સોવિયેત રશિયા ક્યારનું અસ્ત પામ્યું છે. આજનું રશિયા પણ સમાચારોમાં ઝગમગતું નથી. પરન્તુ વીસમી સદી દરમ્યાન ઉત્તરોત્તર એણે સ્વ-સમાચારોને વિશ્વવ્યાપી બનાવેલા. એનો એ રાષ્ટ્રપ્રેમ એક વાતે અંકિત કરવા જેવો — રશિયન સાહિત્યને વ્યાપક પ્રસાર મળેલો. પ્રચાર સત્પ્રસાર લાગે. એ વર્ષો યાદ આવે છે. બીજા દેશોની ખબર નથી પણ મૅગેઝિનો ને પુસ્તકો એણે આખા ભારતમાં પાથરી મેલેલાં. અનેકાનેક યુવક-યુવતીઓ એજ્ન્ટો રૂપે જોડાયેલાં. નોંધપાત્ર વાત તો એ કે સોવિયતે પોતાના સાહિત્યના દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદો કરાવેલા. ૫૦૦-૬૦૦ પેજીસના ડૅમિ સાઇઝનાં એ પ્રકાશનો સાવ સસ્તા ભાવે મળતાં'તાં. મને યાદ છે, મેં તૉલ્સતૉય, દોસ્તોયસ્કી, ચેખવ –ના અંગ્રેજી અનુવાદો ગુજરાત યુનિવર્સિટી પાસેની ફૂટપાથ પરથી ૮-૧૦ રૂપિયાના ભાવે ખરીદેલા.
જો કે એટલે ઘણી વાર રશિયન પુસ્તકો આપણા ઘરે અતિથિની જેમ પણ આવી ચડે. આવેલાંને કાઢી તો મુકાય નહીં એટલે પછી એ વ્હાલાં, કાયમ માટે રહી પડે. એવું એક પુસ્તક તે રશિયન લેખક રસૂલ હમજાતોવ (1923-2003)-નું 'મારું દાઘેસ્તાન' –અતુલ સવાણીકૃત ગુજરાતી અનુવાદ, પ્રકાશનવર્ષ ૧૯૮૬. પુસ્તક મને ખૂબ ગમેલું પણ એની જાહેરમાં વાત કરવાનો પ્રસંગ નહીં પડેલો. ૨૦ જેટલાં વર્ષો પછી હમણાં મિત્રો સાથેની વાતમાં એનો ઉલ્લેખ થયો એટલે મેં એને ઘરમાં શોધ્યું પણ સંતાઈને જોઈ રહેતા બાળકની જેમ મને પજવતું રહ્યું. ન મળ્યું. પણ સાહિત્યપ્રેમી મારા મિત્ર ગણપત વણકરે પોતાની નકલ મને પ્રેમથી પહોંચાડી, તે મને થયું, રસૂલ જેવા એક સાચદિલ સાહિત્યકારની વાત 'સાહિત્ય સાહિત્ય' હેઠળ કરવી જોઈએ. તો કરું :
એક વાર રસૂલ હમજાતોવ ભારત આવેલા. કલકત્તામાં રવીન્દ્રનાથનું ઘર જોવા ગયેલા. ત્યાં એમણે એક એવા પંખીનું ચિત્ર જોયેલું જેનું અસ્તિત્વ દુનિયામાં ક્યાં ય હતું નહીં. કેમ કે, રસૂલ કહે છે : એ તો ટાગોરની કલ્પનાના ફળ રૂપે તેમના આત્મામાં જન્મીને જીવતું હતું : પછી એકદમ નોંધપાત્ર વાત કરે છે : હું પણ એવું એક અદ્દભુત પંખી ધરાવું છું — મારું દાઘેસ્તાન : ઉમેરે છે : એટલે જ, વધારે ચૉક્કસાઈથી કહું તો મારા પુસ્તકનું નામ હોવું જોઈએ, 'મારું દાઘેસ્તાન'.
વતનપ્રેમની કથા રૂપે કે વતનકથાના પ્રેમ રૂપે રચના એકદમ રસપ્રદ છે. મને થાય છે, પહેલાં રસૂલ વિશેની કેટલીક માહિતી આપું : દાઘેસ્તાન ઉત્તરી કોકેસસ પ્રદેશનું રશિયાનું રીપબ્લિક. કોકેસસ યુરપ અને એશિયાની સરહદે આવેલો પહાડી પ્રદેશ. એક તરફ બ્લૅક સમુદ્ર ને બીજી તરફ કાસ્પિયન. એમાં ૩૬ પ્રજાઓ. એમાંની એક, અવાર. રસૂલ અવાર. ૧૪ વર્ષની વયે કાવ્યલેખન શરૂ કરેલું. પુસ્તકમાં સતત પિતાને અને પિતાની સાહિત્ય-શીખને સંભારે છે. કેમ કે પિતા કવિ, દાઘેસ્તાનના લોક-કવિ. શીખનો સાર એ કે સાહિત્યકારે વતનને અને પોતાનાં મૂળિયાંને કદી વીસરવાં નહીં. ક્રમે ક્રમે રસૂલનો વિકાસ એ દિશામાં થયો. રસૂલ પણ લોક-કવિનું બિરુદ પામ્યા. પ્રભાવક વક્તા અને સારા ગદ્યલેખક પણ ખરા. અનેક ઇનામ-અકરામ ને અવૉર્ડ પામ્યા. પછી તો, 'સમાજવાદી શ્રમવીર' કહેવાયા; 'લેનિન પ્રાઇઝ'-થી એમની નવાજેશ થઈ; વગેરે કેટલીક 'સરકારી' વસ્તુઓ પણ બની. તેમ છતાં, મારું માનવું છે કે રસૂલે પોતાના સાહિત્યિક શીલને જાળવી જાણ્યું છે. સરકાર અને સાહિત્ય, જીવન અને સાહિત્ય, જેવા ભેદોથી પર એક નિષ્ઠાવાન સાહિત્યકાર. એ કારણે પણ રસૂલનું દૃષ્ટાન્ત મને ખાસ ગમ્યું છે.
'મારું દાઘેસ્તાન' છે શું ? કવિતા ? આત્મકથા ? વાર્તા ? ઉત્તર છે, 'ના' અને 'હા'. કેમ કે આખું કમઠાણ એમણે એ બધાંના સંમિશ્રણ રૂપે ગોઠવ્યું છે. મીઠા ટહુકાભર્યા એમના લેખન-નુસખા સાંભળો : 'બાપુ કહેતા' 'મારી નોટબુકમાંથી' 'કહેવાય છે કે' 'એક યાદ' : પ્રકરણોનાં શીર્ષકો પણ આવાં બાંધે : 'પુસ્તકનું રૂપ અને તેને કેવી રીતે લખવું એ વિશે' : મતલબ એમ કે વતન દાઘેસ્તાન વિશેની સામગ્રીને પોતે જાણે અવેરી શકતા નથી. જોઈ શકાય કે એ બાબતે રસૂલ આપણને સંડોવ્યા કરે છે. એમની આ માન્યતા સાંભળો : કોઈ પણ લેખક માટે સૌથી વધારે જવાબદારીભર્યું લખાણ પોતાના વતન વિશે હોય છે : તરત કહે છે : ના, એ પુસ્તક મેં હજી લખ્યું નથી પણ એને વિશે ખૂબ વિચાર કર્યા છે : છેવટે સરસ ઉમેર્યું છે : એ વિચારો તૈયાર કોટ નહીં પરન્તુ કોટના કાપડ જેવા છે, ગાલીચો નહીં પરન્તુ માત્ર વણાટના સૂતર જેવા છે, ગીત નહીં પરન્તુ કેવળ ગીતને પેદા કરનારા ધડકારા જેવા છે : રસૂલે આ સઘળી વાત 'મારું દાઘેસ્તાન'-માં ખણ્ડ-૧ લખીને પ્રકાશિત કરી એટલે આપણે એમને કહી શકીએ કે આ તો સાહેબ, તમે લખવા ધારેલી વતનકથાનો મુસદ્દો છે.
બધી વાતો ન કરી શકું પણ એમને અંગેનું મારું મુખ્ય મન્તવ્ય જણાવી શકું : જીવન અને સાહિત્યનું એકરૂપ સંવેદન રસૂલનો વિશેષ છે. આપણા લેખકો કાં જીવનતરફી, કાં સાહિત્યતરફી. એટલે આ, રસૂલનો 'વિશેષ' લાગે. બાકી સન્નિષ્ઠ કલાકારની સૃષ્ટિમાં જીવન અને કલા જુદાં નથી હોતાં. પુસ્તકની સફળતા એ છે કે એ સંવેદનને આપણે અવાજ વગરના એક રંગરંગીન ફુવારા રૂપે અનુભવીએ છીએ. એથી આપણી આગળ રસૂલની પારદર્શક વ્યક્તિતા ખડી થાય છે. જોઈ શકાય કે એઓ કોરા સિદ્ધાન્તો કે આદર્શો નથી વાટતા. વાર્તાઓ, કિસ્સાઓ, દૃષ્ટાન્તો, કહેવતો, માન્યતાઓ ને જાતઅનુભવની કથનીઓ વડે સમગ્રને સ્વાદીલું કરી મૂકે છે. મેં અનુભવ્યું છે કે એમનો શબ્દ પારદર્શક છે ને વાણી ઊડતું ચકલું પાડે એવી રીઢી છે. મૂળ કારણ તો ગદ્યલેખનનું મુક્ત સ્વરૂપ — રસૂલ ઘડીમાં આમ વાત કરે, ઘડીમાં તેમ કરે, પણ નિરન્તર પોતાના વાચક જોડે વાત કરે. કૉન્વર્સેશન સ્ટાઇલ. પરિણામ એ કે વાચક જે પાન પર નજર નાખે, રસૂલની વાતમાં પરોવાઈ જાય ! માત્ર જાણતલો જાણે છે કે લેખક વાચકને ન છોડે અને વાચક લેખકને ન છોડે એ સમાગમનો કરિશ્મો શું છે.
પુસ્તક પતવા આવે એટલે સામાન્યપણે લેખકો રાજી રાજી થઈ જતા હોય છે. કહે, આ કામ હવે — બે સારા શબ્દ વાપરે — 'સુપેરે સમ્પન્ન' થવાનું, પણ રસૂલને જુદું થાય છે. કહે, મને બીક લાગે છે. હાથમાં કલમ ધ્રૂજી રહી છે. મનમાં આશંકાઓ ઉભરાય છે : હું બિલાડીને ગરુડ માનીને તો નિશાન નથી તાકી રહ્યો ને ? હું ઘોડાને બદલે ગધેડો પલાણવાની કોશિશ તો નથી કરી રહ્યો ને ? છતની પહોળાઈના માપની પણ લંબાઈમાં ટૂંકી વળીઓ આડીઊભી ગોઠવવાની કોશિશ તો નથી કરી રહ્યો ને ? : ઉમેરે છે : પુસ્તકનો અન્ત નજીક આવતો જાય છે તેમ તેમ મને લાગે છે કે હું એવા ખાટકી જેવો છું જે કતલ કરેલા ઘેટાને કાપવા કરે છે ને છેક પૂંછડીએ પહોંચી જાય છે ત્યારે એનો બાપડાનો છરો ભાંગી જાય છે …
લેખકોએ જાતને અવશ્ય પૂછવા જેવો સવાલ રસૂલ પોતાને પૂછે છે : હું મહાસાગરને તળિયેથી જે માછલી લઇને ઉપર આવી રહ્યો છું તે ખાલી હશે કે તેની અંદર મોતી હશે ? : મને લાગે છે, આવા જાગ્રત અને આત્મનિરીક્ષણને વરેલા લેખકનાં સર્જન ભાગ્યે જ મોતી વગરનાં હોય …
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 04 જુલાઈ 2015
http://navgujaratsamay.indiatimes.com/editorial/opinion/only-few-writers-are-connected-whit-reality/articleshow/47927062.cms