Opinion Magazine
Number of visits: 9448393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરીબ-તવંગરની ખાઈ એ શું નવી નવાઈની ઘટના છે?

આશા બૂચ|Opinion - Opinion|4 February 2015

આજકાલ ‘ગરીબ અને તવંગર વચ્ચે વધતી ખાઈ’ વિષે દરેક ‘સુધરેલા’ દેશોના નેતાઓ અને ગરીબો માટે કુણી લાગણી ધરાવનારા કેટલાક કર્મશીલો પોતે આ મહા પ્રશ્ન વિષે ચિંતા સેવે છે, એમ વારંવાર ઉચ્ચારીને પોતે નિર્ધન પ્રજા માટે કેવા હમદર્દ છે અને પોતાના દેશનો આત્મા શુદ્ધ હોવાને કારણે એ વિષે જાગૃત છે એવાં બણગાં એવાં તો જોરથી ફૂંકે છે કે હવે એમ માનવાનું મન થાય છે કે ખરેખર ગરીબ-તવંગર સહુ એક સમાન થઈ જવાનો સમય પાકી ગયો છે અને એવા સર્વોદય સમાજમાં રહેવાનું સુખ કેવું હશે તેના દીવા-સ્વપ્ન જોવા લાગી છું.

બ્રિટનના બી.બી.સી.ના એક સંવાદદાતા જેક પેરેટીની આંતરડી કકળી ઊઠી હશે એટલે તેમણે આ વિષે આધારભૂત માહિતી એકઠી કરવાનું બીડું ઝડપ્યું, જે Super Rich & Us એવા મથાળા હેઠળ ટેલીવિઝન પર પ્રસારિત થયેલું. અધૂરામાં પૂરું World Economic Forum સ્વીત્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટ માટે પ્રખ્યાત એવા ડાવોસ મધ્યે અસંખ્ય કરોડાધિપતિઓ અને રાજકારણીઓ (કેટલાક કિસ્સાઓમાં એ બંને હોદ્દો એક જ વ્યક્તિ ધરાવતી હોવાનો સંભવ છે) મળ્યા.

ઉપરોક્ત કાર્યક્રમ અને સમાચારોમાંથી જાણવા મળ્યું કે વર્તમાન ગતિથી અસમાનતા વધતી રહેશે તો આવતા વર્ષ સુધીમાં દુનિયાની 1% વસતી પાસે બાકીના 99% લોકો પાસેની સંયુક્ત મિલકત જેટલી અસ્કયામત હશે. બીજા એક અભ્યાસ મુજબ માત્ર 85 વ્યક્તિ દુનિયાની અર્ધી વસતી જેટલું કમાય છે. હવે આ પરિસ્થિતિ કોને ખૂંચે છે, પેલા 1% લોકોને કે 99% લોકોને? ના, કદાચ ઓક્સફામ જેવી સંસ્થાઓ આ ખાઈને સાંકડી કરવા ઝઝૂમે છે. જો કે કેટલાક ધનાઢ્ય નબીરાઓને પણ હવે શરમ આવવા લાગી છે.

ઓક્સફામના અભ્યાસ મુજબ 2009માં 1% ધનિકો પાસે દુનિયાની 44% મિલકતનો કબજો હતો તે વધીને 2014માં 48% થયો છે. હવે યાદ રહે કે એ વર્ષો તો મોટા ભાગના દેશો માટે મંદીના હતાં જ્યારે સરકાર, જાહેર સંસ્થાઓ અને નાગરિકોને કરકસરનાં પગલાં ભરવાની ફરજ પડેલી, તો પેલા ટેકરી પર બેઠેલાને કેમ ફાયદો થયો? હજુ જો નિષ્ક્રિય રહેશું તો આવતે વર્ષે એ 1% લોકો પાસે દુનિયાની અર્ધોઅર્ધ માલમત્તા સંચિત થયેલી હશે. ઓક્સફામના એક્સેક્યુટીવ ડાયરેક્ટર બ્યાન્યીમાએ સહુથી વધુ ધન દૌલત ધરાવનારા અને રાજકીય સત્તા ધરાવનારાઓને સંદેશ આપ્યો કે વધતી આર્થિક અસમાનતા જોખમકારક છે. તેનાથી પ્રગતિ રૂંધાય અને વહીવટને પણ મુશ્કેલી સહેવી પડે. હાલમાં તો જેના હાથમાં ધન તેના હાથમાં સત્તા છે જેને કારણે સામાન્ય પ્રજાનો અવાજ કોઈ સાંભળે નહીં અને તેમના હિતનું કોઈ રક્ષણહાર નથી રહ્યું. હવે આવી વિષમ અસમાનતા એ કંઇ કોઈ અકસ્માત કે કુદરતી આર્થિક પ્રવાહનું પરિણામ નથી, એ તો સરકારી નીતિ અને નૈતિક મૂલ્યોના અધ:પતનની ઉપજ છે.

એમ મનાય છે કે 21મી સદી એ લોકો વચ્ચે આર્થિક બાબતમાં સહુથી વધુ ધ્રુવીય અંતર ધરાવનારી સદી છે. એ વિધાન સાથે વિચાર કરતાં ખ્યાલ આવ્યો કે રાજાશાહી અને સામંતશાહીના જમાનામાં ડોકિયું કરીએ તો જણાશે કે તે વખતે પણ રાજા પાસે તેની રૈયતના પ્રમાણમાં અસાધારણ કહેવાય એટલી સંપત્તિ અને વૈભવ ક્યાં નહોતાં? વળી રાજાના મંત્રીઓ, અમાત્યો, જમીનદારો, સામંતો, ધર્મના વડાઓ અને મોટા મોટા શાહુકાર-વેપારીઓને પણ જમીન-જાગીર, મહેલ-મોલાતો, અને જર-જવેરાતોના ઢગલા સાંપડતા હતા. તે વખતે કોની પાસે કેટલી સ્થાવર અને જંગમ મિલકત છે એ નોંધવાની સગવડ હોત તો અત્યારના આંકથી બહુ જુદું ચિત્ર જોવા ન મળત એ શક્ય છે. જો કે એથી કરીને આજની સ્થિતિને વ્યાજબી ન ઠરાવી શકાય. ખરી વાત તો એ છે કે લોકશાહીના આગમન સાથે એ પતિત, દલિત, કચડાયેલા નિર્ધન લોકો અવાજ ઉઠાવતા થયા છે. હવે ‘જેવાં જેનાં નસીબ’ કહીને પોતાની ઝોળીમાં જે પડે તે સ્વીકારીને આવતે જન્મ વધુ સારો અવતાર મળશે એમ મૂંગે મોઢે સહી લેવાને બદલે માનવ અધિકારની જાગૃતિ વધતાં સમાનાધિકારની ઝુંબેશ વધી રહી છે. અને પરિણામે છેલ્લા પાંચેક દાયકાઓ દરમ્યાન આર્થિક અસમાનતા વધતી જાય છે એવું ચિત્ર ઉપસી આવે છે.

જેક પેરેટીએ અલગ અલગ ધનિકો તેમ જ સામાન્ય સ્થિતિના લોકો સાથેની મુલાકાત દરમ્યાન જે તારણ  કાઢ્યું તે જાણવું રસપ્રદ થશે. એમના મતે બ્રિટન પહેલાં એક મોટા સામ્રાજ્યનું માલિક હતું જે આજે પોતાની વૈભવી જીવન પદ્ધતિ ટકાવી રાખવા અન્ય દેશોના વેપાર-ઉદ્યોગોને આ ધરતી પર નભવા દઈને જાણે જુગારખાનું બની ગયું છે. આજે હજુ જેમની પાસે અલ્પ સંપત્તિ છે તેમની પાસે પુરતા આવાસ કે પોષણની સુવિધા નથી જ્યારે ધનિકો પાસે અતિ ખર્ચાળ યોટ હોય છે. તો પુરાણા જમાનામાં જમીનદાર અને ગામના મોચીની શું એવી જ હાલત નહોતી? 2008ની સાલ મોટા ભાગના દેશો માટે મંદીનું મોજું લાવી. સરકારી ખાધને સરભર કરવા જાહેર સેવાની સંસ્થાઓ અને સરકારી ખાતાંઓને કરકસરના પગલાં લઈને 80 બીલિયન પાઉન્ડ બચાવવાનો આદેશ એક બાજુ થયો, તો બીજી બાજુ એટલી રકમ તો બેન્કના મેનેજર્સને બોનસ રૂપે અપાઈ ! એમ તો અમારે રાજાઓ અને તેના હજૂરિયાઓ દુકાળના કારમા સમયે પ્રજા ઘાસ ખાઈને જીવતી હોય અને પોતે ચુરમાના લાડવા ખાતા હોય એવા ય દાખલા છે, હોં ભાઈ. જો કે દુનિયાના ટોપ એક હજાર ધનિકો મંદીના વર્ષો દરમ્યાન 17 બીલિયન પાઉન્ડ કમાયા કે જે બ્રિટનના કુલ ફૂલ ટાઈમ કરનારા લોકોની કુલ આવક જેટલી થવા જાય છે એનો જોટો જડવો મુશ્કેલ છે.   

પેલા 1% ધનિકો અને તેમના વૈભવી જીવનને પરિણામે લાભ મેળવતા લોકોને પૂછશો તો કહેશે કે ભાઈ, આ દુનિયા પાણીના ઝમણના સિદ્ધાંત પર ચાલે છે. જરા ધીરજ રાખો, 1% લોકોનું માટલું છલકાઈ જશે એટલે 99% લોકોને જ લાભ થશે કે બીજા કોઈને? અને જુઓને અત્યારે જ એનો ફાયદો થાય છે ને? લાખોપતિ કે કરોડાધિપતિ મોંઘી કાર વાપરે તો બનાવનારને રોજી મળે, એ લોકો 215 હજાર પાઉન્ડની ઘડિયાળ ખરીદે, મોંઘા રેસ્ટોરંટમાં જમવા જાય, પોતાની સેવામાં નોકરોનું સૈન્ય રાખે, તેમને માટે એક સલામતીનું દળ ફરતું રહે, જેટમાં મુસાફરી કરી, પ્રાઈવેટ હેલીકોપ્ટરમાં ફરે, યોટ્સના માલિક હોય તો અંતે ફાયદો તો એ બનાવનાર, ચલાવનાર અને સેવા આપનારને જ થાય છે. નહીં તો એ બધા તો ભૂખે જ મરવાના, ખરું ને? પણ જો આ ટ્રીકલ ડાઉન થિયરી સાચી હોય તો 1% લોકોની સંપત્તિ વધે છે અને 99% લોકો હજુ કટોકટીના સમય પહેલાની સ્થિતિમાં કેમ રહે છે? દસ વરસ સુધી સરેરાશ બ્રિટિશ માણસ મહિને 429 પાઉન્ડ કમાતો રહ્યો પણ એ દરમ્યાન સુપર રીચની આવક વધી, તો પૂછવાનું એ કે વેપાર-ધંધાનો નફો કોની પાસે જાય છે? એ લોકોની લક્ષ્મી દસ વરસમાં 200 બીલિયન પાઉન્ડથી વધીને 500 બીલિયન થઈ. તો મહેલો બાંધનાર પોતે એક બેડ રૂમના મકાનમાં જ કેમ મરે છે? જો કે આવો જ સવાલ આપણે બસો વર્ષ પહેલાં પણ અમીર-ઉમરાવોને પૂછી શકત, પણ એટલી છૂટ પણ પ્રજાને નહોતી.

હજુ એક દલીલ એવી કરવામાં કે એ ‘લોકોને એટલી આવક મેળવવાનો અધિકાર છે કેમ કે તેઓ ‘સખત કામ કરે છે’! માનો કે ફ્રાકીંગ પદ્ધતિથી પેટાળમાંથી ગેસ અને ખનીજ તેલ કાઢનારી કંપનીનો માલિક અતિ ધનાઢ્ય લોકોમાંનો એક છે તો એ શું પેલા મજૂરો સાથે એ સ્થળે જઈને આઠ-દસ કલાક ડ્રીલ કરે છે? એ મજૂરો તો દિવસને અંતે કામ પૂરું કર્યાનો સંતોષ લઈને પોતાના રોજમદારીની આવકને ઓશીકાં નીચે રાખી નિરાંતે ઊંઘી જાય અને બીજે દિવસે ફરજ પર ખુશ મિજાજ સાથે હાજર થાય. એ જ કંપનીની ઓફિસમાં ઉત્પાદન, વેંચાણ અને ખરીદીની નોંધ રાખતા અને હિસાબ કરનારા પણ બહુ બહુ તો અઠવાડિયાના પાંચ દિવસ દસેક કલાક કામ કરે, પણ એમની ઊંઘ હરામ નથી થતી હોતી. જે ક્વોડ્રીલા કંપનીનો માલિક છે એ એકલો જ અઠવાડિયાના સાતે ય દિવસ ચોવીસ કલાક ‘કામ’ કરે છે. એને પોતાની કંપનીનો નફો ઓછો ન થાય, કંપનીનનો બીજો કોઈ હરીફ મેદાનમાં ન આવે એની ચિંતા સતાવે છે એટલે એને ‘સખત કામ’ રહે છે. અને સજ્જનો અને સન્નારીઓ, એ રખે ભૂલતા કે એવા સુપર રીચ લોકોના પરિશ્રમથી એ કંપનીના મજૂરોને લાભ થાય એટલે તેઓ આવો ત્યાગ કરે છે, એ તો પોતાની અંગત મિલકતમાં વધારો થાય એ માટે ફના થાય છે.

યુનાઇટેડ કિંગ્ડમમાં રાણી વિક્ટોરિયાના જમાનામાં બેહદ આર્થિક, સામાજિક અને રાજકીય અસમાનતા પ્રવર્તતી હતી. તો વળી ભારતની પુરાણ કથાઓ પણ તેના નમૂના પૂરા પાડે છે, નહીં તો વળી શ્રી કૃષ્ણ ભગવાને સુદામાને મદદ શાને કરવી પડી હશે?

પરંતુ આજે  હવે બ્રિટનમાં HMRCના જ ઓફિસરો સુપર રીચ લોકોને વધુ ટેક્સ ભરવામાંથી કેમ બચવું એ બતાવે એની જાણ સામાન્ય પ્રજાને થઈ જતી હોવાને કારણે જાગૃત પ્રજા એ અન્યાય નહીં સાંખી લે. હવે મજા તો એ વાતની છે કે 2008ની સરકારે પોતે આ વિષે સક્રિય છે એ બતાવવા લાખોપતિ હોય તેણે  30 હજાર પાઉન્ડ કર ભરે તેવો કાયદો કર્યો.

અરે ભાઈ, એટલી રકમ તો એવા ધનિકો પોતાના સંતાનોની જન્મદિવસની પાર્ટીમાં ખર્ચી નાખે તો એમને એવી એકાદ પાર્ટી વધુ થઈ એમ માનવમાં શું વાંધો આવે? જયારે બ્રિટનના મોટાભાગના નાગરિકોની સરેરાશ આવક 27 હજાર પાઉન્ડ હોય તેને એમાંથી થોડું એકાદ બટકું ય મળવાનું હશે? આથી જ તો ભારત  સ્વતંત્ર થયું ત્યારે પ્રથમ પંચ વર્ષીય યોજના તૈયાર કરીને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિનોબાજીને એ યોજના જોઈ જઈને તેને માન્ય કરવા દિલ્હી જવા વિનવ્યા (મારો ખાલ છે ત્યાં સુધી વિનોબાજી વર્ધાથી દિલ્હી ચાલતા ગયેલા). એ પ્રથમ પંચ વર્ષીય યોજના ઉપર નજર ફેરવતાં જ વિનોબાજીએ કહ્યું, “આમાં તમે તો માત્ર ચપટી ભર લોકોને જ ફાયદો થાય એવી યોજના કરી છે, કરોડો ગ્રામવાસીઓ, બેકાર છતાં કુશળ કારીગરો, ખેડૂતોના લાભમાં હું આમાનું કંઈ જોતો નથી.” ત્યારે જવાહરલાલજીનો જવાબ હતો, “આપણી પાસે ટાંચા સાધનો છે, બધાનો એક સાથે ઉદ્ધાર શક્ય નથી, ગ્રામવાસીઓએ થોડી રાહ જોવી રહી, બીજી યોજનામાં તેમનો સમાવેશ થશે.” વિનોબાજીએ વ્યથિત હૃદયે કહ્યું, “જો રાહ જોવાની હોય તો પેલા શિક્ષિત અને ઉચ્ચ મધ્યમ વર્ગનાને કહો, કરોડો ગ્રામવાસીઓને પહેલાં વિકાસનું પાણી પહોંચાડો. મારે મન આ યોજના કચરા પેટીમાં નાખી દેવા યોગ્ય છે કેમ કે તેમાં છેવાડેના લોકોનો સમાવેશ નથી.” કહી તેમણે ભારે હૃદયે દિલ્હી છોડ્યું. આવી ખુદગરજી સરકાર હવે નહીં ચલાવી લેવાય એમ આમ જનતાને લાગે છે.

જ્યાં સુધી રાજકીય પક્ષોને ધનિકો તરફથી પ્રચાર માટે અને અન્ય લાભ મળે તે માટે આવા ‘સુપર રીચ’ લોકો તરફથી  ‘દાન’ મળતા રહેશે ત્યાં સુધી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વફાદારી આવા સ્વાર્થપટુઓ માટે જ રહેશે. આથી જ તો એ ધનિકો અને એમને થાબડ ભાણાં કરનાર સરકારી સલાહકારો એમ માને છે કે ધનિકોને વધુ ટેક્સ ભરવા કહો તો દેશ છોડીને ભાગી જાય (કેમ કે તેમની નીતિ તો ગમે તે ભોગે અતિ ધનાઢ્ય રહેવાની જ હોય, તો અહીં રોકો તો બીજે જવામાં શો વાંધો હોય?) એટલે ગરીબોને થોડું ધન મળી રહે એટલા ખાતર આવી લઘુમતીને ગરીબ ન બનાવાય એમ તેઓ કહે છે. એક એવી જોરદાર માન્યતા છે કે બધાએ ગરીબ થવું એનું નામ સમાનતા નથી. અરે મારા વહાલા, મોબાઈલ ફોન કંપનીના માલિકને સુપર માર્કેટના કેશિયર કરતા હજાર ગણી આવક થતી હોય તો એ શું હજાર ગણી વસ્તુઓ ખરીદી શકે છે? માણસને પેટ પૂરવા જેટલું કમાવાની શક્તિ પ્રભુએ આપી છે, જેને માટે સવારથી સાંજ કામ કરે અને રાત્રે પ્રામાણિકતાનો રોટલો રળ્યાનો સંતોષ લઈને સૂઈ શકે એટલી જ મિલકત પચાવી શકે અને ઉપયોગ કરી શકે, બાકીની વધારાની માત્ર વેડફાઈ જ જતી હોય છે.

દુનિયાનો છેલ્લા એક હજાર વર્ષનો આર્થિક અને સામાજિક જીવનનો ઇતિહાસ જોશું તો ખ્યાલ આવશે કે અઢારમી અને ઓગણીસમી સદીમાં અત્યારે છે એવી જ સમાનતા હતી. માત્ર આપણે હવે તેનાથી વધુ જાગૃત બન્યાં છીએ, એ માટે વિરોધ કરવાની શક્તિ કેળવી છે અને જે ટ્રીકલ ડાઉન થિયરી નીચલા વર્ગને ફાયદાકારક છે એમ કહેવામાં આવતું હતું તે તો  ટ્રીકલ અપ થઈને ઉપલા વર્ગને જ ફાયદો કરનારી નીવડી એનું ભાન થયું એટલે એવી આર્થિક વ્યવસ્થા માટેનો ભ્રમ ભાંગ્યો અને હવે ‘અમને પણ અમારી મહેનતનો ભાગ આપો’ એવો નારો બળવત્તર બનતો જાય છે. 99% લોકોએ હવે પોતાના પૂર્વજો કરતાં વધુ અસરકારક રીતે પોતાના અધિકારો માટે ઝઝૂમવું રહ્યું અને તે મળી ન જાય ત્યાં સુધી જંપી ન શકાય કેમ કે એમાં માત્ર 99% have notsનું જ નહીં પણ 1% havesનું પણ કલ્યાણ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

4 February 2015 admin
← સદ્દગત રતિલાલ સાં. નાયક
અય શરીફ ઈંસાનોં ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved