Opinion Magazine
Number of visits: 9448939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાકાળમાં કળાની સમીપે : 5 

અમર ભટ્ટ|Opinion - Opinion|27 June 2023

દક્ષિણ ભારતના વિખ્યાત સંગીતકાર ઇલિયારાજાનું વાક્ય છે –

“Music can not only heal, but also hide the pain that you nurse in your everyday life.”

કલાએ મને કોરોનાના સૅકન્ડ વૅવની ભયાનકતા અને કેટલીક ગમતી વ્યક્તિઓ ગુમાવ્યાનું દુઃખ સહન કરવામાં મદદ કરી.

એકાંતવાસના પ્રથમ દસેક દિવસમાં જ મારાથી ચારેક સ્વરાંકનો થઈ ગયાં. કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાથે આ દરમિયાન ફૉન પર વાર્તાલાપ થયો. મેં કહ્યું કે 14 દિવસમાં જાણે કે વધારે પડતાં સ્વરાંકનો થઇ ગયાં તેવું લાગે છે! રાજેન્દ્રભાઈએ કહ્યું કે દાહોદમાં કેટલા ય દિવસો એવા ગયા હતા કે જ્યારે તેમણે રોજની ત્રણ-ચાર ગઝલો લખી હોય. એક વિવેચકે તેમને ચેતવ્યા હતા કે જરા જો જો, ઉતાવળ તો નથી થતી ને? આ ચેતવણી પરથી તેમણે ગઝલ લખી –

“જરા ધીરે, જરા ધીરે વહો શ્વાસ, ઉતાવળ ન કરો

અરે શબ્દનો રસ્તો છે અનાયાસ, ઉતાવળ ન કરો”

મરીઝ સાહેબનો શેર છે –

“ઓ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી

આ ગઝલ છે, કાંઈ એમાં ઝડપથી લખાય ના”

બીજા એક શેરમાં મરીઝ સાહેબ કહે છે –

“શબ્દોના સંગ સંગમાં ચિત્રણની વાત છે,

લખવામાં તો ગઝલની કલા, આસ્તેથી ચાલ”

કોઈ પણ સર્જન ઉતાવળે ન કરવું જોઈએ તે જાણતો હોવા છતાં 14 દિવસમાં આ પાંચમું સ્વરનિયોજન થયું – “ઉતાવળ ન કરો”

( https://youtu.be/QEY2g_ihrsM )

આ સમયમાં એવી પણ પ્રતીતિ થઇ કે કાયદો અને કાવ્યગાન બંનેમાં શબ્દના અર્થઘટનની પ્રક્રિયા છે – એકમાં વાણી-વિચારથી અને બીજામાં સૂરથી. બંને સાથે સંકળાયેલો હોવાથી મનોજ ખંડેરિયાના આ શબ્દો ખૂબ ગમે છે –

“જિંદગી જીવવા શબદ આપી,

કેવી માંગ્યા વગર મદદ આપી”

કાનૂન અને સંગીત બંનેનું અંતિમ ધ્યેય સમાજમાંથી વિસંવાદ દૂર કરી સમાજને સુરીલો બનાવવાનું છે.

બે ફિલ્મ્સ “ધ પૉસ્ટ” અને “માર્શલ” તથા ભારતની સુપ્રીમ કૉર્ટનો સીમાચિહ્નરૂપ કેસ– કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઑફ કેરળ :

તાળાબંધી દરમિયાન ઘણા વકીલોની પરિસ્થિતિ ટીમમાંથી પડતા મૂકાયેલા ક્રિકેટર જેવી હતી. શું કરવું એ પ્રશ્ન મારા જેવા અનેક વકીલોને થયો હતો. એક ખ્યાતનામ ક્રિકેટરને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્યારે તે ભારતની ટીમમાંથી પડતો મૂકાયો હતો ત્યારે તે શું કરતો હતો. તેનો જવાબ ખૂબ સુંદર હતો – “I went back to basics.”

 

મારી જેમ ઘણા વકીલોએ આ ક્રિકેટરના વાક્યને અમલમાં મૂકીને કાયદાના વિષયોના પાયાના સિદ્ધાંતોનું પુનરાવર્તન કરવા જુદા જુદા વિષયો પર યોજાયેલા કેટલાક ઑનલાઇન પરિસંવાદોમાં ભાગ લીધો. એમાં પણ ભારતના

બંધારણને લગતા પરિસંવાદો તો ખૂબ જીવંત બન્યા. આપણા બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે તે યુ.એસ.એ.ના બંધારણ પર આધારિત છે. કોરોનાના દિવસોમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતાના મૂળભૂત અધિકારોને સ્પર્શતી બે ફિલ્મ્સ જોઈ- “ધ પૉસ્ટ” અને “માર્શલ”.

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પિલબર્ગ દ્વારા દિગ્દર્શિત અને સ્વનામધન્ય અદાકારો મેરિલ સ્ટ્રીપ અને ટોમ હેન્કસ દ્વારા અભિનિત ફિલ્મ “ધ પૉસ્ટ” ફર્સ્ટ ઍમેન્ડમેન્ટ દ્વારા રક્ષિત વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર છે – જેમાં પ્રેસનું સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. ફિલ્મનું કથાનક આમ છે – અમેરિકન સરકારની વિયેતનામ યુદ્ધ નીતિને લગતા કેટલાક ગોપનીય દસ્તાવેજો 1971માં વર્તમાનપત્ર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ પાસે પહોંચે છે. તે પ્રકાશિત થાય તો સરકાર ઊઘાડી પડી જાય તેમ છે. તેથી તેનું પ્રકાશન નહીં કરવા સરકાર હુકમ કરે છે. નીચલી અદાલત પ્રકાશન સામે મનાઈહુકમ ફરમાવે છે. કેસ અંતે યુ.એસ.એ.ની સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. બીજા જાણીતા વર્તમાનપત્ર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. જો આ દસ્તાવેજો ‘વૉશિંગ્ટન પોસ્ટ’ છાપે તો વર્તમાનપત્ર પોતાની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરી શકે તેમ છે; પણ તે છાપે તો અદાલતના હુકમના અનાદર બદલ સજા પણ થઇ શકે તેમ છે. એટલે પ્રેસ સ્વાતંત્ર્ય અને જાહેર જનતાના સાચી વાત જાણવાના અધિકારના અમલ માટે સુપ્રીમ કૉર્ટમાં ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ના કેસમાં સાથે ‘વૉશિંગ્ટન પૉસ્ટ’ પણ જોડાય છે. કાયદાના ક્ષેત્ર માટે બહુ મહત્ત્વના પુસ્તક “The Least Dangerous Branch”ના લેખક અને બંધારણીય વિદ્વાન ઍલેક્ઝાન્ડર બિકેલ વર્તમાનપત્રો તરફથી વકીલ તરીકે દલીલો કરે છે. યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ વર્તમાનપત્રોની તરફેણમાં ચુકાદો આપે છે. વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું આમ રક્ષણ થાય છે.

“માર્શલ” ફિલ્મ યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટના પ્રથમ શ્યામ ન્યાયાધીશ થરગૂડ માર્શલની, તે ન્યાયાધીશ બન્યા તે પહેલાંની, વકીલ તરીકેની કારકિર્દી પર છે – ખાસ કરીને શાળાશિક્ષણમાં જાતિભેદ નાબૂદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેસ “બ્રાઉન વિ. બૉર્ડ ઑફ ઍજ્યુકેશન”માં માર્શલની વકીલ તરીકેની ભૂમિકા ઉપર આ ફિલ્મ આધારિત છે. અમેરિકામાં કાળી પ્રજાનાં સંતાનોને માટે અલગ શાળાઓ હતી. કૅન્ટકી નામના રાજ્યમાં ઓલિવર બ્રાઉનની પુત્રીને, તે કાળી હોવાથી, તેની નજીકમાં આવેલી શાળામાં દાખલ કરવાનો શાળા દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો. તેણે કાળા વિદ્યાર્થીઓ માટે અલગ સ્થપાયેલી ને બ્રાઉનના ઘરથી ઘણી દૂર આવેલી શાળામાં જવું પડે તેમ હતું. સમાનતાના અધિકારના રક્ષણ માટે બ્રાઉન દ્વારા કેસ કરવામાં આવ્યો, જે યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચ્યો. બ્રાઉન વતી વકીલ તરીકે થરગૂડ માર્શલે દલીલો કરી હતી. 1954માં આ કેસનો, સમાનતાના અધિકારનું રક્ષણ કરતો, ચુકાદો આવ્યો અને શાળાશિક્ષણમાં જાતિભેદનો અંત આવ્યો. જો કે ઘણાં રાજ્યોએ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. યુ.એસ.એ.ની દક્ષિણમાં આવેલ રાજ્ય આર્કાન્સોના ગવર્નરે આ ચુકાદાનો અમલ કરવાની ધરાર ના પાડી ત્યારે 1957માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રીય સેના મોકલીને યુ.એસ.એ. સુપ્રીમ કૉર્ટના ચુકાદાનો અમલ કરાવ્યો હતો.

ભારતીય સુપ્રીમ કૉર્ટનો એક એવો કેસ, જેના ઉપર આપણે ત્યાં કેમ હજી સુધી કેમ ફિલ્મ બની નથી તેનું મને આશ્ચર્ય છે, તે કેશવાનંદ ભારતીનો કેસ. આ કેસ ઐતિહાસિક, અદ્વિતીય અને અતિખ્યાત છે. ઐતિહાસિક કારણ કે તેમાં આપવામાં આવેલા સિદ્ધાંતને કારણે આપણી લોકશાહી અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થયું; અદ્વિતીય કારણ કે તે સુપ્રીમ કૉર્ટની અત્યાર સુધીમાં બનેલી મોટામાં મોટી (13 ન્યાયાધીશોની) બેન્ચ દ્વારા આપવામાં આવેલો એકમાત્ર અને અત્યાર સુધીમાં સુપ્રીમ કૉર્ટ સમક્ષ ચાલેલા કેસોમાં સૌથી લાંબો સમય (68 દિવસ) ચાલેલો કેસ છે; અતિખ્યાત કારણ કે આ કેસમાં આપવામાં આવેલા સિદ્ધાંતને ઘણા બધા અન્ય દેશોમાં અનુસરવામાં આવે છે. આ કેસમાં ભારતના અત્યંત જાણીતા ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા અરજદાર કેશવાનંદ ભારતી તરફથી વકીલ હતા અને સરકાર તરફથી મુંબઈ સરકારમાં લાંબામાં લાંબો સમય ઍડવોકેટ જનરલ રહી ચૂકેલા બંધારણીય નિષ્ણાત હોમી સીરવાઈ વકીલ હતા. કેસના ચુકાદાને તારીખ 24/4/2023ના દિવસે 50 વર્ષ પૂર્ણ થયાં.

કોરોનાકાળ દરમિયાન કેશવાનંદ ભારતી, જે કેરળમાં આવેલ એડ્નીર મઠના શંકરાચાર્ય હતા તે 6 સપ્ટેમ્બર 2020ના દિવસે અવસાન પામ્યા. 2020 તે નાની પાલખીવાલાનું જન્મશતાબ્દી વર્ષ હતું. આ કેસને અને એમાં પાલખીવાલાએ કરેલ દલીલોને યાદ કરીને કોરોના દરમિયાન અનેક ઓનલાઇન કાર્યક્રમો યોજાયા. કેસમાં મુદ્દો હતો – બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા પર કોઈ મર્યાદા છે કે તે અમર્યાદિત છે અને આવા સુધારાની આડમાં સંસદ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે? 1971માં સંસદે બંધારણમાં કેટલાક સુધારા કર્યા. એમાં 25મો સુધારો એવો હતો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આગળ વધારવા સંસદે કોઈ કાયદો પસાર કર્યો હોય તો તે કાયદો કોઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહીં, ભલે પછી તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરતો હોય. કેશવાનંદ ભારતીએ કેરળના જમીન સુધારણાના કાયદાઓ, જેને લીધે પોતાના મઠની જમીન સરકાર હસ્તક જાય તેમ હતી, તે સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યા. તેની સાથે બંધારણના સુધારાઓને પણ પડકાર્યો. 7 વિરુદ્ધ 6ની બહુમતીથી સુપ્રીમ કૉર્ટે ઠરાવ્યું કે સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, પણ આવી સત્તા નીચે તે બંધારણનું મૂળભૂત માળખું બદલી શકે નહીં.

બંધારણના વિકાસની પ્રક્રિયા રોમાંચક છે. 1965માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આપેલ પ્રવચનમાં જર્મન કાયદાશાસ્ત્રી પ્રૉફેસર ડિટ્રીશ કોનરાડે બંધારણમાં સુધારો કરવા ઉપર ગર્ભિત મર્યાદાઓ છે તેવો સિદ્ધાંત સદૃષ્ટાંત સમજાવેલો. તેમણે કેટલાક કલ્પિત પ્રશ્નો કરેલા –

1. શું સંસદ બંધારણમાં એવો સુધારો કરી શકે કે ભારત દેશ (કે જે અનુચ્છેદ 1 નીચે રાજ્યોનો સંઘ – યુનિયન ઓફ સ્ટૅટ્સ – છે) તે હિન્દ અને તામિલનાડુ એમ બે ભાગમાં વહેંચાયેલો દેશ-ડિવીઝન ઓફ સ્ટૅટ્સ – છે?

2. શું સંસદ બંધારણમાં સુધારો કરીને ભારતને સાર્વભૌમ ગણતંત્રને બદલે રાજાશાહી દેશમાં પરિવર્તિત કરી શકે?

જેમ ગ્રીસના ડેમોસ્થેનિસ કે રોમના સિસેરોની વક્તૃત્વકલા વિષે ઘણું લખાયું છે તેમ પાલખીવાલાની, ખાસ કરીને આ કેસમાં પ્રદર્શિત થયેલી, વાક્ છટા વિષે પણ ઘણું બધું લખાયું છે. બંધારણમાં સુધારો કરવા ઉપર સંસદની ગર્ભિત મર્યાદાઓ હોવાથી સુધારા નીચે બંધારણનું મૂળભૂત માળખું બદલી શકાય નહીં તેવો સિદ્ધાંત સુપ્રીમ કૉર્ટે આ કેસમાં આપ્યો, જે વિશ્વભરમાં બૅઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન તરીકે જાણીતો છે. 13માંથી 11 ન્યાયાધીશોએ અલગ અલગ ચુકાદાઓ આપ્યા. 6 ન્યાયાધીશો સંસદની બંધારણમાં સુધારો કરવાની ગર્ભિત મર્યાદાના પક્ષમાં હતા; અન્ય 6 તેથી વિરુદ્ધનો મત ધરાવતા હતા. છેવટે 13મા ન્યાયમૂર્તિ હંસરાજ ખન્નાનો મત નિર્ણાયક બન્યો અને આમ સંસદની બંધારણ સુધારવાની સત્તા પર અંકુશ આવ્યો. કેસની આગળપાછળની ઘટનાઓ, તેમાંના રમૂજપ્રેરક પ્રસંગો, અદાલતમાં થયેલી ઉગ્ર દલીલો અને સ્વયંસ્ફૂર્ત ઉદ્દભવેલી હળવી ક્ષણો – આ બધું જ એક ઉત્તમ ફિલ્મ માટે કથાવસ્તુ બની શકે તેમ છે.

પછી તો ઘણું બધું બન્યું- ચુકાદો 24/4/1973ના દિવસે આવ્યો. 25/4/1973ના રોજ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સર્વમિત્ર સિક્રી નિવૃત્ત થયા. તેમના પછી વરિષ્ઠતાના ક્રમમાં ન્યાયમૂર્તિ શેલત હોવાથી તે મુખ્ય ન્યાયમૂર્તિ બને તેવો શિરસ્તો હોવા છતાં તેમના અને અન્ય બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ – ગ્રોવર અને હેગડે-ના ચુકાદાઓ સરકાર વિરુદ્ધ હોવાથી તે ત્રણેયની વરિષ્ઠતા બાજુએ મૂકીને સરકારની તરફેણમાં ચુકાદો આપનાર ન્યાયમૂર્તિ એ.એન. રેસાહેબને સરકારે મુખ્ય ન્યાયમૂર્તિ નિયુક્ત કર્યા. પરિણામે શેલત, ગ્રોવર અને હેગડેએ રાજીનામાં આપ્યાં. સરકારની ખૂબ ટીકા થઇ. કેશવાનંદ ભારતી કેસે પણ વિશ્વની સફર ખેડી. બાંગ્લાદેશ, બેલિઝ, કોલંબિયા જેવા દેશોની અદાલતોના ચુકાદાઓમાં આ કેસમાં આપણી સુપ્રીમ કૉર્ટે આપેલ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો;

દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન જેવા દેશોમાં એની નોંધ લેવાઈ, તો મલેશિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા, કેન્યા જેવા દેશોની અદાલતોએ આ કેસનો સંદર્ભ આપીને તેમાંનો નિયમ તે દેશોમાં કેમ લાગુ નથી પડતો તેનાં કારણો આપ્યાં. મારા સદ્દનસીબે ભારતના ભૂતપૂર્વ સોલીસીટર જનરલ અંધ્યારૂજિનાનું, આ કેસના તાદ્રશ વર્ણનનું પુસ્તક આ દિવસોમાં હું વાંચી શક્યો. –

“Kesavananda Bharati Case- the untold struggle for supremacy between the Supreme Court and Parliament” (“કેશવાનંદ ભારતી કેસ – સુપ્રીમ કૉર્ટ અને સંસદ વચ્ચે સર્વોપરિતા અંગેનો વણકહેવાયેલો સંઘર્ષ”)

એક ને એક જ સ્થળે મળિયેં અમે :

સંગીત, ફિલ્મ્સ અને પુસ્તકોમાં 14 દિવસ ક્યાં વીતી ગયા તે ખબર પણ ન પડી. આ દિવસોમાં કોઈ પૂછે કે ક્યાં છો તો એનો જવાબ પણ કવિ રાજેન્દ્ર શુકલના આ શબ્દો ગાઈને આપવાનું ગમતું હતું –

“એક ને એક જ સ્થળે મળિયેં અમે

હોઈએં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે”

તમે પણ આ રચના માણો.

( https://youtu.be/dFd8s7EOgSI )

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જૂન 2023
e.mail : amarbhatt@yahoo.com

Loading

27 June 2023 Vipool Kalyani
← ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ …
સો વર્ષે સોનું →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved