Opinion Magazine
Number of visits: 9448398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંગલ દિન આજ

પુ.લ. દેશપાંડે : અનુવાદ - અરુણા જાડેજા|Profile|18 February 2015

કુમાર ગંધર્વ (1924-1992) મૂળ કર્ણાટકના, તેમનું ખરું નામ શિવપુત્ર સિદ્ધરામૈયા કોમકલીમઠ. તેમના પહેલાં પત્ની ભાનુમતીના પુત્ર મુકુલ શિવપુત્ર અને બીજાં પત્ની વસુંધરા—એમનાં શિષ્યા—નાં પુત્રી કલાપિની કોમકલી બન્ને હિંદુસ્તાની ગાયકો છે. મુકુલ સાવ અલગારી અને કલાપિની ખાસ્સાં સંગીતરત. પુ.લ.એ પોતાની ફોટોબાયૉગ્રાફી ‘ચિત્રમય સ્વગત’માં એક સર્જનશીલ સંગીતકાર અને સમર્થ ગાયક કુમાર ગંધર્વ સાથેના પોતાના ફોટા નીચે આગવી ટિપ્પણી કરી છે : “મારી સમાધિ પર લખજો કે આણે કુમાર ગંઘર્વનું ગાન સાંભળ્યું છે.” અમ સૌ મરાઠીઓની સવાર કુમારજીના ‘મલયગિરિના ચંદની ધૂપ ધરાવતા’ પ્રભાતિયાંથી થાય છે.

સાલ 1974માં કુમારજીની સુવર્ણજયંતીએ તેમને વધાવતા લખાયેલો આ લેખ પુ.લ.ના ‘ગુણ ગાઈન આવડીને’ અર્થાત્ ‘ગુણ ગાઈશ હોંશે’— નામના મરાઠી પુસ્તકમાંથી લીધો છે. આ લેખમાં આવતા સાંગીતિક પારિભાષિક શબ્દો માટે મેં મારા મામાઈ ભાઈ સુધીર યાર્દીની મદદ લીધી, એણે તો એ ઉપરાંત કેટકેટલી જગ્યાએ બે લીટી વચ્ચેનું રસગ્રહણસમું સૌંદર્ય — જે પુ.લ. બતાવવા માગતા હતા એ —બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સૂરતની એંજિનિયરિંગ કૉલેજના પ્રાધ્યાપક સુધીર યાર્દી અચ્છા હાર્મોનિયમવાદક છે; પંડિત જસરાજજી, પંડિત રાજન-સાજન મિશ્રા, રાશીદખાન જેવા અનેક સંગીત-દિગ્ગજો તેમ જ ખુદ કુમારકન્યા કલાપિની કોમકલી સાથે પણ સંગત કરી ચૂકેલા સુધીર ‘મંજે હુએ કલાકાર’ છે. જુઓ રસગ્રહણ. − અરુણા જાડેજા)

આઠમી એપ્રિલે કુમારની પચાસમી વર્ષગાંઠે સ્વજનોના મેળાવડામાં ઊજવવાનો મનસૂબો વસુંધરાએ પત્ર લખીને અમને જણાવેલો. પચાસમું વર્ષ તો પ્રતિભાશાળીઓની પ્રતિભાને પ્રૌઢત્વને લીધે આવનારા માધુર્યનું દાન આપી જનારું વર્ષ. જિંદગીની ખાટીમીઠી વાતો કરતી વખતે ખાટાં કરતાં મીઠું શું મળ્યું એની વાત કરી જનારું વર્ષ. પણ કુમારની બાબતે એના પ્રૌઢત્વ અને પ્રગલ્ભ માધુર્યનો સાક્ષાત્કાર મને સાલ 1935માં એટલે લગભગ ઓગણચાળીસ વર્ષ પહેલાં જ થઈ ગયેલો. ત્યારે કુમારે માંડ દસ વર્ષ પૂરાં કરેલા અને મારું પંદરમું ચાલુ હતું.  

જૂના મુંબઈકરોનાં સંભારણાંમાં કેટલીક ખાસ મહત્ત્વની વાતો હતી. સી.કે. નાયડુની એમ.સી.સી. સામેની અગિયાર સિક્સર્સ, બાલ ગંધર્વનું નાટક ‘સંયુક્ત માનાપમાન’. એમાં હવે એક ઉમેરાયું તે કુમાર ગંધર્વ નામના દસેક વર્ષના છોકરાએ જીતી લીધેલી જિના હૉલમાંની સંગીત પરિષદ. ભાવિક શ્રોતા એ મહેફિલમાંથી બહાર પડતા કહી રહ્યો હતો : “આ તો એક દૈવી ચમત્કાર!” છે. બુદ્ધિનિષ્ઠો મૂંઝાઈ ગયા હતા. પાંત્રીસ વર્ષ પહેલાંની વાત, મને ખુશી હતી કે આવો એક ચમત્કાર આજે મને જોવા-સાંભળવા મળશે. સાંજે પાંચેક વાગ્યે બેઠક શરૂ થઈ, તબલાં-તાનપુરા મેળવાતાં હતાં. પેટીવાળા ભાઈ સૂર ધરીને બેઠા હતા. ગાનારો છોકરો અંદર હતો, બધાંની નજર એના આગમનને તાકી રહી હતી; અને રૂઆબદાર શેરવાની, ડોકમાં બિલ્લાનો પટ્ટો, સૂરવાલ ચઢાવેલી — એવા વટમાં સાડાત્રણેક ફૂટની ઊંચી મૂર્તિએ જે એન્ટ્રી મારી એમાં જ ખીચોખીચ ભરાયેલા દિવાનખાનાના શ્રોતાઓ ધન્ય થઈ ગયા. એ પછીના દોઢેક કલાકમાં બાલસુલભ એવું કશું જ નહોતું, ફૈયાઝખાં, મંજીખાં જેવાની દબદબાભેર એન્ટ્રીમાં જ પહેલી દાદ લઈ જનારા માતબર ઉસ્તાદ કોક જાદુગરી કરીને બાલરૂપ ધારણ કરીને આવ્યા છે કે શું એમ આશ્ચર્ય, ઉત્સુકતા, પ્રસંશાના, ‘કોઈથી નજરાય ના આ છોકરું, મારી બઈ!’ એવા ભાવ ઊભરાયા.

આજે જો કે કુમારના ગળામાં બિલ્લાનો પટ્ટો હોતો નથી અને શારીરિક ઊંચાઈ પણ દોઢેક ફૂટ વધી હશે પણ એની આજની કોઈ પણ મહેફિલની એન્ટ્રી મને એ જ પહેલાની એન્ટ્રી યાદ કરાવી જાય છે. આ છોકરો ખાંસાહેબોની ગોખેલી રેકર્ડો ગાતો નહોતો, કંઈ બીજું પણ ગાતો હતો. ‘જમુના કે તીર …’ ભૈરવીથી મહેફિલ પૂરી થઈ. ‘ગોકુલ ઢૂંઢી, બ્રિંદાવન ઢૂંઢી …’માં બીજા ‘ઢૂં’ પર જે ઉપજ* ગઈ એની ચપળતામાં તારસ્વરની ધાર• હતી, એ ધાર શું વિલક્ષણ હતી ! કહે છે કે બંદૂકની ગોળી છૂટે કે સૂં ….. સૂં … ડડડ કરતીક આગલું અંતર કાપતી જતી હોય ત્યારે અદ્દભૂત વેગમાં પોતાની ફરતે જ ઘૂમરી ખાતી રહે છે. આજે પણ કુમારની તાન સમ તરફ પ્રવાસ ન કરતા તેમ જ નીકળી જાય છે. શરસંધાન જેવું સૂરસંધાન કુમાર બાળવયમાં જ કરતો હતો. આઠમી એપ્રિલ ઓગણીસો ચુમોતેરના દિવસે શિવપુત્ર કોમકલી ઉર્ફે કુમાર ગંધર્વને બેસનારું પચાસમું એ તો પંચાગમાંના ગણિતનો હિસાબ થયો. પણ દસમે વર્ષે મેં સાંભળેલી એની ગાયકીની ઉંમર આવી આંકડાવારીને વટી જનારી હતી.

(રસગ્રહણ -* ઉપજ – ખુદ સંગીતકારને પોતાને માટે ય અકલ્પનીય એવી એન સમયે લેવાઈ ગયેલી કોઈ ચમત્કારિક નવી હરકત. / ધાર• – કંઠ ફૂટતા પહેલાંની બાલઅવાજમાંની એ નિર્દોષ, કુદરતી ધાર Natural- Crystal Clear હતી. મોટપણે એમાં જે સભાનતા આવી જાય તે એમાં નહોતી. – સુધીર યાર્દી.)

•

કુમારનું છેલ્લાં ત્રીસ-ચાળીસ વર્ષોનું જીવન અસામાન્ય ખંત અને પરિશ્રમની ગાથા છે; એનું ગાન સહજ નથી. એને જન્મજાત મળ્યું એ વાત સાચી પણ એનું કુમારે કરેલું સંશોધન અને સંવર્ધન એને ‘મનુષ્યાણામ્ સહસ્રેષુ’ની શ્રેણીમાં બેસાડે તેવું છે. એ ગાન તપઃપૂત છે. એ ફક્ત એક પ્રતિભાશાળી ગાન નથી એક પ્રજ્ઞાવાનનું ગાન પણ છે. અમારા ગાનારાઓની દુનિયામાં મોટા ભાગનાનો પ્રવાસ એક દોરેલા માર્ગે થતો હોય છે. પણ કુમાર આ પ્રવાસ સાવ નિરાળી રીતે કરતો આવ્યો છે. એના આ પ્રવાસનો પ્રારંભ ભલે ખૂબ યશસ્વી રીતે થયો હોય તોયે એના પિતાએ એને યોગ્ય સમયે દેવધર માસ્તરના તાબામાં સોંપ્યો અને દેવધર માસ્તરે એક સારું કામ કર્યું હોય તો તે બાળપણમાં એને મળેલું પેલું એની ફરતેનું યશોવલય એની પાસેથી કાઢી લીધું, સંગીતના બધા કાયદાની કડક શિસ્તથી એને માહિતગાર કર્યો.

અસામાન્ય બાળકોના આવા સામાન્યીકરણની અતિ આવશ્યકતા હોય છે, તો જ અહંકારમાંથી એનો છૂટકારો થાય છે. તેથી જ કુમારના ગાનમાંની સર્વ નવતરતા પારંપરિક જ્ઞાન, શાણપણ અને વૈભવ પચાવીને આવી છે. એ અમથી તરકીબબાજી કે સ્ટંટ થઈ નથી. સૂરોની વાત એ કરે તો પોતાના નિકટ સ્વજનની જેમ.

બે-ચાર વર્ષો પહેલાંની જ વાત. દાદરના એક હૉલમાં એનો ભૂપ ચાલી રહ્યો હતો, ભૂપ ચાલતો હતો એટલે રીતસરનો હાથીઘોડા અને છત્તર-ચમ્મરના વૈભવ સાથે. પોણોએક કલાક પછી શુદ્ધ મધ્યમનો એક સાવ બારીક કણ એ ભૂપ*ને લાગ્યો. મહેફિલને સુખદ અનુભૂતિ તો થઈ પણ એ ચોંકી પણ ઊઠી. એ આશ્ચર્ય કુમારે પણ નોંધ્યું. તાનપુરાવાળાને અવાજ ધીમો કરવા કહ્યું, તબલચીની આંગળીઓ નાજુક થઈ. કુમારે કહ્યું, “શું કરું ભાઈ (શ્રોતામાં બેઠેલા પુ.લ.), ક્યારનો આ મધ્યમ ‘જરી આવવા દો, આવવા દો’ કરતો રિકવેષ્ટ (કાનડી અસર) કરી રહ્યો છે; ભૂપના દરબારમાં એને પ્રવેશ નથી પણ બહુ કાલાવેલા કરવા લાગ્યો એટલે થયું, છો આવતો બિચારો જરી વાર, કેટલી વાર બહાર ટટળાવવો? દોસ્ત છે આપણો.” અને ક્ષણમાં જ એના ગાનમાંના સપ્તસૂર અમો સાંભળનારાઓના સ્વજન થઈ બેઠા.

(રસગ્રહણ – *ભૂપ – કુમારજીની અનેક ખાસિયતોમાં એક : ભૂપમાં મધ્યમ સ્વર વર્જિત છે, તેથી કુમારજીએ હળવેકથી મધ્યમ સ્વર લગાવ્યો. તો ઉસ્તાદ તબલચીની આંગળીઓએ પણ silky touch આપ્યો. – સુધીર યાર્દી)

•

વિવિધ રાગ અને સૂરની વાતો કુમાર બહુ મજેથી કરે. બાલગંધર્વની અમુક જગ્યાઓને એ “એમના કંઠના સૂરોના ‘ડૂલ’ (કાનમાનાં) હલતા” એવું કહેતો. પોતે એક વાર “મલા (મને) મદન ભાસે …” ગાતી વખતે ‘ભા’ને એકદમ આસ્તેકથી સ્પર્શીને કહ્યું, “કોમળ નિષાદનું જરીક ‘કાજળટપકું’ કર્યું” કે “શુદ્ધ મધ્યમ તો ભારે બદમાશ!” એવા એના મજેદાર ઉદ્દગારો. એક વાર કોક છાયાનટમાંની ‘ઝનન ઝનન’ ગાતું હતું, રાગ અને ચીજ બન્નેના લીરેલીરાં ઊડી રહ્યાં હતાં. મેં સહજ કહ્યું, “કેટલી સુંદર ચીજ અને અને એના કેવા તે હાલ થઈ રહ્યા છે!” એણે કહ્યું, “ભાઈ, ખાલી કપડાં પહેર્યે થોડું ચાલે? એ થઈ રહેવા જોઈએ ને? માથે ન બેસતી જરીકસબી ટોપી પણ કૉમિક લાગે અને બંધબેસતી આઠ આનાની ગાંધીટોપી પણ મસ્ત લાગે! આ બિચારાની તો બંદિશ સાથે હજી સરખી ઓળખાણ પણ થઈ નથી અને લઈ નીકળ્યો એને મ્હાલવા!”

કુમારનો સ્વભાવ ઉતાવળો, એ પોતે જાણે. તેથી ગાતા પહેલાં પોતે કયો રાગ ગાવાનો છે તેની જાહેરાત નિરાંતે કરે પણ જો એમાં જરી ખુલાસો આવ્યો તો એનાં વાક્યો પાછાં દોડવા માંડે. ગાતાં પહેલાં રાગનું નામ વગેરે છૂપાવી રાખવું એવી અસભ્યતા એણે ક્યારે ય કરી નથી. ઘણી વાર મહેફિલનો રંગ જામે તે માટે શરૂઆતમાં નામ ન કહેતા, સામેવાળાના ચહેરા પરની ઉત્કંઠા જોઈએ તેવી વધતી જોઈને પછી નિરાંતે એ ‘સ્ટડીડ’ ઢંગે કહે, “આ રાગનું નામ ફલાણું છે.” અને શ્રોતાઓને સંતુષ્ટ જોતાં પાછળ ઝણઝણનારા બે તાનપુરામાંથી, મૂળસોતું કશુંક ખેંચી કાઢીએ તેમ કોક સૂરાવલિ એ ખેંચી લાવે.

કુમારનાં ગાનનું એક વૈશિષ્ટ્ય છે કે એના ગાનમાં તાનપુરા પણ ‘પરફૉર્મર્સ’ હોય છે, એમની હાજરી એ વારેઘડીએ બતાવતો હોય છે! અનેક જણને એનો સ્વર તૂટતો જણાય પણ હકીકતે એ તાનપુરાને પહોંચાડેલો હોય છે. કુમારનું ગાન “ક્યાંથી ક્યાં?” તો એના જવાબમાં હું કહીશ : “તાનપુરાથી તાનપુરા તરફ!” પોતે ગાતા હોઈએ એ રાગના સૂર તાનપુરા પાછા આપણી તરફ ફેંકતા હોય છે. પણ બહુ ઓછા ગાયકો સભાનતાથી આ કીમિયાને અજમાવતા હોય છે. તેથી જ કુમાર જે હાથે આવ્યો તે તાનપુરો લઈને ગાવા બેઠો હોય એવું ક્યારે ય થયું નથી. વાદ્યકારોના કારખાનામાં બેસીને મરજી પ્રમાણેના તાનપુરા કરાવી લેવામાં એણે ક્યારે ય આળસ કરી નથી. સૂરો સાથે સમાધાન ન ચાલે.

એક વાર મેં કુમારને પૂછ્યું, “કુમાર, ‘એક સૂર સાધે સબ સૂર સાધે’ એટલે શું?”

એક સરસ મજેની વાત. કુમાર જ નહીં, મલ્લિકાર્જુન મન્સૂર, વસંતરાવ દેશપાંડે જેવા ગાયકમિત્રો શંકાનું નિવારણ ખૂબ નિષ્ઠાપૂર્વક કરે. સવાલ કેટલો ય મૂર્ખામીભર્યો હોયે તોયે ઉડાવી ન મૂકે.

“જો સાંભળ. એક વાર માઈ (અંજનીબાઈ માલપેકર) મને ભૈરવીની ચીજ શીખવાડતાં હતાં; એ કહી રહ્યાં હતાં, ‘કુમાર, મને જોઈએ તે મધ્યમ હજી લાગતો નથી.’ મને તો એ મધ્યમમાં કાંઈ ઓછુવત્તું લાગતું નહોતું. ત્રણચાર દિવસ આવું ચાલતું રહ્યું. અને એક દિવસ, માઈના કંઠેથી એવો તે અપ્રતિમ મધ્યમ પ્રગટ્યો કે કેટલી ય વાર સુધી તો અમે બન્ને બેહોશ હતાં. અરે, રાગ એટલે સારેગમની ફકત વત્તાબાદબાકી નહીં. રાગને લગતો દરેક સૂર પોતાનો આગવો રંગ લઈને ઊભો હોય છે. માલકંસના ગંધાર અને પીલુના ગંધારનું ટેકસ્ચર જુદું, એનો સ્વભાવ જુદો. એની બૉડી જુદી. વળી, કોક સર્કલમાં તું ક્યાંયે સ્પર્શ કરી આવે તોયે તું કહે કે હું સર્કલમાં છું; પણ ખરે તો એ સર્કલના સેંટરમાં પ્રવેશતા આવડવું જોઈએ! એ જગ્યા સ્વયંભૂ. આવો સૂર સાધવો એટલે જ સબ સૂર સાધે. આમ તો આપણને સૂરોની ભાળ મળેલી હોય છે પણ સૂર જડવો એટલે સૂરનું ફક્ત ઘર જ જડે તે નહીં; એ માણસ જડવો જોઈએ, એનો સ્વભાવ જડવો જોઈએ!”

મેં દેવધર માસ્તરના વર્ગમાંનો કુમાર જોયો છે. હું ત્યાં ફી ભરીને ભણનારો વિદ્યાર્થી નહોતો પણ દર શનિવારે અમારા જેવા માટે ત્યાં સંગીતનું વિનામૂલ્ય અન્નસત્ર રહેતું, મિની કૉન્ફરન્સ. ઘડી પહેલાં મિત્રો સાથે ઠઠ્ઠામશ્કરી કરનારો, નોકરની જેમ દોડધામ કરી મૂકનારો કુમાર બે તાનપુરાની વચ્ચે બેસે કે એકદમ જુદો જ લાગતો. ખ્યાલની બઢત કરતી વખતે ગજબનો અપેક્ષાભંગ* કરતો સમ પર આવનારો કુમાર, પેલા મૂંઝાયેલા શ્રોતાઓ પાસેથી આશ્ચર્યની દાદ મેળવ્યા પછી લોભામણી નટખટતાથી આંખો ઝીણી કરીને હસતો રહે. આજે ય વિલક્ષણ એકતાન થયેલો કુમાર એવો જ અણધાર્યો પણ સુખદ આંચકો આપી જાય છે. અને તરત જ એ કીમિયામાંથી બહાર નીકળી પણ જાય છે. તેથી જ અમારા રામુભૈયા દાતે કુમાર માટે કહેતા, “અરે, આ મ્યુિઝશ્યન નથી મૅજિશ્યન છે! ગાનના એ ક્ષેત્રથી આ ક્ષેત્રજ્ઞ કેવો નિરાંતે અલગ થઈ જાય છે.” જાણે કે એ સૂરાવલિ ફેંકનારો તો બીજો જ કોક હતો. કુમારના ગાનમાંનું સઘળું નાટ્ય આમાંથી જ સર્જાય છે. આ ઓચિંતો પલટો પણ ખાસ્સો પૂર્વનિયોજિત હોય છે, અજ્ઞાત પ્રદેશમાં કરેલી એ આંધળી મુસાફરી નથી.

(રસગ્રહણ – *અપેક્ષાભંગ –  કુમારજીની શૈલીનું હાર્દ આ એક વાક્યમાં સમાયેલું છે. ખ્યાલના બઢત રંગની એક ચોક્કસ પેટર્ન હોય છે, સુજ્ઞ શ્રોતાઓએ એ જ પ્રકારની સૂરસજાવટની અપેક્ષા રાખી હોય. પણ શ્રોતાઓની એ અપેક્ષાથી તદ્દન વિપરિત એવી, સાવ અનપેક્ષિત સૂરાવલિ લઈને કુમારજી શ્રોતાઓનો અપેક્ષાભંગ કરીને તેમને થાપ આપી જતા. પણ એનાથી કોઈ રસભંગ તો થતો જ નહીં ઊલટાની જે નવીન રસનિષ્પત્તિ તેઓ સાધતા તે રસલ્હાણથી પ્રેક્ષકોનો આનંદ આંચકાભેર બેવડાતો : એક તો ધારેલી સૂરસજાવટ સાંભળવા ન મળી પણ ઉપરથી અણધાર્યું સૂરસુખ ખોળામાં આવી પડ્યું. – સુધીર યાર્દી)

•

આપણે એને સાવ સહજ કહીએ કે ફલાણી ચીજનું મુખડું તો ગાઈ બતાવ! તોયે એ તો પળભરમાં પૂરી મહેફિલ ગાવાની હોય એટલો જ ગંભીર થઈ જવાનો. અને મહેફિલના આરંભે જે સમગ્રતાથી ષડ્જમાં પેસવું પડે તેવી જ રીતે પેસવાનો. ફક્ત ગાવાની બાબતે જ નહીં જીવનની દરેક બાબતમાં ચોકસાઈ પર એનો ભાર હોય. આમ તો સાર્વજનિક રીતે એક ગેરસમજ છે કે અવ્યવસ્થિતતા એ કલાકારનું ભૂષણ છે. આ બાબતે કુમાર પૂરો સાવધ. તેથી કાંઈ પોતાના મિત્રો પર એ શિસ્ત લાદે નહીં. એના ખાસ બે મિત્રો રાહુલ બારપુતે અને ચિત્રકાર ચિંચાળકર ગુરુજીના કોશમાં તો વ્યવસ્થિતતા નામનો શબ્દ જ નથી. પણ રાહુલજીએ કુમારનો સાહિત્યપ્રેમ વધાર્યો તો ગુરુજીએ એના માટે રંગરેખાના દરવાજા ખુલ્લા કરી આપ્યા. ગાનક્ષેત્રનો કુમાર જીવનની શ્રેયપ્રદ બાબતોનો અનેક ઠેકાણેથી આનંદ લેતો રહે છે, દરેક ક્ષણ મૂલ્યવાન છે એમ માનીને જીવ્યે જાય છે. આ મૂલ્ય એણે એના મોકાના આશાસ્પદ વર્ષોમાં ખૂબ ઝઝૂમીને જાણ્યું છે.

સાલ 44-45ની વાત. પુણેના ભાવે સ્કૂલના હૉલમાં કુમારનું ગાન થયું, “પ્રેમ કર્યો શું આ થયો ગુનો?” મરાઠી સુગમગીત ગાયેલું, શ્રોતામાં ભાનુમતી પણ હતી. ‘અમને ખબર પડી ગઈઈઈઈ ! એવો ગણગણાટ શ્રોતાઓમાં થઈ રહ્યો. આ અદ્દભુત જામેલી મહેફિલના સૂરો કાનમાં લઈને પાછા ફરનારા લોકોને સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે હવે પછીના પાંચછ વર્ષ સુધી આ ગાન મૂક થઈ જવાનું છે. પુણેની આ બેઠક કુમારની માંદગી પહેલાંની છેલ્લી બેઠક હતી. સાલ 47થી 52, એ પાંચ વર્ષો એણે રુગ્ણશૈયા (ક્ષય) પર વીતાવ્યાં, પાંચ વરસ એનો સૂર અમારા કાને પડ્યો નહીં.

ત્રેપનની સાલ ઊગી. પુણેમાં કોકે કહ્યું. “કુમાર આવ્યો છે, અર્ધો કલાક ગાવાની રજા મળી છે.”

“હેં, હરવાફરવા લાગ્યો? ચાલો!” કહેતાક એ દિશામાં મેં દોટ મૂકી. ત્રીસચાળીસ જણ હતા. બેચાર જણાનાં ગાન બાદ સ્વારી બે તાનપુરાની વચ્ચે બેઠી. બેસવાની ઢબ એ જ. તાનપુરાનું ગુંજન શરૂ થયું. સામે ઊભરાતા આનંદી સ્નેહીઓ. અને છેલ્લાં પાંચછ વર્ષોથી અમે જે ષડ્જ માટે તલસી રહ્યા હતા તે ષડ્જ લાગ્યો, એ જ તાકાત સાથે. વૃદ્ધ મહેબૂબખાંએ આસપાસનો શિષ્ટ સમાજ શું કહેશે એની પરવા કર્યા વગર પોતાની ખાસ મુસલમાની મરાઠીમાં કહ્યું,

“વાહ! અવો (હો), ચડ્ડીમાં મૂતરવાની ઉંમરનો હતો તિયારથી જ એના પહેલ્લા ‘સા’ની આ જ તાકાત, વો ઙ ઙ ઙ .. જિયો! હમરી ઉંમર લેઈ જાવા! ”

કુમારના મોં પર ક્યાંયે માંદગીના અણસાર નહોતા. એવો પહેલાનો જ ષડ્જ લાગ્યો અને આજ સુધી કોઈએ ન સાંભળેલા એક રાગની ચીજનું અદ્દભુત મુખડું કાને પડ્યું : “મારુજી ભૂલો ના મ્હને.” અસ્તાઈ (ત્રિભાગી ધ્રુપદનો પહેલો ભાગ) ગાઈ લીધા પછી ફરી ચીજના મુખડા પાસે આવતા મારુજીમાંના ‘જી’ પર કોમલ રિષભ પર એ બે સેકંડ રહ્યો હશે પણ જે તાકાતથી કુમારે ઠહેરાવ લીધો એ કોમળ રિષભનું તીર મહેફિલને સોંસરવું ઊતરી ગયું. એ રિષભનો ઘા આજે ય મારા મનમાં લીલો જ છે. કુમારે પછી એ રાગનું નામ ‘સોહની ભટિયાર’ જણાવીને કહ્યું કે છેલ્લાં થોડાં વર્ષોમાં આવા જ કેટલાક નવા રાગ અને નવી ચીજો થઈ છે.

“રાગ થયા છે!” એ શબ્દપ્રયોગ મને મહત્ત્વનો લાગ્યો. જૂનો કુમાર તો તેવો જ હતો પણ એનામાં કશોક અદ્વિતીય રંગ ભળ્યો હતો. મહેફિલ તો એ અર્ધા કલાકની પણ ડૉક્ટરોએ એને ગાવાની મનાઈ ફરમાવી હતી એ માનવામાં ન આવે એવો એ સૂરોનો કસ; સૂરોના લગાવને હજીયે એક આગવું સામર્થ્ય હતું, તાનની મગરૂરી એ જ હતી, સંધાનોનો જોશ* એ જ હતો અને ઉપરથી એ તો ખરું જ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા રાગ થયા છે!

ખાટલો પકડેલા કુમારે સંગીતની મૌન સાધના કરી હતી. એ જીવલેણ બિમારીનું એણે તપસ્યાકાળમાં રૂપાંતર કરી નાંખ્યું હતું. ભાનુમતી દેવાસ(ઇંદોર)ની કન્યાશાળામાં આચાર્યા તરીકે જોડાઈ. રામુભૈયા દાતે, મામા મજમુદાર જેવા મિત્રો એના માટે મરી ફીટતા. ચિંતાગ્રસ્ત વાતાવરણમાંયે કુમારનો ઉલ્લાસ અભૂતપૂર્વ. એ હાલતમાં એ કહેતો, “હવે મને ગાન વળગ્યું છે!” એ ખાટલો બોધિવૃક્ષ તળેનું આસન બની ચૂક્યો હતો. કોક સામાન્ય માણસ તો નિરાશામાં સપડાઈ જાય. પણ કુમારે એ અવસ્થામાં નવી ચીજો બાંધી હતી, મૌન સાધનાથી પાક્કી કરી હતી. એના ‘અનુપરાગવિલાસા’માંની કેટકેટલી ચીજો એને એ ગાળામાં ‘દેખાઈ’ હતી.

આખરે કોકના હાથને જશ મળ્યો અને કુમારે ખાટલો છોડ્યો. રામુભૈયાએ તો ધૂઆબંધ જમણ આપવાનું જ બાકી રાખ્યું હતું.

એ સાંજે એનું ગાન સાંભળી આવ્યા પછી હું અને વસંતરાવ દેશપાંડે મોડી રાત સુધી એ અનુભવાનંદને સ્મરતા ‘હૃષ્યામિ ચ પુનઃ પુનઃ।’ અવસ્થામાં બેઠા હતા.

પછી તો મારે તરતમાં જ ઇંદોર જવાનું થયું અને ત્યાં તો મને આનંદકંદ મળી ગયો. કુમારનું ઘર મેંડકી (દેડકો) રોડ પર. ચોમાસું હતું, મોકો જોઈને એ રસ્તાનું નામ સાર્થક કરનારા દર્દુરાચાર્યનો ખરજમાં ચાલી રહેલો દર્દુરોપનિષદ-ઘોષ સંભળાવ્યો હતો. દવાખાનામાં પડ્યાપડ્યા કુમારે આવા અસંખ્ય નાદ કાનમાં સંઘર્યા હતા. જે લોકગીતોથી તે ખૂબ પ્રભાવિત થયો એ ગીતો પણ આમ બારીમાંથી લહેરાતાં-લહેરાતાં, દિવસના અને રાતના જુદાજુદા પ્રહરે એના કાને પડ્યાં હશે.

(રસગ્રહણ – *સંધાનનો જોશ – કુમારજી બિમારીમાંથી ઊઠ્યા હતા, તેથી બે તાન વચ્ચેનો પૉઝ લીધા પછીનું અનુસંધાન એવું જ જોમદાર હતું, બિમારીએ એ જોમ ઓછું કર્યું નહોતું. – સુધીર યાર્દી)

•

કુમારનું ગાન સાંભળતો બેઠો હોઉં ત્યારે અચૂક મને એક બીજા અનુભવની પણ યાદ આવે જ. ઘણાં વર્ષો પહેલાં જયપુરની મહેલ સમી ખાસા કોઠી નામની હૉટેલમાં હું ઊતરેલો. પહેલે માળે ખાસ્સો મોટો ખંડ, સામે મોટો વરંડો. નીચે છવાયેલી લીલોતરી, તેની પાછળ હારબંધ ઊંચાં વૃક્ષો. પહોંચ્યો એ રાત્રે જ ખૂબ વરસાદ પડ્યો, હવા ઠંડીગાર. સવારે બારણે ટકોરા મારતા મારા સંગાથી મને ઉઠાડી રહ્યા હતા, “દેશપાંડેજી જરા જલ્દી બાહર આ જાઈએ.” હું ઉતાવળે બહાર ગયો. રાતના વરસાદે તો આખી દુનિયા જ બદલી નાંખેલી; વૃક્ષો પાણી પીને ધરાઈ ગયેલાં, લીલોતરીની લીલાશમાં તાજગી આવી હતી અને અહો આશ્ચર્યમ્! સાચે જ, ત્રણ મોર સૂત્રધાર – પારિપાર્શ્વકના વટમાં ઊભા રહીને, પોતાનો પૂરો કલાપ ફેલાવતા મસ્તીથી નાચી રહ્યા હતા. અવાક્ થઈને એ દૃશ્ય જોતાં મારા મનમાં સવાલ ઊઠ્યો : ‘આ તે કયા જન્મના પુણ્યનું ફળ મને મળ્યું છે!’

કુમારના સ્વરોનો કલાપ ફેલાય કે મારી સામે આ જ સવાલ આવીને ઊભો રહે કે આવું સદ્દભાગ્ય મારું તે ક્યાંથી! આવું ધન મારા ખોળામાં પધરાવી ગયેલા કેટકેટલા કલાકારોને યાદ કરવા! ઝોળી છકોછક ભરાયેલી છે. પણ કુમારે મુઠીઓ ભરીને આપેલી સમૃદ્ધ સુવર્ણક્ષણોની તો ગણતરી થાય તેમ નથી.

ચોપનની સાલમાં કુમાર અને ભાનુતાઈ અમારે ત્યાં રહેવા આવ્યાં. આજે જો મને કોઈ દૈવી શક્તિ કહે કે તારી વીતેલી જિંદગીનો એક મહિનો તને પાછો આપું છું : “વરં બ્રુહિ!” તો હું કહીશ, “ભગવાન, મને એ ચોપનની સાલનો એક મહિનો તેવ્વો જ જીવવા પાછો આપો!” ચાળીસપચાસ જણા બેસે એવું અમારું દિવાનખાનું. હાક સંભળાય એટલા અંતરે ભીમસેન રહે, વસંતરાવ દેશપાંડે નજીકમાં જ. રામુભૈયા દાતેનો અડ્ડો પણ પુણેમાં જ હતો. ગોવિંદરાવ ટેંબે (સિદ્ધહસ્ત હાર્મોનિયમવાદક) અને બાલ ગંધર્વ પણ પુણેમાં જ. રોજ સાંજની મહેફિલ. કોઈએ પણ આવવું અને કુમારનું ગાન સાંભળી જવું. ફક્ત આમંત્રણના શિષ્ટાચારીઓને બાદ કરતા સૂરોના સર્વે લોભીઓ ખુલ્લા દિલે પાંચ વાગ્યાથી ભેગા થવા માંડતા. ત્યારની કેટલી વાતો યાદ આવી જાય છે.

એક વાર કુમારે ભૂપનો ખ્યાલ ‘ધ્યાન અબ દીજો’ ગાવાનો શરૂ કરેલો, શ્રોતા એ ભૂપમાં ખોવાઈ ગયેલા અને એકદમ ‘આવો’ કહેતાં કુમાર ભરમહેફિલે ઊભો થઈ ગયો. અમે બધાએ પાછળ ફરીને જોયું તો બારણામાં ગોવિંદરાવ ટેંબે ઊભા હતા. વૃદ્ધાવસ્થાના એ સુંદર પરિપક્વ ફળ જેવું એમનું સુભગ દર્શન અને બેઠકમાં ઊભા થઈને કુમારે કરેલું એમનું અભિવાદન. પછી તો વધુ ને વધુ જામતો ગયેલો ભૂપ. ભૂપ પત્યા પછી ગોવિંદરાવે કહેલું, “પાછલાં સાત જન્મોની તપસ્યા આ જન્મમાં પણ સાંભરી આવે એવી જ વિધાતાએ કાંઈ યોજના કરી રાખી છે ત્યાં શાને-શાને દાદ આપવી?” એ જ મહેફિલમાં ગોવિંદરાવના ભીમપલાસીનું ‘ન ચ પાર નાદનિધિલા.’ પદ ગાતી વખતે ‘બ્રહ્મનાદ નટવી ગાનકલા’માંના ‘બ્રહ્મનાદ’ શબ્દ પર કુમારે ગમકોની અસામાન્ય કરામત કરેલી.

અમારી આ રોજની મહેફિલ રાતના નવદસે પૂરી થતી, પછી જમવાનું અને પછી મધરાત સુધી ગોષ્ટિ. આવી જ રીતે એક વાર મધરાતે અમે સૂતા અને પરોઢિયે જ કુમારે દોડધામ મચાવી મૂકી, “ઊઠો, ઊઠો. તાનપુરા કાઢો, મારવા સંભળાવું.”

“અત્યારમાં મારવા? સાંજનો રાગ!”

“અરે, પરોઢ પણ સંધિકાળ જ છે ને. સાંજનો મારવા ‘હવે રાત આવવાની’ એ ચિંતામાં હોય છે અને આ મારવા જો, ‘પરોઢ ફૂટવાની કેવી ખુશીમાં’ છે તે.”

જિંદગીની એક પરોઢનું સ્વાગત એ ઉલ્લાસી મારવાથી થયું.

આવાં તો કેટકેટલાં ગાન, કેટકેટલા રાગ, કેટકેટલી નવી બંદિશો. બિમારીમાં થયેલી સાધનાની સઘળી સિદ્ધિ કુમારે લોકો સામે રજૂ કરવાની શરૂઆત કરી. આ બંદિશો સંગીતના સંદર્ભે તો મોટી છે જ પણ એમાંની શબ્દરચના પણ ખૂબ જ સુંદર છે. મને કેટલી ય વાર થાય કે કુમાર ગાયક થયો ન હોત તો સારો કવિ જરૂર થયો હોત.

અપરંપાર આનંદની પાછળપાછળ જ આવતી કરુણતા એ એની ચીજમાંથી તાનપુરાના ગંધાર જેવો પ્રગટનારો સૂર છે. એણે આ રચના ‘શોક’ના ઉપનામે કરી છે. પણ ‘શોક’ એ એનું ઉપનામ નથી, એની હૈયામિરાતની એક ભાવવૃત્તિ છે. વસંત દેશપાંડેએ એક વાર કહેલું, “સૂરોને રાગલોભ એવું કશું નથી હોતું, હોય છે તે ફક્ત આર્તતા! એમને અર્થ, ઉલ્લાસ વગેરે આપે છે તે શબ્દ અને લય.” કુમાર પોતાની ચીજમાંથી આનંદ વ્યક્ત કરતોકરતો તરત જ વિરહ તરફ ફંટાય છે.

મિલનની ક્ષણો કરતાં વિરહની ક્ષણોથી જ જિંદગી ભરેલી છે એવી ઉદાત્તકરુણ સભાનતા સંતસાહિત્યમાં ઘણી જોવા મળે છે. તુલસી, મીરા, કબીર એ બધાં કુમારનાં ખૂબ ગમતાં કવિ. આમેય ભાવનાવેગોને કઠોરપણે સંતુલિત રાખનારો કુમાર. પણ કબીરનું ‘ઉધો કરમન કી ગતિ ન્યારી’ ગાતી વખતે મેં એનામાં એકદમ ઊભરો આવેલો જોયો છે. આવા વખતે એનું ગાન કાંક રમ્ય અને મધુર રચના નિહાળતી વખતનો, અતિ ઉત્સુક કરનારો અનુભવ બની રહે છે. ગાન એ કંઠથી માંડવાની કલા ન રહેતા પ્રાણે કરવાની માનસપૂજા બની રહે છે. એ વિરહગીતમાં ન મળનારો પ્રેમી અને અને એને છાજે તેવી પ્રિયતમા આ દુનિયાથી બહુ દૂર જાય છે. કુમારની બાગેશ્રીમાંની એક બહુ સુંદર ચીજ છે : “ટેસુલ બન ફૂલે.” હિંદીમાં પલાશને ટેસૂલ અર્થાત ત્રિશૂલ કહે છે. ઉનાળામાં જેણે માળવાના પલાશવનનો રંગોત્સવ જોયો છે, તેને જ “ટેસુલ બન ફૂલે” આ ત્રણ શબ્દોના ઉદ્દગારમાં શું ધરબાયેલું છે અને એ વિરહિણી શું-શું સૂચવી જાય છે તે સમજાશે. એ કેસૂડાનાં ફૂલનો આસ્વાદ લેનારા એ રસલોભી ભમરાને જોઈને કુમારના ગીતમાંની એ વિજોગણ કહે છે, “અલ્યા રસલોભી, મને આમ પજવીશ નહીં; મારો પિયુ દૂરના દેશે ગયો છે, અહીં મારું મન દાઝી રહ્યું છે અને એક તું છે કે મારી સામે મધભર્યો રસ પીતો ફરી રહ્યો છે.” બાગેશ્રીમાંની એ વ્યાકુળ આજીજી શરૂ થાય કે મને અચૂક સંતસાહિત્યમાંનાં વિરહગીતો યાદ આવી જાય.

આ બધી ચીજો એણે માલવી, વ્રજ, હિંદી બોલીમાં બાંધી છે. ગ્રામીણ બોલીમાં ભાષાનું મુગ્ધ સ્વરૂપ હોય છે. કુમારે ‘બહાર’ રાગમાં બાંધેલી એક ચીજમાં નાયિકા કહે છે, “ઐસો કૈસો આયો રીતા રે! ”– “આવી તે કેવી વસંતઋતુ આવી!” આંબે મ્હૉર નથી, ભમરાનું ગુંજન નથી, ફૂલોના રંગ પણ ખુલ્યા નથી, ફક્ત કોયલની વેદના વધી છે. પણ એનો અર્થ એવો નહીં લેવાનો કે કુમાર જીવનના વિવિધ રંગોમાં રંગાઈને ગાતો નથી. હોળીગીતોમાં એણે પોતાની ચીજો સૂરશબ્દોના અનેક રંગોમાં રંગી છે. ગામઠી રાગમાંની એની ચીજ “કંચન પિચકારી”ના અંતરામાં “અરરર યેહો ડરરર યેહો” પર તાનોની વર્ષા થવા લાગે કે એ આખી મહેફિલને સપ્તસૂરોના સપ્તરંગે રંગી નાંખે. માલકંસમાં “આનંદ મના”માં પિયા મળ્યા પછીની નાયિકાની ખુશીની મારી પાગલ થયેલી અવસ્થાને કુમાર એક વાર દ્રુત એકતાલમાં જમાવવા લાગે કે એ આનંદનર્તન રવીન્દ્રનાથના “વિશ્વનાચેર કેંદ્રે જેમોન છંદ જાગે”નું સ્મરણ થઈ આવે.

વીસ વર્ષ પહેલાંના અને આજના શ્રોતાઓમાં ઘણો ફેર પડ્યો છે. પરંપરાના છીછરા અર્થની બહાર નીકળીને કલાસર્જન કરાનારાઓની જેમ કુમારને પણ સહેવું પડ્યું છે, એટલું જ નહીં ‘એના ગાનથી નવું આનંદોદ્યાન જડ્યાની’ કૃતજ્ઞતાથી આપેલી પહોંચ માટે મારા જેવા શ્રોતાઓને ય બેચાર થપ્પડ પડી છે. એક વાર કુમારના ગાન માટે મેં કહેલું, “ભારતીય સંગીતના ભરાયેલા પાણીને વહેતું કરવા આવેલો આ કલાકાર કોક અવતારકાર્ય કરવા આવેલા મહાપુરુષ જેવો મને લાગે છે.” તો કેટલાક વડીલોએ મને એ બાબતે દોષી ઠરાવેલો, આજે ય ઠરાવે છે. પણ દોષ એમનો નથી. કહે છે કે લોટના દૂધ (ઘેંસ) પર ઉછરેલા અશ્વત્થામાને દુર્યોધને અસલ દૂધ પીવા આપ્યું તો એણે થૂ .. થૂ .. કરતુંક થૂંકી નાંખેલું. આ ટીકા સાંભળીને હું મારે કુમારને સંભળાવું, ‘મુફ્ત હુએ બદનામ તેરે લિયે.’ આવા પ્રસંગે મને ધન્યતા થાય કે મને કોઈ ઘરાનાનું તિલક લાગ્યું નથી. કુમારનું ગાન મારા માટે સંઘરેલો અમૃતકુંભ છે પણ તેથી કાંઈ મલ્લિકાર્જુન મન્સૂરનું ગાન મારા મનનો કબજો લેતું નથી એવું થોડું જ છે? ઍરિઝોનાના ઉજ્જડ રણમાં પથ્થરની શૈયામાં પોઢેલી આળસ મરડીને ઊભી થતી, અદ્દભુત સૌંદર્યથી સજેલી કૅક્ટસની ફૂલરાણી મેં જોઈ છે. પોતાનાં ફૂલોને પથ્થરમાંથી મુકુરિત કરીને દુનિયાને દેખાડી આપીશ એવી ખંત હોવી જોઈએ. જીવલેણ માંદગીમાં પટકાયેલી હાલતમાં ગાનને સમગ્રતયા મનમાં જીવંત રાખીને એ સ્વરપુષ્પો દુનિયાને દેખાડીશ જ એવી ખંતથી ઊઠેલા કુમારને અને એની તપઃસિદ્ધ ગાયકીને પ્રેમ કરવા માટે ય ભાગ્ય જોઈએ.

જે છે એમાં સંતોષ માનનારોઓએ જરૂર માનવો. આત્મસંતોષ જેવું સુખ એકેય નહીં. પણ સંગીતના પરંપરાગત ધનના ભંડાર સમો કુમાર આજે ય મને જ્યારે સંગીતના નવનવાં ક્ષેત્રો શોધવા માટે મથતો દેખાય ત્યારે એ મને જીવનની શોધ કરનારા તત્ત્વજ્ઞાની જેટલો જ મહાન લાગે છે. એણે આઠઆઠ દિવસ તો સંગીતના પૂર્વસૂરિઓએ રચેલી તોડીમાંની ફક્ત ચીજો જ સંભળાવ્યે રાખી છે.

કુમારનાં પ્રેરણાસ્થાનો અનેક છે. આ કલાકાર માછલીઘરની માછલીઓની અવગાહનલીલા એકાગ્રતાથી નિહાળીને એમની ડૂબકીનું સંગીતમાં રૂપાંતર કરે છે. એક સાંજે અમે મહેશ્વરથી પાછા ફરતા હતા. કુમારે મારું ધ્યાન એક વિશાળ પર્વતમાળાની પાછળ દેખાતા સૂર્ય તરફ દોર્યું. અમે ગાડી ઊભી રાખી. સંવેદનશીલ માણસને અંતર્મુખ કરી મૂકનારું એ સુંદર દૃશ્ય જોતાં અમે ઊભા રહ્યા, ચૂપચાપ અને સ્તબ્ધ.

શાંતિનો ભંગ કરતા કુમારે કહ્યું, “ભાઈ, આવી જ એક સૂર્યાસ્તવેળાએ મારી પૂરિયા ધનશ્રીની એક ચીજ થઈ. આ પિક્ચર ધ્યાનમાં રાખ, કલ શામ કો સૂનાયેંગે.” દેવાસની એ બીજી સાંજ અમે ફરી એક વાર પૂરિયાધનશ્રીની એ ચીજમાંથી નિહાળી.

કુમાર ગાવામાં જ નહીં પણ ભાવનાવશ થઈને ય અમસ્તો બેકાબૂ થયો નથી. ઊલટાનો, એ બીજા કરતાં વધુ સહનશીલ. ભાનુમતીનું અકાળે અવસાન થયું ત્યારે અમે જોયું કે ભાવનાઓ તેને માત કરી શકતી નથી. રાતોરાત મુંબઈથી અમે ઇંદોર પહોંચ્યા તો એ આઘાત એણે જે ધીરજથી ખમ્યો છે તે જોઈને અમે હતબુદ્ધ થઈ ગયા. ‘અનુપરાગવિલાસા’ની અર્પણપત્રિકામાં કુમારે લખ્યું છે :

“ભાનુમતીને …

જેણે મારાં દરેક વિચાર અને દરેક કાર્ય પારખી લીધાં અને બીજા કોઈ પાસે જઈને પરખાવી લેવાની જરૂર ક્યારે ય લાગવા દીધી નહીં …

જેણે મારા વિચારો પોતાના કરી જાણ્યા અને પોતાના વિચારોથી મારામાં સાહસ ઊભું કરીને મારા વિચારોને સાકાર કર્યા …

જેના સ્મરણ વિના હું ક્યારે ય કશું જ કરી શકતો નથી …”

જે વલણ અતીવ દુઃખના ટાણે એ જ સુખના ટાણે પણ. મહેફિલ પતે પછી એના પર પ્રશંસાપુષ્પો વેરવામાં આવે પણ કુમાર તો પોતાના પાનતંબાકુવાળા દોસ્તો માટે સોપારી કાતરતો પૂછતો હોય, “અલ્યા, તને ઝીણી કે ટુકડો?” જાણે કે બેચાર કલાકની એ મહેફિલ સાથે એને કાંઈ લાગતું વળગતું જ નહોતું. એની સાથેનો મારો આટલાં વર્ષોનો પરિચય પણ ‘અહાહા, ગુરુજીની કૃપાથી ફલાણા ગામમાં શું ગાન જામ્યું હતું!’ કે ‘ચીરફાડ કરી મૂકી આજે તો મેં!’ આ ભાષા એના મોંએથી ક્યારે ય સાંભળી નથી. અમે જ પૂછીએ, “કુમાર, કાલની મહેફિલ કેવી થઈ? તો, “ગૌડમલ્હાર સંભળાવ્યો, ભજન, ટપ્પા.” બસ આવી વિગત જ સાંભળવા મળે. જાણે કે પહેલેથી જ હારબંધ ઘડી રાખેલી મૂર્તિઓ એ પોતાની ઝોળીમાં લઈ ગયેલો અને ત્યાં જઈને એણે બહાર કાઢીને મૂકી, એટલું જ કામ કર્યું.

કુમારને સાંભળતી વખતે કોકની આ પહેલાં સાંભળેલી ગાયકી સરખી ઘસીમાંજીને આવી છે એવું લાગતું નથી. ભારતીય સંગીતનાં અસંખ્ય અજાણ્યાં સ્થળોનું દર્શન થયાં જેવું લાગે. હાલમાં જ મેં એનો નાયકી કાનડા સાંભળ્યો, નાયકી કાનડાના બધાં જ શાસ્ત્રશુદ્ધ લક્ષણો એમાં હતાં જ પણ એ રાગને એણે શું અદ્દભુત મનોહારિતા આપી હતી! કુમારને સાંભળ્યા પછી કેશવસુતની કવિતા ‘વણખેડી ભોંય’ની જેમ વણખેડી ભોંય શોધનારા નવકવિ, નવચિત્રકારો, નવવાર્તાકારો વિષે કુમારને વધુ આત્મીયતા તેથી જ લાગે છે. એની મહેફિલ ફક્ત શોખીનોની ન રહેતા કલાવિષ્કારને જીવનમાં અગ્રસ્થાન આપનારા નવસર્જનના ઉપાસકોનો મેળાવડો અહીં જામતો. તેથી જ પ્રતિભાશાળી સાહિત્યકારો, સ્થાપત્ય વિશારદો, નવચિત્રકારો, નવ-નાટ્યકારો સાથે એનો ખૂબ નિકટ નાતો રહ્યો છે. મુંબઈ આવે કે જહાંગીર આર્ટ ગૅલેરીમાં એક આંટો જરૂર મારી આવનારો કોઈ ગવૈયો મેં જોયો નથી. તેથી જ એની સાથેની વાતચીતમાં એના મોંએથી ક્યારેક અજાણતા એવો કોક ઉદ્દગાર નીકળી જાય કે આપણે કોક નિષ્ણાત ગાયક સાથે જ નહીં પણ એક મોટી સુજાણ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છીએ. એની અખંડ જાગૃત બુદ્ધિ જેટલું જ એનું એ જ્ઞાતાનું ‘નિહાળવું’ આપણને એક આંચકો આપી જાય છે.

એક વાર આચાર્ય અત્રેએ અમને એમના ઘરે તેડાવેલા. અત્રેએ કહ્યું,

“કુમાર, કાલની તમારી ‘અજબ દુનિયા’ ચીજ અદ્દભુત હતી, કયો રાગ હતો?”

“હમીર.”

“હમીર, એમ? તો મારી બાજુમાં બેઠેલા પેલા ગાયનમાસ્તરે મને તો કલ્યાણ કે એવું કાંઈ કહેલું.” અને અત્રેએ એ બિચારાને મૂરખનો સરદાર કહીને નવાજ્યો.

“એની ભૂલ નથી, અત્રેસાહેબ, એ લોકોને રાગ ફક્ત સામેથી આવે તો જ ખબર પડે. હું કાલે ‘હમીર’નું પ્રોફાઈલ જમાવતો હતો, ઓળખ ભૂલી ગયા એ લોકો.

“વૉટ એ મૅગ્નિફિસિઅન્ટ આઇડિયા!” રાગનું પ્રોફાઈલ.

કુમારે રાગના પ્રોફાઈલ્સ જ નહીં પણ આપણી આધ્યાત્મિક વિચારધારામાં જેને સૂક્ષ્મ દેહ કહી તે પણ જોયા. તેથી જ લોકગીતના સ્વરબીજમાંથી સહેલી તોડી, મધસૂરજા, સંજારી, મઘવા જેવા ધૂનઉગમ રાગોનાં વૃક્ષોને એણે ફૂલતાં-ફાલતાં બતાવ્યાં. ઊછરેલાં ઝાડ તો કોઈ પણ ઓળખી આપે પણ ઉપેક્ષાના ખૂણામાં પડેલા બીજમાંથી કયા અને કેવડા વૃક્ષને ફૂલતુંફાલતું કરી શકાય એ માટે તો કોક અભિજાત અને જ્ઞાતા વનસ્પતિશાસ્ત્રજ્ઞ જ જોઈએ. કુમારને લોકસંગીતના પિંડમાં જડેલા રાગસંગીતનું અપાર બ્રહ્માંડ દેખાયું. લોકસંગીતનાં આ બીજ તેણે ઉછેર્યાં, ફૂલવીફાલવી જાણ્યાં. એ વનમાળા તેણે કંઠમાં ધારણ કરી અને તેમને રાગવૈભવની પ્રાપ્તિ કરાવી આપી.

સામાજિક જીવનની જેમ આપણે ત્યાં સાંગીતિક જીવનમાં ઉંચનીચના વિચારોનું પાલનપોષણ થયું છે. પણ સૂરોમાં રહેલું સૌંદર્ય ક્યાંથી પ્રગટ્યું એના કરતાં કેવું અને કેટલું પ્રગટ્યું એ તરફ કુમારનું વધુ ધ્યાન રહેતું. એક વાર લતાની સિનેમાની એક રેકર્ડ સાંભળતી વખતે એણે મને કહ્યું, “ક્યા બાત હૈ, ભાઈ? તાનપુરામાંથી નીકળતો આ સ્વયંભુ ગંધાર લતાના કંઠેથી શું મુશ્કિલ લાગ્યો છે!” એ ફાલતુ ઉસ્તાદગીરી કરતો નથી. એક કૉન્ફરન્સમાં એનાથી નાની એક ગાયિકા અહંભાવે પોતે સૌથી છેલ્લે જ ગાશે એવી જિદ કરી બેઠી, આમ તો આ બદતમીજી જ કહેવાય. કુમારે આ વાત જાણીને એના ઉતાવળા બોલમાં કહ્યું, “એમાં શું? હું પહેલાં ગાઈ લઈશ.” હાથીને ગલીમાંથી ચાલવાનો વાંધો હોતો નથી, ગલીએ જિદ ન કરવી જોઈએ. એના દેહની સંકડાશને લીધે મનની સંકડાશ પણ દેખાઈ આવવાનું જોખમ હોય છે, એનું એણે ધ્યાન રાખવું રહ્યું. પેલીએ પૂછેલું, “તમે ક્યારે બેસવાના, કુમારજી?” તો “તમે કહો ત્યારે.” એ એનો જવાબ હતો. પોતાના ગાન વખતે પોતાને જોઈતું ગરમ દૂધ ઘરેથી થર્મોસમાં લાવનારો આ કલાકાર, ખરે ટાણે ‘ચા, ચા’ કરીને સેક્રેટરીઓને ઊંચાનીચા કરી મૂકવાની કોઈ ભાંજગડ નહી.

નાનપણમાં બધાંની વચ્ચે ગાઈ બતાવવા માટે એનો કંઠ ફૂટ્યો તે બાલગંધર્વના પદથી! એક વાર આમ જ દેવાસમાં એને ત્યાં તિલકકામોદ ચાલતો હતો, ત્યારે ગંધારની હડપચીને પસવારતા રિષભ લગાડતાં એણે કહ્યું, “ભાઈ, આ બાલગંધર્વનો રિષભ!” એ જાણતો હતો કે બાલગંધર્વ મારું શ્રદ્ધાસ્થાન છે. એનો ભીમપલાસ ધાની અંગે જતો હોય ત્યારે ‘આ બાલગંધર્વનું કૉન્ટ્રીબ્યુશન!’ એવા ઉદ્ગાર નીકળી આવે.

બાલગંધર્વની ગાયકીમાં મોહકતાથી નિવાસ કરનારી અભિજાત સંગીતની મહત્તા તેણે જાણી હતી. ‘નાટ્યગીતો ગાનારા’માં ખપાવીને બાલગંધર્વને અભિજાત સંગીતકારોની હારમાં બેસવાનું સ્થાન મળ્યું નહોતું. એ જ કાંટો કુમારને ખૂંચતો હતો. તેમના પ્રત્યેના અપંરપાર આદરમાંથી એનો ‘મેં જાણેલા બાલગંધર્વ’ નામનો આ કાર્યક્રમ ઊભો થયો.

મને સતત થયા કરતું કે બાલગંધર્વની ગાયકીમાં ભાસ્કરબુવા, અલ્લદિયાખાંહેબ, ગૌહરજાન, મલકાજાન જેવાઓની ગાયકીનો દેખાતો વૈભવ કે પછી —કુમારની જ ભાષામાં કહીએ તો —‘મિનિએચર પેઇન્ટિંગ’માં દેખાય તેવો આવિષ્કાર કુમારે જ એની બેઠકમાં ક્યારેક એકાદું ગીત ગાઈને ખોલીને, વિસ્તારીને બતાવવો જોઈએ. આંધળો માગે એક આંખ અને ભગવાન આપે બે તેમ કુમારનો પત્ર આવ્યો, ઉપરના કાર્યક્રમ વિષે. મુંબઈમાં પહેલો કાર્યક્રમ, અમારે ત્યાં જ દસબાર દિવસ એ રહ્યો. નારાયણરાવ (બાલગંધર્વ)ની એકેકી તાન એણે કેટકેટલી રીતે ખોલી બતાવી હતી. દાદરના શિવાજીમંદિરમાં થયેલા પહેલા કાર્યક્રમમાં પ્રાસ્તાવિક વક્તવ્ય મેં આપેલું. સામે કુમારગંધર્વ અને બાલગંધર્વના ગાનપ્રેમી શ્રોતાઓ બેઠા હતા. જેમને કુમાર ‘એ ગાયકી’ પેશ કરી રહ્યો છે એ સમજાયું તેઓ ખુશ થયા અને જેમને ‘ડિટ્ટો બાલગંધર્વ’થી આગળ કાંઈ દેખાતું નહોતું તેમણે નાકનું ટીચકું ચઢાવ્યું. ખુશખુશ શ્રોતાઓએ વન્સમોર માગ્યો તો સહસા ફર્માઈશને ન ગાંઠનારા કુમારે ફરી એ પદ ગાયું. એ રાતે મેં મજાકમાં પૂછ્યું, “આજે કેમ વન્સમોર લીધો?”

“એ મારો નહોતો, બાલગંધર્વનો હતો”, કુમારે શાંતિથી કહ્યું.

કોઈ પણ કામ કરતી વખતે એ કોઈ કચાશ રાખતો નહીં, એ પદના અક્ષરો માટે જ કબીર, તુલસી, મીરા પાસે જતો નથી. એના ઘરે મેં જે ગ્રંથસંગ્રહ જોયો છે તેવો કોઈ પણ વ્યાવસાયિક ગવૈયાને ત્યાં જોયો નથી. સોલાપુરમાં કન્નડ કવિ બેન્દ્રેના ગૌરવ સન્માનસમારંભમાં કુમારે તુલસીદાસનું ‘મૈં કેહિ કહૌં બિપતિ અતિભારી’ પદ ગાયેલું. ઉનાળો અને ખુલ્લા મેદાનમાં મહેફિલ. મધરાતના પ્રહરે અચાનક વાસંતી વાયરો છૂટ્યો! અને તુલસીદાસનું પેલું અત્યંત વ્યાકુળ ભજન શરૂ થયું, એમાંની ‘મમ હૃદયભવન પ્રભુ તોરા, તહઁ બસે આઈ બહુચોરા’ પંક્તિમાંની તુલસીની અસહાયતા સૂરોની એવી કાંઈ આજીજીભરી વિનવણીમાંથી કુમાર દર્શાવી રહ્યો હતો કે એ ઉદાત્ત વેદનાને ફૂંક મારવા જ પેલા વાસંતી વાયરાની લહેરખી વાઈ હોય તેવું લાગ્યું. ઠેઠ ટપ્પા, ઠુમરી, લોકગીતો, સુગમગીતો જેવા અનેક પ્રકારો મેં એની પાસેથી સાંભળ્યા છે અને દર વખતે એની પ્રતિભાની નિત્યનવીનતાનો અનુભવ મને મળ્યો છે.

ગાયન એ કુમારની જીવનસાધના છે, તેમજ ચરિતાર્થ-સાધના પણ છે. પણ ભલે ને પૂરી બેઠક હોય કે કલાકનું ગાન હોય એની ઉત્કટતામાં જરાયે કચાશ નહીં, સમય ગુપચાવવાનો નહીં કે ટાણું ગમે તેમ વીંટો વાળીને મૂકી દેવાનું નહીં. તેથી જ એનું પાંચ મિનિટનું પદ પણ અભિજાત હોય છે. એના આટલાં વર્ષોના સહવાસમાં મેં ક્યારેય એને અમથો હાયવોય કરતો જોયો નથી કે ક્યારેય ‘બોર’ થયાની ફરિયાદ પણ સાંભળી નથી. એના હાથ તો કોઈને કોઈ કામ કરવામાં રોકાયા જ હોય, કાતરેલી સોપારીની બાટલીઓ ભરી રાખે. એની પિકદાની કોઈ સાફ કરે એ એને જરાયે ચાલે નહી. મુસાફરીનાં બૅગબિસ્તરા તૈયાર રાખે, બેઠકમાં શું-શું ગાવાનું તે મોટા અક્ષરે સ્પષ્ટ લખી રાખે, તાનપુરાના તાર ઘસીને ચકચકતા રાખે એ જ ઉત્સાહથી ચોકડી પણ સાફ કરે, સવારે ઊઠીને બગીચામાંથી થાળી ભરીને ગુલાબ ચૂંટી લાવે. બેસી રહેવું એને સદે જ નહીં. સાથોસાથ પોતાના આરામના સમયપત્રક આડે કોઈને આવવા ન દે. ખાસ મોસમમાં કયા ફળનાં અથાણાં-મુરબ્બા કરવા જોઈએ કે ઠંડાઈ કઈ રીતે પીસવી જેવી રસોડાની નાનીનાની વાતોમાંયે એનું ઝીણવટભર્યું ધ્યાન હોય. રોજનું જમણ પણ પૈસાના વેડફાટની રીતે નહીં પણ સ્વાદિષ્ટ સ્વસ્થ આહારથી આનંદદાયક કાર્યક્રમની જેમ થવું જોઈએ. શરીરે ચઢાવેલો પોશાક પણ સ્વચ્છ અને સુઘડ હોવો જોઈએ એવા સંસ્કારોમાં માનનારો એ. કલાકાર કુમાર, વિચારક કુમાર, મિત્ર કુમાર અને શિક્ષક કુમાર એ એક અખંડ વ્યક્તિત્વ છે.

કુમાર પોતાને માર્ગે જઈ રહ્યો છે; સફળતાથી છક્યો નથી કે દુઃખમાં તે ડગ્યો નથી. એને ઘેરી લીધેલી એ દુષ્ટ માંદગીમાંથી એ ઊભો થયો, ગાવા લાગ્યો, ગાનસૃષ્ટિનો નવાજાયેલો આ ચમત્કાર અને એના સૂરોમાંથી દેખાતો ફેંફસાં માટેનો લગાવ જોઈને એ બાબત અસંખ્ય રોગમાંનો પણ એક ચમત્કાર ગણાય છે.

અને આ અસામાન્ય કલાકાર ક્યાં-ક્યાંથી, કઈ-કઈ અમૂલ્ય ચીજો લાવીને આપણને સંભળાવે છે, આપણને મળે છે, વાતો કરે છે આ વિચાર જ મને ગમે ત્યારે વાતી રહેતી હવાની લહેરખીની જેમ સુખદ લાગતી રહે છે. ધરમકાંટાની બધી કસોટીઓ સ્વીકારીને સ્વરલીલા કરનારા કુમારના વ્યક્તિત્વના વર્ણ માટે રવીન્દ્રનાથની એક પંક્તિ ઉછીની લેવી પડે:

“સીમાર માઝે અસીમ તુમિ બાજાઓ આપન સૂર.” “સીમામાં રહીને તું અસીમ છે, છેડી રહે પોતાનો સૂર.”

કુમારના આ સીમાની પેલે પારની અસીમતાનો જેને સાક્ષાત્કાર થયો છે, એવા હજારો ભારતીય રસિકજનો મનની પાટી કોરી રાખીને કુમારની મહેફિલમાં જતા હોય છે. આ પચાસમી વર્ષગાંઠના અવસરે જ નહીં પણ કુમારનું ગાન સાંભળવા જનારા દરેક દિવસે એમનું મન કુમારની જ બંદિશ ગાતું હોય છે: “મંગલ દિન આજ!” *

(* કુમારજીએ ગાયેલી બંદિશ ‘મંગલ દિન આજ, બના ઘર આયો’ માળવા-લોકસંગીત પર આધારિત રાગ માલવતિ દ્રુતલયમાં છે. આ રાગ તેમજ આ લેખમાં ઉલ્લેખિત મારવા કે ધાની સહિત આખેઆખા કુમારજી યૂ-ટ્યૂબ પર માણવા મળે છે, ઉપરાંત ‘ગ્લોબલમરાઠી ઇન્ડિયન ક્લાસિકલ વૉકલ’ વેબસાઇટ પર પણ.)

***

એ-1, સરગમ ફ્લૅટ્સ, ઈશ્વરભુવન રોડ, નવરંગપુરા, અમદાવાદ – 380 014

e.mail : arunataijadeja@gmail.com

છવિ સૌજન્ય : ઇન્ટરનેટ વિશ્વ

Loading

18 February 2015 admin
← ભાષાનું ગાડું ચાલે છે
કદમોથી પણ વિશેષ થકાવટ હતી ‘મરીઝ’ મંઝિલ ઉપરથી પાછા ફરેલી નિગાહમાં →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved