‘ગુજરાતમાં ચૂંટણીની ગરમીનો જણાતો અભાવ’ આવું મથાળું ધરાવતા લખાણમાં જણાવાયું છેઃ ‘અસહ્ય મોંઘવારી, બેકારી, સામાજિક સમસ્યાઓ અને એવી અનેક બાબતોમાંથી ઉંચી નહીં આવતી ગુજરાતની જનતામાં રાજદ્વારી રસ જાણે કે ઓસરી જ ગયો હોય એમ લાગે છે…રાજદ્વારી પક્ષોને માટે પણ કોઇ પ્રશ્ન એવો રહ્યો નથી કે જેને પ્રાણપ્રશ્ન બનાવીને કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને ચૂંટણી લડવાની હોય…એક પણ પક્ષ પાસે નથી સબળ કાર્યક્રમ કે નથી સબળ ઉમેદવાર…’
ઉપરનું લખાણ એપ્રિલ, ૨૦૦૯નું હોય એવું લાગે છે? પણ એ છે ૧૯૬૨નું! વયોવૃદ્ધ પત્રકાર સદાશિવ પાઠકના સંગ્રહમાંથી મળેલું એ લખાણ ૪૭ વર્ષ પછી પણ એટલું જ પ્રસ્તુત છે. એ બતાવે છે કે રાજકારણમાં પક્ષો અને પાત્રો બદલાયાં છે, પણ તેના મૂળ (પ્રજાવિમુખ) પ્રવાહમાં ખાસ ફરક પડ્યો નથી.
૧ મે, ૨૦૦૯ના રોજ ગુજરાત રાજ્યનો ૫૦મો સ્થાપના દિવસ ગયો. તેના આગલા દિવસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ હતી. અલગ રાજ્ય તરીકે લોકસભાની ચૂંટણીનો પહેલો અનુભવ ગુજરાતને ૧૯૬૨માં, ત્રીજી લોકસભાની ચૂંટણી વખતે મળ્યો.
અલગ ગુજરાત (મહાગુજરાત)ની માગણી સાથે રચાયેલી અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ફાયરબ્રાન્ડ નેતા ધરાવતી ‘જનતા પરિષદ’ ૧૯૫૭ની બીજી લોકસભા ચૂંટણી લડી હતી, પણ ૧૯૬૦માં ગુજરાત મળી ગયા પછી પરિષદનું વિસર્જન થયું અને ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ‘નુતન મહાગુજરાત જનતા પરિષદ’ નામનો નવો રાજકીય પક્ષ બન્યો.
૧ મે, ૧૯૬૦ના રોજ અલગ ગુજરાત બની ગયું, પણ ચાર વર્ષના મહાગુજરાત આંદોલન દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની લોકપ્રિયતાનું ઠીકઠીક ધોવાણ થયું. મહાગુજરાતની માગણી કરતા દેખાવકારી વિદ્યાર્થીઓ પર કોંગ્રેસી સરકારે કરાવેલા ગોળીબાર અને તેમાં માર્યા ગયેલા પ્રત્યે અનાદર વ્યક્ત કરવાને લીધે ગાંધીના મૃત્યુનાં આઠ જ વર્ષ પછી ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસ અળખામણી બની. છતાં, મુકાબલો અત્યારના જેવો દ્વિપાંખીયો ન હતો. કોંગ્રેસ અને નૂતન મહાગુજરાત જનતા પરિષદ ઉપરાંત સ્વતંત્ર પક્ષ, પ્રજા સમાજવાદી પક્ષ, રીપબ્લીકન પક્ષ, જનસંઘ અને હિંદુ મહાસભા પણ મેદાનમાં હતાં.
એ સમયના રિવાજ પ્રમાણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાઇ હતી. નવા રચાયેલા ગુજરાતની વિધાનસભામાં ૧૫૪ અને લોકસભામાં ૨૨ બેઠકો હતી (જે સમય જતાં ૨૬ થઇ છે.) ગુજરાતની પહેલી લોકસભા ચૂંટણીમાં આશરે ૯૫ લાખ મતદાર હતા.
કોંગ્રેસે ઉભા રાખેલા ઉમેદવારોમાં ૨૦ વકીલ, ૧૦ ડોક્ટર, ૬૦ યુવાન, ૨૧ મહિલાઓ, ૯ મુસ્લિમ હતા. ત્રણ-ત્રણ કેન્દ્રીય મંત્રીઓ હતાઃ નાણાંમંત્રી મોરારજી દેસાઇ, ઉદ્યોગમંત્રી મનુભાઇ શાહ અને આયોજનમંત્રી ગુલઝારીલાલ નંદા. મુખ્ય વિરોધી ગણાતા સ્વતંત્ર પક્ષને ‘રાજા-મહારાજાઓ ને મૂડીપતિઓનો પક્ષ’ ગણાવનાર કોંગ્રેસે પોતે વડોદરામાં ફતેસિંહરાવ ગાયકવાડને ઉભા રાખ્યા હતા.
૧૯૫૭ની ચૂંટણીમાં મહાગુજરાતના મુદ્દે બધા વિરોધપક્ષો એક થઇને કોંગ્રેસ સામે લડ્યા. છતાં લોકસભામાં કોંગ્રેસે ૨૨માંથી ફક્ત પ બેઠક ગુમાવી હતી. ૧૯૬૨માં કોઇ મુદ્દો ન હોવાને કારણે અને વિપક્ષો વહેંચાયેલા હોવાને કારણે કોંગ્રેસનો દેખાવ સુધરશે એવું સામાન્ય ગણિત હતું, જે સાચું પડ્યું. કોંગ્રેસ ફક્ત છ બેઠકો ગુમાવી. તેમાંથી ચાર બેઠકો સ્વતંત્ર પક્ષે મેળવી.
ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના કર્તાહર્તા ભાઇકાકા (ભાઇલાલભાઇ પટેલ) હતા. વિદ્યાનગરના સ્થાપક અને સરદારના વિશ્વાસુ તરીકેની છાપ ધરાવતા ભાઇકાકાએ સ્વતંત્ર પક્ષને મજબૂત બનાવવા માટે ક્ષત્રિય મતબેંક પર નજર દોડાવી. ઝીણાભાઇ દરજીના દિમાગની પેદાશ જેવી ‘ખામ’ (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) થીયરી પહેલાં આવેલી ભાઇકાકાની વ્યૂહરચના ‘પક્ષ’ (પટેલ-ક્ષત્રિય) તરીકે ઓળખાઇ. જોકે, જ્ઞાતિનું રાજકારણ શરૂ કરવાનો આરોપ ભાઇકાકા પર ન મૂકી શકાય. કારણ કે કોંગ્રેસ એ ચીલો પાડી ચૂકી હતી.
ક્ષત્રિય સમાજે એપ્રિલ, ૧૯૫૮માં ડાકોરમાં ભરાયેલા સંમેલનમાં એ મતલબનો ઠરાવ કર્યો કે ‘ક્ષત્રિયસભાના સભ્ય થવા ઇચ્છનારે પહેલાં કોંગ્રેસના સભ્ય થવું જોઇએ.’ મોટી વસ્તી ધરાવતા ક્ષત્રિયોના આવા ટેકાને કારણે મહાગુજરાત આંદોલન વખતે થયેલી ૧૯૫૭ની ચૂંટણીમાં કોંગ્રેસને વાંધો આવ્યો ન હતો. કોંગ્રેસના પાયા હચમચાવવા માટે ભાઇકાકાને ક્ષત્રિયોનો ટેકો જરૂરી લાગ્યો. તેમની સમજાવટો પછી ૧૯૬૧ના બાયડ ખાતે ભરાયેલા ક્ષત્રિય સંમેલનમાં ક્ષત્રિયો કોંગ્રેસમાંથી નીકળી ગયા અને ચૂંટણીના એક મહિના પહેલાં તેમણે સ્વતંત્ર પક્ષમાં જોડાવાનો ઠરાવ કર્યો. આ નિર્ણયનો ચમકારો લોકસભાની ચૂંટણીમાં ઓછું, પણ વિધાનસભામાં વધારે જોવા મળ્યો.
સ્વતંત્ર પક્ષ તરફથી કનૈયાલાલ મુનશીનાં પત્ની લીલાવતી મુનશી ભરૂચ બેઠક પરથી અને સરદારનાં પુત્રવઘુ ભાનુબહેન ડાહ્યાભાઇ પટેલ ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડ્યાં. બન્ને ચૂંટણી હાર્યાં.
સ્વતંત્ર પક્ષે લોકસભાની ૧૪ બેઠકો પર, તો પ્રજા સમાજવાદી પક્ષે લોકસભાની ૬ બેઠકો પર ઉમેદવાર ઊભા કર્યા હતા. ૧૯૫૭ની ચૂંટણી વખતે સ્વતંત્ર પક્ષનું અસ્તિત્ત્વ ન હતું (એ ૧૯૫૯માં સ્થપાયો) અને પ્રજા સમાજવાદી પક્ષ ઈંદુલાલ યાજ્ઞિકની જનતા પરિષદ સાથે રહીને કૂકડાના નિશાન પર ચૂંટણી લડ્યો હતો, પણ ૧૯૬૨ની ચૂંટણીમાં તેણે જુદો ચોકો કર્યો. નેહરૂનાં બહેન કૃષ્ણા હઠીસિંગના પતિ રાજા હઠીસિંગ ઉપરાંત બ્રહ્મકુમાર ભટ્ટ, સનત મહેતા, છબીલદાસ મહેતા જેવાં જાણીતાં નામો પ્રજા સમાજવાદી પક્ષના ઉમેદવાર હતા. બી.કે.મઝુમદાર અને જયંતિ દલાલ જેવા ઉમેદવારોને પ્રજા સમાજવાદી પક્ષે ટેકો આપ્યો હતો.
ઇન્દુલાલ યાજ્ઞિકની નૂતન મહાગુજરાત જનતા પરિષદે સામ્યવાદીઓ સાથે મળીને લોકસભાની ૩ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. તેના ચૂંટણીઢંઢેરામાં ગુજરાતનું નવું પાટનગર સ્થાપવાને બદલે, અમદાવાદમાં પાટનગર રાખવાની માગણી હતી. હિંદુત્વના રાજકારણને માન્યતા મળવાની ઘણી વાર હતી, એ સમયે હિંદુ મહાસભાએ પ અને જનસંઘે ૪ બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. રીપબ્લિકન પક્ષે લોકસભાની એક જ બેઠક પર, ચાલુ સાંસદ કરસનદાસ પરમારને ઉભા રાખ્યા હતા.
૧૯૬૨ની ચૂંટણીના અહેવાલોમાં એ સમયે સક્રિય પત્રકાર સદાશિવ પાઠકે નોંઘ્યું છે ઃ ‘ગુજરાતમાં નોંધનીય બાબત એ છે કે મુસ્લિમ લીગનું તો નામનિશાન પણ ભૂંસાઇ ગયું છે. એક જમાનામાં અમદાવાદ શહેરમાં લીગ મજબૂત હતી. આ ચૂંટણીમાં લીગે એક પણ ઉમેદવાર ઉભો રાખ્યો નથી.’
પક્ષોની ભીડભાડ ધરાવતી ‘મહાગુજરાત’ની પહેલી લોકસભા ચૂંટણીમાં આખરે પરિણામ શું આવ્યું? નવા રચાયેલા સ્વતંત્ર પક્ષને ચાર બેઠકો પર વિજય મળ્યો. તેમાં આણંદની બેઠક પરથી સરદારનાં પુત્રીને હરાવીને વિજેતા બનનાર સ્વતંત્ર પક્ષના નરેન્દ્રસિંહ મહિડાનો પણ સમાવેશ થતો હતો. સ્વતંત્ર પક્ષ સિવાયના વિરોધ પક્ષો સાવ ધોવાઇ ગયા. નૂતન મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવાર તરીકે ઈંદુલાલ યાજ્ઞિક અમદાવાદમાંથી ચૂંટાયા, પણ તેમાં પક્ષ કરતાં વધારે વ્યક્તિનો- મહાગુજરાતના નાયકનો- પ્રભાવ કામ કરતો હતો. પ્રજા સમાજવાદી પક્ષ બરાબર ધોવાઇ ગયો. તેને ફક્ત એક જ બેઠક- ભાવનગરની- મળી. વિરોધ પક્ષમાં ગમે તેટલાં સક્ષમ વ્યક્તિત્વો હોય, તેમનું ગુજરાતમાં ગમે તેટલું માતબર પ્રદાન હોય, છતાં ચૂંટણીનો ખેલ સાવ અલગ છે, એ આ ચૂંટણીનાં પરિણામોથી ફરી એક વાર સાબીત થયું.