૨૦૦૯ની લોકસભા ચૂંટણીનાં પરિણામો ૧૬મી મે એ આવ્યાં. તેનાં પરિણામોને નાગરિક નજરે તપાસવા માટે નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન અને સેક્યુલર લોકશાહી આંદોલનના સંયુક્ત ઉપક્રમે ૧૭મી મે એ અમદાવાદના ગજ્જર હૉલમાં સવારે નાની મોટી નાગરિક ઝુંબેશ અને વૈકલ્પિક હિલચાલ સાથે સંકળાયેલાં મળ્યાં હતાં. આ વિમર્શનો હેતુ પ્રજાકીય પ્રતિભાવ અને પ્રાથમિકતાઓને વાચા આપવાનો તથા આગળનાં પગલાં નિર્ધારવાનો હતો.
વિમર્શની શરૂઆત વીર કવિ નર્મદની કવિતા 'ડગલાં ભરવા માંડો રે…..'થી થઈ. બંને સંસ્થાઓ વતી 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન. શાહે વિમર્શની શરૂઆત એ આનંદનોંધથી કરી કે – જે બળો સત્તામાં આવવાં નહોતાં જોઈતાં તેને આપણે (એટલે કે ભારતદેશના મતદારો) ખાળી શક્યા છીએ. પરંતુ સાથે-સાથે ચેતવણી આપતાં કહ્યું કે જે પરિબળો સત્તામાં આવ્યાં છે તે તત્ત્વત: પરિવર્તન કરતાં વધુ તો યથાસ્થિતિનાં છે. એટલે આપણે માટે તો જનતાનો જય, પણ જંગ જારી છે. જેમનું આ જન્મશતાબ્દી વર્ષ છે તે રામમનોહર લોહિયા તો કહેતા કે 'જિન્દા કૌમે પાંચ સાલ તક ઈન્તજાર નહીં કરતી'. આખરે, અહીં એકત્ર મળેલા આપણે સૌએ કેવળ સત્તાપલટા માટે નહીં પણ યથાસ્થિતિમાં પરિવર્તન લાવનાર તરીકેની ભૂમિકા ભજવવાની છે.
તો, 'અવાજ'નાં અગ્રણી ઈલાબહેન પાઠકે પરિણામો વિશે પ્રતિભાવ આપતાં કહ્યું કે, એનડીએનું સૈન્ય પાછું પડી ગયું એ ઠીક થયું. પરંતુ, દુ:ખ એ વાતનું થયું કે ગાંધીનગરમાં અડવાણી ન હાર્યા અને મધુસૂદનભાઈ મિસ્ત્રી સાબરકાંઠાથી હાર્યા. એમણે પ્રચારના સમયગાળામાં મંચ ઉપર વારેઘડીએ તલવારો અપાય છે અને કેટલાક બહાદુરો તલવાર કાઢીને બતાવે છે "એટલે કે શું આપણને ખતમ કરવા?" તેવો સવાલ કર્યો.
હજુ હમણાં જ અમૃતપર્વ નિમિત્તે વૈકલ્પિક અને સમાંતર ગુજરાત થકી ઉલટભેર સન્માનિત માનવ હક્ક લડવૈયા ધારાશાસ્ત્રી શ્રી ગિરીશભાઈ પટેલે એમનો અભિપ્રાય અપ્યો કે, અત્યારનું વિશ્લેષણ એડહોક છે. આપણે એવું માનવાની ભૂલ ન કરીએ કે કોમવાદ પરાજિત થયો છે. કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે બીજી જે બાબત છે તે એ કે કોમવાદવિરોધી પરિબળ એવા ડાબેરીઓની હાર ચિંતાજનક છે. ત્રીજી બાબત એ કે યુપીએ વધુને વધુ વૈશ્વિકીકરણ એટલે કે ઉદારીકરણની આર્થિક નીતિઓ, વંશપરંપરાવાદ અને એકાધિકારવાદ તરફ જશે. તો, ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વધુ કોમવાદી વલણ લેશે. આપણા ગુજરાતની વસ્તીના ૮૦% લોકો વંચિતો છે તેમને માટે સામાજિક – આર્થિક ન્યાયની લડાઈ આપણે લડવાની છે. તે માટે લોકઆંદોલન જરૂરી છે. પરંતુ, આ લોકઆંદોલન કેવળ સ્વૈચ્છિક સંગઠનો નહીં કરી શકે – તે એમાં ફાળો આપી શકશે. ટૂંકમાં, વિકાસના વૈકલ્પિક મોડેલ સાથે આપણે કામ કરવાનું છે.
ગાંધીનગર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર, આઈઆઈએમની ડૉક્ટરેટ ધરાવતાં કર્મશીલ અને નૃત્યવિદ મલ્લિકા સારાભાઈએ કહ્યું કે, પરિણામોથી હું નિરાશ થઈ છું પણ નાસીપાસ થઈ નથી. એ મારા સ્વભાવમાં નથી. મારો અનુભવ કહે છે કે આપણા લોકો ખૂબ ગભરાયેલા છે. વળી, ચૂંટણીના આગલા દિવસોમાં પૈસા – દારૂની રેલમછેલને કોઈ રોકી શકતું નથી. ચૂંટણીમાં ઘણી ગેરરીતિઓ થઈ છે. સીક્રેટ બેલટ – જરાપણ સીક્રેટ રહેતું નથી એ મતદાન કુટિરમાં. પણ, આ લડાઈ માટે કેડર વિના ચાલે નહીં. ગુજરાતમાં વૈકલ્પિક રાજકીય પક્ષ ઊભો કરવો જરૂરી છે અને તે દિશામાં હું વિચારી રહી છું – તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિકાસનું વૈકલ્પિક મોડેલ આર્થિક રીતે સંભવ અને પર્યાવરણીય રીતે ટકી શકે તેવું હોય તે ખૂબ જરૂરી છે.
તો, અર્થશાસ્ત્રી અને 'અભિદૃષ્ટિ'ના તંત્રી રોહિતભાઈ શુકલે પોતાનો અભિપ્રાય આપ્યો કે આ પરિણામોથી થોડો રાજીપો અને ઘણીબધી ચિંતા થાય. યુપીએની કેટલીય લોકવિરોધી આર્થિક નીતિઓનો અમલ ડાબેરીઓના દબાણથી અટક્યો હતો. પરંતુ, ડાબેરી પક્ષો હારવાથી તે દબાણ જતું રહેશે. યુપીએ એ શરૂ કરેલી ઉદારીકરણની નીતિઓ હવે અત્યંત ઉદાર બનશે, જેનાથી સાધારણ માણસનું જીવન ઓર મુશ્કેલ બનશે. વળી, મતદારોના મૂળભૂત સવાલો – મતદાર શિક્ષણને લઈને આપણે નક્કર હજુ કંઈ સાધી શક્યા નથી. આપણે વિચારને ક્ષેત્રે ઘણું મોટું કામ કરવું પડશે, એમ પણ ઉમેર્યું હતું.
ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળના પૂર્વપ્રમુખ, રાજકીય વિશ્લેષક અને કટાર- લેખક દિનેશ શુકલનું મંતવ્ય હતું કે, જો રાજકારણમાં આપણે સાચા અર્થમાં ઇન્ટરવેન્શન (હસ્તક્ષેપ) કરવા ઇચ્છતા હોઈએ તો રમતના નિયમો આપણા પોતાના બનાવવા પડશે, જેમ ગાંધીજીએ કર્યું હતું. વિવિધ ક્ષેત્રોના સુધારાઓ વિશે દેશમાં ઠીક ઠીક ચિંતન થયું છે – કમિશનો પણ ઘણાં નીમાયાં છે. પરંતુ તે સુધારાઓને અમલમાં મૂકવા પ્રબળ લોકમતના દબાણની ગેરહાજરી છે. દેશમાં આર્થિક ધોરણે જોતાં મધ્યમવર્ગનું વિસ્તરણ (એક્સ્પાન્શન) થઈ રહ્યું છે તે સારું છે. પરંતુ આ વર્ગની 'મારે શું?'ની માનસિકતાને ધરમૂળથી બદલવાની જરૂર છે. હું સુધારાઓ ઉપર ભાર મૂકું છું. કારણ, જો તે શક્ય બનશે તો જ આપણે કંઈક કરી શકીશું.
આઈઆઈએમ થકી શિક્ષાદીક્ષાપ્રાપ્ત અભિનવ શુકલે કહ્યું કે, જે પરિસ્થિતિ છે તેને પલટી શકવાની આપણી શક્તિ ભલે નથી, પરંતુ શાસનના મુદ્દાઓને સામાન્ય માણસ સાથે જોડવાની જરૂર છે. નાનામાં નાના માણસ માટે શું કરી શકીએ તેની વ્યૂહરચના ઘડવાની જરૂર છે.
તો, 'ભૂમિપુત્ર'ના સંપાદક અને પર્યાવરણ કર્મશીલ રજની દવેએ કહ્યું કે રાજકીય વિશ્લેષણ નહીં પરંતુ મૂળભૂત ચિંતનના મુદ્દાઓ તરફ ધ્યાન દોરવા માંગુ છું. પર્યાવરણને અનુકૂળ વિકાસનું મોડેલ – ખેતીપ્રધાન દેશમાં ખેતીને અનુકૂળ મોડેલ આપણી પાસે છે ખરું? ભાજપ ન આવ્યું તેથી ખુશ છું પરંતુ યુપીએ – કૉંગ્રેસ તો ખેતીના કંપનીકરણમાં માને છે તે યાદ રાખવું પડશે.
બિહાર આંદોલનના યુવા સહભાગી અને ગુજરાતમાં સ્થાયી થઈ સર્વ સેવા સંઘની કેન્દ્રીય જવાબદારીમાં હાથ બટાવતા મહાદેવ વિદ્રોહીએ શિવસેનાના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું કે મોદી જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં હાર થઈ. ને ઉમેર્યું કે ચંદન મિત્રાએ પણ કબૂલ્યું છે કે ચાલુ ઝુંબેશ અધવચ મોદીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યા તે ભૂલ હતી. તો, જમ્મુમાં ભાજપ અને પંજાબમાં અકાલી દળ હાર્યું છે તે પણ નોંધવું જોઈએ. મલ્લિકા સારાભાઈ અને મુકુલ સિંહાની જેવી ઉમેદવારીઓ ભાજપવિરોધી મતો વહેંચી 'મોદીના ભાઈ'ની ભૂમિકા ભજવે છે.
નાટ્યકર્મી અને પ્રગતિશીલ લેખક સંઘના અગ્રણી કહ્યું કે આ એનડીએની સંપૂર્ણ હાર નથી. તો ડાબેરી પક્ષોની હારથી આ યુપીએની સત્તાની ગાડી બ્રેક વિનાની છે. સામાજિક ન્યાય અને સમરસ સમાજની પ્રક્રિયાને આ બ્રેક વિનાની ગાડી ખોરવી ન નાંખે તે જોવું જરૂરી છે. હળવું હિંદુત્વ કરતી કૉંગ્રેસથી ભ્રમમાં રહેવાની જરૂર નથી. સાથે-સાથે, તેમણે પશ્ચિમ બંગાળમાં કલાકારો – લેખકો, ડાબેરી વિચારસરણીના નહીં પણ ડાબેરી મોરચાના વિરોધમાં હોવાનું ઉમેર્યું હતું અને એ રીતે ડાબેરી મોરચાને પક્ષે આત્મનિરીક્ષણની જરૂર હોવાનું ઇંગિત કર્યું હતું.
'પ્રશાન્ત'ના ફાધર સેડ્રિક પ્રકાશે લોકોના એજન્ડા, લોકો અને લોકઆંદોલનની વાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર તોળાઈ રહેલ ખતરા તરફ પણ સહુનું ધ્યાન દોર્યું હતું.
એસયુસીઆઈના ગુજરાતના સંગઠક દ્વારિકાનાથ રથે આજના દિવસને વિજય દિવસ કરતાં વધુ તો સંકલ્પ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. ભાજપ હાર્યો એટલે ખુશી. પીટીસી બળાત્કાર પ્રકરણથી ગવાયેલ પાટણમાં તેમ કોમી આતંકગ્રસ્ત કંધમાલમાં (અને એમ ઓરિસ્સામાં) ભાજપની હાર ઘણી સૂચક છે તેમ ઉમેર્યું હતું પણ બીજા રાજ્યોમાં ભાજપની મજબૂતી ચિંતા કરાવે તેવી છે. ગુજરાતમાં વિશેષ જવાબદારી આપણા સહુની છે. ૨૦૧૦ની કોર્પોરેશન ચૂંટણીમાં લોકઉમેદવારો ઊભા રહે – માત્ર અમદાવાદમાં જ નહીં – આખાય રાજ્યમાં તે ખૂબ જરૂરી છે અને આપણા અત્યાચારથી જ તેની તૈયારી કરીએ. લોકોના મુદ્દાઓ છે – લોકો પણ છે, પરંતુ લોકોના મંચની જરૂર છે. જેમાં બધાં જ પ્રગતિશીલ બળો, ટ્રેડ યુનિયનો, વિદ્યાર્થીઓ અને લોકશાહીપ્રેમી સંવેદનશીલ નાગરિકો જોડાઈ શકે. આ મંચ લોકોને સ્પર્શતા નાનાથી મોટા બધા જ પ્રશ્નો લે તે જરૂરી છે અને જેટલાં લોકઆંદોલનો ચાલે છે તેને વેગ આપીએ તો આવતાં પાંચ વર્ષમાં ભાજપને જરૂર પડકારી શકીશું.
ગોધરા-અનુગોધરા અસરગ્રસ્તો તરફે લોક વકીલ તરીકે ઉભરેલા, જનસંઘર્ષ મંચ અને નવી સમાજવાદી ચળવળના અગ્રણી મુકુલ સિંહાએ તાજેતરનાં પરિણામોથી આવેલું પરિવર્તન ગુણાત્મક પરિવર્તન નથી એમ કહ્યું અને કોમવાદ હાર્યો છે તેમ કહેવું વધુ પડતું છે તેમ ઉમેર્યું હતું તેમણે એમ પણ કહ્યું કે જેમ અમેરિકામાં મૂડીવાદ બુશને હટાવી 'લિબરલ ઓબામા' ને લાવ્યો તેવું જ ભારતમાં બન્યું છે. એમણે રાજ્યની પરિસ્થિતિ વિશે કહ્યું કે, ગુજરાતમાં કૉંગ્રેસ ક્યારેય ભાજપની સામે લડશે નહીં.
નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન (ગુજરાત)ના ગૌતમભાઈ ઠાકરે કહ્યું કે આપણે તો કૉંગ્રેસ સામે પણ લડવાનું છે. માનવઅધિકારો માટે સામાજિક ન્યાય માટે લડવાનું છે. આપણે બધાં ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી માટે એક બળ બનીએ તે જરૂરી છે. અને મારી દૃષ્ટિએ ભાજપને રાજ્યમાં હરાવવું એટલું અઘરું નથી.
વિમર્શના અંતે પ્રકાશ ન. શાહે આભાર સાથે સમાપન કરતાં કહ્યું કે એકબાજુ લોક – આંદોલનની પ્રક્રિયા અને બીજી બાજુ લોકઆંદોલનમાં રહેતી મર્યાદાઓનું આત્મવિશ્લેષણ છેવટે તો લોકઆંદોલનને જ મજબૂત બનાવશે. આપણે સક્રિય કર્મ, દરમ્યાનગીરી અને કદમ – બ – કદમ સહચિંતનનો દોર જારી રાખીશું જેથી લોકલક્ષી વૈકલ્પિક રાજનીતિનો પથ પ્રશસ્ત બની શકે.