પ્રચલિત માન્યતા એવી છે કે સરદારના વારસદારો રાજકારણ અને ચૂંટણીઓથી દૂર રહ્યા, પરંતુ ઐતિહાસિક હકીકત જુદી છે. સરદારનાં પુત્રી મણિબહેન, પુત્ર ડાહ્યાભાઇ અને પુત્રવઘુ ભાનુમતિબહેન એક કે વઘુ વખત સંસદીય ચૂંટણી લડ્યાં હતાં.

(સરદારના અસ્થિકુંભ સાથે ડાહ્યાભાઇ, સાથે ઉભેલાં મણિબહેન)
ભારતમાં લોકશાહીના છ દાયકા પછી વંશપરંપરાનું રાજકારણ જામી ચૂક્યું છે. પહેલાં જે ફક્ત નેહરૂ-ગાંધી પરિવારનો ઇજારો ગણાતી હતી, તે હવે સ્વીકૃત અને બેશરમ પરંપરા બની ગઇ છે. ઇશાન ભારતના સંગ્માથી પશ્ચિમ ભારતના શરદ પવાર, ઉત્તરે કાશ્મીરના અબ્દુલ્લા પરિવાર-સઇદ પરિવારથી દક્ષિણે દેવે ગૌડા-કરૂણાનિધિ જેવાં પરિવારો, ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંઘ, વરૂણ ગાંધી, મઘ્ય પ્રદેશના સિંધિયા, મુંબઇના દેવરા, રાજસ્થાનના માનવેન્દ્ર જસવંતસિંઘ…વંશવાદની બોલબાલા અત્રતત્રસર્વત્ર છે.
વંશવાદની વાત નીકળે ત્યારે નેહરૂની સરખામણીએ અને તેમના બીજા છેડા તરીકે (યોગ્ય રીતે જ) લેવાતું નામ સરદાર પટેલનું છે. બારડોલીના ‘સરદાર’થી દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા ત્યાં લગી વલ્લભભાઇ પટેલે પોતાના પરિવારને સભાનતાપૂર્વક રાજકારણથી દૂર રાખ્યો. રાજકીય જીવન શરૂ થતાં પહેલાં પત્નીનું અવસાન થયા પછી વિઘુર બનેલા વલ્લભભાઇનો પરિવાર ટૂંકો હતોઃ પુત્રી મણિબહેન અને પુત્ર ડાહ્યાભાઇ. અપરણિત મણિબહેન પિતાનાં સચિવ અને સેવિકા બનીને તેમના પડછાયામાં સમાઇ ગયાં, જ્યારે ડાહ્યાભાઇએ વિવિધ નોકરી-ધંધા કર્યા. ડાહ્યાભાઇના બે પુત્રો વિપિનભાઇ અને ગૌતમભાઇ નાના હતા ત્યારે દિલ્હી રહેતા દાદા (સરદાર)ની સ્પષ્ટ સૂચના હતીઃ ‘હું દિલ્હીમાં છું ત્યાં લગી દિલ્હી આવવું નહીં. બને ત્યાં લગી વિંઘ્ય (મઘ્ય પ્રદેશનો વિંઘ્યાચળ પર્વત) પાર કરવો નહીં.’ તેમને અંદેશો હતો કે દિલ્હીના ચલતા પુર્જાઓ ક્યાંક સરદારના વારસદારોને ભોળવી-લલચાવીને તેમના નામે ચરી ન ખાય!
આઝાદ ભારતની પહેલી લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે સરદાર હયાત ન હતા. સરદારના મૃત્યુ પછી કોંગ્રેસમાં સક્રિય બનેલાં સાદગીના અવતાર સમાં મણિબહેન ૧૯૫૨માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની પહેલી ચૂંટણી લડ્યાં. એ વખતે અલગ ગુજરાતનું અસ્તિત્ત્વ ન હતું. ગુજરાત અને મહારાષ્ટ્રનું બનેલું મુંબઇ રાજ્ય હતું. મણિબહેન એ સમયે ખેડા (દક્ષિણ)ની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં. એકમાત્ર પ્રતિસ્પર્ધી, અપક્ષ ઉમેદવાર લલ્લુભાઇ દેસાઇભાઇ પટેલને સહેલાઇથી હરાવીને મણિબહેન લગભગ ૬૦ હજાર મતના તફાવતથી જીત્યાં. ૧૯૫૭ની ચૂંટણીમાં મણિબહેન ફરી ઊભા રહ્યાં. આ વખતે બેઠકનું નામ બદલાઇને ‘આણંદ’ થયું હતું. મણિબહેનની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા દાદુભાઇ અમીન લગભગ ૩૮ હજાર મતથી હાર્યા.
મણિબહેન કરતાં જુદા રાજકીય રસ્તે ડાહ્યાભાઇ સાંસદ બન્યા. ૧૯૫૮માં ડાહ્યાભાઇ મહાગુજરાત જનતા પરિષદના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇને રાજ્યસભામાં પહોંચ્યા. તેના બીજા વર્ષે સ્વતંત્ર પક્ષની સ્થાપના થઇ. ગુજરાતમાં તેના આગેવાન તરીકે સરદારના વિશ્વાસુ અને વિદ્યાનગરના સ્થાપક ભાઇલાલભાઇ પટેલ (ભાઇકાકા) હતા. ૧૯૬૦માં ગુજરાત રચાયા પછી ૧૯૬૨માં લોકસભાની ચૂંટણી આવી. તેમાં ‘સ્વતંત્ર પક્ષ’ કોંગ્રેસનો મુખ્ય વિરોધી પક્ષ હતો.
રાજકારણના તકાદા પણ કેવા! ગુજરાત બન્યા પછીની પહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાત જેમનું ગૌરવ લેતાં થાકતું નથી એવા સરદાર પટેલનાં પુત્રી મણિબહેન સામે સરદારના વિશ્વાસુ એવા ભાઇકાકાના પક્ષના ઉમેદવાર નરેન્દ્રસિંહ મહિડાનો મુકાબલો થયો. લડાઇ વ્યક્તિની નહીં, પક્ષની હતી. સરદારને કોંગ્રેસ દ્વારા અન્યાય થયો છે, એવો પ્રબળ મત ધરાવતા ભાઇકાકા પૂરા જુસ્સાથી એ સમયની કોંગ્રેસની નીતિરીતિઓ સામે પડ્યા હતા. સરદારના પુત્ર ડાહ્યાભાઇ પટેલ ભાઇકાકાના વિચારો સાથે સંમત હતા. ડાહ્યાભાઇના સાળા પશાભાઇ પટેલ (ટ્રેક્ટરવાળા) પણ ભાઇકાકાની સાથે હતા. બીજી તરફ, મણિબહેન પિતાના મૃત્યુ પછી તેમની સંસ્થાને વળગી રહ્યાં. જોકે, આઝાદી પછીના રાજકારણના ઝડપથી બદલાતા માહોલમાં મણિબહેન બદલાયાં કે અભડાયાં નહીં. રાજકારણને તેમણે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા કે સત્તા-સમૃદ્ધિનું સાધન કદી ન ગણ્યું.
મણિબહેનની બેદાગ પ્રતિભા છતાં કોંગ્રેસ પક્ષમાં હોવું તેમને નડી ગયું. ૧૯૬૨ની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી મણિબહેનનો પરાજય થયો. સ્વતંત્ર પક્ષના નરેન્દ્રસિંહ મહિડા આશરે ૧૩ હજાર મતની સરસાઇથી વિજયી થયા. સરદારનાં પુત્રી આણંદમાંથી ચૂંટણી હારે એ પણ લોકશાહી રાજકારણની વિશિષ્ટતા કહેવાય. એવું જ ડાહ્યાભાઇ પટેલ અને તેમના સાળા પશાભાઇ પટેલની બાબતમાં પણ બન્યું. સ્વતંત્ર પક્ષે ભાવનગર બેઠક પરથી ડાહ્યાભાઇનાં પત્ની ભાનુબહેનને અને સાબરકાંઠામાં કોંગ્રેસના ગુલઝારીલાલ નંદા સામે ભાનુબહેનના ભાઇ (ડાહ્યાભાઇના સાળા) પશાભાઇ પટેલને ઊભા રાખ્યા હતા. નંદા સામે પશાભાઇએ ખાસ્સી લડત આપી અને ૨૫ હજાર મતના ગાળાથી હાર્યા. પરંતુ ભાવનગરમાં પ્રજાસમાજવાદી પક્ષ અને કોંગ્રેસની લડાઇમાં ભાનુબહેનનો ખો નીકળી ગયો. ૨.૧૧ લાખ મતમાંથી ભાનુબહેનને ફક્ત ૧૪,૭૭૪ મત મળતાં તેમની ડિપોઝીટ જપ્ત થઇ.
આ ચૂંટણીમાં હારનાં બે વર્ષ પછી મણિબહેન રાજ્યસભાનાં સભ્ય તરીકે સંસદમાં ગયાં અને ૧૯૭૦ સુધી સભ્યપદે રહ્યાં. સક્રિય રાજકારણમાં આવવા ઇચ્છતા રાજ્યસભાના કેટલાક સભ્યો વચ્ચે આવતી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. પણ મણિબહેન ૧૯૬૭ અને ૧૯૭૧ની લોકસભા ચૂંટણીઓથી દૂર રહ્યાં.
૧૯૭૩માં વઘુ એક વાર તેમણે સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પેટાચૂંટણીમાં ઝંપલાવ્યું. ત્યારે કોંગ્રેસના બે ભાગ પડી ચૂક્યા હતા. મણિબહેન ઈંદિરા કોંગ્રેસ સાથે રહેવાને બદલે જૂના જોગીઓના જૂથ ‘સંસ્થા કોંગ્રેસ’ સાથે રહ્યાં અને તેનાં ઉમેદવાર તરીકે જ સાબરકાંઠાથી ચૂંટાયાં. ૧૯૭૫માં ઈંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરતાં અને ૧૯૭૭માં કટોકટી ઉપડી જતાં નવી ચૂંટણી આવી. પોતાના સક્રિય રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી મણિબહેન કોંગ્રેસ સિવાયના પક્ષ તરફથી લડ્યાં. તેમનો પક્ષ હતો ભારતીય લોકદળ અને બેઠક હતી મહેસાણા.
મણિબહેનની જૂની બેઠક સાબરકાંઠા પરથી એચ.એમ.પટેલ ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, જીત્યા અને દેશના નાણામંત્રી બન્યા. એ ચૂંટણીમાં પુરૂષોત્તમ ગણેશ માવળંકર ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે ગાંધીનગર બેઠક જીત્યા હતા અને રાજકોટ બેઠકના ભારતીય લોકદળના વિજેતા ઉમેદવાર હતાઃ કેશુભાઇ પટેલ!
કટોકટી પછીના કોંગ્રેસવિરોધી મોજાને કારણે ૧૯૭૭માં મણિબહેન પટેલ સવા લાખ કરતાં પણ વઘુ મતની સરસાઇથી મહેસાણા બેઠક પર જીત્યાં. દરમિયાન, તેમનાથી ટૂંકી અને ઓછી યશસ્વી રાજકીય કારકિર્દી ધરાવતા ડાહ્યાભાઇનું અવસાન થયું હતું. ડાહ્યાભાઇ મુંબઇના મેયર અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા, પણ તેમના બન્ને પુત્રો વિપિનભાઇ અને ગૌતમભાઇએ સમજણપૂર્વક રાજકારણથી છેટા રહેવાનું નક્કી કર્યું. તે પોતપોતાના અભ્યાસ-વ્યવસાયના ક્ષેત્રમાં, સરદારનું નામ બિલકુલ વટાવ્યા વિના, આગળ વઘ્યા. મણિબહેન સ્વેચ્છાએ સ્વીકારેલી અકિંચન અવસ્થામાં રહ્યાં અને ૧૯૯૦માં અવસાન થયું ત્યાં સુધી વખતોવખત ‘હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી’નો વિષય બનતાં રહ્યાં. તેમના મૃત્યુ સાથે રાજકારણમાં સક્રિય રહી ચૂકેલા સરદારના વંશનો અંત આવ્યો.
![]()

