કેટલાક એવા મહાન લોકો હોય છે, જેમની કમનસીબી સમગ્ર રાષ્ટ્રની કમનસીબી બનીને રહી જતી હોય છે. મોરારજી દેસાઈ જેવા ખમતીધર અને ખમીરવંતા નેતા માંડ સોળેક મહિના (૨૪ માર્ચ, ૧૯૭૭ થી ૨૮ જુલાઈ, ૧૯૭૮) વડાપ્રધાન પદે રહી શક્યા, એ તેમના કરતાં દેશની વધારે કમનસીબી હતી. દેશના સર્વપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન એવા મોરારજી દેસાઈની જનતા સરકારનો અકાળે અંત આવ્યો ન હોત, તો ભારતનો ઇતિહાસ કંઈક જુદો હોત, એવું માનનારો એક મોટો વર્ગ છે. મોરારજીભાઈ કરતાં પણ આપણા માટે બીજી કમનસીબી એ છે કે તેમનો જન્મ ૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ના રોજ થયેલો. ૨૯ ફેબ્રુઆરી એવી તારીખ છે, જે દર ચાર વર્ષે આવતી હોય છે, એટલે જન્મતિથિ નિમિત્તે તેમને યાદ કરવાની તક પણ દર ચાર વર્ષે મળતી હોય છે. આ વર્ષે જ તેમની જન્મતિથિ આવી નહોતી ! જો કે, કેન્દ્ર સરકારે મોરારજી દેસાઈ જેવા મહાન ગુજરાતી નેતાને યાદ કરવાની એક સુખદ તક પૂરી પાડી છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહ રાવની સાથે સાથે મોરારજી દેસાઈનું સ્મારક પણ દિલ્હીમાં એકતા સ્થળ સ્મારક સંકુલમાં તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.
મોરારજી દેસાઈના આકરા સ્વભાવના દાખલા ઘણી વાર દેવાતા હોય છે, પણ તેમની સાદગી, સદ્દગુણો, મૂલ્યનિષ્ઠા, નૈતિકતા ઉપરાંત તેમના સુશાસનના કૌશલ્યની ચર્ચા જોઈએ એટલી થતી નથી. અંગ્રેજોના જમાનામાં નાયબ કલેક્ટર જેવા ઊંચા હોદ્દે કામ કરનારા મોરારજી દેસાઈ ન્યાયપ્રિયતા અને નક્કર નિર્ણયો માટે પણ જાણીતા થયેલા. ગાંધીજીનાં વિચારોથી આકર્ષાયેલા મોરારજીભાઈએ સ્વમાનને કારણે સરકારી નોકરી છોડીને આઝાદી આંદોલનમાં ઝંપલાવ્યું હતું. જો કે, આઝાદી આંદોલન હોય કે સ્વદેશી શાસન, તેમને જ્યારે પણ વહીવટતંત્રમાં કોઈ પણ જવાબદારી સોંપવામાં આવી, ત્યારે તેમણે પોતાનું હીર બતાવ્યું હતું. દેશમાં અનેક વહીવટી સુધારાનું શ્રેય તેમને જાય છે. નહેરુ સરકારમાં પહેલી વખત નાણાપ્રધાન બન્યા પછી તેમણે કટકે કટકે ત્રણેક વખત નાણા મંત્રાલય સંભાળેલું. સૌથી વધુ દસ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ આજે ય તેમના નામે બોલે છે. નાણાપ્રધાન તરીકે તેમણે ૨૦ ટકા જેટલા અધધ ફુગાવાના ફણીધરને નાથીને સોંઘવારીને સાકાર કરી બતાવી હતી. એમની કુનેહને કારણે જ ખાંડ-ચોખા વગેરેના ભાવ એટલા નીચે ગયા હતા કે લોકો રાશનની દુકાનમાંથી વસ્તુઓ લાવવાનું ભૂલી ગયા હતા.
મોરારજી દેસાઈ માટે વહીવટી કુનેહ જ નહીં પણ વિદેશી બાબતોમાં કૂટનીતિ માટે પણ વખણાયા છે. તેમની સકારાત્મક કૂટનીતિને કારણે જ પાકિસ્તાન સાથેના સંબંધો પણ સામાન્ય બનેલા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ મોરારજી દેસાઈ એક માત્ર એવા રાજનેતા છે, જેમને પાકિસ્તાને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન 'નિશાન-એ-પાકિસ્તાન'થી ૧૯૯૦માં નવાજ્યા હતા અને એ પણ ભારતે 'ભારતરત્ન' આપ્યો, એના એક વર્ષ પહેલાં!
દેશમાં શ્વેત ક્રાંતિ માટે નિમિત્ત બનનારી અમૂલ ડેરીની સ્થાપના અને વિકાસમાં મોરારજીભાઈનો અનન્ય ફાળો છે, તો ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠની જાળવણી અને વિકાસમાં પણ તેમનું અનેરું યોગદાન છે. ગાંધીજી, સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ પછી ૧૯૬૩થી મૃત્યુપર્યંત ૧૯૯૫ સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠનું કુલપતિ પદ નિષ્ઠાપૂર્વક સંભાળ્યું હતું.
દિલ્હીમાં મોરારજીભાઈનું સ્મારક જોવા જવાય કે નહીં પણ મોરારજીભાઈના જીવન અને કાર્ય વિશે જાણવું હોય તો ગૂજરાત વિદ્યાપીઠમાં મોરારજીભાઈ દેસાઈનું સંગ્રાહલય છે, જેમાં તેમને મળેલાં સર્વોચ્ચ સન્માનો ઉપરાંત તેમની જીવનયાત્રાની ઝાંખી, તેમણે લખેલાં પુસ્તકો અને વિચારો રજૂ કરાયાં છે. મોરારજીભાઈના વતન એવા વલસાડ ખાતે રાજ્ય સરકાર દ્વારા તેમનું તદ્દન આધુનિક મ્યુિઝયમ તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે, એવી શક્યતા છે. મોરારજીભાઈ જેવા સુશાસકના મોડલ સમા નેતાને વારંવાર યાદ રાખવાથી જ આપણું-દેશનું સદ્દનસીબ ખૂલી-ખીલી શકે!
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કટાર, “સંદેશ”, 12 અૅપ્રિલ 2015