કર્ણાવતી જો આશાપલ્લીની પશ્ચિમે હતું તો અહમદાબાદ એની ઉત્તરે, સાબરમતીના પૂર્વ કાંઠે હતું. કાળક્રમે આશાપલ્લી, કર્ણાવતી, અહમદાબાદ ત્રણેને પોતાના ઉદરમાં સમાવતું ને આગે બઢતું મહાનગર વળી અમદાવાદ છે

પ્રકાશ ન. શાહ
હમણે હમણે અમદાવાદનાં સત્તાવાર સત્તાવર્તુળો એમ કહેતાં સંભળાયાં છે કે અહમદાબાદનું નામ કર્ણાવતી કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી એ છે કે શહેરને ભારતભરમાં સર્વપ્રથમ એવો જે દરજ્જો ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ તરીકે અપાયો છે એ કર્ણાવતીને નહીં, પણ અહમદશાહે બંધાવેલ બાર દરવાજા વચ્ચેના અહમદાબાદને અપાયો છે. જો હવે નામફેર થાય તો આ દરજ્જો સ્વાભાવિક જ ઘાંચમાં પડે.
આ દલીલમાં બેલાશક વજૂદ તો હોઈ શકે છે. પણ સદરહુ દરજ્જો તો હજુ હમણાંનાં વરસોની વાત છે. આવતે મહિને એને છ વરસ થશે. પણ કર્ણાવતી નામકરણની ભાવનાત્મક માગણી તો દાયકાઓથી હશે – અને 1990માં ભા.જ.પ. હસ્તકના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિધિવત્ ઠરાવ કરીને તે માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારના ગૃહ ખાતાને મોકલી આપી હતી. લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળના આ ખાતાએ તે દરખાસ્ત માન્ય રાખી ન હતી. વચમાં વિજય રૂપાણીના મુખ્ય મંત્રી કાળમાં એક વાત એવી આગળ કરાઈ હતી કે આ માટે તો ગૃહમાં બેતૃતીયાંશ બહુમતીનો નિર્ણય જરૂરી છે. (જો કે, મારી સમજ પ્રમાણે આવી કોઈ સુનિશ્ચિત પ્રક્રિયા નથી.) મતલબ, નામાંતરમાં ખુદ ભા.જ.પ. સરકારની અસંમતિનું કારણ 2017ના હેરિટેજ દરજ્જા પૂર્વેથી છે, અને એ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે નરેન્દ્ર મોદી સહિતના ભા.જ.પી. મુખ્ય મંત્રી કાળમાં થતી રહેલી માગણી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી જનતાજોગ વિધિવત્ કોઈ માહિતી અપાય.
તે સિવાય, શું નડે છે તે આપણને કેવી રીતે સમજાય. ભા.જ.પ. તો માનો કે મોડો ચિત્રમાં આવ્યો. પણ પક્ષપરિવારની માતૃસંસ્થા રૂપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માગણી તો દાયકાઓથી આ રહી છે. પોતાના વ્યવહાર પૂરતી તો ‘કર્ણાવતી’ની એણે છૂટ લીધેલી જ છે. અગાઉ, કરણ ઘેલા પરથી કર્ણાવતી થયાની પોતાની ગેરમાહિતી પણ એણે કર્ણદેવ સોલંકીના નામ સાથે સુધારી લીધેલી છે. ગુજરાત રાજ્ય રચાવાનું હતું એ અરસામાં સાવરકરે હવે તો અમદાવાદનું નામ કર્ણાવતી કરો જ એવું લખ્યું પણ હતું. બને કે આ શહેર સાથે તેઓ વિશેષ ભાવાત્મક સંધાન અનુભવતા હોય, કેમ કે અહીં જ 1937માં એમની અધ્યક્ષતામાં હિંદુ મહાસભાનું અધિવેશન મળ્યું હતું. હિંદમાં એક કરતાં વધુ રાષ્ટ્રો છે; કમ સે કમ હિંદુ અને મુસ્લિમ એ બે રાષ્ટ્રો તો છે જ, એવું એમણે ત્યારે અધ્યક્ષસ્થાનેથી ખાસ કહ્યું હતું. મુસ્લિમ લીગના 1940ના ઠરાવ કરતાં ત્રણ વરસ પહેલાંની આ વાત છે.
જો કે, ખરેખર તો, કર્ણાવતી નામકરણની માંગની પૂંઠે રહેલ તર્કવિવેક તપાસલાયક છે. ઇતિહાસ પ્રમાણે અહમદાબાદ બંધાયું તે કોઈ કર્ણાવતી નગરને તોડીને બંધાયું નથી. આ પંથકમાં મૂળે તો આશા ભીલનું આશાપલ્લી અગર આશાવલ હતું. કર્ણદેવ સોલંકીએ એને હરાવી આશાપલ્લીની પશ્ચિમે કર્ણાવતી નગરી વસાવી હતી. ખરું જોતાં, ત્યારે એ પૂરા કદનું નગર પણ નહોતું. એની હાજરી ને કામગીરી બહુધા લશ્કરી છાવણીની ફરતે ગોઠવાયા જેવી હતી. મૂળે ટાંક રજપૂત અને પોતાને ગુજરાતી તરીકે ઓળખાવી દિલ્હીની હકૂમતને નહીં ગાંઠનાર અહમદશાહનો ચિત્રમાં પ્રવેશ થયો અને ‘જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા.’ કર્ણાવતી જો આશાપલ્લીની પશ્ચિમે હતું તો અહમદાબાદ એની ઉત્તરે, સાબરમતીના પૂર્વ કાંઠે હતું. કાળક્રમે આશાપલ્લી, કર્ણાવતી, અહમદાબાદ ત્રણેને પોતાના ઉદરમાં સમાવતું ને આગે બઢતું મહાનગર વળી અમદાવાદ છે. ભારતીય રેલવેને ધન્યવાદ ઘટે છે કે એણે નાગરી લિપિમાં તેમ જ રોમન લિપિમાં (અંગ્રેજીમાં) અહમદાબાદ લખવા સાથે ગુજરાતીમાં અમદાવાદ પણ લખ્યું છે. ગમે તેમ પણ, અહમદાબાદના કર્ણાવતી નામાંતરની માંગ કેમ્બેના ખંભાત, બ્રોચના ભરુચ કે બરોડાના વડોદરા જેવી સહજસરળ નથી.
માનો કે તમે ઇતિહાસમાં પાછા જઈ મૂળિયાં ફંફોસવા ઈચ્છો છો અને એ ધોરણે નામાંતરની જિકર કરો છો. એ સંજોગોમાં અહમદાબાદે કર્ણાવતી કને અટકવું શા માટે જોઈએ? કર્ણાવતી પૂર્વે આશાપલ્લી હતું. એ નામ સારુ કશો ઉત્સાહ કે આગ્રહ તો ઠીક એક વૈકલ્પિક સૂચન તરીકે નકો નકો ઉલ્લેખ પણ ભાગ્યે જ જોવા મળે છે, એવું કેમ. પ્રજા અને સમાજ તરીકે આપણી ઓળખને સોલંકી રાજવટ માટે છે એટલો પક્ષપાત ભીલ શાસન માટે નથી એમ માનવું?
જેમ સમાજમાનસનો આ સવાલ છે તેમ રાજકીય અભિગમ બલકે પૂર્વગ્રહ અને પૂર્વાગ્રહનોયે હોઈ શકે છે. ઐતિહાસિક સાંસ્થાનિક કારણોસર ગયા સૈકામાં આપણે હિંદુ અને મુસ્લિમ એવા બે અલગ રાજકીય વિભાવ (પોલિટિકલ કન્સ્ટ્રક્ટ) પર ભાર મૂકતા થયા છીએ અને 1947ના ભાગલા પછી પણ નવા વિભાજનની ધાર સુધી ધસી જઈએ એવીયે આશંકા રહે છે. અત્યારની ચર્ચામાં આ મુદ્દો દૂરાકૃષ્ટ લાગી શકે અને એમાં ન જઈએ. પણ અલગ રાજકીય વિભાવનું જે વલણ બન્યું છે તેથી આપણને કદાચ સાવરકર-ઝીણા સંલક્ષણ(સિન્ડ્રોમ)ની કળ વળતી નથી.
સમજ અને સંવેદનાનું નાળચું કથિત રાષ્ટ્રમાં ગંઠાયા વિના સભ્યતાના સુવિશાળ રંગપટ ભણી વળે તો કંઈક વાત બને. દેખીતો સુક્કો ટાટ પણ એનો એક રસ્તો નાગરિકતાની બંધારણીય વ્યાખ્યાને વશ વર્તી સિવિક અગર કોન્સ્ટિટ્યુશનલ નેશનલિઝમનો અભિગમ અપનાવવાનો છે. તે સાથે, જેમ જેમ ‘હેરિટેજ સિટી’ અગર એવાં બીજાં આલંબનો સાથે સ્થાનિક ને પ્રાદેશિક ઇતિહાસ ઝંકૃત થતો ચાલે તેમ તેમ ‘મેગા નેરેટિવ’નો મોહ ઘટતો ચાલે અને ઓજ અલબત્ત વધે.
દરમ્યાન, હમણાં તો, એક ગુર્જર ભારતવાસીને નાતે આનંદ અમદાવાદી હોવાનો!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 જૂન 2023