Opinion Magazine
Number of visits: 9448448
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રોટલાની મંડાઈ, મોકાણ

ચંદુ મહેરિયા|Opinion - Literature|18 October 2014

વર્ષ હતું ૧૯૮૪નું. અમારા ઘરના અનિવાર્ય સભ્ય એવા મિત્ર મહેશ પરમારને બૅંકમાં નોકરી મળી હતી. મહેસાણા જિલ્લાના એક નગરમાં એમનું પોસ્ટિંગ એટલે રોજ ટ્રેનથી અપડાઉન કરવાનું. પહેલા-બીજા દિવસે જ ખબર પડી કે એમના બૅંક મૅનેજર શાહસાહેબ પણ અમદાવાદથી ટ્રેનમાં જ અપડાઉન કરે છે, એટલે પછી તો રોજનો સંગાથ થયો. ટ્રેનમાં અપડાઉન કરનારાની નિરાળી દુનિયામાં મહેશભાઈ ધીમે – ધીમે ગોઠવાઈ રહ્યા હતા. પંદરેક દિવસ બાદ ટ્રેનમાં સાંજના પાછા વળતા શાહસાહેબે નાસ્તાનો ડબ્બો મહેશભાઈ સામે ધર્યો. એક ટુકડો ભાંગ્યો ને મહેશભાઈથી સહસા બોલી જવાયું : “સર, તમારા વાઇફ આટલી પાતળી રોટલી બનાવે છે?” મહેશભાઈની આ વાત સાંભળતાં ત્યાં બેઠેલાં-ઊભેલાં સૌ હસી પડ્યાં. શાહસાહેબે ફોડ પાડ્યો : “પરમાર આ રોટલી નથી, ખાખરા છે!”

રોજની જેમ રાત્રે જમીને મહેશભાઈ અમારા ઘરે આવ્યા અને ખાખરાવાળી વાત કરી. અમે સૌ પણ એ નવીન ખાદ્યપદાર્થ અંગે આશ્ચર્યચકિત હતા. આજે તો મહેશભાઈ બૅંક મૅનેજર છે અને પોતાના પૈસે મોંઘીદાટ હોટલોમાં લંચ કે ડિનર લઈ શકે છે પણ નરેન્દ્ર મોદી, જેને ગુજરાત ગૌરવ ગણે છે, તે ખાખરા વીસમી સદીના નવમા દાયકે અમદાવાદના રાજપુર વિસ્તારની દલિતોની ચાલી માટે અજનબી હતા! આજે પણ મારી ચાલીમાં બે-પાંચ ઘર જરૂર એવાં મળી આવશે કે જેમણે ખાખરા જોયા નહીં હોય અને પાંચપંદર ઘર એવાં પણ મળશે કે જેમણે ખાખરા ચાખ્યા નહીં હોય!

મારા બાળપણના અને કિશોરાવસ્થાના એ દિવસો અનાજના એક-એક દાણા માટે ભારે તલસાટના હતા. ‘બા’ (બાપાને અમે ‘બા’ કહેતા) અમદાવાદની મિલમાં મજૂરી કરે. એમના એકના પગારમાં પાંચ ભાઈ અને બે બહેનોનું વસ્તારી કુટુંબ નિભાવવું એ ભારે કપરું કામ હતું.

એ દિવસો અનાજની ભારે અછતના હતા. પીએલ ૪૮૦ના લાલ ઘઉંના રોટલા પણ સાહ્યબી હતી. અનાજની ત્યારે માપબંધી હતી. સસ્તા અનાજની દુકાને દિવસોના ધક્કા પછી થોડુંક અનાજ મળતું. બાજરી અને જુવારના રોટલા, કણકી અને જાડા ચોખાથી પેટનો ખાડો પૂરવો પડતો. મા સવારસવારમાં ભૂંસાની સગડી પર કલાડીમાં રોટલા બનાવે. અમને સૌ ભાંડુરાને એક-એક રોટલો આપી દેતી. અમે સૌ અમારાં ભાગનો રોટલો-શાક ખાઈ લેતાં અને વધેલો રોટલો ગોદડીઓ મૂકવાના ડામચિયાની પોતપોતાની ગોદડીમાં સંતાડી દેતા. ગંધાતી ગોદડી, ગંધાતો ડામચિયો અને એમાં સંતાડેલો ચોથિયું રોટલો, એ જ અમારી રોટલા- બૅંક. આજે આ યાદ કરતાં પણ સૂગ ચઢે છે. પણ એમ જ ડામચિયાના સેઇફ વૉલ્ટમાં સંતાડેલો-સાચવેલો રોટલો ખાતાં-ખાતાં બાળપણ વીત્યું છે.

ચાલીમાં થોડીક સ્ત્રીઓ અને મોટા ભાગના પુરુષો મિલમાં મજૂરી કરે. ત્રણ પાળીમાં મિલો ધમધમે. મિલના ભૂંગળે જીવન ધબકે. ‘બા’ને કાયમ સવારની પાળી. સવારના ૭થી સાંજના ૩-૩૦ સુધી એ કામે જાય. બપોરે ૧૧થી ૧૧-૩૦ની ખાવાની છુટ્ટી. એટલે નવ-સાડા નવે ‘બા’નું ટિફિન બની જાય. અમે બધા ભાઈઓ અનુકૂળતા પ્રમાણે મિલમાં ટિફિન આપવા જતાં. મારી નિશાળ બપોરની એટલે રોજ રાજપુરથી રખિયાલ ચાલતાં-ચાલતાં બાનું ટિફિન આપવા જતો. સવારે દસેક વાગે મિલનો ઝાંપો ખૂલે. બા તો એમના કામમાં હોય, એટલે જમવાની છાપરીમાં ટિફિન મૂકી દેવાનું. ક્યારેક ‘બા’ મળી જાય, તો મિલની કૅન્ટીનમાંથી પાંચ પૈસાની પૂરી લઈ આપતા. હું રોજ આ માટે ‘બા’ની રાહ જોતો. મિલમાં દલિતો-બિનદલિતો સાથે વૈતરું કરતાં પણ એમની જમવાની જગ્યાઓ નોખી-નોખી હતી. પછી મોટપણે સમજાયું હતું કે અમદાવાદની મિલોના મજૂરોમાં પેલી કાર્લમાર્ક્સવાળી મજદૂર એકતા કેમ નથી. ડૉ. આંબેડકર સાચું જ કહે છે કે જાતિપ્રથા શ્રમનું નહીં, શ્રમિકોનું વિભાજન છે.

મિલ અને રોટલા સાથે જોડાયેલું એક બીજું સાંભરણ પણ ક્યારે ય મનમાંથી ખસતું નથી. આજે સરકારી નોકરીના કારણે રોજ સાંજે ચારેક વાગે ચા પીવા જવાની મને ટેવ. પણ ઘણીવાર આ સમયે બાળપણની સ્મૃિતઓમાં ખોવાઈ જવાય છે અને મન અજંપ થઈ જાય છે, ચાનો ટેસ્ટ બગડી જાય છે. વાત જાણે એમ છે કે રોજ સાંજે સાડા ત્રણે ‘બા’ની મિલ છૂટે. ચાલતાં-ચાલતાં એ ઘરે આવે, ત્યારે ચાર-સવા ચાર વાગી રહે. આ સમયે અમે ઘેર હોઈએ, એ બધા ભાઈઓ બાપાની વાટ જોતા રાજપુર પોસ્ટઑફિસના ચકલે ઊભા રહી જઈએ. અને જેવા ‘બા’ ટોપી મિલે આવતા દેખાય કે એમની સામે દોટ મૂકીએ. એ દોટ બાને મળવાની, એમને વળગી પડવાની ખુશીની દોટ ન હોય. પણ એમના હાથમાં રહેલું ટિફિન કયો ભાઈ ખૂંચવી લે છે એની હોય. ‘બા’ ટિફિનમાં રોજ ચોથિયું રોટલો પાછો લાવે એ ખાવા મળે, એટલે રોજ મિલમાંથી એમના આવવાની રાહ જોવાની અને એ દેખાય કે તુરત સામે દોટ લગાવવાની!

એ વખતે શાળાઓમાં હજુ બાળકો જોગ બપોરાંની સરકારી યોજના અમલી નહોતી. હા, સ્કૂલ શરૂ થવાના ટાઇમે એકાદ પ્યાલો દૂધ જરૂર મળતું. મારી મ્યુિનસિપાલિટીની પ્રાઇમરી સ્કૂલ ઘરથી માંડ સો-બસો ડગલાં દૂર. વળી, એ દિવસોમાં આજના જેવાં દફ્તરો, લંચબૉક્સ અને વૉટરબૅગની ફૅશન પણ નહીં. એટલે રિસેસમાં ઘરે આવી જેવીતેવી ચા પીવાની, ડામચિયામાં સંતાડેલો રોટલો ખાવાનો અને પાછાપગલે સ્કૂલની વાટ પકડવાની. દૂરની ચાલીઓમાંથી આવતાં થોડાંક બાળકો સ્કૂલના ચોગાનમાં, બારીની બખોલમાં કે કલાસરૂમમાં બેસીને ઘરેથી લાવેલો કે સ્કૂલ બહાર ઊભેલી લારીમાંથી લીધેલો નાસ્તો ખાતાં. હું ભણવામાં પહેલા ધોરણથી જ બહુ હોંશિયાર, એટલે શિક્ષકો કદી મને એમનું કોઈ કામ ન ચીંધે પણ શિક્ષકોનો નાસ્તો લેવા જતા – ખાસ કરીને ગરમાગરમ ભજિયાં લેવા જતા અને એમાંથી એક બે કાઢી ખાતાં – સહાધ્યાયીઓની મને ઈર્ષ્યા આવતી અને એમની કાઢી ખાધેલાં ભજિયાંની વાતો સાંભળી મોમાં પાણી છૂટતું.

આજે તો રોગનું ઘર બની ગયેલા શરીરને સાચવવા જાતભાતની પરેજીઓ પાળવી પડે છે. એમાં તળેલું ખાવાની તો સખત મનાઈ. પણ બાળપણ-કિશોરાવસ્થાના એ દિવસોમાં તળેલું ખાવાની કેવી ચટપટી રહેતી! નાની વાટકી કે ટોયલીમાં એ વખતે તેલ લવાતું. જેઠીબાઈની ચાલીમાં નારણ શેઠની કરિયાણાની દુકાન. બપોરે શેઠ આરામ ફરમાવતા હોય, ત્યારે નોકર દુકાન સંભાળે. એ નોકર જરી નમતું જોખે, એટલે તેલ લેવા બપોરે જ જવાનું. એ દિવસોમાં પૂરી ખાવા માત્ર ને માત્ર શીતળાસાતમે મળે. નાગપાંચમની બપોરથી રાંધણછઠ્ઠની સાંજ સુધી સસ્તા અનાજની દુકાને લાઇનમાં ટિપાવાનું. જો સોયાબીન-પામોલીન તેલ અને મેંદો મળે તો રાંધણછઠ્ઠ થાય ને પૂરી ખવાય.

આટલા અભાવના દિવસોમાં પણ મા-બા મોટાભાઈને બહુ લાડ કરાવે. ઘરનો સૌથી મોટો દીકરો જ જાણે કુળદીપક – એટલે એને કેટલાક ખાસ પ્રિવિલેજ મળેલા. મોટાભાઈ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણે, એટલે પણ લાડકોડના હકદાર. રોજ સવારે મા નાસ્તામાં એમને તેલમાં રોટલો તળીને ખાવા આપે. મોટાભાઈ પાછા એવા કે એ રોટલાનો વચ્ચેનો ભાગ જ ખાય અને આજુબાજુની કોર પડી મૂકે. એમની આ ઉદારતા અમારા તો લાભમાં હતી. મા એ રોટલાની કોરવાળા ટુકડા અમને વહેંચી આપે. એ જ અમારો બ્રેકફાસ્ટ.

ચાલીઓમાં બ્રેકફાસ્ટ પણ કેવો? કેટલાક લોકો જ ચા સાથે લારીમાંથી વેચાતા લાવેલા બિસ્કુટ (ટોસ્ટ) કે તેના ટુકડા ખાતા. મોટા ભાગના લોકો રાતનું વધ્યું ઘટ્યું ખાતા. કોઈ રાતની વધેલી ખીચડીમાં ચા નાંખી ખાઈ લેતા. રાતના નોનવેજ પુલાવમાં ચા નાંખી ખાતા ને તેને બધા ‘ચામાં પુલાવ’ના નામે ખીજવતા. એક તો આખું ઘર ‘બંટીબાવટા’ તરીકે ઓળખાતું. એ ઘરના માસીએ, ‘ટંકે જે બંટી બાવટો મળે તે ખાઈ લેવું’ એમ કહ્યું હશે, એટલે એમનું ‘બંટીબાવટો’ એ નામ પડેલું. ભારોભાર ગરીબીમાં આમ જ રમૂજ ખોળી કઢાતી.

પૈસાના અભાવે શાળાના પ્રવાસમાં જવાનું કદી મારા નસીબમાં નહોતું. પણ ત્રીજા ધોરણમાં હતો, ત્યારે કરેલો એક પ્રવાસ મારો યાદગાર પ્રવાસ બની રહ્યો છે. એ પ્રવાસની પ્રત્યેક ક્ષણ આંખોમાં આજે ય અકબંધ છે. અમદાવાદના કાંકરિયા-ચંડોળા તળાવ અને ગાંધીઆશ્રમના પ્રવાસે અમને લઈ ગયેલા. એ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ઘરેથી નાસ્તો લાવવાનો હતો. મને મોટીબહેને બટાકાનું શાક અને પૂરી બનાવી આપેલાં. પિત્તળના એક ડોલચામાં નાસ્તો લઈને પ્રવાસે નીકળેલા. કાંકરિયા કે બીજું કશું જોવાને બદલે ઝટપટ નાસ્તો પતાવવાની ચટપટી થયા કરતી હતી. બપોરે અમે ગાંધીઆશ્રમ પહોંચ્યા. શિક્ષકોએ અમને મોટા વર્તુળમાં બેસાડી, પ્રાર્થના કરી પોતપોતાનો નાસ્તો કરી લેવા સૂચના આપી. હજુ હું માંડ મારું ડોલચું ખોલું છું, ત્યાં તો મારા નાસ્તા પર એક કાગડો ચરકી ગયો ને કા-કા કરતો ઊડી ગયો. મારી બધી ય પૂરીઓ બગડી ગઈ ને હું રડવા માંડ્યો. આસપાસ બેઠેલા બધા છોકરા હસી પડ્યા. થોડાકે મારી દયા ખાધી ને મને કંઈક ખાવા આપ્યું. આજે પણ વૃક્ષાચ્છાદિત ગાંધીઆશ્રમની શીતળતામાં જવાનું થાય છે, ત્યારે એક બળતરા થયા કરે છે. ગાંધીઆશ્રમમાં ગાંધીને નહીં, હું પેલા કાગડાને શોધ્યા કરું છું.

અમદાવાદની ચાલીઓમાં વસતી દલિત શ્રમિક પ્રજાનો માંસાહાર એ એમનો શોખ નહીં, મજબૂરી હશે. વસ્તારી કુટુંબને શાકભાજી કરતાં વધુ પાણી ખમી ખાતું મટન વધુ પોસાતું હતું. દાળ-ભાત તો અમારા માટે સમૃદ્ધોનું ભાણું. બચપણમાં દાળ-ભાત ખાધાના બહુ ઓછા પ્રસંગો બન્યા છે. હા, જ્યારે શાકભાજીના પૈસા ખૂટી પડે, ત્યારે મા એકલા રોટલા ટીપી કાઢે ને અમે ગોમતીપુર ગામની ઉમિયાશંકરની લૉજથી વેચાતી દાળ લઈ આવી ટંક પૂરી કરતા. એ દાળમાં નાંખેલા કોકમ કે સીંગદાણાની ખૂશ્બુથી મન ભલે તરબતર થતું, પણ ગોમતીપુર ગામના બિનદલિત સહાધ્યાયી અમે વેચાતી દાળ દુકાનેથી લાવીને ખાઈએ છીએ એ જાણી જશેની શરમથી લપાતા-છૂપાતા દુકાને જતા એ ડરને યાદ કરતાં આજે ય શરીરમાંથી એક લખુંલખું પસાર થઈ જાય છે.

લૉજ યાદ કરતાં જ કાળા મામાનો દીકરો યાદ આવે છે. એમનું નામ બાબુ. એમના એક હાથે જરી ખોડ એટલે મા અને અમે બધા એમને ‘બબલો ઠૂંઠિયો’ તરીકે ઓળખીએ. મામા નાની ઉંમરે વિધુર થયેલા, એટલે માએ એમના દીકરાઓની સારસંભાળ રાખેલી. બાબુ સરસપુરની એક લૉજમાં કામ કરે. એક વાર લૉજની ઊકળતા તેલની કઢાઈમાં એમનો પગ પડી ગયેલો ને આખો પગ દાઝી ગયેલો, ત્યારે માએ દિવસો સુધી એમની સારસંભાળ રાખેલી. અમારા ઘર પ્રત્યે, મા પ્રત્યે એમને વિશેષ ભાવ. બાબુનું મુખ્ય કામ તો સાઇકલ પર રોજના ઘરાકોને ટિફિન પહોંચાડવાનું. આ ટિફિન પહોંચાડતાં પહોંચાડતાં ઘણીવાર બાબુ અમારા ઘરે ટિફિનો સહિત આવી પહોંચતા. રોજનો ‘બબલો ઠૂંઠિયો’ એ દિવસે ‘બાબુભાઈ’ બની જતા. ટિફિનમાં વધેલો-ઘટેલો ખોરાક એ અમને આપી દેતા. આ વધેલાં-ઘટેલાં-એંઠાં-જૂઠાં દાળ-ભાત-રોટલી-પૂરી-ફરસાણ મળતાં, ત્યારે તો જાણે દિવાળી થઈ જતી!

રોટલાના ટુકડા માટે જ્યાં જીભ તડપતી હોય, ત્યાં ચૉકલેટનો સ્વાદ તો ક્યાંથી નસીબ હોય? પણ હા, મને ચૉકલેટના બદલામાં પૈસા અને એ પૈસેથી લોટ લાવ્યાનું યાદ છે. ચાલીમાં અમારા ઘરને અડીને અમારું એક છાપરું હતું. (કાચા ઝૂંપડાને ચાલીઓમાં છાપરું કહેવાતું.) તુલસીભાઈ નામના અમારા એક ભાડૂઆત. તે અમદાવાદ મ્યુિનસિપાલિટી ટ્રાન્સપોર્ટની ટૂરિસ્ટ બસના કૅરટેકર. અમદાવાદ-દર્શન કરાવતાં – કરાવતાં પ્રવાસીઓને ચૉકલેટ આપવાનું એમનું કામ. એટલે એ ઘણી મોંઘી ચૉકલેટો ઘેર લાવતા. અમે એમનું નાનું-મોટું ટાપું કરીએ તો બદલામાં એ અમને ચૉકલેટ આપતા. આવી ચૉકલેટો એ જમાનામાં રાજપુરની દુકાનોમાં પણ નહોતી મળતી. ચાલીમાં જેમ અભાવોમાં જીવતાં ઘર હતાં તેમ છનાછનીમાં જીવતાં ઘર પણ હતાં. આવું જ એક ઘર મારા બાળગોઠિયા પૂનમનું. હુષ્ટપુષ્ટ ગોળમટોળ શરીરને લીધે અમે એને ‘પૂનમ મદનિયું’ કહેતાં. એના દાદા અને પિતા બહુ પૈસાવાળા. એટલે પૂનમને પણ વાપરવા ઘણા પૈસા મળતું. હું તુલસીભાઈએ મને આપેલી ચૉકલેટ જેમ મીઠી-મીઠી વાતો કરી, ચૉકલેટના વખાણ કરી, ફોસલાવીને પૂનમને વેચી દેતો. એની પાસેથી ચૉકલેટના જે પૈસા મળતાં એમાંથી ઘર માટે કશુંક ખાવાનું લઈ લેતો.

શહેરમાં કચરો વીણતાં બાળકોમાં ઘણીવાર હું મારી છાયા શોધું છું. વૅકેશનમાં કે નવરાશના દિવસોમાં હું પણ ખભે થેલી ભેરવી ક્યારેક ભાઈબંધો ભેળો વીણવા જતો. કચરો નહીં, હાડકાં. રાજપુરની દલિત વસ્તીમાં છૂટથી માંસ ખવાતું અને એના હાડકાં કૂતરાંએ ચૂસી ખાધા પછી ઠેરઠેર પડી રહેતાં. એ હાડકાં અમે વીણતાં, થેલીમાં ભેગાં કરતાં ને સંતરામ કૉલોનીની બહાર પતરાવાળી હાડકાંની દુકાને વેચી એમાંથી બે પૈસા રળી લેતાં.

હાડકાં ઉપરથી જ એક હસવાવાળી વાત યાદ આવી. ૧૯૮૧નાં અનામતવિરોધી રમખાણો લાંબો સમય ચાલ્યાં. કરફ્યુને કારણે રાજપુરમાં રહેવું મુશ્કેલ બન્યું અને સરકારી નોકરી અનિવાર્ય, એટલે અમે મણિનગરના અમારા નાનકડા રૉહાઉસમાં કામચલાઉ રહેવા ગયા. અમારી એ સોસાયટીમાં મિશ્ર વસ્તી. વળી, લગભગ બધા શાકાહારી. અમને મટન ખાધે ઘણા દિવસો વીતી ગયેલા એટલે એક દિવસ તો હિંમત કરીને છુપાવીને મટન લઈ આવ્યા. છાનુંછપનું રાંધી ખાધું પણ હાડકાનું શું કરવું ? રાત્રે મોડેથી કોથળીમાં ભરીને સોસાયટી બહાર દૂર ફેંકી આવીશું, એમ કરીને હાથમાં કોથળી લઈ નીકળ્યા. સોસાયટીના નાકે જ એક યુવાન એના પેટડૉગ સાથે સામે મળ્યો. અમે કંઈક વિચારીએ એ પહેલાં તો કૂતરાએ હાડકાંની કોથળી પર તરાપ મારી ને સોસાયટીના નાકે જ જબરું જોણું થયું.

રોટલાના એક કણ-કણ માટેનો અભાવ અને અછતના એ દિવસો સાથે જ એવી ક્ષણો પણ યાદ છે કે જ્યારે પેટ પર હાથ ફેરવીએ એટલું ધરાઈને ખાધું હોય. આ જ રાજપુરમાં મચ્છી પણ વેચાવા આવતી અને શિયાળામાં ‘લીલું લસણ’ પણ વેચાતું. ઘણાં ઘરોમાં ઉનાળામાં કેરીનાં અથાણાં અને શિયાળાનાં વસાણાં પણ બનતાં ! કેરીનો રસ ખાવો-ખવડાવવો એ તો એક રિવાજ થઈ ગયેલો. અમારી ચાલીઓમાં ખાસ કરીને મહેસાણાના વણકરોમાં કુંવાસીને રસ-રોટલા ખાવા બોલાવવાનો રિવાજ તો આજે ય ચાલુ છે!

એક પછી એક ભાઈઓને અનામતના પ્રતાપે સરકારી નોકરીઓ મળતી રહી અને કુટુંબ બે-પાંદડે થતું રહ્યું. આજે ગરીબીને યાદ કરવી કે એને વિશે બોલવું-લખવું એ જરી શરમજનક બાબત ગણાતી થઈ છે. રાજપુરની ચાલી છૂટતી રહી છે અને અમદાવાદ-ગાંધીનગરના નવા આવાસોમાં એકદમ નિરાંતની સુંવાળવી જિંદગી બસર થઈ રહી છે. આઠ દાયકા વળોટી ચૂકેલી ‘મા’ને રોજ નાસ્તામાં ‘વાણિયારોટી’ કહેતાં ખાખરા જ ખાવા ગમે છે. સો-બસોની ચૉકલેટ કે આઇસ્ક્રીમ ભચ્ચર ભચ્ચર ચાવી જતાં ભત્રીજા-ભાણિયાંને ફાટ્યા ડોબે જોયા કરું છું. અને મને મારી બાળપણની-કિશોરાવસ્થાની-યુવાવસ્થાની કુપોષિત કૃશ કાયા રહીરહીને સાંભરે છે. કાલાહાંડીનાં કુપોષિત બાળકોની તસ્વીરો મને હંમેશાં મારી જ તસ્વીરો લાગી છે. મારું શરીર એટલું તો દૂબળું હતું કે જાણે હાડકાંનો માળો કે ખેતરે ટિંગાડેલો ચાડિયો. બાળપણમાં ઘણીવાર મારા અંતર્ગોળ પેટ પર તાંસળી મૂકી મેં એને છાતી સમતળ કરવા નિષ્ફળ પ્રયાસો કર્યા છે. આજે તો મારું અંતર્ગોળ પેટ ખાસ્સું બહિર્ગોળ થઈ ગયું છે. કુટુંબીજનોને અને મિત્રોને મારા બહિર્ગોળ થતાં જતાં પેટની ખાસ્સી ફિકર છે, પણ હું એ વિશે સાવ જ બેફિકર છું. કેમ કે….

[‘સાર્થક જલસો’ના દિવાળી અંકમાંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2014, પૃ. 07 – 09

Loading

18 October 2014 admin
← મંદિર તારું વિશ્વ રૂપાળું
અનુકૂલન →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved