
સંજય ભાવે
મારા પુસ્તક સંગ્રહને હું મારી અમીરી અને ઐયાષી બંને ગણું છું. મારા સંગ્રહમાં કેટલાંક ઉત્તમ પુસ્તકો સ્નેહીઓ તરફથી મળેલી ભેટ છે. આ ભેટ-કથાઓની વાત અહીં આભાર, આનંદ અને અચંબાના ભાવ સાથે મૂકી છે. તેમાં અલબત્ત અતીતરાગ પણ ખરો.
અહીં મારી, એટલે કે એક એવા માણસની ઓશિંગણ ભાવે કરેલી સાંભરણ છે કે જેના માટે વર્ષો સુધી જીવનાના કેન્દ્રસ્થાને પુસ્તકો છે. એ ભલે પ્રકાંડ વાચક ન હોય. એ પુસ્તકોનો આરાધક છે. એને વર્ષો લગી ભેટ આપવા-લેવામાં પુસ્તકો સિવાય કશું હોઈ શકે એ સૂઝતું જ ન હતું. પણ એના માટે કે એના કેટલાંક પુસ્તક રસિયા સમકાલીનો માટે પુસ્તકો આંગળીને ટેરવે થોડાક દિવસોમાં ઘરનાં ઉંબરે હાજર થતાં ન હતાં. સારાં પુસ્તકો મેળવવા માટે ભારે જહેમત ઊઠાવવી પડતી. પણ છતાં લોકો પુસ્તકો વાંચતાં-વસાવતાં. વાંચવાનું પુસ્તકો અને છાપાં થકી જ થતું અને એ ખૂબ ગમતું. કૉલેજ અને યુનિવર્સિટીની લાઇબ્રેરીઓ અને શહેરનાં જાહેર ગ્રંથાલયો ભારે મહત્ત્વની જગ્યાઓ હતી.
· મેઘાણી બંધુઓની મહેર

જયંત મેઘાણી
પુસ્તકો અને તે આપનાર એમ બંને રીતે મને અત્યાર સુધી મળેલી સર્વશ્રેષ્ઠ ભેટ એટલે ગ્રંથજ્ઞ જયંત મેઘાણીએ આપેલા Will and Ariel Durant (ડ્યુરાન્ટ) લિખિત The Story of Civilizationના 11 ખંડો. માન્યામાં ન આવે, પણ જયંતભાઈ આ ગ્રંથો ચાર વર્ષ પૂર્વે મારા ઘરે આવીને, રિપીટ મારા ઘરે આવીને આપી ગયા હતા. બન્યું એવું કે એક વખત ફોન પર વાત વાતમાં તેમણે એ ગ્રંથો જેને આપી શકાય તેવી યોગ્ય વ્યક્તિ કે લાઇબ્રેરી અંગે મને પૂછ્યું. Durants તો કૉલેજ કાળથી મારા intellectual iconsમાં હતા. આ ગ્રંથોનાં દર્શન ગ્રંથાલયોમાં કર્યાં હતાં, તેનાં પાનાં પલટાવ્યાં હતાં. વિલે લખેલી Pleasures of Philosophy અને એરિયલે લખેલી Dual Autobiographyના હિસ્સા વાંચ્યા હતા. એટલે જયંતભાઈના સવાલનો મારામાં શક્ય એટલી ધૃષ્ટતાથી જવાબ આપ્યો હતો : ‘જયંતભાઈ, એ યોગ્ય વ્યક્તિ તો હું જ છું.’ અલબત્ત, જયંતભાઈ જેવી વ્યક્તિ સાથે આટલી જાડી રીતે વાત ન થાય એ તરત ધ્યાનમાં આવ્યું અને મેં મારી રીતે વાતનું સમારકામ કર્યું : ‘ના … એટલે આ તો તમને જેમ ઠીક લાગે તેમ …’ વગેરે. પણ જયંતભાઈનો સામે જે મૃદુ સ્વરે જવાબ મળ્યો : ‘તમારે જોઈતા હોય તો એનાથી રૂડું વળી શું હોય ?’ પછી મેં કહ્યું કે એકાદ અઠવાડિયામાં કોઈ મિત્રની કારમાં આવીશ અને લઈ જઈશ. પણ મને ઓળખનારા જાણે છે કે કંઈક કરવા વિશે મારા બોલવાની ઝડપ અને ખરેખર એ કરવાની ઝડપ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જયંતભાઈને પણ એનો અનુભવ હતો, અને અનુભવે શીખનારા તેઓ 21 સપ્ટેમ્બર 2018ની એ મંગળપ્રભાતે દસેક વાગ્યે એક મોટી સ્વચ્છ-શ્વેત મોટરમાં આવ્યા, સાવ અચાનક. જંગમ ગ્રંથો ગાડીમાંથી જાતે ઊતાર્યા. જાણ કરીને આવ્યા હોત તો – તેમને ગમતા શબ્દોમાં કહું તો – પત્ની મેઘાને ‘લાપસીના આંધણ મૂકો’ એમ કહ્યું હોત. તેમણે કહ્યું ‘ઉતાવળમાં છું.’ પાંચ મિનિટ બેસીને શરબત પીધું. મેં કહ્યું કે પુસ્તકો પર લખી આપો, એટલે જયંતભાઈએ લાક્ષણિક હેતભર્યા મલકાટ સાથે કહ્યું : ‘અરે એવું તો કંઈ હોય !’ એક ટચૂકડી ખીસાપોથી પણ ‘સંજય શ્રીપાદ ભાવે તરફથી સપ્રેમ ભેટ’ એવો સિક્કો લગાવીને ભેટ આપનાર મને આ જ્ઞાનરાશિ ભેટ આપનાર જયંતભાઈ સામે હું ફરી એક વખત નતમસ્તક થઈ ગયો, પણ પગે લાગવા દે તો એ જયંતભાઈ નહીં ! જયંતભાઈ મને આપેલી ગ્રંથમાળાની કિંમત 499 ડૉલર છે. એટલે કે જે દિવસે એમણે મને એ આપી આપ્યાં ત્યારે તે પુસ્તકોની કિંમત 36,000 રૂપિયા (રિપીટ છત્રીસ હજાર રૂપિયા) હતી, અને આમ તો એ અમૂલ્ય જ છે.
આ ગ્રંથો આવ્યા, જયંતભાઈ ઘરેથી નીકળી ગયા. પણ હું કેટલોક સમય મંત્રમુગ્ધ રહ્યો. ગ્રંથોને ઘરના પહેલા માળે આવેલાં મારા રૂમમાં અદબભેર લઈ ગયો. તેમને મારા ટેબલ પર ગોઠવ્યા તો અરધું ટેબલ ભરાઈ ગયું. મન તો પૂરું ભરાયેલું જ હતું. એકાદ અઠવાડિયું તો હું એ ગ્રંથોને દરરોજ જોતો, એકાદ ખંડ ઉપાડીને પાનાં ફેરવતો, બ્રાઉઝ કરતો — ક્ષમતા એટલી જ હતી અને છે !
એ રાત્રે, આભાર અને આનંદ વ્યક્ત કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી. તેના પર જે કમેન્ટ્સ આવી તેનાથી મને મારા અવકાશી મિત્રવર્તુળ પર એટલા માટે માન થઈ ગયું કે તેમાં ડ્યુરાન્ટને જાણનારાં, અને તેની ગ્રંથમાળા જયંતભાઈ પાસેથી મને મળે તેની મહત્તા સમજનારાં ઘણાં હતાં.
જયંતભાઈએ મારી પોસ્ટને આપેલા પ્રતિભાવ આ હતો : ‘જીવનના એક તબક્કે અસબાબ ઓછો કરવાની પ્રક્રિયામાંથી પસાર થતી વખતે નાના પુસ્તક-સંગ્રહમાંથી પણ કેટલુંક બાદ કરતો ગયો. જેને છોડતાં જીવ ન ચાલે એવાં પ્રિય સોબતી સમાં કેટલાંક પુસ્તકો પણ જવા દેવાનાં હતાં. વિલ ડુરાંનો ‘ધ સ્ટોરી ઓફ સીવિઈલાઇઝેશન’નો મહામૂલો સંપુટ તો કેમ છૂટે? અમેરિકાની એક બુક ક્લબ પાસેથી મામુલી દામે મેળવેલા એ ગ્રંથો ચાલીસ વરસથી મારી જ્ઞાનપ્રીતિને ઊજાળી રહ્યા હતા, મારા પરિસરમાં મૂગું જ્ઞાનગૌરવ સીંચી રહ્યા હતા, પરિશીલનનાં ઊંચાં ધોરણો અંગે ખબરદારી ધરતા રહ્યા હતા. એ નરી નિર્જીવ જણસો નહોતી, એ ગ્રંથો મને જ્ઞાનગૌરવના પાઠ આપનાર સોબતી હતા. પુસ્તકો વસાવનારાઓનો અનુભવ છે કે ‘ક્યારેક નિરાંતે વંચાશે’ એમ માનીને કેટલાંક સાથે અંતરંગ નાતો બંધાઇ જાય. એવું બન્યું કે વાંચવા ધારેલાં ઘણાં પુસ્તકો જીવનપ્રવાહમાં મૌન, એકલવાયા સોબતી રહી ગયા. ડુરાંના આ મહાગ્રંથો એમાંના. એને વિદાય કરતા જીવ ન ચાલે, પણ એમને ક્યાંક મોકલવાના તો હતા જ. સંજયભાઇને જ પૂછ્યું, ‘છે કોઇ સુપાત્ર ખ્યાલમાં?’ અને આશ્ચર્ય વચ્ચે એમણે કહ્યું, ‘અરે, હું જ …’ અને મને થયું, જે પૃષ્ઠમંડળ મારા પરિસરમાં આટલો કાળ જ્ઞાન-પરિમલ પ્રસરાવતું રહ્યું, જ્ઞાન-ઉપાસનાનો મર્મ મને સમજાવતું રહ્યું એને આથી વધુ યોગ્ય આવાસ કયો મળશે? મારી અત્યંત પ્રિય જણસને વળાવતાં એમ જ થયું કે બાજુના જ ખંડમાં એ વસવાની છે – બસ, એથી જરા ય ઓછો ભાવ મને ન થયો. આ બધી વાત ચાલી તેમાં ‘આપ્યા’ શબ્દ આવ્યા કર્યો એ મને ખૂંચે. જે પ્રતીતિ અંતરે આકાર લીધી છે એ કહું : કોઇ વસ્તુ ‘આપવી’ કે ‘લેવી’ એ શબ્દો જ મને અસ્થાને લાગ્યા છે. ‘આપીએ’ છીએ ત્યારે જે ભાવ હોય છે એ ‘લેવા’નો હોય છે. એ આ કિસ્સામાં આબાદ રીતે ચરિતાર્થ થયો છે. આ પ્રક્રિયા માટે આગવા અર્થસભર શબ્દની શોધમાં છું.
આટલાં વરસો સુધી મારા એ ગ્રંથમિત્રોની ઓળખ આ શબ્દોમાં આપતો રહ્યો : કોઇપણ પાનું ખોલો તો એમાં નવલકથાનો રસ છલકાતો હોય. સાઠ વરસ સુધી ઇતિહાસ ડહોળ્યા પછી એ લેખકે જગત-સાહિત્યની ચિરંજીવ કૃતિઓનું સેવન આદર્યું. પરિણામે ‘ઇન્ટરપ્રિટેશન્સ ઑફ લાઇફ’ નામે પ્રત્યેક સાહિત્યપ્રેમીના સંગ્રહમાં શોભીતું સ્થાન પામે એવું પુસ્તક આપ્યું. (અહીં અલભ્ય એ પુસ્તકની જૂની નકલો અમેરિકામાં એમેઝોન પર પાણીના મૂલે પ્રાપ્ય છે.) સંજયભાઇને કહીએ કે જ્ઞાનની કથાના આ મહાન પ્રકરણ વિશે — વિલ અને એરીઅલ ડુરાંની અનેરી જુગલબંદી વિશે આપણને માંડીને વાત કરે.’
જયંતભાઈએ તેમના પ્રતિભાવમાં Interpretations of Life નામના જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે એ તો મને જ પૂર્વે આપી ચૂકેલા. વિલ ડ્યૂરાન્ટ મારે ત્યાં આવ્યા પછી હું એક વાર ભાવનગર ગયો હતો. એ વખતે તેમના પુસ્તકોમાં ‘કાલેલકર ગ્રંથાવલી’ જોઈ, અને મારી મોંમાંથી અમસ્તું જ નીકળી ગયું : ‘આ બહુ સરસ છે. હવે મળતી નથી.’ એમણે એ મતલબનું કહ્યું, ‘તમારે જોઈતી હોય તો લઈ જાઓ, હવે હું બધું ઓછું કરતો જાઉં છું ….’ હું તો સદાયનો પુસ્તકભૂખ્યો. માવતરની મહેરથી દરેક માળે સેંકડો પુસ્તકો મૂકી શકાય એવડું ત્રણ માળનું ઘર. એટલે ભાવનગરથી કાકાસાહેબને એસ.ટી. બસમાં બેસાડીને લઈ આવ્યો. પુસ્તકોના ઘોડા પર ડ્યુરાન્ટની બાજુમાં કાલેલકર બિરાજ્યા !
અંગ્રેજીમાં જેને Books about books કહે છે તે પુસ્તકો વિશેનાં પુસ્તકો એ ખાસ પ્રકાર અસ્સલ પુસ્તક સંગ્રાહકોની જણસ હોય છે. આ પુસ્તકો ઓછાં હોય છે, ઘણી વાર દુર્લભ. જયંતભાઈને અને મને આવાં પુસ્તકો ભેગાં કરવાનો શોખ. જયંતભાઈએ મને આપેલ Books about books આ મુજબ છે : મારા એક આરાધ્ય વ્યક્તિ વિશેનું ‘મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય’ (પુરુષોત્તમ છગનલાલ શાહ, 1942), પ્રકાશનગૃહને પાચસો વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે લખાયેલું Oxford University Press : An Informal History ( Peter Sutcliff, 1978), જે એક વિષય પરનું પુસ્તક આપણી ભાષામાં આવે એવું જયંતભાઈનું એક સ્વપ્ન હતું તે જ્ઞાનના ઇતિહાસ પરનું જગવિખ્યાત પુસ્તક A History of Knowledge (Charles Van Doren, 1992), બહુ જ ખાસ વિષય પરનું નોખી દૃશ્યસામાગ્રીવાળું Books and Printing : A Treasury for Typophiles (edited by Paul A. Bennett,1958) અને લખાણ કરતાં વધારે દૃશ્યસામગ્રી ધરાવતું ફ્રાન્સના વિશ્વવિખ્યાત Galliamard પ્રકાશકે બહાર પાડેલું Writing : The Story of Alphabets and Scripts (Georges Jean, tr. Jenny Oates,1987). ફ્રેન્ચમાંથી અનુવાદિત આ પુસ્તક જયંતભાઈએ એ જ નાનાં કદમાં ઝેરોક્સ કરાવીને સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવીને આપ્યું છે. આવી રીતે મૂળ પુસ્તક જેવું જ પુસ્તક ઝેરોક્સ કરીને રાખવાનો કે ભેટ આપવાનો નુસખો પછી હું પણ અજમાવતો થયો.
જયંતભાઈએ મને એક પુસ્તક એવું આપ્યું છે કે જે ગુજરાત તો શું આખા ભારતમાં જૂજ વ્યક્તિઓ પાસે હશે – ઝવેરચંદ મેઘાણીની ‘વેવિશાળ’ નવલકથાનો એકાવન વર્ષથી પેરિસમાં રહેતા ઍસ્ટ્રોફિઝિક્સના પૂર્વ અધ્યાપક-સંશોધક મોઇઝ રસ્સીવાલાએ ફ્રેન્ચ ભાષામાં કરેલો અનુવાદ Fiancailles (2004). જયંતભાઈ થકી મોઇઝભાઈને રૂબરૂ મળીને તેમના આ કામ વિશે ‘નવગુજરાત સમય’ દૈનિકની મારી કૉલમમાં લખવાનું પણ થયું હતું.

મહેન્દ્ર મેઘાણી
મારા માટે સર્વાર્થે વડીલ એવા મેઘાણી બંધુઓ તરફથી મને પુસ્તકરૂપ આશિષો પચીસેક વર્ષથી મળતી રહી છે, જેની શરૂઆત 1996-97ના ગાળામાં મહેન્દ્રભાઈથી થઈ. મહેન્દ્રભાઈ મને નજીકનો ગણવા લાગ્યા પછી કેટલીક વખત હું મળું એટલે ‘લોકમિલાપ’નું એ સમયે આવેલું નાનકડું પુસ્તક ભેટ આપે,ને તે એવું સરસ હોય કે તેમાં આપેલી યાદીથી હું બીજાં પુસ્તકો ખરીદવા પ્રેરાઉં. મહેન્દ્રભાઈ અમેરિકાથી ત્રણ વખત મારા માટે પુસ્તકો ભેટ લાવ્યાં હતાં : મોટાં કદનાં અનુક્રમે 832 અને 560 પાનાંનાં સંપાદનો The Book of Virtues: A Treasury of Great Moral Stories (1993) અને Voices of Protest : Documents of Courage and Dissent(2007); અને Books about Booksનો મારો રસ જાણીને લાવેલાં તે Biblioholism : The Literary Addiction (Tom Raabe 1991) અને The Read Aloud Handbook (Jim Trelease,1979). આમાંથી ટ્રિલીઝનું કામ મહેન્દ્રભાઈના સમૂહવાચન અને વાચનયાત્રાના કામને ઘણું મળતું આવે છે, એટલું જ નહીં પણ મહેન્દ્રભાઈના વાચન-મિશનની એકેડેમિક અને મનોવૈજ્ઞાનિક અગત્યતા ટ્રિલીઝમાંથી સમજાય છે. મહેન્દ્રભાઈ પાસેથી મળેલી આખરી ભેટ પણ સૂચક હતી ‘મેઘાણી : સ્મરણમૂર્તિ’ એ તેમણે સંપાદિત કરેલાં ખૂબ અગત્યનાં પુસ્તકની ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રસિદ્ધ કરેલી નવી આવૃત્તિની નકલ. તેની પર તેમણે ક્ષીણ આંખે અને ખૂબ ધ્રૂજતા હાથે લખ્યું : ‘ઘણા ઘણા સ્નેહ સાથે મહેન્દ્ર મેઘાણી, 05-11-21’.

અશોક મેઘાણી
અમેરિકામાં સ્થાયી થયેલાં અશોક મેઘાણી તેમના બધા અનુવાદ મને મોકલતા રહ્યા છે. તેમાં The Himalaya : A Cultural Pilgrimage (કાકાસાહેબ કાલેલકરના ‘હિમાલયનો પ્રવાસ’નો અનુવાદ) ઉપરાંત મેઘાણીના અનુવાદ Sant Devidas : The Story of a Saintly Life (સંત દેવીદાસ), The Promised Hand (વેવિશાળ),Folk Tales from the Bard’s Mouth(રંગ છે બારોટ)નો સમાવેશ થાય છે.
વિચક્ષણ વિનોદ મેઘાણીએ તેમનું વિખ્યાત પુસ્તક ‘સળગતાં સૂરજમુખી’ ભેટ-વચન (inscription) લખીને આપ્યું છે. જીવનચરિત્રાત્મક નવલકથાઓના વિખ્યાત અમેરિકન લેખક અરવિંગ સ્ટોનની વાન ગૉગ પરની ક્લાસિક નવલકથા The Lust for Lifeનો સાદ્યંત સુંદર અનુવાદ એટલે ‘સળગતાં સૂરજમુખી’. ઝવેરચંદ મેઘાણીના પત્રજીવનના ‘લિ. હું આવું છું’ નામે હિમાંશી શેલત સાથે સંપાદિત કરેલાં દળદાર ખંડો ઉપરાંત પિતાજીના સાહિત્યના તેમણે કરેલાં અનુવાદના પાંચ પુસ્તકો પણ બહાર પડ્યાં પછી તરત જ મને મોકલ્યા છે. કામમાં અને માણસ-પસંદગીમાં ઊંચાં ધોરણ ધરાવતા સાચા અર્થમાં વિરલ વ્યક્તિ વિનોદભાઈ મને હંમેશાં પુસ્તક ભેટ આપવાની યોગ્યતાના ગણે છે તેનું મને ગૌરવ રહેતું.

વિનોદ મેઘાણી
‘સળગતાં સૂરજમુખી’ અને વિન્સેન્ટનાં ચિત્રો પરના વિનોદભાઈના અદ્દભુત સ્લાઈડ-શોની મારા પર ભૂરખી હતી. એટલે ગૉગના ચિત્રોના ચાર ખંડોના કૅટેલોગ જોવા માટે હું મુંબઈમાં જૂહૂ ચોપાટી પર આવેલાં વિનોદભાઈના સરસ ફ્લૅટ પર ગયો હતો. આમસ્ટારડામમાં પ્રસિદ્ધ થયેલાં ચિત્રગ્રંથો જોયા બાદ મેં પૂછ્યું કે ‘આ મારે વસાવવા હોય તો ક્યાંથી મળે ?’ અધઝાઝેરી દુનિયાનો દરિયો ખેડીને નિવૃત્ત થયેલાં વિનોદભાઈએ કહ્યું કે ‘તમે આ લઈ જાઓ. હું આમસ્ટારડામથી બીજો સેટ મગાવી લઈશ.’ આ ચિત્રગ્રંથો વસાવવાનો (અ) વિચાર મેં એટલા માટે કર્યો કે તેની કિંમત મને મારા ખીસાને પરવડે તેવી લાગી હતી. કિંમતની ગણતરીમાં મેં ભૂલથી એક મીંડું ઓછું ગણ્યું હતું અને કંઈક પચાસ હજારની કિંમતના એ ગ્રંથો પાંચેક હજારના થતા હતા. મેં વિનોદભાઈને કહ્યું કે ‘એકાદ-બે દિવસમાં પૈસા આપીને લઈ જઈશ.’ એમણે એમના સ્વભાવ મુજબ મને એ પુસ્તકો બંધાવી દીધાં, કહ્યું પૈસા પછી આપજો. બસમાં દાદર તરફ પાછાં જતાં મેં ગણતરી કરી, બે વખત કરી. તે જ ક્ષણે બસમાંથી હેઠો ઊતરી ગયો. પાછો વિનોદભાઈને ત્યાં ગયો. એ પુસ્તકો પાછાં લેવા તૈયાર નહીં. મેં પૈસાની વાતનો ફોડ પાડ્યો એટલે (અદ્દલ ગ્રંથાગારવાળા નાનકભાઈની જેમ) કહે ‘પછી આપજો, ટુકડે ટુકડે સગવડે આપજો.’ પણ મેં ધરાર ના પાડી, વાન ગૉગની કિંમત હવે મને બરાબર સમજાઈ ચૂકી હતી. આખરે વિનોદભાઈ કહે ‘તો મારા તરફથી ભેટ ગણી લેજો.’
આ દરિયાદિલ ઇન્સાનની ભેટનો મેં ઇન્કાર કર્યો તેનો મને રંજ છે, પણ સાથે એ વખતે ઋણમુક્ત રહ્યાનો દિલાસો પણ છે. એ વખતે વિનોદભાઈનો અને મારો સ્નેહ પછીનાં વર્ષોમાં બંધાયો એટલો નિકટનો નહીં. પહેલાં તો તેમને માત્ર ‘સળગતાં સૂરજમુખી’ અને સ્લાઇડશોને કારણે ઓળખતો, મળવાનું બે-ત્રણ વખત જ થયું હતું. આટલા ટૂંકા પરિચયમાં આટલા મોંઘા ચિત્રસંપુટ સ્વીકારવા જેટલો લવચિક કે લોભી હું નહોતો. ખબર નહીં,જયંતભાઈની જેમ દાયકાએકના સ્નેહસંબંધ બાદ તેમણે મને વિન્સેન્ટનાં કૅટલોગ આપ્યાં હોત તો મેં તે સહર્ષ લઈ પણ લીધાં હોત, અને આ નોંધ કંઈક જુદી જ હોત!
· પુ.લ. દેશપાંડેનાં પુસ્તકો
મહારાષ્ટ્રમાં પુ.લ. એવા લોકલાડીલા નામે ઘરેઘરે વંચાતાં મરાઠી લેખક પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે મારા સહુથી પ્રિય લેખક. તેમના પ્રસિદ્ધ થયેલાં પહેલાં પુસ્તકની પહેલી આવૃત્તિની એક નકલ તેમણે મને ભેટ-નોંધ અને સહી સાથે આપી છે. તે મારા પુસ્તકવૈભવમાંનું અમૂલ્ય ઘરેણું છે. મારી પાસે સોનાચાંદી નથી, પણ આ પુસ્તક અને પુ.લ.ના બે પત્રો છે. આ પુસ્તક એટલે 1948માં પ્રસિદ્ધ થયેલું પુ.લ.નું નાટક तुका म्हणे आता. પુ.લ.ના પુનાના ઘરે અગાઉ સમય નક્કી કરીને 17 માર્ચ 1988ની સવારે મળવા ગયો હતો. પત્ની સુનિતાબહેને મળવાની સંમતિ આપતી વખતે ફોન પર કહ્યું હતું કે ‘આવો, ભાઈ (પુ.લ.નું ઘરનું નામ) પંદર-વીસ મીનિટ મળશે.’ વાતચીત દરમિયાન મેં પુ.લ.ને કહ્યું કે ‘મારી પાસે તમારાં બધાં પુસ્તકો છે, સિવાય કે तुका म्हणे. એટલે મેં તેની લાઇબ્રેરી પ્રતની ઝેરોક્સ કઢાવી છે.’ એટલે એમણે સુનિતાબહેનને કહેતાં બહેન અંદરના ઓરડામાંથી તરત જ પુસ્તક લઈને આવ્યાં અને પુ.લ.એ તે સહજભાવે મને આપ્યું.

પુ.લ. દેશપાંડે
પુ.લ.નાં તમામ પુસ્તકો મેં કેવી રીતે વસાવ્યાં છે તેની ખરેખર તો મને પોતાને વાગોળવી ગમે તેવી કથા છે. તેમાંથી पु.ल. एक साठवण નામના પુ.લ.ના ચૂટેલાં લખાણોનું વિખ્યાત હાસ્ય-કટાક્ષ લેખક જયવંત દળવીએ કરેલું અત્યુત્તમ સંપાદન મને મારાથી દસેક વર્ષ મોટી ઉંમરના મારા મુંબઈની બૅન્કમાં નોકરી કરતાં પિતરાઈ ભાઈ સુધીર ભીડેએ જાન્યુઆરી 1980માં ભેટ આપ્યું છે, તેની પર કશું ય લખ્યા વિના. પુસ્તક માટેની આગોતરા ગ્રાહક યોજના મુંબઈના મૅજેસ્ટિક પ્રકાશને જાહેર કરી હતી. પુ.લ. માટેની મારી ઘેલછાને બરાબર યાદ રાખીને, વર્ષમાં એકાદ જ વખત મળતાં સુધીરદાદાએ મારા માટે આ પુસ્તક નોંધાવ્યું, મેળવ્યું અને છ-એક મહિને અમે મળ્યાં ત્યારે મને આપ્યું. તેના થકી મને પુ.લ. જેવા મહાન લેખકના મારા માટે અપરિચિત એવા કેટલાંક પાસાંનો પરિચય મેળવ્યો જે પછીના વર્ષોમાં મેં વધાર્યો. આજે આટલાં વર્ષે પણ એ પુસ્તક હાથમાં લઉં ત્યારે રોમાંચ થાય છે, સુધીરદાદાને હું મનોમન નમસ્કાર કરું છું. જો કે દૂધમાં મીઠાનો ગાંગડો એટલે પુસ્તકની મારી પાસેની નકલનું આવરણ. એક મૂર્ખ અને અણઘડ બાઇન્ડિન્ગવાળાએ અત્યંત બોલકું મુખપૃષ્ઠ દૂર કરીને જાડ્ડૂં કાળું ડિબાંગ પૂઠું એની પર લગાવી દીધું છે. અત્યારે તેની પર આછા પીળાં રંગનાં ટીલાં છે. એ ટીલાં ચંદનનાં છે. એમાં એવું છે કે દર વર્ષે દશેરાના દિવસે અમારા ઘરે પાટીપૂજન-સરસ્વતી પૂજન અને ઓજાર પૂજન હોય છે. તેમાં પ્રાજક્ત્તા, મેઘા અને હું પ્રતીકાત્મક રીતે પુસ્તકો, પેનો, કમ્પ્યુટર, સંગીતનાં સાધનોની ગંધાક્ષતપુષ્પથી પૂજા કરીએ છીએ. હું નોટબુક અને પેનની સાથે જે પુસ્તક મૂકું છું તે पु.ल. एक साठवण. અમે ત્રણેય આસ્તિક નથી, પણ જે બાબતોએ અમને ઘડ્યા છે, ટકાવ્યા છે, આનંદ અને સંતોષ આપ્યો છે તેમના પ્રત્યેનો આદર અમે મનોભાવે વ્યક્ત કરીએ છીએ. સુધીરદાદા આ વર્ષે એપ્રિલમાં મારે ત્યાં આવ્યા ત્યારે વિખ્યાત મરાઠી નવલકથાકાર ગો.ની. (ગોપાલ નીલકંઠ) દાંડેકરની ચાર નવલાકથાઓ મારા માટે લેતા આવ્યા.
પુ.લ.નાં છ-સાત પુસ્તકો પણ અનપેક્ષિત રીતે મળ્યાં. એ પુસ્તકોની જાહેરખબર અમદાવાદમાં મારા ઘરે આવતાં એક ઓછા જાણીતા મરાઠી માસિકમાં આવી હતી. એ અરસામાં મારાં એક દિવંગત ફોઈની દીકરી સુનીતાતાઈની પહેલી સુવાવડ માટે એના મામા-મામી એટલે કે મારાં મમ્મી-પપ્પા અમદાવાદમાં અમારે ઘરે કરાવવાના હતાં. એટલે એમને મૂકવા આવનારા મારા બનેવી અરુણ હિરેવેને મેં એ પુસ્તકો ખરીદીને પુણેથી અમદાવાદ આવતી વેળા લઈ આવવાની વિનંતી કરી, એ લઈ આવ્યા એટલું જ નહીં પણ મારી પાસેથી પૈસા ય ન લીધા, જે એ વખતે આમે ય ઓછા જ રહેતા.
· પરખંદા વિદ્યાર્થીઓ…
મારા વિદ્યાર્થીઓ મને પુસ્તક ભેટ આપે એનો મને ખૂબ આનંદ રહ્યો છે. અલબત્ત, ‘મારા વિદ્યાર્થીઓ’ શબ્દપ્રયોગમાં હું મારી સહેજેય વશેકાઈ ગણતો નથી. કોઈ એક વ્યક્તિ ‘મારો વિદ્યાર્થી’ કે ‘મારી વિદ્યાર્થિની’ છે એવું કહેવાનું ટાળું છું, ‘અમારી કૉલેજના’ એવું કહેવાનું પસંદ કરું છું. કોઈ યુવક કે યુવતી મારા વર્ગમાં મારા વિષયનું ભણવા માટે બેઠા હોય એ કેવળ એક અકસ્માત જ હોય. એ ભણ્યા એવું એમને માનવું કે કહેવું હોય તો ભલે, બાકી મેં ભણાવ્યું એવો દાવો મેં ક્યારે ય કર્યો નથી. વળી, મારી પ્રતીતિ છે કે આપણા સમાજમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મોટા ભાગના શિક્ષકોને એમની યોગ્યતા કરતાં વધુ માન આપે છે. અધ્યાપન વ્યવસાય માટેના મારા આવા બે ખ્યાલ છતાં વિદ્યાર્થીઓએ મને પુસ્તકો આપ્યાં હોય, કે હું આપું છું તેમ તેઓ બીજાને પુસ્તકો ભેટ આપતાં હોય તેને નાનેરી સિદ્ધિ ગણું છું, એટલા માટે કે આ સારા જેશ્ચર માટે આંગળી ચીંધવામાં મળેલી સફળતા મને એમાં દેખાય છે. વિદ્યાર્થીઓ ભણતાં હોય તે દરમિયાન તેમની પાસેથી કોઈ ભેટ લેવી નહીં એવો નિયમ રાખ્યો છે, સ્પષ્ટ કર્યો છે અને કડકાઈથી પાળ્યો છે. એટલે કેટલાંક વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓએ પાસ થયાં પછીનાં વર્ષોમાં મને પુસ્તકો ભેટ આપ્યાં છે. એ વખતે 19-20 વર્ષનાં એ છોકરા-છોકરીઓની જે પસંદગી મારા માટે ધન્યતા આપનારી શા માટે તે હતી તે આ યાદી પરથી સમજાશે.
સ્વામી આનંદનાં ‘ઇશુનું બલિદાન’, ‘કુળકથાઓ’ અને ‘સંતોના અનુજ’ (ચાર્મી, જિજ્ઞેશ, નિશા, ભક્તિ, રાધિકા, હર્ષ); ક્રિકેટ પરનું ક્લાસિક Beyond a Boundary : C L R James અને બહુ આકર્ષક The Illustrated Foods of India A-Z : K T Achaya (શ્રીરામ), The Idea of a University : Apoorvanand ed. (અઝીઝ) અને What the Nation Really Needs to Know : The JNU Nationalism Lectures (વિજયસિંહ).
આ પુસ્તકો આપનાર બધાં (શ્રીરામ સિવાય) શ્રી એચ.કે. આર્ટસ કૉલેજમાં ભણેલાં છે, પંદર-વીસ વર્ષ બાદ પણ હજુ ય અમારાં ઘરનાં છોકરાં જેવાં છે, એવાં બીજાં પણ થોડાં છે. અઝીઝ તો વળી એમનાથી પણ અઝીઝ. તેજસ્વી અને ઊંડી સામાજિક નિસબત ધરાવનારો ડાબેરી ઝૂકાવવાળો અઝીઝ એક વાર અમદાવાદ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન સાંભળવા ગયો હતો. ત્યાં અપૂર્વાનંદનું સંપાદન ખાસ વળતરથી મળશે એવી જાહેરાત સાંભળીને અઝીઝે મારા માટે પુસ્તક લઈ લીધું. પોતાના ઘરે પાંચ સાત હજાર નિવડેલાં પુસ્તકો વસાવનાર પુસ્તકઘેલા શ્રીરામ સાથે અવનવાં પુસ્તકોની વાતો થાય. એમાં મેં વાતવાતમાં ઉપરોક્ત બે પુસ્તકોનો ઉલ્લેખ કર્યો અને એ એણે મારા માટે અલગ અલગ સમયાંતરે લાવીને ભેટ આપ્યા.
શ્રી એચ.કે. આર્ટ્સ કૉલેજમાંથી અધ્યાપક તરીકે ફાજલ થઈને હું લાલ દરવાજાની લકી રેસ્ટૉરન્ટની બરાબર સામે આવેલી સરસ કૉલેજ સી.યુ. શાહ સિટી આર્ટસ કૉલેજમાં પોણા ત્રણ વર્ષ માટે ગયો હતો. એચ.કે.ના વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર 2003માં મારો લાગણીસભર વિદાય સમારંભ યોજ્યો હતો. તેમાં મને જયંત મેઘાણીએ સંપાદિત કરેલ ‘મેઘાણીની નવલિકાઓ’ના બે ખંડ ભેટ આપ્યા હતા.
સી.યુ. કૉલેજની અંગ્રેજી વિષયની તેજસ્વી અને સાલસ વિદ્યાર્થીની શ્વેતા રાવ એમ.એ. અને તે પછીનું ભણવા દિલ્હીની જવારલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)માં અને પછી પીએચ.ડી. માટે રૂરકીની આઈ.આઈ.ટી.માં ગઈ. ત્યાંથી તેણે 2008માં The Little Magazineના ત્રણ દળદાર અંકો મોકલ્યા, લખ્યું : Heartiest Teacher’s Day / Here is a gift from me to you. આ TLMના સંપાદક અંતરા દેવ સેન, પ્રકાશક પ્રતીક કાન્જીલાલ. દરેક કદાવર અંકમાં ત્રીસેક લેખો. લેખકો તરીકે ભારતના અનેક ક્ષેત્રોના અગ્રણી બૌદ્ધિકો જેવા કે અમર્ત્ય સેન, મીના એલેક્ઝાંડર, શશી દેશપાંડે, આશિષ નાંદી, ગણેશ દેવી, વોલ્ગા, સઈદા હમીદ અને અન્ય. ફુલબ્રાઈટ સ્કૉલર પ્રો. શ્વેતા રાવ-ગર્ગની મજાની તાજગીસભર કવિતાઓનો પહેલો સંચય Of Goddesses and Women ગયાં વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીની સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો. તે શ્વેતાએ અમદાવાદમાં યોજાયેલા તેના ચિત્રપ્રદર્શન વખતે 20 જાન્યુઆરીએ મને આપ્યો : To sir, with love’. ગુજરાતીના જાણીતા કવિ અશોક ચાવડા બી.કૉમ. પછી એચ.કે. આર્ટસમાં આવીને અંગ્રેજી સાહિત્યમાં બી.એ. થયા. અનુવાદ, વિવેચન અને સંશોધનનાં પુસ્તકો લખનાર અશોકે તેના ઘણાં કાવ્ય સંગ્રહો મને આપ્યા છે. ગયા વર્ષે તેણે મલયાલમ કવિ ઓ.એન.વી. કુરુપના ચૂંટેલાં કાવ્યોના અંગ્રેજી પરથી કરેલા ગુજરાતી અનુવાદનો સંચય ‘આ પ્રાચીનવાદ્ય’ આપ્યો .
· અધ્યાપકો તરફથી…

દિગીશ મહેતા
મારા એક પ્રિય અધ્યાપક દિગીશ મહેતાએ તેમનો લેખસંગ્રહ ‘ઇંગ્લિશ ઇંગ્લિશ!’ મને ભેટ મોકલ્યો. નર્મવિનોદપૂર્ણ અને અંગ્રેજી ભાષા શીખવા માટે સમજના સ્તરે ખૂબ ઉપયોગી એવા હળવા નિબંધોનો આ સંચય વાંચવાની મારા વિદ્યાર્થીઓને હંમેશાં ભલામણ કરું છું. આ નાનકડું પુસ્તક મારી પાસે કેવી રીતે આવ્યું તે હૃદયસ્પર્શી વાત છે. એક વખત મારી પત્ની મેઘા ઘરે આવેલાં મહેમાનોને લઈને ઇસ્કૉન મંદિરે ગઈ હતી. ત્યાં તેને સાહેબ મળ્યા. સાહેબે કહ્યું ‘ઊભાં રહેજો, એક મિનિટમાં આવું’. પછી એમની કારમાંથી પુસ્તકની નકલ લઈ આવ્યા, મેઘાને આપી. તેની પર લખ્યું છે : ‘પ્રિય સંજય અને સ્વજનોને, 20/12/99’.
કટ ટુ 13 જૂન 2001 : દિગીશભાઈના અવસાનના સમાચાર મળતાં જ રાત્રે દસેક વાગ્યાના સુમારે હું તેમના ઘરે દોડ્યો ગયો હતો. ત્યાં ખૂબ દુ:ખી તેમની દીકરીઓએ મને કહ્યું :’સંજયભાઈ, સાહેબ તો ગયા. તમને, અભિજાત (જોશી)ને ઘણી વખત યાદ કરતા ‘My Sanjay, my Abhijat ..’ એમ કહીને વાત કરતા’.
મારા મિત્રો અભિજાત તેમ જ સૌમ્ય જોશીના પપ્પા અને મારી પર ખૂબ હેત રાખનારા સહજસુંદર પ્રજ્ઞા ધરાવનારા અંગ્રેજીના પ્રા. જયંત જોશીએ Our World Through the Ages નામનો, ખૂબ દૃશ્યસામગ્રી સાથે રોચક રીતે લખયેલો ઇતિહાસગ્રંથ ભેટ આપ્યો છે. તેની વાત પણ ચોટદાર છે. કૉલેજના વર્ષોમાં યુનિવર્સિટી લાઇબ્રેરીમાં મને આ ગ્રંથ મળ્યો હતો. તિકડમો લડાવીને તે ઉનાળાની રજાઓના બે-એક મહિના રાખ્યો. તે દરમિયાન તેનો મેં સંક્ષેપ કરવાનું શરૂ કર્યું. પછી એ કામ આવાં અનેક કામોની જેમ તો છૂટી ગયું. પછી ઘણાં વર્ષે જોશી સાહેબ સાથે વાતો કરતાં આ પુસ્તકની અને તેના વિશેના મારા લગાવની વાત નીકળી. જોશી સાહેબ બહુ ઉમળકાથી બોલ્યા : Ah ! You like it so much ? माझ्याकडे आहे ते पुस्तक. दोन दिवसा पूर्वीच चाळलं होतं मी.’ પછી એ એમની રીતે ચાલતાં અંદરના રૂમમાં જઈને પુસ્તક લઈ આવ્યા, અને મને આપ્યું. તેની ઉપર કશું લખી આપે એવી એમની આંખોની સ્થિતિ ન હતી, અને મેં પણ તેમને એમ લાગવા ન દીધું. પુસ્તક ઉપર લખ્યું હતું To Kalyani with love Jayant 16/09/’64. મેં અજાણ્યા બનીને પૂછ્યું : ‘કલ્યાણી કોણ ?’ હંમેશના ‘હ્હા હ્હા..’ પછી તેમણે કહ્યું ‘ઑફ કોર્સ નીલા!’ નીલાબહેન જયંતભાઈના ખરેખર કલ્યાણી જ છે, ગયાં એકાદ દાયકાથી તો તે ખાસ જણાઈ આવે છે! જોશી સાહેબ એક વખત સાને ગુરુજી વિશે પુ.લ.એ લખેલા ‘માતૃધર્મી સાને ગુરુજી’ નામના એ દિવસોમાં દુર્લભ લેખની ઝેરોક્સ મારા માટે લઈ આવ્યા. એ તેમણે મને આપી એટલે મેં કહ્યું કંઈક લખી આપો. તેમણે લખ્યું : ‘From a fan to a fan !’
કવિ-વિવેચક હરીશ પંડિત માણસાની કૉલેજમાં મારા સાથી અધ્યાપક. તેમના વિવેચન લેખોનો સંગ્રહ ‘મિત્રસ્ય ચક્ષુષા’ તેમણે મને ‘અવલોકન નહીં લખવાની શરતે’ એમ લખીને આપ્યો હતો. આવા પંડિતસાહેબ એક વખત મને કૉલેજમાંથી આગ્રહપૂર્વક ગાંધીનગરના ઘરે જમવા લઈ ગયા. સરસ જમ્યા પછી તેમના ઘરનાં પુસ્તકો જોયાં. તેમાં ‘લોકમિલાપ’ના કાવ્યકોડિયાંના બધા સંપુટ હતા, અને બીજા ક્ર્મનો સંપુટ વધારાનો પણ હતો. હું ‘કાવ્યકોડિયા’નો દિવાનો, અને આ બીજો સંપુટ મારી પાસે હતો નહીં, અપ્રાપ્ય હતો. મેં લાજ-શરમ નેવે મૂકીને કહ્યું : ‘પંડિતસાહેબ, હું આ સંપુટો ભેગા કરું છું, અને આ બીજો સંપુટ મારી પાસે નથી. લઈ જઈ શકું ?’ તેમણે પળનો પણ વિચાર કર્યા વિના કહ્યું : ‘અરે ભાવે સાહેબે આવું પૂછવાનું જ ન હોય … એમને આપવામાં તો અમે નસીબદાર …’ વગેરે. જો કે મને પ્રશંસા કરતાં અણધાર્યા વરસાદ જેવા પંડિતજી પાસેથી ગમતાં પુસ્તકો મળ્યાં એટલે ભયો ભયો.
સી.યુ. શાહ સિટી આર્ટ્સ કૉલેજમાંથી વિદાય લીધી ત્યારે અંગ્રેજીના સાથી અધ્યાપક બહેનો ઉલૂપી, દીપિકા અને રશ્મિએ મને ગમતાં Books about books પ્રકારના ખાસ્સા મોંઘા બે પુસ્તકો ‘ક્રૉસવર્ડ’ની દુકાનમાંથી ખરીદીને આપ્યાં હતાં. મને 11 એપ્રિલ 2007ના દિવસે આપેલાં આ પુસ્તકોમાંથી ‘Book Lust’ પુસ્તક પર તેમણે લખ્યું : ‘Dear Sanjay, May your lust for books keep growing. Happy Reading’; અને ‘More Book Lust’ પર લખ્યું ‘Here is a book, as per your choice, to keep your passion for books going…and our appreciation for the same.’
એચ.કે.માં અત્યારે મારાં સાથી અધ્યાપક સરલાબહેને ચારેક વર્ષ પહેલાં વીર ભગતસિંહનું એમ.એમ. જુનેજાએ લખેલું અંગ્રેજી જીવનચરિત્ર ભેટ આપ્યું છે. તેનું મારે મન ખાસ મૂલ્ય એટલા માટે છે કે તે તેમણે અમૃતસરના જલિયાનવાલા સ્મારક પરથી ખરીદ્યું હતું. કોઈ વ્યક્તિ તેના અનેક સંપર્કોમાંથી આપણને પુસ્તક અને ભગતસિંહના સંદર્ભમાં યાદ કરે એ મારા માટે પરમ સંતોષની બાબત છે.
· મિત્રો પાસેથી મળેલાં…
અભિજાતે મને ન મળી રહેલું Letter to a Teacher by the School at Barbiana પુસ્તક, અમેરિકાની જે સંસ્થામાં એ ભણાવતો હતો તેની લાઇબ્રેરીમાંથી ઝેરોક્સ કઢાવીને મોકલ્યું હતું. ઇટાલીના આઠ ગરીબ બાળકોએ તેમના શિક્ષણ વિશે પત્ર રૂપે લખેલું આ પુસ્તક, વંચિતોના શિક્ષણના એક દાહક દસ્તાવેજ સમું છે.
બાળશિક્ષણ વિશેનું રમણીય પુસ્તક તે જાપાનનાં તેત્સુકો કુરોયાનાગીનું ‘તોત્તો-ચાન’. વિવેચક અને ગ્રંથોના જાણકાર રમણ સોનીએ કરેલો તેનો અનુવાદ ગુજરાતમાં ખૂબ વંચાયો. આ પુસ્તકનું અંગેજી પુસ્તક વાંચવાની ઇચ્છા હતી. તે અમને એક વખત પૌરવી(જોશી)ને ત્યાં હાથ લાગ્યું. બહુ નવું નહીં, ઘણું કરીને સેકન્ડ હૅન્ડ નકલ. તે વાંચ્યા પછી ફરીથી મળવાનું થયું ત્યારે પુસ્તક મેં પૌરવીને પાછું આપ્યું, એટલે એ મને કહે : ‘તમારે ત્યાં જ રાખો, તમારે ત્યાં વધારે સારી રીતે સચવાશે.’ અને એ સચવાયું પણ છે. તોત્તો-ચાન મારી દીકરી પ્રાજક્તાને પણ બહુ ગમે. પુસ્તકો ઑનલાઈન મગાવવાનો જમાનો આવ્યો એટલે તેણે પોતાની નવી નકલ વસાવી લીધી.
એક જ પુસ્તકની મારી અને પ્રાજક્તાની અલગ નકલ હોય તેવું બીજું પુસ્તક એટલે ‘84 Charing Cross Road’. પુસ્તકો વિશેના પુસ્તકોમાં પણ ક્લાસિક. પુસ્તકનું નામ તે લંડનના એક પુસ્તક ભંડારનું સરનામું. ન્યુયૉર્કના ફ્રી-લાન્સ લેખક હેલેન હૅન્ફ આ સરનામે આવેલા ‘માર્ક્સ ઍન્ડ કોહેન, બુકસેલર્સ’ નામના પુસ્તક ભંડારને પત્રો લખીને પુસ્તકો મગાવતાં. આ પત્રસંબંધ 3 નવેમ્બર 1949થી બે દાયકા દરમિયાન 78 પત્રોમાં વિસ્તરે છે. આ અનોખા પુસ્તક વિશે મેં વાંચ્યું હતું. જયંતભાઈને ત્યાં પહેલી વાર ગયો ત્યાં તે હાથ લાગ્યું. બે-એક કલાકમાં તો વાંચી લીધું, આનંદ આનંદ થઈ ગયો. જયંતભાઈને કહ્યું ‘આની પર તો લેખ લખવો જ રહ્યો.’ એટલે જયંતભાઈ કહે ‘લઈ જાઓ’. પણ મેં એ વખતે દુર્લભ જણાતું પુસ્તક લઈ જવાની હિમ્મત ન કરી.
થોડાં વર્ષો પછી, મારા માટે ખૂબ લાગણી ધરાવનાર ‘લૉર્ડ’ વિપુલ કલ્યાણીએ લંડનથી ફોન પર પૂછ્યું : ‘અહીંથી શું લાવું તમારા માટે ?’ મેં પળવારમાં કહ્યું ‘84 Charing Cross Road’. વિદગ્ધ વાચક વિપુલભાઈને બીજું કંઈ કહેવાની જરૂર જ ન હોય. ડિસેમ્બર 2012માં તે લેતાં આવ્યા – મારા માટે પુસ્તક, પ્રાજકતા માટે ચૉકોલેટ બાર અને મેઘા માટે સ્પેનના કેસરની ડબ્બી. પ્રજક્તાને પુસ્તક એટલું બધું ગમ્યું કે તેણે એની પણ નકલ ઑનલાઈન મગાવી લીધી.
પત્રકાર અને પુસ્તક પ્રેમી એવા રસિક મિત્ર તેજસ એક વખત મુંબઈ જતી ટ્રેનમાં મળી ગયો. એ જાણતો હતો કે વાડીલાલ ડગલી મારા ગમતા નિબંધકાર છે. એટલે એણે ‘રંકનું આયોજન’ની સેકન્ડહૅન્ડ નકલ મારા માટે લઈ રાખી હતી અને પછી મુસાફરીમાં વાંચવાના પુસ્તકોમાં સાથે લઈ લીધી હતી. તેણે મને પુસ્તક આપ્યું, એની પર લખ્યું : ‘સ્નેહી સંજયભાઈને સસ્નેહ અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં જતી વેળાએ, 27/10/06’ તેના પછી એક બેસતા વર્ષે મારે ત્યાં પુનિતા સાથે તેજસ આવ્યો. તેણે મને નવા વર્ષની ભેટ તરીકે વિખ્યાત મરાઠી નવલકથાકાર વિશ્વાસ પાટીલનું રસપ્રદ પુસ્તક આપ્યું All-time Favourite Books and Movies and their Epic Journey. 2015માં પ્રસિદ્ધ થયેલાં આ પુસ્તકમાંની ચૌદ ફિલ્મોમાં એક માત્ર ભારતીય ફિલ્મ ‘મુગલે આઝમ’ છે. હમણાં ગયા વર્ષે જન્યુઆરીમાં વળી તેજસે મને પેન્ગ્વિને 1989માં બહાર પાડેલું શાયર મિર્ઝા અસદુલ્લા ખાનનું પવન કે. વર્માએ લખેલું જીવનચરિત્ર આપ્યું : Ghalib : The Man and the Times.
વિરમપુર-અમીરગઢનાં સંવેદના ટ્રસ્ટ સાથે જોડાયેલાં સમાજસેવક મંદાબહેનને મારે વર્ષમાં માંડ એકાદ વખત મળવાનું થાય. તેમણે મારા માટે સાવ અનોખાં વિષય અને અભિવ્યક્તિની ઝલક આપનારાં બે હિન્દી પુસ્તકો દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાંથી મારા માટે મગાવી આપીને મને હંમેશનો આભારી બનાવ્યો છે : અનુપમ મિશ્રાનું आज भी खरे हैं तालाब અને સોપાન જોશીનું जल थल मल.
જુલાઈ 1991માં મારી સગાઈના અવસરે, ઝવેરચંદ મેઘાણીની વેવિશાળ અને લગ્ન વચ્ચેના દિવસોના સોનેરી દિવસોનું સુંદર નિરુપણ કરતી, નવલકથા ‘બીડેલાં દ્વાર’ કદાચ જનવાદી કવિ-કર્મશીલ વડીલ મિત્ર સરૂપબહેન ધ્રુવ જ આપી શકે ! એ પ્રસંગે, મારા ચાળીસ વર્ષથી મિત્ર એવા દર્શને( દર્શન દેસાઈ) ફાધર વાલેસની ‘લગ્ન મંગલ’ ચોપડી ભેટ આપી હતી. એણે લખ્યું : ‘no words can describe the joy your engagement, or do we say, the unification of your lives as one – has given us. (Even this expression has become clihed – but hasn’t language itself become a barrier) – So, we, Hina-Rajvi-Darshan, only say, Congrats.
દર્શનની સાથે દીપક (અવસ્થી),નયીમ તેમ જ મોઈન (કાદરી) અને નિલેશ(રાઠોડ) એ અમારું ગ્રુપ. ચારેક દાયકાની ભાઈબંધીમાં વચ્ચે પંદરેક વર્ષનો ઝોલ આવ્યો. ગયાં બે વર્ષથી પાછા ભેગા થયા છીએ, કૉલેજમાં હતી તેવી જ દોસ્તી પાછી બંધાઈ છે. કૉલેજમાં અમે ખુદને સક્રિય બૌદ્ધિક ગણતા. શેરી નાટક, જનવાદી સાહિત્ય, ફિલ્મ સોસાયટી, ધરણાં-દેખાવો વગેરેમાં અમારી અવરજવર રહેતી. અમારા ગ્રુપનું નામ Thinkers’ Academy હતું, અત્યારે વૉટસ એપ ગ્રુપનું નામ ‘હું, બાવા ને મંગળદાસ’ (HBM) છે. કૉલેજના વર્ષોમાં જન્મદિવસે પુસ્તક આપતા. મને મારિયો પુઝોની The Godfather અને એન રૅન્ડની The Fountainhead નવલકથાઓ મળી હતી, જે પછી મારાથી ખોવાઈ ગઈ. હવે પાછા જન્મદિવસ ઉજવવાનું શરૂ કર્યું છે. ભેટ બર્થ-ડે બૉયની પસંદગી મુજબની. તે પ્રમાણે મને હોનહાર પત્રકાર અરુણ શૌરીનું સ્વકથનાત્મક પુસ્તક The Commissioner for Lost Causes મળ્યું છે. અમે દર્શનને સામ પિત્રોડાની આત્મકથા Dreaming Big : My Journey to Connect India અને ઉર્વીશ કોઠારીનું ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ પુસ્તકો આપ્યાં.
· લેખકો પાસેથી …
મને કેટલાક વડીલ લેખકો વારંવાર પુસ્તકો આપતા રહ્યા છે. રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે અને મહેશ દવેએ તેમના સ્નેહથી તેમનાં પોતાનાં પુસ્તકો આપ્યાં છે, અને ક્યારે ય એના વિશે લખવાનો નિર્દેશ સુદ્ધા કર્યો નથી અને મેં લખ્યું પણ નથી. હમણાં ગુજરાતીના અધ્યાપક ભરત ખેનીએ તેમનું તાજેતરમાં પ્રકાશિત થયેલું રાજા રવિવર્માનું જીવનચરિત્ર આપીને મારા પુસ્તકખજાનામાં નોંધપાત્ર ઉમેરો કર્યો. મનીષી જાનીએ જેનું એક પણ કાવ્ય સસમાજિક આસ્થા વિનાનું ન હોય તેવો તેમનો દળદાર કાવ્યસંગ્રહ ‘મને અંધારાં બોલાવે’ ગયા અઠવાડિયે ભેટ આપ્યો.
· વ્યક્તિગત ગ્રંથસંગ્રહોમાંથી …
કેટલાંક ઉંમરલાયક કે દિવંગત સંગ્રાહકોના સંકેલામાંથી પણ મને પુસ્તકો મળ્યાં છે. મારા પત્ની મેઘશ્રીના સંગીતગુરુ મુદ્રિકાબહેન જાનીના પિતા દશરથલાલ જાનીનાં પુસ્તકોમાંથી મળેલ સહુથી મહત્ત્વનો ગ્રંથ ષય માટેનો અનિવાર્ય માહિતીકોશ Oxford Companion to English Literature. અંગ્રેજી સાહિત્યના 1982થી પાંચ વર્ષ અને ત્યાર પછી 1992માં આ ગ્રંથ મળ્યો ત્યાં સુધીના અધ્યાપનના વર્ષ આ સંદર્ભ સ્રોતનો ઉપયોગ કેવળ અને કેવળ લાઇબ્રેરીમાંથી કર્યો હતો. ગુગલ પહેલાંના યુગમાં, આ Companion અને Encyclopaedia એ એવા ગ્રંથરાજાઓ હતા કે જે કંઈ પણ જાણવા માટે અનિવાર્ય હોય, અને જેમને ઘરે વસાવી શકાય એવું સપનું ય મારા જેવા મધ્યમ વર્ગના માણસને ન આવે.
કર્મશીલો અને કેટલીક એન.જી.ઓ.ને હંમેશાં મદદરૂપ થનારા અંગ્રેજીના દિવંગત અધ્યાપક-સંશોધક-અનુવાદક હર્ષદભાઈ દેસાઈના પુસ્તક સંગ્રહમાંથી મિત્ર ચંદુભાઈ મહેરિયાની મદદથી મને દલિત અભ્યાસના કેટલાંક ખૂબ મહત્ત્વનાં અગ્રેજી પુસ્તકો મળ્યાં છે. અંગ્રેજીના એક દિવંગત અધ્યાપક અરુણ ભટ્ટનો ગ્રંથસંગ્રહ યોગ્ય જગ્યાએ પહોંચે તે હેતુથી તેમનાં પત્નીએ કૉલેજને લખેલા પત્રને પગલે તોરલબહેન અને હું એ સંગ્રહમાંથી કૉલેજ લાઇબ્રેરી માટે પુસ્તકો પસંદ કરી લાવ્યાં. આકાશવાણીના ઉદાર એવા પૂર્વ નિયામક સાધનબહેને મને મારાં માટે પણ બાર પુસ્તકો બહુ સહજતાથી લેવાં દીધાં. તેમાં બે Books about books પ્રકારના છે, અને એક અત્યારે હું The Deserted Village નામનું જે દીર્ઘકાવ્ય બીજા વર્ષમાં ભણાવું છું તેના માટેનું વિદ્યાર્થી ઉપયોગી પુસ્તક છે.
મારી પાસે પાંચ પુસ્તકો ઉમાશંકર જોશીના ગ્રંથસંગ્રહમાંથી છે. તેમાં એવું બન્યું હતું કે કવિપુત્રી સ્વાતિબહેને પિતાની અંગત લાઇબ્રેરી ગોઠવી આપવા માટે અમારી એચ.કે. આર્ટસ કૉલેજના કાર્યક્ષમ અને પ્રબુદ્ધ ગ્રંથપાલ તોરલબહેન પટેલને વિનંતી કરી. એ કામ જોવા માટે તોરલબહેનની સાથે હું બે-ત્રણ દિવસ ગયો હતો. એ વખતે એ લાઈબ્રેરીમાંથી વધારાના અને આપી દેવા માટે અલગ કાઢવામાં આવેલાં કેટલાંક પુસ્તકોનો લાભ મને મળ્યો. આ પુસ્તકો પર સિક્કો હતો : ‘ઉમાશંકર જોશીનો ગ્રંથસંગ્રહ’, ક્ર્માંક….’
તેમાંથી મને સણોસરાની લોકભારતી સંસ્થાએ પ્રસિદ્ધ કરેલી ‘ઝાડનાં પારખાં ફળ પરથી’ પુસ્તિકા શ્રેણીની પુસ્તિકાઓ મળી, તે ઘણું કરીને 1997નું વર્ષ હતું. આ શ્રેણીમાં લોકભારતીના વિદ્યાર્થીઓએ સંસ્થામાં તેમનું ઘડતર કેવી રીતે થયું અને તેને આધારે તેમણે પોતે ઊભી કરેલી સંસ્થાઓ થકી કેવી કામગીરી કરી તેનાં સ્વકથનો છે. ચાર પુસ્તિકાઓમાં સવશીભાઈ મકવાણાની ‘વગડામાં વનરાઈ’ અને તેમના ભાઈ કરમશીની ‘વનરાનું તો ભાઈયું ફૂલડું’ હતી. એ ચારેક વર્ષ પછી વાંચી, ઘણો રસ પડ્યો. એટલે 21 પુસ્તિકાઓનો આખો સંપુટ મગાવ્યો અને તેની પર ‘અભિદૃષ્ટિ’ના ફેબ્રુઆરી 2000ના અંકમાં લાંબો લેખ લખ્યો. પછી થોડાં વર્ષે મારાથી ચૌદ વર્ષ નાના મારા મિકૅનિકલ એન્જિનિયર ભાઈએ તેનાં કેટલાંક પુસ્તકો મને આપી દીધાં. તેમાં ‘ઝાડનાં પારખાં’ શ્રેણીની બે પુસ્તિકાઓ હતી – ‘કેડી અને ચઢાણ’ (મોહન દાંડીકર) અને ‘મારું જીવનઘડતર’ (ગોવિંદભાઈ હ.પટેલ).સંદિપે પુસ્તિકાઓના ટાઈટલ પેઇજ પર જમણા ખૂણે પોતાનું નામ લખ્યું છે અને નીચે તારીખ લખી છે 30.6.87. મને આ પુસ્તિકાઓ મળી તેના દસ વર્ષ પહેલાં, અને તેનું મહત્ત્વ સમજીને મેં તેમના વિશે લખ્યું એના તેર વર્ષ પહેલાં, મારાથી 14 વર્ષ નાના મારા ભાઈએ તેની પંદર વર્ષની ઉંમરે આ પુસ્તિકાઓ વસાવી હતી.
અમદાવાદમાં અમારા અત્યારના ભાવે પરિવારના નવ જણમાંથી દરેકનો અલગ પુસ્તક સંગ્રહ છે. અમારી ‘આઈ’-મમ્મીનો પણ હતો, ‘ભાઉ’-પપ્પાની સંગીતની કૅસેટો હતી. નાનપણમાં મને પૂનાના મારા એક નીળૂકાકા અને મારાં બે માસી આક્કા માવશી અને વીજૂ માવશી બાળસહિત્યના પુષ્કળ મરાઠી પુસ્તકો લાવી આપતાં. અમદાવાદના ઘરે ઘણાં વર્ષો મરાઠી માસિકો किशोर અને चांदोबा આવતાં. અલબત્ત, આ કંઈ ભેટ ન હતી, સંસ્કાર હતા. તેમાંથી જાગેલી વાચનરુચિને સંતોષવામાં વસાવેલાં પુસ્તકોની જેમ ભેટ મળેલાં પુસ્તકોનો પણ મોટો ફાળો છે. તે આપનારા દરેક સહૃદયનો હું આભારી છું.
-x-x-x-x-x-x-
07 સપ્ટેમ્બર 2022
પ્રગટ : “સાર્થક જલસો – 17”; પૃ. 66-78
e.mail : sanjaysbhave@yahoo.com