Opinion Magazine
Number of visits: 9446889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી, જનવિરાટ સમક્ષ મુખોમુખ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|28 February 2015

આ અંક પ્રેસમાં જવામાં છે એના પૂર્વકલાકોમાં, રાષ્ટ્રપતિના અભિભાષણની પરની ચર્ચામાં વડાપ્રધાનની અસરકારક રજૂઆત સાંભળ્યા પછી, હું બે અક્ષર પાડી રહ્યો છું ત્યારે જોઉં છું કે જોગાનુજોગ આજનો દિવસ ગોધરા-અનુગોધરા વરસીનો છે. ફેબ્રુઆરી ૨૦૧૫ની કોઈ એક મહદ્દ લબ્ધિ વખત છે ને હોય તો એ છે કે આટલાં વરસમાં પહેલી વાર, કહો કે ખાંડવ વન દહનના એક આખા દોર પછી કદાચ પહેલી જ વાર, નવી દિલ્હીના એક ખ્રિસ્તી સમારોહમાં નમોએ સરકારની સેક્યુલર ભૂમિકા વિશે અને ધર્મકોમી હિંસાચારના સત્તાવાર વિરોધ તેમ જ નિષેધની રીતે વિચારો વ્યક્ત કર્યા છે, અને એની ઝાંખીપાંખી ઝલક ૨૭મી ફેબ્રુઆરીના લોકસભાના ભાષણમાં પણ જોવા મળી છે.

બને કે ઓબામાએ ભારતની મુલાકાત આટોપતી વેળાએ તેમ જ અમેરિકા પહોંચ્યા પછી પણ આપણે ત્યાંના ધર્મકોમી હિંસાચારી પ્રવાહો અને પરિબળો વિશે દો ટૂક વચનો ઉચ્ચાર્યા તેથી નમોને પક્ષે આ એક પીઆર અનિવાર્યતા પણ ઊભી થઈ હોય. આપણે કારમાં બેઠા હોઈએ (અલબત્ત, ડ્રાઇવ બીજું કોઈ કરતું હોય) અને માનો કે ગલૂડિયું કચડાઈ મરે તો પણ અરેરાટી થાય છે એવી બોબડી, કંઈક ખંધી, કંઈક માસૂમ સંમિશ્ર સમજૂત ગોધરા-અનુગોધરા સંદર્ભે આપી શકતી અને એમ તબિયતથી હાથ ઊંચા કરી શકતી શખ્સિયતને પક્ષે આ ઓબામા ઇફેક્ટ એ ગુણાત્મક સુધારો ગણાઈ શકે ? નીવડ્યે વાત.

ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાનો નકરો જોગાનુજોગ જ નહીં પણ સમયસંધાનપૂર્વકનું આયોજન કહી શકાય તે મુસ્લિમોના ઘેટ્ટોઆઇઝેશન વિશે (જેનો એક પેરેલલ ભગવદ્દગોમંડલે આપણા અંત્યજવાડામાં જોયો છે એને વિશે) સંવેદનસિક્ત એટલા જ સ્વાધ્યાયપ્રવણ શોધપ્રબંધના પ્રકાશનનું છે. જે અલાયદી વસાહતો છે જ નહીં એવો દાવો એક તબક્કે રાજ્ય સરકારનો હતો તે પૈકીની કેટલીકનો આ સીધો અભ્યાસ છે, અને ટાપુદુનિયાના એક અલગ અહેસાસનો કંઈક અંદાજ એમાંથી મળે છે. આ રીતે ધરાર છૂટા પાડી દેવાયેલાઓ, પછીથી, ‘રાષ્ટ્ર’ના અંગભૂત હોવા વિશે વિશ્વાસની કટોકટી અનુભવે, નાગરિકને નાતે એક વિતૃષ્ણાના દોરમાંથી પસાર થાય અને નાગરિક સમાજની મર્યાદાઓ તેમ જ રાજ્ય સરકારની પ્રતિગામી ભૂમિકાવશ આખું વસાહતી જીવન ધર્મકોમની અલાયદી ઓળખને તાબે થતું ચાલે, એ કોની સિદ્ધિ ? કોની જવાબદારી ? ભલા ભાઈ, આખરે તો, કોઈ પણ સાંકળ એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકવાની છે એટલું તો તમારા સ્વાર્થને ખાતર પણ સમજો.

‘રાષ્ટ્રવાદ’ અને ‘મજબૂત સરકાર’ જ્યારે નાગરિક સમાજનાં મૂલ્યોથી ઉફરા એવા એક ખયાલ તરીકે વિકસે એટલે કે વકરે છે ત્યારે તે એક ઝનૂની સંપ્રદાયનું રૂપ લે છે અને દલિતવંચિત સૌ, કહો કે ‘ધ અધર’ ઉર્ફે નઠારાનકામા અમારા સિવાયનાઓ તરીકે, એને હસ્તક ઉપેક્ષા ને શોષણનો ભોગ બને છે. હકીકતે, એડવર્ડ સઇદે ‘અધરાઇઝેશન’ની જે પ્રક્રિયા (વસ્તુતઃ વિક્રિયા) વર્ણવી છે – બધાં દૂષણો સામેવાળામાં પરબારાં આરોપવાં – તે આપણા સમયનો એક અભિશાપ છે; જેમ કે ‘વિકાસ’-‘વિકાસ’ની લાયમાં આપણને વિકાસથી થતા વંચિતોની સુધબુધ રહેતી નથી. કદાચ, એની ભાળસંભાળ જરૂરી નથી લાગતી. બલકે, ‘વિકાસવિરોધીઓ’માં આતતાયીનાં દર્શનની માનસિકતા બની આવે છે.

જમીનની અધિગ્રહણ જોગવાઈ નિમિત્તે નમો સરકારનાં વટહુકમી વલણોમાં (અને અગાઉની સરકાર વખતે શક્ય બનેલ કોન્સેન્સસને સ્થાને ખેડૂતને વંચિત કરી શકતી કલમી મારામારીમાં) તમે આ વિકાસ વિશેનો નવ્ય ‘સાક્ષાત્કાર’ કરી શકો છો. જો કે યુપીએ સરકારનું વિકાસદર્શન તત્ત્વતઃ જુદું નહોતું; પણ ત્યારે રાષ્ટ્રીય સલાહકાર સમિતિ(એન.એ.સી.)ને કારણે શોષણસપાટામાં કંઈક રોક શક્ય બની શકતી હતી, અને જેમ વિકાસથી તેમ વિકાસના વંચિતો છેક જ વિમર્શ બહારના નહોતા બની જતા.

બેશક, એન.એ.સી. વિશે ટીકાત્મક સમીક્ષાની એક ભૂમિકા નાગરિક છેડેથી કદરબૂજ સાથે અને છતાં ત્યારે અવશ્ય હતી. અને તે એ કે એન.એ.સી.ની હેસિયત રાજદરબારનાં નવરત્નોની હશે પણ લોકમત ઘડતાપ્રેરતાદોરતા અને એ રીતે પોતાનો વક્કર ને પોતાનું સૅન્ક્શન ધરાવતા પ્રતિભાપરિબળનું કાઠું એનું નહોતું તે નહોતું. ચાલુ સદીનો બીજો દસકો બેસતે અણ્ણાના લોકપાલ આંદોલન તેમ જ અક્ષરશઃ અસાધારણ એવી નિર્ભયા ઉદ્યુક્તિ સાથે જાહેર જીવનમાં જે બની આવ્યું એ સ્વાભાવિક જ ગુણાત્મકપણે ન્યારું ને નિરાળું હતું. આજે જાહેર સમીક્ષકો ભૂમિ અધિગ્રહણ વટહુકમમાં ‘એન.ડી.એ.ની લોકપાલ મોમેન્ટ’ જુએ છે એનું રહસ્ય આ પૃષ્ઠભૂમાં પડેલું છે. ભૂમિ અધિગ્રહણની અને એવી વિકાસપંથી રાજકીય માન્યતા સામે રાજગોપાલના યોજકત્વમાં અસાધારણ કૂચ યુપીએ સરકારે જોઈ હતી અને એને ઘટતું કરવાની ખાતરી આપી હતી. એ જ દોર, જૂનીનવી સરકારોની અકર્મણ્યતા સંદર્ભે, રાજગોપાલ આગળ ચલાવતા રહ્યા છે. નવી સરકારના વટહુકમે આ દોરને અનુકૂળ જલવાયુ પૂરાં પાડ્યાં અને એણે અણ્ણા સહિતના બહુપક્ષી ને એથી પણ અધિકા જનવિરાટ સમક્ષ મુખોમુખ થવાની નોબત આવી છે.

જ્યાં સુધી અધિગ્રહણ વટહુકમનો સવાલ છે, કેન્દ્રીય મંત્રી વેંકય્યા નાયડુએ કહ્યું છે કે ગૃહમાં ચર્ચા દરમિયાન સૂચનો આવકાર્ય છે, પણ મૂળભૂતપણે પાછા હટવાનો તો સવાલ જ નથી. કદાચ, નમોનું વલણ એક ‘મક્કમ’તાનો સંદેશ આપી છાકો પાડી દેવાનું જણાય છે. ઇંદિરા ગાંધીએ જયપ્રકાશ સાથે સઘળી સંવાદશક્યતાઓ છાંડીને એક મજબૂત નેતા તરીકે જે રાહ લીધો હતો તેનો વિપરીતપરિણામી પેરેલલ આ ક્ષણે કોઈ સંભારી આપે તો તે અપ્રસ્તુત નહીં લેખાય.

જેમ મનમોહન સિંહ સામે અણ્ણાની લોકપાલ ક્ષણવિશેષ હતી તેવી આ એક ભૂમિ અધિગ્રહણ ક્ષણવિશેષ મોદી સામે છે એમ પણ તમે કહી શકો. પણ આ બે પરિસ્થિતિ વચ્ચેનો પાયાનો ફરક પણ તમે જોઈ શકો છો પૂર્વે ભા.જ.પ. પોતાને અણ્ણા આંદોલનના એકંદરે એકમાત્ર અગર વડા લાભાર્થી તરીકે કલ્પતો હતો. અત્યારે, કેમ કે ભા.જ.પ. કેન્દ્રમાં સત્તારૂઢ છે, લાભાર્થીઓ બીજા એટલે કે ભા.જ.પ. સિવાયના પક્ષો હોઈ શકે છે. પણ કેવળ એટલો જ ફરક નથી. ‘આપ’ના પ્રભાવક ઉદય અને દિલ્હીવિજય સાથે આખો વિમર્શ કૉંગ્રેસ-ભા.જ.પ.માં સીમિત ન રહેતાં સ્થાપિત પક્ષોથી ઉફરા એવા વ્યાપક લોકવિમર્શનું સ્વરૂપ પકડી રહ્યો છે. વિકલ્પખોજે કૉંગ્રેસ સામે વખાના માર્યા ભા.જ.પ.માં લાંગરવું પડે એવી અનિવાર્યતાને બદલે એક નવ્ય નાગરિક વિકલ્પ(કહો કે સેક્યુલર વિકલ્પ)ની શક્યતાઓ ઊભી થઈ છે.

અલબત્ત, રોમ રાતોરાત બંધાયું જાણ્યું નથી અને કોઈ નરવોનક્કુર વિકલ્પ રાતોરાત દેશભરમાં બનવો શક્ય નથી એ સાચું. પણ સંકેત અને શક્યતા સહ વ્યાપક વિકલ્પવિચારનું એક વાયુમંડળ બનતું દીસે છે એ પણ સાચું. આ દિવસો, દિલ્હીમાં આપને પક્ષે બીજલીપાની વચનોના અમલના છે. પણ નાગરિક છેડેથી અપેક્ષિત રસ, તપાસ અને આશ ખરું જોતાં એથી આગળ જતી છે. વિકાસવેશી અને સંસ્કૃિતવેશી રાષ્ટ્રવાદની મુશ્કેલી એ છે કે ‘વૃદ્ધિદર’ અને કથિત ‘ચિતિ’ શક્તિના અભિગમમાં સામાન્ય માણસનું કેન્દ્રસ્થ મહત્ત્વ નથી રહેતું. એનું હાંસિયામાં મુકાવું તે, આ ચર્ચામાં કોઈ મુદ્દો જ નથી. રાષ્ટ્રવાદની વ્યાખ્યા અને મજબૂત રાષ્ટ્ર-રાજ્યનું લૉજિક કહો, તર્કશાસ્ત્ર જ નહીં પણ મનોવિજ્ઞાન કહો, એમાં સામાન્ય માણસ કદાચ શોધ્યો જ જડતો નથી.

તો, આ લૉજિકમાં અને આ મનોવિજ્ઞાનમાં તમે જુઓ કે આફ્સ્પા જેવા જુલમી હોઈ શકતા કાયદાનું માપબહારનું મહિમામંડન થાય છે. એમાં ઢીલ મૂકવાની, સુધારો કરવાની, ઉત્તરપૂર્વથી માંડીને કાશ્મીર સુધી રાષ્ટ્રરાજ્યની લશ્કરી રીટ ચલાવવાની નીતિ સ્થાનિક જનતાને ‘ભારત’વિમુખ કરી રહી છે એ વાનું જો આપણી પહોંચ બહાર રહેતું હોય તો એનું કારણ કદાચ એ છે કે રાષ્ટ્રરાજ્યવાદની સામ્રાજ્યશાહી સમજથી આપણી સંવેદના બહેર મારી ગયેલી છે.

Cartoonscape 

[courtesy : "The Hindu", 28.02.2015]

હવે તરતમાં જ જમ્મુ-કાશ્મીરમાં પી.ડી.પી.-બી.જે.પી. મિશ્ર સરકાર રચાઈ રહી છે. શપથવિધિ બાદ સંયુક્ત લઘુતમ કાર્યક્રમ જાહેર થશે. વિગતોમાં જે હશે તે હશે, પણ એક વાત સાફ છે કે ૩૭૦ની નાબૂદીની તાકીદ અને આફ્સ્પાવાદનો દબદબો પૂર્વવત્ રહેવાનો નથી. રાષ્ટ્રવાદની સંઘપરિવારી વ્યાખ્યાથી દેખીતી રીતે જ આ એક જુદી વાત બની રહી છે. હજુ હમણાં સુધી ચૂંટણી પ્રચારમાં જે ઊછાળી ઊછળીને કહેવાતું હતું એના કરતાં આ જુદું વલણ કેવળ વ્યૂહાત્મક મટી કાંઈક મૂલ્યાત્મક બને તો વાત બની શકે. (એમ તો, નાણા પંચની ભલામણને ધોરણે રાજ્યોને વિશેષ હિસ્સો આપવાનું, ‘કો-ઓપરેટિવ ફેડરલિઝમ’નું વલણ પણ એકલઠ્ઠ જડબેસલાક મજબૂત કેન્દ્રવાદી રાષ્ટ્રરાજ્યવાદ કરતાં જુદું પડે છે.)

મુદ્દાની વાત એ છે કે ૧૯૯૨ના અતિરેકી ઘટનાક્રમ પછી ૧૯૯૮થી શરૂ થયેલા એન.ડી.એ. કાળમાં વાજપેયીના નેતૃત્વમાં અડવાણીએ પથસંસ્કરણ(કોર્સ કરેક્શન)ની કોશિશ કરી. સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ ઉર્ફે હિંદુત્વ રાજનીતિને એકંદરે સુશાસન(ગવર્નન્સ)ના ખાંચામાં અને ઢાંચામાં ઢાળવાની કોશિશ આ અચ્છા કૉપીકારની હશે, પણ ૨૦૦૨ સાથે એમનો આશામિનાર ધ્વસ્ત થઈ ગયો; કેમ કે અમેરિકી ટિ્વન ટાવર્સને જેમ કોઈ બીજાની જરૂર ધ્વસ્ત થવા માટે હતી તેવી જરૂરત આ આશામિનારને નહોતી – એણે પોતે જ વિધ્વંસને પાળ્યો હતો. ૨૦૦૨ને કારણે કૉંગ્રેસ-યુ.પી.એ.ને દેશમાં એક દાયકો મળી ગયો એ નફામાં. ગમે તેમ પણ, આજે મોદીવ્યૂહ અગાઉના વીસ ટકા મતને બદલે ભા.જ.પ.ના ખુદના સુવાંગ ત્રીસ ટકા મતે દિલ્હી પહોંચ્યો છે તે જો હકીકત છે તો એ પણ એટલું જ સાચું છે કે અડવાણીએ કોશિશ કરી હતી એના કરતાં અનેકગણું પથસંસ્કરણ એણે કરવાનું છે. એક વસ્તુ અડવાણી-મોદી બેઉને સમજાવી જોઈએ કે ‘એકં સદ્ વિપ્રાઃ બહુધા વદન્તિ’નો શુકપાઠ ૧૯૯૨ અને ૨૦૦૨ પછી તમને ડાઇરેક્ટ ઍક્શન પછીના એ ઝીણાની પંગતમાં મૂકી આપે છે જેમાં પાક બંધારણ સભામાં સેક્યુલર ભૂમિકાની એમની જિકર બેમતલબ બની રહી હતી.

રાષ્ટ્રવાદની તમારી આખી પરિભાષા અને પરિકલ્પના આમૂલ પુનર્વિચાર માગે છે એટલું તો સમજો, ભાઈ !

ફેબ્રુઆરી ૨૭, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૂ. 01, 02 અને 15

Loading

28 February 2015 admin
← પારકી ભૂમિ પર હક અને સ્વમાન માટે અહિંસક જંગ લડનાર જયાબહેન દેસાઈ
ઝળહળ વસ્ત્રનું આખ્યાન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved