રંગભૂમિને સામાન્ય રીતે આપણે મનોરંજનના સાધન તરીકે જાણીએ છીએ. જર્મન રંગકર્મી બર્તોલ્ત બ્રેખ્ત (1898-1956)અને બ્રાઝિલના અગસ્તો બૉઆલ (1931-2009) એ બન્નેએ વૈચારિક ભૂમિકાએ અને નાટ્યપ્રયોગો દ્વારા રંગભૂમિને નવું પરિમાણ આપ્યું. વ્યક્તિ અને સમાજમાં પરિવર્તનના ઉદ્દેશથી પ્રેરાઈને રંગભૂમિની આ બે વિચારશીલ વિભૂતિઓએ પ્રેક્ષકોને મનોરંજનની સીમાઓની બહાર નીકળી જઈને રંગભૂમિ નિહાળતા કર્યા.
પાશ્ચાત્ય નાટ્યપ્રણાલી અનુસાર, પ્રેક્ષક નાયકનાં ઉમદા કાર્યોપરાક્રમોને સરાહે, નાયકની મનઃસ્થિતિ સાથે તાદાત્મ્ય અનુભવે, એના આનંદમાં તેમ એની યાતનામાં સહભાગી થાય – હર્ષના અને શોકનાં આંસુ પણ સારે. મનોવૈજ્ઞાનિક રીતે આવકાર્ય વ્યક્તિગત આનંદ સાથે પ્રેક્ષક પાછો ફરે. પછી એ નાટક અંગે વિચારવાનું ભાગ્યે જ બને. પૌર્વાત્ય પ્રણાલી મુજબ પણ પ્રેક્ષક નાયકની ઉદાત્તતાની આખરી ફતેહની અપેક્ષા રાખે. તે સંતોષાય, પ્રતિનાયક અને બીજા વિરોધી બળોનો પરાભવ થાય, સર્વત્ર માંગલ્ય સ્થપાય અને તે પાછો ફરી દૈનિક ઘટમાળમાં ગુંથાય.
બન્ને શૈલીઓમાં પરિચિત જીવનપ્રસંગોનું આલેખન હોય ત્યારે પણ રંગભૂમિ અને જીવન વચ્ચે અંતર રહે. નાટકના વિશ્વની, એના વહેવારોની, એના સભાન ‘સંદેશ’ની અસર વાસ્તવિક જીવન પર થાય પણ ખરી, ન પણ થાય. એવી અસર પાડવી જ, એવો રંગભૂમિનો સામાન્યતઃ ઉદ્દેશ નહીં. છેલ્લા સાતેક દાયકાઓ દરમ્યાન ઉત્તરોત્તર નાટકને સમાજજીવનનો અંતર્ગત ભાગ બનાવવાના પ્રયત્નો થયા – વિશેષે સમાજના વાચાહીન શોષિત, પીડિત, વંચિત વર્ગ પ્રત્યે હમદર્દી અને કર્તવ્યના ભાવથી પ્રેરાઈને. બ્રેખ્ત,ઈપ્ટા, શેરીનાટક, દારિયા ફૉ બાદલ સરકાર આ સંદર્ભમાં તરત સ્મૃતિએ ચડે. એ હરોળમાં આજ સુધીનું છેલ્લું નામ અગસ્તો બૉઆલનું.
2008ની સાલના શાંતિ માટેના નોબલ પુરસ્કાર માટે બૉઆલનું નામ સુચવાયેલું. પેરિસ સ્થિત ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે કોઈ એક વિશ્વવિખ્યાત નાટ્યવિભૂતિને 27મી માર્ચના રોજ ઉજવાતી વિશ્વરંગભૂમિ દિન માટે વિશેષ સંદેશ આપવા નિમંત્રે. 2009નો સંદેશ બૉઆલે આપેલો. પછી એક મહિના જેટલું જીવ્યા. બીજી મેના દિવસે એમનું અવસાન થયું. સારા વિશ્વે સ્વજનને અપાય એવી ભાવભીની અંજલિ આપી. ગુજરાત સહિત ભારતભરમાં અગસ્તો બૉઆલને સમજી અને એમની વિશિષ્ટ, પરિણામદાયી શૈલી પ્રયોજી પ્રતિબદ્ધતાપૂર્વક નાટ્યપ્રયોગો કરનાર રંગકર્મીઓની નોંધપાત્ર સંખ્યા છે. ગુજરાતના, વિશેષે અમદાવાદના એવા રંગકર્મીઓએ પ્રશાંત નામે જાણીતી સંસ્થામાં ભેગા મળી ત્રણેક કલાકનો કાર્યક્રમ આપ્યો. બૉઆલે વિકસાવેલી ફૉરમ શૈલીમાં સંવેદન અને વિદ્યાનાટ્યવૃંદોએ તૈયાર કરેલાં નાટ્યપ્રયોગો પણ થયાં.
યુવાન વયે બૉઆલે આરંભ કરેલો બુલંદ રીતે બોલકી વિરોધ અને પ્રતિકારની રંગભૂમિથી. વ્યક્તિગત અને સામૂહિક શોષણની નાટ્યાત્મક રજૂઆતને અંતે એના ઉપાય માટે વૈકલ્પિક અંતોનાં સૂચનો માંગવામાં આવતાં. બ્રિટનનું ‘ધ ગાર્ડિયન’ અખબાર (6મે, 2009) નોંધે છે કે પ્રેક્ષકવૃંદમાંથી સૂચનો કરતી એક સ્ત્રી અભિનીત અર્થઘટનોથી સંતોષ ન થતાં જાતે જ તખ્તા પર પહોંચી ગઈ અને વૈકલ્પિક અંતનો અભિનય કરી બતાવ્યો. સતત સતર્ક રહી રંગભૂમિમાં કામ કરતા કર્મશીલ અગસ્તો બૉઆલને આ અનુભવમાંથી ફોરમ શૈલી સૂઝી, જે પછી એમણે વિકસાવી.
પ્રેક્ષકની માનસિક નિષ્કિયતા એમણે ખંખેરી. પ્રણાલીગત રીતે લાગણીથી નાટકની પળો અને એનાં પાત્રો સાથે તાદાત્મ્ય સાધી પ્રવાહમાં તણાઈ જતા પ્રેક્ષકને એમણે રોક્યો. બર્તોલ્ત બ્રેખ્તે પ્રેક્ષકનો નાટક સાથેનો લાગણીનો નાતો તોડવા મહદંશે સફળ પ્રયત્ન કરેલો. બૉઆલ એક ડગલું આગળ વધ્યા અને પ્રેક્ષકને તખ્તા પર ખેંચી ગયા. પ્રેક્ષકને અભિનેતા બની ક્રિયાશીલ બનવા ઉશ્કેર્યો-લાગણીથી જોતરાઈને નહીં, બુદ્ધિપૂર્વક અને સામાજિક કર્તવ્યભાવનાથી પ્રેરાઈને. બૉઆલે એને spect-actor કહ્યો, આપણે ‘પ્રેક્ષાભિનેતા’ કહી શકીએ.
પ્રેક્ષકને પ્રેક્ષાભિનેતા બનાવવાનો આ કીમિયો સમાજના ઉપેક્ષિત પીડિત વર્ગ પ્રત્યે સમાજને જાગૃત કરી અભિમુખ કરવાનો ઉપક્રમ છે. નાના અંશે પણ એ દ્વારા પ્રતિબદ્ધતા પ્રગટતી અનુભવાઈ છે. ફૉરમ શૈલીના સફળ પ્રયોગો વિશ્વભરમાં થયા, એના અંગે ચર્ચાઓ થઈ. ગુજરાતમાં પણ એમ થયું. ધાર્મિક ઉન્માદના વાતાવરણમાં નિઃસહાય બની સપડાયેલી વ્યક્તિઓના સંજોગો પુનર્જીવિત કરાયા ત્યારે આ શૈલી દ્વારા અનેક વિકલ્પો સૂચિત થતા જોયા છે. સમસ્યાનો સીધો ઉકેલ જડી જતો નથી. પરિસ્થિતિની તાકીદ પણ જુદી હોય છે. પરંતુ, ઉકેલની મજબૂત શક્યતા અંગે સભાનતા, સતર્ક માનસિકતા જરૂર ઊભી થાય છે. પરિવર્તન ધીમી પ્રક્રિયા છે, તાત્કાલિક સીધી નજરે પણ ન ચડે એવી.
આ ઉપરાંત પણ, આ લેખક-દિગ્દર્શક-શિક્ષક-કર્મશીલે ‘રેઇનબો અવ્ ડિઝાયર’ અને ‘ઇમેજ’ જેવી રસપ્રદ સફળ શૈલીઓ વિકસાવી છે. જે કોઈ ક્ષેત્રમાં સક્રિય થાય ત્યાં એમને માટે રંગભૂમિ હાથવગી હતી ! પંદરેક વર્ષ પહેલાં ચાર વર્ષની મુદત માટે તેઓ રીઓ દ જનીરોની નગરસભાના સભ્ય બનેલા. ત્યારે લેજિસ્લેટિવ થિયેટરનું સર્જન કર્યું. પ્રેક્ષાભિનેતાની જેમ મતદારો અભિનેતા બને અને સંભવિત ધારાની ચર્ચા કરે. મતદારોની ભાગીદારી સાથે વીસેક ધારા એ વર્ષો દરમ્યાન ઘડાયા હોવાનું મનાય છે આ જોઈને કહેવાય છે કે, કૅનેડા અને ઇંગ્લંડમાં આ શૈલી પ્રયોજાય છે.
બૉઆલના મતે સૂક્ષ્મ પ્રકારનું શોષણ તો જીવનના દરેક ક્ષેત્રમાં થાય છે. આપણે એ જોનારા પ્રેક્ષકો નથી બની રહેવાનું. બૉઆલની રંગભૂમિ સંવાદ નોતરે છે, ભાગીદારીની પ્રતીક્ષા કરે છે. વિશ્વરંગભૂમિ દિન નિમિત્તે પાઠવેલા સંદેશામાં એમણે કહેલું, “નાગરિક હોવું એટલે સમાજમાં માત્ર જીવવું એવો અર્થ નથી. નાગરિક થવું એટલે પરિવર્તન લાવવું."