Opinion Magazine
Number of visits: 9446981
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—200

દીપક મહેતા|Opinion - Opinion|10 June 2023

જ્યારે કોર્નવોલિસના પૂતળાની લોકો પૂજા કરતા

અસવાર વગરનો કાળો ઘોડો આજે ય ઊભો છે મુંબઈમાં 

અંગ્રેજ રાજવટ દરમ્યાન મુંબઈમાં પૂતળાં તો ઘણાં ઊભાં થયાં. પણ ‘દેશી’ લોકોના મનમાં આજ સુધી જેનો વાસ રહ્યો હોય એવું પૂતળું તે કિયું? પૂતળું હતું ત્યારે અને એ ખસેડાયું તે પછી પણ છેક આજ લગી એક આખો વિસ્તાર એ પૂતળાથી ઓળખાય છે : ‘કાળા ઘોડા’. અંગ્રેજ સરકાર માટે ઘોડો મહત્ત્વનો નહોતો, તેના પર બેઠેલો અસવાર મહત્ત્વનો હતો. પણ આપણા લોકોના મનમાં વસી ગયો તે કાળો ઘોડો, તેના પર આરૂઢ થયેલો અસવાર નહિ. પણ એ અસવાર હતો કોણ? પ્રિન્સ ઓફ વેલ્સ, જે પછીથી થયા હતા સાતમા કિંગ એડવર્ડ. જન્મ ૧૮૪૧માં, અવસાન ૧૯૧૦માં. ૧૮૧૯માં જન્મેલાં રાણી વિક્ટોરિયાનો શાસનકાળ ૧૯૦૧માં તેમના અવસાન સાથે પૂરો થયો. એટલે પ્રિન્સ ઓફ વેલ્સ છેક ૧૯૦૧માં રાજગાદી પર બેઠા હતા. ૧૯૧૦ના મે મહિનાની છઠ્ઠી તારીખે તેમનું અવસાન થયું.  આ પ્રિન્સ ઓફ વેલ્સે ૧૮૭૫ના નવેમ્બરની આઠમી તારીખે મુંબઈના એપોલો બંદર પર પગ મૂક્યો હતો. એ વખતે હજી આઉટ ડોર ફોટોગ્રાફી પ્રચલિત થઈ નહોતી એટલે રસાલામાં કેટલાક ચિતારા રાખવામાં આવેલા જેમણે શાહી મુલાકાતનાં અનેક ચિત્રો દોરેલાં. તેમાનું એક ચિત્ર અહીં મૂક્યું છે. મુંબઈમાં અને હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. પણ ૧૯૨૧માં તેમના અનુગામી (જે પછીથી આઠમા કિંગ એડવર્ડ બનેલા) મુંબઈ આવ્યા ત્યારે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. કાઁગ્રેસે તેમની મુલાકાતનો બહિષ્કાર જાહેર કર્યો હતો એટલે મુંબઈના રસ્તાઓ પરથી તેમની શાહી સવારી નીકળી ત્યારે રસ્તા સૂમસામ હતા. સરકારી દબદબો તો કદાચ વધુ હતો, પણ લોકોની હાજરી સાવ પાંખી હતી.

મુંબઈના બારામાં પ્રિન્સ ઓફ વેલ્સનું આગમન દર્શાવતું ચિત્ર

અને છતાં મુંબઈગરા લાંબા વખત સુધી પ્રિન્સને ભૂલ્યા નથી. લશ્કરી યુનિફોર્મમાં કાળા રંગના ઘોડા પર બેઠેલા પ્રિન્સનું ભવ્ય પૂતળું હાલના દાદાભાઈ નવરોજી રોડ, મહાત્મા ગાંધી રોડ, અને રામપાર્ટ રોના જંકશન પર, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના મુખ્ય પ્રવેશ દ્વારની બરાબર સામે, મૂકવામાં આવ્યું હતું. આ પૂતળું હતું તો કાંસાનું, પણ તેને કાળા રંગે એવી રીતે રંગવામાં આવેલું કે તે જાણે કાળા આરસનું બનેલું હોય તેવું લાગતું હતું. ઓસ્ટ્રિયન મૂળના અંગ્રેજ શિલ્પકાર સર જોસેફ બોમે (૧૮૩૪-૧૮૯૦) આ પૂતળું તૈયાર કર્યું હતું. પૂતળાં બનાવવા ઉપરાંત તેઓ સિક્કા કે મેડલ પરની ડિઝાઈન બનાવવા માટે પણ ખૂબ જાણીતા હતા. ૧૮૮૭માં રાણી વિક્ટોરિયાની તાજપોષીને ૫૦ વરસ પૂરાં થયાં ત્યારે બહાર પડાયેલા સિક્કા માટે તેમણે તૈયાર કરેલી ડિઝાઈન સૌથી વધુ જાણીતી છે. લંડનમાં આ પૂતળું તૈયાર કરવાનો ખરચ ૧૨,૫૦૦ રૂપિયા (ના, જી, છાપભૂલ નથી, સાડા બાર હજાર રૂપિયા ફક્ત) આવ્યો હતો. ત્યાંથી હિન્દુસ્તાન લાવ્યા પછી ૧૮૭૯ના જૂનની ૨૯મી તારીખે મુંબઈના તે વખતના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલે તેને ખુલ્લું મૂક્યું હતું.

અસલી કાળા ઘોડા પર આરૂઢ પ્રિન્સ ઓફ વેલ્સ

અને હા, આ સાડા બાર હજાર રૂપિયા બ્રિટિશ સરકારે નહોતા ખર્ચ્યા. પણ એ જમાનાના પ્રખ્યાત દાનવીર સર આલ્બર્ટ સાસૂને મુંબઈ શહેરને આ પૂતળું ભેટ આપ્યું હતું. આ સાસૂન કુટુંબ બગદાદી જ્યૂ હતું અને કપાસ અને અફીણના વેપારમાં માલેતુજાર થયું હતું. કાળા ઘોડા વિસ્તારમાં જ આવેલી મુંબઈની એક અગ્રણી લાઈબ્રેરી સર ડેવિડ સાસૂન લાઈબ્રેરી પણ તેની જ દેણ. કોલાબા વિસ્તારમાં આવેલ સાસૂન ડોક પણ તેમણે બંધાવેલો. પૂનાની સાસૂન જનરલ હોસ્પિટલ પણ આ કુટુંબની સખાવતનું પરિણામ. ભાયખલાનું મ્યુઝિયમ, ગેટ વે ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, મસીના હોસ્પિટલ વગેરે ઊભાં કરવામાં પણ તેમનો ફાળો.

આ કાળા ઘોડા વિસ્તાર એટલે શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિનું કેન્દ્ર. મુંબઈની પહેલવહેલી કોલેજ એલ્ફિન્સ્ટન કોલેજ આજે અહીં આવેલી છે. ગોળાકાર મકાનમાં આવેલી એક વખતની રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જેને ભોંય તળિયે આવેલો હતો જાજરમાન સર કાવસજી જહાંગીર હોલ. સંગીત, નૃત્ય, નાટકના પ્રયોગો આ હોલમાં થતા. પ્રવીણચંદ્ર રૂપારેલ સંચાલિત પ્રવૃત્તિ સંઘ દર વરસે આ જ હોલમાં કવિ સંમેલન/મુશાયરાનું આયોજન કરતો. તો સામી બાજુ મ્યુઝિયમ અને જહાંગીર આર્ટ ગેલેરી.

પણ ચડતી પછી પડતી. બીજાં બ્રિટિશ પૂતળાંની સાથે ‘કાળા ઘોડા’ને પણ એની જગ્યાએથી ઉખેડીને ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં ધકેલી દીધું. વિધિની વક્રતા તો જુઓ! બ્રિટિશ રાજવટ દરમ્યાન બંધાયું ત્યારે એનું નામ હતું વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ. અને હવે રાણી વિક્ટોરિયાના આ અનુગામીને જગ્યા મળી એ જ મ્યુઝિયમની પાછળના કંપાઉંડમાં. પણ હવે આ પૂતળું એકલુ-અટૂલું નથી. બીજા ઘણા બ્રિટિશરોનાં પૂતળાં ત્યાં તેને કંપની આપી રહ્યાં છે. સત્તાવાળાઓ કાળા ઘોડાને તો તેની જગ્યાએથી ખસેડી શક્યા. પણ મુંબઈગરાના મનમાંથી ખસેડી શક્યા નહિ. આજ સુધી લોકોની જીભ પર રમતું નામ તે તો કાળા ઘોડા જ.

નવું પૂતળું : ઘોડો રહ્યો, અસવાર ગાયબ!

પછી શરૂ થયો કાળા ઘોડા આર્ટ ફેસ્ટિવલ. એણે પણ ચડતી-પડતી જોઈ, અદાલતોનાં પગથિયાં ઘસ્યાં. કેટલાકના મનમાં વિચાર ઘોળાવા લાગ્યો : આ આપણે  બધા ‘કાળા ઘોડા, કાળા  ઘોડા’ કરીએ છીએ પણ અહીં કાળો, ધોળો, કે બીજા કોઈ રંગનો ઘોડો તો છે જ નહિ. એને પાછો લાવવો જોઈએ. પણ અસલ પ્રિન્સ ઓફ વેલ્સવાળા ઘોડાને પાછો લાવવાનું તો નહોતું યોગ્ય, નહોતું શક્ય. એટલે અહીં અસવાર વગરના એક કાળા ઘોડાનું પૂતળું મૂકવાનું નક્કી થયું. અને ૨૦૧૭માં મૂળ પૂતળાની જગ્યાથી થોડે દૂર કાળા ઘોડાનું નવું પૂતળું મૂકવામાં આવ્યું. કાળા ઘોડા એસોસિયેશને તે માટેની જરૂરી રકમ ઊભી કરી. ૨૫ ફૂટ ઊંચું આ પૂતળું શિલ્પકાર શ્રીહરિ ભોસલેએ બનાવ્યું. અલબત્ત, કેટલાક લોકો માને અને કહે છે કે અસવાર વગરના ઘોડાનું પૂતળું મૂકવાનો કશો અર્થ નથી. કારણ જેના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યું એ અસલ પૂતળું કાંઈ ઘોડાનું સ્મારક નહોતું. પ્રિન્સ ઓફ વેલ્સનું સ્મારક હતું. કાળા ઘોડાની સામે આવેલા મ્યુઝિયમ સાથે પ્રિન્સ ઓફ વેલ્સનું નામ જોડાયું હતું. બીજાં ઘણાં અંગ્રેજ નામોની જેમ આઝાદી પછી એ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય કરવામાં આવ્યું.

રાણી બાગમાં રાજકુમાર

***

“કંપની સરકારે મુંબઈમાં સૌથી પહેલું પૂતળું કોનું મૂકેલું એ તો જાણવા મળ્યું નથી. પણ કોટન ગ્રીન વિસ્તારનાં બે પૂતળાં વિશેની માહિતી મળે છે. આ પૂતળાં કદાચ મુંબઈમાંનાં પહેલવહેલાં બ્રિટિશ પૂતળાં.” ગયા શનિવારે પ્રગટ થયેલા આ શબ્દો લખતી વખતે ખાતરી નહોતી, પહેલવહેલા પૂતળા અંગે. પણ જેમ માણસ ખરજવું ખણ્યા કરે તેમ આવી વાતોનું સમાધાન ન થાય ત્યાં સુધી મન તેને વલૂર્યા કરે. અને હકીકત ખાતરીપૂર્વક જાણવા મળે પછી જ જીવને ટાઢક થાય. આ રીતે જાણવા મળેલી થોડી વાતો : કોર્નવોલિસનું પૂતળું બનાવવાનો ખરચ એ જમાનામાં પાંચ હજાર પાઉન્ડ જેટલો આવ્યો હતો. જો કે હકીકતમાં એક નહિ, પણ પૂતળાં ત્રણ હતાં! એક કોર્નવોલિસનું, તેની બંને બાજુએ એક-એક પૂતળું – એક વિઝડમ કહેતાં ડહાપણનું, બીજું ઇન્ટગ્રિટી કહેતાં વફાદારીનું. કેટલાંક વરસ ગોદામની હવા ખાધી. ૧૮૨૪ના ઓક્ટોબરની ૧૪મી તારીખે આ પૂતળાંને કોટન ગ્રીન ખાતે ઊભાં કરવાનું કામ શરૂ થયું. એ કામ ક્યારે પૂરું થયું એ તો હજી નથી જણાયું. પણ જેવું આ પૂતળું ખુલ્લું મૂકાયું કે તરત એક સાવ અણધારી બાબત બની. સવાર-સાંજ લોકો આ પૂતળાનાં દર્શન કરવા આવવા લાગ્યા. કોઈ દીવા-અગરવાટ કરે, કોઈ હાર પહેરાવે, અરે કોઈ તો ચંદન કે સિંદુરનો લેપ પણ કરે! કારણ મુંબઈના એ વખતના લોકો દેવ-દેવીની મૂર્તિપૂજાથી ટેવાયેલા. પણ આવા હાડચામના માનવીનાં પૂતળાંથી ટેવાયેલા નહિ. ચોંકેલા સત્તાવાળાઓએ પહેલાં તો આવું કશું જ ન કરવું એમ જણાવતું પાટિયું મરાઠી અને ગુજરાતીમાં લગાડ્યું. પણ વાંચે કોણ? અને એ વખતે વાંચી-લખી શકતા હતાય કેટલા? એટલે પછી ત્યાં ચોકીદાર બેસાડ્યો જે આવી ‘પૂજા’થી પૂતળાનું રક્ષણ કરતો! તો ય ઘણા વખત સુધી લોકો થોડે દૂર ઊભા રહીને હાથ જોડતા કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા!

બીજી એક વાત : પૂતળાં કે તૈલચિત્રો અંગે હૂંસાતૂસી આજે જ થાય છે એવું નથી. અંગ્રેજોનાં પૂતળાં કે તૈલ ચિત્રો અંગે અંગ્રેજોમાં પણ થતી. જોન પીટર ગ્રાન્ટ (૧૭૭૪-૧૮૪૮) ૧૮૧૨થી ૧૮૨૬ સુધી બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય હતા. તે પછી ૧૮૨૭થી ૧૮૩૦ સુધી તેઓ મુંબઈની ‘સુપ્રિમ કોર્ટ’માં જજ હતા. તેમણે મુંબઈ છોડ્યું તે પછી અદાલતમાં તેમનું તૈલચિત્ર મૂકવાનું નક્કી થયું. એ ચિત્ર તૈયાર થઈને ૧૮૩૩ના ડિસેમ્બરની ત્રીજી તારીખે મુંબઈ આવ્યું. પણ એ વખતના ચીફ જસ્ટિસ સર હર્બર્ટ કોમ્પટને એ ચિત્ર અદાલતમાં ક્યાં ય પણ મૂકવાની મંજૂરી ન આપી. હવે? નાખો ગોડાઉનમાં. છેક ૧૮૯૨માં સર ચાર્લ્સ સારજન્ટ ચીફ જસ્ટિસ બન્યા ત્યારે તેમણે પોતાની બેઠકની બરાબર સામે એ ચિત્ર મૂકાવ્યું! તો જેમના પરથી ‘કર્નાક બંદર’ નામ પડ્યું એ સર જેમ્સ કર્નાકનું પૂતળું ૧૮૪૬માં મુંબઈ આવ્યું. પેકિંગ પણ ખોલ્યા વગર તેને ટાઉન હોલ ધક્કેલી દેવામાં આવ્યું. ત્યાં દાદરની નીચે એ ખોખું પૂરાં છ વરસ પડ્યું રહ્યું! પણ પછી સફાઈ કરતી વખતે ‘અકસ્માત’ તેની ભાળ મળી! આના પરથી એક વાત સાબિત થાય છે : જેમ કાગડા બધે કાળા તેમ સરકારી ગતિ બધે ગોકળ ગાયની!

***

પ્રિય વાચક : ૨૦૧૯ના જુલાઈની ૧૩મી તારીખે શરૂ થયેલી મુંબઈની આપણી સહિયારી સફરનું આજે આ ૨૦૦મું પગલું છે. આ સફરમાં સતત સાથ આપનાર સૌ વાચક-મિત્રોનો આભારી છું. ‘ગુજરાતી મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યા અને તેમના સાથીઓના સાથ-સહકાર વગર આ સફર શક્ય જ ન બની હોત. એટલે તેમનો સવિશેષ આભારી છું. અને આજે આ ૨૦૦મો હપ્તો પૂરો કરતી વખતે મનમાં એક ગીતના શબ્દો ગુંજી રહ્યા છે : 

‘થંભો ના, હે ચરણ ચલો.’

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 10 જૂન 2023 

Loading

10 June 2023 Vipool Kalyani
← ગુજરાતીલેક્સિકૉનના ઉત્કર્ષમાં ધીરુબહેન પટેલની કેડીએ મારી જાતરા
વિરોધ પક્ષો વચ્ચે એકતા સંભવ છે ખરી? →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved