Opinion Magazine
Number of visits: 9448469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાળીસીએ ઓચ્છવ

કેતન રુપેરા|Diaspora - Reviews, Opinion - Opinion|26 October 2023

વિહંગાવલોકી સમાલોચના[i]

અકાદમી પ્રમુખશ્રી વિપુલ કલ્યાણી, જેમની ઉપસ્થિતિમાં અને જેમના હસ્તે ‘ચાળીસીએ ઓચ્છવ’ પુસ્તકનું લોકાર્પણ થવાનું છે એવા શ્રી યોગેશભાઈ પટેલ અને શ્રી કાન્તિભાઈ નાગડા, અકાદમીનાં સૌ હોદ્દેદારો-સભ્યો અને ઓનલાઇન જોડાયેલા સૌ સાહિત્ય-રસિકો …

‘ચાળીસીએ ઓચ્છવ—યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’ નામે આ પુસ્તકના સંપાદક તરીકે, આમ તો ‘સંપાદકીય’ લખ્યા પછી નવું કશું કહેવાનું રહેતું નથી.

કેતન રુપેરા

ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યની આ સંપાદકની કંઈક સમજણ છે એવું માનીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ અને પ્રમુખશ્રીએ ‘વિહંગાવલોકી સમાલોચના’ કરવાનું કહ્યું છે — એ બાબતે મારે કહેવું જોઈએ કે ડાયસ્પોરા સાહિત્ય અંગે પાયાની કેટલીક સમજણ પછી, જે સમજણ વધી છે એ પણ ખુદ અકાદમીએ સોંપેલાં પુસ્તકોનું સંપાદન કરતાં કરતાં જ; અને એવું જ સંપાદન માટે પણ કહી શકાય. જે સંપાદનક્ષમતા વિપુલભાઈએ જે તે તબક્કે ભાળી હશે અને એ જોઈને એક પછી એક પુસ્તકોનાં કામ[1] સોંપતાં ગયાં … એ કામ કરતાં કરતાં વિકસેલી ક્ષમતાથી જ પછીનાં પુસ્તકોમાં સંપાદન થયું.

આમ, ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય માટેની સંપાદકીય સમજણ અને એ સંબંધિત પુસ્તકો, બંને સમાંતરે અને એકમેકના સહયોગથી આગળ વધ્યાં છે. આદાન અને પ્રદાન — બંને બાજુએથી સતત ચાલું રહ્યું છે.

આદાનપ્રદાનના આ ક્રમ-ઉપક્રમને આગળ વધારતાં જો બ્રિટનમાં સર્જાયેલા વિવિધ સાહિત્ય સ્વરૂપોની સમાલોચના કરવાની થાય તો અભ્યાસની રીતે એ પીએચ.ડી. – વિદ્યાવાચસ્પતિથી ઓછાં સમય અને સજ્જતા માગી લેતો વિષય ખરેખર જ નથી.

… અને આમ લાગે છે તો તેનાં માટેનાં ભૌગોલિકથી લઈને સાંસ્કૃતિક કારણો પુસ્તકના સંપાદકીયમાં લખ્યાં છે, એટલે તેને અહીં દોહરાવતા નથી, એ એક વાત.

‘ચાળીસીએ ઓચ્છવ’ મુખપૃષ્ઠ

અને બીજી, કેટલીક વાતો-વિગતો જે અનેક વખત ચર્ચાઈ ચુકી છે, લખાઈ ચુકી છે કે ‘ડાયસ્પોરા સાહિત્ય એટલે શું’, ‘‘ખરા અર્થમાં’ ડાયસ્પોરા સાહિત્ય એટલે શું?’  ‘ભૌગોલિક રીતે દૂરદેશાવરમાં બેસીને લખાયું એને ડાયસ્પોરા સાહિત્ય કહેવાય કે વતનમાં છતાં ડાયસ્પોરિક લાક્ષણિકતા પ્રગટ કરતું હોય એને ડાયસ્પોરા સાહિત્ય કહેવાય … ?’ વળી, એનાં વિવિધ સ્વરૂપો વગેરેની ભાષાભિવ્યક્તિથી લઈને એની શાસ્ત્રીયતા, વ્યવહારુતા, એની કક્ષા, એનું ઊંડાણ … વગેરેની ચર્ચાથી હું મુક્ત રહીશ.

કેમ કે ગુજરાતમાં બેસીને એ અંગે હું કંઈક એવું કહી શકું કે જે યુ.કે. સહિત વિશ્વભરના અન્ય દેશોમાંથી ઓનલાઇન જોડાયેલા ડાયસ્પોરા લેખકો-સાહિત્યકારોને ખબર ન હોય, એ શક્ય નથી.

… તો, અભ્યાસની કે વક્તવ્યની મર્યાદારૂપી આ પાળ બાંધી દીધા પછી જે વિચાર આવે છે તેને એક શૅરિંગ કે ગમતાનો ગુલાલ તરીકે જોઉં છું. તે શું?

એ વિચાર કરતાં લાગે કે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય આજના જે સ્વરૂપે-સ્તરે પહોંચ્યું છે તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભૂમિકાઓ જણાઈ આવે છે. પહેલાં પરોક્ષ ભમિકાની વાત કરીએ.

પરોક્ષમાં મુકી શકાશે આફ્રિકાની ગુજરાતી વસાહતનું પત્રકારત્વ અને સાહિત્ય.

બ્રિટનના સાહિત્યની વાત કરતાં “આફ્રિકા કેમ?” એવો પ્રશ્ન મોટા ભાગના લોકોને નહીં જ થયો હોય. કેમ કે આપણે જાણીએ છીએ કે હાલ બ્રિટનમાં વસતા ગુજરાતીઓનો મોટો સમૂહ સીધા ગુજરાતથી ગયેલા ગુજરાતીઓ કરતાં, વાયા આફ્રિકા બ્રિટનમાં વસેલા ગુજરાતીઓની પહેલી, બીજી અને ત્રીજી પેઢીનો વધારે છે. … અને આફ્રિકાની વાત કરતાં પહેલું નામ આવે ‘ઇન્ડિયન ઓપીનિયન’, મો.ક. ગાંધીના અધિપતિપણા હેઠળ નીકળેલું ‘ઇન્ડિયન ઓપીનિયન’. અહીં અધિપતિપણા હેઠળ એટલા માટે કે ‘ઇન્ડિયન ઓપીનિયન’ ગાંધીભાઈએ પોતાની કમાયેલી મૂડીથી શરૂ કરેલું પણ એમાં ક્યારે ય તંત્રી તરીકે પોતાનું નામ મુક્યું નહોતું. વિવિધ તબક્કે હેન્રી પોલાક, આલ્બર્ટ વેસ્ટ અને પાછલા અરસામાં મણિલાલ ગાંધી એના તંત્રી રહ્યા …

મહત્તમ ગુજરાતીઓનું બ્રિટનાગમન વાયા આફ્રિકા

‘ઇન્ડિયન ઓપીનિયન’ના ઉદ્દેશો જાહેર કરતાં ગાંધીભાઈએ લખ્યું હતું કે “સમ્રાટ એડવર્ડની યુરોપિયન અને હિંદી પ્રજાઓને એકમેકની વધારે નજીક લાવવી; જાહેર મતનું ઘડતર કરવું; ગેરસમજનાં કારણો દૂર કરવાં; હિંદીઓ સમક્ષ તેમના પોતાના દોષો રજૂ કરવા; અને તેઓ જ્યારે પોતાના હકો મેળવા માટે આગ્રહ રાખે છે ત્યારે તે સાથે તેમને તેમના કર્તવ્યનો માર્ગ ચીંધવો.”

૧૯૦૧માં ભારત પરત ફરતાં પહેલાં પારસી રુસ્તમજીના ઘરે ગાંઘીભાઈનો વિદાય સમારંભ, ડર્બન

આ ઉદ્દેશ જો ધ્યાનથી વાંચીએ-સાંભળીએ અને બ્રિટન તથા ગુજરાતીઓ એવો સહસંબંધ સ્થાપીએ તો ગુજરાતીઓનો (કે વ્યાપકપણે હિંદીઓ-ભારતીયોનો) બ્રિટન, બ્રિટિશ હકુમત, બ્રિટિશ પ્રજા સાથેનો સંબંધ સ્પષ્ટ થઈ જાય છે કે ગાંધીજી દ્વારા ભલે જે તે અરસામાં દક્ષિણ આફ્રિકામાં આ માટેના પ્રયત્નો થયા હતા પણ આજના બ્રિટનમાં આ ઉદ્દેશ ઘણો ખરો પાર પડ્યો છે.

બ્રિટનમાં વસતા હિંદીઓમાં જાહેર મતનું ઘડતર થયું છે. હિંદી અને બ્રિટિશ પ્રજા વચ્ચે ગેરસમજનાં કારણો દૂર થઈ રહ્યાં છે. હિંદીઓ-ગુજરાતીઓ પોતાના હકો મેળવવા માટે તેમનું કર્તવ્ય પણ બજાવી રહ્યા છે …, પરંતુ વક્તવ્યનો આપણો વિષય સાહિત્ય અને એની આસપાસ છે, એટલે અહીં સ્પષ્ટતા કરવી જોઈશે કે ગાંધીજીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ એ સાહિત્યિક અખબાર ન જ હતું, મુખ્યત્વે પત્રકારત્વના દૃષ્ટિકોણનું અખબાર હતું એટલે આફ્રિકાની રાજદ્વારી બાબતો, હિંદુસ્તાનના સમાચાર, અહેવાલો વગેરે મુખ્યપણે હતાં, પરંતુ પત્રકારત્વ અને સાહિત્ય, બંનેનો ઉદ્દેશ જ્યાં મળે છે તે લોકશિક્ષણ, લોકઘડતર છે. અને એ ભૂમિકા ‘ઇન્ડિયન ઓપીનિયન’ પોતાના વિષય વૈવિધ્યથી સુપેરે પાર પાડતું હતું.

મો. ક. ગાંધીના અધિપતિપણા હેઠળનું 
‘ઇંડિઅન ઓપિનિઅન’, નમૂના દાખલ અંક – ૦૪-૦૨-૧૯૦૫

સ્વચ્છતા, આરોગ્ય, ધર્મ, ચરિત્ર લેખન સંબંધિત લખાણો અને હિંદી પ્રજાએ અન્ય ભાષામાં પ્રકાશિત થયેલાં છતાં વાંચવા જોઈએ એવા વિષયના અનુવાદો પણ ‘ઇન્ડિયન ઓપીનિયન’માં જોવા-વાંચવા મળે છે. આફ્રિકા બેઠા એમણે એ જમાનામાં અમેરિકાના બુકર ટી. વોશિંગ્ટન, રશિયાના ટોલ્સ્ટોય, ઇટાલીનાં ફ્લોરેન્સ નાઇટિંગેલ, ગ્રીસના સોક્રેટિસ, ઇજિપ્તના કમાલ પાશા અને ભારતના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવાં કેટલાં ય ચરિત્રો આલેખ્યા હતા.

‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ત્રીજા ખંડમાં એના સંપાદકે નોંધ્યું છે કે “આ ગાળામાં ગાંધીજીએ અંગત અથવા જાહેર રીતે કરેલાં લખાણો અને વક્તવ્યોનું મુખ્ય લક્ષણ બ્રિટિશ બંધારણમાંનો એમનો એકધારો વિશ્વાસ, બ્રિટિશ રૈયત તરીકે મળતા હકોની કદર, અને બ્રિટિશ સામ્રાજ્ય રાષ્ટ્રોનો એક પરિવાર છે એવો ભરોસો એ છે.” (पृ. ९) નોંધવા જેવી વાત એ છે કે 1901માં જ્યારે ગાંધીભાઈ ભારત આવે છે ત્યારે વિદાયભાષણમાં કહે છે, “દક્ષિણ આફ્રિકામાં આપણને ગોરા લોકોના દેશની કે ગોરા બંધુસમાજની જરૂર નથી પરંતુ એક સામ્રાજ્યના બધા નિવાસીઓના બંધુસમાજની જરૂર છે.” (पृ. १०) એટલે પછી જ્યારે ગાંધીભાઈ દક્ષિણ આફ્રિકા પરત ફરે છે ને 1903માં અખબાર, નામે ‘ઇન્ડિયન ઓપીનિયન’ શરૂ કરે છે, એ પહેલાં ‘એક સામ્રાજ્યના બધા નિવાસીઓના બંધુસમાજની’ ભૂમિકા એમના મનમાં બંધાઈ ગયેલી હોય છે.

આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ પછી પ્રકાશિત થયેલાં અથવા એની અસર તળેનાં અન્ય પ્રકાશનો મારે જોવાંનાં નથી થયાં. પણ એનાં વિશે જાણવાનું જરૂર થયું છે. ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીના લેખોનો સંચય સંપાદિત કરવાનો થયો — એક ગુજરાતી, દેશ અનેક … તે વાટે આ અખબારોનો પરોક્ષ પરિચય થયો. ડાહ્યાભાઈનાં જ શબ્દોમાં વાત મુકું : “કેન્યામાં મોમ્બાસાથી પ્રકાશિત થતાં ‘કેન્યા ડેઈલી મેઇલ’ની યાદ આવે અને એ અખબાર વર્ષો સુધી ટકી રહ્યું. એ જ રીતે ટી.એ. ભટ્ટનું ‘આફ્રિકા સમાચાર’ ગુજરાતી વસાહતીઓને સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે દિશાસૂચક બનતું રહ્યું. સાહિત્યિક ભાષાકીય રસરૂચિ કેળવતું રહ્યું. આ પ્રદેશોમાંથી, હાલ, અન્યત્ર વસેલી ગુજરાતી કોમમાં આજે પણ આ અખબારોનાં નામ લેવાયાં કરે છે.” (પ્રકરણ : 38, આફ્રિકાની ગુજરાતી વસાહતનું રાજકારણ અને પત્રકારત્વ) આ બહુ મહત્ત્વનું નિવેદન છે ડાહ્યાભાઈનું. આ પ્રદેશોમાંથી, હાલ, અન્યત્ર વસેલી ગુજરાતી કોમમાં આજે પણ આ અખબારોનાં નામ લેવાયાં કરે છે એટલે આફ્રિકાથી બ્રિટન કે યુરોપના કોઈ પણ દેશમાં ગયેલી પેઢીમાં આ અખબારોનાં નામ હજુ લેવાય છે.

જોમો કેન્યાટા લિખિત Mount Facing Kenyaનું મુખપૃષ્ઠ

ઇંડિઅન ઓપિનિઅન-ટાન્ગાનિકા હેરાલ્ડ-ટ્રાન્ઝિશન

 

આફ્રિકાના દેશોમાં પત્રકારત્વના અગ્રણી નામો પૈકી પ્રાણલાલ શેઠ-મણિલાલ દેસાઈ-રજત નિયોગી

ડાહ્યાભાઈ આગળ લખે છે, “’આફ્રિકા સમાચાર’ના તંત્રીપદે રહેલા હારૂન અહેમદને આફ્રિકાની ગુજરાતી કોમ સહેલાઈથી ભૂલી નહીં શકે. 2003માં વિદાય થયેલા પ્રાણલાલ શેઠ અંગે પણ અનેકો ઋજુભાવે સ્મરણ કરતા રહ્યાં છે. … અન્ય અખબારોમાં ‘ટ્રાન્ઝિશન’, ‘ઇસ્ટ આફ્રિકા ક્રોનિકલ’, ‘કેન્યા ડેઇલી મેઇલ’, ‘હિંદ પ્રકાશ’, ‘ટાન્ગાનિકા ઓપિનિયન’ અને ‘ટાન્ગાનિકા હેરાલ્ડ’ વગેરે રહ્યાં.” મણિલાલ દેસાઈ, જગન્નાથ પંડ્યા, કલ્યાણજી નરસિંહ જાની, હીરાભાઈ વી. પટેલ, રણધીર ઠાકર, રજત નિયોગી વગેરે એનાં તંત્રી કે સંપાદકો હતાં.

જોમો કેન્યાટા લિખિત Mount Facing Kenyaનું મુખપૃષ્ઠ

… અને આફ્રિકાના પત્રકારત્વ અને સાહિત્યની વાત આટોપતાં ડાહ્યાભાઈ છેલ્લે લખે છે, “કેન્યાના જોમો કેન્યાટાએ ગાંધીજીની અસર તળે બ્રિટનના અખબારોમાં લેખો વાટે આઝાદીનો સંદેશો ફેલાવેલો. ગાંધીજીના પુસ્તક ‘હિન્દ સ્વરાજ’નો દાખલો લઈ કેન્યાની પ્રજાનું માનસ દર્શાવવા, જોમો કેન્યાટાએ Facing Mount. Kenya પુસ્તક લખ્યું.”

આ રીતે જે તે અરસામાં જે તે પેઢીને આફ્રિકાનાં પત્રો અને એમાં પ્રકાશિત સામગ્રીનું વાંચન-મનન કરવાનું થયું અને તેનાથી એમનો જે પિંડ બંધાયો અને પછી બ્રિટન જઈને વસવાનું થયું અને ત્યાં વિવિધ સાહિત્ય-સ્વરૂપનું સર્જન થયું … એ રીતે આફ્રિકાના પત્રોની આજના બ્રિટનમાં થયેલા ગુજરાતી સાહિત્યના સર્જનમાં પરોક્ષ ભૂમિકા છે. અને એમાં ય ‘ઇન્ડિયન ઓપીનિયન’ માટે તો કહી શકાય કે ગાંધીજીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ એ માત્ર ગુજરાતી નહીં, સમગ્ર ભારતીય ડાયસ્પોરા સાહિત્યનું પિતામહ છે.

⁕⁕⁕

હવે પ્રત્યક્ષ ભૂમિકાની વાત કરીએ તો તેમાં ઉપલકપણે ચાર વિભાગો પાડી શકાય.

૧. વિપુલ કલ્યાણીનું ‘ઓપિનિયન’

૨. ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘અસ્મિતા’ના અંકો અને દશાબ્દી વિશેષાંક ‘આહ્વાન’

૩. બ્રિટનમાં સર્જાયેલાં વિવિધ સાહિત્ય-સ્વરૂપો અંગેનાં પુસ્તકો. જેમાં, કવિતા-વાર્તા-નિબંધો-નવલકથા-આત્મકથા વિશેનાં પુસ્તકોનો ઉલ્લેખ કરી શકાય.

4. ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત ટાઇમ્સ’ વગેરે અખબારોમાં પ્રકાશિત સાહિત્ય-સ્વરૂપો

સમય-મર્યાદાને ધ્યાને લેતાં અત્યારે પહેલાં બે વિભાગોની જ વાત કરીશું.

ત્રીજો, જે પુસ્તકોનો વિભાગ છે તેમાં બળવંત જાની સંપાદિત ડાયસ્પોરા પુસ્તકોની શ્રેણીથી લઈને અન્ય લેખકો-સંપાદકો જેમ કે, વિપુલ કલ્યાણી, દીપક બારડોલીકર, ભાનુશંકર ઓધવજી વ્યાસ, અહમદ ગૂલ, બળવંત નાયક, વલ્લભ નાંઢા, અનિલ વ્યાસ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’, રમણભાઈ પટેલ, ભદ્રા વડગામા અને અન્ય ઘણાં નામોનો ઉમેરો થઈ શકે. આ બધાંમાંથી પસાર થઈને તેના વિશેનાં વિચાર-અભિવ્યક્તિ ધોરણે આવવું એ હાલ તો બહુ મોટા ગજાનું કામ બની રહે‌ છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રકાશિત ‘અસ્મિતા’ના કેટલાક અંકો અને દશાબ્દી વિશેષાંક ‘આહ્વાન’નું મુખપૃષ્ઠ

બીજું કે એમાંનું કેટલુંક ‘ઓપિનિયન’ અને ‘અસ્મિતા-આહ્વાન’માં અગાઉ પ્રકાશિત થયેલું છે, એટલા પૂરતું એને અલંગ ચર્ચાનો વિષય રાખીએ છીએ.

ચોથો વિભાગ, ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત ટાઇમ્સ’ વગેરે અખબારોમાં આવતી પૂર્તિઓમાં પ્રકાશિત કવિતા, નવલિકા કે અન્ય સાહિત્ય-સ્વરૂપો હાલ પૂરતા પહોંચની બહાર હોઈ એમાં પ્રવેશી શકાયું નથી. ભવિષ્યમાં કોઈ નિમિત્તે એ અલગ ચર્ચાનો વિષય પણ બની શકે.

વિપુલ કલ્યાણીના તંત્રીપણા હેઠળ પ્રકાશિત 
‘ઓપિનિયન’ સામયિક વિવિધ તબક્કે, વિવિધ સ્વરૂપે 

એટલે, હાલ, પહેલાં ‘ઓપિનિયન’.

2003-2005માં પત્રકારત્વના અભ્યાસ દરમિયાન ‘ઓપિનિયન’નો સૌપ્રથમ વખત પરિચય થયો એ વાતને વીસેક વરસ થઈ ગયાં. એટલે ‘ઓપિનિયન’ વિશે ચોક્કસ જ સ્વતંત્ર અવલોકન મૂકી શકાય, પણ જેણે ‘ઓપિનિયન’ને એનાં આરંભકાળથી જોયું-વાંચ્યું હોય એવી કોઈ વ્યક્તિનું આલેખન ટાંકું તો એ આંખે દેખ્યો અહેવાલ પણ બની રહેશે.

‘ઓપિનિયન’નાં 20 વર્ષ પૂરાં થવામાં હતાં ત્યારે ડાહ્યાભાઈએ ‘ઓપિનિયન’ના જ એક લેખમાં લખ્યું હતું, “સામયિકની શરૂઆતના દિવસોમાં કેટલાક લોકોએ અદેખાઈમાં આવી જઈ, સામયિકનું ‘બાળમરણ’ ભાખ્યું હતું, પરંતુ તંત્રીની હિંમત-ધગશ અને પત્રકારત્વ પરત્વેનો પ્રેમ, તેમ જ મિત્રો-લેખકો-વાચકોના સાથસહકારથી, સામયિક બે બે દાયકાઓથી નિયમિત રીતે પ્રગટ થતું રહ્યું છે.” આ 2014માં લખાયેલા લેખની વાત છે. એટલે હવે તો ત્રણ દાયકા થવા આવ્યા એમ કહેવું જોઈશે.

ડાહ્યાભાઈ આગળ લખે છે, “લગભગ પંદર વર્ષ સુધી સામયિક મુદ્રિત થઈને દર મહિનાની ૨૬ તારીખે નિયમિત પ્રકાશિત થતું રહ્યું. બસો ઉપરાંત લવાજમી ગ્રાહકો સમેતના અનેક વાચકો સુધી તે પહોંચતું કરાતું હતું. ત્યાર પછીના ડિજિટલ અવતાર(2010)માં પણ બહોળા વાચકો મળ્યા. સામયિકના આ બંને સ્વરૂપોમાં, દરેક અંક અમુક નિશ્વિત કથાવસ્તુ લઈને આવતો. હવેના ત્રીજા અવતારમાં opinionmagazine.co.uk થકી, on-line સામયિકે પણ દુનિયાભરમાં બહોળો વાચકવર્ગ મેળવ્યો છે.”

આ ત્રીજા અવતારમાં પછી તો, બીજી પણ કેટલીક સુવિધાઓ ઉમેરાઈ છે. સાંપ્રત ઘટનાઓને લગતા લેખો Opinion મથાળા હેઠળ ઉપરાંત. Diaspora અંગે વિશેષ વિભાગ, Gandhiana નામે દુનિયાના કોઈ પણ ખૂણેથી આવતી ગાંધીજી અને ગાંધીવિચાર વિષયક સામગ્રી, Poetryમાં કાવ્યો.  તળ ગુજરાત વિષયક Samantar Gujarat વિભાગ, અને આમાંનું કશું પણ જો અંગ્રેજીમાં હોય તો English Bazzar Patrika … આ બધું તો હતું જ, પણ એપ્રિલ 2023થી એમાં વિશેષ ઉમેરો થયો છે તે ‘સાંકળિયું’. ‘મિલાપ’, ‘વિશ્વમાનવ’, ‘નિરીક્ષક’ અને ‘ઓપિનિયન’… ગુજરાત અને વિશ્વભરમાં ક્યાં ય પણ વસતા ગુજરાતીઓ જેનાં પર ગર્વ લઈ શકે તેવાં આ સામયિકો સામયિકના મુદ્રિત અંકો ડિજિટલ સ્વરૂપે, લેખક અને શીર્ષક પ્રમાણે સર્ચ કરી શકાય એ રીતે હવે ‘ઓપિનિયન’ની સાઇટ પર ઉપલબ્ધ છે. અને ગયા મહિનાથી જે તે લેખ પર કેટલી વખત ક્લિક થઈ એ, POST VIEWSની સંખ્યા પણ જાણી શકીએ છીએ.

ડાહ્યાભાઈની વાત આગળ ચલાવીએ તો, “આ ત્રણે અવતારોમાં તંત્રી/સંપાદક વિપુલ કલ્યાણી સતત કાર્યશીલ રહ્યા છે અને દુનિયાના દરેક ખૂણામાંથી આવતાં લેખો, કથાવસ્તુ કેન્દ્રિત પોતીકી સામગ્રી પ્રકાશિત કરતા રહ્યા છે. … અને મને લાગે છે કે છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયમાં ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનું સાતત્યપૂર્વકનું સાક્ષી બની રહ્યું હોય તો તે ‘ઓપિનિયન’ છે.

‘ઓપિનિયન’ના પહેલા અંક(23 એપ્રિલ, 1995)માં ગાંધીજીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’-1903 અને ગુજરાતી ભાષાનું પહેલું અખબાર ‘શ્રી મુમબઈના સમાચાર’-1882ને યાદ કરીને વિપુલ કલ્યાણીએ તંત્રીલેખની માંડણી કરી હતી. લેખના અંતે તંત્રીએ લખ્યું હતું કે, “આપણા સમાજના અસંખ્ય સવાલો, આપણા સમાજની ખાસિયતો, આપણી દેણગી, આપણું સાહિત્ય, આપણી વાત, આપણા જીવનમાં બનતી ઘટનાઓ, જનજીવનમાં આવતા પલટાઓને ઓપિનિયનમાં નવા ચીલા પાડીને સમાવી લેવાની અમારી ઝંખના છે. સર્જક અને વાચક વચ્ચે પારસ્પરિક સંબંધ ઘનિષ્ટ કરતા કરતા ઓપિનિયનનું કલેવર બાંધવાનો અમારો યત્ન રહેશે. સામાન્ય માણસની ખેવના, તેનો સંઘર્ષ, તેતે થતા અન્યાયો નીડરતાથી પણ વિનયપૂર્વક રજૂ કરવામાં આ સામયિક પહેલ કરશે.”

જેઓ પણ ‘ઓપિનિયન’ની સામગ્રી અને વિપુલભાઈના કામથી પરિચિત છે, એમને અનુભવાશે કે સાડા અઠ્યાવીસ વરસ પછી પણ આ વાત એટલી જ સાચી ઠરી રહી છે.

હવે આપણે હળવે હળવે ‘અસ્મિતા’ અને ‘આહ્વાન’ના અંકોનું ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં પ્રદાનની વાત પર આવી રહ્યા છીએ તો એમાં જ મુદ્રિત એક વિગતથી ‘ઓપિનિયન’ની વાત આટોપું અને ‘અસ્મિતા-આહ્વાન’ની વાત આરંભું …

‘અસ્મિતા’ના આઠમા ને ઓગણીસો છન્નુના અંકમાં ચંદ્રકાન્ત બક્ષીએ ‘ઇંગ્લિશ ગુજરાતી અસ્મિતા’ શીર્ષક હેઠળના લેખમાં લખ્યું છે, “ગુજરાતી ભાષા માટે ઇન્ગલેન્ડમાં એક માણસે જે કામ કર્યું છે એનું મૂલ્યાંકન થયું નથી, અને હવે મર્દનું કૃતિત્વ મૂલ્યાંકનથી પર ચાલ્યું ગયું છે. નામ : વિપુલ કલ્યાણી.”

મજાની, રસપ્રદ અને તારણ કાઢવા જેવી વાત એ છે કે આ અંક 1996માં પ્રકાશિત થયો હતો, એટલે ‘ઓપિનિયન’ને શરૂ થયાનને હજુ વરસ જ થયું હતું. ત્યારે સમજવાનું એ છે કે એક વરસના ‘ઓપિનિયન’ના અંકોને આધારે આ મૂલ્યાંકન ન હોય. આ મૂલ્યાંકન વિપુલ કલ્યાણીએ ‘ઓપિનિયન’ પહેલાંથી, અકાદમી વતી ગુજરાતી ભાષા, સાહિત્ય, શિક્ષણ અને ગુજરાતી સમાજ માટે કરેલાં કાર્યો અંગેનું છે.

ખેર, એ પછી તો 2018માં વિપુલ કલ્યાણીને મળેલા ઉમાશંકર વિશ્વ-ગુર્જરી સન્માનની વિગત અને તેનો વિપુલ કલ્યાણીએ આપેલો પ્રતિભાવ ‘ચાળીસીએ ઓચ્છવ’ પુસ્તકમાં સમાવ્યો જ છે.

⁕

વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન, યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રણિત ગુજરાતી ડાયસ્પોરા પુસ્તકો

યુ.કે. સ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ થકી વર્ષ 1984થી વાર્ષિક મુખપત્ર તરીકે ‘અસ્મિતા’નું પ્રકાશન શરૂ થયું. 1996 સુધીનાં 12 વરસના ગાળામાં તેનાં આઠ અંકો પ્રકાશિત થયા. પ્રકાશનના ત્રીજા વર્ષે અકાદમીની સ્થાપનાને દશ વર્ષ પૂરાં થતાં હોઈ તે વર્ષે ‘અસ્મિતા’ને બદલે ‘આહ્વાન’નો દશાબ્દી મહોત્સવ વિશેષાંક પ્રકાશિત થયેલો.

‘ચાળીસીએ ઓચ્છવ’ના કામના સંદર્ભમાં મારે વિશેષ રૂપે તો અકાદમી યોજિત વિવિધ ભાષા-સાહિત્ય પરિષદના અહેવાલો જ વાંચવાનાં થયાં, પણ દોઢસોથી લઈને સવા ચારસો પાનાંના અને કનૈયાલાલ મુનશીથી લઈને મનુભાઈ પંચોળી ‘દર્શક’ સુધીની વિભૂતિઓના મુખપૃષ્ઠથી શોભતા આ અંકોમાંથી પસાર થતાં, અડસઠે જ કોઈ સામગ્રી પર અટકી પડ્યા તો એક અવલોકન અને અનુભૂતિ ચોક્કસ થાય. નજર ફરે ત્યાં ઠરી જ જાય. કવિતા કે વાર્તા કે નિબંધની એક એક રચના, એક એક કૃતિની પસંદગી તેનાં ઉચ્ચ ધોરણોને આધીન થયેલી જણાય. આ અંકોનું પુન:પ્રકાશન થાય તો ભાગ્યે જ કોઈ કૃતિને છોડી શકાય. એવા આ માતબર અંકોના વિવિધ તબક્કે સંપાદક યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી, વિનોદ કપાસી, જગદીશ દવે અને દીપક બારડોલીકર હતા.

આ બધાંનું સરવૈયું માંડતા, અને સમય-સાતત્યને કેન્દ્રમાં રાખીને બ્રિટનમાં સર્જાયેલા સાહિત્ય સ્વરૂપોનાં લેખાજોખાંની વાત આટોપવી હોય તો એક વાક્યમાં ‘ઇન્ડિયન ઓપીનિયનથી ઓપિનિયન’ એમ કહી શકાય.

… મને લાગે છે સમય પૂરો થવામાં છે ને વિહંગ, કોઈ પક્ષીની યાત્રા એમ કંઈ જલદી પૂરી ન થાય. એટલે એ અધૂરી યાત્રાએ, આપણી ‘વિહંગાવલોકી સમાલોચના’ અહીં પૂર્ણ કરું છું. 

Email: ketanrupera@gmail.com

[1]  યુગાન્ડા મહીં એશિયન નર-નાર (વનુ જીવરાજ, 2019) • સૌગાત – પાંચ ભાષાનાં કાવ્યો (અનુ. દીપક બારડોલીકર, 2019) • ઘડતર અને ચણતર (ઘનશ્યામ ન. પટેલ, 2020) • એક ગુજરાતી દેશ અનેક (ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, 2020) • અમે તો પંખી પારાવારનાં (દાઉદભાઈ ઘાંચી, 2021)

[i]  સંપાદકને સોંપવામાં આવેલા વિષયની પોતાની રજૂઆતની એક શિસ્તબદ્ધ જરૂરિયાત અને તેને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની ઇચ્છાને ધ્યાને રાખતા વક્તવ્ય અગાઉથી રેકોર્ડ કરીને અકાદમીને મોકલી આપવામાં આવ્યું હતું. બોલાયેલા વક્તવ્યને લિખિત સ્વરૂપ આપતાં તેને તદાનુસાર ઢાળવામાં આવ્યું છે.

Loading

26 October 2023 Vipool Kalyani
← હવે એમની ભૂમિકા આદેશની નહિ, અનુમોદના અને અનુશંસાની છે
સ્થપતિઓ શહેર છેડે થોડાં ખંડેરો ચણી દો ને  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved