અમેરિકાના કાળા લોકોની વાત કરું. સભ્ય સમાજમાં અને મીડિયામાં તેમણે સ્વીકારેલો શબ્દ છે – આફ્રિકન અમેરિકન. એ લોકો અંદર અંદર એકમેકને બ્રધર કહે છે. પત્ની ચિડાય ત્યારે તેના કાળા હસબન્ડને નિગર કહે છે. હું તેમને બ્લેક કહું છું અને તે લોકોએ મને મારવા લીધો નથી. સૌ પહેલાં એ લોકોને નિકટથી જોવાનો મોકો મને ૧૯૭૨માં મળ્યો. હું બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સુપરવાઈઝર હતો. મારા હાથ નીચે ૨૨ વર્કર્સ હતા. તેમાં આઠ દસ બ્લેક હતા. દરેકને જાત જાતની ફરજો હતી. અને તેમ કરતાં જ્યારે ટાઈમ મળતો ત્યારે તે મારી પાસે આવતા અને વાતો કરતા.હું એમ કહેતો કે એ એમનું કામ પતાવીને ઊભા રહે છે ને? એ લોકોને એમની જવાબદારી ખબર હતી. અને હું ‘સ્લેવ ડ્રાયવર’ નહોતો. ત્યાં બે જણ જોડે મારે સારું બનતું. હાર્વી વિલિયમ્સ અને બર્ની વિલ્સન. હાર્વી કલર વેયર હતો અને બર્ની કલર પુશર હતો. બન્ને હાઈસ્કૂલ પાસ હતા. એક તો હું નોકરીમાં નવો નવો હતો. અને બ્લેક લોકોના દેખાવ અને વર્તન શરૂ શરૂમાં મને ડરાવતા હતા. અને સિવીલ રાઈટસ – વોટીંગનો અધિકાર ૧૯૬૪માં મળ્યો હતો. એટલે બ્લેક લોકોનો મિજાજ થોડો જુદો હતો. કે બહુ વરસ ગુલામ રહ્યા. હવે અમે ગોરા લોકોની બરાબર છીએ. ઘણાં અમેરિકામાં વસતા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ આ આફ્રિકન લોકો આપણને – એશિયનનોને હલકા ગણે છે. અને આપણે લોકો તેમને હલકા ગણીએ છીએ. ખરું પૂછો તો આપણા લોકો સૌથી વધારે રંગદ્વેષી છે. આપણે ચાર ગુજરાતીઓ ભેગા થઈએ ત્યારે અમેરિકનો માટે કાળિયો અને ધોળિયો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આમાં સારી વાત એ છે કે અમારી નવી પેઢી અમેરિકન છે. એમને આવી વાતોમાં રસ નથી. એમને મન બધાં સરખા જ છે. અને મારા દીકરાએ આ વાત તરફ મારું ધ્યાન દોર્યું હતું.
હાર્વી, બર્ની અને હું ઘણી બધી ખાવાની ચીજો વ્હેંચીને ખાતા. ખાસ કરીને ‘એપલ પાઈ’. હાર્વી વર્ક પર આવતાં રસ્તામાંથી એપલ પાઈ ખરીદી લેતો. અને બર્ની મને સંદેશો આપતો કે પાઈ આવી ગઈ છે. અને હું કલર રૂમમાં જતો. અને અમે સાથે આનંદથી હસાહસ અને ગાળાગાળી કરતાં ખાતા. કાળા લોકો વાતો વાતોમાં કારણ વિના સુરતી બોલી નાખે છે. બીજું કાંઈ પણ ખાવાનું, હાર્વી કે બર્ની લાવતા તેની અમે જ્યાફત ઉડાવતા. આ બન્ને છ ફૂટથી ઊંચા હતા. હાર્વીની મોટી મોટી આંખો અને ફાટેલો અવાજ. અને કોલસા જેવો કાળો રંગ અને તેના પર જાત જાતના કલરના ડાઘા તે ભયંકર લાગતો. પણ દિલ નાના છોકરા જેવું. એ એની વાઈફથી ડરતો.
લગભગ પંદર વરસ પછી હાર્વી મને ન્યૂ યોર્કમાં મળી ગયો હતો. તેણે દૂરથી મને ઓળખી કાઢ્યો હતો. અને બૂમો પાડતો પાડતો મારી પાછળ આવતો હતો. ત્યારે મને થયું હતું કે આ માણસ મારી પાછળ કેમ દોડે છે? નજીક આવ્યો અને તેને નહીં ઓળખવા બદલ મારા પર ચિડાયો હતો. જ્યારે બર્ની પોતાને મુત્સદી સમજતો. અને મને પરદેશી ગણી અમેરિકાની જુદી જુદી વાતો કરતો. અને ગોરા લોકોએ તેમના પર કેટલો જુલમ ગુજાર્યો છે તે કહેતો. આ બન્ને મને મારા કામમાં મદદ કરતા. મને કોઈ બીજા વર્કર જોડે કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે બર્ની તેમને સીધા દોર કરતો. મને મારો અંબિકા મિલનો અનુભવ કામ લાગ્યો. ત્યાં મારે લાલ આંખોવાળા ભૈયાજીઓ પાસે કામ લેવાનું હતું. આ બ્લેક લોકોનો મને જરા ય અનુભવ નહોતો. પરંતુ હાર્વી અને બર્નીએ મારો ડર દૂર કર્યો. બર્ની અને તેની વાઈફને અને બેબીને, મારી પત્ની સાથે ઓળખાણ કરાવવા અમારે ઘેર બોલાવ્યા હતાં. અને સ્પાઈશી ઈન્ડિયન ફૂડ જમાડ્યું હતું. મેં જોયું કે લોકો – લોકો હોય છે. મતલબ કે બ્લેક લોકોમાં પણ સારા અને ખરાબ હોય છે. અમેરિકાની જેલોમાં સૌથી વધારે બ્લેક લોકો છે. સૌથી વધારે ગુનાઓ બ્લેક લોકો જ કરે છે. મારા ૪૫ વરસના અમેરિકામાં નોકરીના અનુભવમાં કેટલા ય બ્લેક લોકો જોડે પરિચયમાં આવ્યો છું. પાછલા સમયમાં મારે બ્લેક મેનેજર અને બ્લેક સાયન્ટીસ્ટો જોડે પણ કામ કરવાનું આવ્યું હતું. બીજા બે જણ સાથે મારે ખૂબ બનતું તે હતા, બિલ જોન્સ અને ગસ જોર્ડન, ૭૨માં આ બન્ને જણ ૬૦ વટાવી ગયા હતા. એ બન્ને પાસે બ્લેક હિસ્ટ્રી હતો. અને મને હિસ્ટ્રી ગમે છે. મને જ્યારે પણ સ્હેજ ટાઈમ મળતો કે હું બિલ પાસે પહોંચી જતો. એ બન્ને જણે સેકન્ડ વર્લ્ડ વોરમાં ભાગ લીધો હતો. ૪૦ના દાયકામાં બ્લેક લોકોને કોઈ હક નહોતા. બસ અને રેસ્ટોરાંમાં જુદા બેસવાનું હતું, પરંતુ તેમને મરવા માટે ગોરા લોકો આર્મીમાં ઘસડી ગયા હતા. ત્યાં ભેદભાવ નહોતો.
અમેરિકામાં, આજકાલ એટલે કે – ફેબ્રુઆરી મહિનો બ્લેક હિસ્ટરી મન્થ ગણાય છે. દર વરસે આખો મહિનો આફ્રિકન અમેરિકન (કાળા) હિસ્ટરી તરીકે ઉજવાય છે. આમાં સ્કૂલ કોલેજમાં તો આફ્રિકન અમેરિકન (કાળા) લોકો વિષે જાત જાતનું સાહિત્ય શીખવવામાં આવે છે. દરેક ટીવી સ્ટેશન પણ કાળા એકટરોની ફિલ્મો તથા આફ્રિકન કલચરલના સ્પેશ્યલ પ્રોગ્રામ રજૂ થાય છે. ટૂંકમાં આખા વરસમાં તો આ બધું ચાલતું જ હોય છે. પણ આ ફેબ્રઆરી મહિનામાં ખાસ. આજ કાલ અમેરિકામાં ‘સેલમા’ નામની ફિલ્મ ચાલે છે. (ચાન્સ મળે તો અચૂક જોજો) એકેડેમી એવોર્ડ માટે પણ નોમિનેટ થયું છે. હવે મને ખાતરી છે કે ગુજરાતમાં બહુ ઓછાને આ શહેર સેલમાની ખબર હશે. અમેરિકાના ઇતિહાસમાં શી અગત્ય છે? અમેરિકાના કાળા લોકોના લિડર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને ગાંધીજી સાથે સરખાવામાં આવે છે. વાત એમ છે કે હું તેમને ગાંધીજીના સાચા શિષ્ય ગણું છું. કાળી પ્રજાને કૂતરાં જેવા ગણવામાં આવતા હતા. અબ્રાહમ લિંકને એક કામ કર્યું કે તેમને ગુલામમાંથી માણસ બનાવ્યા. હજુ તેમને નાગરિક ગણવામાં નહોતા આવ્યા. કોઈ હક નહોતા. બસમાં અને હોટલોમાં જુદા એરિયામાં બેસવું પડતું. અલાબામા સ્ટેટના કેપિટલ મોન્ટગોમરીમાં એક કાળી યુવતી રોઝા પાર્કસ ‘બ્લેક ઓનલી’ના એરિયામાં બેસવાની ના પાડી અને પોતાની સીટ ગોરા પુરુષને આપવાની ન આપી. કોઈ પણ ઇતિહાસમાં જોશો તો મોટી લડતની શરૂઆત આવી નાની વાતોથી જ ચાલુ થઈ છે. ટ્રેનમાં પોતાની જગ્યા નહીં છોડવાની જીદે મોહનદાસને મિ. ગાંધીમાંથી મહાત્મા બનાવ્યા. રોઝા પાર્કસ્, જેવી બ્લેક વુમને કાળા સમાજને હલાવી નાખ્યો અને લોકોને પોતાના અસ્તિત્વનું ભાન કરાવ્યું. અને બસમાં કાળા લોકોએ જુદા બેસવાની વાતના વિરોધમાં, રોઝા પાર્કસની આ લડતમાં ગાંધીજીના અસહકારના માર્ગ જેવું વલણ અપનાવ્યું અને બ્લેક લોકોએ મોન્ટગોમરી શહેરની બસ સર્વિસનો બહિષ્કાર કર્યો. ૧૯૫૫માં આ બહિષ્કાર ૩૮૨ દિવસ ચાલ્યો. તે સમય દરમિયાન એકે બ્લેક વ્યક્તિએ મોન્ટગોમરી બસ સર્વિસનો ઉપયોગ ન કર્યો. જેમની પાસે કાર હોય તે લોકો બીજાઓને લિફટ આપતા. સરકારે એમની માંગ સામે ઝુકવું પડ્યું. અને બસોમાંથી બ્લેક ઓનલીના બોર્ડ દૂર થયા. આજે રોઝા પાર્કસ ‘ફર્સ્ટ લેડી ઓફ સિવીલ રાઈટસ’ ગણાય છે.
એક બીજી વાત, જેની ઓછાને ખબર હશે તે એ કે ૧૯૬૩માં માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે કાળા લોકોને વોટીંગ રાઈટસ અપાવવા અહિંસક સત્યાગ્રહ કર્યો હતો. હું તેમને ગાંધીજીના સાચા વારસદાર ગણું છું. તેમણે પણ ગાંધીજીની જેમ ગોળીઓ ખાવી પડી હતી. ગાંધીજીની દાંડી કૂચની જેમ ડો. કિંગે ત્રણ દિવસમાં સેલમાથી અલાબામા સ્ટેટના કેપિટલ મોન્ટગોમરી સુધીની એંસી કિલોમિટરની કૂચ કરી હતી. સાથે સેંકડો બ્લેક હતા. તેમા સુધારાવાદી ગોરા લોકો અને પત્રકારો પણ હતા. રાતે ખેતરોમાં સૂઈ રહેતા. આ કૂચમાં દાંડી કૂચના જેવા ભજનો નહોતા ગવાતા. પોલિસો ડંડા મારતા, ફાયર હોઝથી પાણી છાંટતા અને લોકો ઉપર શિકારી કૂતરાં છોડતા. તેથી કેટલા ય લોકો કૂચ મૂકીને જતા રહ્યા હતા. પરંતુ ડો. કિંગે તેમની કૂચ ચાલુ રાખી. ડો. કિંગ અને એમના સાથીદારોએ, લિન્ડન જ્હોન્સની ગવર્મેંટને બ્લેક લોકોને વોટિંગ રાઈટસ અપાવ્યા. જો આજના બ્લેક લોકો આ ઇતિહાસ યાદ રાખે કે એમના માબાપોએ કેટલી યાતના ભોગવીને આ ખરી આઝાદી અપાવી – તો એ લોકો આજકાલ ચાલતી ગુનાખોરી કરતા અટકે. ૧૯૬૪ના સિવીલ રાઈટસ કાયદાને કારણે ઈમિગ્રન્ટસને પણ અહીં આવવાનું મળ્યું. અને તેમને પણ વોટીંગ રાઈટસ મળ્યા.
તેના પ્રતાપે, મેં આજ સુધીમાં નવ વખત પ્રેસિડન્ટના ઈલેક્શનમાં ભાગ લીધો છે. છેલ્લા બન્ને વખતે ઓબામાજીને વોટ આપ્યા છે. તે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને કારણે જ. પછી મને એ ગમે, એમાં નવાઈ શી ! જય ડો. માર્ટીન લ્યુથર કિંગ.
‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની‘ નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ફેબ્રુઆરી 2015
Email- harnishjani5@gmail.com