આઝાદી આંદોલન દરમિયાન મહાત્મા ગાંધી જેટલી જ જો કોઈને લોકપ્રિયતા મળી હોય તો તે ભગતસિંહને મળી હતી. દેશને આઝાદી અપાવવાના ઉદ્દેશમાં સામ્યતા છતાં વૈચારિક રીતે ગાંધીજી અને ભગતસિંહ બે અંતિમ ધ્રુવ સમાન હતા. ગાંધીજી અહિંસક માર્ગે આંદોલન ચલાવતા હતા અને ભગતસિંહ હિંસક આંદોલન સાથે સંકળાયેલા હતા. આ તેમની વચ્ચેનો જાણીતો, છતાં ઉપરછલ્લો વૈચારિક ભેદ છે, પણ આ બે મહાન વિભૂતિ વચ્ચે મુખ્ય ભેદ એ હતો કે ભગતસિંહ મૂળભૂત રીતે સામ્યવાદી વિચારધારાથી આકર્ષાયેલા હતા, જ્યારે ગાંધીજીને સામ્યવાદના ઉદ્દેશો ગમતા, પરંતુ હિંસક ક્રાંતિની વાત સાથે તેઓ સહમત થઈ શકતા નહોતા. આ ઉપરાંત ગાંધીજી અને ભગતસિંહ વચ્ચેનું સૌથી મોટું અંતર એ હતું કે ગાંધીજી ઈશ્વરની અબાધિત સત્તામાં માનતા હતા, જ્યારે ભગતસિંહ ઈશ્વરના અસ્તિત્વનો જ ઇનકાર કરતા હતા. ગાંધીજી ધાર્મિક વૃત્તિના હતા, જ્યારે ભગતસિંહ પૂરેપૂરા નાસ્તિક હતા!
ભગતસિંહને રોલમોડલ માનનારા યુવાનો ભાગ્યે જ તેમના નાસ્તિકપણાથી પરિચિત હોય છે, કારણ કે તેમના ઈશ્વર અને ધર્મ પ્રત્યેના અણગમાની ચર્ચા મોટા ભાગે ટાળવામાં આવે છે. આવતી કાલે ૨૩મી માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીને ૮૪ વર્ષ પૂરાં થશે. આ નિમિત્તે ભગતસિંહના વ્યક્તિત્વના આ અવગણાયેલા પાસા અંગે જાણીએ.
જેલવાસના દિવસોમાં જ ભગતસિંહે એક દીર્ઘ અને આત્મકથનાત્મક લેખ લખેલો, 'હું નાસ્તિક કેમ છું?', જે તેમની શહાદત પછી જૂન-૧૯૩૧માં લાલા લજપરાયે શરૂ કરેલા 'ધ પીપલ' નામના સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કરાયો હતો. ભગતસિંહને કેટલાક મિત્રો ટોણાં મારતા હતા કે તને પ્રસિદ્ધિ મળી ગઈ છે એટલે તું તોરમાં આવીને ઈશ્વરની અવગણના કરે છે. જો કે, આ લેખમાં ભગતસિંહે લખ્યું છે, "હું સાવ બિનપ્રસિદ્ધ હતો ત્યારે ય નાસ્તિક જ હતો … વર્ષ ૧૯૨૬ના અંત સુધીમાં મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્ત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયમન કરી રહ્યો છે, તે માન્યતા આધારહીન છે."
ભગતસિંહે ઈશ્વર અને બ્રહ્માંડના સર્જન બાબતે શંકાઓ વ્યક્ત કરીને આસ્તિકોને સણસણતા સવાલો પૂછતાં લખ્યું છે, "જો તમે એવું માનતા હો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞા, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું તો મહેરબાની કરીને સૌથી પહેલાં એ જણાવો કે ઈશ્વરે આવી દુનિયાનું સર્જન જ કેમ કર્યું, જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતી નથી." આગળ લખ્યું છે, "હું પૂછું છું કે શા માટે તમારો સર્વશક્તિમાન ઈશ્વર કોઈ વ્યક્તિને પાપ કે ગુનો કરતી હોય તે પહેલાં તેને રોકી શકતા નથી? ઈશ્વર માટે તો તે બાળરમત હશે ને. શા માટે તેણે યુદ્ધખોરોનો સફાયો ન કર્યો? શા માટે તેણે તેમના મગજમાંથી યુદ્ધનો ઉન્માદ જ ભૂંસી ન કાઢયો? … હું પૂછું છું કે શા માટે તે મૂડીવાદી વર્ગોના હૃદયમાં પરગજુ માનવતાવાદ ઉમેરતો નથી કે જેથી ઉત્પાદન પ્રણાલીના ખાનગી અંકુશો તે છોડી દે અને મજૂરી કરતી સમગ્ર માનવજાતને નાણાંની બેડીઓમાંથી મુક્તિ મળે?"
ધાર્મિક પ્રચારકો અને સત્તાધારીઓ વચ્ચેની ગંદી સાંઠગાંઠને ખુલ્લી પાડતાં ભગતસિંહ લખે છે, "આ બધા સિદ્ધાંતો અને શાસ્ત્રો એ વિશેષાધિકાર ભોગવતા વર્ગોની ઉપજ છે. તે લોકો આવા સિદ્ધાંતો-શાસ્ત્રોના ઓથે પોતાની સત્તાને વાજબી ગણાવે છે, સંપત્તિ એકઠી કરે કે પચાવી પાડે છે …"
ભગતસિંહનો આ આખો લેખ શોધીને વાંચવા જેવો છે. ભગતસિંહની જેમ નાસ્તિક બનવું કે નહીં, તે દરેકે પોતાની રીતે નક્કી કરવાનું હોય, પણ આજકાલ લેભાગુઓ જે રીતે મેસેન્જર ઓફ ગોડ બનવા વલખાં મારી રહ્યા છે તેવા સમયમાં વાસ્તવવાદી બનીને વિચાર્યા કે પછી પ્રશ્નો પૂછયા વિના નહીં ચાલે.
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કટાર, “સંદેશ”, 22 માર્ચ 2015
e.mail : divyeshvyas.amd@gmail.com