લેખિકા, અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ-અવાજના સ્થાપક મંત્રી અને અસરગ્રસ્ત કંધમાળના અભ્યાસપ્રવાસી
ચૂંટણી દરમ્યાન ટીવી પર અનેક પ્રકારે દૃશ્યો જોવા મળતાં હતાં ત્યારે વારંવાર રાજકીય નેતાઓના સ્વાગતમાં કે તેમનાં સંમેલનોમાં તલવારો ભેટમાં અપાતી જોઈને દુઃખદ આશ્ચર્ય થતું. ભારતની લોકશાહીમાં રાજકારણીઓ તલવારનો આટલો મહિમા કેમ કરે ? તલવાર ઉઠાવીને રાજ્ય લેવાનું નથી પછી તે ઉઠાવીને હવામાં વીંઝવાથી કયો સંદેશ પહોંચાડવાનો હોય? તલવાર ઓછી હોય તેમ વળી ગદા ભેટ આપવાનું પણ શરૂ થયું છે. બજરંગના ભક્તોને તે આયુધ સાંભર્યું લાગ્યું. તો આપણા રાજકીય નેતાઓના માનસમાં ચૂંટણીની પ્રક્રિયા સ્વીકારાઈ નથી એમ સમજવું?
તલવાર મ્યાનમાંથી કાઢીને હવામાં વીંઝનારા ડરાવે છે. તેમનો પક્ષ સત્તા પર હોય ત્યારે તલવારનો ઉપયોગ પણ તે કરાવે છે. પોતે મહોરું પહેરી રાખીને લોકશાહીનો વ્યવહાર કરે ત્યારે તેમના શસ્ત્રધારકો પ્રજાના ચોક્કસ વર્ગો પર આક્રમણ કરે તેવું ચાલ્યું આવ્યું જણાય છે. રાજ્યકર્તાઓ ભલે લોકશાહીને ભુલાવે પણ લોકો નથી ભુલાવતા તેવું આ છેલ્લી ચૂંટણીએ સ્પષ્ટ કરી આપ્યું. ગાંધીનગરમાં લોહપુરુષને મળતા મત ઓછા થયા, હારે નહીં તે જાહેર હતું, પાછળ સત્તાબળનો ટેકો હતો ને ! પ્રચાર સમયે હરીફોએ તેમને ચિંતા કરતા કરી મૂક્યા હતા તે પણ જાહેર હતું. ગુજરાતમાં ભલે જીત્યા અને મોં ઠાવકું રાખી શક્યા પણ અન્યત્ર જાકારો મળ્યો તે તલવારનો વિરોધ દર્શાવતો લાગ્યો.
એ વિશે સૌથી વધુ સૂચક ઓરિસ્સાનાં ચૂંટણી પરિણામો જણાયાં. ત્યાંની સત્તામાં બીજુ જનતા દળ અને ભાજપની ભાગીદારી દસ વર્ષથી ચાલી આવતી હતી પણ ચૂંટણી આવતાં બીજુ જનતા દળે ભાજપથી દૂર થઈ જઈને એકલા ચૂંટણીમાં ઝંપલાવવાનું જાહેર કર્યું. સંસદની ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક ન મળી. સંપૂર્ણ જાકારો મળ્યો. વિધાનસભાની 147 બેઠકોમાંથી બીજુ જનતા દળના નવીન પટનાયક 103 બેઠકો જીત્યા, ભાજપને ફક્ત છ બેઠકો મળી. આમાં બે બેઠકો તેમના પરિવાર સાથીઓએ જ્યાં જનસંહાર કર્યો હતો ત્યાં મળી. લોકશાહી હોવા છતાં તલવારનો ડર કોને નથી લાગતો? વરુણ ગાંધી પીલીભીંત જીતે એમ આ બે વિધાનસભાના ઉમેદવારો કંધમાલ જેવા જિલ્લામાં જીત્યા, તેનું શ્રેય તેમની રાજનીતિમાં પ્રજાએ મૂકેલ વિશ્વાસને ન જાય, પણ તેમણે પ્રસારેલા આતંકની અસરને જરૂર જાય.
ભારતીય જનોની લોકશાહી વિશેની માનસિકતાનો ઉલ્લેખ કરતાં સામાન્ય રીતે લોકોને તલવાર ઉઠાવાય છે તે જોવી કઠતી કેમ નથી એ સવાલ મનમાં પડઘાયા કરે છે. ચૂંટણીની સાથે જ આઈપીએલની ક્રિકેટની સ્પર્ધાઓ ચાલી- માહોલ તો રમતજગતનો છે પણ તેમાં ટીમના આપેલાં નામ પ્રસ્તુત છે : આઠમાંથી ચાર નામોમાં ‘રોયલ’ અને ‘કિંગ’ શબ્દો પ્રયોજાયા છે વધુ એકમાં સામંતશાહીનો સૂચક ‘નાઇટ’ શબ્દ વપરાયો છે. જીતવું હોય તો રાજા કે સામંત થવું જરૂરી છે તેવી માનસિકતા ક્રીડાંગણોમાં પ્રવર્તે છે. ચૂંટણીમાં પણ તે જ માનસિકતા પ્રગટ થતી જણાય છે. ભારતીય જનોના ચિત્તમાં અહિંસક લોકશાહી ક્યારે ઠરીને બેસશે એવો પ્રશ્ન ઊઠે છે. તે નહીં થાય ત્યાં સુધી તલવારને, હિંસાને સ્વીકૃતિ મળતી રહેશે તે ખ્યાલ ખિન્ન બનાવી મૂકે છે.
લોકશાહીને મજબૂત બનાવવા ઠંડે કલેજે યુવાનોનાં મંડળોનો પ્રબંધ કરતો રાહુલ ગાંધી સાંભરે તે સહજ છે. ચૂંટણીમાં વ્યૂહરચના, વિરોધની ઉત્તેજના સ્વીકાર્ય છે. મુદ્દાઓની છણાવટ અને જોરદાર દલીલોની અપેક્ષા છે. એકબીજાને ઉતારી પાડતી વ્યક્તિગત ટીકાઓ જેટલું વક્તવ્યોનું સ્તર નીચું ઊતરી જાય તે બેહૂદું જ લાગે છે. જેની પાસે બાવડાનું જ જોર છે તેની પાસે ઉદાત્ત માનસિકતાની અપેક્ષા રાખવી વધુ પડતી છે એવું પણ લાગે છે. બીજી ચૂંટણી સુધીમાં તે સ્તરે ઊંચા ઊઠી શકાશે ?