કાઠિયાવાડ રાજકીય પરિષદથી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ એક જુદી જ દાસ્તાં છે: પ્રજાસત્તાક સ્વરાજની રીતે, આ ઇતિહાસસ્મૃતિ ધ્રુવતારક છે, અને કદાચ એક દુ:ખતી રગ પણ!
હમણાં થોડા દિવસ પર એક સાંજે સહસા વીજસંચાર શો અનુભવ થયો : સંવેદનસિક્ત એટલા જ ઘેરા ને ઘુંટાયેલ અવાજે મેઘાણીની પંક્તિઓ વહી આવતી હતી –
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદાં મસાણેથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી!

વજુભાઈ શાહ
રચનાનું પોતાનું કૌવત, એમાં વળી અપીલનું દૈવત; કેમ કે એ રેકોર્ડેડ કંઠ સ્વતંત્રતાસેનાની ને રચનાત્મક રાજકારણી વજુભાઈ શાહનો હતો. ‘રાજકારણી’ એ પ્રયોગ તો કરતાં કર્યો, પણ એ તો સ્વરાજકારણી એવી જે વિલુપ્તપ્રાય પ્રજાતિ, તે માંહેલા હતા.
અવસર હતો વજુભાઈના ભાઈ કાન્તિલાલ શાહ(1911-1993)નાં પચીસથી પણ વધુ પુસ્તકો, એક કાળે જેની બબ્બે પાંચ પાંચ આવૃત્તિ થઈ હશે તે ખાસા અંતરાલ પછી ફેર રમતાં મૂકવાનો. વજુભાઈ-કાન્તિભાઈના ભાઈઓ બાબુભાઈ ને અનુભાઈ પણ સ્વતંત્રતાની રેશમદોરે સ્નેહ, સાહસ ને સમજે ભર્યાંભર્યાં પુસ્તકોના પ્રકાશનમાં ગયા: સંસ્કાર સાહિત્ય મંદિર મારફતે જુલે વર્ન (મૂળશંકર મો. ભટ્ટ) વિક્ટર હ્યુગો, તોલ્સ્તોય ઊતરી આવ્યા, તો ઘરઆંગણે નાનાભાઈ ભટ્ટની આત્મકથા અને દર્શકની નવલકથાઓ પણ. હવે આટલે વરસે તે પૈકી કાન્તિભાઈનાં પુસ્તકો ગૂર્જર ગ્રંથરત્નના સૌહાર્દે આપણી પાસે આવે છે.

મોહનલાલ મહેતા ‘સોપાન’
એક જુદી જ હવા, જુદો જ માહોલ હતો જે તે સાંજે વજુભાઈના કંઠે મેઘાણીની પંક્તિઓ થકી ચાલ્યો આવ્યો હતો. આ લખું છું ત્યારે સાંભરે છે કે વજુભાઈ ગયા, 1983માં, ત્યારે હું જયાબહેનને મોંએ થવા ગયો હતો. ઘરમાં સ્વજનસહજ હાજરી મનુભાઈ પંચોળીની હતી. બીજા પણ એક વડીલ હતા જેમને હું ઓળખી શક્યો નહોતો. ‘આ મોહનભાઈ’, દર્શકે કહ્યું, ‘અમારા યુદ્ધકવિ.’ મને ઝબકારો થયો કે આ તો મોહનલાલ મહેતા, સોપાન. ‘જન્મભૂમિ’ ને ‘અખંડ આનંદ’ના પૂર્વતંત્રી. પણ એ યુદ્ધકવિ? 1930માં ધોલેરામાં સૌરાષ્ટ્રની જે તરુણાઈ ઊતરી આવી, એની વચ્ચે આપણા આ ભાવિ પત્રકાર ને નવલકથાકાર યુદ્ધકવિ તરીકે પ્રકાશતા હતા.
તમે કાઠિયાવાડ કહો કે સૌરાષ્ટ્ર, એની રગોમાં રક્તની શી જરૂર, ધિંગાણાં જે વહે! લડતનો જે ઇડિયમ અમૃતલાલ શેઠ ફેઈમ ધોલેરા-રાણપુર મંડળીએ કે સૌરાષ્ટ્ર સ્કૂલે પકડ્યો તે બિલકુલ જુદ્ધનો અને જુદ્ધનો જ હતો. ધોલેરા છાવણીની લોક (લડત) વિદ્યાપીઠમાંથી જે ‘સ્નાતકો’ બહાર પડ્યા એમનામાં ઉત્તરોત્તર આવેલ બદલાવ દર્શકે એમની વાંચનકળામાં સરસ સંભાર્યો છે :

મનુભાઈ પંચોળી ‘દર્શક’
‘વાંકાનેરની બંધુ હિતવર્ધક સમાજની લાઈબ્રેરીમાં ‘નવજીવન’ આવતું. અને તેના અચૂક વાંચનારા પણ હતા તે હું જોતો, પણ મેં વાંચ્યું નહોતું. ‘સૌરાષ્ટ્ર’ના વાંચનમાંથી પૂરતો કેફ મળી રહેતો.
‘પણ લડતની છાવણીમાં મેં જોયું કે કાકાસાહેબ ને કિશોરલાલભાઈ મોટા આગેવાનોના માર્ગદર્શક હતા. ત્યાં મારા હાથમાં ‘કાકાના લેખો’ આવ્યા. ગામડાંમાં રખડતાં રખડતાં કોઈક ઝાડ નીચે, કોઈક નદીના ઢોળાવ પર કે છાવણીના એકાંત ખૂણે મેં એ બંને ભાગો વળી વળીને વાંચ્યા. વિચાર, ભાષા ને શૈલીનો એક અનુપમ યોગ તેમાં અનુભવ્યો … જીવનનું વ્યાપક, પવિત્ર ને સૂત્રબદ્ધ-સંવાદી સ્વરૂપ નીરખ્યું.
‘દેશી રજવાડાં અંગેની ગાંધીજીની કાર્યરીતિ તે વખતના સૌરાષ્ટ્ર-મંડળને ગમતી નહીં; તેવી જ રીતે ગાંધીજીના બીજા કેટલાક વિચારો પણ તેમને ગળે નહીં ઊતર્યા હોય, એટલે અમને સૌરાષ્ટ્રના યુવક વર્ગને ગાંધીજી આ દેશી રજવાડાંની દૃષ્ટિએ મોળા લાગતા અને જવાહરલાલ ક્રાંતિકારી ભાસતા …’
જોવાનું એ છે કે આ ધોલેરા સ્નાતકો જે નીતરી ગાંધીસમજે આગળ જતાં નાંગર્યા એમાંથી નવું સાહિત્ય આવ્યું, જરૂર આવ્યું; પણ તે સાથે એમાં સ્વતંત્રતા સંગ્રામની જે ક્રાંતિકારી ધારા હતી તેનીયે સમાદરપૂર્વકની સ્વીકૃતિ હતી. કાન્તિભાઈની કલમે ‘તમને ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા, ભગતસિંહ જેવાં સંખ્યાબંધ ચરિત્રો મળશે, અને તે પણ આજથી દાયકાઓ પહેલાં. સાબરમતી જેલના સહકેદી મારફતે એમણે કામાગાટામારુની કથા કેટલી વહેલી ગુજરાતવગી કરી હતી!
અહીં કોઈ તપસીલનો કે સમગ્ર ગ્રંથસૃષ્ટિના અવલોકનનો ખયાલ અલબત્ત નથી. પણ એક વિગત ખાસ ને ખસૂસ નોંધવી જોઈએ. 1943માં બંગાળના ભીષણ દુષ્કાળનું અહેવાલલેખન એમણે ચહીને કર્યું હતું. ઉમાશંકરની પેઠે પદ્મ સન્માન નકારનાર ‘મેઈન સ્ટ્રીમ’કાર નિખિલ ચક્રવર્તી પાસે સાંભળ્યું છે કે આ માનવસર્જિત દુષ્કાળ એમને ન્યાયી સમાજ સારુ જીવવા ને ઝૂઝવાની દીક્ષા આપી હતી. કાન્તિભાઈની કલમે ઊતરી આવેલ ‘હરતાં-ફરતાં હાડપિંજરો વચ્ચે’ કાકાસાહેબની પ્રસ્તાવના સાથે પ્રગટ થયેલું છે. ગુજરાતી પત્રકારત્વનાં બસો વરસના ઇતિહાસમાં દેખીતાં નાનાં પણ નોંધપાત્ર આવાં થાનકો ક્યારેક તો કોઈકે સંભારવાં રહેશે.
સ્વરાજ પછી આપણા આ લેખક-પત્રકાર તમને જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે નશાબંધીની સારસંભાળ રાખનાર લેખે અગર પંચાયતી રાજના બડકમદાર તરીકે પણ જોવા મળે એવાં એમનાં કદ અને કાઠી, છતે અસ્થમે, હતાં.
ફરીથી કહું કે તેજછાયાનું આ ટાંચણ કોઈ વ્યક્તિ કે કોઈ પુસ્તક વિશે નહીં એટલે તેને મિષેમિષે છે. સ્વરાજસૈનિક હોવું તે ક્યારેક કેવું હરફન મૌલા શું હોઈ શકતું હતું તેના એક નિદર્શન તરીકે મેં આ ધોલેરા સ્નાતક આસપાસ કેટલીક વાત કરી છે.
આવા અનેક અનેક કર્મશીલ અક્ષરસેવીઓ કે લડવૈયા કાર્યકરોમાંથી બની આવેલી એક કાળની ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ’ અને તે પછી ‘સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ’ સ્વતંત્ર અભ્યાસવિષય છે. રાજ અને લોક વચ્ચેની આબાદ જોડકડી, એ ઢેબરભાઈનો રાજવટ અને સૌરસની ક્યારેક હોઈ શકતી જુગલબંદી એક જુદી જ દાસ્તાં છે. પ્રજાસત્તાક સ્વરાજની રીતે, આ ઇતિહાસસ્મૃતિ ધ્રુવતારક છે, અને દુ:ખતી રગ પણ!
તે ઢળતી સાંજે, પડતી રાતે સૌ વિખેરાતાં હતાં ને દિલમાં ગૂંજતું હતું – તારા નામમાં, ઓ સ્વતંત્રતા …
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 જૂન 2023