પુસ્તક પરિચય
● ‘સાહિત્યત્વ’ : સંપાદન : અદમ ટંકારવી અને પંચમ શુક્લ, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઈટેડ કિંગ્ડમ, એપ્રિલ 2022, પાનાં 432, રૂ. 675/-
નોબલ પુરસ્કાથી સન્માનિત લેખકોના વક્તવ્યોના ગુજરાતી અનુવાદોનો સંચય ‘સાહિત્યત્વ’ એ આપણી ભાષાના સમૃદ્ધ અનુવાદ-રાશિમાં મહત્ત્વનો ઉમેરો છે.
‘સહસ્ત્રાબ્દીના સંધિકાળની આસપાસનાં વર્ષો’ એટલે કે 1991થી 2016 દરમિયાન નોબલ સન્માન મેળવનાર 26 સર્જકોના વક્તવ્યોનો અહીં સમાવેશ છે.
તેમને દેશ તેમ જ દેશાવરના એકવીસ અનુવાદકોએ ગુજરાતીમાં ઊતાર્યા છે. યુનાઇટેડ કિન્ગડમમાં ચાળીસેક વર્ષથી કાર્યરત ગુજરાતી સાહિત્ય અકાદમીના એક મહત્ત્વના પ્રકલ્પ તરીકે અદમ ટંકારવી અને પંચમ શુક્લના સંપાદન હેઠળ આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે.
ઉત્કૃષ્ટ રીતે નિર્માણ પામેલું સહેજ મોટા કદનું આ સચિત્ર અને ઓપદાર પુસ્તક 432 પાનાંનું હોવા છતાં વજનમાં હળવું છે.
ધોરણસરની સાહિત્યરુચિ ધરાવનાર વાચકો-અભ્યાસીઓને આ સંગ્રહના કેટલાક લેખકો વત્તા-ઓછાં પરિચિત હોવાના, જેમ કે ટૉની મૉરિસન, શેયમસ હિની, દારિયો ફો, વી.એસ. નાયપોલ, ડૉરિસ લેસિન્ગ, એલિસ મુનરો અને બૉબ ડિલન.
વર્ષ 2015નું સન્માન મેળવનાર રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સયેવીચના વ્યાખ્યાન અત્યારે વિશેષ પ્રસ્તુત છે. સ્વેતલાનાનો જન્મ યુક્રેનમાં અને તેમની કારકિર્દી બેલારુસમાં. રશિયન શાસકોની કડક આલોચના માટે દેશનિકાલ પામ્યા બાદ યુરોપના વિવિધ દેશોમાં વસે છે.
અત્યારે બેલારુસની લોકશાહી માટેની ચળવળના સક્રિય ટેકેદાર અને યુક્રેન પરના રશિયન આક્રમણના સખત વિરોધી છે. તેમના પુરસ્કાર વ્યાખ્યાનનું શીર્ષક છે : ‘હારેલી લડાઈ વિશે’.
પ્રકાશકીય નોંધે છે કે ‘સમાવેશક અભિગમથી’ અનુવાદકો તરીકે એવી વ્યકિઓની પસંદગી કરવામાં આવી છે જે ‘વૈશ્વિક સાહિત્યથી પરિચિત હોય; અકાદમી સાથેના નિર્વ્યાજ સ્નેહના સેતુથી જોડાઈને કામ કરી શકે’.
એ નોંધપાત્ર છે કે આ પુસ્તકના અનુવાદકોમાંથી બહુ ઓછા અનુવાદકો વ્યાવસાયિક કૉલમનવીસો કે અનેક પુસ્તકો લખનાર સર્જકો/વિવેચકો છે.
ઘણાં નામો એકંદરે ઓછા જાણીતા છે. પણ તેમનું હીર અહીં બરોબર પરખાયું છે. તેમણે ઘણી મહેનતથી વાચનીય અનુવાદો કર્યા છે. કામચોરી નથી, અણઘડ અભિવ્યક્તિના દાખલા જૂજ છે, સઘન સંમાર્જનનો અંદાજ મળતો રહે છે.
આફ્રિકન લેખિકા નેડીન ગોર્ડીમરના વ્યાખ્યાનના આરંભે જ તેમનાથી તદ્દન ભિન્ન ભારતીય સાંસ્કૃતિક પરિવેશ બતાવતો અનુવાદ મળે છે : ‘નાદ-બ્રહ્મ સ્વરૂપે શબ્દ ઇશ્વરને આધીન હતો …’ અંગ્રેજી શબ્દો છે : ‘The word was with God, signified God’s word …’
ઈટાલિયન નાટ્યકાર અને રાજકીય વ્યંગકાર દારિયો ફોનું વ્યાખ્યાન તેની અંદરના ઠઠ્ઠાચિત્રો સાથે છાપવામાં આવ્યું છે. તેમાંથી ‘Gurgle, gurgle, splash…’નું ગુજરાતી છે : ‘બુડબુડ .. બુડબુડ, છાલક ..’.
અનુવાદોમાં ‘અમળાટ’, ‘કરસાંઠી’, ‘કાચફૂકણિયા’, ‘ચતુરા’, ‘ટગલી ડાળ’, ‘બિરદ ભોંય’, ‘પિતરણ’ ‘માંકડા’, ‘હેરિયું’ જેવા એકદમ દેશજ પોતના શબ્દો મળતા રહે છે. તેના મૂળ અંગ્રેજી શબ્દો શોધવા એ મજા પડે તેવો વ્યાયામ છે.
અનુવાદકો હેરોલ્ડ પિન્ટર, ટૉમસ ટ્રાન્સટ્રોમર, પેટ્રિક મોદિયાનોના વ્યાખ્યાનોમાં આવતી કવિતાઓ અને બૉબ ડિલનમાં આવતાં ગીતને ગુજરાતીમાં લાવ્યાં છે.
તમામ વ્યાખ્યાનોને આવરી લેતું ‘પરિષ્કૃતિ’ નામનું વીસ પાનાનું સંપાદકીય પુષ્કળ મહેનતથી લખવામાં આવ્યું છે. વક્તવ્યોમાંથી ઊભા થતાં સાહિત્ય પદાર્થ, આત્મભાન, સમાજ દર્શન, સર્જન પ્રક્રિયા, ભાષા તેમ જ ભાવક અંગેના પ્રશ્નોની અવતરણો સહિત છણાવટ તેમાં અવતરણો સાથે કરવામાં આવી છે.
કેટલાંક વક્તવ્યોમાં લાંબી-ટૂંકી પણ ચોકસાઈથી લખાયેલી ફૂટનોટસ છે. ગુન્ટર ગ્રાસના વ્યાખ્યાનમાં આવતા ઉદ્દગાર ‘બુભુક્ષાના ધસારાની ઝીંક કોઈ દુર્ગદ્વાર ઝીલી ન શકે’ની ફૂટનોટમાં ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે …’ યાદ કરવામાં આવી છે.
અઢળક વિશેષ નામોના ગુજરાતી લિપ્યંતરમાં અહીં જોવા મળતી એકંદર ચોકસાઈથી ગુજરાતી પુસ્તકોમાં ઓછી જોવા મળે છે. સવૃત અને વિવૃત ‘એ’ સ્વરના મુદ્રણના પ્રશ્નો પણ અહીં ઓછા છે.
અનુવાદકોના શ્રેયનામોને આપવામાં આવેલું ગૌણ સ્થાન બીજી આવૃત્તિની દૃષ્ટિએ ફેરવિચાર માગી લે છે.
આ પ્રકારના સંભવત: પહેલાવહેલા સંગ્રહમાં વક્તવ્યો ઉપરાંત પણ વાચકને ન્યાલ કરી દે તેવી વિપુલ વાચન સામગ્રી મળે છે. તેનો શ્રેય ‘સંવર્ધક’ કેતન રૂપેરાને મળે છે. ‘પ્રકાશકીય’માં કેતનના સહયોગને ‘ગોવર્ધન-ટેકો’ ગણીને તેની ‘ઓશિંગણ ભાવે’ નોંધ લેવામાં આવી છે.
સંવર્ધકે દરેક લેખકના જીવન-સર્જનનો માત્ર દોઢસો-બસો શબ્દોમાં સંતર્પક પરિચય આપવાનું પડકારરૂપ કામ કર્યું છે. પુસ્તકના અનુક્રમની સાથે વિશ્વનો નકશો અને કયા વર્ષે કયા દેશને પારિતોષિક મળ્યું તેનું ગ્રાફિક જોવા મળે છે.
દરેક વક્તવ્યનું પહેલું પાનું સાહિત્યકાર વિશેની પાયાની માહિતીને ચિત્રાત્મક રીતે મૂકે છે. તેમાં નોબેલ citation એટલે કે સન્માનપત્રમાંથી પારિતોષિક કઈ ગુણવત્તા (quality) માટે આપવામાં આવ્યું છે તેને વર્ણવતાં અંગેજી અવતરણનો મહત્ત્વનો હીસ્સો Prize Motivation મથાળા હેઠળ મૂકવામાં આવ્યો છે.
જેમ કે બૉબ ડિલનમાં માટે : ‘for having created new poetic expression within the great American song tradition’. તદુપરાંત પુસ્તકમાં ડાબી બાજુના ત્રણ અલગ અલગ ક્રમનાં પાનાં એવાં છે કે જેમાંથી દરેક પર આઠ સાહિત્યકારોના અંગ્રેજી અવતરણો વાંચવા મળે છે.
પુસ્તકના મુખપૃષ્ઠ પર નોબલ પુરસ્કાર આપનાર સ્વીડીશ એકેડેમિના સ્ટૉકહોમ ખાતેના મુખ્ય મથકનો ફોટો મૂક્યો છે, જે પાનાંના રંગસંયોજન અને UV Varnishથી ઘણું આકર્ષક લાગે છે.
પુસ્તક માનવધિકારના કર્મશીલ અને વરિષ્ઠ સંપાદક વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. ‘ગુજરાતી ડાયસ્પોરાની દીવાદાંડી’ સમા વિપુલભાઈ માટેની અર્પણપત્રિકાના શબ્દો છે : ‘બ્રિટિશ ગુજરાતીઓ ગુજરાતી સાંભળે, બોલે, વાંચે, લખે, જીવે તે માટે એમણે કરેલ પ્રયત્નની કદરરૂપે’.
‘સાહિત્યત્વ’ પુસ્તક રંજક નથી, પણ તે વાચકને ખૂબ આંતરસમૃદ્ધિ આપે છે. આ પુસ્તક અને તેનું નામ બંને ગુજરાતી ભાષાનો હિસ્સો બને તેવું સત્વ ધરાવે છે.
અનુવાદકો અને લેખકોના નામ આ મુજબ છે :
* અદમ ટંકારવી – જૉન મૅક્સવેલ કોત્ઝી, દક્ષિણ આફ્રિકા; એલ્ફ્રિડ યેલિનેક, ઑસ્ટ્રિયા; હેરૉલ્ડ પિન્ટર, યુનાઈટેડ કિંગ્ડમ * અવનીશ ભટ્ટ – વી.એસ. નાઇપોલ, યુનાઈટેડ કિંગ્ડમ * અશોક વિદ્વાંસ – નેડીન ગોર્ડીમર, દક્ષિણ આફ્રિકા * અહમદ ગુલ – શેયમસ હિની, આયર્લૅન્ડ * આરાધન ભટ્ટ – ડોરિસ લેસિંગ, યુનાઈટેડ કિંગ્ડમ * આશા બૂચ : ટોની મૉરિસન, યુનાઈટેડ સ્ટેટસ ઑફ અમેરિકા * ઇમ્તિયાઝ પટેલ – ટૉમસ ટ્રાન્સ્ટ્રોમર, સ્વિડન * ચિરંતના ભટ્ટ – જોસે સરમાવો, પોર્ટુગલ * ચિરાગ ઠ્ઠક્કર ‘જય’ – બૉબ ડિલન, યુ.એસ. એ. * દીપક ધોળકિયા – ગાઓ શિન્ગજિયાન, ચીન * નંદિતા મુનિ – જોં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો, ફ્રાન્સ * નીતા શૈલેષ – ડેરેક વૉલકૉટ, સેન્ટ લૂસિયા; એમો યાન – ચીન ; એલિસ મુનરો, કૅનેડા * પંચમ શુક્લ -વિસ્લાવા સિમ્બોર્સકા, પોલેન્ડ * પીયૂષ જોશી – પેટ્રિક મોદિયાનો, ફ્રાન્સ * પ્રતિષ્ઠા પંડ્યા – ઓરહાન પામુક, તુર્કી * બકુલા ઘાસાવાલા-દેસાઈ – મરિયો વરગાસ લોસા * ભદ્રા વડગામા – ઇમરે કરતેઝ, હંગેરી; સ્વેતલાના એલેક્સિયેવીચ, બેલારુસ * ડૉ. રજની પી. શાહ – દારિયો ફો ઇટાલી * રંજના હરીશ – હેરતા મ્યુલર * રાજન્દ્રસિંહ જાડેજા – કેન્ઝાબૂરો ઓએ, જાપાન * હરીશ મીનાશ્રુ – ગુન્ટર ગ્રાસ
● પ્રાપ્તિસ્થાન – ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસ રંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2023 [અનુવાદકોના નામની યાદીના ઉમેરણ સાથેનો લેખ]
e.mail : sanjaysbhave@yahoo.com