Opinion Magazine
Number of visits: 9487117
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મેરે સાથ હી ચલ, અય મેરી જાને ગઝલ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|20 April 2015

ગુલામ અલીએ ગયા અઠવાડિયે, બનારસના સંકટમોચન મંદિરના પટ્ટાંગણમાં, રાત્રે ત્રણ વાગ્યા સુધી, ગઝલ અને ઠૂમરીની મહેફિલ જમાવી હતી. ગુલામ અલીનો કાર્યક્રમ હતો તેથી સાંજથી જ મંદિરના ચોગાનમાં લોકો તેમને સાંભળવા માટે ઊમટી પડયા હતા. ઠૂમરીથી ગુલામ અલીએ શરૂઆત કરી અને શ્રોતાઓની માંગ પર 'હંગામા હૈ ક્યોં બરપા …' તેમ જ 'દિલ મેં ઇક લહેર સી ઉઠી હૈ અભી ..' સહિતની કેટલી ય ગઝલો સંભળાવી હતી. ગઝલ સંગીતનો નશો જ નિરાળો છે. દેશમાં ગઝલ સંગીતને માણનારો વર્ગ મોટો છે. ગઝલના સંખ્યાબંધ ચાહકો હોવા છતાં છેલ્લા એકાદ દાયકાથી ગઝલનાં નવાં આલબમો આવતાં ઓછાં થઈ ગયાં છે. ફિલ્મોમાંથી પણ ગઝલ ઓઝલ થઈ ગઈ છે. શા માટે ?

ચુપકે ચુપકે રાત-દિન આંસુ બહાના યાદ હૈ … તુમકો દેખા તો યે ખયાલ આયા … દિલ ચીઝ ક્યા હૈ … મેરા દિલ ભી કિતના પાગલ હૈ યે પ્યાર તો તુમસે કરતા હૈ … હોશવાલોં કો ખબર … તમે આ ગઝલો સાંભળી છે? એવો સવાલ પૂછવામાં આવે તો ૧૦માંથી ૧૦ જણાનો જવાબ 'હા'માં આવે. આ ગઝલો તમને સાંભળવી ગમે છે? એવો સવાલ પૂછવામાં આવે તો ૧૦માંથી ૯ કે ૮ જણાનો જવાબ 'હા'માં આવે. એટલું જ નહીં ચુપકે ચુપકે … દિલ ચીઝ ક્યા હૈ … તુમકો દેખા … ગઝલો તો દાયકાઓ જૂની છે છતાં ય આજે પણ એટલી જ સંભળાય છે જ્યારે એ રિલીઝ થઈ ત્યારે સંભળાતી હતી. કોઈ એફ.એમ. સ્ટેશન પર આ ગઝલ વાગે તો સ્ટેશન બદલવાનું મન ન થાય. અત્યારે પણ કેટલાંયના મોબાઇલના પ્લે લિસ્ટમાં આ ગઝલો હોવાની જ.

બહુ ઓછી એવી અભિજાત એટલે કે ઉચ્ચભ્રૂ એટલે કે ઊંચા માયલી ચીજો હોય છે કે જેની ઇન્ટેલેક્ચ્યુઅલ અપીલ પણ હોય તેમ જ માસ અપીલ હોય. ગઝલ એમાંની એક છે. જગજિત સિંહ ગુજરી ગયા ત્યારે ભારતમાં ગમગીનીનું મોજું ફરી વળ્યું હતું. ન્યૂઝ ચેનલો પર બે-ત્રણ દિવસ સુધી સળંગ એનું કવરેજ કરવામાં આવ્યું હતું. તેમના મૃત્યુની પહેલી વરસીએ ગૂગલવાળાએ ડૂડલ તૈયાર કર્યું હતું. જે એ પ્રમાણ દર્શાવે છે કે ભારતમાં ગઝલનો ચાહકવર્ગ કેટલો વિશાળ છે. દરબાર – એ – ફનકાર પાકિસ્તાની ગઝલગાયક મેહદી હસન અવસાન પામ્યા ત્યારે ભારતના અસંખ્ય ચાહકોને ધક્કો લાગ્યો હતો. જે દર્શાવે છે કે ગઝલ સંગીતને ભારતની અવામ કેટલી ચાહે છે. ટૂંકમાં, ગઝલની લોકપ્રિયતા આજે પણ એટલી જ અકબંધ છે. વીસ વર્ષ પહેલાં હતી એટલી જ એની ચાહના છે.

ગઝલનો આટલો વિશાળ શ્રોતાવર્ગ છે છતાં ફિલ્મ સંગીતમાં એનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. છેલ્લે ફિલ્મ 'ઇશ્કીયા'(૨૦૧૦)માં 'અબ મુઝે કોઈ …', 'બરફી'(૨૦૧૨)માં 'ફિર લે આયા દિલ ..' તેમ જ 'ડી – ડે'(૨૦૧૩)માં 'ઈક ઘડી ઔર ઠહર … જેવી ગઝલો સાંભળવા મળી હતી. આવા સમ ખાવા પૂરતા અપવાદોને બાદ કરીએ તો છેલ્લે કઈ ફિલ્મમાં ગઝલ સાંભળી કે જોઈ એનો જવાબ યુ.પી.એસ.સી.ના વિદ્યાર્થીઓને પણ ન આવડે. છેલ્લે કઈ નવી નોનફિલ્મી ગઝલ તમે સાંભળી છે એનો જવાબ પણ જડવો મુશ્કેલ છે. અલબત્ત, કેટલાંક આલબમ રિલીઝ થયાં છે પણ એ એટલી પહોંચ બનાવી શક્યાં નથી.

મ્યુિઝશિયન કે ટેક્નિશિયન?

જે વસ્તુની ડિમાન્ડ હોય એ માર્કેટમાં ન મળે એ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ પણ અજબ કહેવાય છે. લોકપ્રિય હોવા છતાં ગઝલસંગીત અને તેના ચાહકો વચ્ચે ખાઈ પડી છે. ગઝલ સંગીતની ભરતીમાં પણ ઓટ આવી છે. આના માટે કેટલાંક કારણ તપાસીએ.

ફિલ્મ સંગીતમાં ગઝલના નામે જે દુકાળ પડયો છે એનાં બે-ત્રણ કારણો છે. અત્યારના જે ચલણી એટલે કે પોપ્યુલર સંગીતકારો છે તેમને ગઝલ કમ્પોઝીશનનાં પોત અને બારીકીઓની ખબર નથી. ગઝલને લાઇટ ક્લાસિકલ સંગીત કહેવામાં આવે છે, તેથી એના માટે ક્લાસિકલ સંગીતની જાણકારી હોવી જરૂરી છે. જેનો આજના મોટા ભાગના સંગીતકારોમાં અભાવ છે. ઉપરાંત, ગઝલ માટે શાયરી અને શબ્દોની અદાયગી સમજવી પડે. ગઝલ મૂળે પર્શિયનમાંથી આબાદ વિકાસ પામેલું ઉર્દૂનું ફોર્મેટ છે. તેથી ઉર્દૂની થોડી ઘણી સમજ હોય તો ગઝલ કમ્પોઝીશનમાં વાંધો ન આવે. આજના કેટલાંક સંગીતકારોને હિન્દીના ય કેટલાક શબ્દો નથી સમજાતા ત્યાં ગઝલના ઉર્દૂ શબ્દોની નકશી કેમ સમજાય? સરળ બાનીમાં લખાયેલી ગઝલો પણ કમ્પોઝ થઈ શકે છે. જગજિત સિંહે કમ્પોઝ કરેલી અને ગાયેલી મોટા ભાગની ગઝલો સરળ બાનીની હતી. આમાં મુદ્દાની વાત એ છે કે જગજિત સિંહ પોતે ઉર્દૂના સારા જાણકાર હતા. તેમણે મિર્ઝા ગાલીબની ગઝલો પણ સ્વરબદ્ધ કરી હતી. સાઇકલ બે હાથ છોડીને પણ ચલાવી શકાય છે, પણ એવું ત્યારે જ શક્ય બને જો પહેલાં એ બે હાથે પકડીને ચલાવતા આવડતી હોય.

બીજી મર્યાદા એ છે કે હિન્દી ફિલ્મોમાં એવી પ્રથા રૂઢ બની ગઈ છે કે પહેલાં કમ્પોઝિશન તૈયાર થાય છે અને પછી એમાં ગીતના શબ્દો પૂરવામાં આવે છે. શીકામાં શાક ભરાય એમ. આવું અગાઉ પણ થતું હતું. આર.ડી. બર્મન મોટે ભાગે એ જ સ્ટાઇલમાં ગીતો કમ્પોઝ્ડ કરતા હતા. તેઓ ધૂન તૈયાર કરે અને ગુલઝાર એમાં શબ્દો પૂરે. મુદ્દાની વાત એ છે કે તેઓ સંગીતના મરમી માણસ હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતની રાગદારી જાણતા હતા અને વેસ્ટર્ન મ્યુિઝક શીખેલા હતા. તેમના પિતા એસ.ડી. બર્મને બંગાળી લોકસંગીત તેમને ગળથૂથીમાં પાયું હતું. બધું પી-પચાવીને તેમણે સંગીતકાર તરીકે આગવી મુદ્રા વિકસાવી હતી. તે સંગીતના નિયમો જાણતા હતા, તેથી એ નિયમો સાથે રમી શકતા હતા. આર.ડી. બર્મન સિવાયના મોટા ભાગના સંગીતકારો લખાયેલાં ગીતને જ કમ્પોઝ કરતા હતા.

અત્યારે શંકર મહાદેવન, હિમેશ રેશમિયાને બાદ કરીએ તો મોટાભાગના આજના ચલણી સંગીતકારોને શાસ્ત્રીય સંગીતની સમજ-પરખ નથી. નૌશાદ, ખય્યામ, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી, મદન મોહન સંખ્યાબંધ ફિલ્મોમાં સંગીત આપી શક્યા એનું કારણ એ હતું કે તેઓ શાસ્ત્રીય સંગીતથી બખૂબી વાકેફ હતા. તેઓ જાણતા હતા કે હિન્દી સિનેમામાં લાંબી ઇનિંગ્સ તો જ રમી શકાય જો શાસ્ત્રીય સંગીત જાણતા હોઈએ. કદાચ આજનો કોઈ સંગીતકાર એવું કહે કે હું શાસ્ત્રીય સંગીત શીખેલો છું તો એ તેનાં ગીતોમાં રિફ્લેક્ટ થતું દેખાતું નથી, તેથી આજના મોટાભાગના મ્યુિઝશિયન એ ટેક્નિશિયન છે. તેઓ ગીતનું સારું મુખડું સ્વરબદ્ધ કરે છે અને સંગીતનાં આધુનિક વાદ્યોથી એને ટેક્નિકલી સજાવે છે. હવે તો એવી મશીનરીઓ આવી ગઈ છે કે વાહિયાત ગાનારાનું આઉટપુટ પણ સારા અવાજમાં મળે. ગઝલસંગીતને આ પરિબળ નડયા છે.

આજના સંગીતકારો સામે બીજી મર્યાદા ફિલ્મમાં નાણાં રોકતા પ્રોડયુસર્સ છે. કોઈ સંગીતકારે સરસ ગઝલ કમ્પોઝ કરી હોય અને ફિલ્મમાં એનો ઉપયોગ કરવા માગતા હોય તો પ્રોડયુસર એના માટે તૈયાર થતા નથી. અત્યારે સૂફી સોંગ્સનો ટ્રેન્ડ છે તેથી એ ચાલે છે પણ ગઝલ માટે તૈયાર થતા નથી. પ્રોડયુસર્સ માર્કેટના એંગલથી જ વિચારતા હોય છે. પ્રોડયુસર ફિલ્મ માટે સિંહ જેવા હોય છે. તેમને ન કહી શકાય કે સાહેબ, તમે માઉથ-ફ્રેશનર ખાઈ લો. તમારું મોં ગંધાય છે, તેથી ફિલ્મમાં ગઝલ ઓઝલ થઈ ગઈ એમાં ક્યાંક સંગીતકારની મર્યાદા છે. સંગીતકાર સમજદાર છે ત્યાં માર્કેટ તરીકે ફિલ્મની મર્યાદા છે.

ગઝલ આલબમોમાં ઓટ કેમ આવી?

હવે ગઝલનાં પ્રાઇવેટ આલબમો અને પ્રસ્થાપિત ગઝલગાયકો તરફ વળીએ. ગઝલનાં પ્રાઇવેટ આલબમોની તેજી હવે મંદીમાં પલટાઈ ગઈ છે. આ વાત માત્ર ગઝલ આલબમોને જ લાગુ પડતી નથી. પોપ, રોક, ફ્યુઝન દરેકને લાગુ પડે છે. ગઝલનાં આલબમો તો સાઠના દાયકાથી રિલીઝ થતાં હતાં અને ૨૧મી સદિના પહેલા દાયકા સુધી એટલે કે ૨૦૦૪ – ૨૦૦૫ સુધી એનું માર્કેટ ધમધોકાર ચાલ્યું હતું. ૯૦ના દાયકામાં જગજિત સિંહના ખૂબ આલબમો આવ્યાં હતાં. મિરાજ, ફેસ ટુ ફેસ, ઇનસાઇટ, ઇનસર્ચ, સિલસિલે, મરાસિમ, યુનિક વગેરે આલબમો હિટ રહ્યાં હતાં. એ જ અરસામાં હરિહરને પણ ઘણાં ગઝલ આલબમ આપ્યા. હાઝીર, ગુલફામ, જશ્ન, હલકા નશા, કરાર, વિસાલ, કાશ વગેરે..

ઉસ્તાદ એહમદ હુસેન – મોહમ્મદ હુસેનની જોડી તેમ જ પંકજ ઉધાસનાં આલબમો ૮૦ના દાયકાથી દર દોઢ-બે વર્ષે એકાદ આલબમ રિલીઝ થતાં જ રહે છે.

૯૦ના દાયકામાં ગઝલ સંગીતનો શ્રોતાવર્ગ વધ્યો હતો. નવા યુવા શ્રોતા ગઝલ સાંભળતા થયા હતા. જેનું શ્રેય જગજિત સિંહને જાય છે. જગજિત સિંહની ગઝલગાયકીની પોતાની શૈલી હતી. તેમના લાઇવ રેર્કોિંડગ્સ અને આલબમો આજે પણ લોકો ખૂબ સાંભળે છે. ગઝલ સંગીતમાં કેળવાઈ રહેલા શ્રોતાના કાન માટે મેહદી હસન કે બેગમ અખ્તર પચાવવાં અઘરાં પડે. જગજિત સિંહની ગાયકી સરળ હતી અને અપીલ ત્વરિત હતી.

ઇન્ફર્મેશન ટેક્નોલોજીની ક્રાંતિને પગલે ૨૧મી સદીના પહેલા દાયકાની મધ્યમાં એટલે કે ૨૦૦૫ પછી ચિત્ર બદલાયું. લોકો ગઝલ તેમ જ અન્ય સંગીતની સી.ડી. ખરીદવાને બદલે ઇન્ટરનેટ પરથી સીધા ડાઉનલોડ કરવા માંડયા. તેથી માર્કેટ ડાઉન થયું હતું. એને પરિણામે પ્રાઇવેટ મ્યુિઝક આલબમોને ફટકો પડયો, તેથી ગઝલના નવાં આલબમ આવતાં બંધ થઈ ગયાં.

લાઇવ શો અને મહેફિલ-બેઠક પર ટકેલું ગઝલ સંગીત

ગઝલ સંગીત હવે માત્ર લાઇવ શો અને પ્રાઇવેટ મહેફિલ પર ટક્યું છે. હરિહરન અને ઉસ્તાદ ઝાકિર હુસેને ૧૯૯૨માં 'હાઝિર' ગઝલ આલબમ આપ્યું હતું, જે સુપરહિટ રહ્યું હતું. હવે આ બેલડીએ ગયા વર્ષે 'હાઝિર-ટુ' નામનું આલબમ તેમ જ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. પ્રોજેક્ટ એટલા માટે કે તેઓ 'હાઝિર-ટુ'ના નામે લાઇવ શો રજૂ કરે છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં એનો શો થઈ ગયો. જેમાં તેઓ 'હાઝિર-ટુ' આલબમની નવી ગઝલો તેમ જ અન્ય પોપ્યુલર ગઝલો ગાય છે. સમય સાથેના બદલાવનો આ નવો પ્રયોગ છે. અમદાવાદમાં શો હતો ત્યારે ખુલ્લા મેદાનમાં હતો. ચાલુ કન્સર્ટે અચાનક ઝરમર વરસાદ વરસ્યો છતાં લોકો ત્યાંથી ખસ્યા નહોતા અને કન્સર્ટ માણ્યો હતો.

ગઝલગાયકીમાં મંજાયેલું અને જૂનું નામ એટલે ઉસ્તાદ એહમદ હુસેન – મોહમ્મદ હુસેન. આ બંને ભાઈઓની વિશેષતા એ રહી છે કે પચાસ કરતાં વધુ વર્ષોથી ગઝલ સંગીતમાં ચૂપચાપ પોતાનું પ્રદાન કરતાં રહે છે. તેમના લાઇવ શો આજથી ચાલીસ વર્ષ પહેલાં થતા હતા અને આજે પણ થાય છે. બંને ભાઈઓ પબ્લિસિટીની લાયમાં ક્યારે ય પડતા નથી. જયપુર ઘરાણાના આ બંને ગાયકોએ તેમના પિતા ઉસ્તાદ અફઝલ હુસૈન પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. ગઝલગાયકીમાં મહિલા-પુરુષ સાથે ગાતાં હોય એવી જોડી તો હોય છે. બે પુરુષ વર્ષોથી સાતત્યપૂર્વક સાથે ગાતા હોય એવી આ પહેલી જોડી છે. તેમના પિતાનો આગ્રહ હતો કે બંને ભાઈઓ સાથે ગઝલ રજૂ કરે. ગઝલ ગાયનમાં બંને ભાઈઓનો તાલમેલ તેમ જ પાક્કો રિયાઝ કરવાને લીધે ગાયનમાં શાસ્ત્રીય હરકતો કરવાની તેમની આગવી શૈલી છે. આ બંને ભાઈઓની ગાયકી પર શ્રોતાના કાન એક વખત કેળવાઈ જાય તો તેમને નિયમિત સાંભળવાનું વ્યસન થઈ જાય. લાઇવ શોમાં તેઓ ઔર ખીલે છે. જગજિત સિંહ, પંકજ ઉધાસ વગેરેની ઇમેજ સ્ટુડિયો સિંગરની છે. લાઇવ પરફોર્મન્સમાં તેઓ એક હદથી વધારે કલાકારી નથી કરી શકતા. હુસેન બંધુ લાઇવ શોમાં ગઝલને એ રીતે બહેલાવે કે તબિયત ખુશ થઈ જાય.

હાલના તબક્કે ગઝલગાયકીમાં લાઇવ શોનું સૌથી પોપ્યુલર નામ એટલે ગુલામ અલી. ગુલામ અલી ગઝલગાયકીના એવા બાશિંદ છે કે છેલ્લા ચારેક દાયકાથી તેમની લોકપ્રિયતા અણનમ છે.

પંકજ ઉધાસ મુંબઈમાં દર વર્ષે 'ખઝાના' નામનો બે દિવસનો ગઝલ કન્સર્ટ કરે છે. જેમાં ભુપિન્દર-મિતાલી, હુસેન બંધુ, તલત અઝીઝ, રાજેન્દ્ર મહેતા જેવાં જાણીતાં ગાયકો ઉપરાંત ગઝલગાયકીના નવા ગાયકો એમાં પરફોર્મ કરે છે. ઘણાં વર્ષથી યોજાતા આ કન્સર્ટની લોકપ્રિયતા એવી છે કે જેવી એની જાહેરાત થાય છે એની થોડી ઘડીઓમાં શો હાઉસફુલ થઈ જાય છે.

આટલા દાખલા આપવા પાછળનું તાત્પર્ય એ છે કે ગઝલ હવે લાઇવ શો પર નિર્ભર છે. લાઇવ શોને મોટી સંખ્યામાં શ્રોતા મળે છે. નામી કલાકારોએ ગઝલની શમા લાઇવ શોથી રોશન રાખી છે. વિટંબણા એ છે કે લાઇવ શો મોટાં શહેરોમાં જ યોજાય છે અને મોંઘા પણ હોય છે, તેથી નાનાં શહેરો અને ગામના લોકો અને હળવું ખીસું ધરાવનાર ગઝલથી વંચિત રહી જાય છે.

નવા ગઝલગાયકો

મને ગઝલ ગાવાની ભરપૂર ઇચ્છા હતી. એના વગર મને ગાયિકા તરીકે અધૂરપ લાગતી હતી. ફિલ્મોમાં મને ગઝલનો અવસર નથી મળતો તેથી ગયા વર્ષે ગઝલ આલબમ રજૂ કર્યો ત્યારે મને સંતોષ થયો.

– શ્રેયા ઘોષાલ

ગઝલ ગાયનમાં મેહદી હસન, બેગમ અખ્તર, ફરિદા ખાનમ, ગુલામ અલી, જગજિત સિંહ, હરિહરન, ભુપિન્દર-મિતાલી, રાજેન્દ્ર-નીના, અશોક ખોસલા, ચંદનદાસ પછી કોણ? એ સવાલનો જવાબ છે મોહમ્મદ વકીલ, સુદીપ બેનર્જી, તૌશિફ અખ્તર, રણજિત રજવાડા વગેરે કલાકારો. ગઝલગાયકીમાં આ નવા કલાકારો પરંપરાને અજવાળી રહ્યા છે. આ કલાકારો દેશવિદેશમાં લાઇવ શો કરે છે. જે લોકો ગઝલ નિયમિત સાંભળે છે તેમના માટે આ નામો અજાણ્યાં નથી, તેથી ગઝલની શમા રોશન રહેશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. થોડાં વાદળ હટશે તો ફરી ફિલ્મ સંગીતમાં પણ ગઝલની રોશની પથરાશે.

ઉપરાંત, જાવેદ અલી અને શ્રેયા ઘોષાલ જેવાં પ્લેબેક સિંગર્સ પણ ગઝલો ગાય છે. જાવેદે કેટલાંક આલબમોમાં ગઝલ ગાઈ છે. ગયા વર્ષે શ્રેયા ઘોષાલે 'હમનશીં' નામનું ગઝલ આલબમ રજૂ કર્યું હતું. જેમાં સરસ કમ્પોઝિશન્સ હતાં. ૨૦૧૧માં શંકર મહાદેવને 'તેરી હી પરછાઇયાં' નામનું ગઝલ આલબમ આપ્યું હતું, જે ખૂબ નબળું હતું. આમ, ફિલ્મોના રેગ્યુલર પ્લેબેક સિંગર્સને પણ ગઝલ ગાવાની લાલચ છે.

ગુજરાતી ગઝલ સંગીત વિશે પણ એક લેખ થઈ શકે છે. એ પછી ક્યારેક.

e.mail : tejas.vd@gmail.com

(શીર્ષકપંક્તિ : હસરત જયપુરી)

સૌજન્ય : લેખકની ‘છપ્પરવખારી’ નામક કટાર, “સંદેશ”, 15 અૅપ્રિલ 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3064692

Loading

20 April 2015 admin
← ઘટના અને અર્થઘટન – સ્ત્રીની આંખે
Color Coding of Communal Politics →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved