જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને કારણે ટ્રાફિકના પ્રશ્નો ઊભા થતા હતા, તો ઢોરની અડફેટે ચડતાં અનેક લોકોને ઇજા થતી હતી, તો ઘણાના જીવ પણ ગયા હતા. એ સંદર્ભે 24 ઓગસ્ટે હાઇકોર્ટે સરકારને સંભળાવતાં તીવ્રતાથી કહ્યું હતું કે જો સરકાર સક્ષમ ન હોય તો આ મામલે કોર્ટ હસ્તક્ષેપ કરશે. હાઇકોર્ટની લાલ આંખ થતાં સરકારે ગુજરાત વિધાનસભામાં ‘રખડતાં ઢોર નિયંત્રણ’ ખરડો પસાર કરી દીધો. આમ થતાં માલધારીઓને વાંધો પડ્યો ને એમણે કાયદો રદ્દ કરવાની માંગ સાથે સરકાર સામે મોરચો માંડી ગુજરાત માથે લીધું. બીજી તરફ 29 ઓગસ્ટે હાઇકોર્ટે વિધાનસભામાં પસાર થયેલ બિલ કોર્ટના રેકર્ડ પર મૂકવા રાજ્ય સરકારને આદેશ કર્યો ને ઢોરોના ત્રાસને ડામવા અંગેની અને ઢોર રાખનાર માથાભારે તત્ત્વો સામે થતી કાર્યવાહી અંગેની વિગતો અમદાવાદના પોલીસ કમિશનરને આપવા આદેશ કર્યો. એ સાથે જ અમદાવાદ કોર્પોરેશનને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક રખડતાં ઢોર પકડવા હુકમ કર્યો. રાજ્યમાં 52,000 ઢોર રખડતાં હોવાનું સરકારે પણ સ્વીકાર્યું છે. હાઇકોર્ટને એ પણ વાંધો હતો કે બિલ પસાર થઈ ગયું હોય તો તેના અમલમાં વિલંબ કેમ થાય છે?
પણ અમલ જ ન થાય એવી પરિસ્થિતિ માલધારીઓના વિરોધે ઊભી કરી. માલધારી સમાજ દ્વારા બિલના વિરોધમાં આખા રાજ્યમાં દૂધ વિતરણ બંધ કરવાનું ઠરાવ્યું. આ વિરોધે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સરકારને મંજૂર થયેલું વિધેયક પરત ખેંચવાની ફરજ પડી. માલધારી સમાજે અગાઉ વિધેયક પરત ખેંચવા આવેદનપત્રો પણ આપ્યાં હતાં. એની ખાસ અસર ન પડતાં દૂધ વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો ને એની અસર એ પડી કે વિધાનસભા સત્રની શરૂઆતમાં જ સરકારે સર્વ સંમતિથી બિલ પાછું ખેંચવું પડ્યું. જો કે રાજ્યપાલે પણ 17 સપ્ટેમ્બરના રોજ વિધેયકને બિલ પરત મોકલીને ઢોર નિયંત્રણ અંગે પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
લોકો જાણે છે કે ચૂંટણી માથે છે ત્યારે સરકારનું નાક દાબીને મોં ખોલાવી શકાય છે, એટલે ઘણા બધાં ક્ષેત્રોમાંથી માંગણીઓ પૂરી કરવા મોરચા મંડાયા છે. ગાંધીનગર આજકાલ આંદોલન નગર થઈને રહી ગયું છે. આખા રાજ્યમાંથી 26 મોરચા, સરકાર સામે ફેલાઇને પડ્યા છે ને તેમને ખાતરી છે કે ચૂંટણી સામે છે તો સરકાર નિરાશ નહીં જ કરે. સરકારને પણ મત ગુમાવવા પાલવે એમ નથી એટલે આંદોલનો રોકવા માંગણીઓ પૂરી કરવાના વાયદાઓ થાય છે ને એક વાર વિજય થયો કે સરકારને ફરી જતાં તો કોઈ રોકી શકે એમ નથી એટલે ‘લાગ્યું તો તીર નહીં તો તુક્કો’ એ ન્યાયે સરકાર ને પ્રજા બંને વર્તે છે. એમ લાગે છે કે સરકાર ને પ્રજા, બંને તકવાદીઓ જ છે.
બીજા બધા મુદ્દાઓ જવા દઇએ ને માત્ર રખડતાં ઢોરને લગતો મુદ્દો જ વિચારીએ તો એ આંધળાને પણ દેખાય એવું છે કે અનેક શહેરોમાં રખડતાં ઢોરોનો ઉપદ્રવ અનેક સમસ્યાઓ ઊભી કરે જ છે. વાહનોની અડફેટે ઢોર આવી જાય છે તો તે મૃત્યુ પામે છે કે ઇજાગ્રસ્ત થાય છે. એ જ રીતે રખડતાં ઢોરની અડફેટે વાહનો આવી જતાં ઘણાં રાહદારીઓ ઘવાયાં છે કે મૃત્યુ પણ પામ્યાં છે. દેખરેખના અભાવે ઘણી ગાયો પ્લાસ્ટિક ખાઈ જતાં મૃત્યુ પામી છે કે અન્ય ઢોરોને કારણે ટ્રાફિકની પણ સમસ્યાઓ સર્જાઇ છે. આ બને છે ઢોરનાં માલિકો ઢોરને રખડતાં મૂકી દે છે એને કારણે. આવું બને ને સરકાર એ તરફ ધ્યાન ન આપે તો કોર્ટે હસ્તક્ષેપ કરવો પડે. કર્યો. સરકારને રખડતાં ઢોરો પર નિયંત્રણ મેળવવાની તાકીદ કરી, પણ સરકાર જીવ પર ન આવે ત્યાં સુધી કોઈ વાત હાથ પર લેતી નથી. પછી ધ્યાને આવ્યું તો ખરડો બહુમતીને જોરે પસાર કરાવી દીધો. સરકારનું એવું છે કે જેને માટે તે કાયદો કરે છે તેને વિશ્વાસમાં ન લેવાઈ જાય તેની કાળજી રાખે છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના કાયદા કર્યા તેમાં એવું થયું તો રાજ્ય સરકારે રખડતાં ઢોરોનું બિલ મંજૂર કરાવ્યું તો તેમાં પણ સંબંધિતોને પૂછવાની જરૂર તેને ન લાગી. પછી વિરોધ થયો તો પરિણામ કાયદા કે ખરડા પરત ખેંચવામાં આવ્યું. ઢોરોને લગતું વિધેયક મંજૂર તો કરાવી દીધું, સરકારે, પણ પછી માલધારીઓએ વિરોધ ઉગ્ર કર્યો તો વિધેયક પાછું પણ ખેંચી લીધું. આવી તઘલખી સ્થિતિ સરકારને હવે કોઠે પડી ગઈ છે. સાચું એ છે કે સરકાર કાચું કાપવામાં જ પાકી છે.
જો કે, હાઇકોર્ટનો મિજાજ ન ગયો હોત તો સરકાર ખરડો કે બરડો, કૈં જ ધરવા રાજી ન હતી. હવે જ્યારે સરકારે ઢોરોને લગતું વિધેયક પસાર કરાવી જ દીધું છે તો સવાલ એ થાય કે માલધારીઓને વિરોધ કરવાનું કયું કારણ હતું? આમ તો એમણે વિરોધ કર્યો છે, પણ ફોડ પાડીને વિરોધ કેમ કર્યો તે અંગે ખાસ વાત કરી નથી. રખડતાં ઢોરોનો કોઈ ત્રાસ ન હતો ને છતાં સરકારે વિધેયક મંજૂર કર્યું તેનો વાંધો હતો તેવું કહેવું છે, માલધારીઓનું? નથી ખબર. કે ઢોરોને તેનાં માલિકો પૂરતી કાળજીથી પાળે છે ને રખડતાં નથી મૂકતાં ને છતાં સરકાર વિધેયક લાવી તેનો વાંધો માલધારીઓને પડ્યો છે? તેની ય નથી ખબર. કે કોર્ટ કહે છે તેમ રખડતાં ઢોરોના ત્રાસથી કોઈ અકસ્માત થયા નથી કે કોઈ ઘવાયું નથી કે મૃત્યુ પામ્યું નથી એવું માને છે માલધારીઓ? તે ય નથી ખબર. એ ખરું કે સરકારે વિધેયક મંજૂર કરતાં પહેલાં માલધારીઓને વિશ્વાસમાં લેવા જોઈતા હતા, તે ન લીધા, પણ તેનો અર્થ એવો ન થાય કે વિધેયકની જરૂર ન હતી. એક વાત સ્પષ્ટ છે કે આ સરકાર રિપીટ થઈ તો રખડતાં ઢોરોનાં ત્રાસનું વિધેયક મોડું વહેલું આવવાનું છે ને ત્યારે ચૂંટણી નહીં હોય તેથી એની શરમે તે સરકાર દ્વારા પરત ખેંચવાનું નહીં જ બને તે પણ નક્કી !
લોકશાહીમાં વિરોધની તક બધાંને છે, પણ એવો વિરોધ કોઈને પણ ન પરવડવો જોઈએ જેમાં પ્રજાની સહાનુભૂતિ સાથે ન હોય. માલધારીઓએ સરકારનો વિરોધ કરવા દૂધ વિતરણ બંધ કરવાનો નિર્ણય લીધો. એમને એવું હતું કે પ્રજાને તકલીફ પડશે તો સરકારે ઝૂકવું પડશે, પણ દૂધ એવી વસ્તુ છે જે સવારથી નનાંમોટાં સૌની પહેલી જરૂર છે. એ મળવામાં તકલીફ ઊભી થાય તો પ્રજા એવા વિરોધની સાથે ઊભી ન રહે તે કહેવાની જરૂર નથી. આ વિરોધમાં પણ એમ જ થયું. ઘણા ગ્રાહકોને દૂધની તકલીફ ઊભી થતાં તેમણે તો સામેથી દૂધવાળાઓને રોકડું પરખાવ્યું કે હવેથી દૂધ લાવતાં જ નહીં. દૂધ વિતરણ સુમુલે પોલીસ રક્ષણ મેળવીને કરવું પડ્યું. અન્ય સ્થળોએ દૂધ વિતરણ રોકવા વિરોધીઓ દ્વારા હિંસાનો આશરો પણ લેવાયો. આ પણ ઠીક ન થયું ને સૌથી ખરાબ તો એ થયું કે રાજકોટ અને સુરત જેવાંમાં હજારો લિટર દૂધ સડકો પર અને નદીમાં વહેવડાવી દેવાયું, પુલ પરથી દૂધની કોથળીઓ નીચે ફેંકી દેવાઈ કે ક્યાંક તો દૂધનાં ટેન્કરનો વાલ્વ ખોલી દેવાયો ને એમાં હજારો લિટર દૂધ એમ જ વેડફી દેવાયું. ક્યાંક હોસ્પિટલોમાં ને બાળકોમાં દૂધ એમ જ વહેંચી દેવાયું ને એમ દૂધને ઠેકાણે પાડી દેવાયું. કોઈકે તો એવી પણ ટકોર કરી કે આજ સુધી દૂધમાં પાણી નંખાતું હતું, આજે પાણીમાં દૂધ નંખાયું.
જ્યાં દૂધનો ઉપયોગ થયો ત્યાં તો તેનો આવકાર જ હોય, પણ જ્યાં દૂધ વેડફવામાં આવ્યું તે કોઈ રીતે આવકાર્ય બાબત નથી જ ! ગમે એટલો જ વિરોધ કેમ ન હોય, પણ દૂધનો વેડફાટ બધી રીતે નિંદનીય છે. કેટલા ય વિસ્તારોનાં બાળકો દૂધ વગર ટળવળતાં રહ્યાં. એ અત્યંત દુ:ખદ છે કે હજારો લિટર દૂધ, પ્રજાના કોઈ વાંક વગર, પ્રજાને ખપમાં ન લેવા દેવાયું. વારુ, એ રીતે દૂધને વેડફી દેવામાં એ વેડફનાર શું કમાયા તે પણ નથી ખબર, પણ જ્યાં અનેક પ્રકારની અછત ને ગરીબી વચ્ચે પ્રજા જીવતી હોય, જ્યાં હજારો બાળકો કુપોષણનાં શિકાર હોય, જયાં દૂધની એકાદ કોથળી બાળકોને બેઠાં કરી શકે એમ હોય ત્યાં આ રીતે દૂધ ઢોળી દેવું ગુનો નથી તો શું છે? જેમ કેટલાકે કર્યું એમ દૂધ કોઈને એમને એમ આપી દેવાયું હોત તો તે કોઈને મોઢે લાગ્યું હોત, પણ આમ ઢોળી દેવું તો બધી રીતે તિરસ્કારને પાત્ર જ છે. કોઈ મહારાજા પણ આ રીતે દૂધ ન વેડફે ત્યાં માત્ર વિરોધ પ્રગટ કરવા આ રીતે દૂધ વેડફી દેવાય એ કેવળ ને કેવળ ગુનાહિત ને શરમજનક કૃત્ય જ છે. એનો બચાવ ન હોય. ન જ હોય. વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 સપ્ટેમ્બર 2022