‘ગુજરાત સાહિત્ય ફોરમે’ જ્યારે સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈ ૧૪મી ઑગસ્ટે તેમના દર રવિવારે રજૂ થનારા વાર્તાલાપમાં બોલવા આમંત્રણ આપ્યું, ત્યારે મેં ઉપરોક્ત વિષય પસંદ કર્યો. આમ કરવાનું કારણ હતું વેડછીના વાતાવરણમાં વીતાવેલ બાળપણ. મુખ્યત્વે ૭૦ના દાયકાની વાત કરું છું. ગ્રામશાળા વેડછી અને ઉત્તર બુનિયાદીમાં ભણતાં અમે સૌએ ભલે આઝાદીની ચળવળ નહોતી જોઈ પરંતુ જુગતરામકાકા અને તેમના સાથીદારો(કારણ કે કાર્યકરોને કાકા સાથીદાર જ ગણતા)એ હજુયે એવું જ રાષ્ટ્રીય વાતાવરણ ત્યાં અકબંધ રાખ્યું હતું. તેથી અમને લાગતું, જાણે કેમ અમે જ સ્વાતંત્ર્ય – આંદોલનમાં ભાગ ન લીધો હોય ! આ વાતાવરણ અને તેની ફોરમે એ સંસ્કાર આપ્યા કે દેશ અને દેશબાંધવો પહેલા – આપણને જન્મથી અને તે પછી પણ જે બધું મળ્યું તેના એટલા previleges (વિશેષ અધિકારો) મળ્યા છે કે સમાજનું આપણા પર વિશેષ ઋણ છે. આ દેશમાં ને દુનિયામાં કેટલાયે લોકો છે જેમને આપણા જેવા સંજોગો પ્રાપ્ત નથી થયા.
વેડીછીના એ ઉછેરે અમને સૌને માત્ર આઝાદીના આંદોલનનો અનુભવ જ નહીં કરાવ્યો – એ વાતારણે અમને એ જવાબદારીનું ભાન કરાવ્યું કે તમારું જીવન એ માત્ર તમારું પોતાનું વ્યક્તિગત જીવન નથી પરંતુ આ દેશ માટે છે. પોતાના સ્વાર્થ કે પોતાના વ્યક્તિગત વિકાસ માટે માત્ર જીવન ન હોઈ શકે. કારણ કે સ્વતંત્રતા આંદોલનના લડવૈયાઓ તો એ જ જીવ્યા. આપણે તો માત્ર સાંભળ્યું છે. મારી જિંદગીનાં પહેલાં ૧૪ વર્ષ એવા વાતાવરણમાં વીત્યાં જેમાં દેશ માટેની આ નિસ્બત અનુભવી. એને હું મારું પરમ સદ્ભાગ્ય માનું છું. તેને લીધે આજે જ્યારે ‘ગુજરાત સાહિત્ય ફોરમે’ મને વિષય પસંદ કરવાની છૂટ આપી ત્યારે થયું – આઝાદીના ૭૫ વર્ષે દેશ ક્યાં આવીને ઊભો છે ? ચાલો, વિચારીએ થોડું.
તો દેશ એટલે શું ? જમીન, સંપત્તિ, શાસન, શાસનકર્તા એટલું જ કે કંઈ બીજું પણ ? ના, દેશ એટલે તો સૌથી પ્રથમ તેના લોકો; લોકો એટલે આમ જનતા, તેમનું જીવન, તેમનાં સુખ-દુ:ખ, તેમની જરૂરિયાતોની પૂર્તિ, તેમની સલામતી, ઉન્નતિ, આબાદી, ભેદભાવ વિના સૌ કોઈ જીવી શકે, માથું ઊંચું રાખીને દરેક વ્યક્તિ જીવી શકે તેવું વાતાવરણ હોય – એનું નામ છે દેશ. તેની સંસ્કૃતિ, ચરિત્ર, ઇતિહાસથી વ્યાખ્યાઈત થાય છે દેશ. ૭૫ વર્ષે, ૭૫ વર્ષની કોઈ વ્યક્તિ હોય તો એ કેવી સ્વસ્થ, શાંત, wisdomવાળી હોય એવી આપણે કલ્પના કરીએ. તો આજે આપણો દેશ ૭૫ વર્ષનો થયો ! આમ તો આપણો દેશ બહુ પ્રાચીન છે, પણ આઝાદ દેશ ૭૫ વર્ષનો થયો ત્યારે એવું કહી શકીએ કે શું આપણો દેશ શાંત-સ્થિર-ડહાપણ / સમજણભર્યો થઈ ગયો છે ? એને અંગે સાથે મળીને વિચારવાનો આજે સમય ચોક્કસ છે. થોડો વિચાર આજે કરીએ .. કરતા રહીએ …
આપણે વિચારીએ કે કોઈ વ્યક્તિ / નાગરિક પોતાના દેશ માટે ગૌરવ ક્યારે અનુભવે ? દરેકને જેમ પોતાનાં મા-બાપ, ભાઈ-ભાંડુ વહાલાં છે તેમ પોતાનો દેશ પણ પ્યારો છે. “હિન્દોસ્તાં હમારા જાન સે પ્યારા હૈ …” એ પંક્તિ અમસ્તા નથી ગાતાને આપણે ? – આટલી ઊંચી ભૂમિકા દેશ માટે છે – સ્વતંત્રતાની ચળવળમાં આ ભૂમિકા અક્ષરશ: સાદૃશ થતી આપણે સાંભળી (મોટા ભાગનાએ જોઈ નથી એટલે) છે.
મીઠાનો સત્યાગ્રહ હોય, ગોવાલિયા ટેંક (આજનું ઑગસ્ટ ક્રાંતિ મેદાન) પરના સત્યાગ્રહો હોય, રૉલેટ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, બારડોલી સત્યાગ્રહ … યાદી તો લાંબી કરી શકાય; લોકોએ – સામાન્ય લોકોએ – બહેનો, બાળકો – આબાલ વૃદ્ધ, ખેડૂતો, ગરીબ-તવંગરે પોતાના પરિવાર, નિહિત સ્વાર્થ અને પોતાના જાનની પણ પરવા કર્યા વિના દેશને ગુલામીમાંથી કાઢવા આ યજ્ઞમાં આહુતિ આપી.
આપણે જાણીએ છીએ કે આ એક અભૂતપૂર્વ સત્યાગ્રહ હતો. તેને અંગે ઘણું ઘણું લખાયું છે અને લખી શકાય. પરંતુ, અહીં એટલી જ નોંધ લઈએ કે ‘જે સામ્રાજ્યનો સૂર્ય અસ્ત નથી થતો’ એવું કહેવાતું એની સામે અવાજ ઉઠાવવાની શક્તિ – સામાન્યમાં સામાન્ય માણસમાં ગાંધીએ જગાવી. ચંપારણ સત્યાગ્રહની જ વાત લઈએ. સાવ હારી, થાકી, શોષાઈ-ચૂસાઈ ગયેલા ગળી(નીલ)નું ઉત્પાદન કરનારા ખેડૂતોની વચ્ચે એક માણસ આવીને ઊભો રહ્યો, No Sir ! કહેનારો. અને આખી વાત બદલાઈ ગઈ.
આવા No Sir ! કહેનારાઓની જમાત ઇતિહાસે જોઈ છે. કટોકટી દરમ્યાન સંસદ(પુ.ગ. માવળંકર)થી લઈને લોકો વચ્ચે આ અવાજ ઉઠાવનારા, સ્વતંત્રતા પછીના કાળમાં થયેલા અન્યાયો સામે સમાજ તેમ જ શાસનનું ધ્યાન દોરનારા મરજીવાઓ આપણી સમક્ષ મોજૂદ છે. આમને મરજીવા કહ્યા કારણ કે તેમનાં દિલો દિમાગમાં સ્વાર્થ નહીં, માત્ર પરમાર્થ વસેલો છે, પોતાના જાનને પણ જોખમમાં મૂકીને આ સાથીઓ જે પણ કામ કરે છે તે સામાન્ય જનના હિતને હૃદયે (અને મગજમાં) રાખીને કરે છે.
આવું કહેનારા, પ્રવાહ વિરુદ્ધ તરનારા, out of the box thinking કરનારા ઇતિહાસમાં કે આજે પણ છે ને રહેવાના, અને તે હંમેશ લઘુમતીમાં જ રહેવાના. આમ સમાજ, મોટા ભાગના આપણે સૌ ગોઠવાઈ જવામાં, ચલાવી લેવામાં માનનારા છીએ. કારણ કે આપણને એવું જ શીખવાડાય છે. પ્રશ્ર્નો પૂછવા – ઊંડાણમાં જવું – ‘ખોજી’ બનવું એવું બહુ ઓછા કરે છે – કરી શકે છે – અને તેમાંયે બળૂકાને, જેની પાસે સત્તા છે તેને પડકારવાનું તો હજીયે ઓછા લોકો કરી શકે છે.
પરંતુ આ જમાત પણ કંઈ નાની નથી. ગાંધીજી એકલા નથી. ભારતમાં જ્યોતિબા ફૂલેથી લઈને રોહિત વેમૂલા જેવા લોકો, યુ.એસ.એ.માં રોઝા પાર્ક અને માર્ટિન લ્યૂથર કિંગ છે; તો સાઉથ આફ્રિકામાં નેલ્સન માન્ડૅલા, ફ્રાંસમાં લાન્ઝા દેલ વાસ્તો, ઇઝરાયેલ-પેલેસ્ટાઈનમાં રાચેલ કોરી ઊભી થઈ. આવા વિશ્વભરમાં સત્યને માટે, ન્યાય અને શાંતિને માટે સ્વસ્થ સમાજને માટે જીવન આપનારા લોકો હતા અને છે.
ભારતનું સ્વતંત્રતા આંદોલન અનેક રીતે નોખું – unique હતું, જેની દુનિયાના ઇતિહાસે નોંધ લીધી છે. પહેલી વાત તો એ કે આ આંદોલને અહિંસાનો વિચાર દુનિયાને આપ્યો; આ અગાઉ બુદ્ધ, મહાવીર, ઈશુખ્રિસ્ત અહિંસાની વાત કરી ગયા. પરંતુ ગાંધીજી અહિંસાને રોજ-બ-રોજની જિંદગીમાં અને સામાન્ય માણસ પણ તેનું આચરણ કરી શકે તે સ્તરે લઈ આવ્યા. અહિંસા એ માત્ર લડતની વ્યૂહરચના તરીકે નહીં પરંતુ તેની ફિલસૂકીને સમજીને, આત્મસાત્ કરીને, આંદોલનમાં ભળનાર સહુને અહિંસાને કેવી રીતે જીવનમાં ઉતારવી તે તેમણે શીખવ્યું. આંદોલન માત્ર અહિંસક એમ નહીં, વિચારમાં પણ હિંસા નહીં, અંગ્રેજ શાસનનો વિરોધ જરૂર પણ અંગ્રજો માટે તો પ્રેમ જ. દક્ષિણ આફ્રિકાની જેલમાં જનરલ સ્મટ્સ માટે કેદી મોહનદાસ ગાંધીએ પગરખાં બનાવેલાં એ વાત જાણીતી છે. કારણ કે કોઈ પણ પ્રકારની હિંસા આખરે હિંસાને નોતરશે. ગાંધીજીને માટે આ આંદોલન માત્ર અંગ્રેજ શાસનથી મુક્તિનું આંદોલન ન હતું. તે સ્વ-રાજ મેળવવા માટેનું આંદોલન હતું, અહિંસક સમાજરચના માટેનું આંદોલન હતું. દેશને પોતાના પગ પર ઊભા કરવાનું પણ આંદોલન હતું. અને અહિંસક સમાજરચનાના પાયામાં હિંસા હોઈ જ ન શકે.
તેથી ગાંધીજીએ માત્ર સત્યાગ્રહો કર્યા એમ નહીં પરંતુ, આશ્રમોની પણ સ્થાપના કરી. આ આશ્રમો એ અહિંસક સમાજરચનાની પ્રયોગશાળાઓ હતી. જેમાં જીવનપદ્ધતિ જ એવી અપનાવવામાં આવી કે કોઈનું શોષણ ન થાય; ન કુદરતનું, ન માણસનું. ઘણા પ્રયોગો એ સ્તરે થયા.
બીજું, આ આંદોલનના મુખ્ય નેતાને સત્તામાં કે સત્તાસ્થાને બેસવામાં કોઈ રસ ન હતો. તેઓ દેશને મૂલ્યનિષ્ઠ, ચરિત્રનિેષ્ઠ, સ્વાવલંબી દેશ બનાવવા માંગતા હતા. સ્વતંત્રતા પછી ભારત દેશ કેવો હશે તેની વાત તેમણે ‘મારા સ્વપ્નનું ભારત’ એ પુસ્તકમાં વિગતે કરી છે. તેમાંનું નમૂનારૂપ કેટલુંક અતિ ટૂંકાણમાં અહીં ટાંકું છું.
તેમણે કહ્યું, “ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી.”… “હિંદુસ્તાન હથિયારની નીતિ સ્વીકારે તો તે અધર્મની સેવા થશે – એવા હિંદુસ્તાનનો હું ત્યાગ કરું.” ગાંધીજી હિંદુસ્તાનનો ત્યાગ કરું એમ કહે તેનો શું અર્થ થાય તે આપણે સમજીએ છીએ. પરંતુ, એમણે અનેક જગ્યાએ કહ્યું છે તેમ સત્ય અને અહિંસા એ સર્વોપરી સનાતન મૂલ્યો છે જે દેશની પણ ઉપર છે. તે જ એમના આરાધ્ય દેવ છે.
“હું હિંદુસ્તાનને સ્વતંત્ર અને સુદૃઢ જોવા ઇચ્છું – જે જગતના હિતને ખાતર સ્વેચ્છાપૂવર્ક અને શુદ્ધ બલિદાન આપે.”
બંધારણ વિશે તેઓ કહે છે, “હું જે બંધારણ માટે પ્રયત્ન કરીશ તે હિંદુસ્તાનને ગુલામી અને આશ્રિત દશા માત્રમાંથી છોડાવનારું, જે ભારતમાં ઊંચ-નીચનો ભેદ ન હોય; જે ભારતવર્ષમાં તમામ કોમો પૂરેપૂરી હળી મળીને રહેતી હશે, એવા ભારતવર્ષ માટેનો મારો પ્રયત્ન હશે. જેમાં અસ્પૃશ્યતાના પાપ કે કેફી પીણાંને સ્થાન નહીં હોય, સ્ત્રીઓ પુરુષો જેટલો હક ભોગવશે. બાકીની આખી દુનિયા સાથે શાંતિથી રહેતા હોઈશું – ન કોઈનું લૂંટીશું – ન લૂંટાઈશું – એટલે નાનામાં નાનું લશ્કર રાખવું પડશે. મૂંગા કરોડો લોકોના હિતવિરોધી નહીં હોય એવા તમામ દેશી કે વિદેશી હિતસંબંધો ચીવટપૂવર્ક જાળવવામાં આવશે. મને પોતાને તો દેશી-વિદેશી વચ્ચેનો ભેદ આકરો છે. આ મારા સ્વપ્નનું ભારત વર્ષ છે … હું આથી જરાયે ઓછાથી સંતોષ નહીં પામું.”
‘મારા સ્વપ્નનું ભારત” Indian of My Dream એ પુસ્તકની ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ને દિવસે પહેલી આવૃત્તિ બહાર પડેલી તેમાં ભારત અંગેની તેમની કલ્પના, સાચી લોકશાહી એટલે શું, રાષ્ટ્રવાદથી લઈને આરોગ્ય વ્યવસ્થા, સફાઈ, યુવાનોની ફરજો, સાંસ્કૃતિક વારસો, શિક્ષણ જેવા અનેક મુદ્દાઓ આવરી લેવાયા છે. ભારત વિશ્વશાંતિમાં કેવી રીતે અણમોલ ફાળો આપી શકે તેની પણ વાત કરી છે. આ એક મહત્ત્વનો દસ્તાવેજ છે (જેનું પ્રકાશન ‘નવજીવને’ કર્યું છે).
આ દેશ માટે ગાંધીજીની કલ્પના તો કંઈ ઓર જ હતી. એને આપણે આંબી શક્યા કે નહીં એ એક મોટો પ્રશ્ર્ન જ છે, એને પ્રશ્ર્ન જ રહેવા દઉં છું, આપણા સૌના ચિંતન માટે.
સ્વતંત્રતા વખતે ૧૯૪૭માં જે પરિસ્થિતિ હતી તેને જરા યાદ કરી લઈએ. એક તરફ વિભાજનનો મોટો આઘાત હતો. સીમાઓ પર અને ચોતરફ હિંસા ફાટી નીકળી હતી. એકદમ દુ:ખદ વાતાવરણ હતું. આઝાદી તો મળી પણ આ પરિસ્થિતિમાં એક દેશ તરીકે કેવી રીતે ટકીશું તે પ્રશ્ર્ન ઊભો થયો હતો. તેના પછી થોડા જ સમયમાં તામિલનાડુએ ભાષા(હિંદી)ના મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો. ભારતથી છૂટા પડી જવા સુધીની વાત આવી ગઈ. અન્ય પણ એવી ઘટનાઓ એક પછી એક બનતી ચાલી ત્યારે એમ થયું કે આ દેશ કેવી રીતે ટકશે ? તેની અખંડતા, વિવિધતા ટકી શકશે કે નહીં ? છતાં આપણે આજે જોઈએ છીએ કે આ બધી મુશ્કેલીઓ વચ્ચે ભારત દેશ તરીકે ટક્યો એટલું જ નહીં, પા ..પા .. પગલી ભરતો આગળ વધતો ગયો અને આજે વિશ્વમાં પણ એક નામ, એક વિશિષ્ટ સ્થાન બનાવી શક્યો છે. આજે એક ભારતીય તરીકે માથું ઊંચું રાખીને કંઈક અંશે ઊભા રહી શકીએ તેવી પરિસ્થિતિ આ ૭૫ વર્ષમાં આપણે પ્રાપ્ત કરી છે.
આ વર્ષોમાં જે વિકાસ થયો તેમાં દેશનું એક માળખું બન્યું – એને કારણે ઘણી પ્રગતિ થઈ તો કેટલીક ભૂલો પણ થઈ. દા.ત. જેને temples of modern India કહેવામાં આવ્યા તેવા મોટા બંધો બનાવાયા. શરૂઆતમાં તો તેના ફાયદા પણ દેખાયા. પરંતુ, પાછળથી તેના ઘણા નુકસાન ધ્યાનમાં આવ્યા, સાથેસાથે એ પણ ખ્યાલ આવ્યો કે આવા મોટા પ્રૉજેક્ટસમાં બધાને જ ન્યાય થયો છે તેવું નથી. જે વિસ્થાપિત થયા તે મોટે ભાગે ગરીબ અને આદિવાસી હતા અને તેમનું ન્યાયી પુનર્વસન થયું નહીં.
૮૦’ના દાયકામાં આ અંગે ઘણું ચિંતન થયું. કોનો વિકાસ, કોના ભોગે – એ પ્રશ્ર્ન ચર્ચામાં આવ્યો. લોકઆંદોલનો થયાં. એમાંથી એ વસ્તુ પ્રસ્થાપિત થઈ કે વિસ્થાપિતોને ન્યાય મળવો જોઈએ – યોગ્ય પુનર્વસવાટ થવો જોઈએ. ૧૯૯૦ના દાયકા સુધી ગરીબી દૂર કરવી જોઈએ, રોજગારી મળવી જોઈએ એવું મોઢે તો કમ સે કમ કહેવું પડતું હતું.
ઉત્ક્રાંતિમાં બે કદમ આગળ-એક કદમ પાછળ જવાય એવું જ રહેવાનું પરંતુ જો એક જ કદમ આગળ જઈને બે કદમ પાછળ હટ્યા તો પ્રશ્ર્નો ઊભા થવાના. આગળ નહીં વધીએ. કોઈ પણ સમાજ સીધી લીટીમાં નહીં ચાલે, તેની યાત્રા ઊંચી-નીચી, વિવિધતાપૂર્ણ જ રહેવાની, ખાસ કરીને જ્યાં આટલી વિવિધતા હોય અને લોકશાહી રાજ્ય પદ્ધતિ હોય. આપણા દેશની યાત્રા પણ એવી જ રહી છે. આગળ ચાલ્યા છીએ ને ભૂલો પણ થઈ છે. જ્યારે જ્યારે લોકોને લાગ્યું કે તેમને અન્યાય થયો છે, સરકારે ભૂલો કરી છે ત્યારે દેશમાં તેનો વિરોધ થયો છે, સરકારને – સત્તાને પ્રશ્ર્નો પુછાયા છે, જવાબદેહી બનાવવાનો પ્રયત્ન, ક્યારેક નબળો તો ક્યારેક મજબૂત થયો છે. લોકોના આ અવાજને સત્તાએ, શાસને ક્યારેક સાંભળ્યો છે તો ક્યારેક તેને દબાવી પણ દેવાયો છે. તો આ છેલ્લા દાયકાઓમાં જે કંઈ બન્યું તેની ઉપર એક નજર ટૂંકમાં નાંખી લઈએ.
૧૯૫૦ અને ’૬૦ના દાયકામાં એટલે કે સ્વતંત્રતા પછી તરતનાં વર્ષોમાં સ્વાભાવિક રીતે જ આપણા રાજ્યકર્તાઓ મોટાપાયે ઔદ્યોગિકીકરણ કરવા માંગતા હતા. દેશની જરૂરિયાતો દેશમાં બને, મોટા ડેમ, રસ્તા, ઉદ્યોગો વિકસે તો જ દેશ પ્રગતિ કરે તેવી સમજ સાથે આયોજનો થતાં ગયાં, સાથેસાથે જ તે વખતે ઔદ્યોગિકીકરણ કેટલું, કેવા ઉદ્યોગો, રોજગારી વગેરે મુદ્દાઓ ઉપર જાહેર ચર્ચાઓ (ડિબેટ) થઈ. વળી, ’૬૦ના દાયકામાં ઉત્પાદનનાં સાધનો બધાંને મળવાં જોઈએ એટલે કે જમીનની વહેંચણી થવી જોઈએ, એ ભાવના પ્રબળ બની. યાદ રહે કે એ જમીનદારીનો કાળ હતો. જમીનવિહોણાને જમીન મળે તો જ સમાનતાની નજીક પહોંચી શકાય, ગરીબી દૂર કરવાનો રસ્તો પકડી શકાય. શોષણ અટકી શકે. દેશ / સમાજ સામે જમીન વહેંચણીના ત્રણ વિકલ્પો મુકાયા. એક, કાયદાથી, બીજું અહિંસા અને પ્રેમથી – જે કામ ભૂદાન આંદોલન દ્વારા થતું દેશ અને દુનિયાએ જોયું. અને ત્રીજો વિકલ્પ હિંસાના રસ્તાનો હતો. ખેતીની જમીન વહેંચાવી જોઈએ, સૌને મળવી જોઈએ એ બાબત ત્રણે રસ્તાઓના પુરસ્કર્તા માનતા હતા, માત્ર તેમની પદ્ધતિઓ જુદી હતી.
વર્ષો જતાં ક્રમશ: સત્તા બળૂકી થતી ગઈ અને ભ્રષ્ટાચાર વધતો ગયો તો તેની સામે યુવાનોએ, આમ જનતાએ ’૭૦ના દાયકામાં આંદોલન કર્યું. ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ નવનિર્માણનું આંદોલન કર્યું અને જયપ્રકાશજીએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલનની આગેવાની લીધી. કટોકટી આવી. સત્તાપલટો થયો. આ આંદોલનમાં પણ ઘણા સામાજિક કાર્યકરોએ તેમ જ યુવાનોએ સ્વતંત્રતા આંદોલનની જેમ જ હોંશે હોંશે જેલવાસ વ્હોરી લીધો. આ બાબત-ઘટના બતાવે છે કે દેશ માટે સમર્પણનો ભાવ કેટલો હતો. ’૭૦ના દાયકા સુધી આ વાત આપણે ઘણા મોટા વર્ગમાં વ્યાપેલી જોઈ શકીએ છીએ. મારા દેશમાં ભ્રષ્ટાચાર ન થવો જોઈએ, તેને માટે હું અવાજ ઉઠાવીશ એવું વિચારનારા લોકો હતા.
સ્વયંસેવી સંસ્થાઓ, સર્વોદયની સંસ્થાઓએ અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓ વચ્ચે તેમ જ દલિતો વચ્ચે જે કામો કર્યાં તેને પરિણામે આદિવાસી અસ્મિતા તેમ જ દલિત અસ્મિતા જાગૃત થતી ’૮૦ના દાયકામાં દેશે જોઈ. આ સંસ્થાઓમાં શિક્ષણ પણ મળ્યું. અને તેને કારણે દલિત તેમ જ આદિવાસી મિત્રો કંઈક અંશે સમાનતાની ભૂમિકા પર આવ્યા. દેશના નાગરિક સમાજ માટે આ એક મહત્ત્વનો પડાવ આપણે ગણીએ. કારણ કે આ મિત્રોમાંથી જ આ વર્ગ માટે કામ કરનાર નવું નેતૃત્વ પણ દેશને મળવા લાગ્યું.
’૯૦ના દાયકામાં સરકારની ઇચ્છા ઉદારીકરણ, ખાનગીકરણ તેમજ વિશ્વીકરણની નીતિઓ (LPG) અપનાવવાની હતી. પરંતુ લોકો એને માટે તૈયાર ન હતા. આ નીતિનો બહુ મોટા પ્રમાણમાં વિરોધ થયો. ચર્ચાઓ, સંમેલનો, વર્કશોપ, ધરણાં, આંદોલન થયાં. એક દેશવ્યાપી ડિબેટ ઊભું થયું. નવી ‘આર્થિક નીતિ નહીં જોઈએ’ એવી હવા બની. સરકારે આખરે તો LPGની નીતિઓ લાગુ પાડી જ. પરંતુ દેશવ્યાપી ચર્ચા થઈ શકી. આવા વિરોધનું તે વખતે સ્થાન હતું, વિરોધ થઈ શકતો હતો. આ દેશમાં, સરકારનો વિરોધ કરી શકાય, સરકાર ખોટું કરી રહી છે એમ ખુલ્લાપણે કહી શકાય અને એ કહેનારને ‘દેશદ્રોહી’નું લેબલ ન લગાડાય કે એને જેલમાં ન પૂરી દેવાય એવી મોકળાશ ’૯૦ના દાયકામાં આ દેશવાસીઓને પ્રાપ્ત હતી.
આ બધાં જ જે આંદોલનો થયાં, ચર્ચાઓે થઈ, અસ્મિતાનું જાગૃત થવું તેને હું બહુ પોઝિટીવલી જોઉં છું. જમીનની વહેંચણી અંગે ત્રણ વિકલ્પો હોવા કે દેશ આઝાદ થઈને તેના વિકાસની દિશા નક્કી કરી રહ્યો હોય ત્યારે ઔદ્યોગિકીકરણ વિશે ચર્ચા થવી એ કેટલી સારી બાબતો છે ! કાયદા, નીતિઓ, પ્રગતિ, વિકાસ એ કોને માટે છે ? લોકો માટે છે. તો લોકો શું ઇચ્છે છે ? માત્ર શાસનમાં બેઠેલા થોડા લોકો નહીં – આમજનતા, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરો, જુદી જુદી વિચારસરણી ધરાવતા દેશના અગ્રણીઓ વિવિધ બાબતોમાં શું વિચારે છે ? એ બધાના મત ચર્ચાના ફલક પર આવે – ખૂલે એ જ તો સાચો વિકાસ છે ! કાયદાઓ-નીતિઓ બનાવવામાં લોકોની ભાગીદારી હોવી એ લોકશાહીના આરોગ્યની નિશાની છે. નહીં કે ઉપરથી થોપાયેલા કોઈ પરિપત્રો કે કલમો ! આ બધું એક વખત આ દેશમાં શક્ય હતું.
૨૦૦૦ના દાયકામાં જંગલ જમીનનો કાયદો (FRA), માહિતી અધિકારનો કાયદો (RTI) અને NREGA – રોજગારીની બાંહેધરી આપતો કાયદો અને જમીન સંપાદનના કાયદામાં ફેરફાર, જે કાયદો અંગ્રેજોના વખતથી ચાલતો હતો. આ પ્રગતિશીલ કાયદાઓ સરકારને લાવવા પડયા તે પણ બહુ મહત્ત્વની ઘટના દેશના ફલક પર અને નાગરિક સમાજ માટે ગણાવી જોઈએ. કાયદાઓ જો લોકોના ભલા માટે હોય તો એને ઘડવામાં નાગરિક સમાજનો ભાગ કેમ ન હોય ? ઉપરના કાયદાઓમાં કંઈક અંશે આ શક્ય બન્યું છે. આ કાયદાઓ સ્વયંસેવી સંસ્થાઓ તેમ જ લોકઆંદોલનના પરિણામે આવ્યા છે તેવું ખાતરીપૂર્વક કહી શકાય. જુદાં જુદાં ફોરમોમાં સરકાર સમક્ષ આ કાયદાઓની જરૂરિયાતો અંગે રજૂઆત કરવામાં આવી. દા.ત. માહિતી અધિકારનો કાયદો પારદર્શિતા માટે જરૂરી છે. દરેક જાહેર સંસ્થા, સરકારી ખાતાઓ વગેરેના વહીવટ કે ખર્ચ અંગે આ દેશનો કોઈ પણ નાગરિક પ્રશ્ર્ન પૂછી શકે. દરેક નાગરિકને, મને અને તમને અધિકાર છે એ પૂછવાનો કે મારો પૈસો ક્યાં વપરાયો ? મારા ટેક્સના પૈસા હોય કે અન્ય – મારા દેશનો પૈસો એ મારો પૈસો છે – એનો હિસાબ માંગવાનો મને અધિકાર છે. કારણ કે જો હું મારા દેશ માટે ફરજો બજાવવા તૈયાર છું, તો તેવી જ રીતે દેશના આર્થિક વ્યવહારમાં પારદર્શિતાની માંગણી એ પણ મારો મૂળભૂત અધિકાર છે. RTI એ ભ્રષ્ટાચાર રોકવા માટેનું એક સાધન લોકોના હાથમાં આપનારો કાયદો છે.
તેવી જ રીતે જંગલ જમીનના કાયદા દ્વારા પેઢીઓથી જંગલમાં રહેનારા આદિવાસીઓને પોતે જે ખેડે છે તે જમીન પર કાયદેસરનો હક મળવો કે રોજગારીની બાંહેધરીના કાયદા દ્વારા, આજે જ્યારે બેકારીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષે ૧૫૦ દિવસની રોજગારી મળવી એ ખૂબ જ મહત્ત્વનું અને જરૂરી પગલું છે – આ દેશ માટે, દેશના આમ નાગરિક માટે. લોક આંદોલનો દ્વારા આ કાયદાઓ આવ્યા એનો અર્થ એ થયો કે આ કાયદાઓ દ્વારા લોકોનો અવાજ પ્રસ્થાપિત થયો, લોકોની પ્રાથમિકતાને પ્રાધાન્ય મળ્યું. દેશ તરીકે ગૌરવ લઈ શકીએ એવા આ ત્રણ કાયદાઓ આવ્યા. સ્વસ્થ લોકશાહીની દિશામાં આ એક સાચું ડગલું હતું.
એક તરફ તો આ પ્રગતિશીલ કાયદાઓ આવ્યા તેની હું ખુશી વ્યક્ત કરું છું. પરંતુ બીજી તરફ નવી આર્થિક નીતિ જે આપણે સ્વીકારી હતી તેનાં પરિણામો સ્પષ્ટપણે દેખાઈ રહ્યાં હતાં. એક તરફ મધ્યમવર્ગ અને ઉપલા મધ્યમવર્ગ માટે (ધનાઢ્ય વર્ગની તો વાત જુદી જ કરવી પડે) જિંદગી અચાનક ખૂબ સરસ બની ગઈ. ઘણા લોકોને મોટા પગારોની નોકરી, વિદેશગમન, બાળકોને વિદેશ ભણવા જવાની તકો વગેરે વગેરે, જે સુવિધાઓ માત્ર ને માત્ર ભદ્રવર્ગ માટે હતી તે મધ્યમવર્ગને પણ પ્રાપ્ત થવા લાગી. તો બીજી તરફ બેકારીમાં સતત વધારો નોંધાતો રહ્યો અને ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ પણ વધતી રહી. પરંતુ આ બધું નજર અંદાજ થતું રહ્યું. કારણ કે મધ્યમ તેમ જ ઉપલો મધ્યમવર્ગ – જે બોલકો વર્ગ છે – તેની જિંદગી વધુ ને વધુ સુંદર બનતી ગઈ.
બીજી એક રસપ્રદ ઘટના એ બની છે કે આધુનિક ‘મોડર્ન’ કહેવડાવવાનું સૌને ગમવા લાગ્યું છે. ગુજરાતી કે અન્ય પ્રાંતીય ભાષાઓનું મહત્ત્વ ઓછું થતું જાય છે. અને જે કંઈ દેશી છે તેને માટે શરમ આવવા માંડી છે. કપડાં, ભાષા, રહેણીકરણી પાશ્ચાત્ય ઢબનાં થતાં જાય છે. એમાં જ ‘સ્ટેટસ’ અનુભવીએ છીએ. પરંતુ તેની સાથે ખુલ્લાપણું – વિશેષ કરીને વિચારોનું જે પશ્ચિમી દેશોમાં જોવા મળે છે તેને બદલે આપણે વધુ ને વધુ સંકુચિત બનતા જઈએ છીએ. ધર્મ, જ્ઞાતિ, રીત-રિવાજોને અગાઉ ક્યારે ય નહીં તેટલા વધુ જોરથી પકડી રાખવા મથીએ છીએ. નવા કે જુદા વિચારો, વિવિધતા માટેની સહિષ્ણુતા ઓછી ને ઓછી થતી જોવા મળે છે. આવો એક વિરોધાભાસ સમાજમાં જોવા મળી રહ્યો છે.
એવી જ એક બીજી બાબત છે વિકાસ અંગેની. પ્રગતિ, વિકાસ કોઈ પણ દેશ કે સમાજ માટે જરૂરી છે. એ બાબતે મતભેદ ન હોઈ શકે. પરંતુ આજે ‘વિકાસ’ની કોઈ પણ પરિયોજના એટલે પવિત્ર ગાય. તેને અંગે કોઈ પ્રશ્ર્ન પણ ન પૂછી શકાય તેવો માહોલ થઈ ગયો છે; ભલેને તેનાથી ગમે તેટલું નુકસાન થઈ જાય, એ અણુઊર્જા મથક હોય, નદીજોડાણ યોજના હોય, બુલેટ ટ્રેન હોય કે જેને કારણે મોટાં વિસ્થાપનો, પર્યાવરણનું નુકસાન અને હજારો-લાખો લોકોની જિંદગી ઊજડી જાય ! એવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે શું એ જોવું જરૂરી નથી કે આ પરિયોજનાઓના ફાયદાનું પલડું નમે છે કે નુકસાનનું ? જોવા એ મળે છે કે આ વાત સાવ ભુલાઈ જાય છે. વિકાસ એટલે પવિત્ર ગાય – તેને અડકાય જ નહીં ! આ માનસિકતા, આ દિશામાં જવાનું જે થયું તે પણ નવી આર્થિક નીતિ આપણા પર જે રીતે હાવિ થઈ ગઈ હતી તેની અસર હતી.
પરંતુ, વિકાસ હંમેશ સર્વાંગી હોય અને સૌનો હોય તો જ તે માનવતાને ઉત્ક્રાંતિમાં આગળ લઈ જાય. એક તરફ બુલેટ ટ્રેન અને બીજી બાજુ બેકારી, ગરીબી, કૂપમંડૂકતા ! એનો મેળ બેસે ખરો ? એ શક્ય જ નથી.
આમ, છેલ્લા દસકામાં આપણે જોયું કે આજે જે પ્રકારની વ્યવસ્થા સમાજ પર પકડ જમાવી રહી છે તેને કારણે ‘ફાવી ગયેલા’ અને ‘રહી ગયેલા’ એવા બે ભાગમાં દુનિયા વહેંચાઈ ગઈ છે. આ ખાઈ દિવસે ને દિવસે પહોળી થતી જાય છે. આપણા દેશમાં પણ એ જ વસ્તુ બહુ સ્પષ્ટપણે ઊભરી આવી છે. અને એ ફાવી ગયેલાઓની દુનિયા જે બધું કરે તે યોગ્ય (legitimate). એના માટેના બચાવ, justifications શોધી લેવાય છે. એ દુનિયાનું અસત્ય પણ સત્ય અને અન્યાય પણ ન્યાય જ ગણાય છે. એની પાસે એટલું છે ને આવશે કે તેને ખબર નથી કે એનું શું કરવું. અને જે રહી ગયેલાઓની દુનિયા છે તે ગરીબી, બેકારી, કુપોષણ, અસહાયતા, નિરાશાની ગર્તામાં ઊંડે ને ઊંડે ધકેલાય છે.
આવી બે દુનિયા, ભારતમાં બે ભારત ઊભા થઈ ગયા છે. એની આપણે આજે નોંધ લેવી પડે એક ભારતીય તરીકે કે એક દેશમાં બે દેશ ઊભા થઈ ગયા છે. એને વિશે આજે ૭૫ વર્ષે વિચાર ન કરીએ તો ભારતના પૂરેપૂરા નાગરિક ન કહેવાઈએ એવું મને લાગે છે. કારણ કે બહુ મોટો એવો વર્ગ છે જેને ભાગે સતત મુશ્કેલીઓમાં જ જીવવાનું આવે છે. અને આપણામાંના ઘણાને માટે એ લોકોનું જાણે કે અસ્તિત્વ જ નથી. એ લોકો માણસ જ નથી એવું વર્તન તેમની સાથે થાય છે. એક સ્વતંત્ર દેશમાં આવી પરિસ્થિતિ હોઈ શકે ખરી ? એ લોકો પણ આ દેશના એટલા જ નાગરિક છે જેટલા ‘ફાવી ગયેલા’ નાગરિકો. એ લોકો કંઈ દુય્યમ દર્જાના નાગરિક નથી. તેથી એવી નીતિઓ ઘડવી પડશે જેને કારણે સમાનતા વધે. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કઈ રીતે કહી શકાય કે આ દેશ આઝાદ છે ? આવા પ્રકારની વ્યવસ્થા જો કાયમ રહેશે તો એ હિંસાને જ આમંત્રણ આપશે, એનો પણ આપણને ખ્યાલ રહે. અને તેથી ખાસ કરીને જે ફાવી ગયેલાઓ છે તેમણે જે ‘રહી ગયેલા’ છે તેમનો વિચાર કરવો જ પડશે અને તે સમાનતાની ભૂમિકાએ આવીને કરવો પડશે.
આજે ૭૫ વર્ષ પૂરાં કરીએ છીએ ત્યારે ફરી એક વાર વિચારવાની જરૂર છે, મૂલ્યાંકન કરવાની જરૂર છે કે શું શું પ્રાપ્ત કર્યું ને ક્યાં ક્યાં ચૂક્યા ? જે બાકી છે તે ધ્યેય સુધી ક્યારે, કેવી રીતે પહોંચીશું તેનું આયોજન કરવું જોઈશે. સાથે સાથે સ્વતંત્રતાની વાત કરીએ છીએ ત્યારે થોડી વિગતમાં ઊતરીએ.
સ્વતંત્રતા :
’૪૦, ’૫૦, ’૬૦ના દાયકામાં ઘણા દેશો આઝાદ થયા જેના પર અંગ્રેજો અને યુરોપના જુદા જુદા દેશોનું શાસન હતું. પરંતુ શું ખરેખર આ દેશો આઝાદ થયા ખરા ? માત્ર શાસકોની ચામડીનો રંગ બદલાવાથી આઝાદી મળી જાય ? આ બધા જ, આપણા સહિત દેશોનું શોષણ એટલી હદે થયેલું કે તે કંગાલ હાલતમાં આવી ગયેલા. કુદરતી સંસાધનો એટલી હદે લૂંટી લેવાયાં કે આર્થિક રીતે પગભર થવા ફરી એ જ દેશો પાસે સહાય લેવાની થઈ. વિદેશી સહાયને લીધે આ દેશો વધુ ને વધુ દેવામાં ડૂબતા ગયા એટલું જ નહીં, આ સહાય તેની શરતો સાથે આવતી હતી એટલે શાસક તો જે તે દેશના હોય પરંતુ ઘણી પાયાની નીતિઓ, માળખું લક્ષ્યાંકો પણ સહાય આપનાર દેશોની શરત પ્રમાણેનું કરવું પડ્યું. આફ્રિકાના ઘણા દેશો આ પરિસ્થિતિના ભોગ બન્યા. તાજેતરમાં શ્રીલંકાની પરિસ્થિતિ પણ જોઈ રહ્યા છીએ.
‘પ્રથમ વિશ્વના દેશો’ જે સહાય આપે છે તે ખરેખર સહાય હોતી જ નથી. સરવાળે એમના દેશની કંપનીઓને ફાયદો થાય, તેમની પાસે આટલું ખરીદવું, વગેરે. સરવાળે આપણે એમને ફાયદો કરાવી આપીએ અને આપણો તેમના પરનો આધાર વધે તેવું માળખું હોય છે.
જરૂરિયાતોમાંથી આઝાદી ?
શરીરમાં જે સ્થાન કરોડરજ્જુનું છે તે જ સ્થાન માણસના મનોવિજ્ઞાનીક સ્વાસ્થ્ય માટે સ્વમાનનું છે. જ્યાં ભૂખ્યો, છાપરા વિનાનો, અન્ન, વસ્ત્ર, ઊર્જા, આવાસ, આરોગ્યની જરૂરિયાત પૂરી નથી થતી ત્યાં માયકાંગલા – સ્વમાન વિનાના નાગરિકોની જમાત ઊભી થાય છે. થોડા આંકડા જોઈએ.
૦ પંચાયતની ૧,૮૦૦ નોકરીઓ માટે ૧૯ લાખ અરજીઓ, ૯,૭૧૩ પોલીસ કોન્સ્ટેબલ માટે ૮.૭૬ લાખ અરજીઓ આવી.
૦ પ્રતિવર્ષ દેશમાં ૧.૨ થી ૧.૩ કરોડ નવા રોજગારની જરૂર છે.
૦ ૨૦૩૦ સુધીમાં આપણે ૯ કરોડ નવા રોજગાર ઊભા કરવા પડે તેમ છે. પરંતુ પરિસ્થિતિ શું છે ?
૦ ૧૫ થી ૬૦ વર્ષની ઉંમરના લોકોમાં માત્ર ૪૭% લોકો પાસે કામ છે. એટલે કે Labour Force Participation Rate ૪૭% છે.
પંચાયતની નોકરીઓ માટે ૧૯ લાખ અરજીઓ થઈ, તો પોલીસ કોન્સ્ટેબલની ૯,૭૧૩ સીટ માટે ૮.૭૬ લાખ અરજીઓ આવી. ૩૫,૦૦૦ રેલવેના કર્મચારીઓની ભરતી માટે ૧.૨ કરોડ લોકોએ અરજી કરી, એટલે કે દરેક સીટ માટે ૩૪૨ લોકોએ અરજી કરી હતી. જુવાન માણસ ભણી-ગણીને બજારમાં ઊતરે છે અને એને નોકરી મળતી નથી. મળે છે નિરાશા, બેકારનો ધબ્બો તેના માથા પર લાગી જાય છે. સમાજમાં સ્થાન નહીં મળતાં તે હતાશામાં સરી જાય છે. આ રીતે ઊભો થાય છે આક્રોશ અને નશામાં પડતા યુવાનો.
કેવો હોય દેશ ?
આટલા મોટા પ્રમાણમાં બેકાર યુવાનો જ્યાં છે તેવો દેશ કેવી રીતે દેશ બની શકે ? તો ઉપાય શું છે ? વિકલ્પ શું છે ? આજના પ્રગતિશીલ અર્થશાસ્ત્રીઓ કહે છે – સામાન્ય માણસના જીવન-રોજગારી પર ધ્યાન કેન્દ્રિત કરો. એ જ તો કહી ગયો છે ગાંધી ! ગાંધીજીનું તાવીજ યાદ આવે છે – ‘જ્યારે પણ દ્વિધામાં હો ત્યારે સામાન્ય માણસનો ચહેરો યાદ કરો – ને તમને જવાબ મળી જશે.’ આજે દેશ તરીકે, રાજ્યશાસન તરીકે, સમાજ તરીકે આપણે focus ચૂકી ગયા છીએ. આજે ધનાઢ્ય વર્ગ કે સેલિબ્રિટીઝ તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે. તે શું ખાય છે, પહેરે છે, કેમ ઊઠે બેસે છે-થી લઈને એમના વ્યાપાર ધંધા સારા ચાલે, ખોટમાં જાય તો વળી રાજ્ય વહારે ધાય. એમના ગુના પણ માફ અને એમને માટે ન્યાય અને કાયદા પણ જુદા ! અને સામાન્ય કે નીચેનો વર્ગ ? તેણે જે કંઈ ‘trickle down’ બચી ગયેલું નીચે આવે તેમાં ચલાવી લેવાનું. કેમ જાણે વણલિખિત વટહુકમ ન હોય કે જીવવાનો અધિકાર માત્ર પૈસાપાત્રને જ છે !
આવું બેવડું ધોરણ નહીં ચાલી શકે. લોકશાહી દેશમાં આ પરિસ્થિતિ બદલાવી જ રહી. બાંગ્લાદેશ જેવા દેશની માથાદીઠ આવક છેલ્લાં બે વર્ષથી સતત વધી રહી છે, તો ભારત કેમ એ ન કરી શકે ?
માન્યતાઓ – અંધશ્રદ્ધાની ગુલામીમાંથી મુક્તિ
પૂરી માહિતી વિના, મન-મગજ બંધ કરી દઈને કોઈક જૂના અનુભવ, કોઈ નીહિત સ્વાર્થ કે અન્ય કારણોસર ઉદ્ભવેલા પૂર્વગ્રહોને આપણે પેઢી દર પેઢી ધર્મભેદ, જાતિભેદ, ઊંચનીચના ભેદને આગળ ને આગળ ચલાવતા રહીએ છીએ. કોઈ કારણ વિના આપણે લોકો લોકો વચ્ચે દીવાલો ઊભી કરીએ છીએ, આ જાતિનો છે એટલે લગ્ન નહીં કે આ ધર્મનો છે એટલે તેની સાથે વેપાર નહીં, ઊઠવા-બેસવાનું નહીં ત્યાં સુધી પહોંચી જઈએ છીએ.
ખરેખર તો એ આપણને પોતાને વ્યક્તિ તરીકે અને તેથી સમાજ અને દેશ તરીકે નુકસાનકર્તા છે, અહીં ટાગોર યાદ આવ્યા વિના નથી રહેતા. કવિએ લખેલ કાવ્યનું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કરેલ અનુવાદ – ભારતતીર્થ. એ કાવ્યનો શબ્દે શબ્દ માણવા-સમજવા જેવો છે પણ અહીં જોઈએ થોડી પંક્તિ :
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે
ભારતને ભવ્ય લોકસાગર-તીરે
રે પ્રાણ જાગો ધીરે.
આગળ,
કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી
માનવ-ઝરણાંના મહાસ્રોત વળી આવ્યા !
આર્યો ચીના દ્રવિડ, હૂણો શક અડાભીડ,
આવી આવી ને સર્વ એક એકમાં સમાયા
જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ
વિરમ્યા ઘોંઘાટ, એની હાક પડી રે …
ભારતભૂમિને લોકસાગર – તીરે
આગળ વળી,
આવો, બ્રાહ્મણ ને આર્ય, આવો શુદ્ર અનાર્ય
આવો ક્રિસ્તાન મુસલમાન ને અછૂતો,
આવો આવો, પતિત, નિશ્ચલ નિશ્ચિંત ચિત્ત
માની મુક્તિના સર્વ સરખા દૂતો
માના અભિષેક તણો મંગળ આ કુંભ ઊણો
સહુને સ્પર્શે જશે ભરાઈ પુણ્યતીરે,
ભારતભૂમિને લોકસાગર તીરે
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે
રવીન્દ્રનાથ (કવિ) તો કવિ હતા – પરંતુ આપણે જાણીએ છીએ કે ઊંચા ગજાના રાષ્ટ્રપ્રેમી અને સત્યપ્રેમી પણ હતા – એમણે કહ્યું છે કે રાષ્ટ્ર અને સત્ય વિશે પસંદગી કરવાની આવે તો હું સત્યની જ પસંદગી કરું – ખેર !
તો આ ભેદો જ્યારે ભાંગી શકીશું, પૂર્વગ્રહોથી ઉપર ઊઠી શકીશું – સર્વ દિશાઓનો અભિષેક (કવિ કહે છે તેમ) જ્યારે આપણા દેશ ‘મા’ પર થવા દઈશું ત્યારે જ ખરું પુણ્ય પ્રાપ્ત કરી શકીશું. લોક સાગર તીરે …
ધર્મ જેવી જ બીજી અંધશ્રદ્ધા આજે ટેકનોલોજી વિશે છે. જરૂરથી ટેકનોલોજીએ આપણા રોજ-બ-રોજની જિંદગીને સરળ બનાવી છે. પરંતુ તેનાથી થતા નુકસાન અંગે સભાન – જાગૃત રહેવાની વેળા વીતી રહી છે પછી તે અણુ ઊર્જા હોય, ઇન્ફરમેશન ટેકનોલોજી (IT) હોય કે બાયોટેકનોલોજી હોય. એ માન્યતામાંથી મુક્તિની જરૂર છે કે ટેકનોલોજી આપણા બધા પ્રશ્ર્નોને હલ કરી દેશે. જેમ ધર્મને નામે અંધશ્રદ્ધા ચાલતી આવી છે લગભગ તેવી જ રીતે આજે ટેકનોલોજીને નામે ચાલી રહી છે. દા.ત. જલવાયુ પરિવર્તન જેવા પ્રશ્ર્નો નો હલ ટેકનોલોજી કઈંક અંશે ઉકેલી શકે પણ આખરે તો આપણે જીવન પદ્ધતિ વિશે જ વિચારવું પડશે.
જડતામંથી મુક્તિ
જેમ અંધશ્રદ્ધાનું તેમ માન્યતાઓનું. સાક્ષરતા એટલે શિક્ષણ – શિક્ષણ એટલે શાળા અને યુનિવર્સિટી. શાળા અને યુનિવર્સિટી એટલે ચાર દીવાલો, એવું આપણે માનીએ છીએ. હકીકતમાં તો શિક્ષણનો હેતુ ક્ષિતિજો વિસ્તારવાનો, મગજને ખોલવાનો હોવો જોઈએ. મગજ એક પેરાશુટ છે. તે ખૂલે તે આઝાદીનું – મુક્તિનું – સ્વતંત્રતાનું એક પાસું છે, એને વિશે દલીલ કરવાની જરૂર નથી લાગતી.
આપણે ત્યાં ડિગ્રીને જ મહત્ત્વ અપાયું છે. વિદેશમાં બાળકો બ્રેક લે છે. દુનિયા જુએ – નવા પ્રયોગો કરે, દુનિયાનો અનુભવ લે – પોતાની પાંખો ખોલે. આપણે ત્યાં મા-બાપ અને શિક્ષણ વ્યવસ્થા જાણે કે બાળકોના હાથ-પગ બાંધી રાખે છે. વિચારવા માટે મન-હૃદય મુક્ત બને તો, કવિવર ટાગોર કહે છે તેમ ‘દસે દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત થાઓ’, અને તો જ માનવતા ફોરે.
અંજાઈ જવામાંથી મુક્તિ
ગોરી ચામડી, સૌંદર્ય, પૈસો, સત્તા, વકતૃત્વ, ચાલાકીભરી દલીલોથી સામાન્ય રીતે અંજાઈ જવાય છે.
કોઈ એક વિચાર, કોઈ એક ઉપાય, કોઈ એક વ્યક્તિ, કોઈ એક ટેકનોલોજીની શોધ આપણા બધા પ્રશ્ર્નો ઉકેલી દેશે, આપણને સ્વર્ગમાં લઈ જશે ! આ પણ ગુલામીનું જ એક લક્ષણ છે. આગળ વાત કરી તેમ, કોઈ એક જ ફિલસૂફી કે એક જ વ્યક્તિ ચમત્કાર ન સર્જી શકે. આમાંથી મુક્તિ મેળવીએ ત્યારે જ સાચી રીતે સ્વતંત્ર થયેલા કહેવાઈશું.
પૂર્વગ્રહ, દ્વેશ અને હિંસામાંથી મુક્તિ
હું માનું છું તે જ સાચું, મારી પદ્ધતિ જ સાચી, અમુક ધર્મ, જ્ઞાતિ જ સર્વોપરી. અમુક પ્રકારનું શિક્ષણ, કપડાં, રહેણી-કરણી, ભાષા જ સર્વોચ્ચ અને શ્રેષ્ઠ. એટલું જ નહીં, બીજું બધું નકામું; નકામું જ નહીં, તેને અંગે અસહિષ્ણુતા. જડબેસલાક આમ એટલે આમ જ. બીજા મત, માન્યતા, પદ્ધતિ માટે કોઈ અવકાશ જ નહીં. આવી માનસિકતા પૂર્વગ્રહ, દ્વેષ અને હિંસાની જન્મદાત્રી છે.
આપણા મનનાં બારણાં બંધ કરવાની જ વાત છે. આવું કરીએ છીએ ત્યારે અસલામતીનો અનુભવ થાય છે ને કંઈ પણ જુદું – નવું સ્વીકારવાની ગુંજાશ રહેતી નથી.
સ્વસ્થ સમાજને ઝંખતા હોઈએ તો, આવી માનસિકતામાંથી મુક્તિ મેળવવી રહી.
વિનોબાજીએ જયજગતની વાત કરી, ટાગોરે બધાને સમાવવાની વાત કરી ને ગાંધીજીએ તો કહ્યું કે મારે માટે તો કાંઈ ભેદ જ બાકી રહ્યા નથી ! આ આપણો દેશ છે. આ જ આપણી સાચી પરંપરા અને સંસ્કૃતિ છે, જેમાં સૌને સમાવવાની અને વિવિધતામાં એકતાની વાત છે. કોઈને બાકાત રાખવાની, સંકુચિત બનવાની એ આપણી સંસ્કૃતિ જ નથી.
જે દેશમાં ઋષિઓએ આ પરંપરા ઊભી કરી તે દેશને સંકુચિત થવાનું કેમ મન થાય ?
ટાગોર કહે છે તેમ, આખી દુનિયામાંથી સારો પવન, સંસ્કૃતિ-સાહિત્ય-માનવતાનો પવન હું મારા ગૃહમાં પ્રવેશે તેમ ઇચ્છીશ ને મારા ગૃહ(દેશ)ને સમૃદ્ધ બનાવીશ. ૭૫ વર્ષે ભારતને શું એટલો આત્મવિશ્વાસ નથી ? તેને કોઈ પણ બારી બંધ કરવાની જરૂર કેમ પડે છે ? સાચી માનવતા, સાચી પ્રગતિ મુક્તિમાં જ શક્ય છે; ખુલ્લાપણામાં જ શક્ય છે, એની દલીલ કરવાની જરૂર પણ ન હોય !
કોઈ મને આજે પૂછે કે કેવી સ્વતંત્રતા જોઈએ, દેશ જોઈએ ? તો હું કહું કે જ્યાં કોઈ ભૂખ્યું નથી, જ્યાં દરેક વ્યક્તિ તેના ધર્મ, જાતિ, આર્થિક પરિસ્થિતિ કે ભૌગોલિક સ્થાન ગમે તે હોવા છતાં સલામતી અનુભવી શકે; જ્યાં અન્ન, વસ્ત્ર, આવાસની સૌની જરૂરિયાતો પૂરી થાય છે, જ્યાં બે જાતના નાગરિકત્વ નથી, જ્યાં અન્યાય નથી, દરેક વ્યક્તિ સ્વમાનભેર જીવી શકે, અમન અને ભાઈચારો જ્યાં વ્યાપ્ત છે એવા દેશનું હું સપનું જોઉં છું. કારણ કે આવું ન હોય તો બાકીના લોકો સુખી હોઈ શકે ?
અને આ જ વાત કરે છે આદિવાસી સંસ્કૃતિ. તેને હું ગુરુ સંસ્કૃતિ કહવાની છૂટ લઉં છું. કારણ કે આ સંસ્કૃતિમાં સમાનતા, સ્વાવલંબન, ઓછી જરૂરિયાતો, સ્થાનિક વસ્તુઓથી ચાલતી જીવનશૈલી અને સૃષ્ટિ તેમ જ માનવનું ઓછામાં ઓછું શોષણ. મને લાગે છે કે જલવાયુ પરિવર્તનથી લઈને વૈમનસ્ય જેવી સમસ્યાઓનું સમાધાન આ સંસ્કૃતિને જો મહોરવા દઈએ તો મળી શકે તેમ છે.
ઉપર જે મેં દેશ અંગેનાં સપનાંની વાત કરી તેવો દેશ એક દિવસ આપણે જરૂર બનાવી શકીશું, એવો મને વિશ્વાસ છે કારણ કે આ દેશ અહિંસા અને પ્રેમની શક્તિ ઉપર ઊભેલો દેશ છે, અને એક ને એક દિવસ તેની આણ પ્રવર્તશે, એવી પ્રાર્થના કરીએ.
(‘ગુજરાતી સાહિત્ય ફોરમ’માં 14મી ઑગસ્ટ 2022ના દિવસે આપેલું વકતવ્ય)
e.mail : swati43@gmail.com
[પ્રગટ : “ભૂમિપુત્ર, 01 ઑક્ટોબર (પૃ. 07-10) તેમ જ 16 ઑક્ટોબર 2022 (પૃ. 10-11 તેમ જ 17) ]
‘ગુજરાતી સાહિત્ય ફોરમ’ના મંચ પર, સ્વતંત્રતાની 75 સંધ્યાએ, સામાજિક કાર્યકર સ્વાતિ દેસાઈના આ વક્તવ્યની યુટ્યૂબ લિંક :