દક્ષિણ ગુજરાત જવાના બહાના સતત મળ્યા જ કરે છે. હકીકત એ પણ છે કે એ દિશામાં જવાની એક પણ તક ગુમાવવી મને પોસાય એમ નથી. પરમ આદરણીય તરલાબહેન શાહ અને નાનીબહેન મારા બે મોટાં લોહચુંબક છે, જે મને વારંવાર એ ભોંયમાં ખેંચી જાય છે.
વાલોડની એક હાઈસ્કૂલની વ્યાખ્યાનમાળાના ત્રીસમાં મણકામાં વાત કરવા ગત ઓગણીસમી તારીખે જવાનું થયું. સુરતના સ્ટેશને સ્નેહી મનીષભાઈ લેવા માટે હાજર હતા. અમે ઊગતા સૂરજના સથવારે બારડોલી ભણી ચાલ્યા. ભગવાન બુદ્ધની નિર્મળ પ્રતિમા ઘરની બહાર જ પ્રેમાળ આવકાર માટે જાણે રાહ જોઈને બેઠેલી. બુદ્ધની જ શરણમાં થોડો સમય ગાળી, ખાઈ, પી, તૈયાર થઈ ફરી મનીષભાઈની મોટર ચાલી પમપમપમ ….

આ પ્રદેશ કેટલીયે વખત જોયો છે, બલકે આંખમાં ભરી લીધો છે, મોતિયો આવે ને ઝાંખપ વરતાય એ પહેલાં હજુ પણ વારંવાર એને માલિપા ભરી દેવો છે, આંખોના દ્વારે ! શેરડીના લીલાંછમ ખેતરો જોઈને એમ થયું કે આ ભોમમાં કેટલી તો મીઠપ હશે કે આટઆટલાં વર્ષોથી એ શેરડી બનીને ઊગી નીકળે છે ! આ ધરા સદા ય રસભર જ રહે એવી દુઆ શબ્દો વિના સરી પડે છે ખુદાના કાનમાં !
તરલાબહેનનું ઘર એટલે પાંચેક સો જીવનો પરિવાર ! કાંઈ કેટલાં ય લીલાંછમ બાળ, તરુણ, યુવા તો કેટલાંક પાકટ ફૂલ પાંદડાં એક સામટા ભેટી પડે પગ મુકતા વેંત ! એ બધા પર તરલાબહેનના પ્રેમાળ હાથ અને આંખ સતત ફર્યા કરે ! મને તો એમ થાય કે આ ઘરનું છોડવું બની જાઉં !
દક્ષિણ ગુજરાતમાં થઈ ગયેલા મોટા માણસોની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા યોજવાની બહુ સમૃદ્ધ પરંપરા છે. મારો પ્રવેશ જ આવી વ્યાખ્યાનમાળાના લીધે જ થયો છે એટલે મારા માટે તો એ બધી વરદાનમાળા જ છે ! વાલોડની સ્વ. સન્મુખભાઈ હાઈસ્કૂલમાં એમનાં નામ સાથે જોડાયેલી વ્યાખ્યાનમાળામાં ‘જીવન : એક અમૂલ્ય અવસર’ એ વિષય પર થોડી વાત કરી, બધાને મળી અમે નિસર્યા વનસ્થલી ભણી ..
વનસ્થલી નામ પહેલીવાર સાંભળેલું ત્યારથી ત્યાં જવા આકર્ષણ જાગેલું. એ મુલાકાત પછીની દરેક મુલાકાતે ત્યાં જતી વેળા લગભગ મુગ્ધા કન્યા જેવો ભાવ હું અનુભવું છું. નદી કિનારે નિશાળ એ વિચાર જ રોમાંચિત કરે એવો. ને કેવળ નદી જ નથી લીલાંછમ ખેતરોને ઓળંગી ઘટાટોપ વૃક્ષોની ઓથમાં પાંગરતું વનસ્થલીનું રૂપકડું પરિસર આંખમાં ઘર કરી ગયું છે. આ વખતે પાનખરના લીધે ઘણાં વૃક્ષોએ પાંદડાને સાસરે વળાવી દીધેલાં પણ તેથી સૌંદર્યને જરા ય પાનખર ન્હોતી આવી. ત્યાંના મહેમાન ઘરમાં કાયમી વસી જવાનું મન થાય. ને તેવું જ મજાનું ભોજન. મા જેમ સંતાનના સવાદની સંભાળ લે તેમ અહીંના કાર્યકર મિત્રો મને ગમતાં ભોજન પ્રેમથી પીરસે ! ઝાડની છાયામાં ખુલ્લી હવામાં વાતોના ચટકા ને ભોજનના ચટકા એકબીજાને વધુ સ્વાદિષ્ટ બનાવે. એક વિશાળ વડ ને એવાં જ વડ જેવાં તરલાબહેનની સાગમટી ઓથમાં બેઠાં હોઈએ ત્યારે થાય કે સમય થંભી જાય તો કેવું સારું ! પણ એવું તો થાય નહિ એટલે તરલાબહેન પોતાની મીઠપ ગોળના રૂપમાં મને ભરી દે ! આ વખતે તો બે ત્રણ જાતના ઓર્ગેનિક ગોળના ગાડાં ભરી આપ્યાં. ભોજન બાદ ગાય આધારિત ખેતી કરતા એક ભાઈની વાડીની મુલાકાત પણ ગોઠવી આપી. સાવ નાનકડી જગ્યામાં એક જ ગાયના આધારે એ ભાઈ કેટકેટલું ઉગાડે છે એ જોઈ અચરજ આંખમાંથી બહાર આવી જાય ! ક્યારેક એમની વાડીની મુલાકાત લેવા જેવી.
વનસ્થલીના બહુ જ સક્રિય કાર્યકર હસમુખભાઈ (મૂળ નામ બીજું કંઈક છે પણ એટલા હસમુખા છે કે મારાથી આ જ નામ બોલાઈ જાય છે) મને પહેલાં વાડીએ ને પછી મજાના લીલાંછમ રસ્તે ગોલણ લઈ ગયા.
શ્રી વેડછી પ્રદેશ સેવા સમિતિનું ઉપાસના નામે વધુ એક પરિસર ગોલણમાં છે. એમાં શાળાના બે નવનિર્મિત ઓરડાંનો લોકાર્પણ સમારોહ હતો. નાનીબહેન, કોકીબહેન, અમરશીભાઈ વગેરે વડીલો અને સ્વજનોની હાજરીમાં એક નાનકડો ને રૂપકડો કાર્યક્રમ માણવાની મજા પડી. આ સંસ્થાઓની સજાવટ, રંગોળીઓ, વિદ્યાર્થીઓ દ્વારા થતું સમૂહગાન, નૃત્યો બધું આંખ ને હૈયું ઠારે એવું ! બાબુભાઈ, તરલાબહેન આદિ વડીલોએ પ્રાણ રેડીને ઊભાં કરેલાં આવા પરિસરો એમની જીવનભરની ઉપાસનાના પ્રસાદ જેવાં લાગે ! કાર્યક્રમ પછી વિદ્યાર્થી મિત્રો સાથે પરિસર જોવાની મજા લીધી. હવે મારે નાનીને શરણે જવાનું હતું.
જાહેરમાં અત્યંત ચૂપ રહેતાં નાનીનું વ્હાલ ગાડીમાં બેસતાં ધોધમાર વરસાદની જેમ વરસી પડે ! આંખોથી વરસતાં એ સ્નેહ પ્રસાદને હું ધરાઈને ખાઈ લઉં. ઝાઝું બોલવું નહિ, જતાવવું તો જરા ય નહિ ને કેવળ વરસ્યા કરવું – આ ક્ષણે બોટાદકરની માડીનો મેઘ બારેમાસ રે – બરાબર સમજાઈ જાય ! નાનીનો નેહ આકાશની જેમ છવાઈ જાય ને એ મીઠી છાંયડીમાં ક્યારે બારડોલી આવી જાય ખબર જ ન પડે ! આશ્રમશાળાએ પહોંચીએ ત્યાં બસોથી વધુ આંખો રાહ જોતી પોતપોતાનાં કામમાં પરોવાયેલી હોય. એ દીકરીઓને મળવા દોટ મૂકું ને સામે દોડી આવે ભોળી ભોળી આંખોનો મીઠો આવકાર ! ખાદીનાં વસ્ત્રોમાં એવી તો મીઠડી લાગે કે એમ થાય બચી ભરી લઉં ! નાનીની તાલીમ એમનાં એકેએક વ્યવહારમાં વરતાય. દર વખતે નવાં નવાં ગીત સંભળાવી કાનને ધન્ય કરી દે ! ઈલાબહેન મને ભાવતી રસોઈ બનાવી પોતાનો પ્રેમભાવ વ્યક્ત કરે. નાનીની પડખે બેસીને બે ચાર દિવસનું ખાઈ લઉં હું તો ! વળી જાતભાતનું ભાથું બંધાય ને નાનીના રથમાં બેસી સુરત ભણી નીકળી પડું ત્યારે અગાધ સ્નેહનું ભાથું મને અંતરથી રળિયાત કરતું અનુભવાય. સાધુને શોભે એવી સ્વસ્થતાથી નાની દ્વારા અપાતી વિદાય એમના પ્રત્યે વધુ ઝુકાવી દે !
પુરપાટ જતી ટ્રેનના અવાજની વચ્ચે મારા કાનમાં ગુંજયા કરે વનસ્થલીના પવનનો સૂસવાટ, દીકરીઓનાં મધમીઠાં ગીતોનો ગણગણાટ ને તરલાબહેન અને નાનીબહેનના શબ્દોનો રણકાર ! એક દિવસની આટલી બધી કમાણી !!!!
સૌજન્ય : રમજાન હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

