વૃક્ષોનું જીવન / ડૉરિયન લો
પાઈન વૃક્ષો ઘસે છે એમનો મોટો અવાજ ઝગમગ અંધકારમાં,
એમની ખુજલીગ્રસ્ત ડાળીઓને ઘરની દીવાલોથી ખંજવાળે છે,
અને ઉંહકારનું રહસ્ય અંદાજે અનુદિત થાય છે
માલિકીની વેઠમાં : કોઢિયામાંથી નિસરણી
કાઢવાનો, મારા દાંત વચ્ચે કરવત લઈને
નુકસાનદાયક ફણગા વહેરી નાખવાનો
સમય આવી ગયો છે.
વાસ્તવિક્તા બીજું શું છે જો ધાર, દાંતના ભયથી
લાંબું, થકવી દેનાર, સંકોચાવુ નથી?
મારે સૂવું છે અને વાચાહીન વિશ્વના જીવ —
વૃક્ષોનાં જીવનનું સ્વપ્ન જોવું છે, જેમને નાણાં,
રાજનીતિ, સત્તા, મરજી કે સત્તાની પરવાહ નથી,
જેમને રાત પાસેથી વિશેષ કંઈ જોઈતું નથી
સિવાય કે ઓલવાઈ રહેલાં થોડાં મૃત તારા,
એમના પગ તળેથી ઉંચકાતું એક સફેદ ઘૂવડ,
એમને માત્ર એમનાં મૂળિયાં ભીની ધરતીમાં
ઊંડે ઊતારીને ડરાવવા છે જંતુઓને
અથવા ફેશન મોડેલો કે વૃદ્ધ હિપ્પીઓ પેઠે
એમના ધૂંધળા માથા ધુણાવવા છે.
જો વૃક્ષો બોલી શક્તા હોત તો તે મૌન રહીને,
માત્ર ધીમા સ્વરે કોઈક લીલી ધુન ગણગણાવત,
તેમના પાઈનકોનને રસ્તા પર ગગડાવત અને
ખભા ઉલાળી ઠંડા પવન પર દોષ ઢોળત.
દિવસ દરમ્યાન એમની રુછાળી છાલમાં
ઢંકાઈને સૂવે છે, એમના માથા પર
પુરાણી ફીતની માફક વેરાતા વાદળ.
સૂરજ. વરસાદ. બરફ. પવન. એમને કશાંયનો ભય નથી
સિવાય કે વાવાઝોડાનો અને આગનો,
એ ઝપાટતો રગડમલ્લ જે પોતાનો જ
મૃત બાપ બની જાય છે.
તોફાનમાં નાનાં વૃક્ષો નમી, સાવ નમી જાય છે,
જૂનાં વૃક્ષો જાણે છે કે કદાચ તે ટકી શકશે નહીં,
વીજળીના તારના તણખાથી થડથી બટકી જશે.
એમની ડાળીઓ અફાળી પીટાયેલી ધરતીને
ફાડચાદાર બલિદાન આપે છે.
તે પ્રાર્થના કરતા નથી.
એમનો ધ્વનિ પવન ખાઈ જાય છે.
તારા પાછાં ફરે છે ત્યારે આભાર વ્યક્ત કરવાને બદલે
પોતાના ગોળાકાર એકકેન્દ્રી ઘામાંથી ચીકણો રસ ઝમાવી,
એમની કરોડરજ્જુ ટટ્ટાર કરીને શ્વાસ લે છે,
ફરી ને ફરી શ્વાસ લે છે.
••••••••
આપણા કરતાં વૃક્ષો વધુ જ્ઞાની છે / હર્મન હૅસ
(૧૦૦ વર્ષ જૂનો વૃક્ષોને પ્રેમપત્ર)
મારે મન વૃક્ષો સૌથી માર્મિક પ્રબોધકો રહ્યાં છે. કબીલા અને કુટુંબમાં, જંગલ અને વૃક્ષવાટિકામાં રહે છે ત્યારે એમનો આદર કરું છું. એથી ય વધુ એમનો આદર કરું છું જ્યારે એકલા ઊભાં હોય છે. એકલવાયાં વ્યક્તિઓ જેવાં. કશીક નબળાઈમાંથી ભાગી છૂટેલાં સંન્યાસી જેવાં નહીં પરંતુ બીથોવન અને નિટ્જા જેવાં મહાન એકાકી માણસો જેવાં. એમની સૌથી ઊંચી ડાળીઓમાં વિશ્વનો સરેરાટ છે, એમનાં મૂળિયાં અનંતકાળમાં વિસામો કરે છે; પરંતુ ત્યાં એ ખોવાઈ જતાં નથી, એમના જીવનની તમામ તાકાતથી એકમાત્ર ચીજ માટે સંઘર્ષ કરે છે : એમના પોતાના કાનૂન મુજબ પરિપૂર્ણ થવા, પોતાનું સ્વરૂપ ઘડવા, પોતાનું પ્રતિનિધિત્વ કરવા. સુંદર, મજબૂત વૃક્ષ કરતાં વધુ પવિત્ર, વધુ અનુકરણીય બીજું કશું નથી.
કોઈ વૃક્ષ કપાઈ જાય છે અને સૂરજને પોતાનો મૃત્યુ-ઘા એ બતાવે છે ત્યારે એના થડની ચપટી, ગોળ સપાટીમાં, એની આયુના ચકરડામાં, એના ચાઠામાં, તમામ સંઘર્ષ, તમામ માંદગી, તમામ ખુશી, તમામ સમૃદ્ધિ સ્પષ્ટ લખાયેલાં જણાય છે, સાંકડાં વર્ષો, વૈભવી વર્ષો, ખમેલાં હુમલા, વેઠેલા તોફાન સહિત. પ્રત્યેક યુવા ખેડૂતપુત્ર જાણે છે કે સૌથી કઠણ અને ઉમદા લાકડાના વલયો સૌથી સાંકડા હોય છે, કે ઊંચે પર્વતો પર અને સતત જોખમ વચ્ચે સૌથી અવિનાશી, સૌથી બલિષ્ટ એવાં આદર્શ વૃક્ષો ઊગે છે.
વૃક્ષો એટલે આશ્રયસ્થાનો. જે કોઈને પણ એમની સાથે વાત કરતા આવડે છે, એમને સાંભળતા આવડે છે, તે સત્ય જાણી શકે છે. એ અભ્યાસ અને ઉપદેશનો બોધ આપતાં નથી. સવિશેષોમાં પડ્યા વગર જીવનના પ્રાચીન નિયમનો બોધ આપે છે.
વૃક્ષ કહે છે : મારી ભીતર મીંજ છુપાયેલું છે, એક ચિનગારી, એક વિચાર, અનંત જીવનનું જીવન છું હું. અનંત માતાએ મારી સાથે જે પ્રયત્ન અને જોખમ ઉપાડ્યાં છે તે અનન્ય છે, મારી ચામડીનું સ્વરૂપ અને શીરાઓ, મારી ડાળીઓમાં રચાતી પાંદડાઓની ઝીણામાં ઝીણી હરકત, મારી છાલનું નાનામાં નાનું ચાઠું, બધું અનન્ય છે.
મારી નાનામાં નાની ખાસ વિગતમાં અનંત રચવા અને છતું કરવા મને સર્જવામાં આવ્યું છે.
આપણે ભયગ્રસ્ત હોઈએ અને આપણી જિંદગી સહેવાતી ન હોય ત્યારે વૃક્ષ કહેવા માગે છે આપણને : સ્થિર થાવ! સ્થિર થાવ! જુઓ મારી તરફ! જીવન સહેલું નથી, જીવન કઠિન નથી. એ બાલીશ ખ્યાલો છે … ઘર નથી અહીં ના ત્યાં. ઘર તમારી અંદર છે નહીં તો ક્યાંય નથી.
સાંજે પવનમાં વૃક્ષોનો સરેરાટ સાંભળું છું ત્યારે ભમવાની ઝંખના મારું હૃદય ચીરી નાખે છે. મૌન રહીને લાંબો સમય એમને સાંભળીએ તો આ ઝંખના એમનું મીંજ, એનો અર્થ પ્રગટ કરે છે. પોતાના દુ:ખથી ભાગવાની વાત નથી, ભલે એવું લાગતું હોય. ઘર માટેની, માતાની સ્મૃતિ માટેની, જીવનના નવાં રૂપકો માટેની ઝંખના છે. આ ઝંખના ઘેર લઈ જાય છે. દરેક માર્ગ ઘર ભણી લઈ જાય છે, દરેક પગલું જન્મ છે, દરેક પગલું મૃત્યુ છે, દરેક કબર માતા છે.
આપણા બાલીશ ખ્યાલો સમક્ષ આપણે આકુળવ્યાકુળ ઊભા હોઈએ છીએ ત્યારે વૃક્ષ પવનમાં સરેરાટ કરે છે સાંજના સમયે. વૃક્ષોના વિચારો દીર્ઘ હોય છે, લાંબા શ્વાસયુક્ત અને શામક, આપણા કરતાં વધુ લાંબુ એમનું આયુષ્ય હોય છે એમ. આપણા કરતાં એ વધુ જ્ઞાની છે, આપણે એમને સાંભળીએ નહીં ત્યાં સુધી. પરંતુ આપણે વૃક્ષોને સાંભળતા શીખી જઈએ છીએ ત્યારે આપણાં વિચારોની સંક્ષિપ્તતા, ચાપલ્ય અને બાળસહજ ત્વરાને એક અજોડ આનંદ ઉપલબ્ધ થાય છે. વૃક્ષને સાંભળતા જેને આવડી જાય છે તે વૃક્ષ બનવા ક્યારે ય ઈચ્છતો નથી. પોતે છે એ સિવાય કશું જ બનવા માગતો નથી. ઘર એ છે. સુખ એ છે.
Photo courtesy: Rupalee Burke
e.mail : rupaleeburke@yahoo.co.in