‘વિલાયતની તો શું વાત – ભૈ, ત્યાં અંગ્રેજી પાંચમાથી કે આઠમાથી એવો વિવાદ જ નથી !’
બારમા ધોરણના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહોનાં પરિણામોમાં જે એક વાતે કંઈક કૌતુક તો કંઈક ફરિયાદ અને વળી રમૂજની રીતે છેલ્લા કલાકોમાં રજૂઆત થતી રહી તે એ કે ટૉપ ટૅન તરેહના ટનટનાટમાં ગુજરાતી માધ્યમવાળી સ્કૂલો ગજું કરી ગઈ અને અંગ્રેજી માધ્યમવાળી પાછળ રહી ગઈ ! એમાં અચરજ વળી એ વાતે અંબોળાયું અને અથાયું કે અંગ્રેજી માધ્યમવાળાઓ અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રમાં પાછળ રહી જાય છે. પાછું, આમ અંગ્રેજી માધ્યમવાળાઓનું પાછળ રહી જવું એ કોઈ એકાકી કે આકસ્મિક ઘટના નથી, પણ એમાં ચોક્કસ વલણ ને કારણ રહેલું છે એવો મુદ્દો ઉપસાવવા વાસ્તે એમ પણ ઉમેરવામાં આવ્યું કે આમ કંઈ 2009માં જ બન્યું છે એમ નથી. પૂર્વે 2008માં પણ આવું જ બન્યું હતું.
બોર્ડના પરીક્ષા તંત્ર અને શાળાઓના સંબંધ વિશે, માધ્યમને ધોરણે વહાલાંદવલાં વિશે કે એવી કશી જ અંતરંગ જાણકારી વગર તેમ વિશેષ અભ્યાસ વગર માત્ર આ જે રજૂઆત કૌતુકનો વળ અને અચરજનો આમળો આપીને થતી રહી છે એને આધારે અહીં એકબે વ્યાપક નિરીક્ષણો કરવાનો ખયાલ છે.
જો માત્ર સાદી સમજને જ ધોરણે ચાલીએ (જોકે સાદી સમજ આજકાલ એક દુર્મિળ જણસ બની રહેલ છે) તોપણ એટલું તો દીવા જેવું દેખાઈ રહેવું જોઈએ કે સામાન્યપણે કોઈ પણ વ્યક્તિ પોતાની ભાષામાં જ ઉત્તમપણે વ્યકત થઈ શકે છે. અંગ્રેજી ગીતાંજલિથી રવીન્દ્રનાથ જગતતખતે ઊંચકાયા અને પોંખાયા એ સાચું ; પણ એમણે ક્યાંક કહ્યું છે કે પ્રેરણાની પળોમાં બંગાળીમાં ઊતરી આવેલી આ બધી રચનાઓ છે. જ્યારે એવી સર્જનાત્મક ક્ષણોમાં ન હોઉં ત્યારે એ પંક્તિઓ અંગ્રેજીમાં ઉતારવાની હું કોશિશ કરતો હોઉં છું. આ વાત એક નોબેલ-પુરસ્કૃત પ્રતિભા માટે જ નહીં પણ ઓછેવત્તે અંશે આપણા સહુ માટે સાચી છે. એટલે જો અંગ્રેજી માધ્યમવાળા કરતાં ગુજરાતી માધ્યમવાળાં છોકરાં ટૉપ ટૅન ટનટનાટમાં ગજું કરી જતાં માલૂમ પડે તો એ સંદર્ભે રાગ કૌતુક આલાપવાનું ખરું જોતાં કોઈ કારણ હોવું જોઈએ નહીં.
મુદ્દે, જે એક વાતે આપણી પ્રજાકીય સમજ ગંઠાઈ ગયેલી અને ગોથું ખાતી જણાય છે તે ‘અંગ્રેજી’ અને ‘વિદ્યા’ બેઉના ઘોર સમીકરણની છે. દેશભરમાં ઉત્તમ અધ્યાપકોની એક આખી હારમાળા જે વિદ્યાગુરુને આભારી છે – વી. વી. જહોન – એમણે દાયકાઓ ઉપર માર્મિક વાત કરી હતી કે હું અંગ્રેજીનો આશક છું, હિમાયતી છું, પણ અંગ્રેજી માધ્યમની બોલબાલાથી બહુ બીઉં છું. કારણ, પછી તો, વિષયના જ્ઞાન કરતાં ભાષાના જ્ઞાનની બોલબાલા વધી જશે. ઇતિહાસના વાસ્તવિક અભ્યાસ કરતાં એને અંગે ધારાપ્રવાહ અંગ્રેજી રજૂઆતનાં મહિમ્નસ્તોત્રો રચાશે. વિદ્યા અને જ્ઞાન એક વાત છે, પરભાષાની રવાની તે કૈં વિષયની સમજનો અવેજ તો નથી.
કયાંથી ક્યાં આવી ગયા છીએ આપણે ! એક જમાનો હતો જ્યારે ગુજરાતી છાપાંમાં અને જાહેર જીવનની બોલચાલમાં ‘પાનસોપારી’કાર ચિનુભાઈ પટવાએ અંગ્રેજી પાંચમા ધોરણથી ભણાવવું કે આઠમા ધોરણથી, એ વિવાદનો મોખરો જાળવી રહેલા બે અલગ અલગ ઠાકોરભાઈઓને ઠાકોર પાંચમા અને ઠાકોર આઠમા તરીકે રમતા કરી મૂક્યા હતા. ગુજરાતના વિદ્યાર્થીનું અંગ્રેજી સારું હોવું જોઈએ એ વિશે ન ત્યારે તકરાર હતી, ન અત્યારે તકરાર છે. પણ ત્યારે સારા ભણતર અને અંગ્રેજી માધ્યમનું સમીકરણ આજની જેમ દ્વારકાની છાપ પેઠે જામેલું નહોતું. બલકે, આઠમા ધોરણથી અંગ્રેજીની હિમાયત કરનારાઓ પરદેશી ભાષા શીખવવા અંગેનાં આંતરરાષ્ટ્રીય ધોરણોનો હવાલો આપીને આઠમાથી અગિયારમા દરમ્યાન બરાબર એટલા જ કલાકો ફાળવાય છે એવી દલીલ સાધાર અને સાગ્રહ કરતા.
એ દિવસોમાં, ખરું જોતાં જોકે એ વરસોમાં, એક રમૂજ (આજની ભાષામાં એક ‘જોક્સ’ એવું બહુવચની એકવચન) ચલણમાં હતી કે કોઈ એક ગરવા ગુજરાતી સજ્જન (પાંચમાથી અંગ્રેજીની હિમાયતવાળા) ઇંગ્લેંડ જઈ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું કે તમને ત્યાંની શિક્ષણ પ્રથા વિશે કેવી છાપ પડી. જવાબમાં એક જણે કહ્યું કે કહેવું પડે ભૈ, અંગ્રેજી પાંચમાથી કે આઠમાથી એવો કોઈ વિવાદ જ ત્યાં નથી ! ભલા ભાઈ, કોણ સમજાવે તમને કે માતૃભાષા બાબતે વિવાદ ન હોય, સહજ પ્રીતિ ખચિત હોય. મુદ્દાની વાત એટલી છે કે જે વર્ષો વિવિધ વિષયોમાં સહજ સમજને ધોરણે માતૃભાષા વાટે અકુતોભય પ્રવેશ કરવાનાં છે એને એક પારકી ભાષાની પળોજણમાં અમથાં જ ખરચી નાખવાનો વૈભવ તો કોઈ નાદાન પ્રજાને જ પાલવે.
માધ્યમ બાબતની આ ગરબડિયા સમજે, આજે ધીમે ધીમે આપણને એક એવી પરિસ્થિતિ પર લાવી મૂકયા છે જ્યારે માતૃભાષા ખુદ એક વિષય તરીકે તેમ શૈક્ષણિક અને સાર્વજનિક જીવનમાં એના સ્વાભાવિક સ્થાન વિશે સવાલિયા દાયરામાં છે. ગયા દસકામાં મુંબઈની ગુજરાતી સંચાલન હેઠળની સંસ્થાઓએ ‘નો મિનિસ્ટર’ પ્રકારની બાગેબહાર જાહેરખબરી ઝુંબેશ પાનાં ભરી ભરીને ચલાવી હતી, જેમાં માધ્યમિક શિક્ષણના કોઈક તબક્કે પચાસ માર્કનું ગુજરાતી રહેશે કે નહીં એ મુદ્દે જંગ છેડાયો હતો. આ સંસ્થાઓ પોતે ગુજરાતી માધ્યમથી હટતી જતી હતી, એ જાણે કે કોઈ મુદ્દો જ નહોતો !
વાતની શરૂઆત માધ્યમથી કરી હતી, અભ્યાસપ્રીતિથી કરી હતી – નહીં કે અંગ્રેજીદ્વેષથી. પરંતુ, વાત પૂરી કરતાં પહેલાં નકરા શૈક્ષણિક વર્તુળની બહાર નીકળીને એક મુદ્દો તો ખસૂસ કરવો રહે છે. ક્યારેક દેશ જેમ રાજીવ ગાંધી ફરતે ગા ગા લ ગા હતો તેમ આજકાલ રાહુલ ગાંધીની ફરતે છે. કદાચ, રાજીવ ગાંધીને જે વયે દેશની આટલી ખબર નહોતી તે વયે રાહુલને છે એમ પણ માનવામાં હરકત નથી. પણ યુવા ભારતના આ ત્યારનાં અને અત્યારનાં પ્રતીકોનો ઉછેર તો એ જ અંગ્રેજી માધ્યમની આમ જનતાથી કપાયેલ ‘ખાસ લોગ’ની સંસ્થાઓનો છે. જે બધી નવી ભરતી મનમોહન મંત્રીમંડળમાં છે, નકરી એલિટિસ્ટ જ એલિટિસ્ટ છે… જો જો , સ્વરાજની બાકી લડાઈમાં ક્યાંક ખોવાઈ ન જઈએ !