પાલવા બંદરની પૂતળાં પરિષદ
છત્રપતિની છાયામાં મળ્યા પાંચ મહાનુભાવ
સ્થળ : પાલવા બંદર પર છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા નજીકનો બગીચો
દિવસ : ૨૦૧૫ પછીનો કોઈ પણ દિવસ
સમય : મધરાત
સંત્રી : છત્રપતિ શિવાજી મહારાજ યાન્ચા વિજય અસો!
પંચ પુરુષની પધરામણી :
છત્રપતિ : પધારો, પધારો મારી માતૃભૂમિના સપૂતો, પધારો.
(પાંચે જણ ‘માના ચા મુજરા’ કરીને આસન ગ્રહણ કરે છે.)
છત્રપતિ : આપણી આ માયભૂમિને સ્વતંત્ર કરવા માટે આપ સૌએ અનન્ય ભોગ આપ્યો છે એ હું જાણું છું. પણ આજે આપને મોઢે આપની વાત સાંભળવાની અમારી ઇચ્છા છે.
વાસુદેવ બળવંત ફડકે અને ગોપાળકૃષ્ણ ગોખલે
વાસુદેવ બળવંત ફડકે : છત્રપતિનો જય હો! ૧૮૮૦ના જાન્યુઆરીની ત્રીજી તારીખની વહેલી સવારે ઠાણેની જેલની કોટડીમાંથી બહાર કાઢી મારા હાથે-પગે બેડીઓ પહેરાવવામાં આવી. મેં બહાર જોયું તો અધિકારીઓ દોડાદોડી કરતા હતા. થોડી વારે જેલનો અડીખમ દરવાજો ખૂલ્યો અને મને બહાર જેલરની ઓફિસમાં લઈ ગયા. અધિકારીઓએ કાગળ-પત્રોની આપ-લે કરી, સહી-સિક્કા કર્યા. જેલના રજિસ્ટરમાં મારી પણ સહી લીધી. પછી એક અધિકારીએ બંધ કવરમાંથી એક કાગળ કાઢીને વાંચ્યો : ‘મિસ્ટર વાસુદેવ બળવંત ફડકે … કન્વિક્ટેડ ફોર લાઈફ … હેન્ડેડ ઓવર ટુ આર્મી પોલિસ ફોર ટ્રાન્સપોર્ટેશન ટુ એડન સેન્ટ્રલ પ્રિઝન.’ અમારો વરઘોડો પહોંચ્યો ઠાણે સ્ટેશન. ત્યાંથી મઝગાંવ બંદર. તેહરાન નામની આગબોટ પર મને ચડાવી દીધો. લંગર ઊપડ્યું. બેડી પહેરેલા હાથ મહામહેનતે મેં જોડ્યા અને બોલ્યો : ‘હે ભારત માતા! હવે ક્યારે ય ફરી આપનાં દર્શન થવાનાં નથી. એક દિવસ મારી માતૃભૂમિ મુક્ત થશે, મને ખાતરી છે. પણ હવે કિનારો દેખાતો બંધ થવાની તૈયારીમાં છે. મા! તુઝે સલામ!
મંત્રી : મહારાજ! એડન ગયા પછી અભેદ્ય કિલ્લા જેવી જેલમાંથી વાસુદેવરાવ ભાગી શક્યા હતા, પણ થોડા વખતમાં પકડાયા અને ફરી એ જ જેલમાં સિતમની ચક્કીમાં પિસાયા. જેલની હોસ્પિટલમાં જ ૧૮૮૩ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે તેમનો દેહાંત થયો.
છત્રપતિ : પણ એમનો ગુનો શો હતો?
મંત્રી : આપખુદ પરદેશી શાસનનો સશસ્ત્ર વિરોધ.
છત્રપતિ : એમાં ગુનો ક્યાં આવ્યો? આપખુદશાહીનો વિરોધ કરવો એ તો દરેક નાગરિકની ફરજ છે.
મંત્રી : હા મહારાજ. પણ પરદેશીઓ એમ નહોતા માનતા. એટલે વાસુદેવરાવનો ભોગ લીધો. પણ આજે ય આ સ્વાતંત્ર્ય સેનાની મુંબઈમાં હાજર છે, સદેહે નહિ તો પૂતળા રૂપે. લોકો જેને ધોબી તળાવ તરીકે ઓળખે છે તેનું નામ પાડ્યું છે પરમ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફડકે ચોક, અને ત્યાં મૂક્યું છે તેમનું પૂતળું.
છત્રપતિ : આપના જેવા સ્વાતંત્ર્યવીરોથી જ આપણો દેશ ઉજળો છે, વાસુદેવરાવ!
મંત્રી : છત્રપતિ! મોટા મોટા અંગ્રેજ અમલદારો પણ જેમનાથી ડરતા એવા આ છે લોકમાન્ય ટિળક.
ટિળક : સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તે મેળવીને જ જંપીશ. હા, મેં આમ કહ્યું હતું, પણ હું જીવ્યો ત્યાં સુધીમાં એ હક્ક મેળવી ન શક્યો. પણ મેં જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીને જોયા ત્યારે મને ખાતરી થઈ કે આ માણસ તો મારા દેશને આઝાદી અપાવીને જ જંપશે. હા, અમારી વચ્ચે મતભેદો હતા, પણ મનભેદ નહોતો. અંગ્રેજ સરકારે ત્રણ-ત્રણ વખત મારા પર ‘સેડેશન’નો આરોપ મૂકીને કેસ કર્યા. બે વખત સજા થઈ. એક વખત માંડલેની જેલમાં મોકલ્યો. એ વખતે આંદામાનની જેલ જેટલી જ ખરાબ એ જેલ ગણાતી. આ જેલવાસે મારી તબિયતની વાટ લગાડી. ૧૯૧૭માં નાશિકમાં એક ભાષણમાં મેં કહેલું તેમ હું સ્વભાવે યુવાન છું. હા, મારું શરીર વૃદ્ધ થયું હશે, પણ તેની અંદર એક તરુણ જીવે છે. એટલે હું ભલે ગમે તેટલું જીવું, પણ હું ઘરડો થવાનો નથી. કારણ હું જીવ્યો સ્વતંત્રતા માટે. સ્વતંત્રતાને નથી કોઈ હથિયાર કાપી શકતું, નથી તેને અગ્નિ બાળી શકતો, કે નથી એને પાણી ડૂબાડી શકતું. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા હતા મહેમાન બનીને, પણ પછી આપણા દેશના માલિક બની બેઠા. છત્રપતિ! આપણો દેશ આઝાદ થાય એ દિવસ હું જોઈ ન શક્યો.
મંત્રી : છત્રપતિ! ૧૯૨૦ના ઓગસ્ટની પહેલી તારીખે લોકમાન્ય કાળધર્મ પામ્યા. ક્રાફર્ડ માર્કેટ નજીક આવેલા સરદાર ગૃહથી છેક ગિરગાંવ ચોપાટી સુધીની સ્મશાનયાત્રામાં બે લાખ લોકો જોડાયા અને મહાત્મા ગાંધી આખે રસ્તે ઉઘાડે પગે ચાલ્યા. અને હા, બ્રિટિશ સરકારે સુધ્ધાં બધા નિયમ નેવે મૂકીને લોકમાન્યના અંતિમ સંસ્કાર ચોપાટી પર કરવાની પરવાનગી આપેલી. પછીથી એ જગ્યાએ લોકમાન્યનું પૂતળું મૂકાયું.
છત્રપતિ : આજેય જીવે છે લોકમાન્ય, કેટલાયે દેશપ્રેમીઓના હૈયામાં.
મંત્રી : છત્રપતિ! આ છે નામદાર ગોપાલ કૃષ્ણ ગોખલે.
ટિળકને બેઠેલા જોઈ ઘડીભર અચકાય છે.
ટિળક : (ઊભા થઈને) પધારો ગોપાળરાવ.
ગોખલે : છત્રપતિ! આ બાળગંગાધર અને હું સાથે હતા, અને છતાં સાથે નહોતા. અમારું ધ્યેય તો એક જ હતું, માભોમની આઝાદી. પણ ત્યાં સુધી પહોંચવાના અમારા રસ્તા જૂદા હતા. અમે બંને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. અમે બંને ગણિતના અધ્યાપક બન્યા. અમે બંનેએ ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં સાથે કામ કર્યું. ૧૮૯૫માં અમે બંને ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના જોડિયા મંત્રી બન્યા. એ વખતે કાઁગ્રેસમાં બે જૂથ હતાં : જહાલ અને મવાળ. ટિળક જહાલ પક્ષના અગ્રણી, હું મવાળ પક્ષનો. પણ ધીમે ધીમે અમારા વચ્ચેના મતભેદ ઊંડા થતા ગયા. ૧૯૦૭માં સુરતમાં કાઁગ્રેસનું અધિવેશન ભરાયું.
ટિળક : છત્રપતિ! ગોપાળરાવ રાસ બિહારી ઘોષને કાઁન્ગ્રેસના પ્રમુખ બનાવવા માગતા હતા. જ્યારે હું અને મારા સાથીઓ લાલા લજપતરાયને એ સ્થાન મળે એ માટે બનતું બધું કરી છૂટવા માગતા હતા. પણ અધિવેશન માટે બાંધેલા મંડપમાં પથ્થરબાજી થઈ, ખુરસીઓ ફેંકાઈ, લાકડીઓ ઊછળી, ભાગદોડમાં કેટલાય પડ્યા-આખડ્યા. એમના બૂટ-ચંપલ મેદાનમાં જ્યાં જુઓ ત્યાં દેખાતા હતા. પણ છત્રપતિ! એક ક્ષણ હું ક્યારે ય ભૂલી શકું નહિ. મારા વિરોધીઓનું ટોળું મને મારવા માટે સ્ટેજ પર ધસી આવતું હતું. એ જોઈને આ ગોપાળરાવ સ્ટેજ પર આવીને મારી ઢાલ બનીને મારી પડખે ઊભા રહ્યા, અને મારો જીવ બચાવ્યો.
ગોખલે : છત્રપતિ! અમે એકબીજાના હરીફ હતા, દુ:શ્મન નહોતા. અને અમારું સપનું તો એક જ હતું. હિન્દુસ્તાનને સુખી, સમૃદ્ધ, અને સ્વતંત્ર જોવાનું.
મંત્રી : છત્રપતિ! મહાત્મા ગાંધી ગોખલેને પોતાના રાજકીય ગુરુ માનતા. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી તેઓ ગોખલેએ સ્થાપેલ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવાનું વિચારતા હતા. પણ ત્યાં તો ૧૯૧૫ના ફેબ્રુઆરીની ૧૯મીએ ગોખલેજીનું નિધન થયું અને ગાંધીજીએ ‘એકલા ચલો રે’ નો મારગ અપનાવ્યો.
ગોખલે : મોહનદાસ ગાંધી સર્જાયા હતા મહાત્મા ગાંધી બનવા માટે. કોઈ સોસાયટીમાં બંધાય તો એ ગાંધી શાના?
મંત્રી : છત્રપતિ! હવે પધારે છે એક અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી, બંધારણ નિષ્ણાત, સમાજના છેવાડે રહેલા માણસોના નેતા અને ઉધ્ધારક, બાબાસાહેબ આંબેડકર. જેમની અંગત લાઈબ્રેરીમાં પચાસ હજાર કરતાં વધુ પુસ્તકો હોય એવા વિદ્વાન નેતા.
છત્રપતિ : પધારો બાબાસાહેબ!
બાબાસાહેબ આંબેડકર
બાબાસાહેબ : છત્રપતિ! મારી કારકિર્દીની શરૂઆત થઈ મુંબઈમાં. ગવર્નમેન્ટ લો કોલેજનો બે વરસ પ્રિન્સિપાલ રહ્યો. અને મારા ક્ષર દેહનો વિલય થયો તે પણ મુંબઈના વરલીના દરિયા કિનારા નજીક. દેશ-પરદેશમાં ઘણું ભણ્યો, ડિગ્રીઓ મેળવી. દેશના રાજકારણમાં પડ્યો. ચૂંટણીઓ લડ્યો, હાર્યો અને જીત્યો. આઝાદી પછી દેશનું બંધારણ ઘડવામાં નિમિત્ત બન્યો. પણ રાત-દિવસ મને જેમની સતત ચિંતા રહેતી એ તો મારા દલિત બાંધવો અને બહેનોની. પરદેશમાં ભણીગણીને પાછો આવ્યો અને ગાયકવાડી વડોદરાની નોકરીમાં જોડાવાનું આમંત્રણ મળ્યું તે સ્વીકાર્યું. પણ હું દલિત સમાજનો, એટલે ડગલે ને પગલે મારે અપમાન, અન્યાય સહન કરવાં પડ્યાં. પછી મુંબઈની સિડનહામ કૉલેજમાં જોડાયો. તો ત્યાં પાણી પીવા માટે મારો ગ્લાસ અલગ રખાતો હતો, તેને બીજું કોઈ અડતું પણ નહિ. પછી તો પાર્લામેન્ટમાં બેઠો, સેન્ટ્રલ ગવર્ન્મેન્ટનો મિનિસ્ટર થયો. પણ હું સતત વિચારતો હતો કે મારા દલિત બાંધવોને બંધનમુક્ત કઈ રીતે કરવા? ઘણું વાંચ્યા-વિચાર્યા પછી મને જવાબ મળ્યો : હિંદુ ધર્મનો ત્યાગ. આ ધર્મમાં રહીને દલિતો ક્યારે ય હક્ક કે માન-સન્માન નહિ મેળવી શકે એમ મને લાગ્યું. અને મેં બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૬ના ઓક્ટોબરની ૧૪મી તારીખ. નાગપુરમાં મેં અને મારી પત્નીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એ વખતે મારા પાંચ લાખ જેટલા અનુયાયીઓ પણ બૌદ્ધ બન્યા. પછી તો કારવાં આગે બઢતા ગયા. પણ હજી આજે ય મંઝીલ દૂર છે એ હું જાણું છું.
મંત્રી : છત્રપતિ! બાબાસાહેબના અવસાન પછી ૧૯૯૦માં ભારત સરકારે તેમને ‘ભારતરત્ન’ના સર્વોચ્ચ બહુમાનથી નવાજ્યા હતા. અને મુંબઈમાં મંત્રાલય નજીક તેમનું પૂતળું મૂકાયું છે.
છત્રપતિ : આ ‘મંત્રાલય’ એ વળી શું? ત્યાં મંત્ર-તંત્ર થાય છે?
મંત્રી : ના, જી. જ્યાં મારા જેવા મંત્રીઓનું કાર્યાલય આવેલું છે તે મંત્રાલય. પહેલાં સચિવાલય કહેતાં, તેની પહેલાં સેક્રેટરિયેટ.
છત્રપતિ : ઓહો! તો તો ત્યાં રોજેરોજ લોકોનું ભલું થાય તેવાં કામ થતાં હશે. ખરું ને!
મંત્રી (સવાલનો જવાબ આપવાનું ટાળે છે) : હવે પધારે છે હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે.
બાળાસાહેબ ઠાકરે
ઠાકરે : સાષ્ટાંગ દંડવત્ પ્રણામ, છત્રપતિ! આપના ભગવા ઝંડાને આખા મહારાષ્ટ્રમાં ફરકાવવા માટે મેં મારું જીવન હોડમાં મૂક્યું હતું. પણ તે પહેલાં અમારે સંયુક્ત મહારાષ્ટ્ર માટે ખાસ્સી લાંબી ચળવળ ચલાવવી પડી હતી. મારા પક્ષનું નામ શિવ સેના, એટલે કે આપની સેના. ધનુષ બાણ એ અમારું નિશાન. મરાઠી માણુસની આન, બાન, શાન, એ અમારું ધ્યેય. મારી કારકિર્દીની શરૂઆત મેં એક છાપામાં કાર્ટુનિસ્ટ તરીકે કરેલી. અને પછી આખી જિંદગી કાર્ટૂન જેવાઓ સામે લડ્યો.
ફડકે, ટિળક, ગોખલે, આંબેડકર, ઠાકરે : અરે! આપણે બધા પોતપોતાનું સ્થાન છોડીને અહીં છત્રપતિની છાયામાં ભેગા થયા છીએ, પણ મહાત્મા ગાંધી ક્યાં?
મંત્રી : એ તો બેઠા છે જુહુને કિનારે, પલાંઠી વાળીને, મૌન ધારણ કરીને. આંખો બંધ છે એટલે જોતા કશું નથી, પણ જાણે છે બધું જ. ધ્યાનથી સાંભળશો તો ક્યારેક નિસાસા જેવો શબ્દ સંભળાશે : ‘હે રામ!’
છત્રપતિ : આજની આ વિશેષ પરિષદ સંકેલતાં પહેલાં આપણે સૌ સાથે મળીને ગાઈએ :
જય જય મહારાષ્ટ્ર માઝા, ગર્જા મહારાષ્ટ્ર માઝા.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; ૨૪ જૂન 2023)