રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વીસેક હજાર વિદ્યાર્થીઓને યુક્રેનથી ‘ઓપરેશન ગંગા’ હેઠળ તેમનાં વતન-ભારત પરત લાવવામાં આવ્યા. યુદ્ધની સ્થિતિ પૂરી ટળી નથી એ સ્થિતિમાં આ વિદ્યાર્થીઓએ શું કરવું તે હજી સ્પષ્ટ નથી. યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની યુનિવર્સિટી નહીં બદલવાનો નિર્ણય પણ એક તબક્કે થયો, પણ પછી સરકારે દેશ અને યુનિવર્સિટી બદલવાની છૂટ આપી. ભારત સરકારે 18 ઓગસ્ટના રોજ ગાઈડ લાઇન બહાર પાડી, જેમાં જાહેર કર્યું કે ગયે વર્ષે યુક્રેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં એડમિશન ટ્રાન્સફર નહીં અપાય. એને લઈને વિદ્યાર્થીઓ નારાજ થયા એટલે સરકારે એ નિર્ણય પરત લઈને એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ અપાશે એવી જાહેરાત કરી એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અન્ય દેશોની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની કોશિશો શરૂ થઈ છે, પણ ભારત સરકારે વળી નકાર ભણતાં જાહેર કર્યું છે કે ભારતમાં યુક્રેનના એ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે. સરકારે વારંવાર નિર્ણયો બદલ્યા એટલે વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. છેલ્લે છેલ્લે સરકારે તેનો જવાબ પણ સુપ્રીમમાં દાખલ કર્યો છે. યુક્રેન ભણવા ગયેલા અને યુદ્ધને કારણે ભારત પરત લાવવામાં આવેલા મેડિકલના પહેલાં વર્ષનાં વિદ્યાર્થીઓને એડમિશન ન આપવા અંગે સરકારે એફિડેવિટ કરી છે. એની વિગતો જાણવા જેવી છે.
સરકાર અને નેશનલ મેડિકલ કમિશને સુપ્રીમને જણાવ્યું છે કે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સ્થાનિક કોલેજ, યુનિવર્સિટીમાં સમાવી શકાય એમ નથી. કેન્દ્ર સરકાર વતી જણાવવામાં આવ્યું છે કે ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ કોઈ પણ વિદેશી તબીબી શિક્ષણ સંસ્થા અને નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019 હેઠળ વર્તમાન સત્રમાં નોંધાયેલા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે કોઈ જોગવાઈ અને નિયમ નથી એટલે યુક્રેનથી ભારત આવેલા વિદ્યાર્થીઓને સમાવવાનું અને પ્રવેશ આપવાનું શક્ય નથી. સરકારે જવાબમાં એ પણ ઉમેર્યું છે કે neet –નીટમાં ઓછા માર્કસ આવવાને કારણે આ વિદ્યાર્થીઓ મેડિકલમાં એડમિશન લેવા યુક્રેન ગયા હતા. ત્યાં જવાનું બીજું કારણ ત્યાંની ફી ઓછી છે ને તે શિક્ષણ સસ્તું પડે છે એવું સરકારનું માનવું છે. આવા વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ આપવાથી જેમને અહીં એડમિશન નથી અપાયું એમને અન્યાય કરવા જેવું થશે, એટલું જ નહીં, માપદંડો સાથે સમાધાન કરવા જેવું પણ થશે. આ સ્થિતિમાં આવા વિદ્યાર્થીઓ યુક્રેનની કોલેજમાંથી એપ્રૂવલ લીધાં પછી બીજા દેશોમાં ટ્રાન્સફર લેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. સરકારની વખતોવખત બદલાઈ રહેલી નીતિને કારણે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ, યુદ્ધની અસાધારણ પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક રાહત માંગતી અરજી કરી છે. યુક્રેનથી દેશનિકાલ કરાયેલા લગભગ 14,000 વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી ગયું છે અને તેમનું ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે. તેમને તેમના જ દેશમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગણી સામે સરકારે એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું છે કે આવા વિદ્યાર્થીઓને દેશની કોલેજોમાં સમાવી શકાશે નહીં. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવા વિદ્યાર્થીઓની મદદ કરવા કહ્યું છે. સરકારને વેબ પોર્ટલ બનાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું છે. કોર્ટે એ પણ ઉમેર્યું છે કે વેબ પોર્ટલ પર વૈકલ્પિક વિદેશી યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ ફી અને બેઠકોની સંખ્યા વગેરે માહિતી પૂરી પાડવી જેથી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરી શકે. આ મામલે સરકાર પક્ષે સમય માંગ્યો છે એટલે સુનાવણી હવે 23મીએ થશે.
અત્યાર સુધી તો કોર્ટનું વલણ યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓને અહીં એડમિશન અપાવવાનું જણાતું નથી, બને કે 23મીએ કોર્ટ આઘાત ને બદલે આશ્ચર્ય સર્જે, પણ સરકારનું વલણ બધી રીતે અનુદાર હોવાનું લાગે છે. એ સાચું કે અહીંનું યુવાધન દેશની પરવા કર્યા વગર વિદેશ ભણવાનું અને ત્યાં જ સ્થાયી થવાનું સમજે છે એ ચિંત્ય છે જ, દેશહિત બાજુ પર મૂકીને વિદેશ કમાવા દોડતા વિદ્યાર્થીઓ પણ ઓછા જવાબદાર નથી જ, પણ અત્યંત મોંઘું ભણતર લીધાં પછી પણ જો દેશમાં નોકરીની પૂરતી તકો ન હોય તો યુવાનો દેશની બહાર નહીં તો બીજે ક્યાં તકો શોધશે? અહીં પૂરતી તકો હોય તો વિદ્યાર્થીઓને વિદેશ દોડવાનું કારણ જ કયું છે? વારુ, યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓને અહીં એડમિશન ન આપવા અંગેનાં જે કારણો સરકારે રજૂ કર્યાં છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ અને ક્યાંક તો હાસ્યાસ્પદ પણ છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓએ સર્જ્યુ નથી. આ એમને માટે અણધાર્યું અને જોખમી હતું. સરકારે ઉત્તમ કામ એ કર્યું કે એ વિદ્યાર્થીઓને તે પરત વતન લઈ આવી.
સરકારનું કહેવું છે કે કાયદામાં એવી જોગવાઈ નથી કે મૂળ ભારતીય, પણ હવે વિદેશ ભણતા વિદ્યાર્થીઓને અહીંની મેડિકલ કોલેજોમાં સમાવી શકાય. કાયદાની જોગવાઇઓ સામાન્ય સંજોગોને અનુલક્ષીને કરવામાં આવી હોય, પણ અસાધારણ સંજોગો હોય ત્યારે કાયદાને વળગી રહેવું માનવીય અભિગમથી વિપરીત છે. વળી એવું નથી કે યુદ્ધ જેવા અકલ્પ્ય અને અસાધારણ સંજોગોમાં કાયદાની કલમો બદલાતી કે સુધરતી નથી. એવી કોઈ ગણતરીથી જ કદાચ વડા પ્રધાને યુક્રેનથી પરત લવાયેલા વિદ્યાર્થીઓને મેડિકલની સીટ વધારવાનું આશ્વાસન આપ્યું હશે ને ! એનાથી વિપરીત જવાબ નોંધાવવામાં તો વડા પ્રધાનની વાતનો જ છેદ ઉડાડવા જેવું થાય છે, એવું નહીં?
સરકાર કહે છે કે આ એવા વિદ્યાર્થીઓ છે જે ઓછા માર્કસે સસ્તું ભણતર શોધવા યુક્રેન ગયા છે. તો સરકારને પૂછી શકાય કે અહીં તકો ન હોય તો ને આર્થિક રીતે ન પહોંચી શકાય એમ હોય તો, બીજે પ્રયત્ન કરવો ગુનો છે? જો અહીં જ સરકાર મેડિકલની જગ્યાઓ વધારી શકી હોત તો વિદ્યાર્થીઓને વતન છોડીને વિદેશમાં જવાનો શોખ થયો હતો તેથી યુક્રેન ગયા હતા એવું ન હતું. સરકાર કહે છે કે ત્યાં સસ્તું હતું તેથી ગયા. તે ન જવાનું કોઈ ફરમાન હતું સરકારનું અને છતાં ગયા એવું હતું? ભારત સરકારની મેડિકલની સીટો મર્યાદિત છે. એટલે ઓછી પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં જ એડમિશન લેવું પડે. એ ભણતર અહીં એકથી બે કરોડનું થાય. એટલું ગજું ન હોય ને યુક્રેનમાં એ ભણતર 10 લાખની આસપાસમાં થતું હોય તો ત્યાં ન જવું એવું સૂચવવું છે સરકારે? ને અહીં 2 કરોડ ખર્ચીને તૈયાર થયેલો ડૉક્ટર 2 કરોડ વસૂલ કર્યાં વગર જ તબીબી સેવા આપે છે, એવું? હકીકત તો એ છે કે અસહ્ય મોંઘા ભણતરે અનેક અનર્થ સર્જ્યાં છે. આટલું મોંઘું તબીબી શિક્ષણ સસ્તું થાય તે અંગે કોઈ પ્રયત્ન થાય છે ખરા કે તેને કેવળ મોંઘું રાખવાથી જ ઉત્તમ તબીબો પેદા થાય એમ છે તે અંગે ગંભીરતાથી વિચારવા જેવું છે. અનિવાર્યપણે જે થતું હોય તે ભલે શિક્ષણમાં થાય, પણ પરાણે શિક્ષણ મોંઘું કરીને શિક્ષિતોને કમાણી માટે છૂટા છોડી દેવા જેવું થતું હોય તો તે યોગ્ય છે? એ સાથે જ આ કહેવાતું મોંઘું શિક્ષણ વિશ્વની યુનિવર્સિટીઓની બરાબરી કરી શકે છે એવો દાવો કરવાની સ્થિતિમાં સરકાર છે ખરી? એટલે સરકાર ધોરણ અંગે એફિડેવિટ કરે છે ત્યારે વિદેશથી ચડિયાતું શિક્ષણ અહીં અપાય છે એવી છાપ ઊભી થાય છે. એવી કોઈ વૈશ્વિક ગુણવત્તા ભારતની યુનિવર્સિટીઓ નથી જ ધરાવતી એ સ્વયં સ્પષ્ટ છે. તો, કયા જોર પર સરકારને લાગે છે કે અહીંના જેવી ગુણવત્તા કોઇની નથી ને યુક્રેનની ગુણવત્તા તો એની તોલે ક્યાં ય ન આવે? સરકાર જ્યારે મોટા ઉપાડે યુક્રેનથી વિદ્યાર્થીઓને ભારત લઈ આવી ત્યારે મેડિકલના વિદ્યાર્થીઓનાં ભણતરનો પ્રશ્ન ઊભો જ નહીં થાય એવું લાગતું હતું? એવું જ હતું તો આ દેશના વિદ્યાર્થીઓને પરત લાવવાની જીવદયા દાખવવાની જરૂર જ શી હતી? જો અહીં એમને લાવવામાં આવ્યા જ છે ને ત્યાં સ્થિતિ સામાન્ય નથી જ ત્યારે એમનાં યોગક્ષેમની ચિંતા કરવાની રહે જ છે.
કમાલ તો એ છે કે સરકાર સલાહ આપે છે કે જેમને એડમિશન જોઈતું હોય તે બીજા દેશોમાં એડમિશન લઈ શકે છે. કેમ જાણે મેડિકલના વિદ્યાર્થીઓને એની ખબર જ નથી. આ દેશના વિદ્યાર્થીઓને ગુણવત્તાને નામે અહીંની જ સરકાર એડમિશન આપવા તૈયાર ન હોય તો બીજા દેશને એટલી શી ગરજ છે કે ઓછી પાત્રતાવાળા વિદ્યાર્થીઓને એડ્મિશન આપીને પોતાની ગુણવત્તા દાવ પર લગાવે? જરા પણ વિચારવાની ક્ષમતા બચી હોય તો સરકારે વહેલી તકે આ દેશમાં એડમિશન લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવી જ જોઈએ. એમનું ભાવિ તો યુદ્ધે અનિશ્ચિત કર્યું જ છે તેને સરકાર વધુ અનિશ્ચિત કરે એ બરાબર નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 સપ્ટેમ્બર 2022