
રમેશ ઓઝા
આજે સુરેન્દ્ર પ્રતાપ સિંહની યાદ આવે છે. સુરેન્દ્ર પ્રતાપ સિંહ (એસ.પી.) હિન્દી ભાષાના એક મોટા ગજાના પત્રકાર હતા. હિન્દી ભાષાના અત્યાર સુધીના દસ શ્રેષ્ઠ પત્રકારોમાં તેઓ અચૂક સ્થાન પામે એટલા મોટા પત્રકાર. મને યાદ છે કે ૧૯૯૦-૯૧નાં વરસોમાં તેઓ ‘નવભારત ટાઈમ્સ’ના તંત્રી હતા અને મેનેજમેન્ટ સાથે એડિટોરિયલ પોલીસી બાબતે મતભેદ થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું અને તેમની સાથે બીજા અનેક પત્રકારોએ રાજીનામાં આપી દીધાં હતાં. તેમના નામની એક પત્રકારત્વકીય સ્કૂલ હતી અને અનેક લોકો તેમને ગુરુ માનતા હતા. તેમની સ્કૂલના પત્રકારોમાંથી કેટલાકને હું સામે પ્રવાહે તરતા જોઉં છું અને એકાદ-બે એવા પણ છે જે આજકાલ જે ગોદી મીડિયા તરીકે ઓળખાય છે એના માટે કામ કરે છે. દરેકની કરોડરજ્જુ એક સરખી નથી હોતી.
‘નવભારત ટાઈમ્સ’માંથી છૂટા થયા પછી એસ.પી. ‘ઇન્ડિયા ટુડે’ જુથમાં જોડાયા હતા અને તેમણે ‘આજ તક’ નામની ચેનલ શરૂ કરી હતી. “તો યે થીં ખબર આજ તક, ઇંતજાર કીજિએ કલ તક” એ તેમનું છેલ્લું વાક્ય લોકજીભે બેસી ગયું હતું. તેમણે ‘આજ તક’ દ્વારા હિન્દી ટી.વી. પત્રકારત્વનો માર્ગ તેમણે કંડારી આપ્યો હતો, પરંતુ એ માર્ગે તેઓ પોતે લાંબી મુસાફરી કરી શક્યા નહોતા.
આજે તેમની યાદ આવે છે એક દુર્ઘટનાને કારણે. ૧૩મી જૂન ૧૯૯૭ના દિવસે દિલ્હીમાં ઉપહાર સિનેમામાં આગ લાગી હતી જેમાં ૫૯ જીવનો ભોગ લેવાયો હતો. જીવ ગુમાવવા માટે કોઈ કારણ નહોતું, કોઈ ગુનો નહોતો, સાવ નિર્દોષ હતા એ બધા દર્શકો અને ઊલટું ઉપહાર સિનેમા ગૃહમાં ચાલી રહેલી ‘બોર્ડર’ નામની ફિલ્મ જોઇને તેઓ પોતાના દેશપ્રેમની સાહેદી પૂરાવતા હતા. એ દિવસની રાતનું ‘આજ તક’નું ન્યુઝ બુલેટિન મારી આંખ સામે તરે છે. સુરેન્દ્ર પ્રતાપ સિંહ વિહવળ હતા, દુઃખી હતા અને કેમેરાની સામે ભાવુક બની ગયા હતા. તેમણે કટ લીધા વિના પત્રકારની અંદર રહેલા માણસને કેમેરા સામે પ્રગટ થવા દીધો હતો. એ ઘટનાએ તેમણે એટલી હદે અસ્વસ્થ કરી મૂક્યા હતા, કેમેરા સામે તેઓ રડી પડ્યા હતા. એ પછી એક દિવસ તેમને હાર્ટએટેક આવ્યો અને ૨૭મી જૂને તેઓ ગુજરી ગયા.
આજે રાજકોટની દુર્ઘટનાને અખબારો, ટી.વી. ચેનલો જે રીતે હાથ ધરી રહ્યા છે એ જોઇને માથું શરમથી ઝૂકી જાય છે. એક દાયકામાં સંવેદનશીલતાનો જાણે કે દુકાળ પડ્યો છે. કેટલાક પત્રકારો રાજકોટની દુર્ઘટનાને માટે જવાબદાર લોકોનો અને ખાસ તો પ્રશાસનનો બચાવ કરી રહ્યા છે. મોરબીની દુર્ઘટના વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. ઘડિયાળ બનાવતી કંપનીને પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં તેની કોઈ એક્સપર્ટીઝ નહોતી. પણ શો ફરક પડે છે? થોડા દિવસ પહેલા પૂનામાં એક બિલ્ડરના તરુણ પુત્રે વહેલી સવારે બેફામ ગાડી ચલાવીને એક યુવક અને યુવતીના પ્રાણ લીધા હતા. તેની સામે કોઈ કેસ દાખલ કરવામાં નહોતો આવ્યો અને બિલ્ડરના વંઠેલ પુત્રને બચાવવા સવારના છ વાગે શિવસેના(શિંદે જૂથ)નો ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો ને એ યુવકને છોડાવીને લઈ ગયો હતો. પોલીસે ત્રણસો શબ્દોમાં એક નિબંધ લખાવીને એ છોકરાને જવા દીધો હતો.
અહીં સુરેન્દ્ર પ્રતાપ સિંહને યાદ કરવા પાછળ એક બીજું કારણ પણ છે. તેમના દિલને હચમચાવી મૂકનારા રિપોર્ટીંગ તેમ જ ફોલોઅપના કારણે દિલ્હીના મૃતકોના પરિવારના લોકોને બળ મળ્યું હતું. તેમણે લડી લેવા કમર કસી હતી. કોઈ પણ ભોગે અને પૂંઠ પકડીને ન્યાય મેળવવા માટે તેમણે એક મંચની રચના કરી હતી અને સતત દસ વરસ લડીને તેમણે ન્યાય મેળવ્યો હતો. તેમની અથાક મહેનત પછી ઉપહાર સિનેમા ગૃહના માલિકોને બે વરસની જેલની સજા થઈ હતી અને મૃતકોના પરિવારને ૨૫ કરોડ રૂપિયા વળતર તરીકે આપવા પડ્યા હતા. કેસ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો પણ લડનારા લોકો ન્યાય મેળવીને રહ્યા હતા. એ મંચનું નામ હતું ‘એસોસિએશન ઓફ ધ વિકટીમ્સ ઓફ ઉપહાર ટ્રેજેડી’ (AVUT). તેમનાં પ્રયત્નોનાં કારણે તેમને માત્ર ગુનેગારોને જેલ અને વળતરરૂપી ન્યાય નહોતો મળ્યો, પણ દિલ્હી વહીવટીતંત્ર પાસે જ્યાં લોકો જમા થતા હોય એવી જગ્યાએ ફાયર સેફટી માટે નિર્દેશો તૈયાર કરાવ્યા હતા અને તેનું પાલન થાય એ રીતની જોગવાઈ કરાવી હતી. જ્યારે પૈસાભૂખ્યા વેપારીઓ અને પ્રશાસન વચ્ચે સાંઠગાંઠ રચાય અને પ્રશાસન તેમ જ પત્રકારો નીંભર બની જાય ત્યારે નાગરિક સમાજે આગળ આવવું જોઈએ અને ન્યાયની લડત હાથમાં લઈ લેવી જોઈએ. એ લડત થકવી દેનારી હોય છે, અક્ષરસઃ નીચોવી દેનારી હોય છે, પણ એક દિવસ ન્યાય જરૂર મળતો હોય છે. એ.વી.યુ.ટી.ના પ્રયત્નોનો આ ધડો છે.
રાજકોટમાં બાળકોનાં મા-બાપાઓએ દિલ્હીનો એ.વી.યુ.ટી.નો માર્ગ અપનાવવો જોઈએ. ખુશીની વાત એ છે કે ઉપહાર સિનેમામાં માર્યા ગયેલા લોકો માટે લડનારા સગાંસંબંધીઓ ન્યાય મેળવ્યા પછી ચૂપ નથી બેઠા, પણ આવી માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોને ન્યાય માટેની લડતમાં માર્ગદર્શન કરવાનું કામ પણ કરે છે. ગૂગલ પર સર્ચ કરશો તો એ.વી.યુ.ટી.નું નામ સરનામું અને ટેલિફોન નંબર મળી રહેશે. આ દેશમાં માત્ર ઊહાપોહ કરવાથી ન્યાય નથી મળતો, ન્યાય માટે લડત આપવી પડે છે. ગુનેગારોએ બચવા માટે પોલીસ અને જજોને પણ ખરીદ્યા હતા. એક સમયે તો લડનારાઓને એવું પણ લાગવા માંડ્યું હતું કે કશું જ હાથ નથી આવવાનું, પણ તેઓ નિરાશ નહોતા થયા. આમાં રાજકોટની દુર્ઘટના તો દિલ્હીની ઘટના કરતાં પણ કંપાવનારી છે. માટે લડી લેવું એ જ માર્ગ છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 02 જૂન 2024