મારે અનુવાદ કરવો છે
બીજી ભાષામાંથી –
શું છે કે બીજી ભાષામાંથી પ્રેમ
ગુજરાતીમાં આવે છે તો
ગુજરાતીઓ
વેલેન્ટાઈન થઈ ઊઠે છે !
તમને ખબર છે ફ્લાવર્સને
ફ્લેવર્સ હોય છે તેની?
ને તમે ફૂલો કહો તો આ ગુજ્જુઓ
ગુજરાતીમાં ફૂલ્સ સમજે છે
વેલ, વિદેશી નદી ગુજરાતીમાં વહેને
તો ગુજરાતીઓ તેમાં
ડૂબકી મારીને
પુણ્યશાળી બને છે
મારે પણ પુણ્ય કમાવું છે
પણ એ બીજી ભાષાને ગુજરાતીમાં
લાવી શકાય તો જ શક્ય છે
ને પ્રોબ્લેમ એ છે કે મને
બીજી કોઈ ભાષા આવડતી નથી
ને મારે અનુવાદ કરવો છે
એટલે બહુ બહુ તો હું
મારી કવિતાનો
ગુજરાતીમાં અનુવાદ કરી શકું
પણ તે ય કરી શકતો નથી
કેમ કે હું તો
ગુજરાતીમાં જ લખું છું
ને ગુજરાતીમાં તો
ગુજરાતીનો
અનુવાદ થાય નહીંને !
હા, ગુજરાતીનો
બીજી ભાષામાં અનુવાદ થઈ શકે
પણ
બીજી ભાષા હું જાણતો નથી
ને જે જાણે છે તે
ગુજરાતીને શું કામ હાથમાં પકડે
જ્યાં
ગુજરાતી જ
ગુજરાતીને પકડતાં નથી?
000
e.mail : ravindra21111946@gmail.com