
રાજ ગોસ્વામી
દર્શનશાસ્ત્રમાં, નૈતિક જવાબદારી એક અગત્યની ધારણા છે. એક વ્યક્તિ અથવા એક સમાજ જયારે ફ્રી વિલ (સ્વતંત્ર ઈચ્છા) સાથે જીવતો હોય, મતલબ કે હું મારા આચારવિચારને મારી ઈચ્છા પ્રમાણે પસંદ કરતો હોઉં, ત્યારે તેના પરિણામો અંગે મારી નૈતિક જવાબદારી બંને છે. સામૂહિક અને સહિયારા માનવ જીવનનાં હિતો સચવાય અને તેનું કલ્યાણ થાય તે માટે એક વ્યક્તિથી લઈને એક પ્રધાન મંત્રી નૈતિક જવાબદારીના બંધનથી બંધાયેલા હોય છે.
નૈતિક જવાબદારી કાયદેસરની જવાબદારીથી અલગ છે. દાખલા તરીકે, કોઈ છોકરો કોઈનું ખૂન કરી નાખે, તો કાનૂની દૃષ્ટિએ તે અપરાધી છે, પણ તેના પિતા તેના પુત્રના કૃત્યનો પ્રશ્ચાતાપ કરે તો તે નૈતિક જવાબદારી કહેવાય. સાર્વજનિક જીવનમાં નૈતિક જવાબદારીનું બહુ મહત્ત્વ હોય છે કારણ કે સમાજ બહુ મોટો હોય છે અને તે નીતિ-નિયમ મુજબ ચાલતો રહે તેની જવાબદારી સાર્વજનિક આગેવાનોએ લીધેલી હોય છે. એટલા માટે સમાજની સારી-ખરાબ બાબતોની નૈતિક જવાબદારી તેમના માથે હોય છે.
આ સંદર્ભમાં, આપણે ત્યાં લાલબહાદુર શાસ્ત્રીને બહુ યાદ કરવામાં આવે છે. ગયા અઠવાડિયે, ઓડિશામાં દર્દનાન ટ્રેન દુર્ઘટના થઇ, ત્યારે ઘણા લોકોએ શાસ્ત્રીજીને યાદ કર્યા હતા. ઇન ફેક્ટ, દેશમાં જ્યારે જ્યારે ટ્રેન દુર્ઘટનઓ થઇ છે ત્યારે ત્યારે તેમને લોકો યાદ કરતા રહે છે. નૈતિક જવાબદારીની આ તાકાત છે. તે સદાચારનો એક એવો માપદંડ સ્થાપિત કરે છે કે પેઢી દર પેઢી તેને આંબવા પ્રયાસ કરે છે.
અસલી નેતાની આ જ ખૂબી છે. તેની નૈતિક ઊંચાઈ એટલી હોય કે તેની સાથેના લોકો અને તેની પછીના લોકો એટલા જ ઊંચા થવા પ્રયાસ કરે. ખરાબ નેતા હંમેશાં પોતાની ત્રૂટિઓને ઢાંકી રાખે. ઉત્તમ નેતા હંમેશાં પોતાનામાં સુધાર માટેના અવસર શોધે. સાચો નેતા તમારી અંદરથી તમારું બહેતર બહાર લાવે, તમારામાં જે શ્રેષ્ઠ છે, તેને મજબૂત કરે. એનાથી વિપરીત, એવા પણ નેતા હોય છે, જે તમને કનિષ્ઠ કરવા પ્રેરે, તમારામાં જે ગંદકી છે, તમારામાં જે બદતર છે, તે બહાર લાવે.
અઢાર મહિના માટે આઝાદ ભારતના બીજા પ્રધા નમંત્રી બનેલા લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત જવાહરલાલ નહેરુના પ્રથમ પ્રધાનમંડળમાં રેલવે મંત્રી હતા. તેમનું મૂળ નામ લાલબહાદુર શ્રીવાસ્તવ હતું, પરંતુ કાશી વિદ્યાપીઠમાંથી સંસ્કૃત ભણીને તેમણે શાસ્ત્રીની ઉપાધિ મેળવી હતી. તેમણે શ્રીવાસ્તવ અટક એટલા માટે કાઢી નાખી હતી કારણ કે તે જાતિસૂચક હતી (શ્રીવાસ્તવ અટક કાયસ્થ બ્રાહ્મણોમાં હોય છે).
ઘરમાં સૌથી નાના હોવાથી પરિવારના લોકો તેમને ‘નન્હે’ કહીને બોલાવતા હતા. તે 18 મહિનાના હતા ત્યારે પિતાજીનો દેહાંત થઇ ગયો હતો. શાસ્ત્રીજી તેમના માસા-માસીને ત્યાં મોટા થયા હતા અને ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. પંડિતજી સાથે તેમણે ઘનિષ્ઠ રીતે કામ કર્યું હતું અને ભારત આઝાદ થયું પછી પંડિતજીએ તેમને તેમના પ્રથમ રેલવે મંત્રી બનાવ્યા હતા.
રેલવે મંત્રી તરીકે અને પ્રધાન મંત્રી તરીકે શાસ્ત્રીજીનો કાર્યકાળ નોંધપાત્ર રહ્યો હતો. ચીન સામેના નાલેશીભર્યા યુદ્ધ અને પંડિતજીના અવસાન પછી 1964માં તે પ્રધાન મંત્રી બન્યા ત્યારે દેશ ઘણા સંકટમાંથી પસાર થઇ રહ્યો હતો. આઝાદ ભારતમાં મૂડીવાદીઓ હાવી થવા માંગતા હતા ત્યારે શાસ્ત્રીજી સામે ખાધાન્ન કિંમતો રોકવાનો પડકાર હતો, જે તેમણે સફળ રીતે પૂરો કર્યો હતો. 65માં દેશને પાકિસ્તાનના આક્રમણનો પણ સામનો કરવો પડ્યો હતો. શાસ્ત્રીજીએ પંડિતજીની સરખામણીમાં આ યુદ્ધનો વધુ સફળતાથી મુકાબલો કર્યો હતો.
શાસ્ત્રીજી તેમની સાદગી અને નૈતિકતા માટે જાણીતા છે. તેઓ પ્રધાન મંત્રી હતા ત્યારે પરિવાર માટે કાર ખરીદવા માટે તેમણે પંજાબ નેશનલ બેંકમાંથી લોન લીધી હતી. તેમની પાસે 7,000 રૂપિયા હતા, પરંતુ ફિયાટ કારની કિંમત 12,000 રૂપિયા હતી એટલે 5,000 બેંક પાસેથી લીધા હતા. આજે તમે એક સાધારણ નેતાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યાના સમાચાર વાંચો તો શાસ્ત્રીજી તમને પરગ્રહવાસી જ લાગે.
શાસ્ત્રીજી ભારતના પહેલા નેતા હતા, જેમણે રેલવે મંત્રીપદેથી નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું. 23 નવેમ્બર 1956ના રોજ, આંધ્ર પ્રદેશની મરુદૈયારુ નદી પરથી પસાર થઇ રહેલી થૂથુકુડી એક્સપ્રેસ ટ્રેન, ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ હતી. તેમાં 144 લોકોનાં મોત થયાં હતાં અને 200થી વધુ ઘાયલ થયા હતા. આઝાદ ભારતની એ પહેલી એટલી મોટી ટ્રેન દુર્ઘટના હતી. બરાબર બે મહિના પહેલાં, હૈદરાબાદમાં એક રેલવે બ્રિજ તૂટતાં 112 લોકોનાં મોત થયાં હતાં.
આ બંને ઉપરાછાપરી ઘટનાઓથી વ્યથિત શાસ્ત્રીજી નૈતિક જવાબદારી લઈને રેલવે મંત્રીપદેથી રાજીનામું ધરી દીધું હતું. પહેલી ઘટના બની ત્યારે પંડિતજીએ રાજીનામું લેવાની ના પાડી હતી, પરંતુ બીજી ઘટનામાં પણ શાસ્ત્રીજીએ અપરાધબોજના ભારથી પંડિતજીને રાજીનામું સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો ત્યારે પ્રધાન મંત્રીએ રાષ્ટ્રપતિને સમંતિ આપી હતી કે તેઓ રાજીનામું મંજૂર કરે.
નહેરુ પર રાજીનામું નહીં સ્વીકારવાનું દબાણ હતું. ઓછામાં ઓછા 30 સંસદ સભ્યોને એવો અંદાજ આવી ગયો હતો કે પ્રધાન મંત્રી રાજીનામું સ્વીકારવાના મૂડમાં છે, એટલે તેમણે નહેરુને વિનંતી કરી હતી કે તેઓ શાસ્ત્રીજીને જવા ન દે. સભ્યોનો તર્ક એવો હતો કે દુર્ઘટના તકનિકી ભૂલથી થઇ હતી અને એમાં રેલવે મંત્રીની કોઈ જવાબદારી બનતી નથી.
એ પછી લોકસભામાં નિવેદન કરતાં પંડિતજી ઘટના અંગે નિવેદન કરતાં કહ્યું હતું કે તેમના માટે આ રાજીનામું સ્વીકારવું સહેલું નહોતું. તેમણે કહ્યું હતું કે તેમને શાસ્ત્રીજી માટે સૌથી વધુ આદર છે, પરંતુ બંધારણીય સુચિતાના વ્યાપક દૃષ્ટિકોણથી જોતાં એક દાખલો બેસાડવો જોઈએ, જેથી કોઈ વ્યક્તિને એવું ન લાગે કે, ગમે તેવી ઘટના બને તો પણ, તેને કોઈ અસર ન થઇ હોય તેમ વ્યવહાર કરે.
લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર્ય લખનાર સંદીપ શાસ્ત્રી આ ઘટનાના સંદર્ભમાં લખે છે કે, “તેમના રાજીનામા પત્રમાં, શાસ્ત્રીજીએ લખ્યું હતું કે હું ચૂપચાપ મંત્રીપદ છોડી દઉં તે મારા માટે અને સરકાર માટે હિતાવહ છે. અહીં ‘ચૂપચાપ’ (ક્વાઈટલી) શબ્દના ઉપયોગ પર ધ્યાન આપવા જેવું છે. ‘ચૂપચાપ’ એ તેમની પ્રકૃતિ હતી.”
સંદીપજી કહે છે કે રાજીનામું આપીને શાસ્ત્રીજીએ માપદંડ ઊંચો કરી નાખ્યો હતો. લોકો ભલે એને અનુસરી શકતા નહીં હોય, પરંતુ શાસ્ત્રીજી રાજકીય સાખ અને વિશ્વસનિયતા માપવા માટેનું એ અગત્યનું બેરોમીટર છે. છ દાયકાઓ પછી પણ એ ઘટનાને સદાચારના ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે યાદ રાખવામાં આવે છે એ હકીકત બતાવે છે કે તેમના રાજીનામાને કેવી રીતે જોવામાં આવે છે. એમાં સંદેહ નથી કે તેનાથી શાસ્ત્રીજીનું કદ ઘણું ઊંચું થઇ ગયું છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 11 જૂન 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર