(૧૯૧૪ના ઓક્ટોબરની પંદરમી તારીખે જન્મેલા મનુભાઈ પંચોળી ‘દર્શક એટલે આપણા એક મોટા ગજાના સર્જક, મૌલિક ચિંતક, સંનિષ્ઠ શિક્ષક, અને જાહેર જીવનના સદા જાગૃત રખેવાળ. દર્શકની દીપનિર્વાણ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાંના ભારતને પાર્શ્વભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ અહીં આલેખ્યો છે. આ નવલકથાના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાની વાત તેની જ એકોક્તિ રૂપે સાંભળીએ, દર્શકની જન્મ શતાબ્દી નિમિત્તે)
મારું નામ સુચરિતા. હું દ્વિજન્મા છું. આ સાંભળી ચોંકી ગયા ને? સ્ત્રીને તો યજ્ઞોપવિતનો અધિકાર હોય નહિ, પછી તે દ્વિજન્મા કઈ રીતે હોઈ શકે, એમ પૂછશો નહિ. મારો પહેલો જન્મ થયો આજથી અઢી હજાર વર્ષ પહેલાં. મહામના મહાકાશ્યપ મારા પિતા. મારો બીજો જન્મ થયો, આજથી સિત્તેર વર્ષ પહેલાં, તમારી ગણતરીની રીતે ગણતાં ઇ.સ. ૧૯૪૪માં. ત્યારે હું બની મનુદાદાની માનસપુત્રી. કોણ મનુદાદા? તમે સૌ તેમને મનુભાઈ પંચોળીના નામથી, કે પછી ‘દર્શક’ના ઉપનામથી ઓળખો છો. પણ મારે માટે તો એ ‘મનુદાદા.’ અઢી હજાર વર્ષ પહેલાં જીવીને મેં જે જે જીરવ્યું તેની વાત તેમણે ‘દીપનિર્વાણ’ નામની નવલકથામાં લખી છે. મનુદાદાએ ૧૯૪૨ની હિન્દ છોડોની લડતમાં ભાગ લીધેલો અને અગિયાર મહિના જેલમાં રહેલા. જેલમાં બેઠાં બેઠાં એમણે આ નવલકથા લખેલી. તમે કહેશો : ઓહો, એમની પેલી જાણીતી ઐતિહાસિક નવલકથાની વાત કરો છો? પણ ના. મારી વાત કહેતી ‘દીપનિર્વાણ’ બીજી કેટલીક નવલકથાઓ જેવી ચીલાચાલુ ઐતિહાસિક નવલકથા નથી હોં. ઇતિહાસની ચોપડીઓમાં જોઈ જોઈને તેમાંથી ઉતારા નથી કર્યા મનુદાદાએ. તેમણે તો પોતાની કલ્પનાથી ભૂતકાળની એક આખી સૃષ્ટિ ઊભી કરી છે. આ નવલકથા લખવા પાછળ તેમનાં ત્રણ પ્રયોજન હતાં. પહેલું, પ્રાચીન ભારતના ગણતંત્રના સ્વપ્નને અંજલિ આપવી. બીજું, એ વખતે પરાધીન હતું તેવા ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપવી. અને ત્રીજું, આંતરિક સત્તાલાલસા સામે લાલ બત્તી ધરવી. મારી, આનંદની, કે સુદત્તના જીવનની વાત કરવી એ તો એમનો ગૌણ હેતુ હતો. છતાં એમણે અમારાં જીવનની વાતો લખી છે. એવી રીતે કે અઢી હજાર વર્ષ પહેલાંનો જમાનો તમારી આંખ આગળ ઊભો થઈ જાય. પણ આજે તો હું પોતે જ તમારી આંખ સામે આવીને ઊભી છું અને તમને મારી વાત કહેવાની છું. અને હા, અત્યારે હું નથી મહાકાશ્યપની પુત્રી, કે નથી મનુદાદાની માનસ પુત્રી. અત્યારે તો હું છું કેવળ એક સ્ત્રી. તો સાંભળો મારી વાત.
ઉતાવળમાં થઈ ગયેલું એકાદ કામ પણ માણસના આખા જીવનમાં કેટકેટલો પલટો લાવી દી છે! હું સુદત્તની શિલ્પકલા પર મુગ્ધ હતી. તેની પદ્મપાણિની મૂર્તિ સર્વોત્તમ બને એ જોવાની મને હોંશ હતી. એ હોંશમાં અને મુગ્ધતાના ઘેનમાં હું એને વચન આપી બેઠી એટલું જ નહિ, પણ મારી અંગૂઠી પણ મેં તેને આપી. કલાનું સન્માન કરવાને બદલે મેં કલાકારનું સન્માન કરવાનો પ્રયત્ન કર્યો. મેં સુદત્તને વચન આપ્યું ત્યારે એ મારી પાસે શું માગશે એની મને ખબર નહોતી એમ તો કેમ કહેવાય? કદાચ મારા મનમાં પણ ઊંડે ઊંડે એ એ જ માગે તો સારું એમ હશે. કારણ હું તેની કલાથી અંજાઈ ગઈ હતી. કલા અને કલાકાર, બંનેને અહોભાવથી હું જોતી હતી. પણ એ અહોભાવને જ પ્રેમ માની લેવાની ભૂલ મેં કરી.
પ્રેમ એટલે શું એ તો મને આનંદનો મેળાપ થયો તે પછી જ સમજાયું. હું આશ્રમમાં વીણા વગાડતી બેઠી હતી ત્યાં આનંદ આવ્યો, અને મને ‘ભગવતી’ કહી બોલાવી એ ક્ષણથી મારા જીવનના વહેણે દિશા બદલી. જે સ્થાન સુદત્તનું છે એમ મારા મનને મનાવવાનો હું પ્રયત્ન કરતી હતી તે સ્થાન આનંદે આપોઆપ, સહજ રીતે લઈ લીધું. પણ એક વાત કહું? સુદત્ત કે આનંદ જ નહિ, હર કોઈ પુરુષ કોઈ સ્ત્રીને જુએ છે ત્યારે પહેલાં તો એના બાહ્ય રૂપને જ જુએ છે. સુદત્ત મારા રૂપ પર જ મોહ્યો હતો. તો આનંદની આંખમાં પણ સૌથી પહેલાં તો મારું રૂપ જ વસ્યું હતું. પણ કેટલાક પુરુષો રૂપ ઉપરાંત સ્ત્રીની અંદર રહેલું બીજું કશુંક પણ જોઈ શકે છે, અને આનંદ તેમાંનો એક હતો. એટલે તો મને જોયા પછી તેણે આંખો બંધ કરી દીધી, કારણ મારું રૂપ મારું સંગીત સાંભળવાની આડે આવતું હતું તેમ તેને લાગ્યું. પુરુષદેહના સૌન્દર્યની બાબતમાં તો આનંદ સુદત્તની કોઈ રીતે બરોબરી કરી શકે તેવો નહોતો. વળી આનંદ સુદત્ત જેટલો ધનવાન પણ નહોતો. પણ આનંદ ધનવાન ભલે ન હોય, સમૃદ્ધ હતો, ખૂબ સમૃદ્ધ હતો. એટલે જ તે મારું વીણાવાદન સાંભળવામાં મારું રૂપ અંતરાય ન બને એટલા ખાતર આંખો મીંચી ગયો. અને તેની આ સંસ્કારસમૃદ્ધિ પર જ હું વારી ગઈ. પરીક્ષા વખતે હું પિતાજી મહાકાશ્યપની અને સુદત્તની હાજરીમાં આનંદને પ્રશ્નો પૂછતી હતી. ત્યાં મેં તેને અચાનક પૂછેલું : “સૂર્યનાં કિરણ કેવાં મનોહર છે?” અને આનંદે કશા સંકોચ વગર જવાબ આપ્યો : “તમારી વેણીના વાળ જેવાં.” એ સાંભળીને મારા તો કાન લાલ થઈ ગયેલા, પણ સુદત્તની આંખો લાલ થઈ ગઈ હતી.
અને કેમ ન થાય? એણે માની લીધેલું કે હું તેની જ છું. એ વચનમાં માગશે, અને હું તેની બની જઈશ. પોતાની માનેલી સુચીને આનંદ ઉપાડી જાય એ સુદત્ત કેમ સહન કરી શકે? જો કે મને લાગે છે કે સુદત્ત શિલ્પકલામાં જેટલો મહાન હતો તેટલો જો જીવનકલામાં મહાન હોત તો હું અને આનંદ એકબીજા પ્રત્યે ઢળ્યાં છીએ એ જાણ્યા પછી ઉદારતાપૂર્વક અમારી વચ્ચેથી ખસી ગયો હોત. એક વાર આનંદે સુદત્તને કહેલું પણ ખરું : ‘જો વસ્તુ મારી છે કે કેમ તેની મને શંકા રહે તો હું તો એ વસ્તુ સામે પણ ન જોઉં.’ પણ સુદત્ત તો ઉલટાનો હઠે ચડ્યો. આનંદને રથ સ્પર્ધામાં હરાવવા માટે તેણે દગો કર્યો. તેમાં ન ફાવતાં આનંદના જન્મ અંગેની ગુપ્ત ઘટના છતી કરીને તેને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ય ન ફાવ્યો ત્યારે મગધરાજ સાથે મળી જઈને મારા પરનું વેર આખા નંદીગ્રામ પર વાળ્યું.
જ્યારે બીજી બાજુ આનંદ? મને હૃદયથી ચાહતો હતો છતાં સુદત્તનો હક્ક પહેલો છે એ વાત સતત સ્વીકારતો હતો. આથી જ આનંદે કહેલું : ‘સુદત્તની જોડે કદિ કૂડ નહિ કરું.’ તેણે સુદત્તને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા. એક વર્ષ નંદીગ્રામની બહાર રહેવા પણ તૈયાર થયો. તેના મનમાં મને ક્યારે ય સુદત્ત માટે દ્વેષની લાગણી જોવા મળી નથી. કારણ પિતાજીએ એક વાર કહેલા શબ્દો આનંદના મનમાં જડાઈ ગયા હતા : “લોકોત્તર પ્રેમ કદી ખેંચતાણ કરતો નથી. જે પોતીકું છે તે યુગયુગાંતરોના વિયોગ પછી પણ પોતીકું મટતું નથી. ને જે પારકું છે તેને ગમે તેટલું નિકટ ખેંચો તો ય પોતીકું થવાનું નથી.” હું જેમ જેમ આનંદને ઓળખતી ગઈ તેમ તેમ મને સમજાતું ગયું કે સુદત્ત પથ્થરની મૂર્તિનો વિધાયક ભલે બની શકે, મારા જેવી જીવતી જાગતી સ્ત્રીના જીવનનો વિધાયક તે બની શકે તેમ નથી. એ વિધાયક તો આનંદ જ બની શકે, અને તેથી જ મેં મનોમન નક્કી કર્યું : “સુદત્તને જણાવી દઈશ કે એની કલાને હું અભિનંદુ છું, પણ એને ચાહી શકતી નથી, ચાહી શકવાની પણ નથી, કારણ કે સુચરિતા આનંદની થઈ ગઈ છે.” પણ એ વખતે સુદત્ત એ વાત સ્વીકારી ન શક્યો.
(વધુ હવે પછી)
સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 06 અૉક્ટોબર 2014