર મુલાકાત આંબેડકરના અસામયિક નિધનથી રહી ગઈ. બાકી, લોહિયાનું આંબેડકર જોગ આગ્રહભર્યું કહેવું હતું કે તમારે સ્વરાજ પછીની રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ કરવાનું છે, તમે માત્ર દલિત જોધારમલ નથી. (આઠેક વરસ પર અમદાવાદમાં ઉમાશંકર વ્યાખ્યાનમાં આનંદ તેલતુંબડેએ સંભાર્યું હતું કે આંબેડકર બંધારણમાં ‘સમાજવાદ’ – અલબત્ત, લોકશાહી સમાજવાદનો સ્પષ્ટ ઉલ્લેખ ઈચ્છતા હતા.)

સ્વરાજ પછી કાઁગ્રેસમાંથી જુદા પડેલા સમાજવાદી પક્ષના નીતિ વિષયક નિવેદનમાં, આગળ ચાલતાં નેહરુ-ઢેબરની કાઁગ્રેસમાં, પ્રજા-સમાજવાદી પક્ષથી ફારેગ થઈ ભૂદાન આંદોલન ભણી વળતી વખતે જયપ્રકાશે સાથીઓ જોગ લખેલ પત્રમાં, 1977ના જનતા ઢંઢેરામાં, જનતા અવતાર છાંડી ભારતીય જનતા પક્ષ રૂપે લીધેલ આરંભિક ભૂમિકા માંહેલા ગાંધીવાદી સમાજવાદમાં, લોહિયા-પ્રભાવિત ચિંતનને પગલે વી.પી.એ ઘુમાવેલ મંડલાસ્ત્રમાં અને હમણેની કાઁગ્રેસ ભૂમિકામાં તમને આ ઇતિહાસનું સાતત્ય જૂજવે રૂપે જોવા મળશે.

ક્યાંક એ પૂરા કદમાં નહીં તો પ્રભાવિત ટુકડાઓમાં છે, ક્યાંક કોસ્મેટિક પણ હશે.

જો કે, મને પોતાને બે રોમહર્ષક અવસર પંચમઢી કાર્યક્રમ (મે 1952) અને સંપૂર્ણ ક્રાંતિ દિવસ (5 જૂન, 1974) લાગતા રહ્યા છે. પંચમઢીમાં સમાજવાદીઓ મળ્યા તો હતા આકરી હાર પછી, પણ પાવડો, જેલભરો અને મતપેટી – રચનાકાર્ય, અન્યાય પ્રતિકાર તેમ જ લોકશાહી પ્રશિક્ષણની એની ત્રિસૂત્રી રાજ્ય અને સમાજના ધોરણસરના રુધિરાભિસરણ ને ચયાપચયની રીતે બેમિસાલ હતી, છે અને રહેશે.

1974ના માર્ચથી બિહારમાં આવેલ છાત્રઉઠાવ જયપ્રકાશના નેતૃત્વમાં કેવળ વિધાનસભા વિસર્જનની માંગ ન અટકતાં સંપૂર્ણ ક્રાંતિના વ્યાપક અભિગમ ભણી વળ્યો એ સમાજવાદી આંદોલનની સર્વોદયસંધાન સહિતની ગાંધી ઘડી હતી … છે ને આ બધી નવ્ય કથાનકની  ઇતિહાસ-સામગ્રી?

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 જૂન 2024

Loading

5 June 2024 Vipool Kalyani
← “If On a Winter’s Night a Traveler” વિશે — 8 (પૂરું)
Did the World not know about Gandhi till the film on him was released? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved