એક સો સોળ વરસ પહેલાંના મુંબઈની દિવાળી
શાહી રસાલા સાથે અમે મુંબઈ પહોચ્યા ત્યારે દિવાળીના દિવસો હતા. મલબાર હિલ પરના એક બંગલામાં અમે ઊતર્યા હતા. સાંજે એક વિક્ટોરિયા – ઘોડા ગાડી – ભાડે કરી અમે શહેરમાં ફરવા નીકળ્યા : ગ્રાન્ટ રોડ, મુંબાદેવીનું તળાવ, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, ભીંડી બજાર, અને બીજી કેટલીક જગ્યાએ ગયા. મુંબઈમાં મનોરંજનની ખોટ તમને ક્યારે ય ન વર્તાય – અને દિવાળીના દિવસોમાં તો નહિ જ! તમે જો પહેલી વાર મુંબઈ આવ્યા હો તો શરૂઆતમાં ચારે બાજુના ઘોંઘાટથી અકળાયા વિના રહો નહિ. પણ પછી ધીમે ધીમે તમે તેનાથી ટેવાતા જાવ. અને વખત જતાં એ ઘોંઘાટ, સેંકડો લોકોની એ ચહલપહલ તમને કોઠે પડી જાય – અરે, ગમવા પણ લાગે. અવાજોનું વૈવિધ્ય એટલે શું એનો ખ્યાલ તમને મુંબઈમાં આવે. એક બાજુથી તમરાંનો અવાજ, બીજી બાજુથી કૂતરાઓના ભસવાનો અવાજ, બીજાં પ્રાણીઓના અવાજ, માણસોની આવન-જાવનથી થતા જાતજાતના અવાજ, લોકોના હાથ અને ગળા વડે થતા અવાજ, કાગડાઓનું કો-કો, કબૂતરોનું ઘૂ-ઘૂ, ચકલીઓનું ચીં-ચીં. આ બધા અવાજો ભેગા મળીને જાણે કે અવાજનું કોકટેલ બનાવે!
મુંબઈની બજાર
હવે અમારી ગાડી બજાર નજીક આવી પહોંચી. ગાડીવાન પગ પાસે રાખેલી બેલ સતત વગાડતો હતો. છતાં લોકો આઘા ખસતા નહોતા. અને એમાં લોકોનો વાંક નહોતો. આઘા ખસવા જેટલી જગ્યા રસ્તા પર હોય તો બચારા ખસે ને! આખો રસ્તો માણસોથી ઊભરાતો. જાણે હજારો કીડીઓ એક સાથે દરમાંથી નીકળીને રસ્તા પર આવી ગઈ ન હોય! હવે અમારા મનમાં બત્તી થઈ. આ ગાડીમાંથી ઊતરીને અમે પણ જો રસ્તા પર ચાલવા માંડીએ તો વધુ ઝડપથી આગળ વધી શકશું! એટલે અમે ગાડીવાળાને ગાડી રોકવા કહ્યું. અગાઉથી ઠરાવેલું પૂરેપૂરું ભાડું તેને ચૂકવ્યું, અને ઉપરથી બક્ષિશના ચાર આના પણ આપ્યા એટલે એ રાજી થતો, સલામ ભરીને ચાલતો થયો.
તમે જ્યાં સુધી મુંબઈના રાહદારીઓ સાથે ભળી ન જાવ ત્યાં સુધી મુંબઈ એટલે શું એ તમને પૂરેપૂરું સમજાય નહિ. પોતાની સાથે કોક ગોરો પણ ચાલી રહ્યો છે એ જોઈને પહેલાં તો લોકો ચમકે. પણ એ મહેમાનને આગળ વધવા માટે જગ્યા કરી આપવાનું તો અશક્ય. એટલે પછી બહુ બહુ તો તમને ધક્કે ન ચડાવે એટલું જ. હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી લોકો મુંબઈમાં ઠલવાય છે, રોજેરોજ. કોઈ ભણવા માટે, કોઈ નોકરી માટે, કોઈ વેપાર-વણજ માટે. કોઈ દેવનાં દર્શન માટે, તો કોઈ વૈદ પાસે ઉપચાર કરાવવા માટે. કોઈ સાધુબાવાની સેવા માટે, કોઈ ભૂવા કે બાવા પાસે જંતર-મંતર કરાવવા માટે. તો કોઈ વળી અમારી જેમ ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કહેતાં અહીંથી તહીં ઘૂમતા હોય. પણ હા, એક વાત છે: દરેક માણસના પહેરવેશ પરથી, તેના કપાળે કરેલા જાત-ભાતના ટીલાંટપકાં પરથી, હાથમાં ઝાલેલી કોઈ ને કોઈ વસ્તુ પરથી, એ માણસ કયા પ્રદેશનો છે, કયો ધર્મ પાળે છે, કયો વ્યવસાય કરે છે એ તમે જાણી શકો. જોતાંવેંત ખબર પડે કે આ તો પારસી છે, જૈન છે, હિંદુ છે, મુસલમાન છે, કે ખ્રિસ્તી છે. સીમા પ્રાંતથી આવેલા પડછંદ પઠાણો, મદ્રાસ તરફથી આવેલા કાળા, દૂબળા મજૂરો, એક હાથમાં ખડિયો-કલમ લઈને ઝડપભેર ચાલતા ગુજરાતી કે મારવાડી મુનીમો. લંડનના રસ્તા પર ચાલતા લોકો અંગે આ રીતે કહેવું મુશ્કેલ. જ્યારે અહીં તો તમે બીજું કશું ન જુઓ, કોણે માથા પર શું પહેર્યું છે, કેવી રીતે પહેર્યું છે એ ધ્યાનથી જુઓ તો પણ તમને તેની અડધી ઓળખાણ તો મળી જ જાય.
મુંબઈની બજાર
વળી આ તો છે દિવાળીના દિવસો. એટલે પુરુષોના કપાળે જાતજાતનાં, રંગરંગનાં ટીલાંટપકાં જોવા મળે. અહીંના લોકો તો માણસને જોતાંવેંત કહી શકે: આ વાણિયો છે, પેલો બામણ છે, આ વેપારી છે, પેલો મજૂર છે. બ્રાહ્મણ પગમાં ચામડાનાં પગરખાં ન પહેરે. કાં લાકડાની સપાટ પહેરે, કાં ઉઘાડે પગે હોય. વાણિયો મોટે ભાગે તગડો હોય, ફાંદવાળો હોય. કારણ અહીંના લોકો પાસે જેમ વધારે પૈસા હોય તેમ તે દૂધ, ઘી, માખણ, મીઠાઈઓ વધુ ને વધુ ખાય. અહીં શરીર સમૃદ્ધિ એ ધનવાનની ઓળખ હોય છે. તો તેની બાજુમાં ચાલે છે એક યુવાન. સફેદ ધોતિયા પર કાળો હાફ કોટ પહેર્યો છે. કોટના ઉપરના ખિસ્સામાં કાળી ફાઉન્ટન પેન ખોસી છે. હાથમાં બ્રાઉન કલરના પૂંઠાવાળી ડાયરી છે. નક્કી એ સરકારી નોકર.
પણ અહીં રંગોનું પૂર ઊમટે છે તે તો સ્ત્રીઓના પહેરવેશમાં. અલબત્ત, ‘મોટા’ ઘરની વહુ દીકરીઓ અહીં રસ્તા પર ચાલતી ભાગ્યે જ જોવા મળે. પડદા પાડેલા માફામાં કે ઘોડા ગાડીમાં કે પછી પાલખીમાં જતી હોય. પણ બીજી સ્ત્રીઓના પહેરવેશનાં ઘાટઘૂટ, રંગો, સાડી પહેરવાની ઢબ, વગેરેમાં વૈવિધ્યનો પાર નહિ. હા, ઘણા પુરુષોની પાછળ એક નહિ પણ બે સ્ત્રીઓ ચાલતી જોવા મળે. કારણ હજી આ દેશમાં એક કરતાં વધુ સ્ત્રી સાથે પરણવાનો ચાલ છે – ખાસ કરીને ખાધેપીધે સુખી ઘરના નબીરાઓમાં. જો કે કોઈ પુરુષ પાછળ એક જ સ્ત્રી ચાલતી હોય તો ય એમ ન માની લેવું કે તેણે એક જ સ્ત્રી સાથે લગ્ન કર્યાં હશે. એ માનીતીને લઈને ફરવા નીકળ્યો હોય અને બીજી ઘરને ખૂણે બેઠી હોય. અને હા, જો બેમાંથી એકે છોકરો જણ્યો હોય અને બીજીએ છોકરી, તો તો છોકરીની મા નક્કી ઘરને ખૂણે સમસમતી બેઠી હોય.
પણ જે સાથે હોય તે સ્ત્રીનો ઠસ્સો જોવા જેવો હોય. રંગરંગીન સાડી, જે પહેરવાની પાછી જાતજાતની ઢબછબ. રંગો અને ડિઝાઈનોનો તો પાર નહિ. મોટે ભાગે ચાંદીનાં જાતજાતનાં ઘરેણાંથી લદાયેલી હોય. સોનાનાં ઘરેણાં પહેરી શકે એટલા તવંગર ઘરની સ્ત્રી તો રસ્તા પર ચાલતી ભાગ્યે જ જોવા મળે. કારણ એ બધી તો કોઈ ને કોઈ વાહનમાં બેસીને જતી હોય.
મહાલક્ષ્મીનું મંદિર
અંધારું થાય તે પહેલાં જ રસ્તાઓ, બજારો, ઘરો, રોશનીથી ઝગમગવા લાગે છે. દિવાળી લક્ષ્મીનો તહેવાર છે. પશ્ચિમમાં જે સ્થાન વિનસ દેવીનું છે તે સ્થાન અહીં વિષ્ણુપત્ની લક્ષ્મીનું છે. વિનસની જેમ જ લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટી હોવાનું મનાય છે. વેપારીઓ અને દુકાનદારો માટે તો આ તહેવાર ખાસ મહત્ત્વનો છે. વહેલી સવારે તેઓ મહાલક્ષ્મીના મંદિરે દર્શન કરવા જાય છે. એકાઉન્ટ બુક્સને અહીંના લોકો ‘ચોપડા’ કહે છે. અને દિવાળીની સાંજે દરેક વેપારી કે દુકાનદાર પોતાના નવા વરસના હિસાબી ચોપડાની પૂજા કરે છે. સફેદ ધોતિયું પહેરેલ ભૂદેવના ઉપલા શરીર પર માત્ર સફેદ દોરા – જે જનોઈ તરીકે ઓળખાય છે – લટકતા હોય છે. ધૂપદીપ કરી, સંસ્કૃત મંત્રો ગગડાવી તેઓ પૂજા કરાવે છે, અને પછી ચાર-આઠ આનાની ‘દક્ષિણા’ લઈ બીજી દુકાને પૂજા કરાવવા ઝડપથી ઊપડી જાય છે.
દુકાનોની અંદર ઘરનાં બૈરાં મોંઘાં ઘરેણાં-સાડી પહેરી અંદર અંદર વાતો કરતાં હોય છે. છોકરાઓ નવાં કપડાં પહેરી પકડદાવ કે એવી બીજી કોઈ રમત રમતા હોય છે. ઓટલા પર બેઠેલી તેમની બહેનો મૂંગી મૂંગી એ રમતો જોઈ રહેતી હોય છે. ચોપડા પૂજન થઈ જાય પછી છોકરાઓ ફટાકડા ફોડે. જો કે ફટાકડાના અવાજ કરતાં છોકરાઓનો ઘોંઘાટ વધુ હોય છે. ક્યાંક ક્યાંક ઓટલે બેઠેલી છોકરીના હાથમાં કોઈ એકાદ સિલ્બેરા – ફૂલઝર – પકડાવી દે તો એ છોકરીનું મોં આનંદથી ઝગારા મારતું થઈ જાય છે.
હિન્દુસ્તાનમાં દિવાળીનું મહત્ત્વ એટલું છે કે મુંબઈના યુરોપિયન સ્ટોર – જ્યાં કોઈ ‘દેશી’ ખરીદી કરવા ભાગ્યે જ જાય – પણ શણગારાય છે. ફક્ત પૈસાદારો જ જ્યાં જાય તેવી મોટર વેચતી દુકાનોમાં પણ રોશની કરાય છે. દિવાળીના દિવસોમાં અહીં કોઈ ઘર એવું નહિ હોય જ્યાં બીજું કંઈ નહિ તો એક-બે કોડિયાં પણ ન મૂક્યાં હોય. ઘણાં ઘરોનાં બારી-ઝરૂખા શણગારાય છે. સાંજ પડ્યે ઘરની સ્ત્રીઓ રંગબેરંગી કપડાં પહેરી ઝરૂખામાં ઊભી રહીને રસ્તા પરનાં મેદનીને અને ઝળહળાટને જોતી ક્યાં ય સુધી ઊભી રહે છે. એક ઝરૂખામાં તો મેં ત્રીસ માથાં ગણ્યાં હતાં!
હા, આ બધાથી સાવ અલગ પડતી એક ઈમારત પણ ઊભી છે. નથી ત્યાં રોશની, નથી કોઈ ઉજવણી, નથી રંગબેરંગી કપડાં પહેરેલા માણસોની અવરજવર. જાણે અજવાળાના સાગર વચ્ચે અંધારાનો ટાપુ. એ છે મસ્જિદ. હા, એની બહાર ભૂરા યુનિફોર્મ પહેરેલા પોલીસના સિપાઈઓ હાથમાં ડંડૂકા લઈને ઊભા છે. એમના ઉપરી સફેદ ટોપો પહેરેલા ગોરા સાર્જન્ટના હાથમાં રિવોલ્વર છે. એની બાજ નજર સતત ચારે બાજુ ફર્યા કરે છે. ઘોડેસ્વાર પોલીસના બે સિપાઈઓ પણ કંઈ હુલ્લડ જેવું લાગે તો ગમે તે ઘડીએ ઘોડાને મારી મૂકીને ત્યાં પહોંચી જવા તૈયાર હોય છે. જો કે હવે મુંબઈમાં કોમી રમખાણોનું પ્રમાણ ઘટી ગયું છે એમ કહેવાય છે.
મુંબઈના મજૂરો
એક વાક્યમાં કહેવું હોય તો જેણે પૂર્વથી પશ્ચિમ તરફ પડખું બદલતું હિન્દુસ્તાન જોવું હોય તેણે મુંબઈ તો જોવું જ રહ્યું. અને મુંબઈ જોવું હોય તેણે એ દિવાળીના દિવસોમાં જોવું રહ્યું. જાતભાતના લોકોથી ઊભરાતું મુંબઈ. રોશનીથી ઝળાંહળાં થતું મુંબઈ. દિવાળીનો તહેવાર ઊજવતું મુંબઈ.
(નોંધ: નવેમ્બર ૧૯૦૫થી માર્ચ ૧૯૦૬ સુધી પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ હિન્દુસ્તાનની મુલાકાતે આવ્યાં ત્યારે તેમની સાથેના પત્રકારોના કાફલામાં સ્ટાન્ડર્ડ નામના અખબારના સ્પેશિયલ કોરસપોન્ડન્ટ તરીકે સિડની લો આવેલા. રાજવી પ્રવાસ ઉપરાંત પોતે અલગથી હિન્દુસ્તાનમાં શક્ય તેટલું ફરેલા અને અહીંના લોકો અને તેમના જીવનને જોવા-જાણવાનો પ્રયત્ન કરેલો. આ પ્રવાસને આધારે લખાયેલું પુસ્તક ‘અ વિઝન ઓફ ઇન્ડિયા’ ૧૯૦૭માં ન્યૂ યોર્કથી પ્રગટ થયેલું. તેમાંનો કેટલોક ભાગ સંકલિત કરીને અહીં રજૂ કર્યો છે. અહીં મૂકેલા બધા ફોટા પણ એ પુસ્તકમાંથી લીધા છે.)
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 22 ઓક્ટોબર 2022