Opinion Magazine
Number of visits: 9448393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદી ઃ એક મૂલ્યાંકન

જયંતી પટેલ|Samantar Gujarat - Samantar|22 October 2014

‘નરેન્દ્ર આપખુદશાહી વ્યક્તિત્વ અને તે સાથે સંલગ્ન ભયોન્માદ (Paranoia)નું લક્ષણ ધરાવે છે. તે સતત વિરોધીઓ અને હરીફોથી ભય અનુભવે છે. પરિણામે તેમની સર્વોચ્ચા તેને પડકારે તેવા કોઈને સાંખી લેતા નથી. તેમની સુરક્ષા માટે લેવાતી ઝીણવટભરી કાળજી તથા અનેક અંગરક્ષકો(કમાન્ડો)ની ફોજ તેની સાક્ષીરૂપ છે. આ પ્રકારનું માનસ ધરાવતી વ્યક્તિ કટોકટીભર્યા સંજોગોમાં અસમતોલ પ્રતિભાવ આપે તેવો સંભવ રહે છે.’

આરંભ

નરેન્દ્ર મોદી કિશોરવયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને પ્રવૃત્તિથી આકર્ષાયા હતા. કુટુંબ, પત્નીને ત્યજી સંઘના કાર્યને સમર્પિત થયા. સમય જતાં સંઘના કાર્યકરો અને યુવકોમાં તેમણે પોતાનું સ્થાન જમાવ્યું. પોતાની શૈક્ષણિક લાયકાતો સુધારવા તેમણે અનુસ્નાતક અભ્યાસ આરંભ્યો. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં હું શિક્ષક હોવાથી તેઓ મારા સંપર્કમાં આવ્યા.નવનિર્માણ આંદોલન, તથા દસાડાની બેઠક પરથી ચૂંટણી લડતા જનતા મોરચાના ઉમેદવાર ભીમાભાઈની ચૂંટણીનું સંચાલન હું કરતો હતો, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને તેમાં મદદરૂપ થવા તેમણે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. ઈન્દિરાઈ કટોકટી દરમિયાન શરૂઆતમાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. દાઢી વધારી સરદારજી જેવો દેખાવ બનાવ્યો. આ દરમિયાન ક્યારેક તેઓ મારા ઘેર પણ આવતા.

વૈચારિક ભૂમિકા

નરેન્દ્ર, તેમનો પક્ષ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાઝીવાદી/ફાસીવાદી વિચારધારાનો વારસો ધરાવે છે. હિંદુવાદી આક્રમક રાષ્ટ્રવાદ તેમનો પાયો છે. આ પ્રકારની વિચારધારા માનવીય મૂલ્યો કરતાં સત્તા અને આધિપત્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. તેઓ પ્રજાની લાગણીઓ ઉપર સવાર થઈ સત્તા ભોગવવા મથે છે. કોમવાદી લાગણીઓને ઉશ્કેરી ઝનૂની સમર્થન મેળવે છે. માનવીય, રેશનલ કે વૈજ્ઞાનિક અભિગમને તેઓ નકારે છે. વિશેષમાં, તેઓ કોઈ પુરાતન સુવર્ણયુગની ભ્રામક કલ્પનાનો હવાલો આપી, તે તરફ પાછા ફરવાની હિમાયત કરે છે. તે વફાદારી ઉપર ભાર મુકતા અને વિચારધારામાં પલોટાયેલા પ્રતિબદ્ધ યુવાનોનું મજબૂત સંગઠન ઊભું કરે છે, જે, જરૂર પડે, શેરીઓમાં ઊતરી આવી ભયનું વાતાવરણ સર્જી શકે છે. તેઓ મતભેદ કે વિરોધને સાંખી લેતા નથી.

સત્તાલાલસા

સત્તાલાલસા ગજબનું પ્રેરકબળ છે. સત્તા હસ્તગત કરવાની નેમ ધરાવતી વ્યક્તિ કોઈ બંધનો સ્વીકારતી નથી. તે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે, કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, ધારાધોરણો, મૂલ્યો વગેરેનો, જરૂર હોય ત્યાં સુધી સાથ લે છે, ઉપયોગ કરે છે. પણ તે નડતરરૂપ કે બીનજરૂરી લાગે તો તેને ગાજરની પીપૂડી માફક, હટાવવામાં કે ફગાવી દેવામાં સહેજ પણ સંકોચ કે હિચકિચાટ અનુભવતી નથી. તેનું એક માત્ર લક્ષ્ય ને મૂલ્ય છે સત્તા. નરેન્દ્રમાં સત્તાની આવી એકલક્ષી સાધના દેખાય છે. યેનકેન પ્રકારે – સામ, દામ, ભેદ, દંડ અજમાવી – તે સત્તા હસ્તગત કરવા મથે છે.

કંટકશોધન

પ્રારંભમાં, નરેન્દ્રએ સંઘમાં પોતાના સ્થાનનો લાભ લઈને ગુજરાતમાં પગદંડો જમાવવા તથા કેશુભાઈની સરકારમાં પોતાનો પ્રભાવ સ્થાપવા કોશિશ કરી. તેમની પ્રવૃત્તિથી ચોંકેલા પક્ષે તેમને ગુજરાત બહાર મોકલી દીધા. દિલ્હીમાં તેમણે ગુજરાતના એક મોભાદાર વ્યક્તિની સહાયથી અડવાણી સાથે સંબંધો કેળવ્યા અને ગુજરાતમાં પાછા ફરવાની પરવાનગી મેળવી. (કેશુભાઈ જણાવે છે કે નરેન્દ્રએ અડવાણીને અનશનની ધમકી આપી હતી.) ગુજરાતમાં પ્રવેશ મળતાં જ તેમણે પોતાની રમત શરૂ કરી દીધી. પોતાના સમર્થકોનું જૂથ જમાવવા માંડ્યું. પોતાની યોજનામાં સહાયરૂપ ના હોય, અવરોધક જણાય, તેવા અગ્રણીઓને હાંસિયામાં ધકેલવા માંડ્યા. કેશુભાઈ, સુરેશ મહેતા, વગેરેને દૂર કરી તેમણે પોતાનો માર્ગ મોકળો કર્યો. બીજી બાજુ, તેઓએ અડવાણીના વફાદાર સમર્થક છે તેવું ઠસાવવા, અડવાણીની ચૂંટણી, રથયાત્રા વગેરેને સફળ બનાવવા મહેનત કરી. આમ, શરૂમાં નરેન્દ્ર અડવાણીના ખોળે બેઠા પણ હવે, લાગે છે કે, તેમણે અડવાણીને ખોળે લીધા હોય તેવું વર્તન શરૂ કર્યું છે. એટલું જ નહીં પણ પોતાના, દેશના વડાપ્રધાન બનવાના સ્વપ્ન આડેની આ આડખીલીનું કદ વેતરવાની પેરવી શરૂ કરી છે.

રાજરમત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના જૂના જોગીઓને સ્થાનભ્રષ્ટ કરી સિંહાસનારૂઢ થતાં તેમને માટે બારે દરવાજા ખૂલી ગયા. સાથેસાથે, તેમના વિકાસમાં સહાય કે ટેકો આપનારા અદના કાર્યકરોને તે ટાળવા લાગ્યા. તેમને હવે, જૂના નરેન્દ્રને યાદ રાખી અંજાય નહીં તેવી વ્યક્તિઓની નહીં પણ, સત્તાધીશ નેતાની ચમચાગીરી કરે, તેનો પડ્યો બોલ ઝીલી લે, તેમની ઇચ્છા સમજીને કામ કરે, તેમને માટે પડકારરૂપ ના બને, તેવા વામનોની જરૂર હતી. અને, એવા લોકો તો ટકાના ત્રણ શેરના ભાવે ઉપલબ્ધ હોય છે જ.

‘ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં’

સત્તાધીશ બનતાં તેમણે જાહેર કરેલું કે ‘ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં’. આ વખતે ઉપવાસ કરવા કરાવવાની નોબત આવી ન હતી. આ તો લાંચ લેવા કે લેવાદેવા બાબતનું વચન હતું. મુખ્ય પ્રધાન બનતાં તેમના હાથમાં વહીવટીતંત્ર, પોલીસતંત્ર અને અમલદારો ઉપર કાબૂ જમાવવાની તક આવી. પોતાની સત્તાઓનો ઉપયોગ કરી, પોતાને લાભકર્તા તથા પક્ષને, સાથીઓને તથા મળતિયાઓને લાભ આપી શકાય કે તેમનો લાભ લઈ શકાય, તેવા નિર્ણયો લેવાની સત્તા તેમના હાથમાં આવી. તેમના કેટલાક પ્રધાનો તથા અમલદારો દ્વારા ‘ખંડણી’ એકત્ર કરવાનું વ્યવસ્થિત તંત્ર ચાલતું હોય તેવું વિવિધ તપાસોમાં બહાર આવ્યું છે. અલબત્ત, વહીવટીતંત્ર અને પોલીસમાં અનેક એવા પણ અધિકારીઓ હોય છે જેઓ પોતાની હિતસાધના માટે સત્તાધીશોને ખુશ રાખવા માંગતા હોય છે. ઉપરાંત, એવી પણ વ્યક્તિઓ હોય છે જે સત્તાધીશોની વિચારધારાના – આ સંજોગોમાં કોમવાદના – સમર્થક હોય.

શરૂઆતમાં નરેન્દ્રએ સાદાઈ અને પ્રામાણિકતાની છાપ ઉપસાવી. પરંતુ આજે, તેમની રહેણીકરણી, પોષાક વગેરે, જૂના નરેન્દ્રની યાદ આપે તેવાં નથી. ઉપરાંત, તેમના કેટલાક પ્રધાનો, અમલદારો, પોલીસ અફસરો સામે તથા તેમણે પોતે અનેક ઉદ્યોગગૃહોને આપેલા લાભોને કારણે તેમની સામે આંગળી ચીંધામણ થઈ રહ્યું છે. આમ, તેમની પ્રામાણિકતાની છાપ ખરડાઈ છે.

વાકપટુતાનો દુરુપયોગ

નરેન્દ્ર સારા વક્તા છે. તેમનામાં શબ્દોને રમાડવાની, તેનો અસરકારક ઉપયોગ કરવાની આવડત છે, વાકપટુતા દ્વારા લોકરંજક ભાષણો આપવાની ફાવટ છે. લોકોમાં પ્રવર્તતા દ્વેષ, પૂર્વગ્રહો અને અસ્મિતાના ખ્યાલને બહેકાવવાની કુશળતા તેઓ ધરાવે છે. આ દ્વારા તેઓ અણગમતા સવાલો કે સમસ્યોને ચાતરી જવાની તથા લોકોનું ધ્યાન અન્યત્ર દોરી જવાની રમત ખેલી શકે છે. વધુમાં, સત્તાધીશ બનતાં, તેમને સરકારી પ્રચારતંત્રનો મનગમતો ઉપયોગ કરવાની તથા પોતાનો કરીશ્મા સર્જવાની તક પણ સાંપડી છે. ઉપરાંત, જાસૂસી વિભાગનો ઉપયોગ કરી પોતાના સાથીઓ તથા વિરોધીઓ ઉપર લગામ રાખવાની મોકળાશ પણ તેમણે મેળવી છે.

આ ક્ષમતાઓનો ઉપયોગ કરી તેઓ, કોમી એકતાની હિમાયત કરનારા, બૌદ્ધિકો, સેક્યુલરીસ્ટો, ઉદારવાદીઓ વગેરેને બદનામ કરી, તેમને ગુજરાતદ્રોહી, હિંદુ વિરોધી અને તુષ્ટીકરણના હિમાયતીઓ ઠરાવી, તેમની વિશ્વીસનિયતા ખતમ કરવાની ચાલ અજમાવી શક્યા છે. પરંતુ, આ ચાલબાજીના પરિણામે, ગુજરાતમાં પાંગરતાં ઉદારવાદી, બુદ્ધિવાદી, રાષ્ટ્રઘડતર માટે આવશ્યક કોમી ઐક્યનાં પ્રેરક તથા સેક્યુલર આંદોલન જેવાં આધુનિકતાનાં પરિબળોને પીછેહટ સાંપડી છે. ગુજરાતને પાછું સત્તરમી સદીમાં ધકેલવાની કોશિશ થઈ રહી છે.

ભયનું સામ્રાજ્ય

હીટલરે યહૂદીઓને ખલનાયકો ઠરાવી જર્મન પ્રજાને એક ચૂસણી -ધાવણી પકડાવી દીધી હતી. નરેન્દ્રએ મુસ્લિમોને ખલનાયક ચીતરી ગુજરાતીઓને આવી ચૂસણી આપી છે. ગોધરામાં કારસેવકોના ડબ્બાને આગ ચાંપવાની ઘટનાએ તેમને મુસ્લિમો પ્રત્યે ધીક્કારનું વાતાવરણ સર્જવાની અને, 2002નાં રમખાણોમાં તેમના હત્યાકાંડને છૂટોદોર આપવાની, તક પ્રાપ્ત થઈ. તે જ રીતે મુસ્લિમો કે અન્ય અડચણરૂપ વ્યક્તિઓને આતંકવાદી ગણાવી, એન્કાઉન્ટરના નામે, હત્યાઓનો સિલસિલો આચરવાની પદ્ધતિ અજમાવાઈ હોવાનો આરોપ પણ તેમની સામે છે. તેમના જ એક સાથી અને હરીફ ગણાતા હરેન પંડ્યાની હત્યા બાબત પણ, પંડ્યાના પિતા તેમને દોષિત ગણતા હતા. તદુપરાંત, કેટલાક પ્રધાનોની ગેરકાયદે પ્રવૃત્તિ સામે માહિતી અધિકાર કે જાહેર હિતની અરજી દ્વારા ઝુંબેશ ચલાવનારાઓની હત્યાઓના અનેક કિસ્સા પ્રગટ થતા રહે છે. ભય તથા આતંક ફેલાવીને તેઓ વિરોધીઓને ચૂપ કરવાની ચાલ અજમાવી રહ્યા છે. એટલું જ નહીં પણ, રેશનલ અને વૈજ્ઞાનિક વિચારોનો પ્રસાર કરનારા, ચમત્કારો કે અંધશ્રદ્ધા સામે ઝુંબેશ ચલાવનારાઓને પણ તેમના પરિવારનાં હિંદુવાદી સંગઠનો દ્વારા, ભારતીય સંસ્કૃિતની રક્ષાના બહાને, ડામવાના પ્રયાસોને ઉત્તેજન સાંપડે છે.

ટૂંકમાં, ગુજરાતમાં તેમણે ભયનું સામ્રાજ્ય પ્રસરાવવાની કોશિશ કરી છે. એટલું સારું છે કેન્દ્રમાં તેમની સત્તા નથી અને સૈન્ય ઉપર તેમનો કાબૂ નથી. તેમ જ, ગુજરાતમાં હજી ખુમારી ધરાવતી વ્ચક્તિઓ અને સ્વૈચ્છિક સંગઠનો છે, અખબારી સ્વાતંત્ર્ય છે, નિર્ભીત અધિકારીઓ છે, સ્વાધીન ન્યાયતંત્ર છે જે લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

કલ્પન

નરેન્દ્રએ પોતાના વિષે સાચી – ખોટી, સારી – નરસી છાપ કે કલ્પન (ઈમેજ), પોતાના પક્ષમાં તથા અન્ય પક્ષોમાં તેમ જ પ્રજામાં, ઊભાં કરવામાં પણ કુશળતા હાંસલ કરી છે. તેમના વિષેની આ છાપ કે કલ્પન સમજવાં જેવાં છે:~

1) તેઓ ચૂંટણી જીતવામાં મદદરૂપ થાય તેવા સારા વક્તા અને સંયોજક છે. વાસ્તવમાં, કેટલાક વિસ્તારોમાં તેની પ્રચારયાત્રા નિષ્ફળ રહી હતી તથા તેમના સંયુક્ત મોરચાના એક નેતા, બિહારના નીતીશકુમારે તો તેમને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવા સામે વાંધો દર્શાવ્યો હતો.

2) કાર્યક્ષમ વહીવટકર્તાનું પ્રમાણપત્ર આપતાં પહેલાં અ સવાલનો જવાબ આપવાનો રહે છે કે આ કાર્યક્ષમતા કોના લાભમાં યોજાય છે – પ્રજાના કે તેમના પોતાના, તેમના પક્ષના, તેમના મળતિયાઓના અને મુઠ્ઠીભર ધનકુબેરોના હિતમાં?     

3) તેઓ પ્રજાની નાડ પારખવામાં કુશળ છે. વાસ્તવમાં કોઈ પણ લોકરંજક નેતામાં આ કૌશલ્ય હોય છે. પ્રજાને કોઈ નક્કર લાભ આપ્યા વિના, તેમને ગલગલિયાં થાય, તેમની લાગણીઓ ઉશ્કેરાય, તેમનું અભિમાન સંતોષાય તેવાં વિધાનો કરવાની તેમનામાં ફાવટ હોય છે. તેઓ પ્રજાને પ્રગત્તિના પંથે દોરવા માટે, આવશ્યક હોય તો, કડવી ગોળી આપવાનું ટાળે છે. વાસ્તવમાં, તેઓ પ્રજાના ઉત્થાન કરતાં તેમની લાગણીઓનો લાભ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે.

4) હિંદુ બહુમતીને આકર્ષવા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વારસાને વફાદાર રહી તેઓ આક્રમક હિંદુવાદનો પુરસ્કાર કરે છે. મુસ્લિમોને બીજી કક્ષાના નાગરિકો તથા ભારત વિરોધી, આતંકવાદી અને હિંસાખોર ગણવાની શૈલીના તેઓ સમર્થક છે. પરંતુ હવે, રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકેનું ગજું કાઢવા તથા મુસ્લિમ મતોની જરૂર જણાતાં, તેઓ મુસ્લિમોને મનાવી લેવાની ચાલ અજમાવી રહ્યા છે. સદ્દભાવના મિશનના નામે આચરવામાં આવેલા સપ્તતારક ઉપવાસ તેનું ઉદાહરણ છે. વધુમાં, હવે તેઓ પાંચ-છ કરોડ ગુજરાતીઓના નામે નહીં પણ અબજ ઉપરાંત હિંદુસ્તાનીઓ (ભારતીય નહીં) વતી હાકલો કરવા લાગ્યા છે. આ દર્શાવે છે કે, પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે, રાજકારણના કુશળ ખેલાડી તરીકે તે પવન જોઈને દિશા બદલી શકે છે અથવા દિશા બદલતા હોવાનો દંભ કરી શકે છે, ભ્રમ પેદા કરી શકે છે. વધુમાં, આ ઉપવાસ માટે પ્રચારતંત્રનો બહોળો ઉપયોગ કરવા સાથે તેમણે એક એવી હવા પેદા કરવાની કોશિશ કરી કે તેઓ ભારતના આગામી વડાપ્રધાન છે. પરંતુ આમાં કાચું કપાયું. રથયાત્રા નિષ્ણાત અડવાણી સહિતના અન્ય દાવેદારો આથી ખફા થયા તથા અનેક ખુલાસાઓ કરવા પડ્યા.

5) નરેન્દ્ર એક એવી છાપ ઊભી કરવા મથે છે કે ગુજરાતમાં તથા દેશભરમાં આતંકવાદ સામેના તેઓ સક્ષમ લડવૈયા છે. મુંબઈના હુમલા વખતે ત્યાં દોડી જવું, માર્યા ગયેલા પોલીસકર્મીઓ માટે સખાવત જાહેર કરવી – જે નકારવામાં આવી, ગુજરાતમાં એન્કાઉન્ટરો દ્વારા હત્યાઓને ઉત્તેજન આપવું, પાકિસ્તાન સામે તથા કાશ્મીર બાબતમાં છાશવારે નિવેદનો કરવાં વગેરે આ દિશાનાં પગલાં ગણાવી શકાય.

6) તેને પડકારે તેવા કોઈને સાંખી લેતા નથી. તેમની સુરક્ષા માટે લેવાતી ઝીણવટભરી કાળજી તથા અનેક અંગરક્ષકો(કમાન્ડો)ની ફોજ તેની સાક્ષીરૂપ છે. આ પ્રકારનું માનસ ધરાવતી વ્યક્તિ કટોકટીભર્યા સંજોગોમાં અસમતોલ પ્રતિભાવ આપે તેવો સંભવ રહે છે. (દા.ત. ગોધરાકાંડ અને પછીના પ્રતિભાવો). આ પ્રકારના મનોરોગથી પીડાતી વ્યક્તિ, તેના પોતાના તથા અન્યના હિતમાં, પોતાના રોગની સારવાર માટે મનોચિકિત્સકની સહાય લે તે સલાહભર્યું છે.

7) કોમવાદ, રમખાણો અને ધિક્કારનાં રાજકારણ દ્વારા વિશ્વસનીય પ્રાદેશીક કે રાષ્ટ્રીય નેતા નહીં બની શકાય તે નરેન્દ્રને સમજાયું હશે. પરિણામે, તેમણે ગુજરાતના વિકાસના પ્રણેતા તથા શિલ્પી તરીકેની છાપ ઉપસાવવા મથામણ કરી છે. નર્મદા યોજના, ગુજરાતનું ઔદ્યોગીકરણ – અનેક ઉદ્યોગોની સ્થાપના – વગેરે તેમના પ્રયાસોનું જ ફળ છે તેવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. પ્રથમ તો, કોઈ પણ મોટી યોજના કે ઔદ્યોગિક વિકાસ પાંચ-દસ વર્ષમાં થતો નથી. નર્મદા યોજનાનું કામ તો છેલ્લાં વીસ વર્ષથી ચાલે છે. અને, હજી ગુજરાતનાં અનેક ગામડાં પાણી માટે વલખાં મારે છે.

ઔદ્યોગિક વિકાસ માટે નિમ્નતંત્ર ઊભું કરવું પડે છે તે કામ પાછળ આખી સદીના ખાનગી અને જાહેર સાહસોનો ફાળો રહેલો છે. તે માટેનું ગૌરવ કે માન કોઈ એકાદ નેતા કે પક્ષ લઈ શકે નહીં.

નરેન્દ્રએ મેળાઓ, સમારંભો યોજીને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા અંગે મેળવેલાં વચનોમાંથી માંડ દસ ટકા પણ આકાર પામ્યાં નથી. બીજી બાજુ, અનેક મનગમતા ઉદ્યોગપતિઓને પાણીનાં મૂલે લાખો હેકટર જમીનની લહાણી કરવામાં આવી છે. તેમના મળતિયાઓ દ્વારા બેફામપણે ખનિજો કાઢવામાં આવી રહ્યાં છે. ખેતીની જમીન, ભૂગર્ભ સંપત્તિ, પર્યાવરણ વગેરેના ભોગે થોડીક વ્યક્તિઓ ધનકુબેર બની ગઈ છે.

આ વિકાસ નથી. તેમના જ પક્ષના ડો. કલસારિયા દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન તેનું જીવંત ઉદાહરણ છે. વિકાસ તેમનો, તેમના થોડાક મળતિયાઓનો, બે-પાંચ ધનીકોને કે આમ પ્રજાનો? ખેતીની ઉપજાઉ જમીનો અને પર્યાવરણના ભોગે, આગામી પેઢીઓને બાનમાં લઈને કેટલીક ખાસ વ્યક્તિઓ આજે ગુલછર્રા ઉડાવે તેને વિકાસ કહી શકાય? વાસ્તવમાં, આ પ્રગત્તિકારક વિકાસ નહીં પણ મૂડીવાદી શોષણનું વરવું સ્વરૂપ છે.

જાગતા રહેજો

લોકશાહી વ્યવસ્થા અને મૂલ્યો સામે નરેન્દ્ર મોદી કેટલો ભયંકર ખતરો સર્જી રહ્યા છે તે આ વિવેચનમાંથી જોઈ શકાય છે. વાસ્તવમાં, તેમની શૈલી જર્મની અને વિશ્વમાં એક દુઃસ્વપ્નના ઓથાર બની ચુકેલા હીટલરની યાદ અપાવે છે. હીટલર જેવી સાદાઈ, સત્તાલાલસા, રાજરમત, વાકપટુતા, લોકરંજક શૈલી, યહૂદી વિરોધી વંશીય (અહીં મુસ્લિમ વિરોધી કોમવાદી) ઉશ્કેરણી, ભ્રમજાળ ફેલાવતું પ્રચારતંત્ર, વિરોધીઓને નાબૂદ કરવાની રીતરસમ, ખાસ નાઝી સ્વયંસેવક દળ દ્વારા વિરોધીઓ તથા લોકોને ભયાક્રાંત કરવા, આક્રમક રાષ્ટ્રવાદ જેવાં તત્ત્વો નરેન્દ્રમાં પણ પ્રતિબિંબિત થાય છે. આ પ્રકારનું માનસિક વલણ ધરાવતી વ્યક્તિ સમાનતાવાદી સામાજિક કે આર્થિક વ્યવસ્થા કે પ્રગતિશીલ, સેક્યુલર, રેશનલ કે વૈજ્ઞાનિક વલણો કે અભિગમને પોષક નથી.

(આ અગાઉ, “નયા માર્ગ”, 16 ડિસેમ્બર 2011માં, તેમ જ “વૈશ્વીક માનવવાદ”, માર્ચ-એપ્રિલ, 2012માં આ લેખ પ્રગટ થઈ ચુક્યો છે)

************

e.mail : jaykepatel@gmail.com

Loading

22 October 2014 admin
← નવા વિક્રમ વર્ષે, મામલો ભૂખનો નહીં એટલો ભાવઠનો છે
માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved