
રવીન્દ્ર પારેખ
રાજકોટનાં ગેઇમ ઝોન પર રાખ વળી ગઈ, પછી પણ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. સરકાર તો થોડાક લાખની ખેરાત કરીને કે આશ્વાસનનાં શબ્દો બોલીને કામે લાગી ગઈ છે. ભા.જ.પ. જીતે તો ગુજરાતમાં ક્યાં ય વિજય સરઘસ નહીં કાઢે એવું જાહેર થયું છે, એ પરથી લાગે છે કે રાજકોટની જ્વાળાઓથી આખું ગુજરાત દાઝ્યું છે. ગુજરાતમાં રાજનેતાઓની, તંત્રોની અને અધિકારીઓની ગુનાહિત બેદરકારીથી છ વર્ષમાં 228 મોત થયાં છે. ગેઇમ ઝોન સાથે સંકળાયેલાઓની જ વાત કરીએ તો જે પ્રકારનો આર્થિક વ્યભિચાર બહાર આવ્યો છે તે જાણે નિર્દોષોનાં કોલસા પાડવાનું કાવતરું જ લાગે છે. એ ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય કે સાંસદ કે પોલીસ, નર્યો ભ્રષ્ટાચાર કરીને અમર્યાદ સંપત્તિ ભેગી કરનારા ગુનેગારો છે. પગાર હોય એના કરતાં અનેક ગણી સંપત્તિ ધરાવતાં હોય તો એ બધું હરામનું ભેગું થયું છે, એમાં શંકા નથી. ફાયર NOC મેળવવા સિત્તેર હજાર ચૂકવાયાનો ખુલાસો ખુદ સાંસદ કરે તો થાય કે બધાં જ પાપ આ એક ગેમ ઝોનમાં જ થયાં છે? વારુ, રાજકોટમાં 2019થી કેટલાક વેપારીઓએ ફાયર NOC માટે અરજી કરી છે, પણ તેમને તે મળ્યું નથી ને હવે ફાયર NOCની ઉઘરાણી નીકળી છે ને બધું ધડાધડ સીલ થઈ રહ્યું છે, તેમાં ઘણાંનો મરો થઈ રહ્યો છે. લાગે છે એવું કે જેમણે પૈસા દબાવ્યા તેમનું કામ થયું છે ને બાકીના ટલ્લે ચડ્યાં છે. પૈસાની આ ભૂખ નથી, હવસ છે. આમ તો એ જ પૈસા એમને બચાવે ને કોઈ નિર્દોષને ફસાવે એમ બને, પણ એવું આખું ગુજરાત ઈચ્છે છે કે આમાં જે જવાબદાર છે તે ધુમાડાયા વગર ન રહે.
ક્યાંક કૈંક સારું પણ હશે, પણ અત્યારે તો ગુજરાત અનેક પ્રકારના ભ્રષ્ટાચારોથી ખદખદી રહ્યું છે. એક ફોટો એવો જોવામાં આવ્યો, જેમાં સ્કૂલનાં બાળકો સ્કૂલવાનમાં સી.એન.જી.ના બાટલા પર બેઠાં છે. આ રીતે રોજ સવા લાખ બાળકો સી.એન.જી.ના બાટલા પર બેસી સ્કૂલે જાય છે. એના પર પણ રોક લાગવી જોઈએ, પણ કોઈ દુર્ઘટના નહીં ઘટે ત્યાં સુધી ફેર નહીં પડે. આવું વર્ષોથી સહજ રીતે ચાલે છે, પણ રાજકોટમાં ગેમ ઝોનની રાખ પડી તો સત્તાધીશો, નીતિનિયમો, કાયદાઓ લોકોને બતાવવા મેદાને પડ્યા. આ રાંડ્યા પછીનું ડહાપણ છે તે નિયમો કે કાયદા પળાવનાર ને પાળનાર જાણે છે. એ પહેલાં થયું હોત તો આટલો ભડકો જ થયો ન હોત. ગેમ ઝોનમાં 3,000 લિટર જ્વલનશીલ પ્રવાહી જોખમી છે એવું કોઈ મૂર્ખ પણ જાણે છે, એક્ઝિટ ને એન્ટ્રી એક જ હોય તો કે કામચલાઉ બાંધકામ હોય તો તે જોખમી બને … આ બધાં જાણતાં હોય છે, પણ માલિકો કે સંચાલકો ખર્ચ ન કરવામાં અને લોકોને લૂંટવામાં માનતા હોય છે, એટલે આખું કોળું દાળમાં જાય છે.
કોઈ દુર્ઘટના ઘટે છે કે તંત્રો કામચલાઉ ધોરણે દરમાંથી બહાર નીકળી આવે છે. એ ન્યાયે હવે ઠેર ઠેર બધું સીલ કરવાનો સિલસિલો ચાલુ થયો છે. દુકાનો, મકાનો, થિયેટરો, શોપિંગ મોલ, ઓફિસો બધા પર ફાયર સેફટીને મામલે પસ્તાળ પડી છે. સુરતમાં હજારેક બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે. 100થી વધુ હોસ્પિટલો, 200 જેટલાં શૈક્ષણિક સંકુલો સહિત લગભગ સાડી પાંચસો બિલ્ડિંગો પાસે BU જ નથી. 175થી વધુ બિલ્ડિંગો પાસે NOC જ નથી. આમને આમ ચાલશે તો આખું શહેર સીલ થાય એમ બને. ઘણાંના ધંધા ઠપ થયા છે. સંસ્થાઓ નવરી પડી ગઈ છે. જો કે, એમાં પક્ષપાત પણ થાય છે. પાલમાં એક ફૂડ કોર્ટને સીલ તો માર્યું, પણ તે ભા.જ.પ.નું હતું એટલે ત્રીજે જ દિવસે ફરી ધમધમતું થઈ ગયું. ટ્યૂશન ક્લાસમાં આગ લાગે તો તે બંધ કરાવી દેવાય. બોટ ડૂબે તો બોટ પર તવાઈ આવે, ગેઇમ ઝોન સળગે તો તે BU, NOC પર મંડી પડાય એ બરાબર છે? આફત આગોતરી વરદી નોંધાવીને આવે છે? આગ લાગે, તો બીજી કોઈ આફત ત્રાટકે જ નહીં, એવું ક્યાં ય લખેલું છે? એટલે એક ઘટના બને, પછી એ જ તરત બનવાની હોય તેમ, જે રીતે શહેરોને બાનમાં લેવાય છે, તે વાજબી નથી. આદર્શ સ્થિતિ તો એ હોય કે કોઈ પણ આફત માટે તંત્ર અગાઉથી જ સજ્જ હોય, પણ તે સજ્જ તો કોઈ આફત પછી જ થાય છે. દુ:ખદ એ છે કે સરકાર ફરી આવું નહીં થાય એવા વાયદા કરે છે, પણ તેને યાદ રહેતા નથી. સુરતમાં તક્ષશિલા ટ્યૂશન ક્લાસની આગની ઘટના પછી આગથી કોઈ નહીં મરે એવી વાત સરકારે કરેલી, પણ ગેઇમ ઝોનની ઘટના બની જ ! આવી ઘટનાનાં બે પરિણામો આવે છે – તંત્રોની ભ્રષ્ટતા અને નિર્દોષનાં મૃત્યુ !
વારુ, લોકો પાસે જે અપેક્ષાઓ રખાય છે એવી અપેક્ષાઓ તંત્રો પોતાને પક્ષે પૂરી કરે છે? બધી સરકારી કચેરીઓમાં BU, NOC છે? કેટલાં ગેરકાયદે બાંધકામો શહેરમાં છે તે કોર્પોરેશનને ખબર નથી? પોલીસને ખબર છે ક્યાં ગોરખધંધા ચાલે છે ને કોની રહેમ નજરથી ચાલે છે? આ ચાલતું નથી, ચાલવા દેવાય છે. આ તપાસ, રેડ, સીલિંગ ન થવું જોઈએ એમ કહેવાનું નથી, પણ થવું જોઈએ ત્યારે નથી થતું, રડવાનું એનું છે. લોકો સ્વાર્થી છે, બેદરકાર છે, તકવાદી છે એ ખરું, પણ તંત્રો પણ કૈં દૂધે ધોયેલાં નથી. લોકો પર પસ્તાળ પાડતાં તંત્રો પોતે કેટલાં બેદરકાર છે એનો એક નમૂનો જોઈએ.
કોઈ પૂછે કે ગટરનું ઢાંકણું કેટલામાં પડે તો તેનો જવાબ વધારેમાં વધારે થોડા હજાર સુધી જાય, પણ ગટરમાં પડેલું ઢાંકણું દોઢ કરોડનું પડે એમ કોઈ કહે તો તમ્મર આવેને? પણ, આ સાચું છે. ગટરમાં પડેલું ઢાંકણું કાઢવાનાં વડોદરા મહાનગરપાલિકાને એક બે લાખ નહીં, પણ દોઢ કરોડ થયા. બન્યું એવું કે વાઘોડિયા રોડ પર ડ્રેનેજ ચોકઅપની ઢગલો ફરિયાદો આવતાં વડોદરા કોર્પોરેશન તપાસમાં લાગ્યું તો તેનો છેડો 2006 સુધી લંબાયો. અઢાર વર્ષ પહેલાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન ઢાંકણું મેઇન હોલમાં પડી ગયેલું. થોડા દિવસ પર જ ખબર પડી કે 2006માં ઢાંકણું ગટરમાં પડી ગયેલું તેથી લાઇન ચોકઅપ થઈ છે. કામગીરી શરૂ થઈ. રોડ ખોદાયો. ડ્રેનેજ ચેમ્બરમાંથી ઢાંકણું મળ્યું. ઢાંકણું કાઢતાં 20 ફૂટ સુધી ભરાયેલું ચેમ્બર 2 કલાકમાં ખાલી થઈ ગયું. ગટર લાઇનમાં ઢાંકણું પડ્યું છે, એની રજૂઆત તે વખતે કોઈકે વોર્ડ કચેરીને કરી હતી, પણ અધિકારીઓએ ધ્યાન ન આપ્યું. છેલ્લાં એક વર્ષથી ડ્રેનેજ લાઇનમાંથી પાણીને, પંપ મારફતે વરસાદી ગટરમાં ઠાલવવામાં આવતું હતું ને તેને માટે પંપ અને જનરેટર 24 કલાક કામે લગાડાયાં હતાં. એ બધાંનો ખર્ચ ફક્ત દોઢ કરોડ થયો. કેટલાક સરકારી લલ્લુઓ તો એમ પણ દાખલો ગણશે કે 216 મહિનાને હિસાબે દોઢ કરોડ તો બહુ મામૂલી રકમ ગણાય. એ લલ્લુઓ એમ નહીં વિચારે કે જે કામ થોડા કલાકોમાં થઈ શકતું હતું, તે કરતાં 18 વર્ષ થયાં હતાં.
આ તો તંત્રોનું ઉદાહરણ થયું, પ્રજા તરીકે આપણે ય કૈં ઓછી માયા નથી. રાજ્યમાં ડ્રગ્સ પકડાયાના સમાચાર છાશવારે છપાતા રહે છે ને ગૃહ મંત્રી તંત્રની બહાદુરીથી છાતી ફુલાવતાં ફરે છે, પણ એ નથી જોતાં કે ડ્રગ્સ ગલીઓમાં પહોંચ્યું છે. આ ડ્રગ્સ કોણ પહોંચાડે છે? એ તો લોકો જ છેને જે બાળકો-યુવાનોનું ભવિષ્ય નરક કરી રહ્યા છે. કાલના જ સમાચાર છે કે બેંગકોકથી સુરત કુરિયરમાં LSD ડ્રગ્સ મંગાવવાના રેકેટનો પર્દાફાશ થયો. SOGએ કેટલીક સોસાયટીઓમાં દરોડા પાડ્યા તો ઘરોમાંથી 42 લાખનું LSD ડ્રગ્સ અને 65 હજારનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયાં. આ વાત સુરતની જ નથી, અમદાવાદમાં પણ વિદેશથી રમકડાંની આડમાં 1.16 કરોડનો ગાંજો પકડાયો છે. વિદેશથી 18 પાર્સલ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યાં હતાં ને એ મંગાવનારા શ્રીમંત પરિવારના યુવક-યુવતીઓ છે. ગયા શનિવારે અમદાવાદના શીલજ બ્રિજ પાસેથી કારમાં એક યુવક દારૂની 595 બોટલો અને બિયરનાં 144 ટીન સાથે પકડાયો. આમાં મહિલાઓ ય પાછળ નથી. એર ઇન્ડિયાની એક એર હૉસ્ટેસ પ્રાઇવેટ પાર્ટમાં કિલો સોનું છુપાવીને લાવતાં ઝડપાઇ છે. દારૂ મોંઘો પડે છે એટલે નશા માટે સુરતના કેટલાક નબીરાઓ કફ સિરપની આખી બોટલ ગટગટાવી જાય છે. કફ સિરપનો ઉપાડ એટલો વધ્યો છે કે 100 રૂપિયાની બોટલ 200 રૂપિયામાં વેચાય છે.
તો, આ પણ એક બાજુ છે, જેમાં તંત્રો નહીં, પ્રજા સંડોવાયેલી છે. એમ લાગે છે કે બાળકો અને યુવાનો ટાર્ગેટ કરવામાં આવે છે. ગેમ ઝોન અકસ્માતોથી, ડ્રગ્સ-ગાંજાથી, શરાબ કે શરાબના વિકલ્પથી યુવા શક્તિને ખતમ કરવાનું કોઈ રેકેટ ચાલતું હોય એવો વહેમ પડે છે. આ અકસ્માત જ હોય તો તે બાળકો કે યુવાનો સાથે જ કેમ થાય છે તે વિચારવાનું રહે. એ સાથે જ પૈસાની લાલચે રાજનેતાઓ, અધિકારીઓ અને તંત્રો સાગમટે કોઈ પણ પાપ કરવામાં જરા ય અચકાતા નથી, કરુણતા એ છે કે આવું પાપ કરનારાઓને ખાસ કૈં થતું નથી, જે રાખ પડે છે તે તો નિર્દોષોની !
ખરેખર, પડે છે ત્યારે સઘળું પડે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જૂન 2024