Opinion Magazine
Number of visits: 9446638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અવગતે ગયેલ લાઇબ્રેરિયન કે બુક-સેલર’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|13 June 2023

સંજય ભાવે

જેટલાં પુસ્તકો હું જોઉં છું, જેટલાં પુસ્તકો વિશે વાંચું છું, જેટલાં પુસ્તકો વિશે વાત કરું છું, એટલાં પ્રત્યક્ષ પુસ્તકો હું વાંચતો હોતો નથી. ઘણાં બધાં પુસ્તકોનાં હું ઉમળકાભેર નામ-ઠામ આપી શકું, તેમના વિશે ટૂંકી વાત કરી શકું; પણ તેમના વિશે કોઈ ઊંડા ઊતરવાનું કહે તો આપણી વિકેટ પડી જાય. હું નિષ્ઠાવાન, પણ મારા પોતાના ધોરણો મુજબ, નિષ્ફળ શિક્ષક છું એમ સાફ સમજથી કહી શકું છું; તેવી જ સાફ સમજથી હું એમ પણ માનું છું કે હું સક્રિય અને સફળ ગ્રંથપાલ કે ગ્રંથવિક્રેતા – લાઇબ્રેરિયન કે બુકસેલર – બની શક્યો હોત. પચાસ વર્ષ પુસ્તકો સાથે અને પાંત્રીસ વર્ષ કૉલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે વીતાવ્યાં પછી હું પાકા પાયે માનું છું કે પુસ્તકો વિશેની માહિતી અને તેના વિશેના ઉમળકાની બાબતમાં હું અવગતે ગયેલો ગ્રંથપાલ અથવા તો અવગતે ગયેલો ગ્રંથવિક્રેતા છું. એટલે અહીં વાત માણસની છે કે જે જાણે છે કે તે વાચક તરીકે સાવ નજીવું વાંચે છે, તે પ્રત્યક્ષ અને પુસ્તકો થકી કેટલાંક પ્રકાંડ વાચકોને મળતો રહ્યો છે; અને મનોમન તે પુસ્તકોની વચ્ચે જ વસતો રહ્યો છે – બુકસેલર કે લાઇબ્રેરિયનની જેમ.

મારું વાચન આછું અને ઓછું છે, પણ પુસ્તકો માટેનો મારો પ્રેમાદર અસલ છે. મારી દૃષ્ટિએ દુનિયામાં માણસ પછી બીજા ક્રમે કુદરત છે અને તે પછી પુસ્તક આવે છે. પુસ્તક માટે ચોપડી શબ્દ – મારું ઉજળિયાતપણું હડસેલી મૂક્યા પછી પણ – મને પસંદ નથી. પણ તે શબ્દપ્રયોગને નહીં નકારવાનું, નહીં વખોડવાનું ખુલ્લાપણું પણ મને પુસ્તકોએ જ આપ્યું છે. કોઈ કાળે ભાષામાં સ્થાન પામી શકે એટલું સત્ત્વ જો મારા શબ્દોમાં હોય તો ત્રણ શબ્દો વહેતા મૂકવાનું મને ગમે : માણસ પરથી માણસાઈની જેમ પુસ્તક પરથી પુસ્તકાઈ, મનુષ્ય પરથી મનુષ્યત્વની જેમ પુસ્તક પરથી પુસ્તકત્વ, ઇન્સાન પરથી ઇન્સાનિયતની જેમ કિતાબ પરથી કિતાબિયત.

ચાર ભાષાઓનાં પુસ્તકો વાંચી શકતો હોવાની બાબતમાં હું ખૂબ નસીબદાર છું. હું જે કંઇ થોડુંઘણું વાંચું છું તેમાં સહુથી વધુ પ્રમાણ ગુજરાતી વાચનનું છે. એ મારી પહેલી ભાષા first  language છે. ત્યાર પછીના ક્રમે હું વ્યવસાય-ભાષા અંગ્રેજી વાંચું છું. માતૃભાષા મરાઠી  ત્રીજા ક્રમે અને ત્યારબાદ દેશની ભાષા આવે છે. વાંચવાની શરૂઆત મરાઠીમાં થઇ કારણ કે મારું કૌટુંબિક ઘડતર મૂળ પૂનાના અસલ મરાઠી પરિવારમાં અને ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ મરાઠીમાં થયું. બાળમંદિર અને પહેલું ધોરણ પૂનાની ‘નવીન મરાઠી શાળા’માં અને બીજું અને ત્રીજું અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની મ્યુનિસિપલ મરાઠી શાળા નંબર-૪માં કર્યું. ચોથા ધોરણથી દસમા સુધી સિવિલ હોસ્પિટલ પાસેની શારદા શિક્ષણ તીર્થ અને ઘીકાંટાની ધ ન્યૂ હાઇસ્કૂલમાં ભણ્યો. અગિયારમા-બારમામાં સી.એન. વિદ્યાવિહારમાં હતો.

સાતમા-આઠમામાં આવ્યો ત્યાં સુધી અભ્યાસ સિવાયનું વાચન ગુજરાતીમાં ન હતું. ગુજરાતી નહીં જાણનાર મારા પિતાજી – જેમને અમે ‘ભાઉ’ કહીએ છીએ તે – ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ ઉપરાંત મરાઠી અખબાર ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ ઘરે મગાવતા. ભાઉ ‘ઇસરો’માં સાયન્ટિસ્ટ તરીકે ત્રીસેક વર્ષ કામ કરીને એક મહત્ત્વના ટેકનિકલ વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા. ભાઉ મારી પાસે અંગ્રેજી છાપું વંચાવતા, તેમાંથી શબ્દો, ઉચ્ચાર અને વાક્યરચના સમજાવતા. મુખ્ય સમાચાર અને ચર્ચાપત્રો વંચાવતા. મારા ભાઉ પોતાના કોઇ પણ દાવા વિના સારા વાચક હતા. તેમનાં વૈવિધ્યપૂર્ણ વાચનમાં છાપાં, સામયિકો, મરાઠી-અંગ્રેજી પુસ્તકો અને તેમના વિષયનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમની ઑફિસના સમૃદ્ધ ગ્રંથાલય થકી તેમણે નોકરીનાં બધાં વર્ષો દરમિયાન સજ્જતા જાળવી રાખી હતી. મારી સમજના વિકાસની ઘણી બાબતોમાં ભાઉનો ફાળો મહત્ત્વનો છે. તેમાં આ અંગ્રેજી છાપાંનું વાચન પણ આવે છે. મરાઠી છાપું એ વર્ષોનાં રસ-સમજ મુજબ ઘણું વાંચતો. મારે ત્યાં ‘ચાંદામામા’ની મરાઠી આવૃત્તિ અને સુંદર મરાઠી માસિક ‘કિશોર’ આવતાં. નવા અંકની હું આતુરતાથી રાહ જોતો અને આવે કે તરત જ વાંચી પાડતો. ‘કિશોર’ના અંકો વર્ષો સુધી સાચવી રાખ્યા હતા. ઉપરોક્ત વાચનને કારણે મને ચાર બાબતોમાં ખૂબ ફાયદો થયો : શબ્દ ભંડોળ, અભિવ્યક્તિ, માહિતી અને આજુબાજુની દુનિયાની સમજ. તદુપરાંત સારું સામયિક કેવું હોય તેનો ખ્યાલ અભાનપણે બંધાતો ગયો. મુદ્રિત માધ્યમોના મારા રસનો પાયો બાળપણના છાપાં- સામયિકોના વાચનમાં છે. ગુજરાતી વાચન કેવી રીતે શરૂ થયું અને વધ્યું તેનો બહુ સ્પષ્ટ આલેખ મનમાં ઊભો થતો નથી.

***

મારું વાચન મુખ્યત્વે ત્રણ હેતુઓથી થયું છે. એક, અંગ્રેજી ભાષા સાહિત્ય ભણવા-ભણાવવા માટે. આ વાચન ઍકેડેમિક છે. તે અભ્યાસક્રમની મર્યાદામાં રહીને મારી વિદ્યાર્થી તરીકેની અને વિદ્યાર્થીઓના અધ્યાપક તરીકેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરેલું છે. એના કરતાં વધુ અંગ્રેજી સાહિત્ય મેં વાંચ્યું નથી અને વાંચ્યું હોવાની છાપ ઉપજાવવાની કોશિશ કરી નથી. વાચનનો બીજો હેતુ નૈમિતિક છે. કોઇ વિષય પર સામયિકમાં લેખ લખવા અથવા વ્યાખ્યાન આપવાં (જે હું ટાળું છું) જરૂરી વાચન કરતો રહ્યો છું. स्वाध्यायात प्रवचनाभ्यात न प्रमदितव्यम  એમ હું માનું છું એટલે મારી ક્ષમતા મુજબની તૈયારી વિના હું લેખન કે પ્રવચન કરતો નથી. એવું કોઈ કરે એ મને ગમતું ય નથી.

મારા વાચનનો ત્રીજો હેતુ – જે મારા માટે સહુથી વધુ મહત્ત્વનો છે તે – આનંદ મેળવવાનો. આ આનંદ મને શેમાંથી મળે અને ન મળે તે સાવ અણધાર્યું હોય છે. જેમ કે, ક્રિકેટ મૅચનો મારો રસ ચાળીસ વર્ષથી ઊડી ગયો છે, પણ રામચન્દ્ર ગુહાના A corner of Foreign Field: The Indian History of a British Sportમાં મને જબરો રસ પડે છે. હિંદી વાંચવાનો મને મહાવરો નથી, એટલે કંટાળો આવે છે (તેનો મને રંજ પણ છે), પણ પ્રેમચંદ મને ગમે છે. મને ગણિતની બીક લાગે છે, પણ ગુજરાતી સામયિક ‘સુગણિતમ્’નાં પચીસેક વર્ષોના અંકોમાંથી હું હેમખેમ પસાર થયો છું. મુનશી અને દોસ્તોયવ્સ્કીમાં મને રસ નથી પડ્યો, પણ રસેલનાં ત્રણ પુસ્તકો ગમ્યાં છે. અમદાવાદનું એકેય તળાવ મેં સરખું જોયું નથી, પણ અનુપમ મિશ્રાનું आज भी खरे हैं तालाब મારું એક પ્રિય પુસ્તક છે.

ઇતિહાસ, શિક્ષણ, સામાજિક ચળવળો, popular science અથવા લોકવિજ્ઞાન, સ્ત્રીજીવન, જેન્ડર સ્ટડીઝ, પત્રકારત્વ, હાસ્યવિનોદ, વૃક્ષો, પ્રાણીઓ, વ્યંગચિત્રો, ચિત્રકળા વગેરે પરનાં થોડાં-થોડાં મરાઠી-અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો મેં વસાવ્યાં છે. અરધાંપરધાં વાંચ્યા છે.

અલબત્ત, મારું વાચન આનંદ અને સભાનતાના મારા પૂરતાં રોમાંચક કિરણો પામવા માટે છે. હકીકતો ભેગી કરવી, સંશોધન કરવું, જ્ઞાનથી સજ્જ થવું જેવા હેતુઓથી હું વાંચતો નથી. પુસ્તક વાચનના આ બધા હેતુઓ છે જ, અને તે સિદ્ધ કરવા માટે જે વાંચતા હોય તેમની લીટી હું નાની કરવા માગતો નથી. જો કે પુસ્તકોનાં નામ આપ્યાં કરીને બીજાને પ્રભાવિત કરવાં, વાંચેલા કે વસાવેલાં પુસ્તકોની સંખ્યાનો સ્વ-સ્થાપન માટે ઉપયોગ કરવો, બેઠકખંડને ખાસ પુસ્તકો માટે બનાવડાવેલી કાચના બારણાંવાળી અલમારીથી સજાવવા જેવી વૃત્તિ-પ્રવૃત્તિઓ મને રમૂજી લાગે છે. કેટલાં પુસ્તકો વાંચીને મને આનંદ મળ્યો તેની સંખ્યામાં વાત કરવી એ મને વરસાદના કેટલાં ટીપાંથી હું ભીંજાયો એનો હિસાબ માંડવા જેવી લાગે છે. આ આનંદ વિષયની નવીનતાનો, લખનારની અભિવ્યક્તિનો, સૌંદર્ય માણવાનો, વાર્તાતત્ત્વનો, કંઈક નવું જાણ્યું હોવાનો, કોઈક દુરિતને છાપેલાં પાને મુખોમુખ થવાનો, મનુષ્યત્વની સિદ્ધિનો, ખુશીથી કે ગમથે આંસુ સારવાનો, ‘આહા .. શું લખ્યું છે…!!!’ એવું બોલી ઊઠવાનો …. અને આવી અનેકાનેક બાબતોનો હોય છે.

પુસ્તકનો આનંદ અને રોમાંચ માણ્યા પછી પુસ્તકની સ્મૃતિ અને તેના સંસ્કાર મારા પર રહે છે. મારી લાગણી અને મારા વિચારો પરની પુસ્તકની અસર રહે છે. પણ બીજું ઘણું ભુલાઈ જાય છે. મારા પૂરતો આનંદ માણ્યા પછી મને પુસ્તક વિશે વિગતે બોલવામાં કે લખવામાં કેટલીક વખત સ્વાર્થભર્યો કંટાળો આવે છે. ક્યારેક મેં વાંચેલાં કોઈ પુસ્તક વિશે કોઈ વિદ્યાર્થી કે વક્તા પાસેથી કે કોઈ લેખમાંથી કંઈક ચમકદાર જાણવા મળે ત્યારે પળવાર આપણે સાવ સાધારણ હોવાનો અહેસાસ થઈ આવે છે. અમીષ કે દેવદત્ત પટનાયક જેવા ટ્રેન્ડી લેખકના પુસ્તકો વિશે યુવા વાચકો પૂછે ત્યારે ‘ના, નથી વાંચ્યાં’ એમ કહેવાનું થાય. આવા લેખકોને વાંચવાની કોશિશ નિષ્ફળ નીવડી, કંઈ જામે નહીં, પણ શું નથી જામતું એ સમજાવવાની મારી ક્ષમતા પણ નહીં. જો કે, રમેશ ઓઝા, ચંદુ મહેરિયા, સુનીતા નારાયણ, યુવલ નોહા હરારી, સૂરજ યેંગડે જેવા લેખકો કે મરાઠી ‘સાધના’ કે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ન વંચાય એ ન પોષાય.

*****

પુસ્તકોનો સહવાસ પામવાની મારી એક મનગમતી જગ્યા એટલે ગ્રંથાલય. પુસ્તકભંડારની જેમ જ ગ્રંથાલયમાં પણ પુસ્તકો સન્મુખ નમ્રભાવે ઊભા રહેવું, તેમને સ્પર્શવું, પાનાં ફેરવવાં, વિષયોથી અચંબો અનુભવવો, પ્રકાશન વિગતો જોવી એ મારી મનગમતી પ્રવૃત્તિ છે. જાહેર ગ્રંથાલય – the public library – ગુજરાતમાં, અને ધારી શકાય કે, આખા દેશનું અત્યંત ઉપેક્ષિત ઘટક છે તે બાબત મને ઘણી કઠે છે. દેશના વિકાસમાં પબ્લિક લાઈબ્રેરી અને લૅબોરેટરિઝનો બહુ મોટો ફાળો છે એ હકીકત આપણા શાસકો અને આપણો સમાજ પકડી શકતો નથી. આ સમજ મારામાં ધીમે ધીમે અને તદ્દન નિષ્ક્રિય રીતે વિકસતી રહી છે.

ગ્રંથાલય મને ગમવા-ભમવા જેવી જગ્યા લાગી તે પણ મારા ભાઉને કારણે. ખરેખર તો તે શાળાના કોઇ શિક્ષક થકી આમ બનવું જોઈતું હતું. અમદાવાદમાં બ્રિટિશ લાઇબ્રેરીની શરૂઆતના સભ્યોમાં મારા ભાઉ હતા. એ વખતે તે લાઇબ્રેરી હતી અને બિઝનેસ સેન્ટર નહીં. વિનય કર્ણિક જેવા નિષ્ઠાવાન ગ્રંથપાલ હતા. અત્યારે તો ગ્રંથપાલ એ ગૌરવશાળી પદની જગ્યાએ ‘મૅનેજર’ હોય છે, એમ જાણવા મળે છે. એંશીના દાયકાના એ વર્ષોમાં બ્રિટિશ લાઇબ્રેરીનું સભ્યપદ મેળવવા પ્રતીક્ષા-યાદી (વેઇટિંગ લિસ્ટ) રહેતી. ભાઉ મને તેમની સાથે લઇ જતા. હું આઠમા-નવમા ધોરણમાં હોઇશ. બ્રિટિશ લાઇબ્રેરીનાં પુસ્તકો અને માહોલ મને ગમતાં. અલબત્ત, અંગ્રેજી પુસ્તકોનું વાંચન નહિવત્ હતું. ભાઉ એક પુસ્તક મારા માટે લેતા. તે વખતે એ ગ્રંથાલયમાં બાળકિશોર સાહિત્ય ન મળતું એટલે ભાઉ મને સહેલાં પડે તેવાં કથાસાહિત્ય(ફિક્શન)ના પુસ્તકો પસંદ કરતા. તે હું સમય-સંજોગો અને રસ મુજબ વાંચતો કે છોડી દેતો. તે અંગે ભાઉ કંઇ કહેતા નહીં, પણ મારું શબ્દભંડોળ વધવામાં છાપાની જેમ એ પુસ્તકો એ પણ ઠીક મદદ રહી.

કૉલેજના પહેલાં વર્ષમાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ લીધો. મધ્યમ વર્ગના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આ કૉલેજના માહોલથી આવતા કલ્ચરલ શૉક કે લઘુતાગ્રંથિનો અનુભવ મને ઓછો થયો. તેનું કારણ એ કે બારમા ધોરણ સુધીમાં ચાર ભાષાના પુસ્તકો, છાપાં અને સામયિકોનું મારું વાચન અને મારી સભાનતા (awareness) જે મારી સાથે ભણતાં ઘણાંબધાં સાચા અને કહેવાતા અંગ્રેજી માધ્યમના, કૉન્વેન્ટ એજ્યુકેટેડ છોકરા-છોકરીઓ કરતાં વધારે હતાં. અંગ્રેજી બોલવામાં આત્મવિશ્વાસનો અભાવ અત્યારે છે તેના કરતા અનેક ઘણો વધુ હતો. પણ મારા અધ્યાપકોએ મારું હિર પારખ્યું અને મારા વાચન-લેખનને સંકોર્યું. મને એ સમજાયું કે આપણે સારું વાંચતા રહીએ; વર્ગમાં, પરીક્ષાના પેપરમાં, ચાના ગલ્લે સિગરેટ પીતાં, ભાઇબંધો બહેનપણીઓના ગ્રુપમાં વાચનની વાત કરીએ; લેખકો-પુસ્તકોનાં નામ ફટકારીએ તો આપણી સામે નબીરા નમ્ર બને, નોટ્સ માટે ગુંડા ગરદન ઝૂકાવે, માતબર માનુનીઓ આપણી સામે જોઈને મલકાય…! પુસ્તકો એટલે knowledge is power એવી માન્યતા વિદ્યાર્થી કાળ અને અધ્યાપનના આરંભના વર્ષોમાં જળવાઈ. વહેતાં સમયની સાથે વિદ્યાક્ષેત્ર અને દેશવર્તમાનની વાસ્તવિકતા સામે આવતી ગઈ, અને સમજાતું ગયું કે Power તો જ્ઞાનના વિરોધમાં છે !

નિરંજન ભગત

સારા અભ્યાસ માટે સંદર્ભ પુસ્તકોની જરૂરિયાત ધ્યાનમાં આવતી ગઈ. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી મેં અંગ્રેજી સાથે બી.એ. કર્યું. ત્યાં મારા આદરણીય અધ્યાપકો સર્વશ્રી નિરંજન ભગત, સુગુણાબહેન રામનાથન્‌ અને સરવર શેરી-ચંડના વર્ગોમાં વિદ્વતા અને જ્ઞાન કોને કહેવાય તે સમજાતું ગયું. ત્યારબાદ એમ.એ.માં દિગીશ મહેતા અને અમીના અમીન મારા પ્રિય અધ્યાપકો હતાં. આ બધાંનો જ્ઞાનવૈભવ પુસ્તકો થકી છે એમ મનમાં રોપાતું ગયું. આ અધ્યાપકો એવું સરસ ભણાવતાં કે વિષયમાં ઊંડા ઊતરવાનું ગમતું. એટલે કોલેજના વિષયોના અભ્યાસમાં સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરતો થયો. તેના માટે મારી કૉલેજના ગ્રંથાલય ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી, બ્રિટિશ લાઇબ્રેરી અને અમદાવાદ સુધરાઈના માણેકલાલ જેઠાલાલ (એમ.જે.) ગ્રંથાલયનું સભ્યપદ મેળવ્યું. અધ્યાપકોએ ઉલ્લેખેલાં, ટાંકેલાં, બતાવેલાં પુસ્તકો મનમાં રમતાં. પુસ્તકો શોધવા માટે કલાકો સુધી લાઇબ્રેરીમાં કૅટલોગ જોતાં, ઘોડા અને કબાટો વચ્ચે કલાકો સુધી ઘૂમતાં, ખાનાં ખૂંદતાં, ધૂળ ખાતાં હું જાણે ભાન ભૂલી જતો. કાર્ડમાંથી નંબર મેળવીને પુસ્તક સુધી પહોંચતા આતુરતાથી દિલની ધડકન વધી જતી. એક પુસ્તક શોધતાં શોધતાં કંઈ ને કંઈ રત્નો હાથ લાગી જતાં. આ કાર્ડ કૅટલોગ દ્વારા પુસ્તકો શોધવાના રોમાન્સ વિશે જ્યારે લાઇબ્રેરી એન્ડ ઇન્ફૉર્મેશન સાયન્સ એકેડેમીમાં રામચન્દ્ર ગુહાએ આપેલું ‘A lifetime of foraging through libraries, archives for information’ વ્યાખ્યાન યુટ્યૂબ પર સાંભળ્યું ત્યારે એમાં જાણે મારી જ વાત થતી હોય એમ લાગ્યું.

કોઈ પણ ગ્રંથાલયની બે ટિકિટો મળતી, એટલે એક જમાનામાં તો હું એમ.જે.માં મારી ટિકિટ ઉપરાંત મારાં આઇ-ભાઉની ટિકિટો પણ વાપરતો. છતાં ય ઓછી પડતી. સાયકલના હેન્ડલની બંને બાજુએ ને કૅરિયર પર થેલીઓમાં પુસ્તકો લાવતો. કેટલાંક વંચાતાં કેટલાક નહીં, દંડ પણ ચડતો. વળી, અકરાંતિયાપણું એવું કે ટિકિટ ન હોય ને ખાસ પુસ્તક મળે તો પુસ્તકને દૂરના ખાનામાં અકલ્પ્ય જગ્યાએ સંતાડવામાં નિપુણતા મેળવી, અને મારા જેવા બીજાએ સંતાડેલાં શોધવામાં પણ માહેર થયો. વાચન સામગ્રી એકઠી કરવામાં ઝાઝી ઝેરોક્ષ પોષાય નહીં. એટલે બને એટલું હાથથી લખી લેવું પડતું. છાપેલું દોઢ પાનું જોઇતું હોય તો એક પાનું ઝેરોક્ષ ક્ઢાવીને બાકીનું અડધું હાથથી લખીને પૈસા બચાવવાના. કોઇ સંબંધી ઑફિસ કે કંપનીના મશીન પર મફત કૉપી કાઢી આપતા હોય તો તેમને વિનંતીઓ કરવાની.

બ્રિટિશ લાઇબ્રેરી સિવાયના અનેક ગ્રંથાલયોમાં ગ્રંથપાલથી માંડીને દ્વારપાલ સુધી બધાંના વર્તનમાં અજ્ઞાન, આળસ, અકોણાઈ, ઉદ્ધતાઈ, આડોડાઈ, અનાસ્થા, અકળામણ, અસંહકાર સિવાય કશું જોવા મળ્યું નથી. અહિંસાના પાયે રચાયેલ ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં પણ આ જ જોવા-અનુભવવા મળ્યું. જો કે, ગુજરાત સાહિત્ય પરિષદના ગ્રંથાલયનો અનુભવ ગ્રંથવિદ્ પ્રકાશ વેગડ અને મદદનીશ ગંગારામ વાઘેલાને કારણે સારો રહ્યો. ગ્રંથાલયોમાં અપવાદે થતાં સારા અનુભવો પર વર્ષો પહેલાં ગ્રંથપાલ દિન નિમિત્તે મેં ‘નિરીક્ષક’માં લેખ પણ લખ્યો હતો.

અલબત્ત, પચીસેક વર્ષથી સહુથી વધુ ઉપયોગ તો મારી શ્રી એચ.કે.આર્ટ્સ કૉલેજના ગ્રંથાલયનો કરું છું. તે એટલું સમૃદ્ધ છે કે મારે બીજાં કોઈ ગ્રંથાલયની ભાગ્યે જ જરૂર પડે છે. મને એચ.કે. કૉલેજનો નિમણૂક પત્ર ૧૯૯૬ના માર્ચમાં મળ્યો. તે પછી કેટલા ય દિવસો સુધી હું દરરોજ બે-ત્રણ કલાક એક પછી એક કબાટનાં પુસ્તકો કાઢીને જોવામાં વીતાવતો. ગ્રંથપાલ તોરલબહેન પટેલ નજીકના મિત્ર હોવા છતાં જેમની અજોડ નિષ્ઠાની પ્રશંસા કરવી અનિવાર્ય ગણાય. તેમણે ગ્રંથાલય ખૂબ સાચવ્યું છે. મારું તો તે વૈકુંઠ છે. આ વૈકુંઠને દુરિતના ઓછાયાથી દૂર રાખવા ગ્રંથપાલ મથામણ કર્યાં કરે છે. 

મારા ભાઉ અને જ્ઞાનમાર્ગી અધ્યાપકો પછી મારા વાચન પર પ્રભાવ પાડનાર મહત્ત્વની વ્યક્તિ એટલે મહેન્દ્રભાઇ મેઘાણી. તેમના સંપર્કમાં ૧૯૯૬માં આવ્યો. તેમનાં જીવનકાર્યને નજીકથી જોયું. તેનો અભ્યાસ કર્યો. તેનાથી પુસ્તક, લેખન અને વાચન તરફ જવાનો મારો દૃષ્ટિકોણ ઘણો બદલાયો, મારી તે અંગેની સમજમાં ઉમેરો થયો. વ્યક્તિ અને સમાજના પરિવર્તનના માધ્યમ તરીકે પુસ્તકોનું મહત્ત્વ મને નક્કર રીતે સમજાયું. સંપાદન અને પ્રકાશન દ્વારા રસપ્રદ તેમ જ મૂલ્યલક્ષી વાચનસામગ્રી સામાન્ય વાચક સુધી પહોંચાડવાનું મહેન્દ્રભાઈનું કામ લગભગ લોકોત્તર છે. બીજાના ખપમાં આવવાનો, ઘસાઇને ઉજળા થવાનો બીજો દાખલો. વાચનની દુનિયાના સંદર્ભે તો, મહેન્દ્રભાઇ સિવાય બીજો નથી એમ હું માનું છું.

*****

વારંવાર પુસ્તકો ખરીદવાં ઘણાં વર્ષો સુધી મારા ઘરમાં પોષાય તેવું ન હતું. જો કે, આઠમા-નવમામાં આવ્યો ત્યાં સુધી વાર્ષિક પરીક્ષામાં સારા ગુણ માટેના ઇનામ તરીકે ભાઉ, માસી અને કાકા થોડાં પુસ્તકો કે તે માટેના પૈસા આપતાં. એ વર્ષોમાં ઉનાળાની બધી રજાઓ વતન પૂનામાં વીતતી. એટલે ત્યાંથી મરાઠી બાળ-પુસ્તકો ઘરમાં આવતાં, બીજાં મળે ત્યાં સુધી તે જ વાંચ્યા કરતો. આમાં ખાસ તો દેશ-વિદેશની વાર્તાનાં પુસ્તકો જ હતાં. સામયિકોના અંકો પણ પુસ્તકોની જેમ સાચવતો.

પુસ્તકો મેળવવા માટેના સ્થાન તરીકે ગ્રંથાલયનો ઘણો ઉપયોગ કરવાનો હોય તેવો કોઈ ખાસ ખ્યાલ કૉલેજમાં આવ્યો ત્યાં સુધી ન હતો. કોઈએ તે આપ્યો પણ ન હતો. એટલે પુસ્તકો જોઇતાં હોય તો તે ખરીદવાં પડે એમ થતું. અમદાવાદના પુસ્તકભંડારો બહુ મોડા જોયા. પહેલાં કેટલાં ય વર્ષો પૂનાની પુસ્તકોની દુકાનોમાં જતો. અત્યારે ય પૂનાની ‘અક્ષરધારા’ અને ‘પુસ્તક પેઠ’ નામની દુકાનો સરસ લાગે છે. સમાજવાદી ‘સાધના’ પરિવારના ‘મીડિયા સેન્ટર’માં પુસ્તકોની પસંદગી અને ગોઠવણ એવી છે કે જાણે આ દુકાન આપણા માટે જ બની હોય ! સહુથી પ્રિય પુસ્તકભંડાર એટલે અમદાવાદનો ‘ગ્રંથાગાર’, અત્યારે ‘ગ્રંથવિહાર’. અહીં ગ્રંથગુરુ નાનક મેઘાણી અને હંસાબહેન એવો અનુભવ કરાવે કે જાણે તેમણે દુકાન વાચકને પુસ્તકોની દુનિયાની વિનામૂલ્યે સેવાભાવે સેર કરાવવા માટે જ ચાલુ કરી હોય ! ‘ક્રોસવર્ડ’માં ક્યારેક જઉં ખરો, પણ પુસ્તક-પસંદગી, રીતરસમ અને માહોલની રીતે પુસ્તકોના મૉલ લાગે છે. ભાવનગરમાં ‘લોકમિલાપ’ પુસ્તકભંડાર પુણ્યના વેપારથી રળિયાત હતો અને એ જ સંસ્કારનગરીમાં આવેલ ‘પ્રસાર’ રુચિવૈવિધ્યથી રળિયામણો હતો. આ બંને પુસ્તકભંડારો અને તેમના સર્જકોએ વિદાય લીધી ને જાણે ગુજરાતમાં પુસ્તકનો સતયુગ આથમણે જવાની શરૂઆત થઈ. 

પુસ્તકમેળામાં દિવસો સુધી મ્હાલવું ગમે. ભૂખ-તરસ ભૂલાઇ જાય, પગની કઢી થઇ જાય તો ય ધરવ ન થાય. સારી રીતિનીતિથી યોજાતા પુસ્તકમેળામાં ખરેખર મેળાનો રંગ-ઉમંગ, મિરાત અને મજા હોય છે. અમદાવાદમાં પહેલાં સરસ પુસ્તકમેળા માણ્યા છે. તેમાંના ઘણાનું આયોજન સદગત રતિલાલ ન. શાહ લગભગ એકલપંડે કરતા એ જાણ્યું ત્યારથી તે મારા મનમાં હંમેશાં માટે વંદનીય સ્થાને છે. તેમના વિશે મંજરી મેઘાણીએ ‘પરબ'(એપ્રિલ ૧૯૯૯)માં અને જિતેન્દ્ર દેસાઇએ ‘જેઓ કંઇક મૂકી ગયા’ પુસ્તકમાં લખ્યું છે.

ભાવનગરમાં ‘લોકમિલાપ’નો પુસ્તકમેળો પુસ્તક ગ્રાહકોના હૃદયભાવ અને આયોજકોના સદ્દભાવથી છલકાતો હોય છે. પૂનામાં પુસ્તકમેળાઓમાં મરાઠી ભાષાનાં પુસ્તકોના વિષયવ્યાપ, પ્રકાશન સમૃદ્ધિ અને મરાઠી વાચકોનો પુસ્તક ખરીદીનો નિર્દેશ મળે છે. દિલ્હીના પ્રગતિ મેદાનનો વિશ્વપુસ્તકમેળો અત્યારના જમાનામાં પણ પુસ્તકોનું સ્થાન કેવું ઉન્નત છે તેની ખાતરી કરાવે છે. તેમાં જો કે હમણાં માર્ચના પહેલાં અઠવાડિયામાં જમણેરી સંગઠનોએ બાઇબલની નકલો બાળી હોવાના પણ સમચાર મળ્યા. દિલ્હીના મેળામાં ગ્રંથવ્યવહારનાં સારાં-નરસાંનો અંદાજ મળે છે. અનુભવથી એમ ધ્યાનમાં આવ્યું છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનો ઉપયોગ પુસ્તકો વસાવવાં કરતાં પુસ્તકો વિશે માહિતી એકઠી કરવા અને વસાવવા માટેનાં પુસ્તકોને શક્ય એટલી વિગતે જોવા માટેનું સ્થાન છે.આ રીતે પરખ કર્યા પછી પુસ્તકો સગવડે મંગાવી શકતાં હોય છે.

મોટા શહેરોમાં રહેતા પુસ્તકસંગ્રાહકને જૂનાં પુસ્તકો જૂના બજાર કે ફૂટપાથ પર પોષાય એવી કિંમતે મળી શકે છે. આ પુસ્તકોના વિક્રેતાઓ ભલે ઓછું ભણેલા હોય પણ તેમને પુસ્તકોની કિંમત અને મૂલ્યની બરાબર ખબર હોય છે. એટલે કે એક હદથી વધુ ભાવતાલ થઇ શકતો નથી, અમદાવાદીથી પણ નહી ! મને ઘણાં નોંધપાત્ર પુસ્તકો ફૂટપાથ પરથી ખૂબ ઓછાં પૈસે મળ્યાં છે. ‘સડાકો અને કાગળનાં પક્ષી’ નામના ટચૂકડા હૃદયસ્પર્શી પુસ્તકની અંગ્રેજી અને જાપાની ભાષાની દુર્લભ આવૃત્તિ મને પાંચ રૂપિયામાં મળી હતી.ગાંધીજીના જીવન પરના ‘અણમોલ વિરાસત’ના ચારે ય ભાગ મને બસો રૂપિયામાં મળ્યા હતા. ‘કુમાર’ના પચાસ અંકો સો રૂપિયામાં લીધા હતા. એ ફૂટપાથ પર હોય એ મને મંજૂર ન હતું એટલા માટે ! લક્ષ્મીબાઈ ટિળકનું પુસ્તક ‘સ્મૃતિચિત્રો’ અને લક્ષ્મીબહેન ડોસાણીનું બિલકુલ દુર્લભ ‘હું બંડખોર કેમ બની?’ વીસ રૂપિયામાં! પાયરેટેડ એડિશન્સ(pirated editions)ની તો વાત જ વળી જુદી છે. અત્યારના બેસ્ટસેલર્સ અને સારાં એમ બંને પ્રકારના પુસ્તકો મુદ્રણ અને નિર્માણની થોડીક જ ઊતરતી ગુણવત્તા સાથે સાવ નજીવી કિંમતે પાઇરેટેડ બુક તરીકે મળે છે. Tuesdays with Morrieની કિંમત પોણા ત્રણસો હતી ત્યારે તેની દસ પાઇરેટેડ નકલો મેં દસ રૂપિયે નકલના ભાવે ખરીદી હતી. એ નકલો એટલી સારી હતી કે જાણકારો પણ થાપ ખાઇ જતા હતા !

જયંત મેઘાણી

જેટલાં પુસ્તકો વસાવ્યાં છે તેનાં માંડ વીસ ભાગનાં વંચાયાં છે. તેમ છતાં ક્યારેક નિરાંતે વાંચીશ એવી આશા સાથે વસાવું છું. પુસ્તકો વસાવનારને ઘણા પૂછતા હોય છે : ‘આ બધાં તું ખરીદે છે. પણ વાંચે છે ખરો/રી?’ આ અંગે જયંતભાઇ મેઘાણીએ યાદગાર સમજ સહજભાવે આપી હતી : ‘I like to be amidst good books.’ વસાવેલાં બધાં જ પુસ્તકો વંચાય છે એવું પણ નથી. પણ તે બધાંની વચ્ચે હોવાનો આનંદ હોય છે. કોઇને આપણી આજુબાજુ ફૂલબાગ હોય, વૃક્ષા-વનસ્પતિ-કુદરત હોય તે ગમે. તેમ કેટલાકને સારાં પુસ્તકો વસાવવાનું ગમે. આપણે જે  સુંદર કપડાં કે  ઘરેણાં વસાવીએ છીએ  તે આપણે કંઇ રોજ પહેરતાં નથી. પણ તેના હોવાનો આપણને તેનો આનંદ હોય છે. પુસ્તકોનું પણ તેવું છે.’ મને પોતાને એમ પણ થાય કે પુસ્તકોની વચ્ચે હોવું એટલે સિવિલાઇઝ્ડ દુનિયાની વચ્ચે હોવું. મનને અત્યંત ક્લેશ આપે તેવા બનાવો સતત  બનતા હોય તેની વચ્ચે એવો અહેસાસ થતો, દિલાસો મળતો રહે કે એક સારી દુનિયા હતી અને છે.

મને મારા પુસ્તકસંગ્રહનો આનંદ છે. રમેશ પારેખના ‘છ અક્ષરનું નામ’ કાવ્યસંચયમાં મળતી ‘પુસ્તકોની છાજલી’ મને ખૂબ ગમતી કવિતા છે. માનવ સંસ્કૃતિ અને સંવેદન બંનેના સંદર્ભમાં પુસ્તકોની મહત્તા વ્યાપક માનવતાવાદી દૃષ્ટિએ ઉપસાવી આપતી આ સહેજ લાંબી અછાંદસ રચનામાં કવિ લખે છે : 

‘મીરાં, કબીર, તુલસી, નાનક  

પૂછે તારું કયું થાનક

જ્યાં તું ટેકવે તારું મસ્તક  

ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યો દસ્તક? 

તો હું ચીંધું મારાં પુસ્તકોની છાજલી…’

મારાં પુસ્તકોની છાજલીને દિવાળી પહેલાં સાફસૂફ કરીને ફરીથી ગોઠવું છું. મારાં બધાં પુસ્તકોને  કબાટોમાંથી કાઢી બે દિવસ માટે તડકે મૂકું છું. પછી દરેક પુસ્તકને લૂછીને કેરોસીનનાં પોતાંથી સાફ કરેલાં કબાટમાં અદબભેર મૂકું છું. ભેજવાળા દિવસો પછી તડકો ખાતાં ગેલરીમાં એકબીજાને અઢેલીને બેઠેલાં, નવી હવા લઇને, તાજાંમાજાં થઇને ચોખ્ખાચણાક ખાનામાં ગોઠવાયેલાં પુસ્તકો જોતાં મને આનંદ અને ગૌરવનો અનુભવ થાય છે. મને એમ થાય છે કે દુનિયાની કેટલીક મહાન હસ્તીઓ મારે ત્યાં વસે છે. કેટલાક સર્વોત્તમ વિચારો મારા માહ્યલાના તીર્થ સમા અભ્યાસખંડમાં વ્યાપેલા છે અને હું દુનિયાનો માલેતુજાર માણસ છું.

*****

ઘણાં વાચકોની જેમ મારા વાચનની શરૂઆત પણ વાર્તાઓની ચોપડીઓથી થઈ. બાળસાહિત્ય મેં મરાઠીમાં વાંચ્યું, એટલે ગિજુભાઇ બધેકા કે જીવરામ જોશીના બાળ સાહિત્ય વિશે મને બાળપણ પૂરું થયા પછી ખબર પડી. Enid Blyton કે Nancy Drew ખબર હોવાનો તો સવાલ જ ન હતો, અને તેનો કોઈ સંકોચ પણ ન હતો.

મોટા માણસોના નાનાં જીવનચરિત્રો કિશોરવયમાં વાંચ્યાં હતા, રસ વધતો ગયો. અત્યારે ચરિત્ર સાહિત્ય અથવા life writing મારું સહુથી પ્રિય સ્વરૂપ છે. પત્રો, વાસરી, સંસ્મરણો, આત્મકથા, વ્યક્તિચિત્ર, ચરિત્રલેખ, જીવનચરિત્ર, ગૌરવગ્રંથો, સ્મરણગ્રંથો, જીવનચરિત્ર, જીવનચરિત્રાત્મક નવલકથા વાંચવાનું ગમે છે. તેમાં ય માણસજાતનું ઐહિક જીવન સુખી થાય, સમાનતામૂલક સમાજ રચાય તે માટે ઝૂઝનારા કર્મશીલો, સમાજસુધારકો, સામાજિક કાર્યકરો, વૈજ્ઞાનિકો, તબીબો, કેળવણીકારો, કલાકારો વિશેના પુસ્તકો હું ભારે આદરથી વાંચું છું અને વંચાવું છું. ચરિત્રસાહિત્યનાં પણ સ્ત્રીલેખન તરફ ઝૂકાવ વધતો રહ્યો છે. તેમાં ય સ્ત્રીઓનાં  આત્મચરિત્રાત્મક લખાણો મને બહુ મહત્ત્વના લાગે છે. મરાઠી દલિત વર્ગની મહિલાઓનાં આત્મકથનો વાંચવા મળે છે. ગુજરાતીમાં તે નહીંવત છે. સ્ત્રીજીવન-સંવેદનના અંગ્રેજી-ગુજરાતી-મરાઠી પુસ્તકો પર નજર રાખું છું, વસાવું છું. Women’s Studies – સ્ત્રીઅભ્યાસ મારા સંશોધનનો નહીં પણ રસનો, સંવેદનનો વિષય છે. પણ મારી આ રસરુચિ પુસ્તક પૂરતી સીમિત છે એમ મારી પત્ની માને છે. કથાસાહિત્યની બાબતમાં હું સંદિગ્ધતા અનુભવું છું, તે વાંચું છું પણ ઓછું. જાડી રીતે કહી શકું કે પ્રચારાત્મક કે મુખર થયા વિના સામાજિક નિસબત ધરાવતી, મૂલ્યબોધ કરાવતી કે સમસ્યા આધારિત વાર્તાઓ-નવલકથાઓ હું પસંદ કરું છું. કથાસાહિત્યનાં મારાં ગમતાં પુસ્તકોમાંથી કેટલાંકનાં નામ પરથી મારી વાત સ્હેજ થશે. નામ આ મુજબ છે : ‘એ લોકો’. ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘ગર્ભગાથા’ (હિમાંશી શેલત), ‘મન્ટોની વાર્તાઓ’ અને ‘વિભાજનની વાર્તાઓ ’(અનુવાદ : શરીફા વીજળીવાળા), ‘વીણેલાં ફૂલ’ (હરિશ્ચંદ્ર), ‘બદલાતી ક્ષિતિજ’ (જયંત ગાડિત), ‘સળગતાં સૂરજમુખી’ (અનુવાદ : વિનોદ મેઘાણી), ‘સૂકી ધરતી સૂકા હોઠ’ (દિલીપ રાણપુરા), ‘દીપનિર્વાણ’ અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (દર્શક), ‘માનવીની ભવાઇ’ (પન્નાલાલ પટેલ), ‘સાત પગલાં આકાશમાં’ (કુંદનિકા કાપડિયા), પ્રેમચંદની વાર્તાઓ, ‘અરણ્યનો અધિકાર’, ‘હજાર ચુરાશિર મા’ (મહાશ્વેતા દેવી), ‘श्यामची आई’ (સાને ગુરુજી) ‘एस इ झेड’ (શંકર સખારામ, મરાઠી), ‘बारोमास’ (સદાનંદ દેશમુખ, મરાઠી), Uncle Tom’s Cabin (Harriet Beecher Stowe), Don Quixote (Cervantes),Grapes of Wrath (John Steinbeck), Animal Farm, 1984 (George Orwell), Untouchable (MulkRaj Anand) Sanskar (URAnanthamoorty), The Fountainhead  (Ayn Rand) Godfather (Mario Puzzo) રહસ્યકથાઓ અંગ્રેજીમાં એકાદ-બે જ વાંચી છે. મરાઠીમાં શ્રીકાંત સિનકરની ઘણી વાંચી છે. વળી, મરાઠીમાં નીવડેલી નવલકથાઓ અનાયાસે વંચાઇ ગઇ છે. જેમ કે, ‘રથચક્ર’, ‘ગારંબીચા બાપુ’, ‘યયાતિ’, ‘મૃત્યુંજય’, ‘રાધેય’, ‘પાણિપત’, ‘રણાંગણ’ વગેરે.

કવિતાઓનાં લય અને શબ્દલાવણ્ય હું માણું છું. અનેક કવિઓની કવિતાઓ મોટેથી વાંચવાનું અને વાંચીને બતાવવાનું ગમે છે. ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, રમેશ પારેખ મારા પ્રિય કવિઓ છે. મરાઠીમાં કુસુમાગ્રજ, વિંદા કરંદીકર, મંગેશ પાડગાંવકર અને બા.ભ. બોરકરને જેટલા વાંચ્યા છે તે પૂરા ગમ્યા છે. અંગ્રેજી કવિતાઓ ભણવા-ભણાવવા નિમિત્તે જ વાંચી છે, અનેક કવિઓની બેથી માંડીને બાર રચનાઓ વાંચી છે અને કેટલીક માણી છે. તેમાં વર્ડ્સ્વર્થ અને પર્સી બી. શૈલીની રચનાઓ વધુ ગમી છે. પણ કેટલીક ગુજરાતી કે મરાઠી કવિતાની જેમ અંગ્રેજી કવિતાઓ મારા હોઠે રમતી નથી, ને હૈયે ઉતરતી નથી. હિન્દી ફિલ્મનાં ગીતો તેના લય અને ઢાળ ઉપરાંત તેની અંદરના ઉત્કૃષ્ટ પણ ઉપેક્ષિત કાવ્યતત્ત્વનો હું મોટો રસિયો છું, એમ કહેવામાં મને વિવેચન કે સાહિત્ય નડતું નથી. સાહિર લુધિયાનવી અને ગુલઝારનો ચાહક છું. હિન્દી ફિલ્મનાં ગીતો સાંભળ્યા કરું છું. રામચન્દ્ર ગુહા કે સલીલ દલાલની જેમ હું પણ હિન્દી ફિલ્મ સંગીતને ભારતીય જીવનનો એક અવિભાજ્ય ઉપકારક ઘટક માનું છું. સલીલ દલાલનું ‘ગાતા રહે મેરા દિલ’ અને ‘ભૂમિપુત્ર’ના જગદીશ શાહે સંપાદિત કરેલ ‘અંતકડી’ મને ગમતાં પુસ્તકો છે.

ઘણા રસિકોની જેમ હું પણ નાટકો વાંચવા કરતાં જોવા વધુ પસંદ કરું છું. મરાઠી રંગભૂમિનો વૈભવ જાણું છું. સૌમ્ય જોશી મારો પ્રિય નાટ્યકાર છે. તેનાં નાટકો ગયાં પંદર-વીસ વર્ષના ગુજરાતી તખ્તા પર લાજવાબ છે. આર્થર મિલર અને વસંત કાનેટકર મારા પ્રિય નાટ્યલેખકો છે.

ઝવેરચંદ મેઘાણી

ઉમાશંકર જોશી

મનુભાઈ પંચોળી ‘દર્શક’

મારા પૂરતું હું એમ કહું છું કે મારા માટે મેઘાણી-દર્શક-ઉમાશંકર એક બાજુ અને બાકીનું ગુજરાતી સાહિત્ય બીજી બાજુ છે. આ ત્રણને ઠીક પ્રમાણમાં વાંચ્યા છે. તેમની સાહિત્યકલા ઉપરાંત સામાજિક નિસબતનાં મૂલ્યો મને અગત્યનાં લાગે છે. ‘અહોરાત કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે’ એવા સંજોગોમાં સાહિત્યકાર-કલાકાર કે રસિકોની ચાહનાથી સેલિબ્રિટિ બનેલા hero/shero એ ચૂપ ન રહેવાય એમ હું માનું છું. મહાત્મા ફુલે, શહીદ ભગત સિંહ, મહાત્મા ગાંધી, સાને ગુરુજી અને વીર સાવરકરનાં ચૂંટેલા પુસ્તકો વાંચ્યાં છે અને તે બધાની વિચારસરણી મને અસર કરી ગઇ છે. આંબેડકર વાંચવાં જોઈએ તેટલા વાંચ્યા નથી તે મારી અનેક ઉણપોમાંથી એક છે. ઇન્દુકુમાર જાની, ઉર્વીશ કોઠારી, ચંદુ મહેરિયા, ચં.ચી. મહેતા, દિગીશ મહેતા, દિલીપ રાણપુરા, પી. સાઇનાથ, પ્ર.ચૂ. વૈદ્ય, મન્નુ શેખચલ્લી (લલિત લાડ), રમેશ ઓઝા, રમેશ બી. શાહ, રામચન્દ્ર ગુહા, સુનીતા દેશપાંડે, સ્વામી આનંદ, હિમાંશી શેલત જેવાં લેખકોનાં પુસ્તકો/લખાણો ગમતાં રહ્યાં છે. વિવેચન બહુ ઓછું વાંચ્યું છે અને તેનો કોઇ રંજ નથી. જે જૂજ વિવેચન વાંચ્યું છે તે મોટે ભાગે અંગ્રેજીમાં અને ખપપૂરતું. તેનો ઉપયોગ અભ્યાસની અસરકારક નોટ્સ બનાવીને પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કર્યો છે. મારા વિદ્યાર્થીઓ માટે પણ મેં આ કર્યું છે. આસ્વાદલેખો મને ગમે છે પણ રૂઢ અર્થમાં તેમ જ સાહિત્યની પરિભાષાની રીતે વિવેચન મારા માટે સ્વસ્થ અનાદરનું મહત્ત્વ ધરાવે છે. મારી દૃષ્ટિએ દુર્બોધ સાહિત્ય (અથવા એમ કહો કે મને દુર્બોધ લાગતું સાહિત્ય) – ધાર્મિક-અધ્યાત્મિક સાહિત્યની માફક – સીધા નકારનું મહત્ત્વ ધરાવે છે. મહાન મરાઠી લેખક પુ.લ. દેશપાંડેએ સાહિત્ય અકાદમી પુરસ્કારના પ્રતિભાવ પ્રવચનમાં કહ્યું હતું : ‘I distrust the incommunicable : it is the source of all violence.’માણસ અને પ્રાણી વચ્ચેના સ્નેહસંબંધની કથાઓ તેમ જ પ્રાણીઓનાં સંવેદન આલેખતાં પુસ્તકો મારી પાસે જે થોડાંક છે, તે મને બહુ ગમે છે. મારું ચાલે તો તે બહુ વાંચું અને વસાવું. હિમાંશી શેલતના ‘સોનુ અને માઓ’ તેમ જ ‘વિક્ટર’ એ પ્રકારનાં સરસ પુસ્તકો છે. વિજયગુપ્ત મૌર્યનું ‘શેરખાન’ અને દામુ ધોત્રેનું ‘સર્કસની દુનિયામાં’ વાંચ્યાનો રોમાંચ યાદ આવે છે. નાનુભાઇ સુરતીના કારણે જૅક લંડનની Call of the Wild અને The White Fang ગુજરાતીમાં વાંચવા મળ્યાં. નાનુભાઇના વિશિષ્ટ કામની નોંધ બહુ ઓછી લેવાઇ એવી મારી છાપ છે. Huge Loftingના Doctor Dolittle અને Joy Adamsonનું Born Free મારા સંગ્રહમાં કેવી રીતે આવીને વસ્યાં યાદ નથી. જેની નામની કૂતરી, સોનાલી સિંહણની અને બીજાં પ્રાણીઓની, સર્જ્યા નામના બળદની, હાથીઓના સમૂહની વાર્તાઓ મરાઠીમાં વાંચી છે. ગુજરાતને પરિચિત એવાં દુર્ગા ભાગવતે લખેલું રીંછ પરનું પુસ્તક ‘अस्वल’ અને વ્યંકટેશ માડગુળકરે વાનર ટોળીઓના સંઘર્ષના નિરીક્ષણ પરથી લખેલું ‘सत्तांतर’ મારા સંગ્રહમાં છે. ગોરિલા વાનરના વૈજ્ઞાનિક અભ્યાસ માટે આફ્રિકાના જંગલમાં રહીને જીવન સમર્પિત કરનારા ડાયના ફૉસી પરનું તસ્વીરોથી ભરચક પુસ્તક ‘ક્રૉસવર્ડ’માં મળ્યું ત્યારે હરખ સમાતો ન હતો. એ જ રીતે ચિમ્પાન્ઝી અને ઓરાન્ગઓટાન્ગ પર અભ્યાસ કરવા માટે જિંદગી ખરચી નાખનાર જેન ગુડૉલ અને બિરુતે ગાલ્ડિકાસ વિશેના ધોરણસરનાં પુસ્તકોની શોધમાં છું. મહારાષ્ટ્રના દુર્ગમ વિસ્તાર હેમલકસામાં ડૉક્ટર દંપતી મંદા અને પ્રકાશ આમટે અને તેમના સંતાનો-સાથીઓ આદિવાસીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું બહુ મોટું કામ સાડા ત્રણ દાયકાથી ‘લોકબિરાદરી પ્રકલ્પ’ના ઉપક્રમે કરી રહ્યાં છે. તેની સાથે તેમણે પ્રાણીઓનું અનાથાલય બનાવ્યું છે. તેની વિગતે વાત કરતું नेगल નામનું પુસ્તક પ્રકલ્પના કાર્યકર્તા વિલાસ મનોહરે લખ્યું છે. તે એક વિશિષ્ટ પુસ્તક છે. તેવું જ બીજું પુસ્તક એટલે પૂનાના જાણીતા સર્પવિદ્ નિલમકુમાર ખૈરેએ જોખમમાં મૂકાયેલાં પક્ષીઓ-પ્રાણીઓના બચાવના કિસ્સા વર્ણવતું Beyond Friendship નામનું પુસ્તક (જેનું મરાઠી નામ છે मैत्र जीवांचे) લખાણ ઉપરાંત ફોટોગ્રાફ્સ માટે પણ સંગ્રાહ્ય છે.

અમદાવાદના કાંકરિયા તળાવને કિલ્લાબંધીમાં રાખતા વાઇબ્રન્ટ ગુજરાતમાં કાંકરિયા પ્રાણીબાગના સાક્ષાત્ વિધાતા રૂબિન ડેવિડ જાણે ભૂલાઇ ગયા છે. પણ તેમના પરનાં બે સચિત્ર પુસ્તકો અમદાવાદ પ્રેમીઓએ વાંચવા જેવાં છે. માધવ રામાનુજે લખેલી હૃદયસ્પર્શી જીવનકથાનું નામ છે ‘પિંજરની આરપાર’. રૂબિનનાં દીકરી, જાણીતાં લેખક તેમ જ કલાવિદ્ એસ્થર ડેવિડે લખેલું My Father’s Zoo (ગુજરાતી અનુવાદ ‘મારા ડૅડીનું ઝૂ’, ચિરંતના ભટ્ટ) મારા પ્રિય પુસ્તકોમાંનું એક છે.

*****

અંગ્રેજીમાં જેના માટે ‘બુક્સ અબાઉટ બુક્સ’ એવો શબ્દપ્રયોગ છે તે પ્રકારનાં પુસ્તકો એકઠાં કરવાની મને ગયાં પંદરેક વર્ષથી રઢ લાગી છે. આ પ્રકારનાં પુસ્તકો ગુજરાતીમાં જૂજ છે. આપણે ત્યાં મળતાં અંગ્રેજી પુસ્તકોમાં પણ તે ઓછાં છે. પણ દુનિયાભરના પુસ્તકરસિયાઓને તેમાં આનંદ પડતો હોય છે. ‘બુક્સ અબાઉટ બુક્સ’ની ચોક્કસ વ્યાખ્યા નથી પણ એમ કહી શકાય કે પુસ્તકના વિષયવસ્તુની વાત સિવાય પુસ્તક અને વાચનને લગતી કેટલી ય બાબતો પરનાં પુસ્તકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. તેમાંથી કેટલીક આ મુજબ છે : ગ્રંથમહિમા, પુસ્તકઘેલછા, પુસ્તકસંગ્રહો, દુર્લભ પુસ્તકો, તેમની સાચવણી, પ્રતિબંધિત પુસ્તકો, ગ્રંથાલયો, ગ્રંથપાલો, પ્રકાશન વ્યવસાય, લેખક-પ્રકાશક સંબંધ, પુસ્તક વિક્રેતાઓ, પુસ્તકોની દુકાનો, મુદ્રણ-બાંધણી-ગ્રંથનિર્માણ તેમ જ તેનો ઇતિહાસ, વાચકો, વાચનવૃત્તિ, વાચનપ્રસાર, વિવિધ વિષયો પરનાં પુસ્તકોના પરિચય-અવલોકન-આસ્વાદ કરાવતા લેખોના સંગ્રહો ઇત્યાદિ.  મારી પાસેનાં થોડાંક ગુજરાતી પુસ્તકોનાં નામ આપું તો ‘બુક્સ અબાઉટ બુક્સ’ પ્રકારનો કંઈક ખ્યાલ મળી શકે. મોતીભાઇ અમીન, ભિક્ષુ અખંડઆનંદ અને એસ.આર. રંગનાથનનાં જીવનચરિત્રો, છોટુભાઇ અનડા અને દિના મલ્હોત્રાનાં આત્મચરિત્રાત્મક પુસ્તકો, જિતેન્દ્ર દેસાઇનાં ‘જ્ઞાન મુદ્રણ અને પ્રકાશન’, ‘ગુટનબર્ગથી બિલ ગેટ્સ’ અને ‘જેઓ કંઇક મૂકી ગયાં’, યુનાઇટેડ નેશન્સનું ‘વાચનક્ષુધા’, પ્રીતિ શાહ અને સુરેશ દલાલ સંપાદિત અનુક્રમે ‘પીધો અમીરસ અક્ષરનો’ અને ‘મારું પ્રિય પુસ્તક’, શરીફા વીજળીવાળાનું ‘સંપ્રત્યય’ અને મગનભાઇ દેસાઇનું ‘વિવેકાંજલી’, અચ્યુત યાજ્ઞિક સંપાદિત ‘ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ’, દીપક મહેતાના ‘દીપે અરુણું પ્રભાત’ અને ‘૧૯ સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ’, ‘કાળચક્રની કેડીએ’ જેવાં પુસ્તકો ર.વ. દેસાઇનું ‘લાલા પટેલની લાઇબ્રેરી’.

મરાઠીમાં પણ લખાયેલાં આવાં પુસ્તકો અને પુસ્તક-પુરવણીઓ/વિશેષાંકો મેં એકઠાં કર્યાં છે. ઘણાં વર્ષો વડોદરામાં રહી ચૂકેલા બહુ મોટા ગ્રંથજ્ઞ શ્રી.બા. જોશીનાં ચાર પુસ્તકો શિરમોર છે. ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના ખૂબ આદર પામેલાં સંપાદક ગોવિંદ તળવલકરે પુસ્તકો વિશે લખેલા લેખોના ચાર પુસ્તકો મારી પાસે છે. હિન્દીમાં જી. ગોપીનાથન્‌ સંપાદિત ‘પુસ્તક ઔર મૈં’ નોંધપાત્ર છે. અંગ્રેજીમાં આ પ્રકારનાં પુસ્તકો વધુ છપાય છે, પણ તેમાંથી આપણે ત્યાં ઓછાં મળે છે. પુસ્તકો વિશેનાં પુસ્તકોની Oak Knoll Books નામની દુકાન પૂર્વ અમેરિકાના ડેલવારમાં આવેલી છે. તેના વિશે ‘ધ હિન્દુ’માં લેખ વાંચ્યો હતો. મારી પાસે અંગ્રેજી બુક્સ અબાઉટ બુક્સમાં મને સહુથી ગમે છે તે અમેરિકન લેખક Helene Hanff નું 84 Charing Cross Road નામનું પુસ્તક. ન્યૂયોર્કમાં વસતા આ લેખકનો, લંડનમાં આવેલા તેમના પ્રિય પુસ્તકભંડાર સાથેનો પત્રસ્નેહ-સંબંધ ઉપર્યુક્ત પુસ્તકમાં વાંચવા મળે છે. Lewis Buzbee નામના અમેરિકન પુસ્તકવિક્રેતાએ પુસ્તક ઇતિહાસ અને પોતાનાં સંસ્મરણોને The Yellow-Lighted Bookshop પુસ્તકમાં મૂક્યાં છે. પ્રતિબંધિત પુસ્તકો વિશેનાં બે પુસ્તકો મારી પાસે છે. Asne Seirstad નું The Bookseller of Kabul જકડી રાખનારું પુસ્તક છે. ઑક્સફર્ડ ડિક્શનરી વિશેનું એક The Professor and the Madman (Simon Winchester) છે (Caught in the Web of Words by George Murrayવસાવવું છે) ; કર્ણાટક પ્રિન્ટિંગ પ્રેસ અને અમર ચિત્રકથા પર આખાં પુસ્તકો છે. નાઝી નરસંહારના સમયમાં પુસ્તકો સાથે શું બન્યું તેની વાત કહેતાં The Book Thieves અને The Librarian of Auschwitz બેનમૂન પુસ્તકો છે. Biblioholism અને The Hindu Speaks on Libraries પોતાની રીતે નોખાં છે. BBCનું The Big Read Book of Books, 1001 Books Which You Must Read Before You Die, 100 Books to Change Your Life, 501 Must-Read Books જેવાં મહેનતથી તૈયાર કરેલાં ખૂબ આકર્ષક પુસ્તકો પણ વસાવવાં જેવાં હોય છે. Girl Who Hated Books, I Love Books, Reading Can be Fun, Elena’s Library Book બહુ સુંદર બાળપુસ્તકો છે. The Librarian of Basra નામની ટચૂકડી ચિત્રકથા પરના મારા એક લેખમાંની વાત જાણકારો માટે પણ નવી હતી. મારી પાસે એક કૉફી-ટેબલ બુક છે At Home with Books. તેનું પેટાશીર્ષક છે How  booklovers live with and care for their libraries. જેમાં ચાળીસ ધનવાન પુસ્તક-સંગ્રાહકોની અંગત લાઇબ્રેરીઓના સ્થાપત્ય, ઇન્ટિરિયર, ડેકોર અને ગોઠવણના આપણને પૂરી ઇર્ષ્યા આવે તેવા ફોટા અને માહિતી, ઉપરાંત પુસ્તકોની દુનિયા વિશેનું ઘણું બધું. પુસ્તકો વિશેનાં પુસ્તકોના  સંદર્ભે બે વિશિષ્ટ ગુજરાતી સામયિકોનો ઉલ્લેખ અચૂક કરવાનો થાય : ‘પ્રત્યક્ષ’ અને ખાસ તો ‘ગ્રંથ’. આ સામયિકો મને સાહિત્ય વિવેચન કરતાં વાચન-સંસ્કૃતિના સામયિકો વધારે લાગ્યાં છે. અમારી કૉલેજની લાઇબ્રેરીમાં તેની ફાઇલો જોતાં ગુજરાતીમાં ગુણવત્તાસભર પ્રકાશન-વાચન-લેખન થતું તે ઉજળા સમયમાં પાછા જવા મળે છે.

****

પુ.લ. દેશપાંડે

ચારેય ભાષાનાં મેં જે લેખકોના પુસ્તકો વાંચ્યાં છે તેમાં મારાથી સહુથી પ્રિય લેખક પુ.લ. દેશપાંડે છે. તેમણે લખેલું લગભગ બધું જ સુંદર છે. આનંદયાત્રી તરીકે ઓળખાતા પુ.લ.એ મુખ્યત્વે હાસ્યલેખો, ચરિત્રલેખો, પ્રવાસવર્ણનો અને નાટકો લખ્યાં છે. મરાઠી સંતસાહિત્યથી માંડીને અત્યાર સુધીની સમૃદ્ધ ભાષા પરંપરાનો તેમણે સૂઝથી ઉપયોગ કર્યો છે. માણસોનું સૂક્ષ્મ નિરીક્ષણ અને તાદૃશ વર્ણન તેમની ખાસિયતો છે. પુ.લ.ને વાંચતાં એમ લાગે છે કે તે લખતા નથી પણ, ચહેરા પર ઉમંગ સાથે હાથનો ખોબો કરીને ઉલ્લાસથી કંઇક આપે છે. જે જોયું-જાણ્યું-માણ્યું તેને દિલથી વહેંચી રહ્યા છે. મૂળ ચૈતન્ય એ લખવા કરતાં વહેંચવાનું, દિલ દઇને share કરવાનું છે. પુ.લ.એ જે અનેક મરાઠી વાચકોની જિંદગીને ન્યાલ કરી છે તેમાંનો હું પણ એક છું. માણસો, પુસ્તકો, કવિતાઓ, ભાષા, વાસ્તુ, વિચાર, વાણી, કલાસર્જન આ બધામાંથી જે સુંદર છે, તેને જોતાં શીખવ્યું છે. માણસને તેનાં અનેક ચહેરા-મોહરા જોવા-સમજવાની સૂઝ આપી છે. પોતાનાથી બહાર નજર કરતાં શીખવ્યું છે. પોતાના પર હસવાનો અર્થ સમજાવ્યો છે. કરુણા, કદર અને કૃતજ્ઞતા કેટલી મોટી બાબત છે તે બતાવ્યું છે. પુ.લ.નાં પુસ્તકોનાં પાનાં વારંવાર ફેરવતો હોઉં છું. એક લેખક વાચકના જીવનને સમૃદ્ધ કરે એટલે શું એનો અર્થ મને સમજાય છે.

*****

વાંચવાની મજા માટેનો મારો બીજો એક અવિરત સ્રોત તે છાપાં અને કેટલાંક ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી સામયિકો. છાપાંનું તો મને બંધાણ છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષામાંથી નીકળતાં છાપામાંથી સાપેક્ષ રીતે ધોરણસરના એવાં જે છાપાં હું વાંચું છું તે આખી ય દુનિયાની ગતિવિધિઓને હજુ પણ ઠીક રીતે દરરોજ સવારે મારા ઉંબરે પહોંચાડે છે. છાપાંમાં મુદ્રિત રૂપે આવતા વિશ્વવૈવિધ્યથી હું અંજાઈ જઉં છું, અને મૂંઝાઇ પણ જઉં છું. સાપેક્ષ રીતે ધોરણસરના વર્તમાનપત્રો વૈચારિક સભાનતાનો સ્રોત છે એમ હું દૃઢપણે માનું છું. મરાઠી છાપાં હવે ભાગ્યે જ વાંચું છું, પણ તેમની ગુણવત્તા ઠીક જળવાઈ છે એવી છાપ છે. મરાઠી સામયિકો એકંદરે ઘણાં સારાં આવે છે, એમ કહી શકું છું. ડિજિટલ જમાનામાં પણ હું છાપાંના કતરણો કરું છું. મારી પાસે નહીં નહીં તો ય ગયાં વીસેક વર્ષનાં છાપાંનાં કતરણો છે. પણ તેની મેં સરખી રીતે વહેંચણી અને ગોઠવણી નથી કરી એટલે એની ઉપયોગિતા નહીં જેવી છે. એ કામ એકાદ આખું અઠવાડિયું માગી લે તેવું છે, જે થશે ત્યારે થશે. કેટલીક યાદૃચ્છતાની વચ્ચે પણ મારાં કતરણો મુખ્યત્વે વૃક્ષો, પુસ્તકો, વાચનસંસ્કૃતિ, કર્મશીલો જેવા વિષયો પરનાં છે. મારા કતરણોને આધારે હું એવું કહી શકું છું કે એક ચોક્કસ સ્તર સુધી છાપાં સામાન્ય વાચકો, વિદ્યાર્થીઓ અને બહુરત્ના વસુંધરામાં રસ ધરાવનારા સહુ માટે માહિતી, અને ક્યારેક જ્ઞાનનો પણ ખજાનો છે. કેટલાંક છાપાંનું મને વિશેષ આકર્ષણ એટલા માટે પણ છે કે તેમાં પુસ્તકો વિશે લખાય છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ તો વાચન સંસ્કૃતિનું મોટું પ્રસારક છે. તેમાં દર અઠવાડિયે ઓછામાં ઓછા બે-ત્રણ નવાં પુસ્તકો વિશે જાણવા મળે છે, તદુપરાંત કલમ અને કિતાબની દુનિયાના ખબર પણ તે માવજતથી આપે છે. પુસ્તકો વિશે એના કરતાં પણ વધુ ‘ધ હિન્દુ’ લખે છે. મોટા ભાગનાં મરાઠી છાપાં અને સામયિકોમાં પુસ્તક પરિચય અચૂક જોવા મળે.

પુસ્તક પરિચય, ગ્રંથાવલોકન કે પુસ્તક આસ્વાદના લેખો મારા માટે વિન્ડો-શૉપિન્ગ (window-shopping) સમાં હોય છે. વિન્ડો-શૉપિન્ગમાં એવું બનતું હોય છે દુકાનોની શો-વિન્ડોઝમાં ગોઠવેલાં કપડાં, પગરખાં, ઘડિયાળો વગેરે જોનારને પરવડે તેવું નથી હોતું. એટલે જોનાર તે વસ્તુઓને શો-વિન્ડોમાં હરખથી નિહાળવાની સાથે મનોમન પહેરી જોતાં હોય છે, અને આનંદ માણે છે. અંગ્રેજીમાં એને vicarious pleasure એટલે કે પરસ્થાપિત આનંદ કહેવામાં આવે છે. મારું એવું છે કે પુસ્તકો વાંચવાની મારી ક્ષમતા ખૂબ ઓછી છે, પણ લોભ ઘણો છે. આ લોભ ચપટીક અંશે ગ્રંથાવલોકનો વાંચીને સંતોષાય છે. પુસ્તકોની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના સગડ મળતાં રહે છે. અવનવાં પુસ્તકો વિશે વાંચીને મન પ્રફુલ્લિત થઈ ઊઠે છે. નવાં પુસ્તકો વિશેનાં મારાં કતરણોને હું પદ્ધતિસર ગોઠવું તો એકાદ દાયકાના ચૂંટેલા અંગ્રેજી પુસ્તકોની લાંબી અને મરાઠી પુસ્તકોની ટૂંકી ધોરણસરની સટીક સૂચિ annotated bibliography આપી શકું, જયંત મેઘાણી કેટલાંક વર્ષ એ કરતા. પણ આવું કંઈ હું ખાસ કરું  નહીં, મારું બીજું ઘણું ય રહી જાય. 

*****

એવું ય છે કે મારો પુસ્તકસંગ્રહ એ મારું ઐશ્વર્ય છે, તેમ મારી ઐયાષી પણ છે. અમારા ઘરમાં કામ કરનાર કાન્તિભાઇ અને તેમના બહેન સર્જુ મારાં પુસ્તકો વર્ષોથી જુએ છે. બંને સહી કરવાથી વધુ વાંચી-લખી શકતા નથી. ક્યારેક તેમને કામમાં મદદ કરવા આવનાર તેમનાં બાળકો પણ એ પુસ્તકો જુએ છે. ચાર વર્ષ પહેલાં અમે ઘરનું રિનૉવેશન કરાવ્યું ત્યારે જે મુકાદમ અને મજૂરો હતા તેઓ કહેતાં કે આટલાં બધાં પુસ્તકો તેમણે કોઈ ઘરમાં જોયાં નથી ! જો કે તે બધા આખી જિંદગી પુસ્તકો વિના જે કામ સારી રીતે, ઉત્પાદક રીતે કરી શકે છે તે કામ હું કેટલાં ય પુસ્તકો છતાં ક્યારે ય કરી શકવાનો નથી. એમને પુસ્તકો મળ્યાં હોત તો એમને પણ મહેનતના પ્રમાણમાં નજીવી આવકે બારેય મહિના  કમરતોડ પરિશ્રમ ન કરવો પડ્યો હોત. પણ સમાજની વર્ણ અને વર્ગવ્યવસ્થાએ તેમ થવા દીધું નથી. એટલે આપણાં દેશમાં પુસ્તકો હોવા, તે વાંચવા માટે મારી પાસે છે તેવી તમામ અનુકૂળતા હોવી એ એક highly privileged position છે, જે આપણા દેશના એકાદ ટકા લોકો પાસે હોય તો હોય ! આ વાત લગભગ દરેક pleasure pursuitને લાગુ પડે છે. મારી આ લાગણીમાં કોઈને માર્ક્સવાદી ભૂમિકા દેખાય તો પણ ગુજરાતમાં હોવા છતાં મને વાંધો નથી. ગુજરાત બધી તરફના લોકો અને વિચારોને સમાવી લે છે.

વાંચતાં વાંચતાં મને એમ પણ જણાય છે કે વાચન એ એક male construct, કહીએ તો એકંદરે પુરુષો પૂરતી મર્યાદિત પ્રવૃત્તિ છે. વાચક શબ્દને આપણા મનમાં પુરુષવાચક કર્તા તરીકે જ જોઈએ છીએ. વાંચતી સ્ત્રી એવી છબિ, એવું કલ્પન, એવું પાત્ર આપણા મનમાં ભાગ્યે જ આવે છે. ઇતિહાસ અને સાહિત્ય બંનેમાં પણ વાંચતી સ્ત્રીના પાત્રો જવલ્લે મળે. મારી પાસે વાચન-કેફિયતને લગતાં જેટલાં લેખો કે પુસ્તકો છે તેમાં પણ સ્ત્રીઓ ઓછી જ છે.

*****

પુષ્કળ વાચનારની વાચનકથા પણ મારા રસનો વિષય છે. મનુભાઈ પંચોળી ‘દર્શકે’ સો પાનાંની ‘મારી વાચનકથા’ લખી છે. લેખકોની વાચન-કેફિયતના અને પુસ્તક-પ્રેમ વિશેના પુસ્તકો મારી પાસે છે. ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના પ્રચંડ કર્તૃત્વશાળી પૂર્વ સંપાદક ગોવિંદ તળવલકરે લખેલાં ચાળીસેક ગ્રંથોમાંથી દસ પુસ્તક-પરિચય કે અવલોકનના છે, જેમાં પાચસો જેટલા પુસ્તકો વિશે વાંચવા મળે છે. પચાસ હજારથી વધુ પુસ્તકોનો અંગત સંગ્રહ ધરાવનાર તળવલકર વિશે તેમની બે દીકરીઓએ લખેલાં ‘જ્ઞાનમૂર્તિ ગોવિંદ તળવલકર’ ગ્રંથમાં તેમની વાચનકથા ત્રીસેક પાનાંમાં મળે છે. નિરંજન ઘાટે અને સતીષ કાળસેકરે એ પોતાની વાચનકથાના પૂરાં કદનાં પુસ્તકો આપ્યા છે : वाचणार्याची रोजनीशी અને वाचत सुटलो त्याची गोष्ट.

મને જે મોટા વાચકો લાગે છે એમની મેં મારા પૂરતી એક યાદી બનાવી છે. જેમની વાચનકથાઓની મને અપેક્ષા છે તેમાં ઘર આંગણે પ્રકાશ ન. શાહ, સરૂપ ધ્રુવ, મીનાક્ષી જોશી  અને દીપક મહેતા છે. પુ.લ. દેશપાંડે, ભગત સિંહ, ગાંધી, ઝવેરચંદ મેઘાણી અને નિરંજન ભગતનાં જીવન-લેખનને આધારે તેમની વાચનકથા આલેખી શકાય તેમ છે. વિલ અને  એરિયલ ડ્યુરાન્ટની આવી  કથા આલેખવી એ તો એક સ્વપ્ન જ છે. આવાં જ્ઞાનમાર્ગીઓના ગ્રંથો સામે ઊભા રહીએ એટલે એમ થાય કે આપણી વાચનકથા આલેખવી એટલે રજકણની સૂરજ થવાની ચેષ્ટા.

પુસ્તકો વિશે મારા હૃદયનો ભાવ સફદર હાશ્મીની જાણીતી કવિતામાં સરસ રીતે વ્યક્ત થયો છે :

किताबें करती हैं बातें
बीते ज़मानों की
दुनिया की, इंसानों की
आज की, कल की
एक-एक पल की
ख़ुशियों की, ग़मों की
फूलों की, बमों की
जीत की, हार की
प्यार की, मार की
क्या तुम नहीं सुनोगे
इन किताबों की बातें?

किताबें कुछ कहना चाहती हैं।
तुम्हारे पास रहना चाहती हैं॥

किताबों में चिड़िया चहचहाती हैं
किताबों में खेतियाँ लहलहाती हैं
किताबों में झरने गुनगुनाते हैं
परियों के किस्से सुनाते हैं

किताबों में राकेट का राज़ है
किताबों में साइंस की आवाज़ है
किताबों में कितना बड़ा संसार है
किताबों में ज्ञान की भरमार है
क्या तुम इस संसार में
नहीं जाना चाहोगे?

किताबें कुछ कहना चाहती हैं।
तुम्हारे पास रहना चाहती हैं॥

 -x-x-x-x-x-x-

e.mail : sanjaysbhave@yahoo.com
20 માર્ચ 2023

Loading

13 June 2023 Vipool Kalyani
← મૂકદર્શનનું મનોવિજ્ઞાન : દિલ્હીમાં એ છોકરીને રહેંસી નાખી તો લોકોએ કેમ ન બચાવી?
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved