Opinion Magazine
Number of visits: 9448833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શાસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?

હિમાદ્રી આચાર્ય દવે|Opinion - Opinion|11 August 2023

પોસ્ટ-ટ્રુથ ભાગ : 2

(ગત-અંકથી ચાલુ)

જેનાં કારણોમાં એમ કહી શકાય કે,

● જ્યારે પોસ્ટ-ટ્રુથ શબ્દ નહોતો ત્યારે પણ, દરેક યુગમાં, દરેક સમયમાં ભાવનાઓનો દુરોપયોગ થયો છે. તેના જવાબમાં વિદ્વાનો કહે છે કે, અફવા હંમેશાં ચળકાટ વાળી સનસનીખેજ હોય છે. માર્ક ટ્વેઇન કહે છે કે, સત્ય જ્યારે જૂતા પહેરે ત્યાં સુધીમાં અસત્ય અડધી દુનિયામાં ફરી આવે છે, આ જ વાત પોસ્ટ-ટ્રુથને લાગુ પડે છે. બીજું, અફવાને પડકારવા કરતાં અફવા સાથે જવું હંમેશાં સરળ હોય છે. વળી કોઈ માહિતી અફવા છે કે યથાર્થ એ ચકાસવા લોકો પાસે સમય કે તત્પરતાં ઓછી હોય છે. સમાજનો એક મોટો વર્ગ અફવાની નાવમાં બેઠો હોય ત્યારે, બધા વિચારે છે, માને છે તો સાચું જ હશે એવું માનનારો વર્ગ સમાજમાં મોટો હોય છે કે જેને એકલા પડી જવાનો ડર હોય છે.

● વળી,‘દિલ કો ખુશ રખને કો યે ખયાલ અચ્છા હૈ …’ ગાલિબ કહે છે એમ જૂઠ અમુક અંશે આરામદાયક હોય છે. આ વિશે ક્યાંક ઉદાહરણ સાંભળ્યું છે કે, બાળક પડી જાય ત્યારે મોટા એમ કહે કે જમીનને મારી દે, બસ. તમારી તકલીફો માટે કોઈ ખાસ કોમ, કે જે-તે શાસકોની ફલાણી-ઢીકણી નીતિ જવાબદાર છે, એમ કહીને જનતાને પેમ્પર કરનાર નેતા ખરેખર તો પોતાની જીતનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યો હોય છે, જે અંતે વિનાશમાં પણ પરિણમી શકે. (આ વાતનું યથાર્થ ઉદાહરણ હિટલર કે જેણે જર્મનની પ્રજાને કહ્યું કે, સેક્સ્યુઅલ ટ્રાન્સફર ડીસીઝ(સિફિલિસ એ સમયમાં ખૂબ ફાલ્યો હતો)નું અને પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણી હારનું કારણ યહૂદીઓ છે. અને લોકોએ માની પણ લીધું! હિટલર અને મુસોલિનીએ રાષ્ટ્રવાદને ખોટી રીતે પરિભાષિત કરી, ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને સતા મેળવી પૂરી દુનિયા પર અત્યાચાર આચર્યો.)

● બીજું, લોકશાહીમાં મત આપનાર સીમાડાના નાગરિકની બૌદ્ધિકતાને પડકારી નથી શકાતી. ગામડાંમાં વસતો મોટો વર્ગ ભારતના રાજકારણની દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ એ વર્ગ છે કે જે રોજ બ રોજનાં જીવનમાં તકલીફોનો પ્રત્યક્ષ સામનો કરે છે એટલે તેમના દુઃખ કે તકલીફોની રોકડી કરી લેવી સહેલી બાબત છે. સગવડ-સુખની કલ્પના સતત મુશ્કેલીમાં રહેતા લોકોને વધુ અપીલ કરી જાય છે.

● મોટાભાગની જનતા ઇન્સ્ટન્ટ જ્ઞાનનો ઉપયોગ કરીને અભિપ્રાય બાંધતી હોય છે એટલે કે પ્રવાહોને સમજવામાં પોતીકું ચિંતન ઓછું હોય છે. જનતા પત્રકારો, લેખકો, રાજનીતિજ્ઞ, બુદ્ધિજીવીઓ પાસેથી સમજે છે. લોકશાહીમાં પોસ્ટ-ટ્રુથની એ ચરમસીમા ગણાય છે કે જ્યારે દેશનાં મોટાભાગના મીડિયાહાઉસ, લેખકો, બુદ્ધિજીવીઓ, એનાલિસ્ટો એકરાગે કોઈ એક પક્ષની બદબોઈ અથવા પ્રસંશા કરતા રહે.

● અલબત્ત, એક મત એવો છે કે જનતા બધું સમજે છે પણ તે ઇંટ્રેસ્ટ ડ્રિવન હોય છે. એ પોતાનું હિત જોઈને નિર્ણય કરે છે. ભલે કોઈ પક્ષ દસ ખરાબ કામ કરે, ભલે જે-તે સમુદાયનું શોષણ કે તુષ્ટિકરણ કરે પણ અમારા હિતના બે સારાં કામ કરે છે ને! આવી સ્વાર્થી ગણતરીઓ સાથે જનતા તેને સર્વ કરવાવાળા પક્ષ સાથે જાય છે. રાજનેતા કે ધાર્મિક સતાઓ ક્યારેક જનતાની નાડ પારખી તેને ગમે તેવી વાતો કરીને અથવા પોતાના હિતની વાતો જનતાને ગમે તેવી ભાષામાં રજૂ કરીને લોકોના મન જીતવાના પ્રયત્ન કરે છે. તેના માટે તેઓ કડવા સત્ય કરતા મીઠું જૂઠ બોલવું પસંદ કરે છે. ઇસ્લામ ખતરે મેં હૈ, એવું નરેટિવ સેટ કરીને અનેકો યુવાનોને ભટકાવીને પૂરી દુનિયા માટે ખતરારૂપ બનાવી દેનાર ધર્મગુરુઓનું જૂઠ દરેકને સમજમાં બ્રેનવોશિંગ ઉપરાંત આ ફેબ્રિકેટેડ જૂઠને સત્ય માનવા-મનાવવામાં અમુક લોકોને અંગત હિત દેખાતું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો-અમેરિકા વચ્ચે દીવાલ બનાવી દેવાના વાયદા કર્યા. હવે, બોર્ડર પરના લોકો રેપ, હત્યા, લૂંટફાટ વગેરે રોજ બ રોજના ત્રાસથી ત્રસ્ત લોકોએ વિચાર્યું કે ભલે, ઉળધૂળિયો છે, વિવાદાસ્પદ છે, ખંધો બિઝનેસમેન છે પણ ટ્રમ્પ આપણું આ મોટું કામ તો કરી દેશે.

●સોશ્યલ મીડિયાનો વધતો વ્યાપ પોસ્ટ-ટ્રુથના વાઇડ સ્પ્રેડમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે જ્ઞાન આપવાવાળા વધી ગયા છે. તમે તમારા વિચાર, કોઈપણ તાર્કિક-અતાર્કિક મુદ્દા, તમારું સત્ય અરે કંઈપણ સોશ્યલ મીડિયા પર રજૂ કરી શકો છો, એ સાચું ખોટું જે હશે તે પછી નક્કી થશે. પહેલાના જમાનામાં, ટી.વી., છાપું, રેડિયો એ બધા એકમાર્ગીય માધ્યમો હતાં કે જ્યાં જનતાએ કશું ડાયરેકટ રીએક્ટ કરવાનું નહોતું. આજના સમયે ટી.વી. ન્યૂઝ જોનારા કે અખબાર વાંચનારની સરખામણીએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારની સંખ્યા અનેકગણી વધુ છે. બધા લોકો ન્યૂઝ કે છાપું ભલે ન વાંચે સોશ્યલ મીડિયા પરના જ્ઞાન(!)ની ભરમારમાં જરૂર હશે. પાનના ગલ્લા જેવા આ વર્ચ્યુઅલ ચોરા પર એક એક રાજકીય ઘટનાનું પોતાની બુદ્ધિથી વિશ્લેષણ કરનાર લોકો પોતાના સીમિત જ્ઞાનથી ઘટનાનાં તથ્યો પારખવાની કોશિશ કરે છે, આવા વિશ્લેષણમાં સત્ય કરતાં પૂર્વગ્રહ અને ભાવનાત્મકતાનું તત્ત્વ વધુ પ્રબળ હોય છે, જે સમયાંતરે પ્રબળ ધારણાનું રૂપ પણ લઈ શકે છે. વળી, સોશ્યલ મીડિયાએ સંપર્કનું લાઈવ માધ્યમ બન્યું છે, જેના થકી આજનો નેતા પોતાની વાત ડાયરેકટ જનતાના કાન સુધી પહોંચાડી શકે છે અને  તે જનતાના સીધા સંપર્કમાં, ઇઝીલી અવેલેબલ હોવાનો ભ્રમ ઊભો કરીને જનતાનો પોતીકો બની શકે છે. આજે સરેરાશ નાગરિક રાજનીતિ જેવા જટિલ વિષય પર પોતાનો ગંભીર અભિપ્રાય ધરાવતો થયો છે. તેના કારણમાં સોશ્યલ મીડિયા છે. સોશ્યલ મીડિયા પર રાજકીય પક્ષો દ્વારા પીરસાતા પૂર્વગ્રહયુક્ત, સત્યથી પરે, પોતાના પક્ષને ફાયદો થાય એ દૃષ્ટિથી ઘડેલા નરેટિવસનો વ્યાપ વધ્યો છે. ‘આપણે રોજ બ રોજ જોઈએ જ છીએ કે જે–તે નિષ્ફળતામાં કે ઘટનામાં જવાબદાર રાજકીય પક્ષને જનતા તરફથી ક્લીનચિટ મળે એ માટે રાતોરાત સત્યથી તદ્દન વેગળા કુતર્કોને તર્કબદ્ધ રીતે પીરસવાની કવાયત ચાલુ થઈ જાય છે. આમ કે તેમ થવા પાછળ, ભૂતકાળની કે ઇતિહાસની આ ઘટના જવાબદાર છે, અગાઉની ફલાણી સરકારનો ફલાણો નિર્ણય જવાબદાર છે તેવું ઠસાવવા આઈ.ટી. સેલની રાઇટર ટીમ દ્વારા ઢગલાબંધ સાહિત્ય તૈયાર કરવું અને તેનો વિશાળ સ્કેલ પર ફેલાવો કરવાની પ્રવૃત્તિ એ સોશ્યલમીડિયાનું દૂષણ છે.’ જેના કારણે હત્યાકાંડ-ગેંગરેપ-હુલ્લડો વગેરે ગંભીર ઘટનાઓની જવાબદારી લેવામાંથી જવાબદાર પક્ષ છૂટી જાય છે અને ઊલટું, બીજા કે ત્રીજા પક્ષ પર તેની જવાબદારી નાંખી દઈને એક કાંકરે બે પક્ષી મારે છે. રાજકીય સંદર્ભે તો આવી પ્રવૃત્તિ નૈતિકતા વિરુદ્ધ છે જ પણ સામાજિક પ્રવાહને પણ તે વિપરીત અસર કરે છે. દરેક જઘન્ય ઘટના પાછળ ઇતિહાસ-ભૂગોળ સમજાવી દેવાની  હરક્તને કારણે જનતામાં એવો પડઘો પડે છે કે જે-તે સમુદાય સાથે, જે-તે સમુદાયની વ્યક્તિ સાથે અમુક-તમુક દુર્ઘટના થઈ પણ જવા દો, એ તો એ જ લાગના હતાં!  સરવાળે સમાજમાં સંવેદનહીનતા વધવાની શકયતા રહે છે. વળી જઘન્ય અપરાધિક ઘટના સંદર્ભે જો કોઈ વ્યક્તિ સંવેદના વ્યક્ત કરે તો તેના પર જે-તે પક્ષના આઇ.ટી. સેલના લોકો તૂટી પડે છે, ટ્રોલ કરે છે, તેની સમજણ પર સવાલો ઉઠાવે છે જેના કારણે આવું કરનાર વ્યક્તિનું મોરલ તૂટી જાય છે. ‘આમ, એક બાજુ ફેક નરેશનનું  સમર્થન અને બીજું બાજુ સત્ય રજૂ કરનારને રંજાડવાની પ્રવૃત્તિ પોસ્ટ-ટ્રુથનું વર્ચસ્વ વધારવાનું કામ કરે છે.’ બીજું, રાજનેતાઓ કે તેના પ્રખર સમર્થકોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી વાત પર તેના ને તેના માણસો સકારાત્મક અભિપ્રાયો આપતાં રહે છે. લોકો સમજે છે કે જે તે વ્યક્તિની વાત પર સમાજના બૌદ્ધિક શિક્ષિત વર્ગના લોકો સહમત છે તો તેનામાં નક્કી કંઈક તથ્ય હશે જ. ‘આમ, કૃત્રિમ રીતે ઊભો કરાયેલો જનમત ધીરે ધીરે એક તંદુરસ્ત ધારણાનું / સ્વીકૃતિનું રૂપ લે છે.’

●સમાજમાં વધતી અરાજકતા વચ્ચે બુદ્ધિજીવીઓનું મૌન, બૌદ્ધિકોની નિરપેક્ષતા / સાપેક્ષતા કરતાં ય વધુ, ડરનું તત્ત્વ પોસ્ટ – ટ્રુથના વહનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ખૂબ સારી અપીલ ધરાવતો નેતા જનતાને કહે કે તમે ફલાણી ચીજથી ડરી રહ્યા છો તેના કારણમાં તો અમુક – તમુક બાબતો છે અને હું જ તમને તેમાંથી બહાર કાઢી શકું એમ છું. અથવા  પ્રભાવશાળી નેતા તેના અસરકારક ભાષણ વડે કૃત્રિમ ભય ઊભો કરીને તેમ જ ભવિષ્યના ફૂલગુલાબી સપનાં દેખાડીને જનતાને  પોતાની વાતો જ સત્ય છે, એવું માનવાની અદૃશ્ય ફરજ પાડે છે. ડર જેટલો મોટો હશે, તેના સંદર્ભે રજૂ કરાયેલ ‘પોસ્ટ ટ્રુથ’ની પક્કડ એટલી જ મજબૂત રહેશે. ભારતની વાત કરીએ તો, પરસ્પર સમાંતરે રાજનેતાઓનાં વલણને લઈને બે બાબતો જડબેસલાક જનમાનસમાં ઘર કરી ગઈ છે. સરેરાશ મુસ્લિમ માને છે કે બી.જે.પી. તો આપણને હેરાન કરવામાં કંઈ બાકી નહીં રાખે, માટે સલામત રહેવું હોય તો ભલે ભ્રષ્ટાચાર કરતી હોય પણ કાઁગ્રેસને સપોર્ટ કરો. જ્યારે સરેરાશ હિંદુ કહે છે કે બી.જે.પી. ન આવી તો તો હિન્દુત્વને ખતરો છે એટલે મોંઘવારી – વિકાસ બધું એકબાજુ મૂકીને બી.જે.પી.ને સાથ આપો. આ બન્ને માન્યતા સંપૂર્ણ સત્ય નથી. અથવા તો સત્ય લાગે તેવું, સત્ય અને અસત્ય વચ્ચેના પ્રદેશમાં જેનું સ્થાન છે. ‘પણ લોકોના આવા અભિપ્રાયમાં તથ્યગત સત્યતા કરતાં વધુ, નેતાઓએ ઊભો કરેલો હાઉ મહત્ત્વનો ભાગ ભજવે છે. ડર બતાવીને વૈમનસ્ય ઊભું કરવામાં આવે ત્યારે ડર આગળ વિવેક અને તર્ક હણાઈ જાય છે અને અંતે જનોતેજક ભાષણ આપનારા સફળ થાય છે.’ પાસ આંદોલન, મરાઠા આંદોલન, અથવા આરક્ષણ સંબંધિત તાજેતરનું મણિપુર આંદોલન વગેરે લોકોના ડરની ભાવનાને ભડકાવવાની, એ સંદર્ભે ફેક નરેશન સ્પ્રેડ કરવાની રાજનીતિના ઉદાહરણ છે. (જે – તેને અનામત મળી ગયું અને અમને ન મળ્યું એટલે આપણો સમુદાય પછાત રહી જશે એ ડર સાચો હોય તો પણ તેને વધુ હાઇપ આપીને રાજનૈતિક ફાયદો ઉઠાવવામાં આવે)

● જ્યારે કોઈ દેશમાં એકધારી અરાજકતા, એક રાજકીય પક્ષનું વર્ચસ્વ વધી જાય છે પછી સમયાંતરે એ તબક્કો આવે છે કે જનતામાં તે પક્ષ પ્રત્યે અસંતોષ વધતો જાય છે. એવા સમયે નેતૃત્વના ગુણથી ભરપૂર પ્રભાવશાળી નેતા તેમની તકલીફનો એકમાત્ર ટ્રબલ શૂટર છે એવો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થાય, “‘હું જ તારો ઈશ્વર’ પોસ્ટ–ટ્રુથનું આ એક કાયમી સ્લોગન ગણી શકાય કે જ્યારે લોકોનો વિશ્વાસ એક વ્યક્તિમાં સ્થાપિત થાય એ પછી તેના સો જૂઠને જનતા તર્કથી નહીં પણ વિશ્વાસથી તોલે છે.” આવા નેતાઓ વાક્પટુતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. અને ઇતિહાસની ભૂલો તેમ જ ભવિષ્યના ગુલાબી સપનાં અંગે ભ્રામક બયાનબાજી કરીને લોકોને આકર્ષવામાં સફળ રહે છે. હિટલર પ્રત્યે જર્મનીની પ્રજાનો વિશ્વાસ એ આ અંગેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

હિલેરીની જગ્યા તો જેલમાં છે, સાઉથ અમેરિકા દ્વારા અમેરિકામાં ચાલતાં ડ્રગ રેકેટ બંધ કરાવીશ, દરેકના ખાતામાં પંદર-પંદર લાખ, હું જીતી ગયો તો ફલાણી પાર્ટીના સિનિયર નેતાઓના કૌભાંડ બહાર પાડીશ … વગેરે વગેરે અનેક ચુનાવી જૂમલા પણ પોસ્ટ ટ્રુથના જ પ્રકાર છે. જે-તે રાજનેતા જે બોલી રહ્યો છે એ જ સાચું છે અને જો એ જીતાઈને આવશે તો જ જનતાનું ભલું થશે, એવો વિશ્વાસ સંપાદન કરવો એ એક વિજ્ઞાન છે. એક ન્યૂઝએન્કરે ખબર ફેલાવી કે બે હજારની નોટમાં નેનોચીપ છે, નોટબંધીનાં ફાયદા, સ્વિસબેન્કોમાં જમા કાળું ધન પરત લાવવાની વાત, બટેટામાંથી સોનુ બનાવવાની વાતને ટ્વિસ્ટ કરીને રજૂ કરવી, ફોટોશોપ કરીને ભૂતકાળના રાજનેતાઓના ચરિત્રને હાનિ કરવી, ‘ચોકીદાર ચોર છે’ના નારા, વગેરે પોસ્ટ ટ્રુથના ઉદાહરણો છે જેને જનતાએ જે-તે સમયે સત્ય માન્યું હતું અથવા હજુ પણ માને છે.

‘પોસ્ટ ટ્રુથનો એ કરિશ્મા છે કે છેતરાનારો પણ જાણે છે કે એ છેતરાઈ રહ્યો છે છતાં તે એ કરિશ્માઈ અસરમાંથી બહાર આવવા નથી માંગતો.’ જેના કારણમાં જે-તે પક્ષ કે જે-તે નેતાની જનતા પરની મજબૂત પક્કડ છે. અસરકારક, છટાદાર ભાષણો અને એવી જ અપીલિંગ પર્સનાલિટી એ પોસ્ટ-ટ્રુથ સફળ થવાની પહેલી શરત છે. એ પછી, નેતાએ આપેલા વચનો કેટલા અંશે ફુલફિલ થયા એ ગૌણ બની જાય છે.

સત્ય-અસત્ય-અર્ધસત્ય, વિશ્વાસ-અવિશ્વાસ-અંધવિશ્વાસ  બધી બાબત અલગ ભલે હોય પણ મૂળે એકબીજા સાથે જોડાયેલી છે. વિશ્વાસનો અભાવ એ અવિશ્વાસ અને અતિરેક એ અંધવિશ્વાસ છે. એ જ રીતે સત્યનું. ‘હિટલરે કહ્યું છે કે એક જૂઠને સો વાર દોહરાવો તો એ સત્ય થઈ જાય છે, એ વિધાનને જાણે મંત્ર માનીને પોસ્ટ ટ્રુથના આ યુગમાં રાજનેતાઓ ઉપરના તત્ત્વોનું તમને ગમતું મિશ્રણ તૈયાર કરીને તમને પીરસે છે.’ આમ, આજની રાજનીતિ પોસ્ટ ટ્રુથથી સંક્રમિત થયેલી છે. ધ્યાનથી જોઈએ તો 2008-09ની મંદીનો પહેલો દૌર પૂરો થયા બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ‘જો તમે કોઈ યુક્તિ વડે લોકોના દિલ સુધી પહોંચવામાં સફળ થાવ છો, તો પછી તમે સાચું બોલો છો કે જૂઠું બોલો છો તેની લોકોને કોઈ પરવા નથી. ન તો એ વાતની ચિંતા છે  કે આ બધું કરીને તમે તેમને ખાઈમાં તો નથી ધકેલી રહ્યા ને!’

જો કે રાજનીતિમાં અપ્રમાણિકતા એ કોઈ નવી વાત નથી પણ આજે જે હદે એ લોકોના અભિપ્રાયને પ્રભાવિત કરી રહી છે, વૈમનસ્ય વધારી રહી છે, તથ્યને ઊલટાવવામાં સફળ રહી છે, જૂઠને સત્ય અને સત્યને જૂઠ કહેવામાં સફળ થઈ રહી છે, એ ચિંતાજનક છે. વિદ્વાનો ચિંતા દર્શાવે છે કે, તથ્ય તથા વિવેકને કોરાણે મૂકીને ફક્ત વિશ્વાસને સત્યનો આધાર માનવામાં આવશે તો તેનું પરિણામ પ્રજ્ઞાહીન ટોળાંઓના સર્જનથી વધુ શું હશે? અલબત્ત, ચાણક્ય કહે છે કે, સત્ય એક જ છે જેને વિદ્વાનો અલગ અલગ રીતે રજૂ કરે છે. એટલે સમજદાર વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, યથાર્થને ચકાસી અભિપ્રાય બનાવવો રહ્યો જેના માટે પૂર્વગ્રહમુક્ત શુદ્ધ જ્ઞાન જરૂરી છે. એમ કરવામાં માનવજાતનું કલ્યાણ છે. સત્યને અસત્ય કહેવાથી સત્યને નુકશાન નથી, સમાજને જ છે. એટલે જ ફિલસૂફ પ્લેટોએ કહ્યું છે કે “સત્ય આપણા વિચારોથી સ્વતંત્ર છે. જો કોઈ તેના પર વિશ્વાસ ન કરે તો પણ તે હંમેશાં આપણી વચ્ચે રહેશે.”

[પ્રગટ : ગુજરાતની નવી પેઢીનું સૌ પ્રથમ ડિજિટલ અખબાર “ખાસ-ખબર”; 31 જુલાઈ 2023; પૃ. 06-08]
સૌજન્ય :  હિમાદ્રીબહેન આચાર્ય દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

પોસ્ટ ટૃથ ભાગ – 1

અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?

Loading

11 August 2023 Vipool Kalyani
← ચાલો, હરારી પાસે – 13 
मणिपुर, नूह और ट्रेन में क़त्ल: सद्भाव की वापसी ज़रूरी →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved