કાવ્યકૂકીઝ
મારું પહેલું શ્રાદ્ધ આવી રહ્યું છે ત્યારે –
કેમ છો, છોકરાંઓ,
હવે હું નથી એટલે મજામાં તો હશો જ !
આમ મને ભૂખે માર્યો
પણ શ્રાદ્ધ દૂધપાકથી કરશો તે ખબર છે
પણ તેમાં ટીકડી નાખવાનું ભૂલશો નહીં
મર્યાં પછી પણ ડાયાબિટીસ મટ્યો નથી
એટલે બહુ ગળ્યું કૈં કરશો નહીં
આડે દા’ડે તો રીંગણ ખાવ જ છો
પણ મારી બાજમાં રીંગણ મૂકશો નહીં
મૂકશો તો બાજને હું અડીશ નહીં !
મારી દીકરીને શ્રાદ્ધમાં જમવા તેડજો
એને દૂધપાક જોર કરી કરીને ખવડાવજો
કારણ એને એ જરા પણ ભાવતો નથી
એમ થશે તો મારી ઈચ્છા વિરુદ્ધ એ પરણેલી
એ વાતનો બદલો લઈ શકાશે
મારી મિલકતના ભાગ પડી ગયા હશે
એટલે ચારેક ઘરોમાં મારું શ્રાદ્ધ થશે
પણ હું ચાર ચાર બાજ જમી શકું એમ નથી
કૂતરાની જેમ હડે હડે મને કર્યો
ને ઘરમાં કૂતરાનો નંબર પહેલો રાખ્યો
હવે અમે બંને સરખા છીએ
એટલે કૂતરાની બાજમાં જ મોં મારી લઇશ
મન્ચૂરિયન કે પિત્ઝા, પ્લીઝ, ના મૂકશો
મને એ નથી જ ભાવતાં !
જો કે મારો જનમ શેટ્ટીને ત્યાં થયો છે
ને દૂધને બદલે મારો બાપ સાંબર જ પાય છે
એ તો બોલાતું નથી એટલે ઢીંચી જાઉં છું
બાકી ભાવે તો ગુજરાતી થાળી જ !
બને તો કેળાં બાજમાં મૂકજો
ને છાલ કાઢીને વળી કેળાં ધોવા ના બેસતાં
તમે તો પાણી પણ ધોઈને વાપરો એમાંના છો
પણ મને બધું ચાલશે
ને છેલ્લે ખાસ વાત
મર્યા પછી હું પૂર્વજ નહીં, પશ્ચિમજ થયો છું
મતલબ, બધા કાલાકૌવા જ થાય એવું નથી
હું કાકાકૌવા થયો છું
પંદર દા’ડા કાગડાને બાજ મૂકો છો
પણ પછી તો એનો ભાવેય નથી પૂછતાં
એટલે મારી બાજ કાકાકૌવાને જ મૂકજો
ને આજુબાજુ કોઈ કાગડી ન હોય તે જોજો
તમારી મમ્મીએ હજી મારો કેડો મૂક્યો નથી
વધારે શું કહું? આવજો –
000
e.mail : ravindra21111946@gmail.com
(“સંદેશ” બુધવારની પૂર્તિ)