આ સવાલ શિક્ષણ વિભાગને છે.

રવીન્દ્ર પારેખ
સિનિયર આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે છોટાઉદેપુર જિલ્લાની 6 શાળાઓની મુલાકાત લીધી, તેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના દેખાવથી તેમને ભારે નિરાશા સાંપડી અને તેમણે પ્રાથમિક શિક્ષણ સેક્રેટરી ડો. વિનાયક રાવને સ્પષ્ટ જણાવ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યાં છીએ. તેઓ પેઢી દર પેઢી મજૂરી કરે અને આગળ ન વધે એ આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. બાળકો અને વાલીઓ આપણાં પર વિશ્વાસ મૂકીને આવે તો તેમની સાથે છળ થતું હોય એ સ્થિતિ નિવારવી જોઈએ. 8 વર્ષ બાળક આપણી પાસે રહે અને તેમને સરવાળા-બાદબાકી પણ ન શીખવી શકીએ તે આપણી ઘોર અસમર્થતાનું જ પરિણામ છે.
આદિવાસી બાળકો આગળ ન વધે એવી વ્યવસ્થાની વાતનો જ પડઘો પાડતા હોય તેમ પાટણ જિલ્લાના સવર્ણ શિક્ષકો અંદરોઅંદર વાતો કરતા ઉમેરે છે કે આ લોકો (એટલે કે પછાત જાતિના વિદ્યાર્થીઓ) ભણીને આગળ જશે તો આપણાં ખેતી ને કામ કોણ કરશે?
ખરેખર તો પ્રફુલ્લ પાનસેરિયા, શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્યને માનવ અધિકારના પ્રમુખ હરગોવનજી એલ. ઠાકોરે, પાટણ જિલ્લાના ધોરણ 1થી 8ના શિક્ષકો સામે કડક હાથે કામ લેવાની કરેલી ફરિયાદમાંની આ ચોથી ફરિયાદ છે. બાળકોનું શિક્ષણ, શિક્ષકોની બેદરકારીને લીધે કથળી રહ્યું છે એવો એ 110 નંબરના, 27 જૂન, 2023 ને રોજ લખાયેલા પત્રનો મુખ્ય સૂર છે. ગુજરાતે વર્ગ ભેદ, જાતિ ભેદ, ધર્મ ભેદમાં કરેલો વિકાસ જોતાં લાગે છે કે એવા શિક્ષકો પાસે ન ભણવાથી કદાચ વધુ શિક્ષિત થઈ શકાય એમ છે.
ડો. પટેલે નિર્ભીક્તાથી પ્રાથમિક શિક્ષણની અવદશાનો ચિતાર આપ્યો છે. બને કે તેમણે પૂછ્યું હોય તેનાં ઉત્તરો કેટલાક વિદ્યાર્થીઓને આવડતાં પણ હોય, પણ શિક્ષકો પાસેથી સમાન્ય જ્ઞાનની રાખેલી અપેક્ષાઓમાં પણ તેમને નિરાશા જ હાથ લાગી છે તે સૂચક છે. પ્રવેશોત્સવ દરમિયાન ખાણ ખનિજ વિભાગના કમિશનર ડો. પટેલની પ્રતિક્રિયામાં થોડી આત્યંતિક્તા હોય તો પણ, તે સત્યથી સાવ વેગળી છે એવું કહી શકાશે નહીં. એ હકીકત છે કે પ્રાથમિક શિક્ષણ ઘણા વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન કે સાદી ગણતરી સુધી પણ પહોંચાડી શક્યું નથી. આ સ્થિતિ ગામડાંની જ છે એવું નથી, શહેરી સ્કૂલોમાં પણ આશ્વસ્ત થઈ શકાય એવી સ્થિતિ નથી. એનું સાદું કારણ એ છે કે સરકાર પ્રાથમિક શિક્ષણ પરત્વે બહુ જ ઉદાસીન છે. મફત શિક્ષણને નામે તે વેઠ ઉતારે છે ને તે એટલે ઉતારે છે કે ખાનગી શિક્ષણને ઉત્તેજન મળે. ભણે ગુજરાત, વાંચે ગુજરાત, પ્રવેશોત્સવ જેવા ઘણા તાયફા સરકાર કરે છે, પણ એમાં વાત આપવડાઈથી આગળ જતી નથી. પ્રવેશોત્સવમાં પ્રવેશ તો મોટે ભાગે રાજકારણીઓનો જ થાય છે ને જેમને માટે એ યોજવામાં આવે છે તે તો આ મહાનુભાવોની સરભરામાંથી જ ઊંચા નથી આવતા. આવા ઉપક્રમો દેખાડા સિવાય કોઈ રીતે ઉપકારક નીવડતા નથી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ એ સ્વીકાર્યું છે કે સરહદી વિસ્તારોની શાળાઓમાં ક્ષતિઓ છે ને તે દૂર કરીશું. વાત માત્ર સરહદી શાળાઓની જ નથી, સમગ્ર પ્રાથમિક શિક્ષણને સારગ્રાહી ને સર્વગ્રાહી દૃષ્ટિએ, પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી જોવા-તપાસવાની તાતી જરૂર છે.
પ્રાથમિક શિક્ષણ તુક્કાઓ પર ચાલે છે ને પછી થૂંકીને ચાટવા જેવું થાય છે, તો તેની નાનમ નથી લાગતી. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મોટા ઉપાડે દાખલ કર્યો અને તે રદ્દ કરવો પડ્યો. NCERTએ કેટલા ય પાઠો રદ્દ કર્યા ને એ પાઠો પાછા દાખલ કરવા પડ્યા. 2017થી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી ને પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકોથી કામ લેવું પડ્યું છે. તે બાકી હતું તે હવે જ્ઞાન સહાયકો વીસ હજારને પગારે કોન્ટ્રાક્ટ પર લેવાની વાત છે. પ્રવાસી શિક્ષકો બિનતાલીમી હોય છે ને તેવા તેવાની પણ મંજૂરી મળતી નથી. આ બધા નિર્ણયોમાં ક્યાં ય માનસિક સ્વસ્થતા દેખાય છે? 2017થી ત્રીસેક હજાર શિક્ષકોની ઘટ ચાલી આવે છે તે પૂરી કરવામાં સરકારના હાથ કોણે બાંધ્યા છે તે સમજાતું નથી. જો પ્રવાસી શિક્ષકો મળી રહેતાં હોય, વિદ્યાસહાયકોની જાહેરાતો બહાર પડાતી હોય, તો પેલી ત્રીસેક હજારની મૂળ ઘટ પૂરી કરવામાં શું આડે આવે છે તેનો ખુલાસો થવો જોઈએ. જો શિક્ષણ મંત્રીઓ એકથી વધુ રાખી શકાતા હોય, શિક્ષણ સચિવોની નિમણૂકમાં વાંધો ન આવતો હોય, પૂરા પગારે બીજી નિમણૂકો થતી રહેતી હોય, તો 6-6 વર્ષથી શિક્ષકોની ઘટ પૂરવા પ્રવાસી શિક્ષકો કે જ્ઞાન સહાયકોથી કામ ચલાવવું પડે એનો સંકોચ થવો જોઈએ, પણ થતો નથી.
શિક્ષણ મંત્રીને બદલે પ્રવાસી શિક્ષણ મંત્રી કે જ્ઞાનસહાયક શિક્ષણ મંત્રી કે વિદ્યાસહાયક શિક્ષણ મંત્રી રાખતા નથી, તો શિક્ષકને બદલે પ્રવાસી શિક્ષક કે વિદ્યા કે જ્ઞાન સહાયકને રાખીને સરકાર આંગળાં ચાટીને જ પેટ જ ભરે છે કે બીજું કૈં? ગયે મહિને શિક્ષણ વિભાગ દ્વારા ચિંતન શિબિર થઈ, એમાં નક્કી થયું કે હવે વિદ્યાસહાયકોને બદલે જ્ઞાનસહાયકો રખાશે. કેમ? તો કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ! તો આટલાં વર્ષ વિદ્યાસહાયકોને અવગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાખ્યા હતા? ને કોણે, કઇ સરકારે રાખ્યા હતા? ને હવે જે જ્ઞાનસહાયકો રખાશે તે ગુણવત્તાયુક્ત શિક્ષણ જ આપશે એની ખાતરી સરકારને કઇ રીતે છે તેની કોઈ ખાતરી મળતી નથી. નામ બદલવાથી બધું સુધરી જશે એવા ભ્રમમાં તો સરકાર નથીને? હાલ પ્રાથમિક શાળામાં દસેક હજાર વિદ્યાસહાયકોની ઘટ છે. એમાં ય ઘટ? હદ છેને ! મૂળ શિક્ષકોની ઘટ તો ઊભી જ છે. એને બદલે પ્રવાસી શિક્ષકોથી કામ લેવાયું. હવે એની ય મંજૂરી મળતી નથી. કેમ? તો કે એ તાલીમી શિક્ષકો મળતા નથી. મળતા નથી કે લેવા નથી? બિનતાલીમી શિક્ષકો રાખીને સરકાર જ તાલીમી શિક્ષકોનું માન ઘટાડી રહી છે એવું, નહીં?
મૂળ મુદ્દો કાયમી શિક્ષકોની ભરતી કેમ થતી નથી એ છે. એને બદલે પ્રવાસી ને વિદ્યાસહાયકોથી કામ લેવું પડે છે તો, પ્રશ્ન એ થાય કે કાયમી શિક્ષકો મળતા નથી કે તે ઘટ પૂરવાની સરકારની ઈચ્છા જ નથી? એમને પૂરા પગારે રાખવા પડે કે પેન્શન આપવું પડે એ વાતે સરકાર મૂંઝાય છે કે સમસ્યા બીજી જ છે? જો મંત્રીઓની નિમણૂક થતી હોય, એમને એકથી વધુ પેન્શનની સવલતો આપી શકાતી હોય, તો શિક્ષકોને પૂરા પગારે રાખવાની મૂંઝવણ ન થવી જોઈએ.
એક તરફ નવી શિક્ષણ નીતિની ઠેર ઠેર આરતી ઉતારાતી હોય, તેનાં અનેક લાભો ગણાવાતા હોય તો તે શીખવવા તાલીમી સ્ટાફ જ ન રખાય તો અસરકારક શિક્ષણ આપી શકાય એવું સરકારને કઇ રીતે લાગે છે? બધી કંજૂસાઈ સરકાર પ્રાથમિક શિક્ષણમાં જ કેમ કરે છે? વગર શિક્ષકે નવી શિક્ષણ નીતિનો કોઈ અર્થ રહે ખરો? ગામડાંની ઘણી સ્કૂલો એવી છે જ્યાં એક જ શિક્ષક સ્કૂલ ચલાવે છે. પૂરતા વર્ગ ખંડો ય ન હોય, હોય તો ખંડેરને સારાં કહેવડાવે એવા હોય, શૈક્ષણિક સાધનોનાં અભાવમાં શિક્ષણ ચાલતું હોય, વિદ્યાર્થીને સ્કૂલે આવવા જવાની પૂરતી સગવડો ન હોય ને સરકાર કેબિનમાં બેઠી બેઠી સબ સલામતનો શંખ ફૂંક્યા કરે તેનો અર્થ ખરો? જો સરકાર ખરેખર જ એટલી ગરીબ હોય તો તેણે પ્રાથમિક શિક્ષણની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેવા જોઈએ. જો કે, તેવું તેણે સરકારી સ્કૂલો બંધ કરતાં જઈને અને ખાનગી શિક્ષણને ઉત્તેજન આપીને કરવા પણ માંડ્યું છે.
કાલના જ સમાચાર છે કે ગણદેવી તાલુકાની 99માંથી 6 પ્રાઇમરી સ્કૂલો બંધ થઈ ગઈ છે ને બીજી 5 બંધ થવાની અણીએ છે. જે તાલુકામાં 58 શિક્ષકોની ઘટ હોય, ખાનગી સ્કૂલો વધતી આવતી હોય, સાધન સામગ્રીની અછત હોય, ત્યાં વાલી, કયા આધારે બાળકને સ્કૂલે મોકલશે તે પ્રશ્ન જ છે. જતે દિવસે મફત શિક્ષણ નાબૂદ કરીને સરકાર ખાનગી સંસ્થાઓને ખભે શિક્ષણનો બોજ નાખી દે તો નવાઈ નહીં ! તેને એમ.એલ.એ., સાંસદો, અધિકારીઓ પરવડે છે, એમને પેન્શન ખટાવવાનો વાંધો નથી, પણ શિક્ષકોને કાયમી ધોરણે પૂરો પગાર આપવાનો કે પેન્શન ચૂકવવાનો વાંધો છે. ઓછા સમયમાં શિક્ષક વધુ કમાય છે એવું પણ તેની દાઢમાં છે એટલે તેની પાસેથી બીજું કામ લેવાના પેંતરા પણ ચાલે છે. તેની પાસે રસીકરણ, વસતિગણતરી જેવાં કામો પણ લેવાય છે. આજનો શિક્ષક ડેટા ભરતો ક્લાર્ક થઈ ગયો છે. સરકારને શિક્ષક ભણાવે છે કે નહીં, એની જોડે લેવાદેવા નથી. એને તો પરિપત્રોના જવાબો મળે, આંકડા ભરાઈને આવી જાય કે કામ પૂરું થઈ જાય છે. ડેટા ભરવામાં જ તે એટલો વ્યસ્ત થઈ ગયો છે કે વર્ગમાં જઈને બાળકોને ભણાવવાનો તેને સમય જ નથી રહેતો. એક તરફ ઈતર કામોને લીધે શિક્ષક વર્ગમાં જઇ નથી શકતો તેનો અફસોસ છે તો એવા શિક્ષકો પણ છે જેમણે વર્ષોથી હાથમાં ચોક પકડ્યો નથી. તેને વર્ગ બહારની સેવાનો પગાર લેવાનું ગૌરવ છે. આવા નમૂનાઓ એક તરફ ને બીજી તરફ ભીરુ શિક્ષકો પણ છે. તે નથી તો સરકારને કૈં કહી શકતા કે નથી તો યુનિયન તેની પડખે ઊભું રહેતું. સ્વતંત્ર થયા પછી શિક્ષક, સરકારથી અને યુનિયનથી ડરતો થયો છે. યુનિયનો, પગારની ચિંતા કરે છે એટલી પ્રશ્નોની કરતાં નથી, પણ પ્રાથમિક શિક્ષણ જ નહીં રહે તો યુનિયનો પણ નહીં રહે તે સમજી લેવાનું રહે. આટલાં યુનિયનો છતાં કાયમી ધોરણે શિક્ષકોને રાખવાની સરકારને ફરજ પાડી શકાતી નથી તે દુ:ખદ છે.
લાગે છે એવું કે પ્રાથમિક શિક્ષણ સરકાર પોતાનાં પરથી ઓવારી દેવાં માંગે છે, તેને શિક્ષકોને પગાર ચૂકવવાનું ને વગર ફીએ ભણાવવાનું પરવડતું નથી, પણ, એ ખર્ચ તે લોકોના ટેક્સમાંથી કરે છે. જે પગાર સરકાર પોતે ખાય છે તે પણ લોકોની હોજરીમાંથી આવે છે, તો તે પ્રાથમિક શિક્ષણનું ના’વા કેમ બેઠી છે તે સમજાતું નથી. બીજા લોકો નફાતોટાના દાખલા ગણે તે તો કૈંકે ક્ષમ્ય, આ તો સરકાર પોતે જ ધંધો કરવા બેઠી છે ને તે ય, નફાનો, એને તે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જૂન 2023