રંગોના કસબી, શીર્ષહ વગરનાં ચિત્રોના સર્જક અને ચિત્રો દ્વારા અંતિમ વાસ્તવિકતા, શૂન્યતા અને શાંતિનું વાતાવરણ સર્જનાર ચિત્રકાર પ્રફુલ્લ દવેએ 15 જૂન, 2022ના રોજ વેટ્ઝીકોન, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આ દુનિયામાંથી અંતિમ વિદાય લીધી.
પ્રફુલ્લભાઈ દવેનો જન્મ 14 ઑક્ટોબર, 1934ના રોજ ભાવનગરમાં થયો હતો. શાળેય શિક્ષણ એ.વી. સ્કૂલમાં અને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. ભાવનગરની ઘરશાળામાંથી મૅટ્રિકનો અભ્યાસ કર્યો. ચિત્રકલામાં રસ હોવાથી મૅટ્રિકમાં ચિત્રનો વિષય રાખીને ઉત્તીર્ણ થયા. કલાશિક્ષક જગુભાઈ શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ કૉલેજમાં દાખલ થયા. ઈ.સ. 1957માં ચિત્રકલા અને ફોટોગ્રાફીમાં બી.એ. થયા. કૉલેજકાળ દરમિયાન ખ્યાતનામ ચિત્રકાળ બેન્દ્રેસાહેબના પ્રિય વિદ્યાર્થી બની રહ્યા.
બી.એ. થયા પછી પ્રૉ. બેન્દ્રેના સૂચનથી મુંબઈમાં હૅન્ડલૂમ સેન્ટરના કલાવિભાગમાં જોડાયા. થોડા સમયમાં તેમણે તે વિભાગને પોતાની આગવી સૂઝથી નવો ઓપ આપ્યો. ત્યાંના વણાટકામના કારીગરો પાસેથી પ્રિન્ટિંગના વિશિષ્ટ નમૂનાઓ તૈયાર કરાવી નવી શૈલી વિકસાવી. એમની આ શૈલીને કલાપારખુઓએ ઉમળકાથી વધાવી લીધી.
પોતે ચિત્રકારનો જીવ એટલે કલાસાધના સહજપણે ચાલુ રહી. ઈ.સ. 1957માં ફ્રેન્ચ કૉન્સ્યુલેટ તરફથી ચાલતી આર્ટ ગૅલરીમાં ભરાયેલા ચિત્રપ્રદર્શનમાં પોતાનાં ચિત્રો પણ મૂક્યાં. એ પ્રદર્શન જોવા માટે ટાટાના ડાયેક્ટર ફારુકમુલ્લા આવ્યા હતા. તે પ્રફુલ્લભાઈના એક ચિત્રથી એટલા પ્રભાવિત થયા કે એમણે તરત જ એ ચિત્ર 800 રૂપિયામાં ખરીદી લીધું. ચિત્ર દ્વારા થયેલી પ્રફુલ્લભાઈની એ પહેલી કમાણી હતી. એ પછી મુંબઈ રાજ્યના પ્રદર્શનમાં ચિત્રો રજૂ કર્યાં. પ્રફુલ્લભાઈ ભુલાભાઈ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા.
હૅન્ડલૂમ હાઉસના સરકારી તંત્રની રીતિ-નીતિથી પ્રફુલ્લભાઈનો કલાકાર જીવ ગૂંગળાતો હતો. તેઓ આગળ જતાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી ગૅઝેટેડ ઑફિસર થઈ શક્યા હોત પણ એમણે એ હૉન્ડલૂમ હાઉસ છોડી યુનાઇટેડ કિંગ્ડમ જવાનો નિર્ણય કર્યો. આ અગાઉ એમણે વડોદરાના ચિત્રકાર મિત્રોનું એક જૂથ બનાવી કલાપ્રદર્શનો શરૂ કર્યાં હતાં. મુંબઈની શેમોલ્ડ ગૅલેરીમાં એમનાં પ્રદર્શનો યોજાતાં હતાં.
આવા જ એક પ્રદર્શનમાં સ્વિટ્ઝર્લેન્ડથી એક કલારસિક બહેન ચિત્રો નિહાળવા આવ્યાં. પ્રફુલ્લભાઈનાં ચિત્રોથી એ અત્યન્ત પ્રભાવિત થયાં. ચિત્રકાર પ્રફુલ્લભાઈ સાથે સંવાદ થયો. બંને જણ અવારનવાર વિવિધ સ્ફળોએ મળતાં. અંતે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જુહુમાં આવેલું કલાકારોનું તે સમયનું જાણીતું અને માનીતું સ્થાન ‘જાનકી કુટિર’માં સપ્ટેમ્બર 1970માં જાણીતા અભિનેતા પૃથ્વીરાજ કપૂરની ઉપસ્થિતિમાં બંને લગ્નગ્રંથિથી જોડાયાં.
લગ્ન પછી ભારતમાં રહેવું, ઇંગ્લૅન્ડમાં રહેવું કે પછી સ્વિટ્ઝર્લેન્ડમાં રહેવું અને સ્થિર થવું એ માટે ખૂબ વિચારણા કરી. આખરે સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી રહેવાનું નક્કી કરી ઝૂરિકના પરગણા ગણાતાં સ્ટેફા (Stafa) ગયાં. ત્યાં નવેક વર્ષ રહ્યાં પછી વેટ્ઝીકોન(Wetzikon)માં ઘર ખરીદ્યું અને ત્યાં કાયમી નિવાસ કર્યો.
ઝૂરિકમાં સ્વિટ્ઝર્લેન્ડમાં જાણીતા નવ કલાકારોનું તીર્થધામ ગણાતા રેટે ફેબ્રિક(Rote Fabrik)માં પ્રફુલ્લભાઈએ એક જગ્યા મેળવી. ઝૂરિક સરોવરના કિનારે આવેલા આ સ્થાનમાં આરંભમાં વણાટકામની ફૅક્ટરી હતી. એ ફૅક્ટરી બંધ પડતાં ત્યાંની સરકારે તે જગ્યા મેળવી રાહતાના દરે કલાકારોને ભાડે આપવાનું શરૂ કર્યું હતું. આ જગ્યા પ્રફુલ્લભાઈનો સ્ટુડિયો બની ગયો. અહીં પ્રફુલ્લભાઈની કલાનો સંપૂર્ણ વિકાસ થયો. એમણે ભારત, ઇંગ્લૅન્ડ, અમેરિકા અને યુરોપના અનેક। દેશોની પ્રતિષ્ઠિત ગૅલેરીઓમાં વિવિધ ચિત્ર પ્રદર્શનો યોજ્યાં.
ઈ.સ. 2022માં એક ગોઝારી ઘટના બની. પ્રફુલ્લભાઈ દુકાનમાંથી ખરીદી કરીને ઘેર આવતા હતા ત્યારે ઠેસ વાગતાં તેઓ નીચે પડી ગયા. તેમનું માથું પથ્થર સાથે અફડાતાં ખૂબ લોહી નીકળી ગયું. રસ્તા પરથી પસાર થતી કોઈ નર્સે એમ્બુલન્સ બોલાવી અને પ્રફુલ્લભાઈના થેલામાંની ડાયરીમાંથી દીકરાઓના ફોન નંબર મેળવી સૌને બનાવની જાણ કરી, હૉસ્પિટલમાં બે-ત્રણ દિવસની સારવાર દરમિયાન સ્વજનોની ઉપસ્થિતિમાં તેમનું નિધન થયું. 2022માં 15મી જૂન પૂર્ણિમાના દિવસે ચંદ્રના તેજમાં પ્રફુલ્લભાઈના આત્માનું તેજ જ્યોતિ સ્વરૂપે વિલીન થઈ ગયું.
દેશ અને દુનિયાએ એક અનોખો ચિત્રકાર ગુમાવ્યો. એમની સ્મૃતિમાં ‘ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ’ ‘ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવોર્ડ’ એમની પ્રથમ પુણ્યતિથિએ આપણા ગૌરવવંતા ચિત્રકાર અમિત અંબાલાલને આપી રહ્યું છે અને સોનામાં સુગંધ ભળે તેમ એ ઍવોર્ડ પ્રફુલ્લ દવેના સાથી-મિત્ર અને વિખ્યાત ચિત્રકાર અને સાહિત્યકાર ગુલામમોહમ્મદ શેખને હસ્તે 15મી જૂને, પ્રફુલ્લભાઈની પ્રથમ પુણ્યતિથિએ આપી રહ્યું છે, ત્યારે પ્રફુલ્લભાઈની દિવ્ય ચેતનાને વંદન કરું છું.
સૌજન્ય : ‘કલાપ્રતિભા’, “વિશ્વવિહાર”; જૂન 2023; પૃ. 14-15