‘અૉન-લાઇન’ “ઓપિનિયન” સામિયકના વાચક અને લેખકોને, સામયિકની અને તેના તંત્રી / સંપાદક વિશે, થોડી વાતો કરવાનો અા લેખનો હેતુ રહે છે. સાથોસાથ સંપાદક અને એમના મિત્રોને પરિપ્રેક્ષ્યમાં રાખી (કારણ ? − કહેવાય છે ને કે ‘સોબત તેવી અસર’), અને ખાસ કરીને, બહ્મીગામ શહેરના મિત્રોને પરિપ્રેક્ષ્યમાં રાખી વાત કરવાનો અહીં અાશય છે.
પહેલાં “અોપિનિયન” સામયિકની વાત : આવતા વર્ષના અૅપ્રિલ મહિનામાં સામયિક શરૂ કર્યાંને 20 વર્ષ પૂરાં થશે. સામયિકના શરૂઆતના દિવસોમાં કેટલાક લોકોએ અદેખાઈમાં આવી જઈ, સામયિકનું ‘બાળમરણ’ ભાખ્યું હતું ! પરંતુ સંપાદકની હિમ્મત – ધગશ અને પત્રકારત્વ પરત્વેના પ્રેમ, તેમ જ મિત્રો – લેખકો – વાચકોના સાથસહકારથી, સામયિક, બેબે દાયકાઓથી, નિયમિત રીતે પ્રગટ થતું રહ્યું છે. એ સમયગાળામાં સામયિકના ત્રણ અવતારો થયા. લગભગ પંદર વર્ષો સુધી સામયિક મુદ્રિત થઈને દર મહિને પ્રકાશિત થતું રહ્યું અને બસો ઉપરાંત લવાજમી ગ્રાહકો સમેતના અનેક વાચકો સુધી પહોંચતું કરાતું હતું. ત્યાર પછીના તેના ‘ડિજિટલ’ અવતારમાં તેને બહોળા વાચકો મળ્યા. સામયિકના આ બન્ને અવતારોમાં, દરેક અંક અમુક નિશ્ચિત કથાવસ્તુ [theme] લઈને આવતો. છેલ્લા, ત્રીજા અવતારમાં, on-line સામયિકે હવે દુનિયાભરમાં બહોળો વાચકવર્ગ મેળવ્યો છે.
આ ત્રણે અવતારોમાં તંત્રી / સંપાદક વિપુલ કલ્યાણી સતત કાર્યશીલ રહ્યા છે અને દુનિયાના દરેક ખૂણામાંથી આવતા લેખો, કથાવસ્તુ કેન્દ્રિત પોતીકી સામગ્રી પ્રકાશિત કરતા રહ્યા છે. વિપુલભાઈના 40-50 વર્ષની પત્રકારત્વની મજલમાં, કહો કે પત્રકારનો ધર્મ અને ધૂનમાં – સંખ્યાબંધ મિત્રો-વાચકો-લેખકો સાથે અત્યારની પેઢીના માત્ર ‘ફેઇસબુકિયા મિત્રો’ જ નહીં, પણ અંતરંગ મિત્રો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધોનું સાતત્ય વિપુલભાઈએ જાળવી રાખ્યું છે. પ્રખર રોમન વક્તા અને વિચારક સિસેરો અને અંગ્રેજ નિબંધકાર-લેખક ફ્રાન્સિસ બેકનના મૈત્રીધર્મ પરના મંતવ્યો વિપુલભાઈએ જાણે કે રગેરગમાં પચાવ્યા છે !
સિસેરો કહેતા :
Friendship makes prosperity brighter, while it lightens adversity by sharing griefs and anxieties.
બેકન કહી ગયા છે :
Friendship redoubleth joys and culteth griefs in halves.
આવી મૈત્રીનો ધર્મ બજાવવા, જુલાઈ 23મી તારીખ ને બુધવારે બહ્મીગામના મિત્રો કે જેઓ વર્ષોથી બહ્મીગામનાં સાંસ્કૃિતક, સાહિત્યિક અને સામાજિક જીવનમાં સંકળાયેલા અને કાર્યશીલ રહેલાં છે એમની ખબરઅંતર પૂછવા તથા ભાળ મેળવવા વિપુલભાઈ બહ્મીગામ આવ્યા હતા.
એ દિવસે સ્કૉટલૅન્ડના ગ્લાસગો નામે નગરમાં રાષ્ટૃસમૂહના દેશોને નામ રમતગમતની હરીફાઈઓનું મંગલાચરણ થઈ રહ્યું હતું. અા કૉમનવેલ્થ ગેઇમ્સનો શુભારંભ મહારાણી ઇલિઝાબૅથ બીજાને હાથે થતો હતો. એકોતેર જેટલા મુલકના રમતવીરો ભાગ લઈ રહ્યા હતા. કેલટિક પાર્કના આ જલસામાં 23 હજાર લોકોની મેદની હતી અને રાણીબાએ અવસરને ખુલ્લો જાહેર કર્યો હતો.
બસ, એવે ટાંકણે, વિપુલભાઈ અને બહ્મીગામ માંહેનાં અમે મિત્રોની મુલાકાત જામતી હતી. રસભરી ગોષ્ઠિ થતી રહી અને દરેકને મનહૃદયમાં મહેક પ્રસરાવતી રહી. અા મિત્રો સારુ એ ઘટના યાદગાર બનીને રહી.
અાયુર્વેદ કહે જ છે : ‘આહાર તે જ ઔષધ’. એ બુધવારના દિવસે મિત્રોની મુલાકાત અને ગોષ્ઠિમાં એટલું જરૂર અનુભવાયું કે મૈત્રી પણ ઔષધનો દરજ્જો ધરાવે ખરી.
અા મિત્રોને પહેચાનવા જેવાં છે. “ઓપિનિયન”ના જૂનાં વાચકોને સારુ અામાંના કેટલાંક પરિચિત નામો જ હોવાનાં. નવેમ્બર 1998ના અંકમાં, જુઓને, એક આછો પરિચય ‘એક ભલો માણસ’ના શીર્ષકથી અાપવામાં આવેલો તે સાંભરી આવશે.
આ લેખમાં આવતો ‘… ભલો માણસ’ એટલે અમારા રમણભાઈ નરોત્તમભાઈ પરમાર. હા, આ નામ બી.બી.સી.ના એક વખતના પ્રસારિત થતા ગુજરાતી કાર્યક્રમ માટે લગીર અજાણ્યું નથી. મૃદુ, મીઠી [mellifluous] ગુજરાતી ભાષામાં સમાચાર વાંચતી વખતે રમણભાઈ, આપણા ગુજરાતી સાહિત્યકારો – રમણલાલ વસંતલાલ દેસાઈ, કે કનૈયાલાલ માણેકલાલ મુનશીની માફક પોતાનું આખું નામ અટક સાથે રજૂ કરવામાં ગૌરવ અનુભવતા. વળી, બહ્મીગામમાં ગુજરાતી શિક્ષણ આપતા વર્ગોની શરૂઆત કરનારાઓમાં પણ એ અગ્રેસર. આટઆટલા વરસે પણ એમની કાર્યશીલતામાં ઓટ આવી નથી. એમની ક્ષમતાને ઘસારો પહોંચ્યો લાગતો નથી. રમણભાઈ એટલે સમાજ સેવક, અાદિ સમાજ સેવક ! પોતાના કેન્યા માંહેના આદિ દિવસો વેળા પણ જાણે કે સમાજ સેવા એમનો પરમ ધર્મ રહેલો.
બહ્મીગામમાં આવા સમાજ સેવકો અને ગુજરાતી ભાષાના શિક્ષકોનું એક જૂથ પણ રમણભાઈએ ઊભું કર્યું છે. આ જૂથમાં મોખરે હોય છે એમના મિત્ર સુમનભાઈ મ્યાંગર તથા એમનાં પત્ની ગંગાબહેન. ગુજરાતી ભાષાના વર્ગો ચલાવવામાં કે પછી વડીલ વર્ગમાંના મોટી ઉમ્મરના લોકોની સેવા કરવામાં અા દંપતી યુગલ સતત ક્રિયાશીલ. રમણભાઈના જાણે કે એ જમણા હાથ. રમણભાઈનાં પત્ની નિર્મળાબહેને પોતાના ‘સ્વામી’ને પગલે પગલે સાથ અાપી પોતાની આગવી કેડી કંડારી છે. વર્ષો સુધી નિર્મળાબહેને બી.બી.સી.ના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કરીને પ્રસારણ કરેલું. પોતાના લહેકામાં, અલંકારી ભાષા સાથે એ શ્રોતાગણને મોહક કરતાં રહેલાં.
બહ્મીગામના આ મિત્રોમાં વરિષ્ટ એટલે બહ્મીગામ શહેરને ‘લીલું વૃંદાવન ધામ’નો ઇલકાબ આપનારા કવિ, અને કવિસંમેલનોમાં અનોખી, રૂડી ભાતમાં પોતાની રચેલી ગુજરાતી કવિતાઓને લલકારતા ગાયક પ્રફુલ્લ અમીન. ખુદ કવિ હૃદય અને માયાળુ. મળતાવડા સ્વભાવના પ્રફુલ્લભાઈએ બહ્મીગામની કંઈ કેટલીએ સંસ્થાઓનું સુકાન સંભાળી, ડાયસ્પોરિક ભારતીય સમાજની અનોખી સેવા કરી છે.
આ ‘અમદાવાદી’ મિત્રના અસલ જૂના જોગી એટલે ગુજરાતના નાટ્યકાર ચં.ચી. મહેતાના એક વિદ્યાર્થી, પ્રવીણ સાંગાણી. પ્રવીણભાઈ મૂળગત નાટકનો માણસ. હાવભાવમાં અને એમના આ અમદાવાદી મિત્ર સાથે વાદવિવાદ કરતા હોય ત્યારે એમનો નાટકીય અવાજ અને મિજાજ અછતો ન રહે. અને કોઈ કવિ સંમેલનમાં એકાદા કવિ પોતાની કવિતાઓનું પઠન કરતા હોય અને શ્રોતાગણ કંટાળતા હોય ત્યારે, છેલ્લે પાટલે બેઠા હોય તો પણ, પ્રવીણભાઈ બોલે જ બોલે : પાન 27 પરની કવિતા પઢો ! … અને હાસ્યનું મોજું ચોમેર ફરી વળે. વાતાવરણમાં હળવાશ આવી જાય.
વિપુલભાઈની ગુજરાતી સાહિત્ય અકાદમીમાંની દીર્ઘ સેવાકારકિર્દી વેળા પરીક્ષાઓના સંચાલન હેઠળ ચાલતા પરીક્ષાતંત્રમાં, સક્રિય સાથસહકાર આપવામાં પહાડી કાઠિવાડી મનેખ, નાગેશ ઓડેદરા અગ્રેસર હતા. સાથમાં હોય સરયૂબહેન પટેલ. આ બન્ને ભાષાસાહિત્યપ્રેમીઓની મહેનત અને સૂજબૂજથી પણ ગુજરાતી સાહિત્ય અકાદમી ચોમેર મજબૂત સેવાઓ આપતી હતી.
હવે તો આ મિત્રો કુટુંબના અને પોતાના સ્વાસ્થ્યના સવાલોમાં લપેટાયાં છે. મોટી ઉમ્મરે આવતી નાનીમોટી વ્યાધિમાં ય અટવાયેલાં ભાળીએ છીએ. આવા બે મિત્રોની ભાળ કાઢવા વિપુલ કલ્યાણી બહ્મીગામ આવેલા. અને મૈત્રી કેવી રીતે ઔષધ બની રહે છે એ કૌતુક સૌએ અનુભવ્યું.
એ બુધવારે મિત્રોની મહેમાનગીરી કરવાના ઉલ્લાસમાં – હર્ષમાં – નાગેશભાઈ, દોઢબે વરસની બીમારીની અશક્તિને ગણકાર્યા વિના, અને વળી, આ ગાળા દરમિયાન કાર હંકારવાની કળા પર પ્રસેરલી રજોટી ખંખેરી, ચંપાબહેનને જણાવ્યા વગર જ બહાર નીકળી ગયા ! હિમ્મતથી કાર હંકારી ! બોલો, માનશો, બજારમાં ગયા અને મિત્રો સારુ તાજી જલેબી લઈને પરત થયા !
અને એ જ બુધવારે, પ્રવીણભાઈને પણ મળવાનું બનતું હતું. છસાત મહિનાની જીવલેણ બીમારીમાંથી બહાર નીકળી મિત્રો સાથે તન્મયતાથી રસપૂર્વક ગોષ્ઠીમાં પરોવાયેલા રહ્યા. પ્રફુલ્લભાઈ જોડે પ્રવીણભાઈ તેના પોતાના લહેકામાં, અને તેને અનુકૂળ તોરમાં વાતે વળગેલા અને હંફાવતા રહ્યા. પ્રવીણભાઈનાં પત્ની સરલાબહેન આ બધું કૌતુકભરી આંખે નીરખતાં રહ્યાં. ચંપાબહેનનો ય આવો આનંદ અમે લોકોએ સવારે અનુભવ્યો જ હતો.
બહ્મીગામમાં નાગેશભાઈ, પ્રવીણભાઈ અને રમણભાઈને ઘેર જામેલી મજલિસમાં અમે અન્નકૂટની મજા માણી. ચોતરફ હેતના ફૂવારા ઊડતા હતા અને અમે તેનો છંટકાવ માણતા રહ્યાં.
આ બેઠકે ફરી સાબીત કરી આપ્યું કે મૈત્રી અજીબ ઔષધ છે. સિસરે અને બેકનના મંતવ્યો સાચા હોય તેમ અમે અનુભવતા રહ્યા.
[‘Kamal Kunj’, 3 Buckingham Mews, SUTTON COLDFIELD, West Midlands B73 5PR, U.K.]