સ્ટેશન
જાણે આકુળ-વ્યાકુળ મન.
‘ચાઈ’ ‘પેપર’ ‘ઠંડા’ નોખેનોખી આદત પાડે બૂમો
અવાજ સૂનો.
કોઈ ટાઈમાં આવે
મેલો હાથ કોઈ લંબાવે
કોઈ પેપર વાંચે
ગાડીનો કોઈ ટાઈમ જાંચે
કોઈ ઝોકા ખાતો
ઝબકીને કોઈ જાગી જાતો
કોઈ દોડે કોઈ ચાલે
કોઈ એકલ કોઈ સાથે
સર્વેની આંખોમાં ડોકાતી લોકલ
લોકલમાં ડોકાતું છલ
છલ તો સીધુંસાદું
માણસને વ્યક્તિ કરવાનો જાદુ.
જડ થઈને ઠરતો માણસ
તોય ગતિમાં સરતો માણસ
આગળ માણસ
પાછળ માણસ
જ્યાં જુઓ દેખાય માણસ
નોખા રૂપે પેખાય માણસ :
નાનો ધક્કો મોટો ધક્કો
સાચો ધક્કો ખોટો ધક્કો
ઊભો ધક્કો બેઠો ધક્કો
ખિસ્સામાં પણ પેઠો ધક્કો
એકલ ધક્કો દોકલ ધક્કો
ટોળારૂપે કલકલ ધક્કો
આંખો થઈને ભટકે ધક્કો
સ્ટેશન આવે છટકે ધક્કો.
સ્ટેશન
જાણે મન વિનાનું તન.
–
(‘ભીતર’ પદ્યનવલમાંથી)
e.mail : umlomjs@gmail.com