કેન્દ્રમાં નવી સરકાર રચાવા આડે ગણતરીના કલાકો છે ત્યારે તાજેતરની ચૂંટણીઝુંબેશ દરમ્યાનના કેટલાંક અનુભવ અને અવલોકન નાગરિક વિમર્શ તેમજ સહવિચારની દૃષ્ટિએ અહીં રજૂ કરું છું.
લોકસભા ચૂંટણી-2009 એ રીતે વિશિષ્ટ રહી કે દેશના કહેવાતાં મોટાં બે રાજકીય ગઠબંધનો, યુપીએ અને એનડીએ, લોકોના પ્રશ્નો અને મુદ્દાઓ તરફ ઈરાદાપૂર્વક બેદરકાર અને ચૂપ રહ્યાં જ્યારે દેશ ભયંકર મોંઘવારી – ગરીબી – બેકારીમાં ફસાયેલો છે. દેશની આઝાદીના 62 વર્ષ પછી, 110 કરોડની વસતીમાં 80 કરોડ લોકો વીસ રૂપિયામાં દિવસ વીતાવે છે ત્યારે ચૂંટણી વેળાએ મફત મોબાઈલ કે લૅપટોપની વહેંચણીની રાજકીય પક્ષો દ્વારા જાહેરાત, લોકોના ઘા ઉપર મીઠું ભભરાવવાથી વિશેષ શું કહેવાય ?
આ સંદર્ભમાં કેટલાક નાગરિકોએ દેશની રાજકીય પરિસ્થિતિથી કંટાળીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું – અપક્ષ ઉમેદવાર તરીકે. ભલે, વડાપ્રધાન સહિત કેટલાકે તેમને ‘સ્પૉઇલર’ તરીકે ઓળખાવ્યા, પણ આ ઉમેદવારોએ લોકોના મુદ્દાઓ ઉઠાવ્યા અને લોકોની અપેક્ષાઓને સમજવાની કોશિશ કરી. ગુજરાતમાં, વડાપ્રધાન ઈન વેઇટિંગ અને દેશના પ્રતિક્રિયાશીલ પરિબળોનાં પ્રતીક એવા શ્રી અડવાણી સામે, ગાંધીનગરથી ડૉ. મલ્લિકા સારાભાઈએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવીને ગુજરાતના અગ્રણી નાગરિકોની અપક્ષ ઉમેદવારીની નાગરિક પરંપરાને પુનર્જીવિત કરી. એમની ઉમેદવારીથી બંને મોટા અને ખોટા પક્ષોથી કંટાળેલા સહુને પસંદગીની એક નવી તક મળી.
તો, વડોદરામાંથી અમારા પક્ષ – સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા (એસયુસીઆઈ)ના ઉમેદવાર તરીકે તપનભાઈ ચૂંટણી લડ્યા. એમની ઉમેદવારીને પણ વડોદરાના અગ્રણી નાગરિકોનું સમર્થન સાંપડ્યું. અમારો પક્ષ નહીં નોંધાયેલ (અનરજિસ્ટર્ડ) અને માન્યતા પ્રાપ્ત નહીં (અનરેક્ગનાઇઝ્ડ) હોવાને કારણે આ ચૂંટણી દરમિયાન દેશના ચૂંટણી પંચની કામગીરીના ઘણા કડવા અનુભવો થયા. જોકે, આવા કડવા અનુભવોની શરૂઆત તો અમારે માટે છેક 1995માં વિધાનસભાની ચૂંટણીથી થઈ હતી.
તાજેતરમાં સેક્યુલર લોકશાહી આંદોલનના ઉપક્રમે, નર્મદ-મેઘાણી લાઇબ્રેરી ખાતે મલ્લિકાબહેન સાથે એક સંવાદ યોજાયો હતો. એ સંવાદની ભૂમિકા શ્રી પ્રકાશભાઈએ બાંધી હતી અને પોતે ઘણી બધી ચૂંટણીઓમાં સાથી બન્યા હોવાને નાતે આ ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર અને અદ્ભુત ઉત્સાહના સંદર્ભમાં મલ્લિકાબહેનની ઉમેદવારીને અને એમની ઝુંબેશને સુખદ અનુભવ ગણાવ્યો હતો.
આ સંવાદમાં ઘણી બધી વાતો – વિચારો રજૂ થયાં. પરંતુ ચૂંટણીપંચનો અપક્ષ ઉમેદવાર સાથે વ્યવહાર બિનલોકશાહી ઢબનો એટલે કે અસમાન-ભેદભાવભર્યો અને અન્યાયી છે તેવા સામાન્ય તારણ સાથેના મલ્લિકાબહેનના અનુભવો અને અમારા અનુભવોનો સાર કંઈક આ પ્રમાણે છે.
• ઉમેદવારીપત્ર ભરવાના સમયથી જ ચૂંટણીપંચના ભેદભાવભર્યા વલણનો પરિચય થાય છે તે એ છે કે નોંધાયેલ (રજિસ્ટર્ડ), માન્ય (રેકગ્નાઇઝ્ડ) પક્ષોના ઉમેદવારને ટેકો આપનાર જે તે મતવિસ્તારનો એક મતદાર જોઈએ જ્યારે અપક્ષ ઉમેદવારને ટેકો આપનાર તે મતવિસ્તારના 10 મતદારો જોઈએ.
• નોંધાયેલ (રજિસ્ટર્ડ), માન્ય (રેક્ગનાઇઝ્ડ) પક્ષોના ઉમેદવારોને મતદારયાદી મફત મળે, અપક્ષ ઉમેદવારએ તે માટે પૈસા ચૂકવવા પડે, જેની કિંમત હજારોમાં હોઈ શકે.
• આ મોટા પક્ષોનાં નિશાન-પ્રતીકો પહેલાથી નક્કી હોય એટલે એમના ઉમેદવારોને પ્રચારમાં પૂરતો સમય મળી રહે જ્યારે અપક્ષ ઉમેદવારોને પોતાના નિશાનનો પ્રચાર આશરે 15 લાખ મતદારોમાં કરવા માટે માંડ 15 દિવસનો સમય મળે.
• મોટા પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે પક્ષ 6 કરોડ રૂપિયા સુધી ખર્ચી શકે જ્યારે અપક્ષ ઉમેદવારોએ પ્રચારનો ખર્ચ રૂ. 25 લાખની મર્યાદામાં કરવાનો હોય.
• મોટા પક્ષના ઉમેદવારોને સરકારી ટીવી રેડિયોમાં પ્રચાર માટેની સગવડ નિઃ શુલ્ક ધોરણે મળે જ્યારે અપક્ષ ઉમેદવારો માટે એની કોઈ જોગવાઈ નથી.
• મોટા પક્ષો મતદાનના દિવસે પણ અખબારોમાં જાહેરખબર દ્વારા પ્રચાર કરી શકે જ્યારે અપક્ષ ઉમેદવારોને આર્થિક રીતે તે પોષાય જ નહીં અને એમનો જાહેર પ્રચાર, મતદાનના 48 કલાક પહેલા બંધ થઈ જાય.
• આચારસંહિતાના ભંગની અનેક ફરિયાદો છતાં મોટા પક્ષોના ઉમેદવારો સામે ભાગ્યે જ કોઈ પગલાં લેવાય જ્યારે અપક્ષોને પ્રચાર દરમિયાન સતત આચારસંહિતાને નામે ડરાવાય – ધમકાવાય અને બિનજરૂરી રીતે જુદી જુદી મંજૂરીઓને નામે ટૅક્નિકલ બાબતોમાં એટલા ગૂંચવાયેલા રાખવામાં આવે કે એમને મળેલા પ્રચારના માંડ પંદર દિવસનો પણ તેઓ બરોબર ઉપયોગ ન કરી શકે.
• છેલ્લાં 15 વર્ષથી તો દીવાલો ઉપર લખાણ, પોસ્ટરો કે બેનરો દ્વારા પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ હોવાને કારણે, અપક્ષ ઉમેદવારને પોષાય તેવા પ્રચારનાં ખૂબ જૂજ માધ્યમો રહ્યાં છે.
• મતદાનના દિવસે પણ આચારસંહિતાનો છડેચોક ભંગ કરતા પક્ષ વિરુદ્ધ, બૂથ નંબર સાથે, લિખિત, ઈ-મેઈલ અને ફેક્સ દ્વારા ફરિયાદો ચૂંટણીપંચને પહોંચાડી (ફોટાના પુરાવા સાથે) પણ ઉપરથી ફરિયાદી ગુનેગાર હોય તેવો વ્યવહાર અને પગલાંને નામે શૂન્ય.
• આવડા મોટા દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવતા ચૂંટણીપંચ પાસે પોતાનો કોઈ સ્ટાફ (દિલ્હી ઑફિસમાં મર્યાદિત સંખ્યા સિવાય) નથી. એ સંપૂર્ણપણે રાજયોના વહીવટીતંત્ર ઉપર આધાર રાખે છે અને હવે એ વાત તો દીવા જેવી સાફ છે કે રાજ્યનું વહીવટીતંત્ર શાસકપક્ષથી પ્રભાવિત હોય છે.
ટૂંકમાં, દેશનું ચૂંટણીપંચ મોટા રાજકીય પક્ષો માટે નહીં કે લોકશાહી પ્રક્રિયા માટે કામ કરતું હોય તેવું સ્પષ્ટ લાગે. ચર્ચામાં અન્ય સહભાગીઓ ઉપરાંત ખાસ કરીને દિનેશભાઈ શુક્લે, અપક્ષ ઉમેદવારો અને મોટા પક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી પંચ તરફથી થતા ભેદભાવના સંદર્ભે કાયદા સમક્ષની સમાનતા (ઇક્વૉલિટી બીફોર લૉ) નો પાયાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. ઉપરાંત એક કરતાં વધુ સહભાગીએ, આ આપલે (ઇન્ટરઍક્શન)ના આરંભે પ્રકાશભાઈએ વ્યકત કરેલા એ વિચાર સાથે સૂર પુરાવ્યો હતો કે મલ્લિકાબહેનની ઉમેદવારી ગુજરાતમાં વૈકલ્પિક એકત્રીકરણ માટેનું આરંભબિંદુ બની શકે છે.